સપ્તપદીનો મંત્રાર્થ – પલ્લવી આચાર્ય

સપ્તપદીના સાત મંત્ર વરની પ્રતિજ્ઞાના છે અને સાત મંત્ર કન્યાની પ્રતિજ્ઞાના છે એને વિગતે જોઈએ.

[વરપ્રતિજ્ઞા]

[1] ૐ એકમિષે વિષ્ણુસ્ત્વાનયતુ ||

હે વધૂ, સર્વ પુરુષાર્થના સાધનભૂત એવા આ મુખ્ય ભૂલોકમાં સઘળાં સૌભાગ્ય અને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય એ માટે તથા મારા ઘરમાં અન્ન, વસ્ત્ર, દ્રવ્ય વગેરે વસ્તુની સંભાળ માટે તું મારા ઘરની અધિકારિણી થા. મિષે એટલે ઈચ્છિત કામના, વિષ્ણુ એટલે સાત શક્તિ માંહેની એક પુરુષ શક્તિ. ત્વામ્ નયતુ એટલે તને મળે. મારા પુરુષાર્થથી તારી ઈચ્છિત કામના પૂર્ણ થાય.

[2] ૐ દ્વે ઉર્જે વિષ્ણુસ્ત્વાનયતુ ||

ઊર્જા એટલે બળ, શક્તિ. હે વધૂ, પૃથ્વી પર તું બળવતી, શક્તિમાન બની રહે એ માટે તને પરમાત્મા મદદરૂપ થાઓ, કારણ કે તારા બળથી, તારી શક્તિથી જ મારી શક્તિમાં વધારો થશે.

[3] ૐ ત્રિણી રાયસ્પોષાય વિષ્ણુસ્ત્વાનયતુ ||

ત્રણેય લોક – આકાશ, પાતાળ અને સ્વર્ગમાં મારા ધનની વૃદ્ધિ અને સંભાળ માટે તું મારા ઘરની અધિકારિણી થા.

[4] ૐ ચત્વારિ માયોભવાય વિષ્ણુસ્ત્વાનયતુ ||

ચારેય લોક (ભૂર્લોક, ભુવર્લોક, સ્વર્લોક અને મહર્લોક) માં મારા સુખની પ્રાપ્તિ માટે મારા ઘરની તું અધિકારિણી થા.

[5] ૐ પંચ પશુભ્યો વિષ્ણુસ્ત્વાનયતુ ||
તું પાંચેય લોક (ભૂર્લોક, ભુવર્લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક) માં પશુમાત્રની સંભાળ રાખવામાં મારી મદદગાર બન.

[6] ૐ ષડ્ ઋતુભ્યો વિષ્ણુસ્ત્વાનયતુ ||

તું ભૂર્લોક, ભુવર્લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક અને તપોલોકના સ્થાનમાં અને છએ ઋતુઓમાં મારી સાથે ઉત્તમ સુખ ભોગવનારી થા.

[7] ૐ સખે સપ્તપદા ભવ સા મામનુવ્રતા ભવ ||

તું ભૂર્લોક, ભુવર્લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક અને સત્યલોકના સુખોની પ્રાપ્તિ માટે મામનુવ્રતા એટલે કે મને અનુસરનારી બનો.

આ પ્રમાણે વર સાત પગલાં ઉત્તર તરફ ચાલીને બોલે છે. પછી કન્યા જે કહે છે એ કન્યાપ્રતિજ્ઞા છે. આમ સપ્તપદીમાં વરકન્યાની સાત, સાત મળીને કુલ 14 પ્રતિજ્ઞાઓ છે.

[કન્યાપ્રતિજ્ઞા]

[1] ત્વયો મેડખિલસૌભાગ્યં પુણ્યૈસ્ત્વં વિવિધૈ: કૃતૈ: |
દેવૈ: સંપાદિતો મહ્યં વધૂરાદ્યે પદેડબ્રવીત્ ||

મારાં અનેક પુણ્યોના પ્રભાવથી મને તમારું સૌભાગ્ય મળ્યું છે. દેવોએ આજે આપને મારા પતિ બનાવ્યા છે ત્યારે મારું સર્વ પ્રકારનું કલ્યાણ તમારાથી જ છે એમ બોલી કન્યા સપ્તપદીનું પહેલું પગલું ભરે છે.

[2] કુટુંબં પાલયિષ્યામિ હ્યાવૃદ્ધબાલકાદિકમ્ |
યથાલબ્ધેન સંતુષ્ટા બ્રૂતે કન્યા દ્વિતીયકે ||

કુટુંબના આબાલવૃદ્ધનું હું પાલનપોષણ કરીશ, સંભાળ રાખીશ અને તમે જે કંઈ ધન પ્રાપ્ત કરશો એમાં સંતુષ્ટ રહીશ એમ બીજું ડગલું માંડતાં કન્યા બોલે છે.

[3] મિષ્ટાન્નવ્યંજનાદિની કાલે સંપાદયે તવ |
આજ્ઞાસંપાદિની નિત્યં તૃતીયે સાડબ્રવીદ્વરમ્ ||

તમને અને તમારા કુટુંબને દરરોજ સમયસર શ્રેષ્ઠ ભોજન જમાડીશ અને હંમેશાં તમારી આજ્ઞાનું પાલન કરીશ.

[4] શુચિ:શૃંગારભૂષાડહં વાડમન:કાયકર્મભિ: |
ક્રીડિષ્યામિ ત્વયા સાર્ધતુરીયે સાડબ્રવીદિદમ્ ||

સ્વામી, હું હંમેશાં શુચિ એટલે પવિત્ર રહી સૌભાગ્યના શણગારને ધારણ કરી, મનથી, વચનથી અને સત્કર્મથી તમને પ્રસન્ન કરીશ અને આપનું શુભચિંતન કરીશ.

[5] દુ:ખે ધીરા સુખે હૃષ્ટા સુખદુ:ખવિભાગિની |
નાહં પરતરં ગચ્છે પંચમે સાડબ્રવીત્પતિમ્ ||

તમારા દુ:ખના સમયમાં, આપત્તિના સમયમાં હું ધીરજ ધરીશ અને સુખમાં પ્રસન્ન રહીશ. તમારાં સુખ અને દુ:ખમાં હું ભાગીદાર બનીશ. પરપુરુષની કદાપિ ઈચ્છા કરીશ નહીં.

[6] સુખેન સર્વકર્માણિ કરિષ્યામિ ગૃહે તવ |
સર્વા શ્વશુરયોશ્ચાપિ બન્ધૂનાં સત્કૃતં તથા ||
યત્ર ત્વં વા હ્યહં તત્ર નાહં વંચે પ્રિયં કવચિત્ |
નાહં પ્રિયેણ વચ્યાડસ્મિ કન્યા ષષ્ઠે પદેડબ્રવીત્ ||

હું ઘરનાં સર્વ કાર્ય સારી રીતે અને સુખેથી કરીશ. તમારાં માતાપિતા અને ભાઈઓ સહિતના સઘળા શ્વશુરપક્ષના લોકોને સત્કારીશ. તમે જ્યાં જશો ત્યાં હું તમારી સાથે આવીશ, તમારાથી કદીય દૂર નહીં રહું. એટલું જ નહીં, કદી તમને છેતરીશ નહીં. એ જ રીતે તમે પણ મને કદી છેતરશો નહીં.

[7] હોમયજ્ઞાદિકાર્યેષુ ભવામિ ચ સહાયકૃત |
ધર્મર્થકામકાર્યેષુ મનોવૃત્તાનુસારિણી ॥
સર્વે ચ સાક્ષિણસ્ત્વં મે પતિભૂતોડસિ સાંપ્રતમ્ |
દેહો મયાડર્પિતસ્તુભ્યં સપ્તમે સાડબ્રવીદ્વરમ્ ||

હોમ અને યજ્ઞાદિ ધર્મકાર્યોમાં હું તમને મદદરૂપ બનીશ. ધર્મ, અર્થ અને કામ એ ત્રણેય પુરુષાર્થ માટેના દરેક કાર્યમાં હું તમારી ઈચ્છા પ્રમાણે વર્તીશ. અગ્નિ અને સર્વની સાક્ષીએ હવે તમે મારા પતિ બન્યા છો અને હું મારું શરીર તમને અર્પણ કરું છું એમ કન્યા છેલ્લું અને સાતમું ડગલું માંડતાં બોલે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ટેકનિકલ સમારકામ – તંત્રી
સૌમિની – ડૉ. શરદ ઠાકર Next »   

11 પ્રતિભાવો : સપ્તપદીનો મંત્રાર્થ – પલ્લવી આચાર્ય

 1. સપ્તપદીના સાત મંત્રનો અર્થ જાણ્યો. શુભ સંકલ્પ અને ભાવનાસભર મંત્રો સર્વ કલ્યાણની ભાવનાવાળા છે પણ અત્યારના સમયને અનુલક્ષીને એમા થોડા ફેરફાર કે વધારો ન થઈ શકે? બંને પક્ષે સ્નેહ, સમજણ, સેવા અને સમર્પણ રહે, બંને એકબીજાને તેમના સાંસારીક, આર્થીક, સામાજીક, ધાર્મીક, આધ્યાત્મિક સાધનામા મદદરુપ બને, બંને મળીને મનુષ્યના મુળ સ્વરુપ આત્મભાવને જાણે અને મોક્ષ માટેની સાધના કરે… ગૃહસ્થાશ્રમ નામના આશ્રમની શરુઆત આવા સુંદર વિચાર, સમજણ અને તેને અનુસરવાની તૈયારી સાથે થાય તો કેવુ સરસ ?

 2. Ashish upadhyay says:

  મારા લગ્ન આજથિ એક મહિના પછિ છે. મને ખુબ જ આનન્દ થયો કે મને આ લેખ વાચવા મલ્યો. હુ આ લેખ મારા લેપટોપ મા સેવ કરિ ને રાખિશ અને મારિ પત્નિ ને પણ આ લેખ વંચાવિશ. જેથિ અમને આ મંત્રો સમજવામા સરળતા રહે અને અમે એ પ્રમાણે કરિ શકિએ. આભાર

 3. Pragnaju Prafull Vyas says:

  સાંપ્રત સમયમાં વ્યવસ્થિત તાલીમ મેળવેલા લગ્ન પ્રસંગે સપ્તપદી મંત્રોનો અર્થ સમજાવે છે.કેટલીક જગ્યાએ પલ્લવીબેન જેવાં પણ આચાર્ય પદે હોય છે.કોઈક તો આમંત્રણ પત્રિકા પર છપાવે છે.કેટલાક પ્રસંગોએ તો સમારંભમાં હાજર બધા પાસે આ મંત્રો બોલી તે પ્રમાણે અનુસરવાની પ્રતિજ્ઞા લેવડાવે છે.બધાએ અપનાવવા જેવી વાત…

 4. ભાવના શુક્લ says:

  બહુ જ સુંદર…
  તેમા પણ ઉદયભાઈની વાત ખરેખર સોનામા સુગંધ જેવી છે.

 5. gopal h parekh says:

  અમે પરણ્યા ત્યારે રીડ ગુજરાતી શરૂ થયું નહોતું એનો અફસોશ થાય છે નહીં તો અમને પણ આ સરસ વાત ત્યારે જ સમજાત

 6. Hiral Thaker 'Vasantiful' says:

  Saptpadi Etle…Sat pagla sathe sathe…..Sathe hova ma badhuj avijay….!!

  If both person are with each other in any situation of life then “saptapadi” will be successfull.

 7. ગાંડાભાઈ વલ્લભ says:

  મેં અહીં ન્યુઝીલેન્ડમાં લગભગ વીસેક વર્ષ સુધી બધી ધાર્મિક વિધિઓ કરી, તે દરમિયાન આ સાતેય શ્લોકોમાં આજના સમય મુજબ મૂળ સંસ્કૃત તથા ગુજરાતી ભાષાંતરમાં ફેફારો કર્યા છે. આ ફેરફારોમાં મુખ્ય હકીકત એ ધ્યાનમાં રાખી છે કે આજના સમયમાં પુરુષ અને સ્ત્રી બંને સમાન છે.
  જો આપને પ્રગટ કરવું યોગ્ય લાગે તો આ પ્રતિજ્ઞાઓ નીચે મુજબ છેઃ
  સપ્ત પ્રતિજ્ઞા
  પ્રતિજ્ઞા-૧-વરવચનઃ આથી (વરરાજા) ……………. પહેલી પ્રતિજ્ઞાથી શરૂ કરે છે.
  ॐ एको विष्णुर्जगत्सर्वं व्याप्तं येन चराचरम् |
  हृदये यस्ततो यस्य तस्य साक्षी प्रदीयताम् ||
  ॐ एकमिषे विष्णुस्त्वा नयतु ||
  હે વધુ! સૌભાગ્ય વગેરે ઈચ્છિત ફલની પ્રાપ્તિને માટે વિષ્ણુ ભગવાન ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આદિ સર્વ પુરુષાર્થ સાધી આપનાર ભૂલોક (પૃથ્વી)ને વિષે તને (મારી સાથે) પ્રાપ્ત થાય. અર્થાત્ પરમાત્મા તને સૌભાગ્ય વગેરે ઈચ્છિત ફલ આપે.
  Oh my bride ……………. ! I pray to Vishnu Bhagwan who fulfils our four main objects viz. religion, prosperity, pleasure and liberation – to give you all these with me on the earth. That is may God give you the happy and joyous state of married life.
  કન્યા પ્રતિજ્ઞા- ત્યારે …………… વચન આપે છે કે
  त्वत्तो मे अखिल सौभाग्यं पूण्यैः त्वं विविधै कृतै|
  देवैः संपादितो मह्यं वधूराद्ये पदे ब्रवित् ||
  મારાં કરેલાં અનેક પ્રકારનાં પૂણ્યના પ્રભાવથી દેવોએ આપને મારા સ્વામી બનાવ્યા છે, અને તેથી આપથી જ મારું સર્વ પ્રકારનું સૌભાગ્ય છે.
  Then the bride …………… says, because of my meritorious deeds, gods helped me to get you as my husband. You and only you are all my prosperity and splendor.
  પ્રતિજ્ઞા-૨ વરવચનઃ …………. કહે છે,
  जीवात्मा परमात्मा च पृथ्वी आकाशमेव च |
  सूर्यचंद्र द्वयो र्मध्ये तस्य साक्षी प्रदीयताम् ||
  ॐ द्वे उर्ज्जे विष्णुस्त्वा नयतु ||
  હે વધુ ! તને બલવાન કરવાને વાસ્તે વિષ્ણુ ભગવાન ભૂલોક અને ભુવર્લોક(અંતરીક્ષ) રૂપી બે પદને વિષે તને પ્રાપ્ત કરે. અર્થાત્ તારા આશ્રયથી મારા બલની પણ વૃદ્ધિ થશે.
  The groom ……………. says , Oh my bride ……………. I pray to Vishnu Bhagawan to make you strong on the earth and the sky with me. That is by relying on you, my strength will also increase.
  કન્યા પ્રતિજ્ઞા- આથી (કન્યા)…………… પ્રતિજ્ઞા કરીને કહે છે,
  कुटुम्बं पालियिष्यावह ह्यावृद्धबालकादिकम् |
  यथालब्धेन संतुष्टौ ब्रुते कन्या द्वितीयके ||
  આપણને વ્યવસાય કે અન્ય રીતે જે કંઈ મળશે તેથી સંતોષ પામી બાલકથી વૃદ્ધ પર્યંત સર્વ કુટુંબનું આપણે બંને પાલન કરીશું.
  In response the bride …………… says , we will nourish and take care of our family including children and old ones by what ever we get by earning or otherwise and will not hanker for any more than necessary.
  પ્રતિજ્ઞા-૩ વરવચનઃ હવે………….. કહે છે,
  ॐ त्रिगुणश्च त्रिदेवताश्च त्रिशक्ति सत्परायणा |
  लोकत्रये त्रिसंध्यायाः तस्य साक्षी प्रदीयताम् ||
  ॐ त्रिणी रायस्पोषाय विष्णुस्त्वा नयतु ||
  હે વધુ ! અધ્યક્ષપણાથી સંભાળી રાખેલા આપણા ધનની વૃદ્ધિને માટે વિષ્ણુ ભગવાન ભૂલોક, ભુવર્લોક અને સ્વર્લોક રૂપી ત્રણ પદોને વિષે તને પ્રાપ્ત કરે. અર્થાત્ આજથી આપણા ધનની અધ્યક્ષ એટલે રક્ષક પણ તું છે.
  Third Vow- The groom …………… now takes the third vow and says, oh my bride ……………. ! I pray to Vishnu Bhagvan to increase our wealth on the earth, the sky and the heaven for you with me. That is from now on you are the trustee of all our wealth.
  કન્યા પ્રતિજ્ઞા- ત્યારે ……………. કહે છે કે,
  मिष्टान्न व्यंजनादिनि काले संपादिका नौ |
  यथादिष्टं चरिष्यावह तृतीये साऽब्रवित वधु ||
  હું આપણા માટે મિષ્ટાન્ન વગેરે અનેક પ્રકારના ભોજનની વાનગી સમયસર તૈયાર કરીશ, અને જે વર્તન યોગ્ય ગણાય તેમ જ આચરણ કરીશું.
  Then the bride …………. says, I will prepare sweets and all the good varieties on time for us and we will observe good standard of behaviour.

  પ્રતિજ્ઞા-૪ વરવચન-
  ॐ चतुर्मुखस्ततो ब्रह्मा चत्वारो वेदसंभवाः |
  चतुर्युगाः प्रवर्तंते तेषां साक्षी प्रदीयताम् ||
  ॐ चत्वारि मायोभवाय विष्णुस्त्वा नयतु ||
  હે વધુ ! આપણા સુખની ઉત્પત્તિ થવા માટે વિષ્ણુ ભગવાન ભૂલોક, ભુવર્લોક, સ્વર્લોક અને મહર્લોક રૂપી ચાર પદોને વિષે તને પ્રાપ્ત કરે. અર્થાત્ આપણા સુખની ઉત્પત્તિ તારે આધિન હોવાથી પરમાત્મા તને તેવી શક્તિશાળી બનાવે.
  Forth vow-The groom says, Oh my bride ! I pray to Vishnu Bhagvan to get you all the four- the earth, the sky, the heaven and the Mahar loka so that it brings happiness to us. That is our happiness depends on you, may God makes you capable to bring it.
  કન્યા પ્રતિજ્ઞા-
  शुचिः शृंगार भूषाहम् वांग्मनः कायकर्मभिः |
  सेविष्ये सुप्रसन्ना त्वां तुरीये साऽब्रवीत् वधुः ||
  હું પવિત્ર થઈ વસ્ત્રાલંકાર ધારણ કરી, મન, વાણી અને શારીરિક કર્મો વડે અત્યંત પ્રસન્નતા પૂર્વક આપની સેવા કરીશ.
  Then the bride says, I will put on beautiful clothes and ornaments after becoming pure and will give you all my services with great pleasure.
  પ્રતિજ્ઞા-૫ વરવચન
  ॐ पंचमे पंचभूतानां पंचप्राणैः परायणा |
  तत्रदर्शन पूण्यानां साक्षिणः प्राणपंचधाः ||
  ॐ पंचं पशुभ्यो विष्णुस्त्वा नयतु ||
  હે વધુ ! આપણાં જે કંઈ સાધનો હોય તેનું સુખ આપણને પ્રાપ્ત થાય તેવી રીતે તેઓની સારસંભાળ માટે વિષ્ણુ ભગવાન તને ભૂલોક, ભુવર્લોક, સ્વર્લોક, મહર્લોક અને જનલોક રૂપી પાંચ પદોને વિષે પ્રાપ્ત કરે.
  Fifth vow – Taking the fifth vow the groom says, Oh my bride ! I pray to Vishnu Bhagvan to get you five worlds from the earth to the Jana Loka so that you can protect all our gears from which we may get happiness.
  કન્યા પ્રતિજ્ઞા
  दुःखे धीरा सुखे हृष्टा सुखदुःख विभागिनी |
  नाहं परं गमिष्यामि पंचमे साऽब्रवित् वधूः ||
  હું દુઃખમાં ધીરજવાળી અને સુખમાં પ્રસન્ન થઈ આપના સુખદુઃખમાં સમાન ભાગિની થઈશ. તથા શરીર, વાણી અને મન વડે કદાપિ અન્ય પુરુષને ઈચ્છીશ નહિ.
  Then the bride says, I will be patient in time of grief and joyous in time of happiness and will also share your pleasure and pain. I will not hanker for any other man physically, mentally or spiritually.
  પ્રતિજ્ઞા-૬ વરવચન
  षष्ठे तु षड्ॠतुणां च षण्मुखः स्वामी कार्तिकः |
  षड् रसा यत्र जायंते कार्तिकेयाश्च साक्षिणः ||
  ॐ षड्ॠतुभ्यो विष्णुस्त्वा नयतु ||
  હે વધુ ! હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ એ છ ઋતુઓને અનુકૂળ સુખો આપણને પ્રાપ્ત થાય એ માટે વિષ્ણુ ભગવાન ભૂલોકથી તપોલોક સુધીના છ લોક રૂપી ષટ્પદને વિષે તને પ્રાપ્ત કરે.
  Sixth Vow- The groom says, Oh my bride ! I pray to Vishnu Bhagvan to get you six worlds from the earth to the Tapoloka so that we may have happiness in all the six seasons viz. winter, autumn, spring, summer, monsoon and sharad (શરદ).
  કન્યા પ્રતિજ્ઞા-
  सुखेन सर्व कर्माणि करिष्यावह गृहे नौ |
  सेवां श्वशुरयोश्चापि बंधुनां संस्कृतिं तथा ||
  यत्र त्वं वाह्यहं तत्र नाहं वंचे प्रियं क्वचित् |
  नाहं प्रियेण वंच्याहि कन्या षष्ठे पदे ब्रवित् ||
  આપણે આપણા ઘરનાં તમામ કાર્યો સાથે કરીશું. તેમજ વડીલોની સેવા તથા અન્ય સંબંધીઓનો પણ અત્યંત પ્રસન્નતા પૂર્વક સત્કાર કરીશું. તેમજ જ્યાં આપ રહેશો ત્યાં જ હું પણ રહીશ, કોઈ પણ સમયે આપનો વિશ્વાસ ભંગ કરીશ નહિ અને આપે પણ મારો વિશ્વાસ ભંગ કરવો નહિ.
  The bride says, we will do all the house hold work together and we will also take care of our parents and elders. We will welcome all the other members of our family with great pleasure. I will live with you all the time and will not be unfaithful to you at any time and you will also do the same.
  પ્રતિજ્ઞા ૭- વરવચન
  ॐ सप्तमे सागराश्चैव सप्तद्वीपा सप्त पर्वताः |
  येषां सप्तर्षि पत्नीनां तेषामादर्श साक्षिणाः ||
  ॐ सखे सप्तपदा भव सा मामनुव्रता भव |
  विष्णुस्त्वा नयतु ||
  હે વધુ ! ભૂલોકથી સત્યલોક પર્યંત સાતે લોકોના સુખોની પ્રાપ્તિને માટે, અને પતિવ્રતા ધર્મનું યથાર્થ રીતે પાલન કરવા માટે વિષ્ણુ ભગવાન સત્યલોક રૂપી સપ્તમ્ પદને વિષે તને પ્રાપ્ત કરે. અર્થાત્ આ પ્રમાણે હે સખિ ! આ સાત પ્રતિજ્ઞાથી આપણે એકબીજાંને અનુસરનારાં થઈએ.
  Now the seventh and the last vow.
  The groom says, Oh my bride ! I pray to Vishnu Bhagvan to get you all the seven worlds from the earth to the Satya Loka so that we can get all the happiness and you can perform your duties of chastity.
  That is Oh my bride ! like this we will follow each other by these seven vows.
  કન્યા પ્રતિજ્ઞા-
  होमयज्ञादि कार्येषु भविष्यामि सहायकृत |
  धर्मार्थ काम कार्येषु मनोवृत्तानु सारिणी ||
  सर्वेऽत्र साक्षिणस्त्वं मे पतिर्भूतो असि सांप्रतम् |
  अकुर्व परस्पर समर्पणं सप्तमे साऽब्रवित् वधू ||
  હું હોમ,યજ્ઞ આદિ કાર્યોને વિષે આપને સહાય કરનારી થઈશ. અને ધર્મ, અર્થ અને કામનાં કાર્યોને વિષે પણ આપની ઈચ્છાનુસાર વર્તીશ. અત્યારે આપ મારા પતિ થયા છો, અને આપણે પરસ્પર સમર્પણ કર્યું છે, જેના અગ્નિ, બ્રાહ્મણ, પધારેલા મહેમાનો વગેરે સહુ સાક્ષી છે.
  Then the bride says, I will assist you in all your sacrificial rites like હોમ and યજ્ઞ and I will follow you in your fulfilling the wishes of religion, prosperity and pleasure ( the first three of four objects of life-પુરુષાર્થ- to achieve the fourth one, liberation-મોક્ષ )
  હાથ છોડી દેવા.
  “આ સાત પ્રતિજ્ઞાઓ સાત જન્મો સુધી તમને એકબીજાંના પૂરક બનાવે છે અને જીવનસાથી તરીકે લગ્નગ્રંથી વડે જોડે છે.”
  These seven vows make you complimentary to each other and join you with the bond of marriage for seven lives.

 8. Axresh Patel says:

  ખુબ સરસ, ભારતિય સસ્ક્રુતિ કેટલી ભવ્ય છે. વર્શો પેહેલા લખાયેલ આ ષ્લોકોમા ખુબ સુન્દર રીતે સફs જીવન ના શન્દેશ દર્શવ્યા છે.

 9. nayan panchal says:

  ખૂબ આભાર. આ બતાવે છે કે આપણી વૈદિક સંસ્કૃતિ કેટલી મહાન છે.

  જો બધા જ પરણનારા at least આટલા શ્લોકોનો ભાવાર્થ પણ લગ્નવિધી દરમિયાન સમજે તો બધી ધાર્મિકવિધી લેખે લાગી ગણાય.

  લેખિકા અને ગાંડાભાઈનો ખૂબ આભાર.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.