કુલપતિના પત્રો (3) – કનૈયાલાલ મુનશી

{ વિષય :- યુનિવર્સિટીનું કાર્ય }

મારા નવયુવાન મિત્ર,

આજનું વિદ્યાર્થી-જગત જોઈ હું સચિંત બનું છું. વિદ્યાર્થીઓમાં અસંતોષ છે, જે તેમને હિંસક તોફાનો તરફ દોરી જાય છે. વિદ્યાર્થીઓને આપણાં સ્વીકૃત મૂલ્યો માટે આદર નથી. વડીલો અને શિક્ષકોનું જાણીબૂઝીને અપમાન કરવાનું સ્વાભાવિક થઈ ગયું છે. સફળ થવા માટે ગમે તેવા ઉપાયો લેવામાં કોઈ સંકોચ નડતો નથી. મને ઘણી વાર આશ્ચર્ય થાય છે કે યુનિવર્સિટીઓમાં સાચું શિક્ષણ આપવામાં આવે છે કે કેમ ? કેળવણીકાર કહેવડાવવાનો થોડો ઘણો દાવો હું કરી શકું એમ છું. મને લાગે છે કે આપણાં વિદ્યાધામોમાં પાયાની કેટલીક વસ્તુઓ તરફ ઉપેક્ષા થઈ રહી છે. જ્ઞાનસંપાદન કરાવવા ઉપર કાંઈક વિચિત્ર અને વધારે પડતો ભાર મુકાઈ રહ્યો છે.

હું વારંવાર ભારપૂર્વક કહેતો આવ્યો છું કે યુનિવર્સિટીઓનાં ત્રણ પ્રધાન કર્તવ્યો છે : બુદ્ધિ, હૃદય અને સમૂહભાવનાનો વિકાસ કરવો. પહેલું કર્તવ્ય જ્ઞાન આપવાનું અને એ દ્વારા બુદ્ધિવિકાસ સાધવાનું; બીજું, જીવનનાં મૂલ્યો સમજવાનું ને તેને જીવનમાં ઉતારવાનું; અને ત્રીજું કર્તવ્ય સમૂહશક્તિ પ્રાપ્ત કરી વિશાળ માનવજીવનના એક અંગરૂપ બની રહેવાનું. આપણાં વિદ્યાધામોમાં પહેલી વસ્તુ ઉપર ધ્યાન અપાય છે, બીજીની અવગણના થાય છે અને ત્રીજી વસ્તુ વિશે કોઈને કશી ખબર નથી. ત્રીજી વસ્તુ મારે મન સૌથી મહત્વની છે. આપણાં વિદ્યાધામો સમૂહજીવન, સમૂહશિસ્ત અને સમૂહભાવનાથી ધબકતાં આશ્રમો બની જવાં જોઈએ. – જ્યાં શ્રદ્ધા અને દષ્ટિસંપન્ન માનવીઓ પોતાને સમજાયેલાં સત્યોને ચરિતાર્થ કરવાનો પ્રયત્ન કરે; જ્યાં વિચાર, વાણી અને વર્તનથી સ્નેહસમભાવપૂર્વક વિદ્યાર્થીઓને નૈતિક શિસ્ત તરફ વાળી તેમના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરવામાં આવે; જ્યાં સ્વાર્થનું વિસર્જન કરી સર્વકલ્યાણની ભાવના પ્રગટ કરવામાં આવે ને તેની સિદ્ધિ માટેનાં રચનાત્મક કાર્યો કરવામાં આવે; અને જ્યાં એ કાર્યો દ્વારા જીવનપરિવર્તનની શક્તિ પ્રગટે ને ભૌતિક, નૈતિક અને આધ્યાત્મિક અભ્યુદયને માર્ગે સર્વને પ્રેરવામાં આવે.

આ માટે આપણાં વિદ્યાધામોમાં શક્તિનું રૂપાંતર કરવાની અનિવાર્ય આવશ્યકતા છે. એ વિના આપણું સમાજશાસ્ત્રનું જ્ઞાન ને સામાજિક કાર્યો જીવ વગરનાં ને નિરર્થક છે. આ શક્તિ પ્રાપ્ત કરવાની ચાવી જીવનમૂલ્યોની સ્થાપના છે. એથી ઈષ્ટ-અનિષ્ટનો વિવેક પ્રગટશે, સાચું ને ખોટું પારખવાની શક્તિ વિકસશે, ને સત્યના સ્વીકાર અને અસત્યનો ત્યાગની સૂઝ આવશે. પરિણામે શક્તિનું ઉપયોગી અને યોગ્ય શક્તિમાં રૂપાંતર થશે ને આધ્યાત્મિક બળ મળતાં રચનાત્મક પ્રવૃત્તિ તરફ વિદ્યાર્થી આપોઆપ વળશે.

જીવનમૂલ્યોની સર્વોપરિતાની ભાવના ભાષણો સાંભળીને, પુસ્તકો વાંચીને, માહિતી ભેગી કરીને કે તર્ક અને દલીલબાજીથી ભરેલા વાદવિવાદોથી નથી આવવાની. બુદ્ધિનો ઉજ્જડ માર્ગ રચનાત્મક સિદ્ધિ તરફ નથી લઈ જતો. વ્યક્તિસ્વાતંત્ર્ય અને માનવગૌરવનો સ્વીકાર કરીશું તો જીવનમૂલ્યો માટેની શ્રદ્ધા પ્રગટાવી શકીશું. માનવીને એની પ્રકૃતિ, આશાઝંખના અને શ્રદ્ધાવિચાર પ્રમાણે વર્તવાની પૂરેપૂરી અનુકૂળતા મળવી જોઈએ. એમાં માતૃભૂમિ માટેનો પ્રેમ અને પ્રભુને માર્ગે અભિસરણ કરવાનું ઉમેરવું જોઈએ. ઋતના નિયમોના પાલન વિના તો રચનાત્મક માર્ગે જવાનું શક્ય જ નથી. લઈને નહિ, આપીને રાજી થા, મિત્રતાનો પાયો પ્રેમ છે, સત્યનો જ સદા જય છે, સન્માર્ગે જ ઉન્નતિ થવાની છે, બળ સંયમ છે, ક્ષમા વીરનું ભૂષણ છે, પ્રમાણિક માર્ગે જ ધન મેળવવું, ત્યાગ કરીને ભોગવવું વગેરે જીવનસૂત્રોને સાકાર કરવાની ઉત્કટ ઝંખના જીવનને અર્થપૂર્ણ બનાવશે. દરેક કાર્યને જીવનકર્તવ્યની કક્ષાએ મૂકવું જોઈશે.

આજના આપણા શિક્ષકો છેલ્લાં પચાસ વર્ષોની યુનિવર્સિટીની નીપજ છે. એઓ ધર્મશ્રદ્ધાભર્યા પિતાનાં સંતાનો હતાં. પરંતુ યુનિવર્સિટીમાં જઈ એ શંકા કરતાં શીખ્યા, ધર્મશ્રદ્ધાને પુરાણી પાંજરાપોળની વસ્તુ ગણવા તરફ વળ્યા ને વિજ્ઞાનને માનવજીવનનો આખરી શબ્દ ગણતા થયા. સમાજવિદ્યા ને વિજ્ઞાન તરફ આંધળી દોટ મૂકવાની વિદ્યાધામોએ એમને પ્રેરણા આપી. જેઓ આ મૂળ પ્રવાહમાં ભળી શક્યા નહિ તેમને જુનવાણી, જડ, પ્રત્યાઘાતીના ઉપાલંભો આપીને દૂર ફેંકી દેવામાં આવ્યા. ઈશ્વર પરની શ્રદ્ધામાંથી એમને બળ મળવું જોઈતું હતું, પરંતુ એમણે આત્મવિશ્વાસ ગુમાવ્યો હતો, પેલા જોરદાર પ્રવાહને ખાળવાનું એમનાથી થઈ શક્યું નહિ.

આ વાતાવરણમાં માનવવિદ્યાઓનો ઉપહાસ થાય, સાહિત્યની ઠેકડી ઉડાવવામાં આવે ને ધાર્મિક શિક્ષણને તિરસ્કારપૂર્વક તરછોડવામાં આવે એમાં શું નવાઈ ? અને એટલે સ્વાભાવિક રીતે જ આજની વિદ્વતા પાસે કવિ અને દ્રષ્ટાઓની સર્જકતા અને દીર્ધદષ્ટિ નથી. આવી દષ્ટિ થોડીઘણી પ્રગટે ન પ્રગટે ત્યાં તો બૌદ્ધિક ઉત્થાનને નામે દબાવી દેવામાં આવે, પરિણામે તમે ભૌતિક સમૃદ્ધિ, સ્થૂળ ઉન્નતિ અને વિજ્ઞાનની આંખે જોતા થઈ જાઓ. જીવનમૂલ્યો તરફ નજર સરખી માંડવાની શક્તિ ગુમાવી દો. પવિત્ર અને ઉચ્ચ જીવન જીવવાની આત્માની ઝંખનાને પ્રગટ થતી અવરોધવામાં આવે. માનવી એક ત્રાસવાદી ઉચ્છેદક વિચારધારાનો ગુલામ બની તેમાં રાચતો થઈ ગયો છે. આ પરિસ્થિતિએ શિક્ષણના મૂળભૂત પાયાને હચમચાવી કાઢ્યો છે. કેળવણીનું ધ્યેય શારીરિક, માનસિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસ કરવાનું છે.

આશ્રમ કેળવણીના દિવસોમાં આધ્યાત્મિક વિકાસ પરત્વે સમગ્ર ધ્યાન આપવામાં આવ્યું ને ભૌતિક સુખ, સમૃદ્ધિ અને વિકાસની અવગણના કરવામાં આવી. ભારપૂર્વક કહેવામાં આવતું : ‘રોટલા વિના માણસ જીવી શકે, રામ વિના નહિ.’ પછી ભૌતિક વિજ્ઞાન અને સમાજશાસ્ત્રોના વર્ચસ્વનો સમય આવ્યો ત્યારે તેમને અંતિમ ગણી લેવામાં નહિ આવ્યાં પરંતુ સંકોચપૂર્વક આધ્યાત્મિક વિકાસને લક્ષમાં રાખવામાં આવ્યો ત્યારે કહેવાયું : ‘એકલા રોટલાથી ચાલે નહિ.’ હવે આજે મૂલ્યોની ઊલટસૂલટ થઈ ગઈ છે. આપણું સૂત્ર છે : ‘રામ વિના ચાલશે. રામ જ નથી.’ માનવીને નાસ્તિક અને બિનમજહબી કરવાનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. કોઈ પણ વસ્તુ ઉપર શ્રદ્ધા માણસમાં ઠાંસવામાં આવી રહી છે. ‘ધર્મ વિના માણસે જીવવું જોઈએ.’ એવી નવશ્રદ્ધાનો સંચાર થઈ રહ્યો છે !

પરંતુ એક પરિવર્તન આવી રહેલું મને દેખાય છે. આ ક્રાન્તિના શ્રી અરવિંદ પયગંબર છે અને ગાંધીજી વિશ્વકર્મા છે. આપણા યુગના મહાન ઈતિહાસકાર ટોયન્બીએ આ પરિવર્તન વિશે ભવિષ્યવાણી ઉચ્ચારી છે. શાણપણના પુનરાગમનને વધાવતાં એ કહે છે : ‘રોટલા વિના ધર્મ નિષ્ક્રિય છે ને ધર્મ વિના રોટલા નિર્જીવ છે. ધર્મથી જ માનવી રોટલા નિરાંતે ખાય છે ને ખાધા પછી તેની ધર્મભાવના ઉન્નત બને છે. બન્ને જીવન છે.’ આ વિચારણાના પ્રકાશમાં આપણી યુનિવર્સિટીઓએ એમની વિદ્યાપ્રવૃત્તિની પુન:રચના કરવી જોઈએ. સામૂહિક સ્તર પર વિદ્યાર્થીઓનું નવઘડતર કરતી વખતે નીચેની વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખીએ.

(1) વિદ્યાર્થીઓના માનસિક જુસ્સાને અને શારીરિક તાકાતને વિકસાવવી જેથી અવિશ્રાંત શ્રમ ઉઠાવવા છતાં જીવન જીવવાનો ઉત્સાહ ટકી રહે.
(2) એમનામાં સર્વનો આદર કરવાની ભાવના વિકસવી જોઈએ. સ્વાર્થથી પર રહેલાં જીવનમૂલ્યો તેમનાં જીવનમાં વણાઈ જવાં જોઈએ.
(3) પ્રમાણિકતાપૂર્વક કામ કરી આર્થિક પાયો મજબૂત કરી જીવન-જરૂરિયાત મેળવી લેવાની યોગ્યતા તેમને મળી રહે.
(4) એમના વ્યક્તિત્વનો પૂર્ણ વિકાસ કરવો. સત્યને ન્યાયને માટે મરી ફીટવા તેઓ તૈયાર રહે અને એમની સઘળી શક્તિનો એઓ લોકસંગ્રહ માટે ઉપયોગ કરે ને પોતાના આત્માની ઉન્નતિ સાધે.

સામાજિક સ્તર ઉપર આ કામ ઉપાડવા સિવાય આ પ્રમાણે કરવાનો બીજો કોઈ માર્ગ નથી. આપણો ચિરંતન સંદેશ છે કે : ‘જ્ઞાન આચરથી ચઢે; એકાગ્રતા જ્ઞાનથી ચઢે; પણ એકાગ્રતાથી ય એકાગ્રચિત્તે કરેલું કાર્ય ચઢે.’ એ દ્વારા જ અખૂટ શક્તિ સંપાદન કરી આપણે આપણા ધ્યેયને હાંસલ કરી શકીશું. એકાગ્ર કાર્યસાધના આવેશનું પરિણામ ન હોય ને એની પાછળ કોઈ સ્વાર્થ કે લોભની વૃત્તિ ન હોય તો જ તેમાં નિપુણતા મળવાની છે, નિપુણતા વિના કાર્ય પૂર્ણ થવાનું નથી. વ્યક્તિ અને સમાજની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વસ્થતા માટે આટલું કરવું અનિવાર્ય છે.

[ક્રમશ:]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જાણવાથી માણવા સુધી – મૃગેશ શાહ
જીવનઘડતરની વાતો – સંકલિત Next »   

11 પ્રતિભાવો : કુલપતિના પત્રો (3) – કનૈયાલાલ મુનશી

  1. Pragnaju Prafull Vyas says:

    આવા વિચારોની અમલમાં મૂકવાની તાતી જરુર છે—“આપણાં વિદ્યાધામોમાં શક્તિનું રૂપાંતર કરવાની અનિવાર્ય આવશ્યકતા છે. એ વિના આપણું સમાજશાસ્ત્રનું જ્ઞાન ને સામાજિક કાર્યો જીવ વગરનાં ને નિરર્થક છે. આ શક્તિ પ્રાપ્ત કરવાની ચાવી જીવનમૂલ્યોની સ્થાપના છે. એથી ઈષ્ટ-અનિષ્ટનો વિવેક પ્રગટશે, સાચું ને ખોટું પારખવાની શક્તિ વિકસશે, ને સત્યના સ્વીકાર અને અસત્યનો ત્યાગની સૂઝ આવશે. પરિણામે શક્તિનું ઉપયોગી અને યોગ્ય શક્તિમાં રૂપાંતર થશે ને આધ્યાત્મિક બળ મળતાં રચનાત્મક પ્રવૃત્તિ તરફ વિદ્યાર્થી આપોઆપ વળશે.”

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.