જીવનઘડતરની વાતો – સંકલિત

[‘અરધી સદીની વાચનયાત્રા’ માંથી સાભાર.]

[1] જેવું ઘડતર – નવલભાઈ શાહ

લોખંડનો એક ટુકડો વેચો તો તેનો એક રૂપિયો ઊપજે. તેમાંથી ઘોડાની નાળ બનાવીને વેચો તો અઢી રૂપિયા ઊપજે. તેમાંથી બધી સોય બનાવી નાખો તો 600 રૂ. ઊપજે અને નાળ કે સોયને બદલે ઘડિયાળની ઝીણી ઝીણી કમાન બનાવી નાખો તો 50,000 રૂ. ઊપજે. લોખંડ તો એનું એ અને એટલું જ છે. પણ તેનું ઘડતર કરો તેવું તેનું મૂલ્ય.
માણસ વિશે પણ એવું જ છે.

[2] ઝાડનાં મૂળની જેમ – રવિશંકર મહારાજ

ઝાડનાં મૂળિયાં દેખાવમાં તો કેટલાં સુંવાળાં જણાય છે ! હાથ અડાડીએ, તો ભાંગી જાય એવાં કોમળ હોય છે. છતાં એ મૂળિયાંમાં કેટલું બધું બળ હોય છે ! પથ્થર જેવી જમીનનેય તોડીને ઊંડે ઊંડે પાણી મળે ત્યાં સુધી સોંસરાં ઊતરી જાય છે. અને એક વાર અંદર ઊતર્યા પછી મૂળ જાડું થવા પ્રયત્ન કરે છે, જમીનને પહોળી બનાવે છે. આ રીતે જમીન સોંસરવા ઊતરવામાં અને પથ્થર જેવી જમીનનેય પહોળી કરવામાં કેટલું બધું બળ જોઈતું હશે !

સ્ત્રીઓમાં પણ આવું જ બળ છે. એના બળને માપી શકાય નહીં. તેથી તેને અ-બળા કહી છે. સ્ત્રી કઠણમાં કઠણ હૃદયમાં ઊતરી જઈને જગા કરે છે. એ પારકાના ઘરને પોતાનું કરી લે છે. પોતે એ ઘરની થઈ જાય છે, એ ઘરમાં સમાઈ જાય છે. ઝાડનાં મૂળની જેમ એ ઘરમાં સોંસરી ઊતરી જઈને ઘરનો કબજો લઈ લે છે.

[3] આજનો દિવસ – ફાધર વાલેસ

હમણાં બે-એક કલાક પહેલાં ઊઠ્યા, નાહી-ધોઈને તૈયાર થયા, ચા પીધી, છાપુ વાંચ્યું, ભગવાનનેય યાદ કર્યા; મનમાં ને મનમાં સંકલ્પ કર્યો કે કોઈ સારું કામ થાય અને કોએ પુણ્ય મળે. પછી દિવસમાં ઝંપલાવવા તૈયાર થયા, અને એમાં પ્રશ્ન થયો : આજનો દિવસ કેવો જશે ? કેવો જાય તો મને સંતોષ થાય, આનંદ રહે, કૃતકૃત્યતા લાગે ?

કેટલાક લોકો એવી પ્રતિજ્ઞા લે છે કે રોજ કોઈ એક સુકૃત્ય કરવું, જેથી કંઈ નહીં તો એટલું સારું સ્મરણ દિવસમાં રહે અને એક શુભ કાર્યના પુણ્યથી આખો દિવસ સારો ગયો એમ કહી શકાય. દિવસ ગમે તેવો ગયો હોય, પણ તેને માથે એ એક સુકૃત્યનો ચાંલ્લો આવ્યો એટલે આખો દિવસ પવિત્ર બન્યો. એ ભાવના છે અને ભાવના સુંદર છે. પણ આજે મારો વિચાર કંઈક જુદો છે. સુકૃત્યો તો જરૂર કરીએ; પરંતુ જાણે દિવસને મામૂલી બનતો અટકાવવા માટે નહીં. એકાદ સુકૃત્યથી નમાલા દિવસ ઉપર ઓપ ચડાવવાનો સવાલ નથી. આખો દિવસ પવિત્ર જોઈએ – પછી ચાંલ્લો કરીશું, પછી પવિત્ર મંદિર ઉપર કળશ ચડાવીશું.

એટલે કે આખો યે દિવસ પવિત્ર છે જ. એ મામૂલી, સામાન્ય દિવસ પવિત્ર છે. એ કેવી રીતે ? મંદિરના પથ્થરો પવિત્ર છે, એ રીતે. એ તો પથ્થર જ છે – પણ પોતાને સ્થાને છે, પોતાનું કામ કરી રહ્યા છે, પોતાનો પથ્થર-ધર્મ પાળે છે, એટલે પવિત્ર છે. શરીરનાં અંગો પવિત્ર છે, એ રીતે પણ. એ તો હાથ-પગ છે, હાડમાંસ છે, ગંદા-મેલાં થાય, પણ પોતાને સ્થાને છે, પોતાનું કામ કરે છે, પોતાનો ધર્મ પાળે છે, એટલે પવિત્ર છે. ચાંલ્લો આવે તે પહેલાં, કળશ આવે તે પહેલાં જ, દેહ પવિત્ર છે, મંદિર પવિત્ર છે – અને દિવસ પણ પવિત્ર છે. એનાં બધાં કૃત્યો – ઊઠવાનું ને બેસવાનું, ઊંઘવાનું ને જાગવાનું, ઑફિસનું કામ ને ઘરના પ્રસંગો ને મિત્રોની મુલાકાતો – બધાંનું સ્થાન છે, બધાંનું કામ છે, બધાંનો ધર્મ છે અને તેથી એ બધાંથી બનેલો આખો દિવસ પવિત્ર છે.

કોઈ વિશિષ્ટ કૃત્યની જરૂર નથી, કોઈ સોનાની ઈંટની જરૂર નથી; હોય તો સારું છે, પણ એ ન હોય તોય દિવસને મંગળ કહીશું. દરેક કાર્ય હોવું જોઈએ તેવું હોય, એટલું જ જરૂરી છે. ખાવાનું તો ખાવાનું અને વાંચવાનું તો વાંચવાનું. વાતચીત તો વાતચીત અને પ્રાર્થના તો પ્રાર્થના. દરેક પોતાના સમયે થાય, પોતાની રીતે થાય, આનંદથી થાય. દરેકમાં ધ્યાન અને દરેકથી સંતોષ. એ રીતે સારો દિવસ થાય. એ રીતે સારું જીવન જિવાય. આજનો દિવસ એવો જીવીએ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કુલપતિના પત્રો (3) – કનૈયાલાલ મુનશી
યાત્રા ગુર્જરી – ડૉ. આરતી પંડ્યા Next »   

8 પ્રતિભાવો : જીવનઘડતરની વાતો – સંકલિત

  1. Ragesh says:

    ઘડતરી જિવનનુ અને ઝાડ ના મુડ એ જિવન વિશ ઘનુબધુ કહિ જા છે.

  2. Pragnaju Prafull Vyas says:

    સંતો નવલભાઈ શાહ,રવિશંકર મહારાજ,ફાધર વાલેસ લોકો સાથે રહીને જે સેવા કરી તેથી તેમના-વિચારોમાં સહજતા સચ્ચાઈથી અસરકારક રહે છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.