સ્હેલાણી સ્વર – મકરન્દ દવે

જિન્દગીભર જીવતું આલાં જિગર આપો મને,
મુફલિસીમાં મ્હેકતું મગરૂર સર આપો મને;
નૂર આંજેલી નશાઘેરી નજર આપો મને,
પાય કેડી પાડતા, સાબૂત કર આપો મને,
– ને સદા ગાતો જતો સ્હેલાણી સ્વર આપો મને.

ક્યાંય પણ રોનક નથી એ, ને નથી એ રોશની,
ડાહીડમરી ચોતરફ ચાલે હવા કાં હોશની ?
આપની મહેફિલ ! અને ત્યાં બોલબાલા દામની ?
થાય છે : છોળો ઉછાળી દઉં છલકતા જામની,
કોઈ દીવાનાનો દામન તરબતર આપો મને.

તેજનો વાઘો સજી ફરતા તિમિરનો દોર છે,
રેશમી જાળે વણેલું શું મુલાયમ જોર છે !
જૂઠની જાદુગરી છે, પ્રેતનો કલશોર છે,
કેટલો કોમળ ગુલાબી કેર ચારેકોર છે !
ના ખપે ફાગણ ફરેબી, પાનખર આપો મને.

જોઉં છું વણઝાર વેગીલા કદમની ડૂકતી,
જેમને ઝંઝા ગણ્યા એની સવારી ઝૂકતી,
ક્યાં ગઈ હસ્તી ભર્યું ઘરબાર હાથે ફૂંકતી ?
પાંખની પાછી ધજાઓ થાય આભ ફરુકતી,
આંખમાં એકાદ પળ જો માનસર આપો મને.

મેઘલી રાતો કદી હો, દૂધલી રાતો કદી,
ઓળઘોળી જાતને આઠે પ્રહર ગાતી જતી,
સિંધુને ખોળે સમાવા હર મુકામે સાબદી
જિન્દગી કેરી વહો ભરપૂર બે કાંઠે નદી –
આપજો બસ એટલું, કાંઈ અગર આપો મને.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિવિધ વાનગીઓ – સંકલિત
એક છોરી – પ્રહલાદ પારેખ Next »   

10 પ્રતિભાવો : સ્હેલાણી સ્વર – મકરન્દ દવે

  1. pragnaju says:

    મકરન્દ દવેની “સ્હેલાણી સ્વર”
    સુંદર રચના
    તેમની જ ભાષામાં કહીએ તો -“ગઝલની કટોરી નાજૂક છે,પણ નબળી નથી.હવાઇ તરંગ જેવા આસમાની પીણાને તે બિલોરી રંગમાઁ ઝીલી શકે છે ,તો ધરતીના પડમાઁથી ઊઠતા લાવાની અગન_ઝાળને તે આસાનીથી ઊછળતી રાખે છે.ગઝલની કિનારી પર તરતા બુદબુદોમાઁ ,બુઁદ સમાની સમુદ્રમેઁ,ની ગહરાઈ તરી આવેછે. કોઈની આંખે આંસુનુઁ બિઁદુ ઝળકે,હોઠ પર સ્મિતની પાઁદડી ફરકે અથવા અકઠ કહાની હૈયાની ભીતર ને ભીતર વલોવાયા કરે.તેને ગઝલ વાચા આપેછે___પાણીદાર મોતીની જીભે.”
    … અને માણીએ આ રચના

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.