કુલપતિના પત્રો (1) – કનૈયાલાલ મુનશી

[ નોંધ : કનૈયાલાલ મુનશીનું નામ કોણે ન સાંભળ્યું હોય ? પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, જય સોમનાથ, કૃષ્ણાવતાર જેવા અમૂલ્ય રત્નો ગુજરાતી સાહિત્યને આપનાર શ્રી કનૈયાલાલ મુનશીએ ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરીને સાહિત્ય જગતમાં અદ્વિતિય કાર્ય કર્યું છે. તેમની આ વિદ્યાસંસ્થાના મુખપત્રો ‘ભવન્સ જર્નલ’ (અંગ્રેજી) અને ‘સમર્પણ’ (ગુજરાતી) માટે સંસ્થાના કુલપતિ તરીકે મુનશીજી જે પત્રોના પ્રત્યુત્તર લખતા તેનો સમાવેશ કરીને શ્રી હરીન્દ્રભાઈ દવેએ ‘મુનશી ગ્રંથાવલી ભાગ-13’ નામે એક પુસ્તક પ્રગટ કર્યું છે. આ સાહિત્યનો સમયગાળો આશરે ઈ.સ. 1963 થી ઈ.સ 1968 વચ્ચેનો છે પરંતુ કેટલાક સાંપ્રત અને કેટલાક સનાતન વિષયોને આવરી લેતા આ પત્રો, શ્રી મુનશીજીના મૌલિક ચિંતનથી ભરપૂર છે. રીડગુજરાતી પર તેમાંના કેટલાક પત્રો શ્રેણીબદ્ધ રીતે પ્રકાશિત કરવાનો વિચાર થઈ રહ્યો છે ત્યારે એ અનુસંધાનમાં આજે આ લેખમાળાનો ભાગ-1 પ્રકાશિત કરવામાં આવ્યો છે. આશા છે વાચકોને પસંદ આવશે અને સૌને ઉપયોગી થઈ પડશે. – તંત્રી ]

{ વિષય :- આત્મસંયમની નિશાળ : કુટુમ્બ }

મારા નવયુવાન મિત્ર,

તમે જાણો છો કે ત્રણ પાયાનાં મૂલ્યો જ જીવનને જીવવા જેવું બનાવે છે; એ છે શ્રદ્ધા, સંયમ અને સમર્પણ. સંયમથી તપસથી (તપથી) આવે છે. તપસ જીવનના કુત્સિત અને વિરૂપનું રૂપાંતર સુન્દરતામાં કરી આપે છે. દેહ, ઈન્દ્રિયો અને મનને સતત શુદ્ધ કરતા રહેવું એ જ તપસ છે. ભક્તિપરાયણ કુટુંબમાં જ બાળક માતાપિતા તરફ આદર અને મૂલ્યો વિશેનું ભાન કેળવીને સંયમના પ્રથમ પાઠ શીખતું હોય છે. કુટુંબ એ એક જ એવી નિશાળ છે જ્યાં પરસ્પર મમતા દ્વારા સહકારી જીવનના પાઠો ભણી શકાય છે.

તૈતરેય ઉપનિષદ સંયમના આ પ્રથમ પાઠોને આ શબ્દોમાં વ્યક્ત કરે છે : માતૃદેવો ભવ | પિતૃદેવો ભવ | આચાર્યદેવો ભવ | માતાને દેવી જેવી માનો, પિતાને દેવ જેવા માનો. આચાર્યને, ગુરુને દેવ જેવા માનો. જો બાળકો કુટુમ્બના વડાને આદરથી ન જુએ તો કોઈ પરિવાર ટકી શકે નહીં. તેઓની પાત્રતાનો અહીં મુદ્દો જ નથી.. અહીં તો બાળકોના તેઓ તરફના વલણનો પ્રશ્ન છે. આ વલણને કદાચ પૂર્ણભાવે પ્રત્યુત્તર ન મળે તો પણ એ રચનાત્મક પરિબળ બની જાય છે અને જીવનને ઘાટ આપે છે, સમુદ્ધ કરે છે.

કુટુમ્બના અર્થ વિશે મારે સ્પષ્ટ થવું જોઈએ. હું વીતી ગયેલા યુગમાંના સંયુક્ત કુટુમ્બની વાત કરતો નથી. અર્વાચીન સંજોગો હેઠળ એની પુન:પ્રતિષ્ઠા શક્ય નથી લાગતી. હું તો અર્વાચીન કૌટુમ્બિક એકમની વાત કરું છું. માતા, પિતા, સંતાનો અને દાદા-દાદી. આ પરિવારમાં જો પ્રાણ સિંચાય તો એ તંદુરસ્ત સમાજવ્યવસ્થાની ધરી બની શકે. માત્ર એ જ સંસ્કૃતિઓ અને સમાજો વિક્સ્યાં છે, જ્યાં કુટુમ્બની સ્નેહગાંઠ સમાજવ્યવસ્થાની આધારશિલા બની હતી. જો આ ગાંઠ ઢીલી પડે, તો લગ્ન અવિચ્છેદ્ય નહીં રહે, અને અર્જુને ભગવદગીતામાં કહ્યું હતું એમ સમાજમાં અરાજકતા વ્યાપશે.

પશ્ચિમના કેટલાક સમાજોમાં કુટુમ્બની આ ગાંઠ છૂટી પડવા માંડી છે. આવા સમાજના માર્ગો એના ભૌતિક પ્રભાવને કારણે આકર્ષક લાગતા હશે; તેના સદસ્યો દર ત્રીજા દિવસે ચંદ્રની પરકમ્મા કરતા હશે; તેઓ તેમની લશ્કરી તાકાત દ્વારા જગત પર વર્ચસ્વ ભોગવતા હશે; પરંતુ એથી જીવનના લક્ષ્યની પૂર્તિ થતી નથી. જો સમાજમાં જાતીયતાની ગ્રંથિ લગ્નમાં સુરંગ ચાંપતી હોય અને કિશોરો સંયમી જીવનનો નાશ કરી બેજવાબદારીભર્યા જીવન તરફ પ્રેરાતા હોય તો એ સમાજ વિનાશના જ રસ્તે છે. જો ઈતિહાસનો કોઈ બોધપાઠ હોય તો એ આ છે, જો ધર્મનો કોઈ સંદેશ હોય તો એ આ છે, જો સંસ્કૃતિનો કોઈ અર્થ હોય તો એ આ છે કે જે સમાજવ્યવસ્થાની આધારશિલા તંદુરસ્ત કુટુંબવ્યવસ્થા નથી, અને જ્યાં તરુણો પ્રેમ દ્વારા આત્મસંયમ કેળવતા નથી, એ સમાજ વિચ્છિન્નતાના રસ્તે જઈ રહ્યો છે.

કૌટુમ્બિક સ્નેહગાંઠના લક્ષ્યની જો પૂર્તિ કરવી હોય તો આ ગાંઠ દ્રઢ બનાવવી જોઈએ. આ સફળતાનો આધાર કુટુંબમાં જે એક અજાણી વ્યક્તિ આવી એનું એક મહત્વનું પાત્ર બની જાય છે એને – એટલે કે પત્નીને – સફળ રીતે સમાવી લેવા પર રહે છે. પત્ની બીજા કુટુંબમાંથી આવે છે. એ પોતાની સાથે પરિસ્થિતિ કેવી હોવી જોઈએ તેના પોતીકા ખ્યાલો લાવે છે અને પોતાની જાતને આ કુટુંબમાં સમાવવાની સાથે એ તેમાં વૈવિધ્ય પણ આણે છે અને કુટુંબના એને સમાવી લેવાના પ્રયાસોની રચનાત્મક શક્તિ વધારે છે. જ્યાં પશ્ચિમી ઢબનું જીવન આદર્શ મનાય છે એવાં ઘણાં કુટુંબોમાં અર્વાચીન પત્ની ઘણી વાર કુટુંબમાં સમાઈ જવાનો-ગોઠવાઈ જવાનો ઈન્કાર કરે છે. આવતાંની વેંત જ એ પોતાનાં સાસુ-સસરાની હાજરીનો વિરોધ કરે છે અને કુટુંબની સ્નેહગાંઠને ઢીલી કરી દે છે. એ અર્વાચીનતાથી થનગનતી હોય છે, સુખની શોધમાં હોય છે અને એને બાળકની પણ પરવા રહેતી નથી. એ કદાચ સમાજમાં પ્રતિષ્ઠા ધરાવતી સ્ત્રી બનવા ઝંખે છે અથવા બ્રીજ કે ખાનપાનની મહેફિલોમાં એના જીવનનો રસ સમાપ્ત થઈ જતો હોય છે. પરંતુ કુટુમ્બને સ્વર્ગ બનાવવું કે નર્ક એની ચાવીઓ એના જ હાથમાં હોય છે.

ભૂતકાળમાં સાસુ પુત્રવધૂને કુટુમ્બની રૂઢિઓ સાથે સમરૂપ થવામાં મદદ કરતી પરંતુ આજે આ કામ પતિ જ કરી શકે, એ પણ ઉપદેશથી નહીં પરંતુ પોતાનાં માતાપિતા તરફ આદર દર્શાવીને. આમ કરીને એ પોતાની પત્નીને કુટુમ્બમાં સમાઈ જવા માટે પ્રેમનો રસ્તો બતાવે છે અને આમ કુટુમ્બજીવન સુદઢ બને છે. જો પત્ની પોતાના પતિના કુટુંબની રૂઢિઓની અવગણના કરે તો તેમાં વાંક પતિનો છે. એ સંવનનના પ્રારંભના દિવસોમાં કે લગ્નજીવનના પ્રારંભના દિવસોમાં પતિ પત્નીને એ વાત ઠસાવી શક્યો નથી કે પત્ની માત્ર પોતાને જ નહીં, પણ પોતાના કુટુંબને પરણીને આવી છે, અને પોતાનાં માતાપિતાને એણે પોતાનાં માતાપિતાની જેમ સ્વીકારી લેવાં જોઈએ.

મધ્યમ વર્ગના શિક્ષિત અને ખાસ કરીને આગળ વધેલાં નગરોમાં વસનારાઓમાં જો સતત પ્રયત્નો દ્વારા લગ્નની સંસ્થાને જાળવી નહીં રખાય તો એ તૂટી પડશે. હોલીવૂડનાં ચિત્રોના ઝળકાટ પર ઊભા થયેલા યુવાનોની એક નવી પેઢી પોતાની પત્નીમાં આવો બાહ્ય ચળકાટ માગે છે. યુવતીઓ પણ આવા બાહ્ય ચળકાટ દ્વારા સૌનું ધ્યાન ખેંચે એવી બનવા ઝંખતી હોય છે. જો કુટુંબજીવનના બંધનને દઢ રાખવું હોય તો આ પ્રશ્નનું નવું સમાધાન શોધવું પડશે. હોલીવૂડ સંપ્રદાયમાં ઊછરેલાં યુવક-યુવતીઓને મન લગ્ન એક અનંત મહેફિલ લાગે છે. એ માટેની એક માત્ર તૈયારી છબીઘરોમાંના મિલન, પ્રેમપત્રોની આપ-લે વગેરે હોય છે. લગ્નની ઉતાવળમાં અને માબાપના ખોફના ડરમાં તેઓ દૂર ચાલ્યાં જાય છે અને ત્યાં જઈ લગ્ન કરી લે છે. થોડાક મહિનાઓમાં જ તેઓને ખબર પડે છે કે લગ્ન એ મહેફિલ નથી. એમાં ભાવનાપૂર્ણ સંવાદ વિકસવો જોઈએ એક પ્રકારની સાયુજ્યની ભાવના પ્રસરવી જોઈએ. આ ભાવના વિકસાવવાને બદલે તેઓ ઝઘડતાં થાય છે. લગ્નની પવિત્રતાને આંચ આવે છે. છૂટાછેડા માટે અદાલતનો આશ્રય લેવામાં આવે છે. જો આ રીતે આપણા દેશનાં શિક્ષિત સ્ત્રી-પુરુષો પતિ કે પત્ની બદલતાં જ રહે તો એ દ્વારા એ લોકો વારાંગનાઓ અને રૂપજીવિનીઓને જ વધારે પ્રતિષ્ઠિત ઠરાવશે. કુટુંબની સ્નેહગાંઠ નહીં રહે; વ્યક્તિગત નિષ્ઠા નહીં રહે; બાળકો માટેનો આદર નહીં રહે; સુખી લગ્નજીવન માટે આદર્શ સાહચર્ય વિકસાવવાનો પ્રયત્ન નહીં રહે; કુટુંબપ્રેમના પ્રવાહનો આદ્ય સ્ત્રોત નહીં રહે; અને કુટુંબની એ શક્તિ પર તો આખી સમાજવ્યવસ્થા ટકી હોય છે.

કુલપતિના પત્રોએ મારી અને વાચકો વચ્ચે એક સેતુ રચ્યો છે : એના કારણે મારા પર અસંખ્ય પત્રો આવે છે જેમાં વાચકો પોતાના ઘરેલુ પત્રો લખે છે અને મારી સલાહ માગે છે. મારા ખૂબ જ મર્યાદિત અનુભવો છતાં હું કેટલાંક સૂચનો આપું છું. આ પત્રો લખનારની ઓળખ છતી ન થાય એટલે વ્યક્તિગત પત્રોમાંથી અવતરણ આપવાને બદલે હું મારા પર આવેલા એ પત્રોમાંનો સાર રજૂ કરીશ.

શિક્ષિત યુવકો ધીમે ધીમે આંજી દેતી અદ્યતન યુવતીથી દૂર જવા લાગ્યા છે. પરદેશ જઈ જવલંત શૈક્ષણિક કારકિર્દી મેળવનાર એક પુત્રે તેની માતા પરના પત્રમાં લખ્યું :
‘મારા માટે એવી પત્ની પસંદ કરજો જે સમાજમાં પ્રતિષ્ઠિત સન્નારી થઈ ઘૂમવાનો અભરખો ન રાખતી હોય; જેને રાજકારણમાં પડવું ન હોય, જેનું સુખ કુટુંબને સુખી કરવામાં સમાયું હોય, જે મને અને અમારાં સંતાનોને સ્નેહ કરી શકે એમ હોય, મારા અતિથિઓનો સત્કાર કરે એમ હોય અને મુશ્કેલીમાં મને મદદ કરે એમ હોય.’ વધુ યુવકોમાં આ પ્રકારની સમજ વિકસે એમ હું ઈચ્છું છું.

કૉલેજમાં ભણતાં કેટલાંક યુવક-યુવતીઓમાં લગ્નની સ્વતંત્રતાને લગતા વિચિત્ર વિચારો પડ્યા હોય છે : લગ્ન એ સ્વચ્છંદતા કે કેવળ વિલાસની મહેફિલ નથી, એ એક સ્નેહની ગાંઠ છે, જ્યાં બીજી વ્યક્તિનું સુખ એ જ પોતાનું સુખ બની રહે છે. આવા પરસ્પરના સ્નેહ અને પરસ્પરને અનુકૂળ બનવાની વૃત્તિમાંથી જ જીવનને ધ્યેય અને સુંદરતાથી રસનારું સુખી કુટુંબ પ્રગટે છે. અને આવું કુટુંબ સામાજિક વિચ્છિન્નતાને ખાળનારું પરિબળ બની જાય છે. એક યુવક ‘ક’ તેની સાથે કૉલેજમાં ભણતી યુવતીના પ્રેમમાં પડે છે. તેઓ લગ્ન કરવાનો નિર્ણય કરે છે. યુવતીને બીજા પણ કેટલાક મિત્રો છે. એમાંથી એક મિત્ર તરફ એને વધારે પક્ષપાત છે. એ એની સાથે વધારે ફરેહરે છે. ‘ક’ ને આ ખબર પડે છે ત્યારે એ યુવતીને એમ ન કરવા કહે છે. યુવતી કહે છે : ‘હજી પરણી નથી ત્યાં તમે આટલો કડપ રાખો છો તો તમને પરણું પછી તમે શું નહીં કરો ? તમારા માટે થઈને મારે મારા મિત્રને મૂકી દેવો ?’ – ‘ક’ ને આમાંથી ખુલાસો મળી ગયો. એણે એ યુવતી સાથેના સંબંધો તોડી નાખ્યા. મેં એને અભિનંદન આપ્યાં. અહીં સાદી સમજ હતી.

કેટલાક યુવાનોને લાગે છે કે જાતીય સંબંધો કેવળ રમત છે. હોલીવૂડનાં ચિત્રોમાં યુવતીનો પીછો કરતો યુવક અને એની ઢબછબ જોઈ એને લાગે છે કે આ જ સંસ્કારનો સાચો રસ્તો છે. સંપત્તિવાન અને પશ્ચિમના આદર્શો તરફ ઢળેલા સમાજમાં આ તત્વ દેખાવા લાગ્યું છે. થોડા વખત પહેલાં રજાઓમાં કેટલાંક યુવક-યુવતીઓ ઘરની ગાડીઓ લઈ આખી રાત ફર્યા. વહેલી સવારે ઘેર આવ્યાં. આમાંની એક યુવતીએ ગર્વથી કહ્યું : ‘મારાં માબાપને તો આ ગમે છે. તેઓ માને છે કે જીવનનો આ જ આદર્શ રસ્તો છે.’ ‘સ્ત્રી-મિત્ર’ અને ‘પુરુષ-મિત્ર’ ના અમેરિકાથી આયાત કરાયેલા ખ્યાલો યુવકવર્ગની વર્તણૂકને સ્વૈર બનાવી દે છે. આ બધાં વલણો લગ્નનો ઉપહાસ કરે છે અને સમાજવ્યવસ્થાને વિચ્છિન્ન કરે છે.

એક બીજા યુવક ‘બ’ નો મારા પર પત્ર આવ્યો હતો. તેણે લખ્યું હતું : ‘મારે પત્ની અને બાળકો છે. હવે હું એક બીજી અપરિણિત સ્ત્રીના પ્રેમમાં છું. એ પણ મને ચાહે છે. મારે એને ઘેર લાવવી ? મારે શું કરવું ?’ – પ્રાચીન કાળમાં રાજાઓને અનેક રાણીઓ હતી. એ સમયે પુરુષ અનેક પત્નીઓ કરી શકતો અને સમાજને એ સમયે દ્વિભાર્યા સામે વાંધો નહોતો પરંતુ અત્યારના સમયમાં તે પ્રથા તદ્દન અસ્થાને છે. નારીમાં સ્વમાનની માત્રા વિકસી છે અને કાયદો હોય કે ન હોય, પરંતુ કોઈ સ્વમાની સ્ત્રીએ તે દરજ્જામાં પોતાને મુકાવવાનું પસંદ ન કરવું જોઈએ. એ પછી મેં ભાઈ ‘બ’ ને નીચે પ્રમાણે ઉત્તર લખ્યો :
‘તમે લગ્ન કર્યાં છે અને તમારે બાળકો છે. તમે એક ગંભીર જવાબદારી સ્વીકારી છે. તમે એ નિભાવવા માટે અને તમારાં બાળકોને સ્નેહના વાતાવરણમાં ઉછેરવા માટે બંધાયેલા છો. એક વસ્તુ યાદ રાખો. તમે બીજાના દુ:ખ પર તમારા સુખની ઈમારત નહીં ચણી શકો. જો તમે તમારું ઘર ભાંગી નાખશો તો તમારી સૌ પ્રથમ ફરજ તમારી પત્ની અને બાળકો સન્માનથી જીવે એ જોવાની હોવી જોઈએ. તમારા મિત્રની બાબતમાં હું તમારી પરિસ્થિતિ સમજું છું તમે બંને ખૂબ જ પ્રેમમાં છો અને આવા સંબંધને મૂકી દેવો બહુ સરળ નથી. પરંતુ જો તમે તમારી મિત્ર સાથેના સંબંધો ચાલુ રાખો તો તમે તેને ઉપવસ્ત્રની સ્થિતિમાં મૂકી દો છો. જો તમને એના માટે કંઈ માન હશે તો એ પણ ચાલ્યું જશે. પરંતુ જો તમે તથા એ યુવતી બંને સંયમ દાખવશો તો તમારા સંબંધોનું ઊર્ધ્વીકરણ થશે. ટૂંક સમયમાં જ તમારી મૈત્રી ઉદાત્ત સંબંધમાં રૂપાંતર પામશે અથવા તો તમારા સંબંધો પૂરા થશે. તમે તેમ, જો તમારી મિત્ર સારી સ્ત્રી હશે તો એ સમજી શકશે કે તમે તમારી પત્ની અને બાળકોને તજી શકો નહીં. સુખી લગ્ન અને તંદુરસ્ત પરિવારોનો આધાર પતિ અને પત્ની વચ્ચેના પરસ્પર આધાર ઉપર રહે છે.’

મને સમય મળશે તો આ વિષય પર વધારે લખવા ધારું છું.

[ક્રમશ:]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શ્રી ગઝલ – છાયા ત્રિવેદી
ચાલો ફિલ્મ જોવા – તારક મહેતા Next »   

8 પ્રતિભાવો : કુલપતિના પત્રો (1) – કનૈયાલાલ મુનશી

 1. dipika says:

  such a great thoughts…

 2. Pragnaju Prafull Vyas says:

  ” લગ્ન એ સ્વચ્છંદતા કે કેવળ વિલાસની મહેફિલ નથી, એ એક સ્નેહની ગાંઠ છે, જ્યાં બીજી વ્યક્તિનું સુખ એ જ પોતાનું સુખ બની રહે છે. આવા પરસ્પરના સ્નેહ અને પરસ્પરને અનુકૂળ બનવાની વૃત્તિમાંથી જ જીવનને ધ્યેય અને સુંદરતાથી રસનારું સુખી કુટુંબ પ્રગટે છે. અને આવું કુટુંબ સામાજિક વિચ્છિન્નતાને ખાળનારું પરિબળ બની જાય છે. એક યુવક ‘ક’ તેની સાથે કૉલેજમાં ભણતી યુવતીના પ્રેમમાં પડે છે. તેઓ લગ્ન કરવાનો નિર્ણય કરે છે. યુવતીને બીજા પણ કેટલાક મિત્રો છે. એમાંથી એક મિત્ર તરફ એને વધારે પક્ષપાત છે. એ એની સાથે વધારે ફરેહરે છે. ‘ક’ ને આ ખબર પડે છે ત્યારે એ યુવતીને એમ ન કરવા કહે છે. યુવતી કહે છે : ‘હજી પરણી નથી ત્યાં તમે આટલો કડપ રાખો છો તો તમને પરણું પછી તમે શું નહીં કરો ? તમારા માટે થઈને મારે મારા મિત્રને મૂકી દેવો ?’”
  આ સાદી સમજ ની વાત સાંપ્રદ કાળમાં પણ પ્રસ્તુત છે!

 3. Dipti says:

  અમે જ્યારે વેકેશનમાં dada ne gher jatan tyare tyan ka.ma.munshi ni GUJARATNO NAATH ghar man hati te vanchi hati.
  But i have never seen his picture before so i am very glad to see his photo in here with his article.
  Do put the photo of our old kavi-lekhak -sahityakar with their article when it is possible.
  Long ago I have read that there was celebration in one school for meghani shatabdi year and they could’nt find his photo.
  YOU CAN FIND EASYLY THE PHOTOS OF OUR HISTORICAL AND POLITICAL LEADERS, ACTORS,BUT HARD TO FIND SAHITYAKAR’S.
  Now a days news papers and some magazines has started to put passport size pics of writers w. articles and that is very welcome .so recent and coming generation will not be unfamiliar with faces whose writing they had been enjoying.
  It’s taking to long with out practice in typing gujarati so I switched after a sentence.sorry.
  MANY CONGATULATIONS FOR 2000 ARTICLES ACHIVEMENT.
  My husband is used to visit this web site and brings print out for me. But I visit it today 1st time.
  Thank you.

 4. Purvi Doshi says:

  I am a great fan of Kanaiyalala Munshi and it was great to read these letters here.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.