- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

આમ ક્યાં સુધી ચાલશે ? – ડૉ. પંકજ જોશી

[‘નવનીત સમર્પણ’ માંથી સાભાર.]

પૃથ્વીની કરોડો વર્ષની ઉંમરમાં ન થયા હોય તેવા ફેરફારો આપણે છેલ્લાં પચાસ વર્ષમાં પૃથ્વીના વાતાવરણ તથા પર્યાવરણમાં લાવી દીધા છે. છેલ્લાં પાંચ કરોડ વર્ષમાં કદી નહોતો એટલો અંગાર વાયુ – કાર્બન ડાયોકસાઈડ, આપણે પૃથ્વીના વાતાવરણમાં ભરી મૂક્યો છે. આપણાં ટેલિવિઝન, મોબાઈલ ટેલિફોનો તથા રડાર ઉપકરણોમાંથી છૂટતાં રેડિયો વિકિરણોએ આખી પૃથ્વીને જાણે એક મોબાઈલ ફોનના એન્ટેના-એરિયલ જેવી બનાવી દીધી છે !

આવી ગાંડી દોડ ક્યાં સુધી ચાલશે ? બ્રિટનની જાણીતી વૈજ્ઞાનિક સંસ્થા રોયલ સોસાયટીના પ્રમુખ લોર્ડ માર્ટિન રીઝ તાજેતરમાં લખેલા તેમના પુસ્તકમાં જણાવે છે કે માનવજાતિ આ રીતે પૃથ્વી પર ટકી રહે તેવી શક્યતા માંડ પચાસ ટકા જેટલી છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ સદી પહેલાં જ પર્યાવરણનો સફાયો કરીને માનવજાતિ પોતાનો વિનાશ વહોરી લે તો કહેવાય નહિ ! ઘણા માણસો નિરાશામાં કે એક અથવા બીજા આવેગોને વશ થઈને આપઘાત વહોરી લેતા હોય છે. તેવી જ રીતે માનવજાતિ પણ પોતાનાં અતિ લોભ અને લાલચને વશ થઈને આપઘાતને રસ્તે તો જતી નથી ને ? આવો પ્રશ્ન અવશ્ય પૂછી શકાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ ચૂકી છે, આજે અને અત્યારે જ, એમ હવે કેટલાક ડાહ્યા ગણાતા લોકો પણ કહેવા લાગ્યા છે.

લોર્ડ રીઝનું આ વિષેનું પુસ્તક, ‘Our final century’ તાજેતરમાં જ પ્રકાશિત થયું છે. તેમાં તેમણે પૃથ્વી પર ઊભા થતા જતા ખતરા વિશે વિગતે વાત કરી છે, જે જોખમ ઊભું કરનાર મૂળ તો આપણે પોતે જ છીએ. તેનો સાર આપણી ભાષામાં મૂકીએ તો, ‘લોભને થોભ નથી.’ એ કહેવત પ્રમાણે ‘વિકાસ’ એટલે શું તે સમજ્યા સિવાય જ કહેવાતા વિકાસની ગાંડી દોટમાં આપણે સૌ અત્યારે મચી પડ્યા છીએ તેનું આ પરિણામ છે. આજના માનવનાં કાર્યો તે પૃથ્વી પર બળાત્કાર છે. હજુ તો જીવનનું પુસ્તક આપણે વાંચ્યું પણ નથી ત્યાં જ તોફાની બાળકની જેમ આ અદ્દભુત કિતાબનાં પાનાંઓના આપણે ચીરા ઉડાવી રહ્યા છીએ.

ભારત જેવા દેશમાં તો હજુ આપણે ગરીબી અને ગુલામ મનોદશામાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને ઓછા લોકોને આજે કંઈ પણ વિચારવાનો સમય હોય તે સમજાય તેવું છે. પણ પશ્ચિમના દેશો, જેમણે ‘રોટી-કપડાં-મકાન’ ના પાયાના સવાલો હલ કરી લીધા છે ત્યાં હવે આ વિષે વિચારનો એક નવો પ્રવાહ શરૂ થયો છે. લૉર્ડ રીઝ ખરેખર તો એક ખગોળ વિજ્ઞાની છે. વર્ષો પહેલાં તેમને અમેરિકામાં એક વાર મળવાનું થયેલું તેવો પ્રસંગ યાદ આવે છે. તેઓ ત્યાં પિટ્સબર્ગ યુનિવર્સિટીમાં એક પ્રવચન આપવા આવેલા. એ પછી સાંજે અમે સાથે જ બાજુની એક રેસ્ટોરાંમાં જમવા માટે ગયા. આપણે ત્યાં પણ હવે જે બરાડા અને દેકારાવાળા ‘સંગીત’ ની પ્રથા શરૂ થઈ છે. એવું જ સંગીત અને ધમાલભર્યું નાચગાન આ રેસ્ટોરાંમાં મોટા ટેલિવિઝનના પડદા પર ચાલતું હતું. એકબીજા સાથે વાત કરો તે પણ માંડ સંભળાય. થોડી વાર તો અમારું જમવાનું ચાલ્યું, પણ પછી અચાનક જ લૉર્ડ રીઝ મારા તરફ ફરીને કંટાળાભર્યા અવાજે બોલી ઊઠ્યા, ‘I don’t like this music – do you like it ?’ અને સાથે જ વેદનાભર્યું સ્મિત કરી રહ્યા. ત્યારે જ તેમના સ્વભાવ-પ્રકૃતિનો કંઈક પરિચય થયેલો. આવી વ્યક્તિ આજની દુનિયાને અને આપણી વિનાશક પ્રવૃત્તિઓને જુએ ત્યારે આપણે આગળ વાત કરી તેવું ‘આપણી આખરી સદી’ પુસ્તક ન લખે તો જ નવાઈ ! તેમની આ બધી વાતમાં, ભારતના પ્રાચીન મહર્ષિઓ સદીઓ પહેલાં પૃથ્વી તથા પર્યાવરણ વિષેના જે આદરની વાત કરી ગયા છે તેના ભણકારા વાગે છે.

અલબત્ત, બધા જ વૈજ્ઞાનિકો કંઈ આવા ઋષિ-મુનિની કક્ષાના હોય અથવા તેવી જ વાતો કરે તેવું નથી. પ્રખર બુદ્ધિપ્રતિભા અને ડહાપણ અથવા પરિપક્વતા સાથે જ વસતાં હોય તેવું જરૂરી નથી. Intellect તથા wisdom એ જુદી વસ્તુઓ છે, સંકળાયેલી ભલે હોય. મોટા ભાગના વૈજ્ઞાનિકોનો અભિગમ કુદરત પર ‘વિજય’ કરી લેવો તેવો હોય છે. યુરોપમાં સ્પેનના દરિયાકિનારે એક શિલ્પ જોવા મળ્યું હતું જેમાં મનુષ્યને સમુદ્રના દેવતા સાથે યુદ્ધ કરતો બતાવી તેના પર જીત પામતો બતાવ્યો છે. જેમ મોટા ભાગના ઉદ્યોગપતિઓનું લક્ષ પૈસા અને સમૃદ્ધિની પ્રાપ્તિ અથવા મોટા ભાગના રાજકારણીઓનું લક્ષ સત્તા અથવા બીજાને કાબૂમાં કરવાનું હોય છે તેના જેવી જ આ વાત છે. શુદ્ધ લોક-કલ્યાણની ભાવનાથી તો બહુ અલ્પ ઉદ્યોગો અથવા રાજકારણ થતાં હશે. આવી જ રીતે વૈજ્ઞાનિકોને પણ મોટે ભાગે તો કુદરતનાં બળોને સમજીને વશમાં કરવાનો અહંકાર હોઈ શકે.

અને આવી જ ભૂમિકા દ્વારા બીજા એક આવા જ વિખ્યાત વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગની તેમણે તાજેતરમાં કરેલી વાત સમજી શકાય. લૉર્ડ રીઝે તો એવું કહ્યું કે માનવજાતિના વિનાશ કે ટકવાની સંભાવના સદીના અંત સુધી અરધી-અરધી છે. ફિફ્ટી-ફિફ્ટી. પરંતુ હોકિંગ તો તેનાથી આગળ વધીને એમ જ કહે છે કે હવે તો થોડા દાયકામાં જ પૃથ્વીનું વાતાવરણ અને પર્યાવરણ ખરાબ થઈ જવાનું, આથી માણસે પૃથ્વીથી બહાર નીકળીને મંગળ તથા ચંદ્રમાં જઈને વસાહત કરવી જોઈએ. માર્ટિન રીઝની વાતમાં તો કંઈક એવું આવે છે કે આપણે આપણી પદ્ધતિઓ અને કાર્યો સુધારવાં જોઈએ, જો પૃથ્વી પર ટકવું હોય તો. પણ હોકિંગની વાતમાં તો આજની આધુનિક ઉપયોગિતાવાદી સંસ્કૃતિનું જ આગળનું ડગલું છે કે પૃથ્વીને ભોગવી લીધી તો હવે આગળ ચાલો મંગળ ઉપર ! કોકા-કોલા પી લીધું તો ડબલું નાખો ખાડામાં, તેના જેવી આ વાત છે, જેમાં મળે એટલું ભોગવી લેવું, કાલની કોને ખબર છે, એવો સીધો જ અભિગમ છે.

અલબત્ત, મંગળ કે ચંદ્ર પર જીવી શકાય કે નહિ, જીવન માટે કેટલાં સાનુકૂળ પરિબળો ત્યાં છે કે નથી એ તો અલગ જ વાત અને વિજ્ઞાન છે. પણ આજે તો પ્રચાર અને સ્ટંટ કરવાનો જમાનો છે, તો વિજ્ઞાની, શિક્ષક કે કવિ-સાહિત્યકારે પણ તેમાં શા માટે પાછળ રહેવું, તેના જેવી આ વાત છે. ઊંચા આદર્શની વાતો કરીને નકામો ‘ખોટનો ધંધો’ શું કામ કરવો, તે આપણને ગુજરાતીઓને તો તરત સમજાય ! પરંતુ અહીં મૂળ વાત એ છે કે લાંબાગાળાનો ‘ફાયદો’ કરવો હોય તો ટૂંકા ગાળામાં આપણા ભોગ ભોગવવામાં થોડી ‘ખોટ’ આવે તો તે સહન કરવી જોઈએ. તાવ આવ્યો હોય અને માંદા પડ્યા હોઈએ ત્યારે લાડુ-જલેબી પાછળ દોડાય ? આવી જ રીતે, આપણા જ ઘરમાં કોઈક પાગલ વ્યક્તિએ ઘણી તોડફોડ કરી મૂકી હોય ત્યારે થોડો સમય શાંત થવું જ પડે. તે પ્રમાણે જ આપણે હવે ‘વિકાસ’ એવી રીતે કરવો જોઈએ કે માંદી પડેલી પૃથ્વીને કંઈક આરામ કરીને સાજા થવાનો સમય મળે.

મહાન રશિયન સાહિત્યકાર ટોલ્સ્ટોયે ગઈ સદીની શરૂઆતમાં એક પુસ્તક લખેલું જેનું શીર્ષક હતું : ‘ત્યારે કરીશું શું ?’ આવો જ પ્રશ્ન અહીં પણ ઊભો થાય છે. તેમાંથી જ ‘સમતોલ વિકાસ’ sustainable development, પર્યાવરણ તથા કુદરત સાથે મેળ કરીને થતો વિકાસ, તેવી વિચારધારાઓ શરૂ થઈ છે. એવાં સૂચનો કરી શકાય કે ‘ઋણં કૃત્વા ધૃતં પીબેત – દેવું કરીને પણ આજનું ઘી આજે પી લો, કાલ કોણે દીઠી છે.’ આવી માનસિકતામાંથી બહાર આવવું પડે. તેમાં સૌથી પહેલાં તો પેટ્રોલિયમ, કોલસો, અણુશક્તિ કે એવા બીજા પ્રદુષણકારી શક્તિના સ્ત્રોતોને બદલે સૂર્યશક્તિ, જળ અથવા પવન પર આધારિત શક્તિ અને તેવા બીજા શક્તિના ઉદ્દગમો વિકસાવવા પડશે. સમગ્ર પૃથ્વીના પર્યાવરણ વિષે આજે છે તેના કરતાં અનેકગણી વધારે સમજણ મેળવવી પડશે અને તે જાગૃતિ લોકો સુધી લઈ જવી પડશે. વિજ્ઞાન, રાજકારણ તથા ઉદ્યોગો, આ બધાનું અત્યારનું કેન્દ્રસ્થાન તથા તે વિષેની વિચારધારા બદલવી પડશે. કેવળ દેશોની સરહદોમાં બંધાવાને બદલે, એવા આંતરરાષ્ટ્રીય કાયદાઓ ઘડવા જોઈશે જે સમગ્ર પૃથ્વીના વાતાવરણની કાળજી લે, અને જે સમૃદ્ધ રાષ્ટ્રોને નબળાં રાષ્ટ્રોનો ભોગ લેતા અને શોષણ કરતાં અટકાવે.

આવી તો અનેક બાબતો વિચારી શકાય, પણ સૌથી પહેલી અને મૂળ વાત તો આપણાં કાર્યો વિષે અને તેની સમગ્ર પૃથ્વી પર થતી અસરો વિષે જાગ્રત થવાની અને વિચારતા થવાની છે. અહીં આપણે બે વિખ્યાત હસ્તીઓની વાત કરી, જેમાં માર્ટિન રીઝની વાતમાં કંઈક માનવતાવાદી અભિગમની ઝાંખી થાય છે, જ્યારે સ્ટીફન હોકિંગની વાતમાં જેને આપણે ભોગવાદી સંસ્કૃતિ કહીએ છીએ તેનો અણસાર મળે છે. તેમાં જેને જે રસ્તો લેવો હોય તે લેવાની છૂટ છે, વ્યક્તિ સ્વાતંત્ર્ય છે. દારૂ પીનારને નશો કરવામાં છેવટે તો કોણ અટકાવશે, અને સંન્યાસીને ધ્યાન કરવું હશે તો વિધ્નો વચ્ચે પણ પોતાનો રસ્તો તે મેળવી જ લેવાનો છે.

તો આ સદીના અંત સુધીમાં માનવજાતિ કેવા રસ્તે વળશે અને ક્યા મુકામ પર પહોંચશે ? તેનો આધાર આપણા આજના અભિગમ પર રહેશે. માણસ માંદો હોય છતાં લાડુ-જલેબી અને ભોગમાં રચીપચીને મોત નોતરી લીધું હોય તેવા પણ દાખલા છે અને અતિશય ગંભીર વ્યાધિમાંથી પણ વિચારશીલતા અને સંયમ દ્વારા બહાર આવીને સુંદર આરોગ્યસિદ્ધિ કરી હોય તેવાં પણ ઘણાંયે ઉદાહરણો છે. આપણે કેવો રસ્તો લેવો છે એ તો આપણે જ નક્કી કરી લેવું પડશે અને પછી તે માર્ગે ચાલવા પુરુષાર્થ કરવો પડશે. પરંતુ તે પણ બહુ મોડું થાય તે પહેલાં જ અને બની શકે તો આજે જ !