વાડા પાછળ ચંપો વાવ્યો – રીના મહેતા

વધુ ને વધુ જર્જરિત બનતાં જતાં અમારા જૂના ઘરના એવાં જ જર્જરિત – અવાવરું કૂવા જેવા વાડામાં ઉપરથી અગાસીએથી બાળકો શેરડીના કૂચા ફેંકે છે. હું એકદમ બૂમ પાડી ઊઠું છું – ‘અલ્યા ઓ ! કેમ કૂચાં ફેંકો છો ? કીડી આવશે !’ પણ આટલી વારમાં તો એમણે ઢગલો કૂચા બેધડક વાડામાં નાખી દીધા છે. હું દાદર ઊતરી વાડામાં જાઉં છું ને જાઉં તો થાય છે કે કીડી અહીં કરડે તો કોને ? વાડો લગભગ કચરાપેટી જેવો થઈ ગયો છે. અહીં અવારનવાર કચરો તો વળાય છે. પણ જૂની દીવાલો પરથી કોઈને ન સંભળાય એવાં અવાજે ખર-ખર, ખર-ખર ધૂળ ખરતી રહે છે. અસ્તવ્યસ્ત ખડકાયેલા સામાન, ધૂળ ઉપરાંત શેરડીના કૂચાને કારણે વાડો એવો તો ગંદો લાગે છે કે હું ઝટપટ જેવુંતેવું ય ઝાડું વાળવા માંડું છું. વાળતાં-વાળતાં કચરો એક ખૂણે ભેગો કરતાં જ અચાનક વર્ષો પછી હું આ જગ્યાનો સઘન સ્પર્શ અનુભવું છું. ક્ષણના એક જ ઝબકારમાં આ વાડો, તેની ભેજિલ-વિશિષ્ટ ગંધ અને ઉપરથી આવતો મંદ ઉજાસ મને મારા ગમતીલા ખૂણામાં લઈ જાય છે.

ઓહો ! એ ખૂણામાં તો કંઈ કેટલુંય પડ્યું છે. રસ્તેથી વીણી ભેગાં કરેલા બંગડીના રંગીન કાચના ઢગલી, જાત-જાતના પથ્થર, ડબલા-ડૂબલી….. અત્યારે સોસાયટીનાં એકસરખાં બીબાંઢાળ મકાનો જેવાં ઘર ત્યારે નહીં. શેરીના દરેક ઘરના અંદર-બહારના ચહેરા જુદા. એ જ રીતે દરેક વાડાનો ચહેરોયે અલગ. પણ, અમારા વાડાનો ચહેરો કંઈ સોહામણો તો ત્યારે ય નહિ ! અત્યારની જેમ ત્યારે ય નકામો સરસામાન ભંગારમાં જવાની રાહ જોતો પડ્યો રહેતો. ઉબડખાબડ તૂટેલા પથ્થર, વચ્ચે ક્યાંક રેતી-માટી અને જૂની દીવાલો પરથી ખરતી કાંકરી. પરંતુ વાડાનો રોજિંદો વપરાશ એ કાંકરી-ધૂળને પગલાં ભેળી ક્યાંની ક્યાં લઈ જતો ! દોરીઓ પર સુકાતાં કપડાં માણસની હાજરીનો હોંકારો ભણતાં !

હા, અમારા વાડામાં ચંપો, કરેણ, મોગરો, ટગર કે પારિજાત કદી ઊગ્યાં નહોતાં. તુલસીનું રડ્યુંખડ્યું કૂંડુંયે યાદ નથી. કદીક રમતમાં મેં અને ચીનુએ રોપેલાં કેરીના ગોટલાને પહેલા વરસાદ પછી ફણગો ફૂટતો અને આંબાના એ નાનકડાં રોપ ઉપરના કુમળાં, રતાશ પડતી ઝાંયવાળા પાંદડાં હવામાં પ્રથમ ફરકાટ કરતાં, એ સાથે જ અમારાં મનમાં એક આંબો ઊંચો વધી જતો ને એને કેરીના મરવા પણ લાગી જતાં. કેમકે, ઉનાળામાં માણેલી કેરીની ગંધ હજી ઢૂંકડી જ હોય, અથાણું કરવા માટે નીચે શાંતાકાકીએ લૂગડું ભરીને હળદર-મીઠાવાળી કેરીના ટુકડા સૂકવ્યાં હોય, આખું આંબાવાડિયું અમારા શ્વાસોશ્વાસમાં આવ-જા કરતું હોય, ખાટી કેરીના કેટલાયે ટુકડા છાનામાના ખવાઈ ગયા હોય ને તે છતાંયે જીભ રવ-રવ થયા કરતી હોય ને ત્યારે ઉપરની નાની અગાસીના કઠેરે ઝળૂંબી હું વાડાને ઘડી-ઘડી સાદ પાડતી હોઉં.

આ વાડો ત્યારે આવો મૂંગો ક્યાં હતો ? ચોમાસે પાણીના ધોધવા નીચે મૂકેલી ડોલની માફક ઊભરાયા કરતો. શિયાળે ગરમ પાણી માટે સળગાવેલાં લાકડાંની હૂંફ માણતો. ઉનાળે બહારની દુનિયાના તાપને આઘો ઠેલી અજબની ઠંડક વેરતો. વાડાની ત્રણે બાજુ ઊંચી દીવાલ. તેમાંય એક તરફની દીવાલ તો ઠેઠ બે માળ ઊંચી. એ દીવાલ પર ચોમાસે લીલનું નાનું મેદાન સર્જાઈ જતું. ઉપર પાણી ન ચઢતું ત્યારે પીપમાંથી કાથીની દોરી વડે ડોલ ખેંચતી વેળા વાડો કૂવો જેવો બની જતો.

સવારથી જ વાડામાં અવાજ પથરાયાં કરતો ચોકડીમાં ધબ-ધબ ધોકા મારતાં સુંદરાબાઈ આખા ગામની વાતો કર્યાં કરતાં. બા અને દાદી એમને ઉપરની રસોડાની બારીથી જવાબ આપ્યાં કરતાં. સાંજ પડ્યે વાડામાં ઍલ્યુમિનિયમની સ્કૂલ બૅગ ઉપર નોટબુક મૂકી અમે સમૂહમાં લેસન કરતાં. જોડાજોડ શાંતાકાકી શાક ચૂંટતાં કે જુવાર અથવા ચોખા વીણતાં. ચીં….ચીં… કરતાં ચકલાં દાણો લઈ ફરર… ઊડી જતાં. એકાએક સાંજનું અંધારું અમારી નોટબુકોમાં ઊતરવા માંડતું ને અમે નોટ બંધ કરી રમવા દોડી જતાં. વાડા પછી બે લાલ રંગેલાં લાકડાના તોતિંગ બારણાં. એની પાછળ જ અમે સંતાકૂકડી રમતાં-રમતાં સંતાઈ જતાં. આ જ વાડામાં કશુંક ઉગાડવાની અદમ્ય ઈચ્છામાં ચીકુ ખાધાં પછી તેનાં કાળાં બિયાં પથ્થર વગરની થોડી અમથી જગ્યા ખોદી રોપ્યાં હતાં. તેની ફરતે માટીની સરસ મજાની ક્યારી પણ કરી હતી. દિવસો સુધી પાણી પાઈ-પાઈને ચીકુનું ઝાડ ઊગવાની વાટ જોયા કરી હતી.

આ સિવાય પણ આજુબાજુના બીજાં કેટલાંયે ઘરોના વાડાઓ મનમાં મંદ-શાંત અજવાળું પાથરતાં રહ્યાં છે. કોઈ વાડામાં ગણપતિ ચોથે કરેણ લેવા દોડી જવાતું, તો કોઈ વાડામાં છાબ ભરી પારિજાત. કોઈ સાંકડા વાડાની માટીમાં બરફ ગોળાની સળીનો માંડવોયે રોપાતો ને ઢીંગલા-ઢીંગલીના લગ્નોયે થતાં. કોઈ વાડામાં યજ્ઞ-હવનની વેદી કે પાણી ગરમ કરવાના તાંબાના બંબાનો અગ્નિ પ્રજ્વલતો. કોઈ વાડામાં તુલસી-વિવાહ પણ થતાં. એક બાળ-વિધવા ડોશી એના વાડામાં તુલસી ઉગાડી બધાંને રોપા વહેંચતી. એ બ્રાહ્મણીનું બોડકું માથું, ગોરા કપાળને ઢાંકતો ઘેરો લાલ સાડલો, ખૂબ ઊજળો વાન તથા તેના સુંદર વાડાનું ચિત્ર મારામાં અજબનું અલપઝલપ મિશ્રણ પામ્યાં છે. એમાંના ઘણા વાડાઓ હવે રહ્યા નથી. કોઈ વાડા પર બહુમાળી મકાન ઊભું છે. તો કોઈ વાડાનું જૂનું રૂપ ભૂંસાઈ ગયું છે. અમારો વાડો રહ્યો છે ! રહ્યો છે ખરો પણ એનું વાડાપણું તેની નિર્જનતામાં, ખર-ખર ખરતી ધૂળની ઢગલી નીચે પ્રાચીન કાળના કોઈ નગરની માફક ઊંડે-ઊંડે દટાઈ ગયું છે. શાંતાકાકી ઘર ખાલી કરી ગયાં તે સાથે વાડો પણ ખાલી થઈ ગયો. કપડાંની ખાલી દોરીઓ પણ તડકો ખાઈ-ખાઈ સડીને તૂટી ગઈ. પેલી ઊંચી દીવાલે લીલના પોપડા બાઝી-બાઝીને સુકાતા રહ્યા. પેલાં લાલ તોતિંગ બારણાંને તાળું વસાતું થયું અને બંધ બારણાં પાછળ અમારા સંતાવાના રોમાંચનોયે થપ્પો પડી ગયો. ચીકુનાં બિયાં રોપવા જેવાં અબુધ-ભોળાં સપનાને તો હવે ફણગો ક્યાં ફૂટે ? પછી તો ચોમાસાના પાણીથી ખવાઈ-ખવાઈને પેલાં તોતિંગ બારણાંયે છૂટાં પડી ગયાં. એ નીચેનું ઘર બારણાં વગરનું થઈ ગયું !

બારણાં વગરના ખંડેર જેવા ઘરની ચોકી કરતો વાડો હવે માત્ર ચકલીના ચીંચીંકારથી જાગી-જાગીને લાંબી નિદ્રામાં ઊંઘ્યા કરે છે. અંદરના ઓરડામાં ચકલીનાં બે નાનાં બચ્ચાં મારામાં હજી બે પણ ઝીણી પાંખનો ફરકાટ જગાડી જાય છે. પણ હું જાણું છું કે આ બે બચ્ચાં ફરી કદીયે આ ઘર, આ ઓરડા અને આ વાડો કે એમાંના કશાને પણ પોતાના ચીંચીકારથી સજીવન કરી શકવાના નથી. કેમકે, આ બે બચ્ચાંને શાંતાકાકીની થાળીમાં વીણાતા ચોખાનો દાણો ચણવા નથી મળવાનો !

જૂનો વાડો છોડી મેં ક્યારનો નવો વાડો વસાવી લીધો છે. આ વાડા વગર મારું આ ઘરમાં રહેવું શક્ય જ નથી. નવા વાડામાં ફૂલો મઘમઘ્યા કરે છે. ચકલાં, કાબર, કાગડા આવે છે. ક્યારેક કૂંડામાં ગુલાબ, મોગરો કે ખરેલી માંજરમાંથી નવા તુલસી ઊગવા જેવી સરસ ઘટનાયે બને છે. અહીં સૂર્ય, ચંદ્ર, વાદળ, તારા કે સ્વયં આકાશ પણ અડકી શકાય છે. આ વાડો મારાં હોવા જેટલો નિકટ છે. છતાં અત્યારે વાડાની વાત કરું છું ત્યારે આ તમામ મઘમઘતી વાતો વરસાદમાં રેઈનકોટ પહેરવા જેવી થઈ જાય છે. જૂનો વાડો – ઘરડા ડોસા જેવો, અવાવરું, ધૂળ-કચરાંવાળો, શેરડીનાં કૂચાંયે ફેંકી શકાય એવો નક્કામો, નગણ્ય, નિર્જીવ બની ગયો છે તે છતાં દ્વિજા જ્યારે હીંચકે હીંચતી તેની પરીક્ષાનું ગીત – ‘વાડા પાછળ ચંપો વાવ્યો, ઝમ્મ રે ઝાંઝરિયાં લ્યો….’ મોઢે કરે છે ત્યારે મને મારો એ અને એ જ વાડો યાદ આવ્યો છે. કોઈના વાડામાં મેં ભલે ચંપો જોયો નથી પણ કશુંક ઉગાડવાની બાળ મનમાં રોપાઈ ગયેલી ઝંખના ગીત ગાતાં ગાતાં પેલાં ચીકુના બિયાંની માફક ચંપાનું સપનું રોપી ઉપર માટી પાથરી દે છે. આ સુકાઈ ગયેલું મન તેને સરસ મજાની ક્યારી પણ કરી દે છે અને પછી આંખની ઝારી પાણી પાયા જ કરે છે….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગોવિંદો પ્રાણ અમારો રે – મીરાં
ટેકનિકલ સમારકામ – તંત્રી Next »   

9 પ્રતિભાવો : વાડા પાછળ ચંપો વાવ્યો – રીના મહેતા

 1. Sandeep Barot says:

  હું કંઈ લખૂ તે પહેલા જ મારા મનને વિચારોના ટોળાએ ઘેરી લીધું. તમે જે સુંદરતા થી વાડાનું વર્ણન કર્યું તે શબ્દોમાં સાંકળવું ખરેખર મુશ્કેલ હતું.

  વાડા પાછળ ચંપો વાવ્યો – માટે તમને ખૂબ ખૂબ અભિનંદન.

  વાડા પાછળ ચંપો વાવ્યો માંથી મને ગમતી વાતો –
  ————————————————-
  ૧) દોરીઓ પર સુકાતાં કપડાં માણસની હાજરીનો હોંકારો ભણતાં !
  ૨) કાથીની દોરી વડે ડોલ ખેંચતી વેળા વાડો કૂવો જેવો બની જતો.
  ૩) બંધ બારણાં પાછળ અમારા સંતાવાના રોમાંચનોયે થપ્પો પડી ગયો.
  ૪) કોઈના વાડામાં મેં ભલે ચંપો જોયો નથી પણ કશુંક ઉગાડવાની બાળ મનમાં રોપાઈ ગયેલી ઝંખના ગીત ગાતાં ગાતાં પેલાં ચીકુના બિયાંની માફક ચંપાનું સપનું રોપી ઉપર માટી પાથરી દે છે. આ સુકાઈ ગયેલું મન તેને સરસ મજાની ક્યારી પણ કરી દે છે અને પછી આંખની ઝારી પાણી પાયા જ કરે છે….
  ————————————————–

 2. Pragnaju Prafull Vyas says:

  ‘વાડા પાછળ ચંપો વાવ્યો’
  જાણે અમારા અનુભવની વાત!
  તેમાં-” ચંપાનું સપનું રોપી ઉપર માટી પાથરી દે છે. આ સુકાઈ ગયેલું મન તેને સરસ મજાની ક્યારી પણ કરી દે છે અને પછી આંખની ઝારી પાણી પાયા જ કરે છે….”
  ગમી અમને આ પંક્તીઓ યાદ આવી
  “ચંપા તુઝમેં તીન ગુન:રૂપ,રંગ ઔર બાસ !
  તુઝમેં અવગુન એક ભરા:ભ્રમર ન આવે પાસ !”
  અને તેનો ઉત્તર…
  ચંપક બરની રાધિકા,ભ્રમર ઉસીકો દાસ !
  એટલે
  ચંપાના ફૂલ ઉપર એથી ભમરો ન બેસે !

 3. ભાવના શુક્લ says:

  ગુજરાતી ગૃહિણીની વાડા સાથેની સંવેદના ખુબ પુરાણી છે…. વાડાઓ અલોપ થતા ગયા છે, સિમેન્ટના જંગલોમા ડટાતા ગયા છે ત્યારે આવા લેખો જાણે સફર કરાવી જાય છે ભુતકાળની…
  વાડાનુ અને તેના દ્વારા નિર્દોષ પળોનુ સંવેદનાત્મક નિરુપણ કરવા અને તેનો રસાસ્વાદ રીડગુજરાતીના વાચકોને કરાવવા રીનાબહેનને ખુબ અભિનંદન અને વાડો ભરીને આભાર…

 4. parul says:

  vada pachhal champo vavyo mane mara vada ni ane balpan ni yaad aapavi didhi balpan na badhaj nirdosh smarano taja thai gaya readgujarati na darek reader ne sachchej potanu balpan yaad aavi gayu hashe khub j saras

 5. Maharshi says:

  wah wah khub maja aavi…. khub sundar shaili ma vicharo raju kariya che…. Aabhar…

 6. vada ne garden banavo, ane tema lal,sfed,pila, champa na chhod ropo,tulasi, karan, mogara, gulab, jasus, tagar, hazari, vi fulona chhod ropo, ane tene daroj pani pavo, ane ful aavata ful utarata teni sathe vat karo pachhi jovo kevi maja aavechhe? jaisadguru, fulo bhagawan ne chadavo, fuldani ma gothavo, aakho divas kemo majano jaichhe, te jovo.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.