ગોવિંદો પ્રાણ અમારો રે – મીરાં

ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે;
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.

મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનો વાસ;
કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ…ગોવિંદો…

રાણોજી કાગળ મોકલે રે, દો રાણી મીરાંને હાથ;
સાધુની સંગત છોડી દો, તમે વસોને અમારે સાથ… ગોવિંદો…

મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ;
રાજપાટ તમે છોડી રાણાજી, વસો સાધુને સાથ… ગોવિંદો….

વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ;
અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રીવિશ્વનો નાથ… ગોવિંદો…

સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ;
રાણાજીના દેશમાં મારે, જળ રે પીવાનો દોષ… ગોવિંદો…

ડાબો મેલ્યો મેવાડ રે, મીરાં ગઈ પશ્ચિમમાંય;
સરવ છોડીને મીરાં નીસર્યાં, જેનું માયામાં મનડું ન કાંય…ગોવિંદો….

સાસુ અમારી સુષુમણા રે, સસરો પ્રેમ-સંતોષ;
જેઠ જગજીવન જગતમાં, મારો નાવલિયો નિર્દોષ…. ગોવિંદો….

ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે રે, રંગબેરંગી હોય;
ઓઢું હું કાળો કામળો, દુજો ડાઘ ન લાગે કોય…. ગોવિંદો…

મીરાં હરિની લાડણી રે, રહેતી સંત-હજૂર;
સાધુ સંગાતે સ્નેહ ઘણો, પેલા કપટીથી દિલ દૂર… ગોવિંદો…

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શનિને કોણ નડતું હશે ? – વિનોદ ભટ્ટ
વાડા પાછળ ચંપો વાવ્યો – રીના મહેતા Next »   

5 પ્રતિભાવો : ગોવિંદો પ્રાણ અમારો રે – મીરાં

  1. Pragnaju Prafull Vyas says:

    પોતાનું સર્વ સોંપી દીધેલું તેવી સર્વકાલીન શ્રેષ્ઠ મીરાનાં ભજનો ભાવથી ગાઈએ તો
    મીરાં હરિની લાડણી રે, રહેતી સંત-હજૂર;
    સાધુ સંગાતે સ્નેહ ઘણો, પેલા કપટીથી દિલ દૂર
    થવા તરફ ગતિ થાય

  2. ભાવના શુક્લ says:

    મીરા એ દર્દ સાથે દુધ-સાકરની ભળેલી વહેતી ધારા… મીરાનુ પાતાળ તો કેમ ભેદી શકાય પણ સાદા શબ્દોની ચોટ ઇશ્વરીય તત્વની નજીક જરુર પહોચાડી દે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.