ગિલ્લુ ખિસકોલી અને બીજી વાતો – સુધા ભટ્ટ ‘અમીશ્રી’

gillu khiskoli[કહેવાય છે કે સાહિત્યમાં બાળવાર્તા અને હાસ્ય એ બંને સૌથી અઘરા પ્રકારો છે અને તેમાંય બદલાતા જમાના પ્રમાણે નવી-નવી બાળવાર્તાઓની સતત જરૂરિયાત રહેતી હોય છે. અમદાવાદમાં રહેતા શ્રીમતી સુધાબેન ભટ્ટે બાળકો માટે સુંદર નવી બાળવાર્તાઓ રચીને ‘ગિલ્લુ ખિસકોલી અને બીજી વાતો’ નામથી પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરી છે. તેઓ વિદ્યાર્થીકાળથી જ રેડિયો, ટી.વી. અને રંગભૂમિ ક્ષેત્રે પણ પ્રવૃત્ત રહ્યાં છે. કવિ-હૃદયી સુધાબહેન વ્યવસાયે શિક્ષક હોવાથી તેઓ દરેક ઉંમરના બાળકોની ખૂબ જ નિકટ રહ્યાં છે. બાળકો અને પ્રકૃતિ પ્રેમના નિચોડરૂપે આ ક્ષેત્રમાં નવો જ પ્રદેશ ખોલી આપતી રમતિયાળ બાળવાર્તાઓ મળી છે. તેમાંની કેટલીક વાર્તાઓ તો શાળાના અભ્યાસક્રમમાં સમાવેશ પામવાનું કૌવત ધરાવે છે. પ્રકૃતિનાં કંઈ કેટલાંયે તત્વો લેખિકાની વાર્તાઓમાં પાત્રો તરીકે સ્થાન પામી ધન્ય થયાં છે. અહીં કુટુંબભાવના તેમજ સમૂહજીવન છલોછલ ભર્યાં છે. સાચું કહીએ તો દાદા-દાદી પ્રેમથી-મસ્તીથી કહેતાં હોય તેવી આ વાર્તાઓ વારંવાર વાંચવાનું મન થાય છે અને દરેક વાંચન વખતે નવી જ અનુભૂતિ થાય છે. શ્રીમતી સુધાબેનનો રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિ તેમજ તેમનો સંપર્ક કરવાની વિગત આ લેખના અંતે આપવામાં આવી છે.]

[1] તરસ્યાંની તરસ છિપાવીએ

આપણે જેને ‘સેકન્ડ સમર’ કહીએ છીએ એ ભાદરવાનો અતિશય બાફ મારતો તાપ જાણે કે આકાશમાંથી વરસી રહ્યો હતો. અનેક વૃક્ષોથી ઘેરાયેલી એક શાળામાં એક પછી એક પિરિયડનો ક્રમ એના રુટિનમાં ચાલી રહ્યો હતો. જે વર્ગને પી.ટી.નો પિરિયડ હતો તેનાં બાળકો મેદાનમાં રમી રહ્યાં હતાં. પરસેવો થાય એટલી ગરમી હોય તો શું થઈ ગયું ? રમવું તો પડે જ ને !

પણ ઉફ ! પછી તો છોકરાંઓથી રહેવાયું નહીં. એક દાવ પૂરો કરીને કેટલાંક છોકરાંઓ પાણીની ટાંકીએ આવ્યાં. લાઈનસર લગાડેલા નળના પાણીએ એ લોકોએ હાથ અને મોં ધોયાં. છોકરડાં કોને કહ્યાં ? વળી એકબીજા ઉપર પાણીની છાલકો મારી, કોકે થોડું પાણી પીધુંય ખરું ને વળી પાછાં દોડતાંકને એ લોકો મેદાનમાં પહોંચી ગયાં. કેટલીક છોકરીઓ આજે રમવામાં આળસી ગઈ હશે તે બબ્બે ત્રણ ત્રણ ભેગી થઈને વાતોએ વળગેલી. દરમિયાન વાનરટોળી હંમેશ મુજબ ઊમટી પડેલી. એની એમને કોઈ નવાઈ નહોતી, પણ સ્તુતિ અને સુજાનીની ચકોર નજરે એક સુંદર ખેલ પકડી પાડ્યો.

એક ખૂબ નાનકડું વાનરબાળ ક્યારનુંય પીપળે બેસીને કૌતુકભરી નજરે નીચેનો સીન જોઈ રહ્યું હતું, એણે એ પણ જોયું હતું કે છોકરાંઓ પાણી પી રહ્યાં હતાં. ઓહ ! એવી તો તરસ લાગી હતી એને ! ‘શું હું આ પાણી પી ન શકું ?’ એવા વિચારે વાંદરાનું એ બચ્ચું ટાંકીની છત ઉપર આવીને બેઠું. પોતાને કોઈ જોતું નથીને એ ચોક્કસ કરી લીધું. થોડે દૂર બેઠેલાં સુજાની અને સ્તુતિ પણ સાવધ થઈ ચૂપચાપ બેસી ગયા ત્યાં. કેવું નિર્દોષ અને સુંદર લાગતું હતું એ બચ્ચું !

‘સેઈફ ઝોન’ ની ખાતરી થતાં જ બચ્ચાએ છલાંગ લગાવી. નળની નીચે બાંધેલી પાળી ઉપર નિરાંતે ઊભા પગે બેસીને પહેલાં તો એણે નળની રચના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. અને એને ખોબે ખોબે તો પાણી પીતાં જ ન આવડે ને ! ને લાગલું જ એણે નળ નીચે ખુલ્લું મોં ધર્યું. પણ આમ કેમ ? આ છોકરાંઓને પાણી મળ્યું ને મને નહીં ! એવા વિચારે એણે બીજા નળમાં ઉપરથી મોં માર્યું. ના. એક ટીપુંય નહીં ! નવાઈ કહેવાય.

પછી તો નળની પાળી ઉપર ચત્તા સૂઈને એક નળની નીચે એણે મોં ધર્યું, વારાફરતી, ઊલટ, સુલટ ઉપરનીચે, આમતેમ અનેક હવાતિયાં માર્યા છતાં વાંદરાના એ નટખટ બચ્ચાને પાણી ન મળ્યું તે ન જ મળ્યું. ખૂબ હતાશ થઈ ગયું એ. સ્તુતિ અને સુજાનીએ એકબીજાને ઈશારે પૂછ્યું, હવે શું થઈ શકે ? છોકરાંએ તો નળ બરાબર બંધ કર્યા એમાં સૂચનાનું પાલન હતું ને ! એટલામાં એમના મેડમ ત્યાંથી પસાર થતાં અટક્યાં. સામેથી વિજ્ઞાનનાં સર આવતા હતા, તે પણ સહેજ રોકાયા. આ બધાંને ખબર પડી કે બચ્ચાંને પાણી પીવું છે ને પી શકતું નથી.

હવે ? સરે ઈશારે કહ્યું કે, એક નળ સહેજ ખોલીએ. દરમિયાન બચ્ચું તો ટાંકીની નજીકના મેઈનકૉક પાસે પહોંચ્યું. પણ એય બંધ ! દબાતે પગલે સર નળ નજીક ગયા ને સહેજ ખોલ્યો. બચ્ચાએ જોયું. પણ અરે ! ટન….ટન….ટન… બેલ પડ્યો ને બચ્ચું એવું તો ભડક્યું કે નાઠું ને પાસેની આમલીના ઝાડ પર પૂછડું લટકાવી બેસી ગયું ને ફરીથી ટાંકી સામે તાકી રહ્યું.

હવે બધાં છોકરાં વર્ગમાં ગયાં. સ્તુતિ-સુજાની, સર મેડમે કાંઈક મસલત કરી. ડરનું માર્યું બચ્ચું નીચે આવતુંય નહોતું. સરે અને મેડમે પ્યૂનને કહીને એક ટબ મંગાવ્યું. એમાં પાણી ભરાવ્યું ને લીમડા નીચેના ઓટલા પર મૂક્યું. સૌ વર્ગમાં જતાં રહ્યાં, પણ બંને શિક્ષકો અને બંને વિદ્યાર્થીઓનાં મન તો મેદાનમાં જ હતાં. કોઈ નથી એવો ખ્યાલ આવતાં જ બચ્ચું હળવેકથી નીચે ઊતર્યું. ટબમાંથી ધરાઈને પાણી પીધું. પછી શું સૂઝ્યું કે પાછું નળ પાસે જઈ ચેક કર્યું. હવે તો રમત થઈ પડી. વળી પાછું ટબ પાસે આવી પાણી પીધું. ચબરાક સ્તુતિએ તરત મેડમને કહ્યું : ‘મેડમ, હવે આ ઘટના પર કોઈ નિબંધ લખાવો અથવા અહેવાલ લેખન’ સુજાની કેમ બાકી રહે ? ને હરખાતાં હરખાતાં શિક્ષિકાએ વર્ગમાં આખો કિસ્સો કહી સંભળાવ્યો ને એમને નિબંધનો નવો વિષય મળ્યો : ‘તરસ્યાંની તરસ છિપાવીએ.’

[2] સાત સહેલિયાં

‘એ….ય કાબર ચૂપ રહે.’
‘ઓય…. મને કેમ કાબર કહે છે ? તું કાંઈ કમ છે ?’
આ સંવાદ હતા લાડુ અને સોનુના. બપોર ઢળી રહી હતી. તેય રવિવારની એટલે કે દાદા, બા, પપ્પા, ફઈ બધાંયને માટે આળસનો પ્રાઈમ ટાઈમ અને આ બન્ને બહેનોને પ્રોબ્લેમ હોય ટાઈમપાસનો. આંગણામાં મોટા થઈ ગયેલા લીમડા અને આંબાની ઘટામાં ખરેખર કાબરો કીકી…કીકી…કીકી…. ચુક…ચુક..ચુક… કરતીક રમી રહી હતી. શું કરે, પત્તાં ને સાપસીડી ને એવું એવું રમીને કંટાળેલી લાડુ અને સોનુ ફળિયાના હિંચકે છાપાં લઈને બેઠી. પણ છાપાં થોડાં વાંચવા માટે હોય છે ? એનાં તો પાનાં ફેરવાય ને જે હાથ લાગ્યું એનું ફક્ત હેડિંગ વંચાય. આ બધુંય કાંઈ ગંભીરપણે હોય ? વચ્ચેવચ્ચે બીજી કેટલીય વાતો હોય.

‘જો જો સોનુ, પેલી સાતેય કાબરો સાથે આવી. એ જ છે. રોજ આવે છે. તે ભૂખરી, કથ્થાઈ ને પીળી ચાંચવાળી.’
‘હા… નહિ ! આપણી સાત સહેલિર્યાં ? જો તો ખરી લાડુ, કેટલો પ્રેમ છે એકબીજા પર ! કંઈક કહે છે ટીકુ…ટીકુ…ટીકુ… આહા ! મીઠુંમીઠું, કોમળ-કોમળ બોલે છે.’ ને બન્ને બહેનો એમની રમત, નાની ડાળીઓ ઉપર ચર..ર..ર… ને કો..ક….કો…ક એવું જુદુંજુદું બોલતી, લટૂડાં-પટૂડાં કરતી કાબરોને જોઈ રહી. બાપ રે, કેટલું બોલે છે, નહિ આ કાબરો ?’ અને એટલે જ જે બહુ બોલે એને બધા કાબર કહેતા હશે ખરું ને ?

એવામાં બિલાડીને દૂરથી આવતી ભાળી કાબરોએ કર્કશ અવાજથી એનો ઉગ્ર વિરોધ કર્યો, રીડિયારમણ કરી મૂકીને બન્ને બહેનો એકસાથે ચીસ પાડી ઊઠી – ચૂપ ! જાણે કે શીય સમજણ પડી હોય એમ કાબરો. એ સાત સહેલિયાં પાછી ગમ્મત કરવા લાગી. ત્યાં તો સોનુએ છાપામાંથી જાહેરખબર વાંચી સેલ…સેલ…સેલ… સાડી, સલવાર કમીઝ, જિન્સ પેન્ટ, ટીશર્ટ… ચાલો, આજે સાંજે આપણે સેલમાં જઈશું ? પપ્પાને કહીએ. શાંત થયેલી કાબરો ધ્યાનથી લાડુ-સોનુની વાત સાંભળી રહી હતી. સેલના નામથી એમનાય મનમાં રંગીન ફુવારા ઊડવા લાગ્યા.

એક કાબરે બીજીને કહ્યું : ‘સાંભળ્યું તેં બહેન, આ સેલમાં આંટો મારી આવીએ.’
એક બટકબોલી કાબરે કહ્યું, ‘હા, હા, આજકાલ નવાનવા કલર ને નવી નવી પ્રિન્ટ આવ્યાં છે. એક કામ કરીએ. લાડુ-સોનુની કાર પર સવાર થઈ જઈએ. ત્રીજીથી આ સહન ન થયું. ‘એય નવરીઓ, સેલમાં જશો તો ઈંડા કોણ સેવશે ? માળામાં મજાનાં આસમાની ઈંડાં છે તે ભૂલી ગયાં ?
‘હા….અલા….. બધાયના માળામાં ત્રણચાર ઈંડા તો છે જ હવે…..’
‘પણ એના પાપા આજનો દિવસ ધ્યાન રાખશે.’

એવામાં કાબરોના પતિદેવો આવવા લાગ્યા. મહિલા મંડળ ચેટિંગની એમની ઉપર કોઈ અસર નહોતી. બધી જ કાબરોને એમણે એવી તો લઢી કાઢી ને બસ, કાબરોએ તો શરૂ કર્યું દ્વન્દ્વ યુદ્ધ. જોરશોરથી ચાંચો મારી, કાબરપતિઓના પગમાં પગ ભરાવી પોતાની પૂરી તાકાત બતાવીને ભારે શોર મચાવી દીધો એ તો નફામાં. મોટું યુદ્ધ ખેલાયું ને કાબરોએ જાહેર કર્યું : ‘તમારો આવો જ રવૈયો હશે તો બચ્ચાંને ઈંડામાંથી બહાર આવી જવા દો. અમે જતા રહીશું બસ ! પતિદેવોને એટલું તો હસવું આવ્યું કે ન પૂછો વાત. ‘પાગલ છે આ સાત સહેલિયાં.’ એવામાં એક ઠરેલ કાબરે હુકમનો એક્કો નાખ્યો : ‘અમે આફ્રિકા, ન્યુઝીલેન્ડ કે મોરેશિયસ જતાં રહીશું. મે હમણાં જ આ લાડુ-સોનુના છાપામાં વાંચ્યું છે. આપણે ખેતીને નડે એવા જીવડાં, ઈયળ, તીડ ને તીતીઘોડા ખાઈ જઈએ છીએ ને એટલે એ લોકોએ ભારતીય કાબરોને બોલાવવાનું વિચાર્યું છે. હા, આપણોય વટ છે બાપુ. ફૉરેન જઈશું. ફૉરેન હોં કે ?’ બાકીની છયે કાબરોએ નેતા-કાબરના સૂરમાં સૂર પરોવ્યો અને વળી પાછાં લાગી પડ્યાં સેલમાં જવાના પ્લાનમાં.

‘આ લોકો સાથે કોણ મગજમારી કરે ?’ એમ બોલતાં કાબરપતિઓ ઊડી ગયા અને સાતેય સાહેલીઓએ નક્કી કર્યું કે ધ્યાનથી લાડુ-સોનુની વાત સાંભળીને પછી નક્કી કરવું કે આપણે ફૉરેન જવા માટે કેવાં કપડાં જોઈશે. અને એકબીજાને ચૂપ રહેવાનું કહેતી કાબરોનો કલબલાટ એટલો વધી ગયો કે ફરીથી બન્ને બહેનો સાથે બોલી પડી, ‘ચૂપ કરો. હવે બસ, દાદા-બા ઊઠી જશે તો ?..!’

ને કાબરો એકબીજાને ઈશારો કરી શાંતિથી ફળિયામાં રમતી-રમતી લાડુ-સોનુના પ્લાન્સ સમજતી રહી. આ બન્ને તો ચોક્કસ ટી-શર્ટ ને જિન્સ ખરીદશે. આપણનેય ચાલશે. ડિમાન્ડ છે વિદેશમાં ભાઈ જેવી તેવી વાત છે કાંઈ ! શાંત પડેલી સાત સહેલિયાંને લાડુ-સોનુએ ઘણો જ સધિયારો આપ્યો. ‘ચિંતા ન કરો વહાલી કાબરો. તમતમારે મીઠુંમીઠું બોલો. સાતેય સાથે રહો. ટોળી તૂટવા ન દેતાં હોં. તમારા પાસપોર્ટ વિઝાની તૈયારી અમે કરવા લાગશું.’ ને સાંજ પડતાં સાત સહેલિયાં ઊડી ગઈ લાડુ-સોનુને હિંચકે ઝૂલતી એમના વિચારોમાં ખોવાયેલી મૂકીને !!

[ પુસ્તક કુલ પાન : 168, કિંમત રૂ. 75.00 શ્રીમતી સુધાબેન ભટ્ટ – ફોન : 079-26753448. ઈ-મેઈલ : suchini@rediffmail.com પુસ્તક પ્રાપ્તિ માટે : સુધા ભટ્ટ, 18/182 વિદ્યાનગર, હિંમતલાલ પાર્ક પાસે, 132’ રિંગ રોડ, અમદાવાદ-380015.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સહિયારી પત્ની – નવનીત પી. શાહ
મારા પાપિ : ગુલઝાર – મેઘના ગુલઝાર Next »   

15 પ્રતિભાવો : ગિલ્લુ ખિસકોલી અને બીજી વાતો – સુધા ભટ્ટ ‘અમીશ્રી’

 1. ranjan pandya says:

  વાંદરાના બચ્ચાની પાણીની તરસની સાથે સાથે બાળકોની વાર્તાની તરસ પણ છિપાસે.સુધાબહેનને અભિનંદન—

 2. pragnaju says:

  મોટા ઓને પણ વાંચવાની મઝા પડે તેવી સુંદર બાળ વાર્તાઓ
  ધન્યવાદ

 3. ભાવના શુક્લ says:

  બાળવાર્તાઓ વાચી વાર્તાસમુ બાળપણ યાદ આવી ગયુ.

 4. Pinki says:

  સુધાબેન,

  મારી નકલની વ્યવસ્થા હવે આજે જ કરવી પડશે .

 5. Snehal says:

  અત્યારે જ્યારે ચકલીઓ જોવા નથી મળતી, કબૂતરો ન્યુસન્સ લાગે છે, કૂતરાઓ નો ડર લાગે છે ત્યારે સુધાબેનની વાર્તાઓ પ્રાણી જગત નો પ્રેમ થી પરિચય કરાવે છે, એ પણ કાર્ટૂની ફેન્ટસી ની જેમ નહી, પ્રાણીઓને માણસ ન બનાવતા તેમનુ પ્રાણીપણુ જાળવી રાખીને.

 6. […] અગાઉ શ્રીમતી સુધાબેનની (અમદાવાદ) ‘ગિલ્લુ ખિસકોલી અને અન્ય વાર્તાઓ’ ના પુસ્તકમાંથી આપણે એક બાળવાર્તા […]

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.