બંધન અને મુક્તિ – નવીન વિભાકર

[‘આઘાત-પ્રત્યાઘાત’ પુસ્તક્માંથી સાભાર.]

‘પપ્પા ! તમે કેટલાય વખતથી મને ઢીંગલી અપાવવાનું કહો છો, પણ અપાવતા જ નથી ! આજે તો હવે અપાવવી જ પડશે.’ મિતુએ પિતાને ગળે વળગાવતાં કહ્યું.
મિતુની મા માલાએ પોતાના પતિને કહ્યું : ‘હા, દીપક ! તું એને રોજ વાયદાઓ આપે છે તે આજ તો એને ‘ટૉયસ સેક્શન’માંથી એક ઢીંગલી અપાવી દે. એટલામાં હું કૉફી તૈયાર રાખું છું. ‘ એટલે દીપક પોતાની નાની પુત્રી મિતુને લઈને ‘અકબરઅલી સ્ટોર્સ’ના ‘ફૉફી બાર’માંથી ‘ટૉયઝ સેક્શન’ તરફ ગયો. એ ‘સેક્શન’માંની લેડી સેલ્સમેનને એણે કહ્યું : ‘એક્સક્યૂઝ મી, પેલી ઢીંગલી જરા…’ પણ ત્યાં તો એ લેડી-સેલ્સમેનને ઓળખી જતાં એણે કહ્યું : ‘કોણ, જ્યોતિ ? તું અહીં ?’
અને દીપક તરફ જોતાં જ્યોતિએ કહ્યું : ‘દીપક ! દીપુ…. તું ?’ અને ફકત અપલક નેત્રે દીપકને જોઈ રહી. એની આંખોમાંથી એ વેળા નીતરી રહેલી કરુણાને દીપક જૂની પણ ભુલાઈ ગયેલી ઓળખાણનો ચમકારો સમજી રહ્યો.
સહેજ વિહવળ સ્વરે દીપકે કહ્યું : ‘જ્યોતિ ! તને અહીં જોઈને….’
‘શું કહ્યું ?’ જ્યોતિએ પૂછ્યું.
‘ઓહ ! આઈ એમ સૉરી. મારે હવે તને ‘જ્યોતિ ! તને અહીં જોઈને….’
‘શું કહ્યું ?’ જ્યોતિએ પૂછ્યું.
‘ઓહ ! આઈ એમ સૉરી. મારે હવે તને ‘જ્યોતિ’ ન કહેવું જોઈએ.’
‘ના દીપક ! ના ! એ શબ્દ સાંભળવા તો હું છેલ્લાં ત્રણ વર્ષથી તલસી રહી છું. ‘મિસિસ પારેખ’ સાંભળી સાંભળીને તો હું કંટાળી ગઈ છું ! આવું મીઠું અને મમતાભર્યું સંબોધન મેં કેટલેય વખતે સાંભળ્યું.’
ત્યાં તો મિતુએ કહ્યું : ‘પપ્પા ! જુઓ, પેલી ઢીંગલી કેટલી સરસ છે ? એ મને અપાવો ને ?’
અને બેઉ પોતપોતાના દિવાસ્વપ્નમાંથી જાગી ગયાં. બેઉની વિચારમાળા તૂટી, મણકા ભોંય વેરાયા ને જાણે સેળભેળ થઈ ગયા.

જ્યોતિએ પછી મિતુને સહેજ વહાલથી પોતાની પાસે ખેંચી. પછી તેણે માગેલી ઢીંગલીવાળું બૉક્સ ખેંચી કાઢી તેના હાથમાં મૂક્યું અને તેને એક ચૂમી લીધી. પછી તેણે દીપકને કહ્યું : ‘દીપક ! તારી બેબીને મારા તરફથી આ એક નાનકડી ભેટ સમજજે.’ દીપકને લાગ્યું કે પોતે હવે જો વધુ વખત જ્યોતિ પાસે ઊભશે તો પોતાની સ્વસ્થા ખોઈ બેસશે. એટલે તેણે એ ભેટ આનાકાની વગર સ્વીકારી લઈ, પોતાની ડાયરીમાં જ્યોતિના ઘરનો ટેલિફોન નંબર પૂછીને નોંધી લઈ ‘કૉફી સેક્શન’માં માલા પાસે જવા પગલાં ઉપાડ્યાં. જ્યોતિ તેને જતો જોઈ રહી. તેનું મન ઘડીભર ભૂતકાળનાં મીઠાં સ્મરણોને ઝૂલે ઝૂલી રહ્યું. પણ એ સ્મરણોને એ વાગોળે તે પહેલાં તો કોઈક ગ્રાહક આવી ચઢ્યો ને જ્યોતિ કામે લાગી ગઈ.

દીપકને પાછો આવેલો જોઈ માલાએ કહ્યું : ‘બહુ વાર લગાડી. કૉફી ઠંડી થઈ ગઈ. કેમ મિતુડી ! ‘આ નહિ ને પેલી નહિ’ કહી પપ્પાને ખૂબ હેરાન કર્યા ને ? ઢીંગલી તો સરસ છે. કેટલાની આવી ?’
ત્યાં તો તરત જ મિતુએ કહ્યું : ‘મમ્મી ! ઢીંગલી પપ્પાએ નથી લીધી “આન્ટી” એ આપી.’
‘આ “ડિપાર્ટમેન્ટલ સ્ટોર” માં વળી તારી કોણ “આન્ટી” નીકળી આવી ?’
દીપકે કહ્યું : ‘પેલી જ્યોતિ ખરી ને ? તું તો ઓળખે. એ જ !’
‘કોણ ? પેલી જ્યોતિ પારેખ ? કેમ ન ઓળખું ? કૉલેજમાં એ ભણતી ત્યારે તમે બે ઓછાં ગવાયાં હતાં ? હા, હવે યાદ આવ્યું. એ આ સ્ટોરમાં જ કામ કરે છે, પણ મિતુને ઢીંગલી એણે શા માટે અપાવી ?’
‘જૂની ઓળખાણને લીધે, પણ માલા ! મને નવાઈ લાગે છે. જ્યોતિને અહીં નોકરી શા માટે કરવી પડતી હશે ? મેં તો સાંભળેલું કે તે પેલા સમીરને પરણી હતી ને સમીરની સ્થિતિ તો ઠીક ઠીક હતી.’
‘છેલ્લાં થોડાં વર્ષથી આપણે અહીં નહોતાં એટલે તને ક્યાંથી ખબર હોય ? તેં મને પરાણે બીજી પ્રસુતિ માટે છ મહિનાથી અહીં બા પાસે મોકલી છે. મારો વખત પસાર કરવા મેં બાજુના બ્લૉકવાળાં વીણાબહેનની ઓળખાણ કરી. જ્યોતિ તેમને ત્યાં ટ્યૂશન આપવા આવે છે. વીણાબહેને એક દિવસ મને વાતમાં વાત કરી કે જ્યોતિના વરે આપઘાત કર્યો અને સ્થિતિ બગડતાં બિચારીને નોકરી કરવી પડે છે. ચાલ, હવે ઊઠીએ. બા ચિંતા કરતાં હશે.’

જ્યોતિની વાત સાંભળી દીપક કાંઈક ઉદાસ થઈ ગયો હતો. ‘કાર’ ચલાવતાં તે કાંઈ બોલ્યો નહિ. તેના દિલમાં જ્યોતિ માટે અનુકંપા ઉદ્દભવી. તેની સંવેદના જાગી ઊઠી. તેને માનમાં વિચાર આવ્યો : ‘શું જ્યોતિ પ્રત્યે મારી કોઈ ફરજ નથી ? એક વાર સ્નેહ કર્યો એ પ્રાપ્ત ન થયો, પણ એથી શું એને વિસારે પાડી દઈ શકાય ?’ અને ઘેર પહોંચતાં એણે માલાને કહ્યું : ‘માલા ! મારી એક વાત માનીશ ?’
દીપકના સ્વરમાંની વિહવળતા પામતાં માલાને ચિંતા થઈ. તેણે પૂછ્યું : ‘દીપક ! તું આમ અસ્વસ્થ કેમ થઈ ગયો છે ?’

‘માલા ! પાંચ વર્ષના આપણા લગ્નજીવનમાં આપણે એકબીજાને ઓળખી શક્યાં છીએ. કશી ગેરસમજ ન કરીશ, માલા ! પણ તને નથી લાગતું કે જ્યોતિ પ્રત્યે મારી કોઈ ફરજ હોઈ શકે ?’
સ્નેહપૂર્વક દીપકનો હાથ દબાવતાં માલાએ કહ્યું : ‘દીપક ! તારી સ્થિતિ હું સમજી શકું છું. ગેરસમજનો કોઈ પ્રશ્ન જ નથી. લગ્ન પહેલાં જ તેં મારી પાસે તારા ને જ્યોતિના સ્નેહસંબંધ વિશે નિખાલસ એકરાર કર્યો જ હતો. જ્યોતિની સ્થિતિ સાંભળી તને લાગી આવે એ સ્વાભાવિક છે. કહે દીપક ! આપણે શું કરી શકીએ ?’
‘માલા ! એ એકલીઅટૂલી છે. આપણે તેના મિત્રો ન બની શકીએ ?’
‘મિત્રો બનવામાં મને વાંધો નથી, પણ મારી પ્રસૂતિ પછી તો આપણે દિલ્હી ચાલ્યાં જઈશું, પછી ?’
‘હું તને એ જ કહેવાનો હતો. ઑફિસમાં એક જગ્યા ખાલી છે. જ્યોતિને એ જગ્યાએ નીમું તો ?’

માલા સહૃદય જરૂર હતી પણ મૂર્ખ નહોતી. એણે ભયસ્થાનની આગાહી કરી લીધી. એટલે તેણે કહ્યું : ‘દીપક ! તું પૂછે છે તો ખુલ્લે દિલે તને કહું છું. સતત પાસે રહેતાં લાગણીનો ઉછાળો પાછો નહિ આવે ? અત્યારે મારી વાત સાંભળીને જ તું આટલો ઊર્મિલ થઈ ગયો તો પછીથી શું ન થાય ? આપણે જ્યોતિને આર્થિક મદદ કરી શકીએ, પણ સહવાસ ન આપી શકીએ. અગ્નિને સંકોરતાં તે વધુ સતેજ થાય જ, વળી એ પણ તારે વિચારવું જોઈએ કે તારા આ વિચારથી મને પણ કશું નહિ થયું હોય ? શું હું તને નથી ચાહતી ? પણ દીપક ! જીવનમાં ઊર્મિલતા અને વ્યવહારને નથી બનતું. બેમાંથી એકની પસંદગી કરવાની હોય છે. તું આ વિશે સ્વસ્થતાથી વિચાર. હું બાને કામમાં મદદ કરું.

અને આજ પહેલી જ વાર દીપકને સ્નેહનું બંધન અકારું લાગ્યું. તેને થયું કે એક રીતે માલાની વાત સાચી હતી, પણ એમ છતાં માલાએ પતિમાં વિશ્વાસ મૂકવો જોઈતો હતો. શા સારુ જ્યોતિ અને પોતે મિત્રો તરીકે ન રહી શકે ? એક વાર સ્નેહ હતો એટલે શું એ સ્નેહને શંકાદષ્ટિએ જોવો ? એ સ્નેહ મૈત્રીમાં ન પરિણમી શકે ? આવા આવા વિચારોની પરંપરામાં ગૂંચવાયેલા દીપકે સિગારેટ કાઢવા ખીસામાં હાથ નાખ્યો. તેનો હાથ ખીસામાંની ડાયરીને ભટકાયો. જ્યોતિનો ટેલિફોન નંબર તેને યાદ આવ્યો. ઝડપથી ડાયરીમાં નંબર જોઈને તેણે ફોનનું ‘ડાયલ’ ફેરવ્યું. તેના મનમાં જ્યોતિ જ રમી રહી. માલાના સ્નેહનું બંધન તેને ખૂંચવા લાગ્યું. એ બંધન તોડી નાખવા તેનું મન ખીલે બાંધેલા વાછરડાની પેઠે કૂદી રહ્યું.
‘હલ્લો જ્યોતિ ! હું દીપક બોલું છું.’
‘કેમ, કંઈ એકાએક ?’
‘ત્યાં ‘સ્ટૉર’માં વાતો થઈ ન શકી. આપણે પાછાં ન મળી શકીએ ?’
‘ભલે, કાલે સાંજે સાડા પાંચે.’
‘ક્યાં ?’
‘મારે ઘેર જ.’

અને બીજે દિવસે સાંજે દીપક જ્યારે જ્યોતિના ઘરમાં દાખલ થયો ત્યારે જ્યોતિ તેની રાહ જ જોઈ રહી હતી. દીપકને આવેલો જોઈ તેના મોં પર સ્મિત વિલસી આવ્યું. અને જ્યોતિની સફેદ સાડી જોઈને દીપકે કહ્યું : ‘તને હજી યાદ રહ્યું લાગે છે, જ્યોતિ ! કે મને સફેદ રંગ ખૂબ ગમે છે.’
‘હા, દીપક ! જૂની વાતો કેટલીક વાર મન પર અજબ રીતે છવાઈ જાય છે. પણ એ તો કહે, આટલાં વર્ષ તું ક્યાં હતો ?’ ચા બનાવતાં જ્યોતિએ પૂછયું.
‘બાપુજીએ દિલ્હીમાં “એક્સપોર્ટ – ઈમ્પોર્ટ” ની શાખા ખોલી છે, ત્યાં મને મોકલ્યો છે.’
‘તને કોણે કહ્યું કે “અકબરઅલી” માં હું કામ કરું છું ?’
‘કોઈએ નહિ, માલા સાથે કૉફી પીવા ત્યાં ગયેલો.’
‘માલા ?’
‘હા, મારી વાઈફ. તને યાદ હોય તો કૉલેજમાં એ આપણી સાથે જ ભણતી.’
‘હા યાદ છે ! પ્રારબ્ધની વાત છે, નહિ તો એની જગ્યાએ આજે હું હોત.’
‘હા, જ્યોતિ ! તને મારું કુટુંબ ન ગમ્યું. તને થયું કે તું એવડા મોટા કુટુંબમાં ભળી નહિ શકે. તને હું એકલો જ જોઈતો હતો. તું સમીરને પરણી ને એ પછી એકાદ વર્ષે હું માલાને પરણ્યો. પછી દિલ્હી જવાનું થયું. જ્યોતિ ! દિલ્હીમાં પણ હું તને ક્યારેય ભૂલ્યો નથી ! જ્યારે તું મને એકલાને ઈચ્છતી હતી ત્યારે હું કુટુંબ સાથે હતો અને અત્યારે એકલો છું. તું…’
‘દીપક ! વીતેલી વાતો યાદ કરી જીવન શા માટે બગાડવું ? હું સમીર સાથે સુખી ગૃહજીવન ગાળતી હતી, પણ મારા જીવનનો એ કરુણ અકસ્માત હું કદી નહિ ભૂલું !’
‘પણ લોકો તો કહે છે કે એ અકસ્માત નહિ પણ આપઘાત હતો, પણ જ્યોતિ ! હું તને પૂછી શકું છું કે બેમાંથી સાચી વાત કઈ ?’ અને રુઝતા જતા જખમને અડતાં લોહી વહેવા માંડે તેમ જ્યોતિની આંખોમાંથી આંસુ વહેવા માંડ્યાં ! એ જોઈ દીપકે કહ્યું : ‘માફ કર, જ્યોતિ ! મેં તને દુ:ખી કરી. મારે નથી સાંભળવું.’

‘ના, દીપક ! કોઈક પ્રિયજન આગળ હૈયું ઠાલવવા હું ઘણા વખતથી તલસી રહી હતી. આ સંસારમાં હવે મારું કોણ છે ? સમીર જતાં મેં મારી ‘સિંધુ’માં દિલ પરોવ્યું, પણ એક વર્ષની થતાં તો એને શીતળા ભરખી ગયાં. હવે તો છેક જ અટૂલી પડી ગઈ છું. ‘સ્ટોર’માં આજે તને જોયો ત્યારે મારી સૂતેલી સંવેદના જાગૃત થઈ ઊઠી. મને થયું કે ‘હજી આ જગતમાં મારું કોઈક છે.’ તને નહિ કહું તો કોને કહીશ, દીપક ? સાંભળ :

‘એક ઊતરતે ઉનાળે અમે મહાબળેશ્વર ગયાં હતાં. સમીરના સહવાસમાં મને મજા તો આવતી, પણ ક્યારેક મારું દિલ તને ઝંખી ઊઠતું. એક સાંજે અમે ‘બૉમ્બૅ પોઈન્ટ’ પર ફરવા ગયાં. તાજા જ પડેલા ઝરમર ઝરમર વરસાદે ધરતીને ભીંજવી હતી. ધરતીની એ ભીની ભીની સોડમ દિલને પ્રસન્ન કરી દેતી હતી. સમીર ઉમંગમાં આવ્યો ને ‘પોઈન્ટ’ પર પહેલાં કોણ પહોંચે તેની હોડમાં અમે દોડ્યાં. તે પહેલો પહોંચ્યો ને હર્ષના અતિરેકમાં મારા તરફ ફરી મને કહેવા ગયો કે ‘હું જીતી ગયો !’ પણ તેના શબ્દો મોમાં જ રહી ગયા. ‘પોઈન્ટ’નો ઢોળાવ લપસણો બન્યો હોવાથી તેનો પગ લપસ્યો ને એ નીચે સરી પડ્યો ! દીપક, એ હોડ જીતી ગયો. પણ હું જીવન હારી ગઈ !’
અને પછી જ્યોતિ ધીરે ધીરે સ્વસ્થ થઈ ત્યારે દીપકે તેને ધરેલો ચાનો પ્યાલો લેતાં તેણે પૂછ્યું : ‘દીપક ! અહીં મુંબઈમાં હજી કેટલુંક રહેવાનો છે ?’
‘હું કામ અંગે જ મુંબઈ આવ્યો હતો. પરમ દિવસે જવા વિચાર છે. જ્યોતિ ! કહે, તારે માટે હું શું કરી શકું ?’

દીપકનો હાથ સ્નેહપૂર્વક પોતાના હાથમાં લઈ જ્યોતિ બોલી : ‘દીપક ! આજે તેં મને મમતાભર્યો સાથ આપ્યો છે એ બસ નથી ? આ હૂંફમાં તો હું જીવન જીવી જઈશ. દીપક ! સાચું કહેજે, મારી વાત સાંભળી તને શું થયું ?’
‘મને તારી મુક્તિ ગમી ગઈ, જ્યોતિ ! તારે વિશે માલા જોડે વાત કરતાં મને પહેલી જ વાર એ સ્નેહનું બંધન અકારું લાગ્યું. મને પણ તારા જેવી મુક્તિ પામવાનું હવે મન થાય છે.’
વ્યગ્ર મુખે જ્યોતિએ કહ્યું : ‘દીપક ! એ મુક્ત જીવન નથી, પણ એકલતાની ભીંસ છે. સ્નેહનું બંધન કરી અકારું નથી હોતું. જો ને, મારા પ્રત્યેનો સ્નેહ તને ખેંચી લાવ્યો ને ? તું યુવાન છે. તારું મન ખીલે બાંધેલા વાછડા જેવું છે, પણ વાછડો ભૂખ્યો થાય ત્યારે ગાયને શોધે. એ જ રીતે આ સ્નેહસંબંધનું મૂલ્ય તને જતી ઉંમરે સમજાશે. વૃદ્ધાવસ્થામાં એ સ્નેહની હૂંફ તને ખરેખરો સાથ આપશે.’
‘પણ….’
‘ના, દીપક ! ના, મારી આ મુક્તિ મને કેટલી પીડે છે તે હું ને મારો ભગવાન – બે જ જાણીએ છીએ. તારા બંધનને કારણે જ તારું જીવન ભર્યું ભર્યું છે, એ ન ભૂલી જા. જો મારે ખાતર જ તું એ બંધન તોડીને મુક્તિ ઝંખતો હો તો મને લાગે છે કે આપણો સંબંધ પૂરો થાય એ જ યોગ્ય છે. આજે ‘સ્ટૉર’માં જોયા પછી આપણી પ્રીત વિશે હું વિચારી રહી. મને લાગ્યું કે આપણી પ્રીત ઝાકળના ઝીણા પડદા જેવી છે. એ અંતરાયનું પોત પોલાદી છે. તું કે હું એને નહિ ભેદી શકીએ. છતાં એ પ્રીત મારે મન અમૂલ્ય છે. દીપક ! મને વચન આપ કે તું મારો ‘મિત્ર’ થઈને જ રહીશ. મુક્ત જીવનથી તો માત્ર એકલતા જ સાંપડે છે, જ્યારે સ્નેહબંધનથી તો ખરેખરું જીવન સાંપડે છે. મેં એવું બંધન ઝંખ્યું ને તું એવા બંધનમાંથી મુક્તિ ઈચ્છે છે ? ના, દીપક ! ના. મને વચન આપ કે તું એવું કદી નહિ કરે.’

દીપકે વચન આપ્યું, અને પોતાની આંખોમાં આવેલાં આંસુ દીપક જોઈ ન જાય એ માટે જ્યોતિએ પોતાના ધ્રૂજતા હોઠ દબાવીને મોં ફેરવી લીધું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચિંતા ટાળી ચિંતન કરીએ – ડૉ. મોહનભાઈ પટેલ
મહેફિલ – સં. આશિત હૈદરાબાદી Next »   

11 પ્રતિભાવો : બંધન અને મુક્તિ – નવીન વિભાકર

 1. અતુલ જાની (આગંતુક) says:

  મુક્ત જીવનથી તો માત્ર એકલતા જ સાંપડે છે, જ્યારે સ્નેહબંધનથી તો ખરેખરું જીવન સાંપડે છે.

  પોતાની એકલતાથી કંટાળેલા ઈશ્વરે સંકલ્પ કર્યો કે
  એકોહમ બહુસ્યામ
  અને આ સ્નેહબંધનથી ભરપૂર સૃષ્ટિનું સર્જન થઈ ગયું.

  પ્રાપ્ય સ્નેહબંધનને વછોડીને બીજા સ્નેહ બંધનો બાંધવા કરતા પ્રાપ્ય સ્નેહબંધનોને જાળવી રાખીને સહું કોઈ સહ્રદઈ લોકોને આ સ્નેહજાળમાં ગૂંથાવા માટે આંમત્રણ આપવાથી આ સ્નેહાળ વિશ્વ વધારે જીવનસભર બને છે.

 2. prashant oza says:

  saras…atyanta romanhchit hati aa laghu katha…..
  mann ma janmata Bhandhan ane Mukti na Dwar ni saras ramjat

  well…done

 3. ભાવના શુક્લ says:

  નબળા પણ નિખાલસ માનવીની કથા…
  બધાજ પાત્રો અને વિચારો ખરેખર ગમ્યા…

 4. Pragnaju Prafull Vyas says:

  ” मन एव बन्धमोक्षयोः कारणम्मनो हि द्विविधं प्रोक्तं शुद्धं चाशुद्धमेव च ।अशुद्धं कामसंकल्पं शुद्धं कामविवर्जितम्॥मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः । बन्धमोक्षहेतुः मन एवेत्याह- मन एवेति ।” આપણા શાસ્ત્રોની ગુઢ વાતો સરળતાથી સમજી શકાય તેવી રીતે નવિનભાઈએ સમજાવી
  ધન્યવાદ

 5. ranjan pandya says:

  અતીતને યાદ કરી શકાય ,આંખો મીંચી સ્મરણોના દરિયામાં ડુબકી મારી ભૂલાયેલી,અતૃપ્ત પ્રીતના મોતી વીણી શકાય–કિંતુ જિવન ના જીવાય—-લેખકે કેટલી સરળતાથી કહી દીધુ!!!

 6. Samir says:

  Very nice story!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.