રસજ્ઞતાના મહારથીઓ ! – લાલસિંહ માનસિંહ રાઓલ

1963નો મે મહિનો. થોડા યુવાનોને લઈને હું હિમાલયભ્રમણ માટે નીકળેલો. હિમાચલ પ્રદેશની બિયાસ ખીણમાં મનાલીથી ઘણે દૂર અમારો મુકામ હતો. આસપાસ બધે ઋતુરાજ વસંતનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું હતું. ફૂલોની ચાદર પાથરી હોય તેમ મેદાનોમાં ચારે બાજુ રંગબેરંગી ફૂલો નયનોત્સવ પૂરો પાડતાં હતાં. નાનાં મોટાં ઝરણામાં સ્ફટિક જેવું નિર્મળ પાણી ઊછળતું, કૂદતું, દોડ્યું આવતું હતું. તો ક્યાંક ક્યાંક લઘુ-ગુરુ ધોધરૂપે ભૂસકા મારતું દેખાતું હતું. વૃક્ષોમાં જાતજાતના પંખીઓ કલરવ કરતાં હતાં. થોડોક પણ પ્રકૃતિપ્રેમ હોય તેને આવી દેવદુર્લભ સૌંદર્યશ્રી માણવા માટે ચોતરફ આવેલાં હિમશિખરો વચ્ચે ફરવા નીકળી પડવાનું મન થઈ જ આવે.

આસપાસનાં પાંચ સાત હજાર મીટર ઊંચાં ગિરિશૃંગો ઉપર પ્રભાતના સૂર્યનાં કિરણો પડતાં તે સોનેરી રંગે ઝળહળી ઊઠતાં હતાં. કેટલીક મિનિટો સુધી તે શિખરો ઉપર રંગોની જે રમણા ચાલતી તેના ઉપરથી નજર ખસતી નો’તી. મુગ્ધ કરી દે તેવું એ દશ્ય બનતું. અમારા પડાવથી થોડે દૂર એક સરકારી અધિકારીએ તંબુમાં પડાવ નાખેલો. હિમાલયના આ ભાગમાં ભરવાડો ઘેટાંનો ઉછેર કરે છે. સારી ઓલાદનાં અને ઊંચી કિસમનું ઊન આપતાં ઘેટાંઓનો આ ભરવાડોમાં પ્રચાર કરવા માટે સરકારે તેમને અહીં મોકલેલા. ભરવાડોને આ બાબત સમજાવવા માટે કેટલાક દિવસથી તંબુ તાણીને તેઓ ત્યાં પડ્યા હતા. આટલા સમયથી રહેતા હોવા છતાં તંબુ બહાર તેઓ ભાગ્યે જ નીકળતા. હિમાલયના એ નયનરમ્ય વસંતવિલાસમાં તેઓ તો અનાસક્ત સાધુની જેમ તંબુમાં જ પડ્યા રહેતા. સરકારી ખર્ચે સ્વર્ગોપમ પ્રદેશમાં રહેવાની તક મળી હોવા છતાં કોશેટામાંના કીડાની જેમ તેઓ ત્યાં રહેતા હતા. અમે તેમને મળવા ગયા. વાતોમાં જાણવા મળ્યું કે તેમને તો ત્યાં બહુ કંટાળો આવતો હતો. સમય કેમેય જાતો ન હતો. બધું લૂખું લૂખું લાગતું હતું ! અમૃતનો સાગર ભર્યો હોય અને તેના કાંઠે કોઈ તરસે મરતો હોય તો કેવું લાગે ? “યથા ખર: ચંદનભારવાહી, ભારસ્ય વેત્તા, ન તુ ચંદનસ્ય” (ચંદન લાદેલો ગર્દભ તેના ભારથી સભાન હોય છે, સુગંધથી નહીં) એ ભર્તુહરિની સૂક્તિ મને યાદ આવી ગઈ.

બીજો પ્રસંગ 1978નો મે મહિનો. મનાલીથી છસો મીટર (બે હજાર ફૂટ) ઊંચે એટલે કે આઠ હજાર ફૂટે અમારો મુકામ હતો. ત્યાં અમે યુવાનો-કિશોરો માટે પ્રકૃતિપરિચય શિબિર ચલાવતા હતા. રહેવાનું તંબુઓમાં. એ ઊંચાઈએથી ચોતરફ દેખાતાં ઉત્તુંગ હિમશિખરોનું દશ્ય નયનાભિરામ. આંખ ખસેડવાનું મન ન થાય. જોયા જ કરીએ તોય શેર લોહી ચડે એવું ચિત્તાકર્ષક.

દિલ્હીની શાળાઓના પચીસ કિશોરો તથા તેમના ચાર શિક્ષકોને સરકારે આ શિબિરમાં મોકલેલા. અમારા અનુભવી ભોમિયાઓનાં માર્ગદર્શન નીચે રોજ જુદાં જુદાં સ્થળોએ ભ્રમણ અને પર્વતારોહણનો કાર્યક્રમ રહેતો. તેમાં ભાગ લેવાનું વિદ્યાર્થીઓ માટે ફરજિયાત હતું. શિક્ષકો માટે મરજિયાત. વિદ્યાર્થીઓ આ બધા કાર્યક્રમોમાં ઊલટભેર ભાગ લેતા. ચારેય શિક્ષકો સવારનો ચા-નાસ્તાનો સમય થતાં પહેલાં જ રસોડે પહોંચી જતા. નાસ્તો પતાવી પોતાના તંબુમાં ઘૂસી જતા, તે છેક બપોરના ભોજન સુધી તેમાં ગંજીપત્તે રમ્યા કરતા. ભોજન પતાવી ફરી સીધા તંબુમાં, ફરી ગંજીપત્તો તે છેક રાત્રિભોજન સુધી. મનાલી આવતા સહેલાણીઓ માટે સરકારે સારાં સારાં સ્થળોએ વિવિધ કક્ષાના નિવાસો બનાવેલા છે. તેમાં રહેવાનું રોજનું ભાડું 1978માં રૂ. 500 થી 1500 સુધી હતું. ત્યાં રહેનારાઓનેય જોવા ન મળે તેવું કુદરતી સૌંદર્ય અમારા શિબિરમાંથી અનાયાસે ચોવીસ કલાક જોવા મળતું. પણ આ ચાર શિક્ષકબંધુઓ તો તેનાથી જળકમળવત્ અલિપ્ત જ રહ્યા ! તેમની રસવૃત્તિ (Aesthetic Sense) ને ધન્યવાદ જ આપવા પડેને ?!

ત્રીજો પ્રસંગ 1983નો મે માસ. અમારા પ્રકૃતિ-પરિચય શિબિરનો પહેલો પડાવ વસિષ્ઠ (મનાલી)માં. પાંચ દિવસ રહેવા માટે શિબિરાર્થીઓનાં જૂથ ત્યાં આવે. પાંચ દિવસ બાદ તે વધારે ઊંચાઈવાળા બીજા પડાવે જાય. તેમણે ખાલી કરેલ આ પહેલા પડાવે બીજું નવું જૂથ આવે. આમ બે-એક માસ સુધી શિબિર ચાલ્યા કરે.

કિશોરોથી માંડી વયસ્કો સુધીના પચાસેક શિબિરાર્થીઓનું જૂથ વડોદરાથી આવેલું. વસિષ્ઠ ગામ જેના પડખામાં આવેલું છે તે પાંડુરોપા શિખર ચારેક હજાર મીટર (બાર-તેર હજાર ફૂટ) ઊંચું. દરેક જૂથને એક વાર ત્યાં જવાનો કાર્યક્રમ રહેતો. સવારે પાકો નાસ્તો કરી બપોરનું ભાતું લઈ પાંડુરોપાના આરોહણ માટે અમારા ભોમિયાઓ સાથે નીકળી પડવાનું. ત્યાં પહોંચી સાથે લાવેલ ભોજન પતાવી આસપાસ ફરવાનું. પછી થોડો આરામ કર્યા બાદ અવરોહણ શરૂ થાય. સાંજના પાંચેક વાગતા સુધીમાં બધા પાછા આવી જાય. આ પહેલા પડાવ (બેઈઝ કેમ્પ)ની વ્યવસ્થા મારે કરવાની હતી. પાંડુરોપા મોકલેલ જૂથ હેમખેમ પાછું આવે ત્યારે મને નિરાંત થાય. વડોદરાનું જૂથ પાંડુરોપા ગયેલ. સાંજના સાડાચાર વાગ્યા બાદ તેમની પ્રતિક્ષા કરતો હું બહાર એક મોટા પથ્થર પર બેઠો હતો. આરોહકો ધીમે ધીમે પાછા આવવા લાગ્યા. બધા આવી ગયા બાદ તેમના અનુભવો જાણવા સૌને ભેગા કર્યા. એક વયસ્ક ભાઈ કહે : ‘આજે તો બહુ મજા આવી ગઈ.’ મને એમ કે ત્યાંથી દેખાતાં સૃષ્ટિસૌંદર્યથી તે ભાઈ ખુશ થઈ ગયા લાગે છે. મેં કહ્યું : ‘વાત તો કરો, શું થયું ?’ તો કહે : ‘અરે આજે પેક લંચમાં બેડેકરનું અથાણું આપ્યું હતું !’ આ સાંભળી હું ઠંડોગાર. આ ભાઈની રસજ્ઞતાના શું વખાણ કરવા ? ખાખરની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે ? નવી પેઢીને પર્વતોનો નાદ લાગે, તેના સૌંદર્યને માણતા થાય એ માટે અમે આ શિબિરો શરૂ કરેલા. આ રસજ્ઞો(!) ભટકાય ત્યારે ઘડીક નિરાશ થઈ જવાય. ભર્તુહરિના શબ્દોમાં કહેવું પડે કે, ‘તે કે ન જાનીમહે’ (આમને કેવા કહેવા તેની અમને ખબર પડતી નથી.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિભૂતિઓનું વર્ણન – શ્રીમદ્ ભાગવત
સહિયારી પત્ની – નવનીત પી. શાહ Next »   

6 પ્રતિભાવો : રસજ્ઞતાના મહારથીઓ ! – લાલસિંહ માનસિંહ રાઓલ

 1. pragnaju says:

  સુંદર
  ‘તે કે ન જાનીમહે’ -દરેક કાળમાં હોય છે .
  બીજા પણ આવા સુંદર ચીંતનાત્મક લેખો આપશો

 2. Trupti Trivedi says:

  Man is marching away from nature and inviting sufferings. More you are in harmony with nature, more peace you will get.

 3. ભાવના શુક્લ says:

  દ્રષ્ટિ કેળવણી અને જીજ્ઞાસાવૃત્તિ એ જાણે એક સિક્કાની બે બાજુ જેવા હોય છે. મોર કો ધ્યાન લગ્યો ઘનઘોર, પનિહારીકો ધ્યાન લગ્યો મટકી. પ્રાકૃતિની નજીક જવુ કે રહેવુ તે આવી મોરવૃત્તિને સમર્પીત હોય શકે. સુંદર ચિંતનાત્મક લેખ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.