મારા પાપિ : ગુલઝાર – મેઘના ગુલઝાર

[સં. ભાવાનુવાદ : જે.એ. શાહ ]

મારા પપ્પાનું અસલી નામ તો સંપૂર્ણસિંહ કાલરા હતું. તેમણે તેમનું પોતાનું નામ એટલે કે ઉપનામ ‘ગુલઝાર’ રાખ્યું અને લોકોમાં તે નામથી જ તેઓ પ્રખ્યાત છે. અમારા બે વચ્ચેની વાતચીતમાં મારા લાડકા સંબોધન ‘પાપિ’ થી જ હું એમને સંબોધું છું. તેમની સાચી જન્મતારીખ તો અમને મળી જ નથી, પરંતુ અમે સામાન્ય રીતે તેમની જન્મતારીખ 18 ઓગસ્ટ 1936 સમજીને ચાલીએ છીએ.

દેશના ભાગલા સમયે તેઓ દિલ્હીના મુસ્લિમભાઈઓની બહુમતીવાળા વિસ્તાર રોશનાઆરા રોડ રહેતા હતા. તેમની ઉંમર ત્યારે માત્ર અગિયાર વર્ષની હતી. તે વખતની હવામાં કશુંક અભદ્ર બનવાનાં એંધાણ તો સ્પષ્ટ વર્તાતાં જ હતાં. અને જોતજોતામાં આંખના પલકારામાં મોતનું તાંડવનૃત્ય શરૂ થયું હતું. જ્યાં બચપણમાં તેઓ તેમના મિત્રો સાથે લખોટી-ગિલ્લીદંડા રમતા હતા તે ગલીકૂંચીઓમાં શબ્દો લખોટીની જેમ રઝળતા હતા, ઘરો લૂંટાતાં હતાં અને ગૃહિણીઓની ઈજ્જત સરેઆમ પીંખાતી હતી.

પપ્પા તે સમયની એક ઘટનાને આજે પણ ભૂલી નથી શક્યા. તેમના પરિવારના એક પરિચિત ભાઈ-સમંદરસિંહ-એક અન્ય ધર્મના છોકરાને ઘસડીને લઈ જતા હતા. પપ્પાએ તેમને પૂછ્યું કે તેઓ શું કરી રહ્યા હતા. પેલાએ પંજાબીમાં જ કહ્યું : ‘આ છોકરાને કાપી નાખવા લઈ જઈ રહ્યો છું’ થોડા સમય બાદ રક્તભીની તલવાર સાથે તેઓ એકલા જ પાછા ફર્યા. માણસ અને પશુમાં જાણે કોઈ ફરક જ રહ્યો નહોતો. ભયાનક દુ:સ્વપ્ન સમો તે સમય પપ્પાના અંત:સ્તલને સંપૂર્ણપણે ખળભળાવી ગયો જે પાછળથી કવિતારૂપે – ટૂંકી વાર્તાઓ રૂપે અને ‘ગર્મ હવા’, ‘તમસ’ અને ‘માચીસ’ જેવી ફિલ્મો-સિરિયલોરૂપે પ્રક્ટ થયો હતો.

તેમની ભીતર રહેલો કલાકાર પ્રગટ થવા માટે યોગ્ય સ્થળ-સમયની પ્રતીક્ષા કરી રહ્યો હતો. 1 ઓગસ્ટ 1949ના દિવસે મુંબઈ પહોંચવા માટે પપ્પાએ દિલ્હીથી ફન્ટિયર મેલ પકડ્યો. તેઓ ટ્રેનમાં બેસવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમના પિતાજી-મારા દાદાજી સરદાર મખનસિંહે દિલ્હી સ્ટેશન પર તે સમયે તેર-ચૌદ વર્ષના મારા પપ્પાને એક ‘સોનેરી’ સલાહ આપી : ‘જો છોકરા, રસ્તામાં કોઈ સ્ટેશન પર નીચે ઊતરી ગીત-ગઝલ લલકારવા ન બેસી જતો, નહિતર ટ્રેન ચૂકી જઈશ.’ નિયતિનો આ કેવો ખેલ ? પોતાનું અંતરંગ વ્યક્ત કરવા માટે જે ગઝલ-કવિતાનું માધ્યમ તેમને મળ્યું તેણે જ તો અસલી ‘ટ્રેન’ ચૂકી જતાં તેમને બચાવી લીધા હતા !

તેમનાં સગાં ભાઈ-બહેન કોઈ હતાં નહીં. મા-બાપનું તે એકમાત્ર સંતાન-એટલે તેમણે તેમના સાવકા ભાઈ જસ્મીરસિંહ કાલરાને ત્યાં મુંબઈ નિવાસ કર્યો. તેમના પિતાએ ત્રણ વાર લગ્ન કર્યાં હતાં. પપ્પાએ તેમનું મેટ્રિક્યુલેશન દિલ્હી યુનાઈટેડ ક્રિશ્ચિયન શાળામાંથી કર્યું હતું અને સેંટ સ્ટીફન કૉલેજમાં પોતાનું નામ પણ નોંધાવી રાખ્યું હતું. પરંતુ મુંબઈ જવાનું નક્કી થતાં મુંબઈમાં આવી ખાલસા કૉલેજમાં પ્રવેશ લીધો. અભ્યાસની સાથે સાથે ભાઈના રે રોડ પરના પેટ્રોલ પંપ પર હાજરી આપવી શરૂ કરી. સરખામણી કરવા જઈએ તો દિલ્હી કરતાં પપ્પાને વધારે ‘આઝાદી’ મુંબઈમાં હતી અને તેથી જ પોતાની સાહિત્ય પ્રવૃત્તિ વધારવા IPTA (ઈન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિયેશન) તથા PWA (પ્રોગ્રેસિવ રાઈટર્સ એસોસિયેશન) જેવી સંસ્થામાં તેઓ દાખલ થયા. તેમના સદભાગ્યે તેમની મુલાકાત સાહિર લુધિયાનવી, કૈફી આઝમી, ફૈઝ અહમદ ફૈઝ, ક્રિષ્ણચંદ્ર તથા સરદાર જાફરી જેવા હિન્દી-ઉર્દૂ સાહિત્યના મહારથીઓ સાથે થઈ. જે બીજ સાવ સુપ્ત સ્વરૂપે હતું તે હવે મહારથીઓની સંગે ખીલવા અને ખૂલવા લાગ્યું.

સાહિત્યની સંગાથે તેમને અન્ય કળાઓમાં પણ રસ પડવા લાગ્યો. તેમણે ચિત્રકળાનાં પ્રદર્શનો તથા ભારતીય શાસ્ત્રીય સંગીતની મહેફિલોમાં હાજરી આપવી શરૂ કરી. કળામાં રસ પડવા બાબતનું તેમનું કથન રસપ્રદ છે : ‘કળામાં જો મને રસ ન હોય તો ભીતરનો ખાલીપો હું કઈ રીતે ભરી શકત ? કળાને કારણે જ હું લાગણીનાં વહેણમાં વહી જતાં અને જીવનરાહ પર ભટકી જતાં બચી ગયો છું.’ સાહિત્યપ્રીતિના કારણે જ તેઓ પંજાબી સાહિત્ય સભાના પણ સદસ્ય બની ગયા. ત્યાં તેમની મુલાકાત રાજિન્દરસિંહ બેદી, બલરાજ સહાની, ગુરુદેવસિંહ ‘પન્નુ’ તથા સુખદેવ જેવા મહાનુભાવો સાથે થઈ. આ અરસામાં જ શીખોના ટ્રેડમાર્ક જેવાં લાંબા વાળ, દાઢી, પાઘડી આદિ ચિન્હોનો ‘હિંમતભેર’ ત્યાગ કર્યો.

એક વર્ષના ખાલસા કૉલેજના અભ્યાસ પછી તેઓ નેશનલ કૉલેજમાં દાખલ થયા. ભાઈ જસ્મીરસિંહ હવે તળ મુંબઈના વાલકેશ્વરમાં રહેવા આવ્યા હોવાથી તેઓ પણ તેમની સાથે વાલકેશ્વર રહેવા આવ્યા અને ભાઈની પેઈન્ટની દુકાનમાં (લેમિંગ્ટન રોડ) મદદ કરવા લાગ્યા. પૂરા પરિવારમાં તેમની સાહિત્યિક પ્રવૃત્તિઓને ઉત્તેજન આપે-પ્રોત્સાહન આપે તેવું કોઈ જ ન હતું અને બધાની તેમના પ્રત્યે એક જ અપેક્ષા હતી કે તેઓ બને તેટલું જલદી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ C.A. થઈ જાય અને પરિવારની અને પોતાની તરક્કી કરે. પરંતુ સાહિત્ય-પ્રીતિ ક્યાં સહેલાઈથી કચડી શકાય તેમ હતી ? આશ્ચર્યની વાત હતી કે તેમના નિક્ટના મિત્રો સાહિત્યકારો હતા અને વળી ફિલ્મની દુનિયા સાથે સંકળાયેલા હતા. તે છતાં પપ્પાને ફિલ્મો માટે કંઈ પણ લખવું પસંદ ન હતું. તેમને તો સ્વતંત્રપણે માત્ર કવિ-લેખક તરીકે પ્રસિદ્ધ થવાની પ્રબળ ઈચ્છા હતી. તેમની કવિતા-વાર્તા તે વખતનાં સામાયિકોમાં નિયમિતપણે પ્રસિદ્ધ થતી હતી. મહાન સાહિત્યકાર તરીકે નામાંકિત થવાની તેમની અભીપ્સાની એક નાનકડી ઘટનાય યાદ કરી લઈએ.

જાણીતા ફ્રેન્ચ લેખક ગાય-દ-મોપાસાંની ટૂંકી વાર્તાના પુસ્તકના મુખપૃષ્ઠ પર લેખકના નામ નીચે તેમણે પોતાના નામનો રબર-સ્ટેમ્પ મારી દીધો. આજે તેમની કવિતા અને ટૂંકી વાર્તાનાં અનેક પુસ્તકો પ્રસિદ્ધ થઈ ગયા પછી પણ પારકાના પુસ્તક પર પોતાના નામનો રબર-સ્ટેમ્પ લગાવેલ પુસ્તક તેમણે જીવની જેમ જાળવી રાખ્યું છે ! પપ્પાનું સામીપ્ય IPTA તથા PWA સાથે વધતું જતું હતું અને સાહિત્યની દુનિયામાં તેમનું નામ રોશન થઈ રહ્યું હતું તે વખતે INTનાં હિન્દી-ઉર્દૂ નાટકોનાં રિહર્સલ ભૂલાભાઈ હોલમાં થતાં હતાં. આવાં અનેક રિહર્સલના અવસરે તેમની મુલાકાત કીર્તિમાન ગુજરાતી કલાકાર સંજીવકુમાર સાથે થઈ. આ મુલાકાત ઘનિષ્ઠ મિત્રતામાં પરિણમશે તેનો તો ત્યારે બન્નેમાંથી કોઈને પણ ખ્યાલ ક્યાંથી હોય ? તે મુલાકાત સમયે સંજીવકુમારની ઉંમર માત્ર ત્રેવીસ વર્ષની હતી અને તેઓ મશહૂર નાટ્યકર્મી ઈબ્સનની કૃતિ All my sons માં એક વયોવૃદ્ધ વ્યક્તિની ભૂમિકા બખુશી ભજવી રહ્યા હતા. સંજીવકુમારે જે ખૂબીથી તે ભૂમિકા ભજવી, તેણે પપ્પાને સાવ ‘ઘાયલ’ કરી દીધા. પછીથી પપ્પાએ આજ ભૂમિકા તેમની યાદગાર ફિલ્મો ‘પરિચય’, ‘કોશિશ’ તથા ‘મોસમ’માં સંજીવકુમારને નિશ્ચિત મને સોંપી હતી.

આવી જ ઓળખાણ ‘બૉમ્બે યુથ કોઈર’ ના એક મહોત્સવમાં જાણીતા સંગીત-દિગદર્શક સલિલ ચૌધરી અને પ્રસિદ્ધ ગીતકાર શૈલેન્દ્ર સાથે પણ થઈ હતી. આ તો થઈ બધી બહારની વ્યવસાય અને શોખની દુનિયાની વાતો. ઘરના મોરચા પરની વાત કરીએ તો સાવકા ભાઈના પરિવાર સાથે તેમને નિક્ટતાની લાગણી નહોતી થતી. પરિવારમાં પોતે ‘ગોઠવાઈ’ ગયા હતા, પરંતુ પોતે પરિવારની જ એક વ્યક્તિ હોય તેવું તેમણે ક્યારે પણ મહેસૂસ નહોતું કર્યું. વારંવાર બદલાતું રહેઠાણ-વ્યવસાય વગેરે કારણોસર તેઓ કૉલેજની બોર્ડ પરીક્ષામાં બેસી શક્યા નહીં. તે કારણસર અથવા અન્ય કારણે પરંતુ અભ્યાસ ચાલુ રાખવામાં તેમને જરા પણ રસ ન પડ્યો. તેમણે અભ્યાસ છોડવાનો નિર્ણય લીધો. જાણે પોતે બહુ ‘ઐતિહાસિક’ નિર્ણય લીધો હોય તેમ આ નિર્ણયની જાણ તેમણે પોતાના ભાઈને લાડુના બૉક્સ સાથે કરી ! પરિવારમાં ખળભળાટ થઈ ગયો, પરંતુ પપ્પા પોતાના નિર્ણયમાં અડગ હતા.

વિચ્છેદની લાગણી તો તેઓ અનુભવી જ રહ્યા હતા. અને ધીમે ધીમે તે લાગણીને કારણે તેઓ પરિવાર સાથે રહેવામાં રીતસર ગૂંગળામણ મહેસૂસ કરવા લાગ્યા. તેમણે એકલા રહેવાનું નક્કી કર્યું. તે વખતે અંધેરી ખૂબ દૂરનું પરું કહેવાતું અને ત્યાં ચાર બંગલા વિસ્તારમાં તેમણે એક રૂમમાં રહેવાનું શરૂ કર્યું. માત્ર સાહિત્યસેવાથી પેટ ભરાવાનું નહોતું એટલે તેમણે ‘વિચારે મોટર્સ’ માં ભંગાર બની ગયેલ મોટરો પર સ્પ્રે પેઈન્ટિંગ કરવાનું કામ હાથમાં લીધું. અહીં તેમનો કલાકાર જીવ ખરેખર કામે લાગ્યો – કલર્સ ‘મેચ’ કરવામાં તેમનો કોઈ જોટો નહોતો !

આ ગેરેજમાં તેમણે છથી સાત વર્ષ કામ કર્યું. અહીં તેમની મુલાકાત રઘુનાથ ઝાલાની સાથે થઈ. જ્યારે પપ્પા દિલ્હી રહેતા હતા ત્યારે તેઓ અને ઝાલાની સારા મિત્રો હતા. પછીથી ઝાલાનીએ મુંબઈમાં આવી બિમલ રૉય પ્રોડકશન્સમાં નોકરી લીધી હતી. હવે બંને મિત્રો મુંબઈમાં હોવાથી તેઓ વિચારે મોટર્સમાં અવારનવાર મળવા લાગ્યા. ઝાલાનીએ તેમની મુલાકાત દેબુ સેન સાથે કરાવી. તે સમયે દેબુ સેન ખ્યાતનામ નિર્માતા-દિગ્દર્શક બિમલ રૉયના હાથ નીચે સહાયક દિગ્દર્શક તરીકે કામ કરી રહ્યા હતા. પછીથી દેબુ સેન પપ્પાના એક સારા મિત્ર બની ગયા. પપ્પાની બિમલ રૉય સાથે પ્રથમ મુલાકાત કરાવવાનું શ્રેય દેબુ સેનને ફાળે જાય છે.

નિયતિ ક્યાં અને કેમ લખાયેલી હોય છે તેની આપણને જરા પણ જાણ હોય છે ખરી ? ક્યારેક તો ગીતની પંક્તિઓમાં વણાયેલી હોય છે. આવો, થોડી માંડીને વાત કરીએ.
બિમલદા ‘બંદિની’ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા હતા. સચીનદેવ બર્મન અને ગીતકાર હતા શૈલેન્દ્ર. બંને વચ્ચે કોઈક કારણસર મનદુ:ખ થયું અને શૈલેન્દ્ર તે ફિલ્મમાંથી ખસી ગયા. દેબુ સેન પપ્પાના સાહિત્ય સાથેના નાતાથી ખાસ્સા પરિચિત હોવાથી તેમણે બિમલદાને પપ્પાનું નામ સૂચવ્યું. એક શુભ મુહૂર્તે તેઓ વિચારે મોટર્સમાં નોકરી કરતા પપ્પાને ભાવિ ફિલ્મી ગીતકાર તરીકે બિમલદા પાસે લઈ આવ્યા.

બિમલદાએ શુદ્ધ બંગાળીમાં દેબુસેનને પૂછ્યું : ‘ભદ્રલોક વૈષ્નોવ કોબિતા કિ કોરે બુઝ બે ?’ (આ સદગૃહસ્થ વૈષ્ણવી કવિતા વિશે કંઈ જાણે છે ખરા ?) ફિલ્મ કથાને વૈષ્ણવી કવિતાની તાતી જરૂર હતી અને પપ્પાના ‘ગુલઝાર’ ઉપનામને કારણે બિમલદાને લાગ્યું આ ગૃહસ્થ તો મુસલમાન છે ! બિમલદાએ બંગાળી ભાષાનો ઉપયોગ એટલા માટે કર્યો કે તેમને લાગ્યું કે આ મુસલમાન ગૃહસ્થ કદાચ ઉર્દૂ જાણતા હશે, પરંતુ બંગાળી ભાષા તો નહીં જ જાણતા હોય. બિમલદાને એકસાથે બે આઘાતો સહન કરવાના આવ્યા ! તેમને સમજાવવામાં આવ્યું કે ‘ગુલઝાર’ તો તેમનું માત્ર ઉપનામ છે અને તેઓ પંજાબી લેખક હોવા છતાં બંગાળી સરસ જાણે છે ! પપ્પા શરદચંદ્રની કથાઓ માણવા માટે જ ખાસ બંગાળી શીખ્યા હતા. પ્રારંભના આઘાતોમાંથી બહાર આવ્યા પછી બિમલદાએ કથામાં જ્યાં ગીતની આવશ્યકતા હતી તે ઘટનાક્રમ તેમને સમજાવ્યો. બે અઠવાડિયાં પછી બર્મનદા સાથે તર્જ બેસાડવા જે બેઠક થઈ તેમાં તેમની મુલાકાત તે વખતે અડધી ચડ્ડીમાં ફરતા બર્મનદાના પુત્ર રાહુલદેવ સાથે થઈ જે હંમેશની જેમ પાછળથી ગાઢ મિત્રતામાં પરિણમી.

જે પ્રથમ ફિલ્મગીતની પપ્પાએ રચના કરી તેની પ્રથમ પંક્તિઓ કંઈક આવી હતી :
‘મોરા ગોરા અંગ લઈ લે,
મોહે શ્યામ રંગ દઈ દે.’
પ્રથમ ગીત અત્યંત લોકપ્રિય થયું અને એક ફિલ્મી ગીતકાર તરીકે તેઓ ફિલ્મજગતમાં સ્થાપિત થઈ ગયા. તે પંક્તિઓમાં લપાયેલી નિયતિ તેમને ઝડપભેર ફિલ્મક્ષેત્ર તરફ જાણે દોરી ગઈ ! ફિલ્મ ગીતોની રચના તેઓ કરતા ગયા. પરંતુ એક સર્જક તરીકે તેમનો ‘માંહ્યલો’ માત્ર ગીતકાર બનાવતી પ્રવૃત્તિથી સંતોષાય તેમ ન હતો. તેમને ફિલ્મી ક્ષેત્રમાં નિર્માતા-દિગ્દર્શક બની પોતાની સર્જકતાને સંતોષવી હતી. બિમલદાની પારખુ નજરથી આ વાત છાની ન રહી.

જાન્યુઆરી 1960માં પપ્પાએ બિમલ રૉય પ્રોડક્શનમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ શરૂ કર્યું. સહાયક તરીકે પ્રારંભ કર્યા પછી 1936માં ‘મૌસમ’ ફિલ્મ માટે તથા 1996માં ‘માચીસ’ ફિલ્મ માટે તેમને શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકેના રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા. ગીતકાર-સંવાદલેખક તથા પટકથાલેખક તરીકે પણ તેઓ અનેક એવોર્ડસ મેળવી ચૂક્યા છે.

(અંગ્રેજી પુસ્તક because…. He is માંથી સાભાર.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગિલ્લુ ખિસકોલી અને બીજી વાતો – સુધા ભટ્ટ ‘અમીશ્રી’
પરપોટે પુરાયો – લાલજી કાનપરિયા Next »   

9 પ્રતિભાવો : મારા પાપિ : ગુલઝાર – મેઘના ગુલઝાર

 1. Nimish Rathod says:

  Thanks very much for putting such a beautiful article ! He is my favourite and I know he will be also favourite of many reader here too and it’s always pleasing to know about ur favourites. Thanks Mrugeshbhai! You are really expanding the dimensions of ReadGujarati.com !

 2. Mamta says:

  very nice article. I like to read more from this book if it is possible.

 3. pragnaju says:

  ફીલ્મ જગતની જાણીતી હસ્તી,મારા મ્મનીતા, ગુલઝાર વિષે ઘણું જાણવાનું મળ્યું.
  ભાવાનુવાદ પણ સુંદર થયો છે…ધન્યવાદ

 4. ભાવના શુક્લ says:

  અત્યંત ભાવનાશીલ રચનાઓના રચયિતા ગુલઝાર વિશે ખુબ જ અંતરંગ માહિતી મળી. આભાર. ગુલઝાર તેમનુ ઉપનામ છે પણ અંગત ફિલ્મ વર્તુળ તેમને “ભાઈ” ના લાડકા નામથી પણ સંબોધે છે.

 5. ધવલ ખમાર says:

  ખુબ જ સરસ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.