તો લો, આ તમારું વાર્ષિક ભવિષ્ય – વિનોદ ભટ્ટ

(એમ કહેવાય છે કે જ્યોતિષીઓએ કરેલ આગાહીઓમાંથી માત્ર 6 ટકા આગાહીઓ જ સાચી પડે છે, કિન્તુ પ્રખર જ્યોતિષી શ્રી વિનોદ ભટ્ટ વિનોદાચાર્યે અગાઉ કરેલી તમામ આગાહીઓ આશ્ચર્યજનક રીતે સાચી પડી છે. જેમ કે સ્વાતંત્ર્ય દિન 15મી ઓગસ્ટે જ આવશે, ગુડ ફ્રાઈડે શુક્રવારના દિવસે આવશે, ઉત્તરાયણ 14મી જાન્યુઆરીના દિવસે અચૂક આવશે અને ચન્દ્રગ્રહણ રાત્રે જ થશે – એમાં કોઈ મીનમેખ નહીં થાય. આવી બધી આગાહીઓ અક્ષરશ: સચોટ પુરવાર થઈ છે. આ કારણે આજે તે વાચકો માટે વાર્ષિક ભવિષ્યકથન કહેવા તૈયાર થયા છે. અત્રે તમામ રાશિવાળાઓનું વાર્ષિક ભવિષ્ય આ લેખમાં સમાવી દેવામાં આવ્યું છે. જોકે વિનોદાચાર્ય છાતી ઠોકીને જણાવે છે કે આમાંની કેટલીક આગાહીઓ કેટલાકને માટે સચોટ પુરવાર થશે, મોટા ભાગનું ભવિષ્યકથન ઘણાંબધાંને લાગુ નહીં પડે, પરંતુ અમુક આગાહીઓ અમુક જણને અવશ્ય સ્પર્શશે એ વાત નક્કી…. તો લો, આ તમારું વાર્ષિક ભવિષ્ય…)

[1] ગત વર્ષની જેમ આ વર્ષે પણ આવક કરતાં ખર્ચ વધારે રહેશે. જોકે તમે આવક અને જાવકનાં પાસાં (કાગળ પર) સરખાં રાખી શકશો.

[2] આગામી ફ્રેબ્રુઆરી માસમાં (માત્ર ઓગણત્રીસ દિવસ હોવાથી) અન્ય મહિનાઓના મુકાબલે ભ્રષ્ટાચાર ઓછો થશે.

[3] આ વર્ષે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓન ભાવ ઘટશે એવી ખોટી કલ્પનાઓ કે ભ્રમણાઓમાં રાચશો તો માનસિક સ્વાસ્થ્ય બગડશે.

[4] જ્યાં વરસાદ નહીં પડે ત્યાં ત્યાં દુકાળની પરિસ્થિતિ ઊભી થશે અને બારે મેઘ ખાંગા થશે ત્યાં નદીઓમાં ભારે પૂર આવશે, ગામડાં ડૂબી જશે.

[5] નવું બજેટ ભારે કરવેરાવાળું આવશે, જેને વિરોધ પક્ષવાળા દર વર્ષની જેમ નિરાશાજનક અને ગરીબો માટે કમરતોડ તરીકે જાહેર કરશે. જોકે આ બજેટ ગરીબો તેમજ ભિક્ષુકોને ખાસ સ્પર્શી નહીં શકે – લંગોટી તથા ભીખનાં શકોરાં યાને હાંડલાં પર કોઈ કરબોજ નહીં પડે.

[6] તમને પટકવા શત્રુઓ ભયંકર ચાલ રમી રહ્યા છે એમ માની તેમના પ્રત્યે રોષ દાખવવો નહીં, કેમ કે મિત્રો પણ એ કામ વફાદારીપૂર્વક કરી શકે છે. મિત્રોમાં તમારા માટે થયેલી કેટલીક ગેરસમજો દૂર થશે ને થોડીક નવી ગેરસમજો ઊભી થશે. મિત્રોને ઓળખી લેશો, પણ એ સાથે મિત્રો તમને ઓળખી ન જાય એનો ખાસ ખ્યાલ રાખશો.

[7] આ નવા વર્ષે તમે વેપારી હશો તો આ વર્ષે તમારા યશ-પ્રતિષ્ઠામાં વધારો થશે. ઈન્કમટેક્ષખાતાની રેડને કારણે સમાજમાં તમારી આબરૂ વધશે. તમે ભાગીદારી પેઢી ચલાવતા હશો તો તેમાં ડખો થશે – તમારો ‘સ્લીપિંગ પાર્ટનર’ જાગી જશે.

[8] તમે નવો ધંધો શરૂ કર્યો હશે તો રેડિયો પર આવતા ધીમી ગતિના સમાચાર જેવી પ્રગતિ થશે, અને જેટલું વ્યવસ્થિત આયોજન કરવા પ્રયાસ કરશો એટલા પાછા પડશો. ધંધાના વિકાસ માટે નવી યોજનાઓ ઘડવી નહીં – પંચવર્ષીય યોજના જેવું થશે. ધંધામાં સફળતા હાથવેંતમાં છે એમ જણાશે ને આખા વરસ સુધી હાથવેંત જ દૂર રહેશે.

[9] આ વર્ષે એકાદ મોટા ઑપરેશનનો યોગ છે, મેડિકલેમ હશે તો તમને ફાયદો થશે પણ તે નહીં હોય તોપણ ઑપરેશન કરનાર ડૉક્ટરને તો અવશ્ય ફાયદો થશે.

[10] આ વર્ષે મોટું સાહસ કરવા જેવું નથી – જે સ્થિતિમાં હોઈએ એ સ્થિતિમાં સંતોષ માનવો. કુંવારા પુરુષોએ ‘રામ રાખે તેને કોણ ચાખે’ એ કહેવત બબડી રાજી થવું.

[11] તમે જીવનમાં ઘણાં કડવાં સત્યોનો સામનો કર્યો હશે તો કડુ-કરિયાતું પીધા વગર પણ ડાયાબિટીસમાં રાહત જણાશે.

[12] તમે રાજકારણમાં પડ્યા હશો તો તમારું હૃદયપરિવર્તન થશે. અર્થાત્ તમે એક પક્ષ પરથી બીજા – દૂધાળા પક્ષમાં જશો ને આથી તમને વિશેષ લાભ થશે.

[13] સત્કાર્યો દ્વારા તમે સોનામાં સુગંધ ભેળવવા પ્રયાસ કરશો નહીં, નહીં તો ભેળસેળના ગુનાસર તમારા પર ફોજદારી કાનૂન હેઠળ કામ ચાલવાના યોગ છે.

[14] જીવનમાં ગણતરીપૂર્વક વર્તવાનું રાખશો. જરૂર જણાય તો સાચી ગણતરી માટે એકાદ કેલ્ક્યુલેટર વસાવી લેશો.

[15] ફાગણ-ચૈત્રમાં અગ્નિ, ઈલેક્ટ્રિક ઈસ્ત્રી તેમજ પોતાની સ્ત્રીથી ખાસ સંભાળવું, દાઝી જવાના યોગ છે.

[16] તમારા માટે આ વર્ષે વિદેશપ્રવાસનો યોગ છે, પરંતુ ભારતમાં જ ક્યાંક પ્રવાસ કરવો હશે તો તમારા માટે તે અનેક મુશ્કેલીઓ ને યાતનાઓથી ભરપૂર રહેશે – કાશ્મીર તેમજ બિહારનો પ્રવાસ ટાળવો, બિહારનો બિલકુલ.

[17] તમે જે ચાહશો તે મળવી શકશો, પણ જેને ચાહો છો તેને મેળવવાની લેશમાત્ર ઈચ્છા ન રાખશો. નરકસ્થ થવા જેટલી યાતના ભોગવશો.

[18] એકાદ આકસ્મિક લાભ થવાનો યોગ છે – મોટું વાહન અથડાવાથી થયેલ ઈજાનું ઘણું સારું આર્થિક વળતર મળવાના યોગ છે.

[19] તમારા ખિસ્સાથી ખિસ્સાકાતરુની ગરીબી દૂર થવાના યોગ છે.

[20] ભૂતકાળના નાણાકીય તંગીના દિવસોનો અંત આવશે, ને તમને નાણાં ધીરનારની તંગીના દિવસો શરૂ થશે – જોકે તે કોઈ કૉ-ઓપરેટિવ બૅંક સાથે જોડાયેલ હશે તેથી સરવાળે તેનોય વાળ વાંકો નહીં થાય.

[21] તમે સરકારી નોકરી કરતા હશો તો આ વર્ષે પગારવધારો થશે, એટલે કે તમે જે કામ કરો છો (અથવા તો નથી કરતા) એની સરખામણીમાં તમને જે મળે છે તે પગાર વધારાનો મળે છે એવું તમારા અંતરાત્માને સતત લાગ્યા કરશે.

[22] તમારી નોકરીમાં તમને એક મહત્વનો ચાન્સ મળશે, પણ તે ઝડપી લેતાં તમને કોઈ ઝડપી ન લે તેની ખાસ કાળજી રાખશો.

[23] તમે સરકારી ખાતામાં હો તો અગત્યના નિર્ણય લેશો નહીં, નિર્ણય કરવાનું કામ અન્ય પર છોડી દેશો તો બબાલમાંથી બચી જશો.

[24] જાન્યુઆરીથી જૂન અને જુલાઈથી ડિસેમ્બર માસ અનુકૂળ નથી – અન્યની પત્નીથી સંભાળવું.

[25] વિદ્યાર્થીઓ માટે આ વરસ સારું રહેશે – હડતાળો પડવાનો, પરીક્ષાનાં પેપરો ફૂટવાનો ને ક્યાંક ક્યાંક સુપરવાઈઝર્સનાં માથાં ફૂટવાનો યોગ છે. નહીં ભણવાની વૃત્તિવાળાઓ માટે આ વર્ષ સાનુકૂળ રહેશે.

[26] વિદ્યાર્થી-વર્ગના ગ્રહો પરીક્ષા સુધી સારા રહે, પછી બગડે. ફૂટેલાં પેપરો હાથમાં ન આવે.

[27] વિદ્યાર્થીઓએ રતન જેવી આંખની ખાસ સંભાળ રાખવી – બહુ વાંચવું નહીં, મનને સારું લાગતું હોય તો ટી.વીની મનગમતી સિરીયલો જોવી, પરિણામ તો જે આવવાનું હશે એ જ આવશે – તેમાં ખાસ ફેર પડવાનો નથી.

[28] સાસુઓ માટે વરસ ખરાબ, અપયશ તેમજ જેલયોગ છે. કેરોસીનનો ડબ્બો પુત્રવધુની આંખની સાવ નજીક, આંખવગો ન રહે તેની ખાસ તકેદારી રાખવી.

[29] અને છેલ્લે – તમામ રાશિવાળી વ્યક્તિઓએ પોતાની માનસિક સ્વસ્થતા જાળવી રાખવી હોય તો આ પ્રકારનાં ભવિષ્ય વાંચવાં નહીં. અસ્તુ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જ્ઞાનયજ્ઞનો આચાર્ય – ગિરીશ ગણાત્રા
અવળવાણી – સં. રમેશ સંઘવી Next »   

13 પ્રતિભાવો : તો લો, આ તમારું વાર્ષિક ભવિષ્ય – વિનોદ ભટ્ટ

 1. વર્ષનો પહેલો દિવસ સુધરી ગયો, હવે આખું વરસ સરસ જશે.

 2. મને પુરેપુરી ખાત્રી છે કે આ ભવિષ્યવાણી સાચી પડશે..શ્રી વિનોદ મહારાજ હુ તમારી સાથે જ છું.

 3. Pragnaju Prafull Vyas says:

  વાંચેલા લેખો ફરી વાંચતા પણ મઝા આવી!
  નામ પ્રમાણે નૂતન વર્ષની સવારે વિનોદ કરી ગયો…
  ઈફ્તદા ઈતની અચ્છી હુઈ…અંજામ અચ્છાહી હોગા

 4. Mittal says:

  jyotishi shri vinod maharaj ni bhavishya vani vanchvani majha avi………………… good one to start the new year !!!!!

 5. Mittal says:

  shri shri vinod maharaj ni bhavishya vani vanchine man prasanna thayu…………………………………..a good one to start the new year.

 6. ભાવના શુક્લ says:

  તથાસ્તુ કહેવાનુ જરુર મન થયુ… જો કે એવી ઈશ્વરીય લાયકાતનો ભ્રમ ના રાખી શકાય પણ લેખનુ હળવાપણુ ખુબ ધ્યાન ખેચી રહ્યુ.

 7. ranjan pandya says:

  ભગવાન કરેને તમારી બધી જ ભવિષ્યવાણી સાચી પડે—

 8. સરસ…..વિનૉદ આર ડી ઍક્સ વાલા……

  હું પણ કાંઇક ઉમૅરું??

  તમનૅ આ વરસૅ આ લૅખ બદલ નૉબૅલ પ્રાઇઝ મળશૅ….(!!!)

  (તમારા ઘરમાં) આ દીવાળી માં (આમ તૉ આખું વરસ) ફટાકડા ફૂટશૅ….

  જાન્યુઆરીથી જૂન અને જુલાઈથી ડિસેમ્બર માસ અનુકૂળ નથી – અન્યની પત્નીથી સંભાળવું………બાકીનૉ સમય પૉતાની પત્ની થી સંભાળવું…..!!!

  સાસુઓ માટે વરસ ખરાબ…….આ વરસૅ પણ ઍક્તા કપૂર તમારું જ ખરાબ દૅખાડશૅ….

  નૉકરી નૉ સમય (ચાલુ થતા પહૅલા અનૅ પત્યા પછી) સારૉ જાય…..

  અણધાર્યા આનંદના સમાચાર મળૅ….(કૅ તમારા બૉસ … નથી રહ્યા.

  તમારા માટે આ વર્ષે વિદેશપ્રવાસનો યોગ છે……………યુગાન્ડા કૅ સાઉથ આફ્રીકાના વીઝા
  મળી જાય……

  આ વર્ષે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ માં તમારૉ ખર્ચ ધટશૅ કારણ કૅ ( ભાવ ઘટશે ???) તમારી જરુરીયાતૉ ધટાડવી પડશૅ…..

  ધન્યવાદ…..

 9. mahendratanna says:

  બહુજ સુન્દર ભવિશ્યવઆનિ કરેલ આવિજ રિતે રાજ્કિય નેઆ નુ ભવિશ્ય લખ્વા વિનન્તિ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.