- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

વિવિધ વાનગીઓ – સંકલિત

[1] ફાડાની ખીચડી

તૈયારીનો સમય : 15 મિનિટ.
બનાવવાનો સમય : 40 મિનિટ. ચાર વ્યક્તિ માટે.

સામગ્રી :
1 કપ પીળી મગની દાળ
3/4 કપ ઘઉંના ફાડા
1 કપ બટાટા સમારેલા
1 કપ લીલા વટાણા
1 કપ ફલાવર
1 કપ કાપેલા કાંદા
1 ટેબલ સ્પૂન આદુ-મરચાંની પેસ્ટ
1/2 ચમચી મરી
1/2 ચમચી હળદર
1 ચમચી મરચું
સ્વાદ અનુસાર મીઠું
વઘાર માટે : 1 ટુકડો તજ, 3 લવિંગ, 1 ચમચી જીરું, 1/4 ચમચી હિંગ, 3 ચમચા ઘી.

રીત : સૌ પ્રથમ મગની દાળ અને ફાડાને ધોઈને 15 મિનિટ પલળવા દો. પાણી નિતારીને બાજુ પર મૂકો. હવે ચાર કપ પાણી ઉકાળીને રાખો. ત્રણ ચમચી ઘીને વઘાર માટે પ્રેશર કૂકરમાં નાખો. તેમાં તજ, લવિંગ જીરું અને હિંગ નાખી વઘાર થવા દો. હવે તેમાં દાળ, ફાડા અને સમારેલાં શાક અને મસાલો નાખી ચારથી પાંચ મિનિટ સાંતળો. હવે તેમાં ગરમ કરેલું પાણી ઉમેરી, પ્રેશર કૂકર બંધ કરો. ત્રણથી ચાર સીટી વાગવા દો. કૂકર ઠંડું થાય પછી તેને ખોલો અને ખીચડીને હલાવો. જરૂર લાગે તો થોડું ગરમ પાણી ઉમેરો જેથી દાળ અને ફાડા બરાબર ભળી જાય. રાઈતા અને મેથિયા કેરીના સંભાર સાથે ગરમાગરમ પીરસો.

[2] સુરતી ઊંઘિયું
સામગ્રી :
વાટેલાં લીલાં મરચાં સ્વાદ અનુસાર,
500 ગ્રામ પાપડી,
આદુની પેસ્ટ અડધી ચમચી,
200 ગ્રામ રતાળુ,
કોથમીર સો ગ્રામ,
200 ગ્રામ શક્કરિયાં,
લીલું લસણ 50 ગ્રામ,
200 ગ્રામ બટાકા,
ધાણા પાઉડર 2 ટેબલ સ્પૂન,
100 ગ્રામ રીંગણ (નાનાં),
મીઠું સ્વાદ અનુસાર,
3 નંગ પાકાં કેળાં,
અધકચરા વાટેલા તલ 50 ગ્રામ,
100 ગ્રામ લીલા વટાણા (વાટેલા),
500 ગ્રામ લીલા કોપરાનું ખમણ,
બે ચમચી ખાંડ,
એક ચમચી અજમો,
એક ચપટી સોડા બાયકાર્બ,
અડધી ચમચી શાકનો ગરમ મસાલો.

રીત :
સૌ પ્રથમ વાટેલા લીલાં મરચાં, જરા વાટેલું આદુ, કોથમીર, સમારેલું લીલું લસણ, થોડો ધાણા પાવડર, સ્વાદ અનુસાર મીઠું, વાટેલા તલ, લીલા નાળિયેરનું ખમણ, થોડી ખાંડ, ગરમ મસાલો – આ બધી સામગ્રી એક બાઉલમાં મિક્સ કરવી. એક તપેલામાં થોડું તેલ મૂકી, ગરમ થયા બાદ અજમાનો વઘાર કરવો. વઘાર થાય એટલે તેમાં પાપડીને ધોઈ લીધા બાદ અંદર નાખવી. થોડો સોડા બાય કાર્બ અને થોડું મીઠું નાખીને ચૂલા પર પાંચ મિનિટ સુધી ખદબદવા દેવું. ત્યારબાદ તેની અંદર સમારેલાં શક્કરિયાં-બટાકા-રીંગણ-રતાળુમાં બાઉલમાં પ્રથમથી તૈયાર કરેલો મસાલો ભરવો અને પાપડીની અંદર ગોઠવીને મૂકી દેવું. ત્યારબાદ તેની ઉપર એક થાળીમાં થોડું પાણી મૂકીને ઢાંકી દેવું, જેથી તપેલામાં ચોંટી ન જાય. થોડી થોડી વારે આને હલાવી લેવું. શાક ચઢી જાય ત્યારબાદ ગેસ બંધ કર્યા પછી કાપેલાં કેળામાં અંદર મસાલો ભરી ઉપર મૂકીને તપેલાને ઢાંકણું ઢાંકી દેવું. 15 મિનિટ આ શાકને તપેલામાં જ ઢાંકેલું રાખીને કોપરું-કોથમીર-લીલું લસણ ઉપરથી ભભરાવીને પીરસવું.

[3] બાલાસિનોરનાં મઠિયાં

સામગ્રી :
અડધો કિલો મઠની દાળનો બારીક લોટ,
100 ગ્રામ ઘઉંનો ઝીણો લોટ,
1 ટેબલ સ્પૂન તલ,
1 ટી સ્પૂન અજમો, મીઠું, મરચું,
1 વાટકી સાકર,
તેલનું મોણ 2 મોટા ચમચા,
અડધી વાટકી તળવા માટે તેલ.

રીત :
સાકર અને અડધી વાડકી પાણી નાખી ગેસ પર મૂકી હલાવવું. સાકર ચોંટે નહીં તેનું ધ્યાન રાખો. 10 મિનિટ પછી (1 તારી ચાસણી) જેવું થાય એટલે નીચે ઉતારી ઠંડું થવા દેવું.

એક થાળીમાં બન્ને લોટ, મોણ, મીઠું, મરચું, તલ, અજમો નાખી અલકોલા ગરમ સાકરવાળા પાણીથી લોટ બાંધવો. લોટ કઠણ બાંધવો. ત્યાર બાદ તેને લોખંડના દસ્તાથી ખાંડવો. સરસ એકસરખો થઈ જાય પછી તેને મસળીને વીંટાવાળી તેલવાળો હાથ કરીને છરીથી ગુલ્લા કરવા. ત્યાર બાદ તેને પાતળી પૂરી જેવા વણી લેવા અથવા તો કિચન પ્રેસમાં સહેજ તેલ લગાડી દાબીને પૂરી જેવા બનાવી લેવા. બધા તૈયાર થાય એટલે તળી લો. મઠિયાં ફૂલવા જરૂરી છે. પીળાચટાં અને ગળચટાં મઠિયાં કડક પણ થવાં જોઈએ. બાલાસિનોર મઠિયાં ખરેખર મોઢામાંથી સ્વાદ છોડાય નહીં તેવાં બને છે.

[4] દાળઢોકળી

સામગ્રી :
એક વાટકી તુવેરની દાળ
100 ગ્રામ ગોળ
પાંચથી છ કોકમ
અડધી ચમચી હળદર
અડધી ચમચી લાલ મરચું
એક ચમચી સિંગદાણા
4 ચમચી તેલ
વઘાર માટે બે-ત્રણ લવિંગ
તજ
અડધી ચમચી રાઈ
હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું.

ઢોકળી માટે : ઘઉંનો લોટ એક વાટકી, પા ચમચી હળદર, મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે. બે ચમચી તેલ મોણ માટે.

રીત :
સૌ પ્રથમ તુવેરની દાળને બાફી એમાં સંચો ફેરવી એકરસ કરવી. એમાં છ કપ ગરમ પાણી નાખવું. હવે ગોળ, કોકમ, હળદર, મરચું, મીઠું અને સિંગદાણા નાખીને ઊકળવા દો. બે ચમચા તેલ વઘાર માટે મૂકી એમાં તજ, લવિંગ, રાઈ અને હિંગ નાખી વઘાર થાય એટલે દાળમાં નાખવો. એક વાટકી લોટમાં મીઠું, તેલ, હળદર, મરચું નાખી થેપલા જેવો લોટ બાંધવો. એના એક સરખા લૂઆ કરી પાતળી રોટલી વણી એને છરી વડે નાના ચોરસ ટુકડા કરી દાળમાં નાખવા. ઢોકળી નાખ્યા બાદ દસ મિનિટ ઊકળવા દેવું. પીરસતી વખતે એક ચમચી ઘી નાખવું અને કોથમીર ભભરાવવી.
નોંધ : દાળઢોકળીમાં કચોરી અથવા શાક પણ બાફીને ઉમેરી શકાય.