જાણવાથી માણવા સુધી – મૃગેશ શાહ

રજાઓના દિવસોમાં આપણને પરિભ્રમણ કરવું ગમતું હોય છે. યુવાનીમાં પ્રવાસની શરૂઆત કરનાર વ્યક્તિ બહુધા ટૂંકા અને લાંબાગાળાના જુદા જુદા પર્યટન સ્થળો શોધીને વિવિધ નવા પ્રદેશોની જાણકારી મેળવવાની ઈચ્છા રાખે છે. જેમ અવસ્થા વધતી જાય તેમ આ શોખમાં પરિવર્તન આવે છે. ઘણા બધા સ્થળોએ એકથી અનેક વાર ફર્યા પછી એમ થાય છે કે હવે કોઈ એક સ્થળ પસંદ કરીને ત્યાં વધુ સમય રોકાવામાં આવે તો તે પ્રદેશનો મહત્તમ આનંદ લઈને સાચા અર્થમાં પર્યટન માણી શકાય. આમ, ઘણું બધું જાણવાની ઈચ્છા રાખતો માણસ એક અવસ્થા પછી પ્રત્યેક વસ્તુને સાચા અર્થમાં માણવાની ઈચ્છા સેવે છે.

માનવીનું સમગ્ર જીવન ‘જાણવા’ અને ‘માણવા’ એમ બે શબ્દો પર કેન્દ્રિત થયેલું હોય છે. જેટલો આનંદ માણવામાં આવે છે એટલો આનંદ જાણવામાં રહેલો નથી હોતો. કદાચ આ કારણથી આપણને સૌને બાળપણ વધારે ગમે છે. નાના બાળકને કોઈ ચીજવસ્તુ આપવામાં આવે તો તેને જાણવા કે ઓળખવાની કોશિશ કર્યા વગર સીધું તેને મોમાં મૂકી દે છે. તેને તે વસ્તુ શું છે, કોની છે, કઈ કંપનીમાં બની છે વગેરેથી કોઈ કામ નથી. તેને તો જે હાથમાં આવે તેનો મહત્તમ આનંદ મેળવવો છે. યુવાની હંમેશા જાણવાની કોશિશ કરે છે કારણકે જાણવું એ બુદ્ધિનો પ્રદેશ છે. કોઈ ચીજવસ્તુ ઉત્પાદન કરવાની અલગ અલગ રીતો, કોઈ કાર્ય સંપન્ન કરવાના અલગ અલગ રસ્તાઓ વગેરે કંઈક ને કંઈક સતત નવું જાણવાની યુવાનનોને તાલાવેલી હોય છે. ભવિષ્યને ઉજ્જવળ બનાવવા તેઓ તત્પર રહે છે. માનવીય બુદ્ધિની એક સીમા હોય છે. અવસ્થાભેદથી વ્યક્તિને ઘડપણમાં બધી જંજાળો છોડીને જેટલું છે તેટલું માણવાની મહેચ્છા ફરીથી જાગી ઊઠે છે. પ્રવૃત્તિથી નિવૃત્તિ તરફ જતો માનવી પ્રત્યેક ચીજને અલગ રીતે માણવા ચાહે છે. યુવાનીમાં પ્રોફેસરપદ જો બોજારૂપ લાગતું હોય તો વૃદ્ધાવસ્થાની નવરાશની પળોમાં સેવાભાવે થતું શિક્ષણકાર્ય તેને આનંદરૂપ લાગે છે કારણકે ત્યાં સેવારૂપે શિક્ષણ આપવાનો આનંદ માણવાનો હોય છે તેથી સમગ્ર દષ્ટિકોણ રૂપાંતરણ પામે છે. આમ, બાળપણ જીવનને માણવાનો સંદેશ આપે છે જે યુવાનીમાં કાર્યક્ષેત્રને લીધે થોડો વિસ્મૃત થાય છે અને વૃદ્ધાવસ્થામાં ફરીથી વ્યક્તિ જીવનને માણવાની કલ્પના સેવતો નિર્વાણ પામે છે. આ રીતે જીવનની ગતિ ‘જાણવા’ અને ‘માણવાના’ બે કિનારાઓ વચ્ચે સતત વહેતી રહે છે.

શરૂઆતમાં કોઈ આપણી પાસે પ્રવાસના બે જુદા જુદા કાર્યક્રમો લઈને આવે તો આપણે વધારે સ્થળોને આવરી લે તેવા પ્રકારના કાર્યક્રમને પ્રથમ પસંદગી આપીએ છીએ. દિલ્હી, સિમલા, મસૂરી કરતાં આપણને ઉદયપુર, જયપુર, દિલ્હી, સિમલા કે મસૂરીનો પ્રવાસ વિશેષ આનંદ આપે છે. તેનું કારણ, તેમાં બે-ચાર નવા સ્થળોનો ઉમેરો થાય છે અને આપણને તેટલા સમયમાં થોડા વધુ ખર્ચે નવા પ્રદેશો વિશે જાણકારી મળે છે. વર્ષો સુધી વિવિધ સ્થળોના અનેક પ્રવાસો કર્યા પછી એક સમય એવો આવે છે જ્યારે એમ થાય કે કોઈ એક સ્થળ પસંદ કરીને છ-સાત દિવસ ત્યાં રોકાઈ જવું. તે સ્થળના સૂર્યોદય, સૂર્યાસ્તનો આનંદ લેવો. ત્યાંના બજારો, લોકોની રીતભાત, તહેવારો અને પ્રકૃતિનું સાનિધ્ય સતત માણવું. થોડા દાયકાઓ પૂર્વે જ્યારે વાહનવ્યવહાર સીમિત માત્રામાં હતો ત્યારે લોકો રસોઈનો સામાન, ગેસ-ચૂલા વગેરે લઈને પ્રવાસ કરતાં અને કોઈ એક યાત્રાધામમાં મહિનાઓ સુધી રોકાતાં. એ રીતે પ્રવાસદ્વારા જીવનને પૂરેપૂરું માણવાનો હેતુ હતો.

જીવનનું સાચું સૌંદર્ય જીવનને માણવામાં રહેલું છે. ‘જાણવું’ એ બુદ્ધિનું ક્ષેત્ર છે. તે કાંઈ ખોટું નથી પરંતુ તે પૂર્ણ પણ નથી. માનવી જાણી-જાણીને કેટલું જાણશે ? પોતાના જીવનકાળ દરમ્યાન જો તે આખો ‘એન્સાઈકલોપિડિયા’ વાંચી જાય તો પણ આ બ્રહ્માંડની અનેક વસ્તુઓ તો અજ્ઞાત જ રહી જવાની. જાણવાની કોઈ સીમા નથી. તેથી માનવીએ જાણવાની સાથે જે જાણ્યું છે તેને માણવાની વિચારધારા પણ કેળવવી રહી. ‘માણવું’ એ આત્માનો પ્રદેશ છે. તે હંમેશાં આનંદ આપે છે. દાખલા તરીકે, આપણે ટેલિવિઝનમાં કોઈ ધારાવાહિક જોઈએ તો આપણે જાણીએ છીએ કે તેમાં જે પાત્રો છે તે બધા કાલ્પનિક છે અને વાર્તાના સ્વરૂપે છે પરંતુ એ જાણીને વારંવાર યાદ કરવાથી તો ઊલટો આપણો રસ સમાપ્ત થઈ જાય છે. ‘સિરિયલ’ને આપણે જે સ્વરૂપે છે તે સ્વરૂપે માણીએ ત્યારે તેનો ખરો આનંદ આવે છે. એવી રીતે જેના જીવનના કેન્દ્રસ્થાને ‘માણવા’નું તત્વ રહેલું છે તે હંમેશા પ્રસન્નતાને પ્રાપ્ત કરે છે.

માનવી તેના કાર્યક્ષેત્રમાં રોજ નવી ઘણી વસ્તુઓ જાણે છે. એકાઉન્ટન્ટ પાસે આર્થિક લેણદેણના અનેક કાર્યો આવે છે, વકિલ પાસે ભાતભાતના કેસ આવે છે, ડૉકટર પાસે અનેક રોગીઓ, રોગના પ્રકારો અને તેને લગતું સાહિત્ય આવે છે, એન્જિનિયર પાસે ટેકનિકલ અને અટપટા કામો આવે છે. આ તમામ ક્ષેત્રોમાં પ્રત્યેક દિવસે કંઈક નવી જાણકારી મળે છે. વળી, જાણવાથી બુદ્ધિ-શક્તિ નો વિકાસ થાય છે અને વ્યક્તિ બહુપરિમાણીય પ્રતિભા ધરાવતો બને છે. સમયાંતરે તે પોતાના ક્ષેત્રમાં કંઈક વિશેષ કાર્ય કરીને સફળ બની શકે છે. છેવટે આ સફળતાને માણવા માટે વ્યક્તિને અવકાશ તો જોઈએ જ છે ! તેથી સોમ થી શનિ સુધી પોતાના કાર્યક્ષેત્રમાં સતત વ્યસ્ત રહેલો માણસ, રવિવારને માણવાનું ચૂકતો નથી. રવિવારની સવારે મોડેથી ઊઠવું, અખબારો શાંતિથી વાંચવા, છોકરાઓને રમાડવા, ટી.વી ચેનલો પર નજર કરવી, મિત્રો સાથે ગપ્પાં મારવા – એ બધું સૌને ગમે છે કારણકે ત્યાં જીવનને એકદમ હળવાશથી માણવાની વાત છે. વ્યક્તિ થોડોક સમય કોઈ વસ્તુને માણતા શીખે તો તે તેનો કલાકોનો થાક સરળતાથી ઉતારી દે છે.

અત્યારના સમયમાં બાળકોને બધી વસ્તુઓ ‘જાણવા’ પર ખૂબ ભાર મૂકાય છે, જે એક પ્રકારની હિંસા છે. કુમળા બાળકોના મનને ખીલવવા માટે તેમને જીવન માણવાની કલા શીખવવી જોઈએ. ‘એન્સાઈક્લોપિડિયા’ ના થોથાં એમના હાથમાં પકડાવીને આપણે કબ્બડી, ખોખો, લંગડી જેવી જીવનને પ્રફુલ્લિત કરનારી રમતો તેમની પાસેથી આંચકી લઈએ છીએ અને તેના પરિણામે બાળકનો માત્ર બૌદ્ધિક વિકાસ થાય છે જે જીવનને કદી પૂર્ણ બનાવતો નથી. કેટલાક માતા-પિતાઓ વેકેશન શરૂ થાય એટલે બાળકને કોઈને કોઈ ક્લાસિસમાં રોકી દેવાનું આગોતરું આયોજન કરતા હોય છે. તેઓ તેમને સતત પ્રવૃત્તિમય રાખવા માંગે છે અને તેમના માથે જાણકારીનો ખજાનો એકસાથે ઠાલવી ને તેમને એક જ રાતમાં હોંશિયાર બનાવી દેવાની ઝંખના સેવે છે પરંતુ ચારિત્ર્યનો વિકાસ કરીને તેમને જેટલું પ્રાપ્ય છે તે માણવાની કળા કોઈ શીખવતું નથી !

વિદ્યાર્થી જો પોતાના વિષયને જાણવાનો, ગોખવાનો અને યાદ રાખવાનો અભિગમ બદલીને તેને માણતા શીખી જાય તો પોતાના અભ્યાસમાં તે સરળતાથી રસ કેળવી શકે. જે વિદ્યાર્થી વિષયને માણે છે તેને તેનાથી થાક નથી લાગતો કે તેને યાદ રાખવાનો બોજ સહન નથી કરવો પડતો. જેવી રીતે લય, તાલ અને સંગીતથી કોઈ કવિતા કે ગઝલ ગાવામાં આવે તો સાંભળનાર શ્રોતાને અનાયાસે જ યાદ રહી જાય છે (કારણકે તેણે તમામ પંક્તિઓને હૃદયથી માણી હોય છે) તેવી રીતે પોતાના વિષયમાં કોઈક જુદી-જુદી તરકીબો શોધીને તેનો આનંદ લેવાની કળા હસ્તગત થઈ જાય તો કોઈપણ અભ્યાસક્રમ વિદ્યાર્થીને અઘરો ન લાગી શકે. જે પ્રવાસી બહારના વૃક્ષ, ખડકો, પહાડો અને કુદરતી સૌંદર્ય તરફ નજર ન રાખતા કેવળ ‘માઈલસ્ટોન’ પર નજર રાખે છે તેને પોતાનો પ્રવાસ હમેશાં લાંબો લાગે છે. પ્રત્યેક કિલોમીટર તેને પ્રતીક્ષા કરાવતા હોય તેવું અનુભવે છે. આ રીતે, જે વિદ્યાર્થી પુસ્તકના પાનાંઓ ગણતાં-ગણતાં વાંચે છે તે વાંચનનો આનંદ લઈ શકતો નથી. મજા તો તેને રસપૂર્વક આત્મસાત કરવામાં છે !

અંતમાં આપણા સૌની વાત ! આપણી ઘરે કેટલી બધી વસ્તુઓ છે અને તેમાંની ઘણી એવી વસ્તુઓ હશે કે જેને કદાચ આપણે યોગ્યરીતે માણી નહીં હોય. રેફ્રિજરેટર, માઈક્રોવેવ, ટેલિવિઝન, ડી.વી.ડી, હેન્ડીકૅમ વગેરે વાપરવાનું તો આપણે સૌ કોઈ જાણીએ છીએ પરંતુ ક્યારેક કોઈ નવરાશની પળે ઘર સાફ કરતાં અચાનક હાથમાં આવી ચઢેલ શૈશવની તસ્વીરો, લગ્નના સંભારણારૂપ ફોટૉઆલ્બમ, દાદાજીના હાથે લખેલો કોઈ પત્ર, દીકરીના બાળપણનું કોઈ પુસ્તક, પિયરમાંથી આપેલી શગુનની વસ્તુઓ વગેરે આપણને કેટલા આનંદથી ભરી દે છે ! એ યાદોને સ્મરતાં આંખોમાંથી જ્યારે એક બુંદ ટપકી પડે છે ત્યારે જીવન માણ્યાનો સાચો આનંદ અનુભવાય છે.

થોડું જાણવાનું ઓછું રહી જશે તો ચાલશે, પરંતુ જીવનની પ્રત્યેક પળને આનંદથી ભરીને માણવાનું તો ન જ ચુકાવવું જોઈએ ને !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કુલપતિના પત્રો (2) – કનૈયાલાલ મુનશી
કુલપતિના પત્રો (3) – કનૈયાલાલ મુનશી Next »   

15 પ્રતિભાવો : જાણવાથી માણવા સુધી – મૃગેશ શાહ

  1. જિવનના લોજિકને બહુ સરસ રીતે બતાવ્યુ છે.

  2. Pragnaju Prafull Vyas says:

    જીવનની પ્રત્યેક પળને આનંદથી ભરીને માણવાનું તો ન જ ચુકાવવું જોઈએ ને !
    તે માટે આ સમજ પણ આવશ્યક છે જ …જીવનનો વિકાસ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. સદ્ વિચાર, સદ્ ગુણ ને સારું વર્તન. સાધકમાં આ ત્રણે વસ્તુનો સુમેળ હોવો જરૂરી છે. તેણે ઉત્તમ વિચારથી સંપન્ન થવું જોઈએ ને વિવેકની શક્તિ કેળવવી જોઈએ. સત્યાસત્યનો ભેદ કરતાં શીખવું જોઈએ. વળી ઉત્તમ ગુણની મૂર્તિ બનવું જોઈએ. ને જે જીવનને તે આદર્શ સમજે છે તે જીવનની મૂર્તિ બનવાનો પ્રયાસ કરવો જોઈએ. ઉત્તમ વિચારો સેવવામાં આવે એટલું જ પૂરતું નથી. તે વિચારો જીવન કે વર્તનમાં વણાઈ જવા કે ઓતપ્રોત બની જવા જોઈએ. જીવનનો સાચો આનંદ ત્યારે જ મળી શકે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.