વાર્તાસેતુ – લતા હિરાણી

[રીડગુજરાતીને આ સુંદર લઘુકથાઓ મોકલવા માટે શ્રીમતી લતાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર.]

[1] ઓસરી

ઓસરી લાંબી હતી. બેય બાજુ ગાદલાં પાથર્યા હતા. વડીલો અને કાકા-મામા, પાંચ આરતીના પક્ષના અને પાંચ અમરના પક્ષના, બે ચાર ગામના મોભીઓ, સામસામે ગોઠવાયેલા હતા.
‘તો હવે શું કરવું છે ?’ આરતીના મામા બોલ્યા, ‘ક્યાં સુધી આમ ને આમ ખેંચવું ? અમારી પારેવા જેવી છોકરી…’
‘ભાઇ અમે તો રાજી છીએ. સાસુ વહુનો થોડો પ્રોબ્લેમ છે. થાળે પડી જશે તમે માનો તો…’ અમરના કાકાએ સમાધાનના સુરમાં કહ્યું.
‘આને તમે થોડો પ્રોબ્લેમ કહો છો ? એ સાસુ નથી ચુડેલ છે. મારી છોકરીને ભરખી જશે. આરતીના પપ્પા મહેશભાઇ ગુસ્સામાં લગભગ ઉભા થઇ ગયા. બારણામાંથી નયને ડોકિયું કર્યું… ‘બા બધું સાંભળે છે હોં…’
‘તું અહીં મોટાની વાતમાં ડબડબ કરવા આવ્યો છો ? જા તારી સ્કૂલે જા.. અને વચ્ચેનું બારણું બંધ કરતો જા.’ અમરના દાદા બોલ્યા. નયને બારણું અધુકડું વાસ્યું.
‘મોટાભાઇ, શાંતિ રાખો. તમારું બીપી વધી જશે. આમે ય હવે આપણે ફેંસલો કરવાનો કરવાનો જ છે. જુઓ રમેશભાઇ, અમે અત્યાર સુધીમાં ઓછી બાંધછોડ નથી કરી. વેવાણ જમાનાના ખાધેલ છે અને અમર કે તમે કોઇ એને રોકી શકતા નથી.. અમે આરતીને લેવા જ આવ્યા છીએ…’

અનેક વખત થઇ ગયેલી ચર્ચાઓ ફરી ઉગ્રતાથી થઇ. પ્રસંગો, ઘટનાઓના ફરી ફરીને ‘પોસ્ટમોર્ટમ’ થયાં. એના નવા નવા અર્થઘટનો અને તારણો…..પરિણામ એક જ…..અમારી છોકરીને અમે પાછી લઇ જશું. અમર નીચું મોં કરીને બેઠો હતો. આમે ય ગામડાગામમાં મા-દીકરો વગોવાઇ ગયા હતાં. આજે સૌની વચ્ચે કપડાં ઉતર્યા.
‘હશે ભાઇ, તમારે સમાધાન નથી જ કરવું તો આનો અંત લાવો…. લઇ જાવ તમારી દીકરીને અને રમેશભાઇ, વહેવારે આરતીના પિયરમાંથી જે આપ્યું હોય એ તમે પાછું આપી દો એટલે વાત પૂરી, બીજું શું ?’ ચતુરકાકા નિવેડા પર આવી ગયા.
‘હા, આપી દો પાછું. કોર્ટમાં પતતાં તો બહુ વાર લાગે.’

ઘરમાંથી એક પછી એક ચીજ વસ્તુઓ આવતી ગઇ. વાસણો, મોતીના તોરણ, સાંકળા, ઝુમ્મર, ગાદલું, રેશમી રજાઇ, કપડાં, દાગીના….થોડું રાચરચીલું….આરતીના પપ્પા પાસે આણામાં આપેલી વસ્તુઓનું લિસ્ટ હતું. એ પ્રમાણે બધું ઓસરીમાં ખડકાતું ગયું. ટેમ્પાવાળાને ય બોલાવી લીધો. નયન બાપુજીની બીકે બહાર નહોતો આવતો પણ કાન માંડીને બેઠો હતો. એકબાજુ ભાભી રોતા’તા ને બીજી બાજુ બા રોતા’તા. બાને પોતાનો વાંક હતો એ સમજાતું હતું. હવે દીકરાનું ઘર ભાંગતું હતું અને પોતે કાંઇ કરી શકતા નહોતા. અમર ચુપ હતો. એને થતું હતું કે કમસે કમ હવે તો પોતે પત્નીનો પક્ષ લેવો જોઇએ પણ બાની બીક જતી નહોતી.

‘એ અમારા છે.’ રમેશભાઇના હાથમાં રહેલા સાંકળા જોઇ મહેશભાઇ બોલ્યા.
‘આ તો મને યાદ નહોતું તે થયું પૂછી લઉં. સાંકળા તો અહીંથી યે ચડાવ્યા હોય ને !!’ એમણે ખૂણામાં ઊભેલી આરતીની સામે જોયું અને સાંકળા મહેશભાઇને આપી દીધા. બધો હિસાબ પુરો થયો.
‘આરતી બેટા, તું તૈયાર છો ને ? ચાલ ચંપલ પહેરી લે.’ મામાએ પૂછ્યું અને નિસાસો નાખ્યો, ‘કોને ખબર હતી કે મારે તને આમ પાછી ય લઇ જવી પડશે !!’

આરતીની હિંમત છૂટી ગઇ હતી. એ સૌની દોરવાઇ દોરાતી હતી. એની પોતાની વિચારવાની શક્તિ ખતમ થઇ ગઇ હતી. પિયરીયા આવ્યા ત્યારે તો એને લાગ્યું હતું કે બસ હવે એ છુટી આ નરકમાંથી. જો કે એને અમર સામે બહુ વાંધો નહોતો પણ આવો નમાલો વર શું કામનો ? મા પાસે મિંયાની મિંદડી !! આવી જમ જેવી સાસુ સાથે જન્મારો કેમ નીકળે ! પણ જેવી સામસામી ચર્ચા શરૂ થઇ કે આરતીના પગ પાણી પાણી થવા માંડ્યા હતા. મામાએ ચંપલ પહેરવાનું કહ્યું અને એનું શરીર કોથળા જેવું થઇ ગયું. આંખે અંધારા આવી ગયા. જેમતેમ પગ નાખ્યા. ડાબા, જમણાનું યે ઓસાણ ન રહ્યું. મામાએ આરતીનો હાથ પકડ્યો. બીજા બહાર નીકળી ચુક્યા હતા.
અચાનક નયન દોડતો આવ્યો : ‘તમે તમારી બધી વસ્તુઓ લઇ જાવ, અમારી નહીં.’ મામા બાઘાની જેમ જોઇ રહ્યા, ‘લગન થ્યા ત્યારે શીલાકાકીએ મને કીધું’તું, ભાભી તો અમારા છે.’ ધ્રૂસ્કા ઉપર ધ્રૂસ્કા….. અને આરતીએ પગમાંથી ચંપલ ફેંકી દીધા.

[2] કર્નલસાહેબ

‘ઐસા હૈ સાહબ, હમ ઠહરે ફોજકે આદમી !! હિમ્મત હમારી રગોમેં દૌડતી હૈ…. જાન પર બન જાયે તો ભી હોંસલા બના રહતા હૈ….’
‘કોઇ વાકયા સુનાઓ કર્નલસાહબ કી રોંગટે ખડે હો જાયે ?’ કર્નલસાહેબ ટટ્ટાર જ બેઠા હતા. થોડા વધુ ટટ્ટાર થયા. ઊંડો શ્વાસ લીધો. આંખોમાં હળવાશની જગ્યાએ વેધકતા આપોઆપ આવી ગઇ.
રીટાયર્ડ કર્નલસાહેબે આ સંસ્થામાં પોતાના અનુભવો વર્ણવતાં સભાને સ્ટેચ્યુ પોઝીશનમાં લાવી દીધી હતી. મિલિટરીના માણસ એટલે એમને અપાયેલો કલાકનો ટાઇમ પૂરો થતાં જયહિંદ કરીને બેસી ગયા. લોકોના આગ્રહ છતાં ફરીને માઇક ન પકડ્યું. કાર્યક્રમ પૂરો થયા પછી ઑફિસમાં હોદ્દેદારો સાથે ચા-નાસ્તો કરતી વખતે ઉપરની વાત થઇ.

‘લીડર બનના આસાન નહીં હૈ.’ કહીને કર્નલ સાહેબે વાતનો દોર શરુ કર્યો, ‘એ વખતે અમે બૉર્ડર પર હતા. પાકિસ્તાન તરફથી લડાઇ શરૂ થઇ જાય એટલા ઉશ્કેરણીજનક છમકલાં થઇ રહ્યાં હતાં. વાતાવરણ એકદમ તંગ હતું. મને બાતમી મળી કે મારા એક સિપાહીને ફોડવામાં આવ્યો છે. એ મારું ખૂન કરી નાખશે માટે મારે તાત્કાલિક પગલાં લેવાં. બૉર્ડર પર હોઇએ ત્યારે જરાય વિલંબ કે ગફલત ન ચાલે. જો એનું કાવતરૂં સાબિત થાય તો કૉર્ટમાર્શલથી એને દેહાંતદંડની સજા મળે પણ મારું મન કંઇક જુદું કહી રહ્યું હતું. હવે કર્નલસાહેબની ફરતે ગોઠવાયેલા બધા ટટ્ટાર થઇ ગયા. ઑફિસમાં ચુપકીદી છવાઇ ગઇ હતી.
મેં એને એ જ દિવસે સાંજે બોલાવ્યો.
‘રફિક, આજ સે રાતકો મેરે ટેન્ટ પર તુમ પહેરા લગાઓગે.’
‘યસ સર !!’
‘અપની ગન ચેક કર લો ઔર સુબહ મેરી શેવિંગકે લિયે ગરમ પાની ઔર અસ્ત્રા તુમ્હેં લાના હૈ. ઓકે. તુમ જા સકતે હો’

રફિક અસ્ત્રો લેવા ગયો. એ વખતે હજી આ રૂપાળા રેઝર નહોતા વપરાતા. મોટા અસ્ત્રાથી હજામત થતી. એ ધારદાર એવો હોય કે આસાનીથી ગળાની નસ કાપી શકે. જીવસટોસટના નિર્ણયો લેવા માટે હું પંકાયેલો હતો પણ આ મારી જિંદગીનો સૌથી ખતરનાક નિર્ણય હતો. રફિક ડ્યુટીના ટાઇમે હજામતનો સામાન લઇને આવી ગયો.
‘અબ મૈં સો જાતા હું. સુબહ પાંચ બજે મુઝે જગાના હૈ. દરવાજે કી કડી મૈં નહીં લગાઉંગા. અંદર સે ખુલા હી હોગા. શેવિંગ કા સામાન ઔર ગરમ પાની લેકર સીધા અંદર આ જાના. ઓકે તુમ જા સકતે હો.’ મેં એક એક શબ્દ પર ભાર દેતાં કહ્યું.
‘યસ સર’ કહીને રફિકે ધ્રૂજતા હાથે સલામ મારી.

શાંતિ છવાઇ ગઇ. બધા અવાચક હતા અને આંખોમાં ભયમિશ્રિત સવાલ ડોકાતો હતો. અંતે ત્રિવેદીસાહેબ પૂછી બેઠા, ‘પછી શું થયું સર ?’
બસ હું જે ધારતો હતો એ જ થયું. સવારે પાંચ વાગે હજામતના સામાનની બેગ લઇ એ ટેન્ટમાં પ્રવેશ્યો. હું બિસ્તર પરથી ઊભો થયો અને એ મારા પગમાં ઢગલો થઇ ગયો.
‘મુઝે માફ કર દો સર’ કહી એ ધ્રૂસ્કે ધૂસ્કે રડી પડ્યો. એણે બધું કબુલ કરી લીધું.
‘મૈ બહેકાવે મેં આ ગયા થા લેકિન યકીન માનો સર, રાતભર મૈં પાગલોં કી તરહ આપકે ટેન્ટકે ઇર્દગીર્દ ઘૂમતા રહા તાકિ એક ચીંટી ભી આપકો છૂ ન સકે. અબ આપ મેરે ગુનાહ કે લિયે સજા દો યા માફ કર દો. ખુદા જાનતા હૈ કિ મુઝ પર ક્યા ગુજરી હૈ !!’

વાતાવરણમાં સન્નાટો છવાઇ ગયો હતો.
‘રફિકની વાત રુંવાડા ખડા કરી એવી છે સર પણ આપ એ રાતે સુઇ શક્યા હતા ?’
‘લીડર તરીકે મારે દાખલો બેસાડવાનો હોય. એ વગર મારા સૈનિકોમાં હિંમત ક્યાંથી આવે ?? તોયે ક્યારેક અમને પણ ભય લાગે !! એ આખી રાત હું સુઇ નહોતો શક્યો. એટલું જ નહીં, આખી રાત રિવોલ્વરની ટ્રીગર પર જ મારી આંગળીઓ ગોઠવાયેલી હતી’ કહેતાં કર્નલસાહેબ ફરી ખડખડાટ હસી પડ્યા..બાકીના બધા સ્તબ્ધ….

[ દિવ્ય ભાસ્કરની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત લેખો. ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મહેફિલ – સં. આશિત હૈદરાબાદી
એવા રે મારગ – તનસુખ ભટ્ટ ‘યાત્રી’ Next »   

9 પ્રતિભાવો : વાર્તાસેતુ – લતા હિરાણી

 1. urmila says:

  Nayan made Arti change her decision – ‘sab se unchi PREM SAGAI ‘

  એકબાજુ ભાભી રોતા’તા ને બીજી બાજુ બા રોતા’તા. ‘બાને પોતાનો વાંક હતો એ સમજાતું હતું. હવે દીકરાનું ઘર ભાંગતું હતું અને પોતે કાંઇ કરી શકતા નહોતા.’
  Mother is always unhappy when she sees her children unhappy –

 2. સુંદર વાર્તાઓ… નાજુક સંવેદનો પર સબળ મીનાકારી…

 3. Pragnaju Prafull Vyas says:

  સુંદર લઘુ કથાઓ
  “તમે તમારી બધી વસ્તુઓ લઇ જાવ, અમારી નહીં.’ મામા બાઘાની જેમ જોઇ રહ્યા, ‘લગન થ્યા ત્યારે શીલાકાકીએ મને કીધું’તું, ભાભી તો અમારા છે.’ ધ્રૂસ્કા ઉપર ધ્રૂસ્કા….. અને આરતીએ પગમાંથી ચંપલ ફેંકી દીધા.”
  સંવેદનોની અભિવ્યક્તી વાહ્
  અને
  “મૈ બહેકાવે મેં આ ગયા થા લેકિન યકીન માનો સર, રાતભર મૈં પાગલોં કી તરહ આપકે ટેન્ટકે ઇર્દગીર્દ ઘૂમતા રહા તાકિ એક ચીંટી ભી આપકો છૂ ન સકે. અબ આપ મેરે ગુનાહ કે લિયે સજા દો યા માફ કર દો. ખુદા જાનતા હૈ કિ મુઝ પર ક્યા ગુજરી હૈ !!’
  સુંદર

 4. ભાવના શુક્લ says:

  વાચેલી છતા ફરી વાચવાની એટલીજ મજા આવી.

 5. તમારો અદ્ભુત પ્રયાસ દાદ માગિ લ્યે તેવો ચ્હે.મારા તમને હ્રુદયપુર્વકના અભિનન્દન.આવો ને આવો લાભ કાયમ આપત રહેશો તેવિ મારિ આશા એલે નહિ જાય! ફરિ ફરિ ખુબ ખુબ આભાર.

 6. ranjan pandya says:

  કોઈ પણ દિકરીની માતાના દિલને લાગણીથી ભીંજવીને તરબતર કરી દે તેવી વારતા મનમાં ખરેખર અસર કરી ગઈ.!!!!!અભિનંદન—

 7. Lata Hirani says:

  આપ સૌનો ખૂબ ખૂબ આભાર્…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.