સહિયારી પત્ની – નવનીત પી. શાહ

શહેરના સમુદ્ધ વિસ્તારમાં ડૉ. ગૌરાંગ શાહનું આધુનિક કિલનિક હતું. ડૉ. શાહ માનસિક રોગોના નિષ્ણાત હતા. પોતે ભારતમાં માસ્ટર ડિગ્રી અને સુવર્ણચંદ્રક મેળવેલાં ઉપરાંત બીજા દેશોમાં જઈને અભ્યાસ અને અનુભવ પણ મેળવેલા.

સવારના નવ વાગ્યાના અરસામાં ડૉ. શાહ ક્લિનિકમાં હમણાં જ આવ્યા હતા અને ચેરમાં બેસી આજના કામ અંગે વિચારતા હતા. કિલનિકના આગળના ભાગમાં તેમની ઑપરેટર તથા સેક્રેટરીની ખુરસીઓ હતી. સામે જ દરદીઓને બેસવા માટેની ખુરસીઓ હતી. ટેબલ ઉપર એક ટી.વી. અને સુંદર કલોક હતી જેમાં સવારના 9.15 વાગ્યાનો સમય બતાવાતો હતો. સેક્રેટરી આજની સવારની એપોઈન્ટમેન્ટ જે જે દરદીઓને આપી હતી તેનું લિસ્ટ તૈયાર કરી રહી હતી.

તે સમયે કિલનિક પાસે એક ટેક્સી ઊભી રહી અને તેમાંથી એક સુંદર મેડમ ઊતર્યાં. કોઈ પણ જાતના શિષ્ટાચાર વગર તે સીધાં જ ડૉક્ટરની ચેમ્બરમાં ઘૂસી ગયાં. તેમના આવવાથી તેમણે છાંટેલા મોંઘા પરફ્યુમની સુગંધ આખા ક્લિનિકમાં છવાઈ ગઈ. મેડમે કેબિનમાં પ્રવેશી એક કાર્ડ ડૉક્ટરની સામે ટેબલ ઉપર મૂક્યું અને સામેની ખુરસીમાં બેસી ગયાં. ડૉક્ટરે કાર્ડ ઉપર નજર ફેરવી-ઝવેરી ઍન્ડ ઝવેરી કું. મિ. નૌતમ ઝવેરી. ડૉક્ટરે પેલાં યુવાન મેડમ ઉપર નજર કરી નિરીક્ષણ કર્યું. વાન પૂરેપૂરો હિન્દુસ્તાની ગોરો. મોં ગોળ, કપાળ મોટું અને કપાળ વચ્ચે મોટો સુંદર ચાંદલો. હોઠ પાતળા. તેના ઉપર આછી લિપસ્ટિક કરી હતી. નાક તીણું. હોઠ વચ્ચે એક ખૂણામાં નાનકડું સ્મિત. હેરસ્ટાઈલ આધુનિક. કાનમાં સાચા હીરાની ઝગારા મારતી બુટ્ટીઓ, હાથમાં સાચા હીરાનાં કંગન, તેવો જ ગળામાં સુંદર નાજુક હાર, ડૉક્ટરને ખાતરી થઈ કે પેશન્ટ કોઈ ધનાઢ્ય લાગે છે.

ડોક્ટરે કહ્યું : ‘હું આપની શું સેવા કરું, મેડમ ?’
મેડમે સ્મિત આપી જણાવ્યું કે ‘જુઓ ડૉક્ટર, મેં આપના નામની પ્રશંસા ખૂબ જ સાંભળી છે. આપનો અભ્યાસ અને અનુભવ ઘણો જ સારો છે, આપની ફી પણ ખૂબ જ મોંઘી છે, છતાં મેં નક્કી કર્યું છે કે આપની પાસે જ ઈલાજ કરાવવો છે.’
ડૉક્ટરે પણ સામે સ્મિત આપી પૂછ્યું : ‘મેડમ, આપને શું તકલીફ છે ?’
મેડમે ફરીથી હસીને જણાવ્યું, તકલીફ મને નથી પણ મારા મિસ્ટરને છે. મેં આપને તેમનું કાર્ડ આપેલ જ છે. તેઓ ઘણા સમયથી પૈસા, પૈસા, પૈસા, મારા પૈસા, મારા બિલના પૈસા-પૈસા, આખો દિવસ બોલ્યા જ કરે છે. આ રીતનો પૈસા પૈસાનો રોગ લાગુ પડ્યો છે. આમ બધી રીતે સારા છે, વાતચીતમાં બધી રીતે નોર્મલ છે; પણ વચ્ચે વચ્ચે મારા પૈસા, મારા પૈસા આપોને તેમ બોલબોલ કરે છે. તે અહીં આવવા તૈયાર જ ન હતા. સામાન્ય રીતે લોકો એમ માને છે કે જે ગાંડા કે અર્ધ ગાંડા હોય તેવા જ દર્દીને તમારા જેવા ડોક્ટરના ક્લિનિકમાં આવવું પડે. શરૂઆતમાં તેમણે જણાવ્યું કે શું તું મને ગાંડો સમજે છે તેથી મને ડો. શાહના દવાખાને લઈ જાય છે ? બેચાર દિવસની માથાફોડ અને સમજાવટ પછી તે અહીં આપને ત્યાં આવવા માંડ તૈયાર થયા છે. કોઈક વખત તો તેમની આ બીમારી અમને ખાસ કરીને મને ઘણી મુશ્કેલીમાં અને ક્ષોભમાં મૂકી દે છે.

હમણાં થોડા દિવસ પહેલાં જ અમે બન્ને અમારા સંબંધીને ત્યાં રાતના મળવા ગયાં હતાં. તે પણ ખૂબ જ પૈસાદાર છે. તેમને પણ સોનાચાંદીનો હોલસેલ વેપાર છે. ઉપરાંત તૈયાર દાગીનાની પણ દુકાનો છે. અમે બન્ને સંબંધી સાથે વાતો કરતાં તેમના બંગલાના ડ્રોઈંગરૂમમાં બેઠાં હતાં. તેમનાં પત્ની સમાજસેવિકા હોઈ મીટિંગમાં ગયાં હતાં. થોડી વાર પછી તેમનાં પત્ની બહારથી આવ્યાં, ખબરઅંતર પૂછી અને અમારી સાથે બેઠાં. મારા મિસ્ટરની તેમના ઉપર નજર પડી. તેમણે ગળામાં, હાથમાં, કાનમાં સાચા હીરાના દાગીના પહેરેલા હતા. તે દાગીના જોતાં જ બોલી ઊઠયા અને મિત્રને કહે : ‘યાર, ઘણો લાંબો સમય થઈ ગયો હવે તો આ દાગીનાના પૈસા આપી દે. મિત્રતામાં ઘણું ખેંચ્યું. પણ હવે મારે પૈસાની હાલ ખાસ જરૂર છે એટલે કાલે ચેક મોકલી આપજે.’ મિત્ર અને તેનાં પત્ની આ વાત સાંભળી નવાઈ પામ્યાં અને કહે કે ‘શેના પૈસા – ક્યા પૈસા બાકી છે ?’ ઝવેરી એકદમ ગુસ્સે થઈ ગયા અને બોલવા લાગ્યા, ‘વાહ શેના પૈસા ? આ ભાભીએ પહેરેલ છે તે ઘરેણાંના પૈસા. મારા બિલના પૈસા. અમસ્તો અમસ્તો ખોટા પૈસા માગતો નથી.’ હું તે સમયે ખૂબ જ ક્ષોભમાં મુકાઈ ગઈ અને સંબંધી તથા તેમનાં પત્નીને ઈશારાથી સમજાવી ઝવેરીને ઘેર લઈ ગઈ.

આવું થયું એટલે મને ચિંતા પેઠી કે હવે રોગ વધારે આગળ વધી ગયો છે, એટલે તરત જ તમારી પાસે સારવાર કરાવવાનું નક્કી કર્યું અને તમને અહીં મળવા આવી.’ બોલીને મેડમ ગળગળાં થઈ ગયાં. ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. ખૂબ જ દુ:ખી થયાં.

મેડમ બોલ્યાં : ‘તમારી સાથે પણ કદાચ આવું વર્તન કરે તો મનમાં લાવતા નહિ. હું અત્યારે જ તમારી માફી માગી લઉં છું.’
ડોક્ટરે કહ્યું : ‘તમે જરાય ચિંતા કરશો નહિ. આનાથી પણ ઘણા ખરાબ કેસોને મેં સાજા કર્યા છે. એટલે વધારે દુ:ખી થયા વગર ઝવેરીને જલદીથી થઈ આવો.’
મેડમ : ‘હું ઝવેરીને લઈને ટૂંક સમયમાં જ આવું છું. તમે તેમની સારવાર કરજો અને તેની ફી હું આપને આપી જઈશ. તમે ઝવેરી સાથે ફી અંગે વાત કરતા નહિ. તેઓ વાતચીતમાં પૈસા, પૈસા, મારા બિલના પૈસાની વાત કરે તો આડુંઅવળું સમજાવીને સમય પસાર કરશો. અરે હા, હું તેમને અહીં મૂકીને જાઉં ત્યારે આપને જણાવીશ કે ડૉક્ટર, તમે તેમના પૈસા આપી દેજો ત્યારે તમે ખોટી ખોટી હા કહેજો, પૈસા આપી દઈશ તેમ જણાવજો. તો જ તેઓ અહીં ક્લિનિકમાં રોકાશે.’

ડૉક્ટરે બધું બરાબર સમજી લીધું અને પૂછ્યું : ‘તમે ઝવેરીને ક્યારે લાવો છો ?’
‘હમણાં જ અડધા કલાકમાં અહીં મૂકી જાઉં છું. પ્લીઝ ! તમારું કાર્ડ મને આપશો જેથી તેમને ખાતરી કરાવી શકાય કે તમે કેટલું બધું ભણ્યા છો અને કેટલી બધી ડિગ્રી મેળવેલ છે અને કેવા હોંશિયાર છો.’ ડૉક્ટરે પોતાનું કાર્ડ આપ્યું. મેડમ કાર્ડ લઈને તરત જ ક્લિનિકની બહાર ઝડપથી નીકળી ગયાં અને ટેક્સીમાં બેસી જતાં રહ્યાં.

ઘણા સમય સુધી ડૉક્ટર ઝવેરી ઍન્ડ ઝવેરીનું કાર્ડ હાથમાં રમાડતા રહ્યા અને પેલાં મેડમના વિચારમાં ખોવાઈ ગયા. મનમાં વિચારવા લાગ્યા કે આ દુનિયામાં કોઈને સંપૂર્ણ સુખ હોતું નથી. સાથે સાથે પોતે પોતાની જિંદગીમાં ખોવાઈ ગયા. મનમાં થયું કે મેડમ બધી રીતે સુખી દેખાય છે. પૈસા હશે જ, ઝવેરી પણ જુવાન દેખાવડા હશે, પણ તેમના માનસિક રોગના કારણે મેડમની જિંદગી દુ:ખી છે. તેમને પોતાની પત્ની યાદ આવી. પોતે તેને પૂરતા પૈસા આપે છે. કલબો અને પાર્ટીઓમાં પણ સાથે લઈ જાય છે. મિત્રો સગાંસંબંધીઓને ત્યાં પણ સાથે લઈ જાય છે. અવારનવાર સારા હિલ સ્ટેશન ઉપર તેમ જ બેચાર વર્ષે પરદેશની યાત્રા પણ સાથે જ કરે છે છતાં કાયમ અસંતોષ બતાવ્યા કરે છે અને કહ્યા કરે છે કે ‘તમે મને નહિ પણ તમારા ક્લિનિક અને તમારા દર્દીઓને પરણ્યા છો.’ આજે હું તેને આ ઝવેરી મેડમની કરુણ દુ:ખી કથા સંભળાવીશ અને કહીશ કે તું ખોટી ખોટી દુ:ખી થાય છે. તું તો ખૂબ જ નસીબદાર છે.

ડૉક્ટર આવા વિચારમાંથી બહાર આવી મિ.ઝવેરી કેવા હશે તથા તેમની સાથે કઈ રીતે વાત કરવી જેથી તેમને ખોટું ન લાગે છતાં તેમનો ઈલાજ થઈ શકે આવા વિચારમાં હતા ત્યાં જ પેલાં મેડમ ક્લિનિકમાં આવ્યાં. તેમની સાથે એક ખૂબ જ રૂપાળો અને પેન્ટ-શર્ટ પહેરેલ સુઘડ યુવાન પણ પ્રવેશ્યો. મેડમે યુવાનને ડોક્ટરની સામેની ખુરસી ઉપર બેસાડ્યો અને ડૉક્ટરને કહ્યું : ‘આ મિસ્ટર ઝવેરી છે અને વાત થયા મુજબ તમે તેમને પૈસા આપી દેજો.’ ડૉકટરે માથું હલાવી સંમતિ આપી એટલે મેડમ તરત જ ક્લિનિકમાંથી નીકળી ટેક્સીમાં બેસી જતાં રહ્યાં.

ડૉક્ટરની સામેની ખુરશી ઉપર મિ. ઝવેરી બેઠા એટલે સામાન્ય રીતે ડૉક્ટરે પૂછ્યું : ‘કેમ છો ? સારું છે ને ? વેપારધંધો કેવોક ચાલે છે ? હાલમાં ઝવેરીબજારમાં મંદી છે કે તેજી છે ?’ ડૉક્ટરનો સવાલ સાંભળી મિ.ઝવેરીએ હસીને જણાવ્યું, ‘ઠીક મારા ભાઈ, જમાના પ્રમાણે વેપાર ચાલે છે. અમારા ધંધામાં તમારી જેમ ખાલી સલાહ આપીને પૈસા લેવાના હોતા નથી. લાખો-કરોડો રૂપિયાનું મૂડીરોકાણ કરવાનું હોય છે, માણસો રાખવા પડે. મોટો શો-રૂમ રાખવો પડે ત્યારે માંડ પેટિયું રળાય. તેમાંય પાછા સેલ્સ ટેક્સ – ઈન્કમ ટેક્સ અને બીજા અમલદારોને સાચવવા પડે તે જુદું અને જો પૂરેપૂરી સાવચેતી ન રાખવામાં આવે તો કોઈ હોશિયાર શરીફ બદમાશ ગ્રાહક લાખોનું કરી પણ જાય. પણ ડૉક્ટર તમારી પ્રૅક્ટિસ સારી ચાલતી લાગે છે. આવા પોશ એરિયામાં આટલી મોટી જગ્યાનું ક્લિનિક અને લાખો રૂપિયાનાં રવિવર્મા અને હુસેનનાં મોંઘાં પેઈન્ટિંગ લગાવેલાં છે. એટલે સમજી શકાય છે કે આવક ઘણી સારી હશે. એક વખત મૂડીરોકાણ ઑફિસ માટે કર્યું પછીથી વાતચીત કરવાના અને સલાહ આપવાના જ પૈસા મળ્યા કરે.’ પછી ઝવેરીએ પોતાની કીમતી કાંડાઘડિયાળ તરફ જોઈને કહ્યું : ‘હા, બધી વાત ઠીક પણ મારા પૈસા આપો ને !’ ડૉક્ટરને થયું હા, મેડમની વાત સાચી લાગે છે. ઝવેરી હવે તેમના અસલ મૂડમાં આવતા જાય છે.

ડૉક્ટરે પૂછ્યું : ‘આ વેપાર તમે જ નવો શરૂ કર્યો કે પેઢી દર પેઢીથી છે ?’
ઝવેરીએ જણાવ્યું : ‘આ વેપાર તો અમારી ત્રણ પેઢીથી ચાલે છે. મુંબઈ, કલકત્તા, દિલ્હી વગેરેમાં અમારી બીજી પેઢીઓ પણ છે, પણ ડૉક્ટર મારા પૈસા આપો તો. સવારના પહોરમાં દુકાનમાં ઘણી જ ઘરાકી હોય છે, એટલે મારે જાતે હાજર રહેવું પડે. સામાન્ય રીતે હું જાતે કદી બહાર જતો નથી, માણસોને જ મોકલી આપું છું, પણ તમારું નામ સાંભળી જાતે આવ્યો. ચાલો હવે, તમે મારા પૈસા જલદીથી આપી દો એટલે દુકાને જાઉં.’
ડોક્ટર : ‘ઝવેરી, કાંઈ કોલ્ડ-હોટ શું લેશો ? કાંઈક તો લો. તમે ખાલી ખાલી અમારે ત્યાંથી જાઓ તે સારું નહિ.’
ઝવેરી : ‘મારે કાંઈ જ લેવું નથી. મારા પૈસા આપી દો એટલે તેમાં બધું આવી ગયું. ચાલો હવે ઉતાવળ કરો.’
ડોક્ટર : ‘શું ઉતાવળ છે. માણસને મેં મોકલેલ છે એટલે બૅન્કમાંથી રોકડા લઈને આવશે.’

ઝવેરી થોડી વાર થોભ્યા. કોઈ આવ્યું નહિ એટલે અકળાયા અને બોલ્યા : ‘યાર સવાર સવારમાં ડૉક્ટર તમે મારો સમય બગાડ્યો. આ સમય ધંધાનો છે જે મને બગાડવો પોસાય નહિ.’ અને ગરમ થઈ ગયા. ડૉક્ટરના હાથમાં બિલ પકડાવી જણાવ્યું : ‘કાંઈ નહિ, પૈસા પાછળથી મોકલી આપજો. આવા ગ્રાહક જિંદગીમાં તમે મને પહેલી વાર મળ્યા. નામ મોટા અને દર્શન ખોટાં.’ પછી બિલ ટેબલ ઉપર મૂકી ચાલવા લાગ્યા. એટલે ડૉક્ટરને સમજાયું કે ઝવેરી હવે તેમના અસલી રંગમાં આવ્યા છે. રોગે બરાબર ઊથલો માર્યો છે, એટલે ઝવેરીનો હાથ પકડીને કહે : ‘ઝવેરી, તમને આ પૈસા, પૈસા, મારા પૈસાનો રોગ કેટલા વખતથી થયો છે !’
ઝવેરી : ‘રોગ ? શાનો રોગ ? ડૉક્ટર તમે તમારા મનમાં સમજો છો શું ? મને દરદી સમજી બેઠા છો ? હું તો મારા બિલના પૈસા લેવા આવ્યો છું, વીસ લાખનું બિલ છે.’
ડૉક્ટર : ‘તમારી પત્નીએ જ મને જણાવ્યું કે ઝવેરીને પૈસા, પૈસા, મારા પૈસા બિલના પૈસાનો રોગ લાગ્યો છે અને તેના ઈલાજ માટે તેમને સમજાવી-પટાવીને તમારા ક્લિનિકમાં સારવાર માટે લઈ આવી મૂકી જઈશ.’
‘કઈ પત્ની કોની પત્ની ? ડૉક્ટર, મારી પત્ની તો હમણાં તેના પિયર ગઈ છે. બીજી પત્ની તમે ક્યાંથી ઊભી કરી ?’
‘પેલાં મેડમ તમને અહીં મૂકીને ગયાં તે તમારાં પત્ની. તેમણે જ મને તમારા રોગની વાત કરેલી અને ઈલાજ માટે તમને અહીં મૂકી ગયાં.’
‘ડોક્ટર, જરા સંભાળીને અને વિચારીને બોલો. પેલાં મેડમ તો તમારાં પત્ની હતાં. તેઓ મારે ત્યાં આવ્યાં અને તમારું કાર્ડ બતાવ્યું. લગ્ન આવે છે, એટલે બધાને ભેટ આપવા દાગીનાની જરૂર છે તેમ જણાવી રૂ. 20 લાખના દાગીના પસંદ કર્યા, ટેક્સીમાં મુકાવી જણાવ્યુંકે મિ. ઝવેરી મારી સાથે આવો, તમને ક્લિનિકમાંથી ડોક્ટર પાસેથી તમારા પૈસા અપાવી દઉં છું એટલે હું સાથે આવ્યો અને તમે પણ હા પાડેલી કે પૈસા હું આપી દઈશ.’
‘મેડમે મને જણાવ્યું કે હું ઝવેરીની પત્ની છું અને તેમને પૈસા પૈસાનો રોગ લાગુ પડ્યો છે, એટલે સારવાર માટે તમારા ક્લિનિકમાં લાવીશ અને તમને પૈસા મળી જશે તેમ હું જણાવું તો હા પાડજો, વાતચીતમાં રોકી રાખજો અને ટ્રીટમેન્ટ કરજો.’

ડૉક્ટરને થોડી વાર પછી ટ્યુબલાઈટ થઈ અને કહ્યું : ‘ઝવેરી, ઊઠો અને મારી સાથે ચાલો.’
ઝવેરી કહે : ‘ક્યાં ?’
‘ક્યાં ક્યાં શું ? પોલીસસ્ટેશને. તમારી-મારી સહિયારી પત્ની સામે કેસ કરવા.’
બન્ને કારમાં બેસી પોલીસસ્ટેશને ગયા. પોલીસસ્ટેશનના વડા મિ. ચુડાસમા હાજર હતા અને આ શહેરની પ્રખ્યાત બન્ને વ્યક્તિઓને જોઈ ઊભા થઈ નમસ્તે કરી આવકાર આપ્યો અને ‘આપની હું શું સેવા કરી શકું.’ તેમ પૂછ્યું.
બન્ને, ડૉક્ટર અને ઝવેરીએ બધી અથથી ઈતિ સુધી વાત કરી ફરિયાદ નોંધવા કહ્યું. ચુડાસમાએ રાઈટરને બોલાવી કાગળ કાઢી બન્નેનાં ફરિયાદી તરીકે નામ લખી ફરિયાદ કોની સામે છે તે પૂછ્યું એટલે ડોક્ટર કહે : ‘ઝવેરી, તમારી કામચલાઉ પત્નીનું નામ લખાવો.’
ત્યારે ઝવેરી કહે : ‘મેં તો નામ જ પૂછ્યું નથી, પણ ડૉક્ટર, તમે તમારી આજની નવી પત્નીનું નામ જણાવો.’
ડોક્ટર કહે : ‘ઝવેરી, મેં પણ તમારી જેમ નામ પૂછ્યું નથી.’

અને બન્ને એકબીજાની સામે તાકી રહ્યા. એટલે મિ. ચુડાસમાએ અજાણી ઓરત નામ લખાવી અને અનેક કલમો લખાવી એફ.આઈ.આર. દાખલ કરી. એટલે બન્ને પોલીસકચેરીમાંથી બહાર નીકળી ગયા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રસજ્ઞતાના મહારથીઓ ! – લાલસિંહ માનસિંહ રાઓલ
ગિલ્લુ ખિસકોલી અને બીજી વાતો – સુધા ભટ્ટ ‘અમીશ્રી’ Next »   

23 પ્રતિભાવો : સહિયારી પત્ની – નવનીત પી. શાહ

 1. ranjan pandya says:

  ભણેલા ભુલે તે આનું નામ–

 2. Mahendi says:

  this thing really happened in mumbai but the style was different

 3. આઈડીયા ખોટો નથી હં બોસ .. !!! 🙂

 4. હા વાત ઍવી જ લાગૅ જાણૅ કૉઈ સવારૅ છાપું વાંચતા હૉઇઍ…..

  ચેતતા નર સદા સુખી…..

 5. pragnaju says:

  “તેઓ ઘણા સમયથી પૈસા, પૈસા, પૈસા, મારા પૈસા, મારા બિલના પૈસા-પૈસા, આખો દિવસ બોલ્યા જ કરે છે. આ રીતનો પૈસા પૈસાનો રોગ લાગુ પડ્યો છે. આમ બધી રીતે સારા છે, વાતચીતમાં બધી રીતે નોર્મલ છે; પણ વચ્ચે વચ્ચે મારા પૈસા, મારા પૈસા આપોને તેમ બોલબોલ કરે છ” આ રોગનાં તો કોઈક તબીબો પણ ભોગ બન્યાં છે!
  તેથી તો આદિ શંકરાચાર્ય પણ કહી ગયા
  અર્થમનર્થ ભાવય નિત્યં
  નાસ્તિ તત: સુખલેશ: સત્યમ્ |
  પુત્રાદપિ ધનભાજાં ભીતિ:
  સર્વત્રૈષા વિહિતા રીતિ: || ભજ ગોવિન્દમ્
  અર્થ : ‘પૈસો અનર્થકારી છે’ તેમ નિત્ય વિચાર કર. ખરી વાત એ છે કે પૈસાથી કોઈ સુખ મળવાનું નથી. પૈસાદારને પોતાના પુત્રથી પણ ભય રહે છે. પૈસાની આ રીત બધે જાણીતી છે. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ…

 6. કલ્પેશ says:

  પૈસાથી કોઈ સુખ મળવાનું નથી. પૈસાદારને પોતાના પુત્રથી પણ ભય રહે છે. પૈસાની આ રીત બધે જાણીતી છે.

  શું પૈસો અનર્થકારી છે કે આપણો પૈસા પ્રત્યેનો વિચાર?
  દા.ત. બંદુકનો ઉપયોગ લોકોનુ રક્ષણ માટે પણ થાય છે અને લોકોને મારી નાખવા માટે પણ
  તો આ બાબતમાં બંદુકનો શો વાંક?

 7. ભાવના શુક્લ says:

  વાચતા વાચતા ખરી રમુજ ભાઈ આતો. ડોક્ટર અને ઝવેરીને ખુબ બનાવી ગયા “સહિયારા પત્ની બહેન”

 8. urmila says:

  ડૉક્ટરે પેલાં યુવાન મેડમ ઉપર નજર કરી નિરીક્ષણ કર્યું. વાન પૂરેપૂરો હિન્દુસ્તાની ગોરો. મોં ગોળ, કપાળ મોટું અને કપાળ વચ્ચે મોટો સુંદર ચાંદલો. હોઠ પાતળા. તેના ઉપર આછી લિપસ્ટિક કરી હતી. નાક તીણું. હોઠ વચ્ચે એક ખૂણામાં નાનકડું સ્મિત. હેરસ્ટાઈલ આધુનિક. કાનમાં સાચા હીરાની ઝગારા મારતી બુટ્ટીઓ, હાથમાં સાચા હીરાનાં કંગન, તેવો જ ગળામાં સુંદર નાજુક હાર, ડૉક્ટરને ખાતરી થઈ કે પેશન્ટ કોઈ ધનાઢ્ય લાગે છે.
  poor doctor – all that glitters is not gold

 9. parag mehta says:

  Duniya ma murkhao ni kami nathi te aanu naam. Te pachi Zaveri hoy ke doctor. Shu kaho cho?

 10. વિનય ખત્રી says:

  મુંબઈના પરા ઘાટકોપરમાં આ પ્રકારનો બનાવ બની ગયો છે. જેમાં એક મેડમ ઘાટકોપરના સોનીને આવી રીતે જ ‘નવડાવી’ ગયા હતા. ડૉકટરની જગ્યાએ એક ફરસાણવાળા હતા અને રુપિયા આપી દેજોને બદલે “સમોસા આપી દેજો” વાક્ય પ્રયોગ થયો હતો.

  સરસ સત્ય ઘટના!

 11. Charulata Desai says:

  ભન્યા પન ગન્યા નહિ!!!

 12. Jinal says:

  Very Interesting!!!

 13. Mohita says:

  Thrilling and intersting

 14. hetal says:

  સારિ વાત્તા છે.

 15. Suchita says:

  બહુ મજા આવી…..

 16. Neha says:

  Had seen same sequence in one old movie, in which Mumtaz was the beautiful lady, and Madan puri acted as the psychiatrist. The Zaveri was some lesser known actor.
  Exactly the same plot!!

 17. prabhu says:

  this story is nothing but mirror of the society. never trust stranger.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.