ચિંતા ટાળી ચિંતન કરીએ – ડૉ. મોહનભાઈ પટેલ

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

ચિંતાતુર માણસનો ચહેરો જોજો, તેનામાં સ્ફૂર્તિ નહિ હોય, તે સૂનમૂન હશે. હતાશા એને ઘેરી વળેલી જણાશે. આ ચિંતા બહુ નકામી છે. ઢોલા મારુ કહે છે : ‘ચિંતાએ સારા જગતને બાંધ્યું છે, પણ ચિંતાને કોઈ બાંધી શક્યું નથી. જે મનુષ્ય ચિંતાને વશ કરી લે છે તે સિદ્ધિ પામે છે.’

સફળતા પામવામાં કેટલાંક પરિબળો નડતરરૂપ નીવડે છે. તેમાં ચિંતાનો ક્રમ પહેલો છે. માણસ કાલ્પનિક ભયથી ડરીને ચિંતા કરે છે ને ક્રમશ: તે નકારાત્મક વલણ ધરાવતો થઈ જાય છે. તેને બધે જ બધું જ નકામું દેખાય છે. તે આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. ‘હું તો નકામો છું, મારાથી આ તો થાય જ નહિ. આ મારી શક્તિ બહારની બાબત છે….’ આવું આવું વિચારીને તે નિષ્ક્રિય બેસી રહે છે. વધુ વિચારો કરવા માંડી વાળવાથી બહુ રાહત રહે છે. કામમાં પરોવાયેલા રહેવું. બહુ વિચારો કરવાથી મગજ બહેર મારી જાય છે ને ચિંતિત બની જવાનો ભય રહે છે.

કાલ્પનિક મુશ્કેલીથી માણસ ડરી જાય છે. સોમવારે મારા પર આફત ત્રાટકશે એમ કલ્પી લઈને માણસ ગુરુવારથી જ ચિંતાના દબાણ હેઠળ આવી જાય છે. ગુરુ, શુક્ર, શનિ, રવિ – આમ એના ચાર દિવસ નિષ્ક્રિયતામાં વીતે છે. પછી સોમવારે એના પર આફત ન ત્રાટકે ત્યારે એને એમ થાય છે કે હું નાહકનો ડરી ગયો હતો. જેમ પડશે તેમ દેવાશે એવું મનોવલણ કેળવીને માણસે મુક્ત રહેવું જોઈએ. પ્લિની કનિષ્ઠના મતે – ‘દુ:ખની તો સીમા હોય છે, જ્યારે ચિંતા અસીમિત હોય છે.’ ચિંતાથી માણસ શારીરિક સ્વાસ્થ્ય પણ ગુમાવતો થાય છે. ચિંતા એને ગળી જાય છે અને કેરીના ગોટલા જેવો કરી નાખે છે. ચિંતા વિશે ગાંધીજી કહે છે કે – ‘રચનત્મક ધ્યેયની પૂર્તિ માટે વિવિધ ઉપાયોનું મનન કરવા પૂરતી ચિંતા ઈચ્છનીય છે પણ જ્યારે તે શરીરને જ ખાવા લાગે ત્યારે તે અનિચ્છનીય છે કારણ કે પછી તો તે પોતાના ધ્યેયને જ ખોઈ બેસે છે.’

માણસ ધ્યેય વગરનો બને ત્યારથી તેનું સાચું જીવન સમાપ્ત થઈ ગયેલું જાણવું. પશુ-પક્ષીઓને ખાવા-પીવાનું ને પ્રજનનનું જ ધ્યેય હોય છે, આપણે મનુષ્યો આ ધ્યેયને ગૌણ ગણી બીજાના હિતનો પણ વિચાર કરીએ છીએ. એમાં જ જીવનનું સાર્થક્ય છે એમ માનીએ છીએ. ચિંતા કરો પણ સચ્ચારિત્ર્યની અને ઉન્નતિની કરો. હકારાત્મક અભિગમ કેળવો ને આગળ વધતા રહો. જ્યારથી તમે અન્યના સુખનો વિચાર કરીને જીવવા માંડશો ત્યારથી તમારું જીવન ઉન્નતિને પંથે ગતિ કરશે એમ માની લેજો. ચારિત્ર્યનું જતન કરવામાં જરાય પાછી પાની ન કરતા. તમારું મૂલ્ય લોકો તમારા સચ્ચારિત્ર્યને જોઈને-અનુભવીને કરતા રહેશે. મૂઢ બનીને બેસી ન રહેશો. ઉન્નતિ કરવા મથતા રહેજો. આર્થિક ઉન્નતિ અમુક હદ સુધી બરાબર છે પણ ખરી ઉન્નતિ તો લોકકલ્યાણનાં કાર્યો કરવાથી થાય છે. પીડિત લોકોની વહારે ધાતાં શીખો. એમની પીડા તમે ઓછી કરી શકો, દૂર કરી શકો એ તમારી ખરી કમાણી છે.

તમે મહાપુરુષોની રહેણીકરણી તપાસશો તો તરત સમજાશે કે તેઓ સદા લોકોના હિત ખાતર જ પોતાની શક્તિ, બુદ્ધિ, ધન, સમય વાપરે છે. સરદાર પટેલ મૃત્યુ પામ્યા ત્યારે તેમના નામે કશી માલમિલકત ન હતી. એમણે તો પોતાની જાતને દેશના હિત ખાતર સમર્પી દીધી હતી. રવિશંકર મહારાજને પણ ક્યાં કશી સંપત્તિ હતી ! ને તોય હજારો-લાખો લોકોનાં હૃદયમાં તેમનું ઊંચેરું સ્થાન હતું અને છે. ચિંતા કર્યા કરવામાં સમય વેડફવાની જરૂર નથી. બેરિયલ ફિજર કહે છે તેમ : ‘જેટલો સમય આપણે કોઈ કામની ચિંતામાં લગાવીએ છીએ એટલો જસમય જો કોઈ કામ પાછળ લગાડીશું તો ચિંતા જેવી કોઈ વસ્તુ જ નહિ રહે.’

કાર્યરત રહેવામાં ખરી મજા છે. નાનુંમોટું કામ હાથ પર લીધા કરવાની ટેવ કેળવો. તેને કાળજીથી પાર પાડવા મથ્યા કરો. પછી ચિંતા આપોઆપ ગાયબ થઈ જશે. ચિંતાનો મોટામાં મોટો ગેરફાયદો એ છે કે તે વર્તમાન સમયની શક્તિનો હાસ કરી નાખે છે અને માણસને નિરાશાની ખાઈમાં ધકેલી દે છે. કોરી ટેન બૂમ સાચું જ કહે છે કે – ‘ચિંતા આપણી આવતી કાલનો વિષાદ ઘટાડવાથી નથી પણ એ આપણી આજની શક્તિમાં ઘટાડો કરે છે.’ ધર્મગ્રંથો એવો જ ઉપદેશ આપે છે કે તું તારા કાર્યમાં રોકાયેલો રહે, બીજાઓ શું કરે છે કે કહે છે એની ચિંતા કરવાનું છોડી દે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સુનો મેરે ગુનિયા – શાહબુદ્દીન રાઠોડ
બંધન અને મુક્તિ – નવીન વિભાકર Next »   

12 પ્રતિભાવો : ચિંતા ટાળી ચિંતન કરીએ – ડૉ. મોહનભાઈ પટેલ

 1. અતુલ જાની (આગંતુક) says:

  ચિંતાનો મોટામાં મોટો ગેરફાયદો એ છે કે તે વર્તમાન સમયની શક્તિનો હાસ કરી નાખે છે.

  આપણી સંપુર્ણ સંપતી એટલે આપણી વર્તમાન સમયની શક્તિ. અને આપણી આ સંપુર્ણ સંપતિનો નાશ કરનારી અને આપણને નિરાશાની ગર્તામાં ધકેલવા માટે તત્પર રહેતી આ ચિંતાના સ્થાને ચિંતનને મુકવાથી આપણી વર્તમાન સમયની શક્તિમાં અનેક ગણો વધારો થશે.

  ચિંતા કરવાને બદલે માત્ર આપણે ઍટલું જ ચિંતન કરીએ કે હું આ ક્ષુદ્ર દેહ, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત કે અહંકાર નથી પરંતુ આ સમગ્ર પ્રતિત થતાં દ્રશ્ય જગતની પાછળ રહેલો અમૂર્ત આત્મા છું. મારી સત્તાથી તો આ બધાનું અસ્તિત્વ છે. હું અવિનાશી, અમર, અજન્મા, દેશ અને કાળથી પર એવો આનંદ સ્વરૂપ આત્મા છું. તો માત્ર આટલા ચિંતનથી જ આપણામાં શક્તિનો અદભૂત સંચાર થશે અને વનમાં સાવજ ગરજે ત્યારે બીજા નાના મોટા પ્રાણીઓ જેમ ભયથી ક્યાંના ક્યાંય ભાગી જાય છે તેમ ચિંતા એવી તો ભાગશે કે પછી ગોતી ય નહી જડે.

  લ્યો ત્યારે ચિંતાને હવે રામ રામ.

 2. Navneet says:

  એકદમ સાચુ …. Worry is a misuse of the imagination.

 3. ભાવના શુક્લ says:

  જેટલો સમય આપણે કોઈ કામની ચિંતામાં લગાવીએ છીએ એટલો જસમય જો કોઈ કામ પાછળ લગાડીશું તો ચિંતા જેવી કોઈ વસ્તુ જ નહિ રહે.’
  …………………………………………………..
  આ એક સારરુપ અને અનુભવસિદ્ધ વાત છે.. હકિકત કરતા હકિકતની કલ્પના વધુ ડરામણી, ભયજનક અને હતાશાપ્રેરક હોય છે. શુ થશે??ની ચિંતામા દરેક વખતે બધુ સાંગોપાંગ ઉતરી જ જાય અને પ્રશ્નોતો આવે જ પણ ન જાણ્યા હોય તેવા ઉકેલો તેની સાથે જ લાવે.. દરેક ભુલભુલામણી નો એક માત્ર ક્લુ “આત્મવિશ્વાસ થી ઝંપલાવો”. મારી મમ્મી હુ બહુ નાની હતી ત્યારથી એક વાક્ય વારંવાર કોઇપણ મુશ્કેલીમા બોલતી “ચિંતા શુ કરવાની.. સૌ નુ થશે તે વહુ નુ થશે” અને આ બ્રહ્મવાક્યે મને અનેકાનેક મુશ્કેલીભર્યા માર્ગે સંપુર્ણ સાથ આપ્યો. ગાફેલ રહેવાની વાત નથી જરાપણ પરંતુ વ્યર્થ ચિંતા કરી ખોટા બીજા કોમ્પ્લિકેન્સ ના ઉભા કરવા તે તો જરુરી જ છે.

  લ્યો ત્યારે ચિંતાને હવે રામ રામ.

 4. Pragnaju Prafull Vyas says:

  ડૉ. મોહનભાઈ પટેલનો ખૂબ સુંદર લેખ
  માણસનું જીવન એવા આનુવંશિક તત્વોથી કાબુમાં હોય છે,જે શરીરની ૫૦ કરોડ ખરબ કોશિકાઓમાં હોય છે.ચિંતા સંવેદનો સીધા,મગજની અંદર રહેલા શરીરની ઘણી બધી પ્રક્રિયાઓ માટે જવાબદાર, હાઈપોથેલમસ પાસે મોકલે છે.
  ચિંતામાંથી ચિતા સર્જાય છે!
  તેના કરતાં “તું તારા કાર્યમાં રોકાયેલો રહે, બીજાઓ શું કરે છે કે કહે છે એની ચિંતા કરવાનું છોડી દે” અને
  પ્રભુ ચિંતન કર…
  ચિંતા ચતુર્ભુજ કરે અમારી,
  ભૂલશો ચિંતન તમે નહીં.
  તે સિદ્ધિ પામે છે.

 5. vijay manek(Manchester) says:

  excellent artical!If you worry you will die,if you don’t worry you will die, so why worry?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.