મેરે પિયા ચલે પરદેશ – હરનિશ જાની
મારી પત્નીએ જ્યારે પ્રસ્તાવ મૂક્યો કે આ વરસે વેકેશનમાં એવા દેશમાં જવું છે કે જેના સંબંધો અમેરિકા સાથે ફ્રેન્ડલી હોય તો મારે કહેવું પડ્યું કે ફલોરિડા જઈએ. ત્યાં જ આપણને ફ્રેન્ડલી આવકાર મળવાની શક્યતા છે. જો યુરોપ અને મિડલ ઈસ્ટમાં જવું હોય તો અમેરિકન પાસપોર્ટ કરતાં તારી સાડી વધુ કામ લાગશે. અમારા ઘરમાં દર વરસે વેકેશનમાં ક્યાં જવું એની ચર્ચા થાય છે. છેવટે કાંઈ ન સૂઝે તો સારે જહાંસે અચ્છામાં પહોંચી જઈએ છીએ. પરંતુ ઈન્ડિયા જવું એ વેકેશન નથી. એડવેન્ચર છે. જ્યાં શું કરવું એના કરતાં, શું ન કરવું એનું લિસ્ટ લાંબુ હોય છે. હું કહું છું કે ઈન્ડિયા જઈએ છીએ ત્યારે બે વખતે આનંદ આવે છે. જ્યારે પ્લેન લેન્ડ થાય છે ત્યારે અને જ્યારે પ્લેન ટેક ઑફ કરે લે છે ત્યારે. ઘણી વખત વેકેશનમાં એટલા થાકી જઈએ છીએ કે ઘેર આવીને વરસ આરામ કરવો પડે છે.
અમદાવાદમાં બે સ્થળો વચ્ચેનું અંતર પૈસામાં દર્શાવાય છે. ‘તમારે અમારે ત્યાં આવવું હોય તો તમારે ત્યાંથી પચાસ રૂપિયાની રિક્ષા પડશે.’ જ્યારે અમેરિકામાં અંતર સમયમાં ગણાય છે. ‘તમારાથી અમે એક કલાક દૂર છીએ.’ મજાની વાત એ છે કે કોઈને અંતર કેટલા કિલોમીટરનું છે એની ખબર નથી. પરદેશ જવા માટે પ્લેનની મુસાફરીમાં તો પૈસા અને સમય બન્નેની ગણતરી થાય છે. આપણે ઓછામાં ઓછા સમયમાં પહોંચાડનાર એરલાઈન્સ પસંદ કરીએ છીએ. દુ:ખની વાત એ છે કે તેમાં એરપોર્ટ પર પહોંચવાના કલાકો, એરપોર્ટ ઉપર બેસી રહેવાના કલાકો તથા ઊતર્યા પછી ઘેર જવાના ટ્રાફિકના કલાકો ગણવાના ભૂલી જઈએ છીએ. એ વાત કૉફીમાં સુગર સબ્સ્ટિટ્યૂટ ઈકવલ વાપરીને સાથે મીઠાઈ ખાવા બરાબર છે.
તેમાં જો કોઈ ગ્રુપમાં ટુર લેવાની હોય તો જમણ પણ ગણવું પડે. પાંચસો જાતની બ્રેડના શહેર પેરિસમાં ખીચડી ન મળે તો મહાઉપાધિ અને બસો જાતના ચીઝના દેશ બેલ્જિયમમાં કાંદા-લસણ વિનાનું જમણ ન મળે તો આ જન્મારો બગડે. અમારા એક મિત્ર જે વીસ વરસથી અમેરિકા રહે છે તેમણે હજુ સુધી પેરિસ કે રોમ નથી જોયું, કારણ કે એમને ઘરની ખીચડી જ ભાવે છે. અને પરદેશમાં, ઘરના જેવા ભોજનની કોઈ ટ્રાવેલ એજન્ટ ગેરન્ટી નથી આપતો.
આ મુસાફરી કોણે કરવાની છે ? સ્ત્રીએ કે પુરુષે ? તો લગેજનું વિચારવાનું રહ્યું. પુરુષ કેટલા દિવસની મુસાફરી છે તે વિચારીને કપડાં અને બીજો સામાન લેશે. સ્ત્રીઓને એ ગણિત ન ફાવે. સ્ત્રીઓ ખૂબ સમજદાર હોય છે. જ્યારે પોતાની બેગ પૅક કરે તો બધી જાતના વિચાર કરીને પૅક કરે છે. ધારો કે ધરતીકંપ થાય અને સાડી પર ચા ઢોળાય અને સાડી બગડે તો ? તેથી બીજી એ જ જાતની અને એ જ કલરની સાડી લેવી જરૂરી છે. પછી ભલેને સાડીઓ પાછી લાવવી પડે. પેરિસમાં પહેરેલી સાડી તે કાંઈ રોમમાં પહેરાય ? અને એફિલ ટાવર પર પહેરેલાં સેંડલ ફરીથી પહેરીને વૅટિકન સીટીમાં જઈએ અને કોઈ આપણને એના એ સેંડલ પહેરેલાં જુએ તો ? કોઈ શું વિચારે એ વિચારથી જ મરવા જેવું લાગે ! ધારો કે રોમમાં કે દિલ્હીમાં ‘સુનામી’ આવે અથવા વરસાદ પડે અને પહેરેલાં સેંડલ તણાઈ જાય તો ? બેક અપમાં એવાં જ સેંડલની બીજી જોડ સાથે રાખવી જરૂરી છે. એવા વરસાદ કાયમ હોય છે. એટલે બે દિવસની મુસાફરી હોય તોય પાંચ-છ જોડી સેંડલ અને સ્નિકર્સ હોવાં જરૂરી છે. ન કરે નારાયણ અને આપણે બૂટ-ચંપલ વિનાના થઈ જઈએ તો ? એ ન પરવડે.
પુરુષને એકનાં એક કપડાં આખો દિવસ ચાલે. સ્ત્રીને જુદા જુદા પ્રસંગ પર જુદાં જુદાં વસ્ત્રો જોઈએ. મતલબ કે મુસાફરીમાં દિવસની ત્રણ જોડ તો જોઈએ જ. અને ત્રણ દિવસની મુસાફરી હોય તો ઓછામાં ઓછી નવ જોડ કપડાં જોઈએ અને બીજી ત્રણ જોડ એક્સ્ટ્રા, મુસાફરીમાં વાપર્યા વિના ઘેર પાછી લાવવા માટે. સાથે કપડાં લઈ જઈએ તો પહેરવાં જ પડે એવું કાંઈ જરૂરી નથી. મને ખાતરી છે કે જ્યારે સીતાજી ભગવાન રામ સાથે વનમાં જવા તૈયાર થયાં હશે ત્યારે તેમણે આગલી રાતે છ બેગો તૈયાર કરી હશે. જે જોઈને લક્ષ્મણે કૈકેયીને કમ્પ્લેઈન કરી હશે કે માતાજી, અમારે પહેરેલ વસ્ત્રે વનમાં જવાની શરત કરો નહીં તો સજા તમે રામને કરી છે અને સીતાજીનો સામાન ઊંચકી ઊંચકીને હું તમારી સજાનો ભોગ બનીશ. કોક ડાહ્યા માણસે કહ્યું છે કે જ્યારે તમે લાંબા પ્રવાસે જાઓ તો બેગમાં એક બાજુ સાથે લઈ જવાનાં કપડાં મૂકવાનાં અને બીજી બાજુ સાથે લઈ જવાના પૈસા મૂકવાના. હવે જેટલાં કપડાં છે તેને અડધાં કરો અને જેટલા પૈસા છે તેને ડબલ કરો. હવે ટ્રિપની તૈયારી કરો.
નાનપણમાં મારી બા સાથે વેકેશનમાં રાજપીપળાથી મારે મોસાળ, છોટા ઉદેપુર જતાં ત્યારે અમારા લગેજમાં પાણીનો કુંજો અને નાસ્તાનો પિત્તળનો ડબ્બો પણ ભેગો સાથે ઉમેરાતો. હવે મારી બા શુકન-અપશુકનમાં માનતી. એટલે અઠવાડિયા પહેલાં સારા શુકનમાં બેગમાં એક કપડું મૂકી દેવાનું. પછી પ્રવાસને દિવસે સારા શુકનમાં ચોઘડિયાં પ્રમાણે પસ્તાની એક બેગ ઘરની બહાર ગોઠવી દેવાની. પછી ભલેને બપોરની ટ્રેન હોય. નીકળતી વખતે મારા મિત્ર સવાઈ દરજીને કહેવામાં આવે કે ગમે ત્યાંથી ગાય શોધી કાઢ અને એને મારતો મારતો લાવી અમારા ઘર પાસે દોડાવ. જેથી અમે ગાયના શુકને ઘર છોડી શકીએ. સામાનમાં પાંચ-સાત દાગીના થતા. દરેક જગ્યાએ સમાન ઊંચકવા મજૂર મળતા, પરંતુ સામાન ગણવાની જવાબદારી મારી હતી. આજે વિચારું છું તો નવાઈ લાગે છે એ મુસાફરીની. સિત્તેર-એંસી કિલોમીટરની મુસાફરીમાં આખો દિવસ જતો. તેમાં રાજપીપળાથી પોઈચા સુધી બસમાં. પોઈચાથી નર્મદા નદીની હોડીઓ સુધી ચાલવાનું. હોડીમાં નર્મદા પાર કરીને ચાંદોદ સ્ટેશને પહોંચવા ગામમાં ચાલવાનું. ચાંદોદથી ટ્રેનમાં ડભોઈ અને ડભોઈ જંક્શન પર ભગવાન જાણે કેટલો વખત પડી રહેતા. ખાતા, ઊંઘતા, રમતા, કંટાળતા અને ટ્રેન માટે, બાનો જીવ લેતા. સાંભળ્યું છે કે આજે મુસાફરી હવે નર્મદા પર બંધાયેલા પુલને કારણે બે-ત્રણ કલાકમાં પતે છે. હા, હવે સમય બચે, પરંતુ પેલી આખા દિવસની મુસાફરીની મજા ક્યાં ?
યુરોપની સાથે સાથે, હવે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલૅન્ડ, રશિયા, ચાઈના પણ વૅકેશનના લિસ્ટમાં ઉમેરાયાં છે. કોલંબસની જેમ એકલા ફરવા જવાની મજા છે, પરંતુ કોલંબસની જેમ ભટકવું પડે. એકલા ફરવા ગયા હોઈએ તો દિવસનો મોટો ભાગ જગ્યાઓની પૂછતાછમાં જાય. તે ઉપરાંત વેજિટેરિયન વાનગીઓ શોધવામાં જાય અને જેટલો સમય બચે તેમાં ભૂખ્યા પેટે રઝળપાટનો થાક ઉતારવાનો. અને લિસ્ટમાં ન હોય એવાં સ્થળોની મુલાકાત લેવાય, કારણ કે ખોટી ટ્રેન કે બસ પકડી હોય. ગ્રુપમાં ગયા હોઈએ તો સારો એવો સમય બચે. અને જ્યારે આપણને કોઈ મુસીબત પડે તો બીજા પણ દુ:ખી થાય છે એનો સંતોષ રહે. હવે આ જુદી જુદી ટુર એજન્સીઓ વચ્ચે ગ્રાહકો મેળવવાની હરીફાઈઓ થાય છે. દરેક એજન્સી પોતાના ટુરના પેકેજને લોભામણા બનાવવા પ્રયત્નો કરશે. એક કંપની તમને પેરિસમાં ખીચડી-કઢી આપશે તો બીજી કંપની ખીચડી-કઢી અને વેઢમી આપશે. આમાં અમેરિકામાં એવા ગુજરાતીઓ છે કે જેમાં મિત્રો વચ્ચે હરીફાઈ થાય. એક જણ જો અલાસ્કા જશે તો એમનો ઓળખીતો બીજા વરસે વાઈ ફરવા જતો હશે તે કેન્સલ કરીને પોતે અલાસ્કા જશે. મારા એક મિત્રએ એટલી મુસાફરી કરી છે કે દર વખતે મુસાફરીના માઈલોનો ટોટલ આપણને કહ્યા કરશે. એમના હિસાબે તેમણે પૃથ્વીની પ્રદક્ષિણા બે વાર કરી છે. આવા લોકોએ જ આ ટ્રાવેલ એજન્સીઓને ચઢાવી મૂકી છે. એક કંપની તમને પાંચ દિવસમાં ત્રણ દેશ બતાવશે તો બીજી કંપની ત્રણ દિવસમાં પાંચ દેશ બતાવશે. એ તમને બતાવશે જરૂર. તમને દેખાય કે ન દેખાય એ તમારી જવાબદારી.
અમે ફ્રાંસથી બપોરે એક વાગ્યે બસમાં નીકળ્યા રોટરડેમ (હોલેન્ડ) જવા. વચ્ચે મને ઝોકું આવી ગયું. જ્યારે આંખ ખૂલી ત્યારે બહાર પવનચક્કીઓ દેખાવા લાગી. પત્નીને પૂછ્યું : ‘હોલેન્ડ જેવું લાગે છે. નહીં ?’
પત્ની કહે : ‘હા, હોલેન્ડ છે.’
‘તો પછી બેલ્જિયમ દેશ તો વચ્ચે આવ્યો નહીં.’
પત્ની બોલી : ‘બેલ્જિયમમાંથી બસ પસાર થઈ ત્યારે તું ઊંઘતો હતો.’
‘ઉઠાડવો હતોને મને !’ મેં કહ્યું.
‘મને જ નહોતી ખબર. પરંતુ જ્યારે હોલેન્ડ આવ્યું, ત્યારે ટુર ગાઈડે જાહેર કર્યું કે આપણે બેલ્જિયમ વટાવી હોલેન્ડમાં પ્રવેશ્યા છીએ ત્યારે મને ખબર પડી.’
અમારા ટુરના પેકેજમાં બેલ્જિયમ બતાવીશું એમ હતું. હું ઊંઘતો હતો ત્યારે ટુર ગાઈડે બિચારાએ બતાવી દીધું હતું. હવે મેં ન જોયું એમાં કોનો વાંક ? આ વાતોનો નિચોડ એટલો જ કે ન્યુજર્સી પાછા આવ્યા પછી ઘરે બેઠાં બેઠાં, એકે મટકું માર્યા સિવાય ટીવી સામે બેસીને બેલ્જિયમ જોયું. નવાઈની વાત એ કે એક દિવસના ત્રણ દેશ જોવા કરતાં ઘેર બેસીને ટીવી જોવામાં ઓછો થાક લાગે. એટલે આ વરસે ભલું આપણું ન્યુજર્સી.
Print This Article
·
Save this article As PDF
“અમદાવાદમાં બે સ્થળો વચ્ચેનું અંતર પૈસામાં દર્શાવાય છે. ‘તમારે અમારે ત્યાં આવવું હોય તો તમારે ત્યાંથી પચાસ રૂપિયાની રિક્ષા પડશે.’ જ્યારે અમેરિકામાં અંતર સમયમાં ગણાય છે. ‘તમારાથી અમે એક કલાક દૂર છીએ.’ મજાની વાત એ છે કે કોઈને અંતર કેટલા કિલોમીટરનું છે એની ખબર નથી.”
કારણકે અમદાવાદમાં પોતાની ગાડી કાઢવી અને અમેરિકામા કૅબમા જવુ સામાન્ય વાત નથી.
વાહનભીડ (ટ્રાફિકજામ) નો સમય અમદાવાદમા ગણવો પણ પડે.
એટલે જ અંતર કેટલા કિલોમીટરનું છે એ જાણવાનો કોઇ અર્થ સરતો નથી. 🙂
હરનિશ જાનીની હાસ્ય-વ્યંગ રચનાઓ એક અનોખી જ ભાત પાડે છે. પરદેશમાં રહીને નોંધપાત્ર ગુજરાતી સાહિત્ય-પ્રદાન કરનાર લેખકોની વાત કરીએ ત્યારે એમનું નામ ખાસ લેવું જ પડે. એમના પુસ્તક અને એમના વિશે ટૂંકામાં જાણવું હોય તો આ લિન્કના રસ્તે સડસડાટ ઉપડી જાવ:
http://layastaro.com/?p=879
હરનિશભાઈની પરદેશ સફર જે અંતે “ધરતીનો છેડો ઘર” મા પુરી થઈ તે વાક્યે વાક્યે સુક્ષ્મ રમુજ પેદા કરતી રહી અને બીજી તરફ વિચારતા પણ રહેવાય કે સફર રાજપિપળાથી છોટા ઉદેપુર પાણીના કુંજા અને પિત્તળના નાસ્તાના ડબ્બા સાથેની હોય કે યુરોપ,બેલ્જીયમ,અલાસ્કા(નામતો ઘણા છે)ની પેલી સીતાની ૬ બેગો વાળી હોય…મુળ વાત નિજાનંદની છે. નારેશ્વરના નિરાળા નર્મદાકીનારે જે મળે તેજ એફીલ ટાવરની ટોચ પર મળશે તેની કોઈ ગેરંટીતો નથીજ છતા ભાઈ હઈસો..હઈસો…( જો કે સ્ત્રીની સૌદર્ય અને એટીકેટની અકારણ સભાનતા પર તેમનો વ્યંગ કઈક જુદુ જ કહી જાય છે.)
મારો સન હજુ ગયા વર્ષની મધ્યમાજ વડોદરાથી ન્યુજર્સી આવ્યો. બરોડાથી ફોન મા કાકાએ પુછ્યુ કે “બેટા ક્રિસમસ વેકેશનમા ક્યા ફરવા ગયો હતો?” તેણે ઠાઠથી અને પુરેપુરા જુસ્સાથી જવાબ આપ્યોકે “લે કાકા તમને ખબર નથી હુ તો ઇન્ડીયાથી અમેરીકા પ્લેનમા આવ્યો…. ” ટુંકમા તેનો પ્લેનની પ્રથમ મુસાફરીનો નશો આઠ-દસ મહીના છતા ઉતર્યો ન હતો અને અમે કારણ વગર ગિલ્ટી ફિલ કરતા હતા કે “બિચારાને અમેરીકાની પ્રથમ ક્રિસમસમા કશે બહાર ના લઈ ગયા કારણકે હરનિશભાઈએ કહ્યુ તેમ જી.પી.એસ.ના સહારે કોલંબસની જેમ અમેરિકામા બીજુ અમેરીકા શોધવાની તૈયારી હજી અમારી ન હતી.
એની વે…. સવાર સવારમા શબ્દો દ્વારા લાં……બી સફરની એટલીજ લાંબી મજા આવી
ચાલીસ વર્ષો કરતા પણ પહેલાં આવેલા હરનીશભાઈને અમારા જેવી સુગમતા તો નહીં રહી હોય! તેમાં ગુજરાતી ભાષામાં અઘરો ગણાતો હાસ્ય-વ્યંગથી લખાણો લખવા તે સિધ્ધી છે.તે જમાનાંના કેટલાકને ફરીઆદ કરતા કે હતાશાવાળા જોયાં છે.તેઓ કદાચ તેમના અનુભવોને તકલીફોમાં હાસ્ય
જોઈ વધુ સારી રીતે ટક્કર ઝીલી શક્યા હશૅ!
અમે તો આ વ્યંગ અનુભવ્યો છે-અનુભવીએ છીએ તેથી લેખ વાંચવાની વધુ મઝા આવી.
તેમની સ્ત્રીઓને અક્કલવગરની ચીતરી વ્યંગ કરવાની પધ્ધતી જેવી કે…”બીજી એ જ જાતની અને એ જ કલરની સાડી લેવી જરૂરી છે. પછી ભલેને સાડીઓ પાછી લાવવી પડે. પેરિસમાં પહેરેલી સાડી તે કાંઈ રોમમાં પહેરાય ? અને એફિલ ટાવર પર પહેરેલાં સેંડલ ફરીથી પહેરીને વૅટિકન સીટીમાં જઈએ અને કોઈ આપણને એના એ સેંડલ પહેરેલાં જુએ તો ? કોઈ શું વિચારે એ વિચારથી જ મરવા જેવું લાગે ! ધારો કે રોમમાં કે દિલ્હીમાં ‘સુનામી’ આવે અથવા વરસાદ પડે અને પહેરેલાં સેંડલ તણાઈ જાય તો ? બેક અપમાં એવાં જ સેંડલની બીજી જોડ સાથે રાખવી જરૂરી છે. એવા વરસાદ કાયમ હોય છે. એટલે બે દિવસની મુસાફરી હોય તોય પાંચ-છ જોડી સેંડલ અને સ્નિકર્સ હોવાં જરૂરી છે.” …બદલે તો …?
લગે રહો હરનિશભાઈ. ખુબ મઝા આવી.
very nice, love it
અમેરીકા આવ્યાને દસ વરસ થયાં છતાં ન્યુયોક્ર જોયું નહોતું.અમે ફિલાડેલફિયાથી ન્યુયોક્ર પેકેજ ટુરમાં ગયા હતા.સ્ટેચ્યુ ઓફ લિબટી જોવાનું મળશે એનો ખુબ જ આનંદ હતો.પણ જાણીતા સ્થળોની સાથે સાથે સ્ટીમરમાંથી દુરથી જ સ્ટેચ્યુ ઓફ લિબટી બતાવી દીધુ.મારા પતિ કહે, ‘પેલું પુતળું જોવા તો ગયા જ નહિ’. બાજુવાળા કાકા કહે,’આ તો અમેરિકા છે ભાઈ!હથેળીમાં તારા બતાવે–!!!!—બેલ્જિયમ ઊંધમાં ગયું અને સ્ટેચ્યુ સા–મ–મે —!!!હા–હા
રસપ્રદ હાસ્ય અને કટાક્ષ … મજાનો લેખ..
Nice
The story reminded me the beauti of Chhotaudepurt and “Bapu ni Gadi”, Sayajirao’s narrow gauge train. I travelled a lot between Bodeli, Dabhoi and Chhotaudepur.
આજે રાજપીપળા થી પોઇચા નુ વર્ણન વાંચી ને ફરી થી ઘર યાદ આવી ગયુ…….. thanks a lot for giving tht reference……….
Krunal Choksi
Rajpipla…..
ઘર યાદ કરાવેી દેીધુ ભાઇ. ખુબ મજા આવેી.
ઓ ત્તારી અમારા ઘર ની વાત તમને કેમ ની ખબર?