કુલપતિના પત્રો (2) – કનૈયાલાલ મુનશી

{ વિષય :- આત્મસંયમની નિશાળ : કુટુમ્બ (ભાગ-2) }

મારા નવયુવાન મિત્ર,

મેં આગળ લખ્યું હતું એમ બાળકને પાયાની આધ્યાત્મિક તાલીમ આપતી સૌ પ્રથમ અને સૌથી મહત્વની નિશાળ કુટુંબ છે. આપણા જીવનનો મોટો ભાગ કુટુમ્બ સાથે જ વીતે છે : કુટુમ્બ સાથેના આપણા સંબંધમાંથી આપણી નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો પરત્વેની દષ્ટિ ઘડાય છે. અહીં જ જીવન આરંભાય છે; આત્માને જીવનભર જે માર્ગ પર ચાલવાનું છે તેના સૌ પ્રથમ પાટા અહીં નખાય છે. કુટુમ્બમાં જ બાળક પ્રેમ પામે છે, પ્રેમ કરતાં શીખે છે. અહીં એનામાં સ્નેહની સરવાણી ફૂટે છે : અહીં એને મૃદુતા, નમ્રતા, વિનય, શ્રદ્ધા અને સમભાવના પાઠ શીખવા મળે છે. અહીં જ ચારિત્ર્યનું સૌંદર્ય ઘાટ પામે છે. કુટુંબ નિ:શંકપણે સામાજિક એકમ છે. પણ એ એથીયે કૈંક વધારે છે. એ સમાજનું આધ્યાત્મિક એકમ છે અને સમાજના સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક સંસ્કારને પુરસ્કારે છે.

કુટુમ્બને આધ્યાત્મિક એકમ બનાવતું તત્વ કયું છે ? પતિ અને પત્નીનું દેહ, મન અને લાગણીનું સાહચર્ય દઢ નિકટતાથી એક ભાત રચે છે. આ પ્રેમ રંગીન ન પણ હોય; અદ્યતન નવલકથાઓમાં બતાવાય છે એવો ‘પ્રેમ’ તેઓ ન કરતા હોય, પરંતુ જીવનમાં તેઓ એકમેકના ધર્મો સાથે રહી બજાવે છે : તેઓ એકમેક સાથે અતૂટ એવું સાહચર્ય અને એકતા વિકસાવે છે. જ્યારે લગ્નને ક્ષણિક વિલાસનું સાધન માનવામાં આવે છે, ત્યારે આવા સાહચર્યની શક્યતા અદશ્ય બને છે.

નાનાં બાળકો મૂરખ હોય છે એમ નહીં માનતા. માતાપિતામાં મનમેળ નથી હોતો ત્યારે એ વાતની તેઓને તરત જ ગંધ આવી જાય છે અને કુટુમ્બની કોઈક મહત્વની કડીથી વિખૂટાં પડી ગયાં હોવાનો અનુભવ તેઓ કરે છે. કુટુમ્બ આધ્યાત્મિક તાલીમ માટેની સૌથી ઉત્તમ નિશાળ છે એનું બીજું કારણ એ છે કે કુટુમ્બમાં પ્રેમનું સર્વોચ્ચ રૂપ – માતાનો પ્રેમ નિવાસ કરે છે. અને માતાનો પ્રેમ ભગવાન માટેના ભક્તના પ્રેમની કોટિનો હોય છે. માતાનો પ્રેમ આધ્યાત્મિકતાને ઉત્તમ રીતે પ્રકટ કરે છે. એ સ્વાર્થમાંથી કે મનરંજનથી વૃત્તિમાંથી જન્મતો નથી. બાળક માટે માતા બધો જ ઢસરડો કરે છે – રાતના જાગે છે, તેની સેવામાં ક્યાંય કસર રહેવા દેતી નથી. કશા જ વળતરની આશા વિના એ આ કરે છે. પ્રેમના આ પાયા પર આધ્યાત્મિકતા રહેલી હોય છે. મેં કહ્યું તેમ માતાનો પ્રેમ ભક્તના નિ:સ્વાર્થ સમર્પણ જેવો હોય છે. ભક્ત ભગવાનને માત્ર ભગવાનને ખાતર જ ચાહતો હોય છે. એક સંસ્કૃત શ્લોકમાં આ ભાવ ઉત્તમ રીતે વ્યક્ત થયો છે : ‘મને સંપત્તિની કામના નથી, મુક્તિના કોડ નથી. મને વિદ્યા જોઈતી નથી. સ્વર્ગ જોઈતું નથી. ભલે ફરી આ ભવના ફેરા કરવા પડે પણ મને આટલું જ જોઈએ છીએ કે દરેક જન્મે મને તારી સેવા કરવાનું સદભાગ્ય મળે.’ માતાની બાળકની સેવા અને બાળક પ્રત્યેની ભાવના લગભગ આ જ કક્ષાની હોય છે.

સ્ત્રી કે પુરુષે પોતાના સાથીની પસંદગી કરતી વખતે એ વાત ન ભૂલવી જોઈએ કે તેઓ આધ્યાત્મિક પ્રેમનો સ્ત્રોત સર્જવા માગે છે. લગ્નના પ્રારંભમાં યૌવનની ઉન્માદક ક્ષણોમાં સ્ત્રી અને પુરુષ લગ્નને દેહસુખનું સાધન પણ માની શકે; લગ્નનું એ પણ એક પ્રયોજન છે અને અયોગ્ય પ્રયોજન નથી. પરંતુ લગ્નનું મુખ્ય પ્રયોજન તો ઉચ્ચતર પ્રેમનું તીર્થ રચવાનું છે.

ઘણાં સ્ત્રીપુરુષોને લગ્ન ગમતાં નથી હોતાં. તેઓને લાગે છે કે તેઓ એકલાં છે એ જ ઈષ્ટ છે. તેઓને લાગે છે કે અવિવાહિત રહીને તેઓ અનંત સુખ મેળવી શકશે. જો તેઓમાં જીવનનો સામનો કરવાની હિંમત હશે તો તેઓ એ શોધી શકશે કે તેમનું જીવન કરુણાંતિકા બની ગયું છે. લગ્ન વિના તેઓ સુખ પ્રકટાવતા લાગણીમય અને આધ્યાત્મિક પ્રવાહોથી વંચિત રહી જાય છે. આ પ્રવાહો કુટુંબમાંથી જ પ્રકટે છે. જે લોકો લગ્નને બદલે માત્ર સહચાર ઝંખે છે તેઓ કુટુમ્બજીવનના પાયામાં જ આઘાત કરે છે. કારણ કે અહીં પતિ કે પત્નીમાં પરસ્પર શ્રદ્ધા જ હોતી નથી. અને આ શ્રદ્ધા તો આધ્યાત્મિક અનુબંધ રચવા માટે આવશ્યક છે. એક વાર લગ્ન થયા પછી પતિ અને પત્નીએ જીવનના સઘળા સંજોગોમાં સાહચર્ય નિભાવવું જોઈએ : પરસ્પરની શ્રદ્ધા ટકાવી રાખવી જોઈએ. અર્જુને ‘કુલસ્ત્રી’ ને સમાજ વ્યવસ્થાની ધરી આટલા માટે જ કહી હતી. જે પુરુષ કે સ્ત્રી લગ્નના બંધનનો ભંગ કરે છે એ કુટુંબની ભાવનાને ધોઈ નાખે છે અને નિરામય સમાજના પાયામાં આઘાત કરે છે : આ સમાજ વ્યવસ્થા સામેનો ગુનો છે, ભગવાન સામેનું પાપ છે.

એ વાત પણ ભુલાવી ન જોઈએ કે સ્ત્રી પર સરળતાથી અપવિત્ર હોવાનો આક્ષેપ મુકાય છે. એક મારા મિત્રે લખ્યું હતું : ‘મારા પાડોશીઓ કહે છે કે મારી પત્નીની ચાલચલગત સારી નથી. મેં એના પર ખૂબ ધ્યાન આપ્યું. મને એના વર્તનમાં કંઈ શંકાસ્પદ જણાયું નહીં. મારે શું કરવું ?’
મેં ઉત્તર લખ્યો.
‘લોકોને સ્ત્રીપુરુષના અનીતિમય સંબંધોની વાતો જોડી કાઢવામાં આનંદ પડતો હોય છે. જો તમારી દષ્ટિમાં તમારી પત્ની પવિત્ર હોય તો લોકો શું કહે છે એની દરકાર ન કરતા. એનામાં અપાર શ્રદ્ધા મૂકો. એણે કદાચ ખોટો પગ ભર્યો હશે તો પણ તમારી શ્રદ્ધા તેને સાચે રસ્તે લાવશે. જો તમને ખબર પડે કે તમારી પત્ની અપવિત્ર છે તો તમારે તેનાથી દૂર રહેવું જોઈએ. પત્ની બીજા કોઈ પુરુષ સાથે સંબંધ ધરાવે એ વાત કોઈ પણ પુરુષના સ્વમાન પર આઘાત કરતી હોય છે. આવું બને ત્યારે નીચલી વરણના લોકો કુહાડો લઈને પત્ની અને એનો પ્રેમી બંનેને મારી નાખે છે. પણ ઉચ્ચ વર્ણમાં સ્ત્રીનો પગ જ્યારે ખોટો ઊપડે છે ત્યારે આખુંય કુટુંબ નર્કાગાર સમું બની જાય છે. એ જ રીતે સ્વમાની સ્ત્રીને ખબર પડે કે તેનો પતિ કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધો ધરાવે છે, ત્યારે એ એટલી જ અપમાનિત થતી હોય છે.’

આજે યુવક-યુવતીની જે નવી પેઢી ઊભી થઈ છે એ લગ્નની જવાબદારીની અવગણના કરવામાં માને છે. તેઓ બહારના ચળકાટને શોધતાં ફરે છે. એક વેળા મારે એક યુવાન મિત્રને કેવળ ઉપરના ચળકાટની શોધમાંથી વારવો પડ્યો હતો. એના પર લખેલા પત્રનો સાર હું નીચે રજૂ કરું છું :
‘તમે લખો છો એ પરથી લાગે છે કે તમે લાગણીની કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છો. આથી આ વિષય પર હું મારું નિખાલસ મંતવ્ય પ્રકટ કરીશ. તમે બુદ્ધિશાળી અને ચારિત્ર્યશીલ યુવાન છો. સમજુ છો. તમારી મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા માટે તમે ઉત્સાહી પણ છો. તમારા સંજોગો જોતાં જો તમે યોગ્ય જીવનસાથી શોધી શકશો તો સુખી થશો એટલું જ નહીં, તમારી કારકિર્દી પણ ઝળકી ઊઠશે.

હું જોઈ શકું છું કે તમે ચપળ અને ચળકાટવાળી છોકરીઓથી આકર્ષાતા હો છો. ચપળતા અને ચળકાટ એ ઉપરછલ્લા ગુણો છે. ચતુર વાતો, આધુનિક શણગાર, તંગ વસ્ત્રો, દેહપ્રદર્શન વગેરે પાછળ પુરુષોને આકર્ષવાનો હેતુ હોય છે : પણ આ આછકલાઈ છે, વિરૂપતા છે – અભારતીયતા છે. પત્નીની પસંદગી કરવામાં તમે ગમે તેવી ચળકાટભરી સ્ત્રી પસંદ કરી શકો – પણ એ વાતની ખાતરી કરવી જોઈએ કે એ સારી પત્ની થવાના ગુણો ધરાવે છે, અને સુખદુ:ખમાં તમે એના પર આધાર રાખી શકો એમ છો. તમે જ્યારે પત્ની પસંદ કરો છો ત્યારે માત્ર કોઈ ચપળ પ્રાણી લેતા નથી; તમે તમારું જીવન એના હાથમાં સોંપોં છો. એના સાનિધ્યમાં તમારે દિવસ-રાત ગાળવાનાં છે; સુખદુ:ખના અને આરોગ્ય-અનારોગ્યના દિવસો તેની સાથે વિતાવવાનાં છે. આમાં તમને સુખી કરનારું તત્વ એ બાહ્ય ચળકાટ નહીં, પણ સારો સ્વભાવ અને ભરોસાપાત્ર ચારિત્ર્ય છે.

બહારની ચપળતાથી તમે છેતરાઈ ન જતા. પ્રશ્ન એ છે કે એ સ્ત્રી સુખદુ:ખમાં તમારી સાથે ઊભી રહે એવા સ્વભાવવાળી છે કે નહીં. જે સ્ત્રી લગ્નને સફળ કરવા માટે સર્વસ્વનો ભોગ આપવા તૈયાર ન હોય એ તમને સુખી ન કરી શકે. તમે જેટલી ઉત્સુકતાથી એ સ્ત્રીને પ્રાપ્ત કરવા ઝંખતા હો, એટલી જ તમને પ્રાપ્ત કરવા એ ઝંખતી હોવી જોઈએ. કેવળ ચળકાટ પાછળ જતી સ્ત્રીને મન પતિની કિંમત તેની આંગળીએ દોરાઈ આવતા કૂતરાથી વિશેષ હોતી નથી. એ સારી પત્ની બની શકતી નથી.’

બીજાં બે યુવક-યુવતીનો વિશિષ્ટ પ્રસંગ મારી જાણમાં આવ્યો હતો, એ વિશે મેં એક મિત્રને લખ્યું હતું : ‘આપણે ગઈ કાલે જે યુવક-યુવતીની વાત કરતા હતા, તેનો જ દાખલો લઈએ. તેઓ મિત્રો બન્યાં. થોડા મહિના સાથે ફર્યા. બંને વિવાહિત હોય એ રીતે વર્તતાં હતાં, પરંતુ યુવકે લગ્નની દરખાસ્ત મૂકી ત્યારે યુવતીએ રાહ જોવાનું કહ્યું. યુવકે ચાર મહિના રાહ જોઈ. જવાબ ન મળ્યો. યુવતી સિને-તારિકા બનવા માગે છે. સિનેમાનું જગત બહારથી ઘણું રૂપાળું લાગે છે પણ સિને-તારિકા બનવા ઝંખનારી સ્ત્રી કેટલીક વાર બાહ્ય ચળકાટ, સ્ટુડિયોમાનું જગત, અને બદલાતા પ્રેમીઓની પાર કશું જોઈ શકતી નથી. આવી સ્ત્રી સારી પત્ની ન બની શકે. એ પોતાની આખી જિંદગી પોતાની મહાત્વાકાંક્ષાને ચરણે ધરી દે છે. આ સિને-તારકોની નિરાળી સૃષ્ટિ હોય છે અને હું તેની વિગતોમાં ઊતરવા માગતો નથી. પરંતુ જો આ યુવતી સિને-તારિકા બનવામાં સફળ થાય તો તેની સાથે ફરતા એ સ્વસ્થ યુવકની સામે પણ ન જુએ. પણ જો તેની મહત્વાકાંક્ષા નિષ્ફળ જાય તો એને સ્વીકારશે, અને પેલો એ સ્ત્રીના મદદનીશની માફક એની પાછળ ફર્યા કરશે. જો ચાર મહિના સુધી એ નિર્ણય ન કરી શકે તો એ સારી પત્ની કઈ રીતે બની શકે ?

મારા મનમાં એ સ્પષ્ટ છે કે એ એની સાથે લગ્ન કરવા ઈચ્છતી નથી; એનાં બાળકોની માતા બનવા ઈચ્છતી નથી; એ માત્ર એની પ્રતિષ્ઠા વધારે અને એના અહમને સંતોષે એવા સાથી તરીકે જ તેને લેખે છે. એ આ વાત વિશે સંભાળીને વિચારે. પ્રારંભમાં કડવો ઘૂંટડો લેવો વધુ સારો છે. આવા સંબંધોને નભાવવાનો શો અર્થ હોય છે ? આનું એક જ પરિણામ આવે; એ હતાશ થઈ જાય. એના મનની શાંતિમાં વિક્ષેપ સર્જાય. લોકો કહે કે ‘પેલીએ આને છોડી દીધો.’ બીજી જીવનસાથીની પસંદગીમાં પણ આ મુદ્દો વચ્ચે આવે. જો ક્યાંક કશુંક ખોટું થાય તો પેલી સ્ત્રી હમેશાં એવો ઉચાટ રાખશે કે એ માણસ પોતે ઝંખતી હતી એવો મોભો કે સગવડતા આપી શક્યો નથી. જો એ યુવકને જીવનસાથીની જ ઈચ્છા હોય તો કોઈ સમજુ સમભાવી અને સુખદુ:ખમાં સાથે ઊભી રહે એવી યુવતીની પસંદગી કરી લેવા કહેવું જોઈએ.’

હું આ પત્રનો અંત આશાના એક સુખદ સ્પર્શ સાથે કરીશ.
મારી દષ્ટિ સમક્ષ એક સુંદર ચિત્ર ઊપસે છે : આશરે 80 વરસની વયનાં પતિ અને પત્ની હાથમાં હાથ મિલાવી રોજ સાંજે દરિયાની સામે આરામખુરશીઓ નાખી બેઠેલાં જોતો. તેઓ જીવનના છ દાયકા સુધી સાથે રહ્યાં છે. તેમના પુત્રો સફળ બન્યા છે. એમાંનો એક તો એના વ્યવસાયના શિખરે પહોંચ્યો છે. મારા એક ધારાશાસ્ત્રી મિત્રને જ્યારે હું મળવા જતો ત્યારે તેનાં માતાપિતાને આમ આજુબાજુમાં બેઠેલાં જોઈ રહેતો. તેઓ કશું જ બોલતાં નહીં પણ તેમનું મૌન વાણી કરતાં વધારે મુખર હતું. તેઓએ સુખ અને દરિદ્રતા બંને સાથે જોયેલાં. તેમનું જીવન સાયુજ્યનું એક સુંદર ઉદાહરણ રહ્યું છે. તેમના પુત્રો અને પૌત્રો પણ વિનયશીલ અને શાણા છે. એક દિવસ પતિ મૃત્યુ પામે છે; થોડાં દિવસોમાં પત્ની પણ તેની પાછળ વિદાય થાય છે.
આ સુંદર ચિત્ર હું ક્યારેય ભૂલી શકીશ નહીં.

[ક્રમશ:]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચાલો ફિલ્મ જોવા – તારક મહેતા
જાણવાથી માણવા સુધી – મૃગેશ શાહ Next »   

7 પ્રતિભાવો : કુલપતિના પત્રો (2) – કનૈયાલાલ મુનશી

 1. vimal says:

  the best thoughts and advice for me..!! 100% true.

  days are not far when we have to struggle to maintain our true indian culture..

 2. Pragnaju Prafull Vyas says:

  ‘મારાં અને તારા છોકરાંઓ ભેગા થઈ આપણા છોકરાઓ સાથે ઝગડે છે’ એ ગંમત ભારતીય વિદ્યાભવનવાળા કરતાં પણ તેમની “તેઓ એકમેક સાથે અતૂટ એવું સાહચર્ય અને એકતા વિકસાવે છે. જ્યારે લગ્નને ક્ષણિક વિલાસનું સાધન માનવામાં આવે છે, ત્યારે આવા સાહચર્યની શક્યતા અદશ્ય બને છે.” આવી વાતો પ્રેરણાનું સ્રોત બનતા.
  તેમનો છેલ્લો પેરેગ્રાફ-“માતાપિતાને આમ આજુબાજુમાં બેઠેલાં જોઈ રહેતો. તેઓ કશું જ બોલતાં નહીં પણ તેમનું મૌન વાણી કરતાં વધારે મુખર હતું. તેઓએ સુખ અને દરિદ્રતા બંને સાથે જોયેલાં. તેમનું જીવન સાયુજ્યનું એક સુંદર ઉદાહરણ રહ્યું છે. તેમના પુત્રો અને પૌત્રો પણ વિનયશીલ અને શાણા છે. એક દિવસ પતિ મૃત્યુ પામે છે; થોડાં દિવસોમાં પત્ની પણ તેની પાછળ વિદાય થાય છે” અમેને અમારી જ વાત દેખાઈ! હં,હજુ આખરની લીટી બાકી છે…

 3. Mohit Parikh says:

  The opportunity to read K.M.Mushi is very satisfying. More opportunities to read greats like munshi, darshak etc will be highly appreciated.

 4. મુનશીજીના વિચારોથી પ્રભાવિત થયા વિના રહેવાતુ નથી, આજના જમાનાને અનુરુપ ભાષા અને શૈલી નથી, ભલે ઘણી પુરાની ગણાય પરંતુ ગ્રાહ્ય કરવા જેવી એ વાત છે કે આટલા વરસો પહેલા એમના વિચારો કેવા ક્રાંતિકારી હતા! આમેય આજકાલ મારે એવા જ યુવાધનને મળવાનુ થાય છે જેમના મતે લગ્ન એટલે એક બંધન, એમને સમજાવ્યા વિના રહેવાતુ નથી કે ભાઈ આ બંધન જ મુક્તિનું દ્વાર છે. ઘણા અર્થોમાં કદાચ લગ્ન બંધનકર્તા અનુભવીએ પરંતુ એના ઊજળા પાસા બંધનની બેડીઓ કરતા વધુ છે એ લગ્નજીવનના અમુક વરસો વિતાવનાર જ કબુલી શકે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.