મનને શાંત રાખવાની કળા (ભાગ-1) – જ્યોતિ થાનકી

[ થોડા સમય પહેલાં શ્રી કનૈયાલાલ મુનશીના એક પુસ્તકમાંથી મહર્ષિ અરવિંદના પૉંડિચેરી આશ્રમ વિશેની તેમની મુલાકાતનો લેખ વાંચવાનું થયું (જો કે તે લેખ હજી રીડગુજરાતી પર મુકવાનો બાકી છે) અને તેની સાથે જ શ્રી અરવિંદના વડોદરા આશ્રમની મુલાકાત લેવાની ઈચ્છા થઈ આવી. તે ઈચ્છાના અમલીકરણરૂપે ત્યાંથી મળ્યું એક અત્યંત સુંદર પુસ્તક ‘જીવન જીવવાની કલા’. જ્યોતિબેનના હસ્તે લખાયેલું આ પુસ્તક શ્રી અરવિંદ આશ્રમના શ્રીમાતાજીના જીવન વિશેના ચિંતન અને વિચારોને ખૂબ જ સુંદર રૂપે રજૂ કરે છે. જો તમે કોઈ એવા પુસ્તકની શોધમાં હોવ કે જે તમારા વ્યક્તિત્વને, વિચારને અને જીવનને સંપૂર્ણપણે બદલી શકે, તો તમારી શોધ પૂરી થઈ છે તેમ માનજો. ખૂબ જ ટૂંકા ગાળામાં જેની છ આવૃત્તિઓ થઈ ગઈ છે તેવા આ પુસ્તકની નકલો ખલાસ થઈ જાય તે પહેલા સત્વરે મેળવી લેશો. સામાન્ય જીવનથી કંઈક ઉચ્ચજીવન જીવવાની અને માનવીયગુણોને શોભાવવાની પ્રેરણા આપતા આ પુસ્તકની વિગતો આ લેખના અંતે આપવામાં આવી છે. તેમાંનું એક પ્રકરણ આપણે બે ભાગમાં માણીશું. વધારે તો શું કહું, મારા કેટલાક પ્રિય પુસ્તકોમાં આ પુસ્તકે ખૂબ જ ત્વરિત સ્થાન મેળવી લીધું છે ! – તંત્રી.]

વર્તમાન સમયમાં જે પ્રકારની માનવચેતના કામ કરી રહી છે તેમાં મન જ સર્વોપરી છે. મન દ્વારા જ મનુષ્યનાં સઘળાં કાર્યો થાય છે. આ મનને સમજવા માટે, તેની ક્રિયા, પ્રક્રિયાઓને જાણવા માટે, તેના અતલ ઊંડાણોને પામવા માટે અને તેની ચંચળતાને નાથવા માટે આજ સુધી અનેક લોકોએ અનેક રીતે પ્રયત્નો કર્યા છે. છતાં એમને એમાં સંપૂર્ણ સફળતા મળી નથી. મનોવૈજ્ઞાનિકોએ મનને સમજવા માટે ઘણા સિદ્ધાંતો વિકસાવ્યા છે. છતાં એ સિદ્ધાંતો દ્વારા મનની ચંચળતા પર અંકુશ મૂકી શકાતો નથી. આપણા ઋષિ-મુનિઓએ ધ્યાન, ધારણા અને સમાધિ દ્વારા મનને શાંત કરી દેવાનો માર્ગ બતાવ્યો છે, પણ પછી એ માર્ગે જનારા પાછા સંસારમાં આવતા નથી. તેઓ જીવનમાં પાછા પ્રવેશતા નથી. આથી સામાન્ય માણસને માટે આ માર્ગ વ્યવહારુ બનતો નથી. આપણે તો રોજિંદા જીવનમાં મનને શાંત અને સ્વસ્થ બનાવે એવો માર્ગ જોઈએ છે. રોજિંદા જીવનમાં અનેક બાબતો મનને ક્ષુબ્ધ કરી દેતી હોય છે, ત્યારે મનને કેવી રીતે શાંત રાખવું ? દરેક પરિસ્થિતિમાં કેવી રીતે સ્વસ્થ રહેવું ? મનનાં સતત ચાલતાં ભ્રમણોને કેવી રીતે રોકવાં ? વિચારોની ચૂંગલમાંથી કેવી રીતે છૂટવું ? આ બધા રોજેરોજના જીવાતા જીવન સાથે જડાયેલા પ્રશ્નો છે. મનવાળા દરેક પ્રાણીના જીવનમાં આ પ્રશ્નો ઊઠતા જ રહેવાના. આ બધા પ્રશ્નોના શ્રી માતાજીએ વ્યવહારુ ઉકેલ આપ્યા છે. એ મુજબ જીવનની ગોઠવણી કરવામાં આવે તો જીવનની મથામણો, ગૂંચો અને વૈમનસ્યો સર્જાતાં નથી. તેના પરિણામે આ બધામાં નિરર્થક વેડફાઈ જતી શક્તિઓનો પોતાના વિકાસ માટે ઉપયોગ કરી માણસ ખૂબ ઝડપથી પ્રગતિ સાધી શકે છે.

આપણે થોડીકવાર પણ જો આપણા મનનું નિરીક્ષણ કરીએ તો એમાં કેટકેટલા માથામેળ વગરના વિચારો ઘૂમતા હોય છે. પાછી વિચારોની હારમાળા અવિરત ચાલુ જ હોય છે. એક ક્ષણ માટે પણ આપણું મન વિચાર કર્યા વગર રહી શકતું નથી. મનની સ્થિતિનું વર્ણન કરતાં શ્રી માતાજીએ જણાવ્યું હતું કે, ‘એ બજાર જેવું હોય છે, તેમાં વસ્તુઓ આવે છે, ગોળગોળ ફરે છે, ચારે બાજુ ઘૂમે છે, બહાર જાય છે, પાછી આવે છે, ઓળંગે છે અને કેટલીકવાર અથડાય છે. તે બિલકુલ બજાર જેવું હોય છે.’ જે રીતે બજારમાં વસ્તુઓ અને લોકોની અવરજવર અને ઘોંઘાટો સતત ચાલુ જ હોય છે એમ આપણા મનમાં પણ બધું જ ચાલતું રહે છે. થોડી ક્ષણો પણ આપણે જો આપણા મનની ભીતરમાં ડોકિયું કરીએ તો ખરેખર આપણને ત્રાસ થઈ જાય એવું બધું આપણા મનમાં ચાલતું હોય છે. મનમાં ચાલતી પ્રક્રિયાનું વર્ણન કરતાં શ્રી માતાજીએ બાળકોને જણાવ્યું હતું કે, ‘તમારા મગજમાં જે ચાલતું હોય, એની તમને યાદ આવે તો પણ ત્રાસ થઈ જાય એવું હોય છે. પેલા બધા વિચારો તમારા મસ્તિષ્કમાં એકબીજા સાથે અથડાતા હોય છે, નાચતા, કૂદતા અને રાસડા લેતા હોય છે, એ તો એક પાગલખાના જેવું હોય છે. જાણે તમે એક સાથે બધી બાજુએ દડા ફેંકી રહ્યા હો, તેના જેવું હોય છે.’

માણસના મનમાં શાંતિ કે નીરવતા હોતાં નથી. અસંખ્ય વિચારોના ભારથી માણસનું મગજ સતત દટાયેલું જ રહે છે. માણસને ખબર જ નથી પડતી કે તેના મનમાં આટલા બધા વિચારો ક્યાંથી આવે છે ? શું મન એ એવો અફાટ સમુદ્ર છે કે મોજાઓની માફક વિચારોની હારમાળા એક પછી એક ચાલુ જ રહે છે! અને પછી આ વિચારો ક્યાં જાય છે ? તે કેવી રીતે કાર્ય કરે છે ? આમાંની કોઈ પણ બાબતની માણસને ખબર પડતી નથી. તેથી તે વિચારો અનુસાર સુખદુ:ખના અનુભવ કર્યા કરે છે. શ્રીમાતાજી કહે છે કે, ‘આવા વિચારો તમારા મસ્તકમાં સતત ભટકાય છે અને તમારી અંદર પરિશ્રમ અને થાકની લાગણી જન્માવે છે. ત્યારે તમને એવું જણાય છે કે તમે અસંખ્ય વિરોધો વચ્ચે માર્ગ કાપી રહ્યાં છો.’ પરસ્પર અથડાતા વિચારોને પરિણામે માણસનું મગજ ભમી જાય છે. મન ચક્રાવે ચઢે છે. મગજ તો જાણે પરસ્પર વિરોધી વિચારોની યુદ્ધભૂમિ જેવું બની રહે છે. તેથી માણસના જીવનમાં ગૂંચવાડા, અવ્યવસ્થિતા અને વિસંવાદ સર્જાતા રહે છે. મનની આવી સ્થિતિમાં કોઈ કામ સારી રીતે થઈ શકતું નથી અને તેની અસર શરીર પર પણ થાય છે. તેથી શરીર પણ અસ્વસ્થ બની જાય છે. એવા શરીરમાં રોગોનો હુમલો પણ સહેલાઈથી થાય છે.

શ્રી માતાજી કહે છે : ‘ભૌતિક સ્વરૂપ – શરીરનું સ્વામી મન છે. શરીર એક નમ્ર આજ્ઞાપાલક સેવક છે. લોકોને પોતાના મનનો સદુપયોગ કરતાં તો નથી જ આવડતું પણ તેઓ તેનો દુરપયોગ જ કરે છે. અને તે પણ શક્ય તેટલી ખરાબ રીતનો. મન પાસે રૂપઘડતરની એક ભારે શક્તિ હોય છે અને એ શક્તિ શરીર ઉપર સીધે સીધું કામ કરે છે. પણ સામાન્ય રીતે લોકો એનો ઉપયોગ પોતાને માંદા પાડવા માટે કરતા હોય છે.’ માણસ થોડોક માંદો પડે એટલે એનું મન અનેક પ્રકારની શંકા-કુશંકાઓ કરવા માંડે છે. ‘મને આમ કેમ થયું ? હવે કોઈ પણ રીતે તે મટશે જ નહીં તો મારું શું થશે ? મનના આવા નિષેધાત્મક વલણને પરિણામે શરીરને સાજા થવામાં મુશ્કેલી પડે છે. શ્રી માતાજી કહે છે કે, ‘આવે વખતે જો તમે મનને આવી વિનાશક પ્રવૃત્તિ ન કરવા દેતાં તેની રૂપઘડતરની શક્તિને વધુ સહાયક નિર્માણના કાર્યમાં પ્રયોજો તો શરીર બહુ જ ઝડપથી સાજું થઈ જાય છે. દા..ત, તમે શરીરને વિશ્વાસ આપો અને કહો, ‘આ તો એક આવતી જતી સામાન્ય ગરબડ છે. એમાં કંઈ જ નથી.’ અને જો તમે શરીરમાં સાચી રીતની ગ્રહણશીલતા ઉત્પન્ન કરો તો જે ગરબડ થઈ હશે તે જેટલી સરળતાથી આવી હશે, એટલી જ સરળતાથી ચાલી જશે. જો તમને આ કરતાં આવડે તો એનાં પરિણામો અદ્દભુત આવે.’

પણ માણસનું મન સાચી દિશામાં વિચારો કરવાને બદલે ઊંધી જ દિશામાં વિચારો કરતું હોય છે. મનની આવી વિનાશક વિચારસરણી સૂક્ષ્મમાંથી અકસ્માતો, માંદગી અને અપ્રિય ઘટનાઓને આવકારતી રહે છે; પરંતુ આ જાણવા છતાંય માણસ પોતાની અંદર આવતા અનિષ્ટના, ભયના, શંકાના વિચારો પર કાબૂ રાખી શકતો નથી. ખરાબ વિચારો શા માટે આવે છે ? એ પ્રશ્નના ઉત્તરમાં શ્રી માતાજીએ જણાવ્યું હતું કે, ખરાબ વિચારો આવવા માટેનાં અનેક કારણો હોય છે. ખરાબ સ્વભાવ, ગંદી લાગણીઓ, બહારથી આવતાં સૂચનો પ્રત્યે ખુલ્લાપણું, અવચેતન સંસ્કારો આ બધાં ખરાબ વિચારો આવવા માટેનાં કારણો છે. સમગ્ર વાતાવરણ સારી-નરસી, તેજોમય-અંધકારમય, અનેક પ્રકારની વસ્તુઓથી ભરેલું છે. અને આપણે એમાં જ રહીએ છીએ. ‘ખરાબ વિચારો સર્વત્ર છે. તમે એની મધ્યમાં છો.’ આ સર્વત્ર ઘૂમતા રહેતા વિચારો આપણી અંદર પ્રવેશતા રહે છે અને આપણે એને તાબે થઈને પછી ચિંતાતુર બની જઈએ છીએ. વળી આ ખરાબ વિચારોને જેમ હાંકી કાઢવાનો આપણે પ્રયત્ન કરીએ તેમ તેઓ ફરી ફરીને આપણી અંદર બમણા વેગથી ધસી આવે છે. અને કેમેય આપણો પીછો છોડતા નથી. એમાં પણ ભય અને શંકાના વિચારો તો એકવાર મનમાં ઘૂસ્યા પછી કેમેય જતા નથી.

ઘણીવાર માણસના મનમાં બીજાઓનું અનિષ્ટ થાય તેવા વિચારો પણ ચાલતા હોય છે. આ વિષે શ્રીમાતાજીએ જણાવ્યું છે કે, ‘કોઈના માટે ખરાબ વિચાર કરવો એ ખરાબ કૃત્ય કરવા જેવું છે. ઘણા લોકો આ વસ્તુને જાણતા હોતા નથી; પરંતુ સાચ્ચે જ કોઈ માટેનો અશુભ વિચાર, અશુભ વ્યવહાર જેવો જ હોય છે. અને જો કોઈ વ્યક્તિ બીજાનું બુરું ઈચ્છે અને તેનું અહિત થાય તેવું વિચારે અને જો ખરેખર તેનું અહિત થાય તો તે માટે એ વ્યક્તિએ કોઈ કર્મથી એનું અહિત કર્યું હોય એટલી જ જવાબદારી અશુભ વિચાર દ્વારા થયેલા અહિતમાં રહેલી છે. પરંતુ કમભાગ્યે લોકો આવી વસ્તુઓમાં માનતા નથી અને એથી બીજા માટેના દુષ્ટ વિચારો કરતાં એમને કોઈ અટકાવતું નથી.’ માણસે હમેશાં પોતાના વિચારો પ્રત્યે જાગૃત રહેવું જોઈએ. કેમકે વિચારોમાં રૂપોનું સર્જન કરવાની શક્તિ રહેલી છે. માણસ જેવું વિચારતો હોય છે, તેના પરિણામરૂપે તે બનતો હોય છે. આથી ગમે તેવા વિચારો માણસે કરવા જોઈએ નહીં. શ્રી માતાજી કહે છે કે આપણા અસ્તિત્વના સર્જનનો વિનાશ કરે તેવા કોઈ પણ વિચારને આપણે અંદર દાખલ થવા દેવો જોઈએ નહીં. આપણે જે નથી બનવું તેના અસ્તિત્વની રચના આપણા વિચારમાં પણ કરવી જોઈએ નહીં. વિનાશકારી સૂચનોને, અસદ્દભાવના વિચારોને, ધિક્કારોને, હિંસાને આપણામાં પ્રવેશવા દેવા જોઈએ નહીં. કેમકે એનો વિચાર કરવાથી તેમને સિદ્ધ થવાની શક્તિ મળી જાય છે. આ તો કંઈ નહીં, ખાલી અમસ્તા વિચારો જ છે – એમ કહીને પણ માણસે પોતાની અંદર ખરાબ વિચારોને પ્રવેશવા દેવા જોઈએ નહીં. તે તો વિનાશનાં હથિયારો છે, જો તેમને વિનાશ ન કરવા દેવો હોય તો માણસે ખરાબ વિચાર પોતાનામાં દાખલ થવા ન દેવો જોઈએ.

ઘણી વખત માણસનું મન શાંત હોય છે. વિચારો એને સતાવતા હોવા નથી. પણ પછી એકાએક ક્યાંથી ઓચિંતો વિચારોનો એના પર હૂમલો ચઢી આવે છે. વિચારોનું ધસમસતું પૂર ઘેરી વળ્યું હોય એવું માણસ અનુભવે છે. આવા ઓચિંતા વિચારો ક્યાંથી ફૂટી નીકળ્યા હશે ? આ વિષેના એક પ્રશ્નના ઉત્તરમાં શ્રી માતાજીએ જણાવ્યું હતું કે, ‘બધા વિચારો માનસિક વાયુમંડળમાંથી આવે છે. જેમ આપણને માર્ગમાં કોઈ માણસ મળે તેમ વિચારો તમને મળતા હોય છે.’ આપણે બહાર હોઈએ ત્યારે રસ્તામાં તો આપણને અસંખ્ય માણસો મળતાં હોય છે. પણ આપણે કંઈ દરેક માણસની સામે જોતાં નથી. કેટલાકની નોંધ પણ લેતાં નથી. જેટલા લોકો આપણને ઓળખતા હોય છે, એમની સાથે જ આપણે ઓળખાણ પ્રમાણે ઓછી કે વધારે વાત કરીએ છીએ. વિચારોનું પણ એવું જ છે. અસંખ્ય વિચારોમાંથી એ જ વિચારો આપણી અંદર આવે છે, જેને આવકારતી કોઈ વસ્તુ આપણી અંદર હોય. શ્રી માતાજી કહે છે કે, ‘ખરાબ વિચારો આવે છે, તેનું કારણ એ કે તમારામાં કોઈક જગ્યાએ તેની સાથે સુસંગત એવું કશું હોય છે. નહીં તો તમે તેને પસાર થતા જોઈ શકો. પણ તે તમારામાં પ્રવેશ ન કરી શકે.’ એ જ રીતે માણસની અંદર જો ભય હોય તો જ બહારથી ભયના વિચારો તેની અંદર આવી શકે. માનસિક વાતાવરણ તો દરેક પ્રકારના વિચારોથી ખીચોખીચ ભરેલું છે; પરંતુ માણસની અંદર જે પ્રકારની વસ્તુઓ હોય એ પ્રકારના વિચારો જ એ વાતાવરણમાંથી એની અંદર ખેંચાઈ આવે છે અને માણસ એમ માને છે કે આ મારા વિચારો છે ! આ સંદર્ભમાં શ્રીમાતાજીએ બાળકોને કહ્યું હતું કે, ‘બીજા માણસોનો વિચાર અને પોતાનો વિચાર એવું કંઈ છે જ નહિ. કોઈપણ માણસમાં માત્ર પોતાના વિચારો હોતા જ નથી. એ અનેક વિચારોમાંથી પોતાની અંગત સમાનતા અનુસાર વિચારોને ખેંચી લેતો હોય છે.’

[ક્રમશ: – વધુ આવતી કાલે….]

[કુલ પાન : 72. કિંમત રૂ. 20. પુસ્તક પ્રાપ્તિ : શ્રી અરવિંદ મેમોરિયલ ટ્રસ્ટ. શ્રી અરવિંદ નિવાસ. દાંડિયાબજાર, વડોદરા. 390001. ફોન : +91-265-2418978.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એકલો – સુરેશ દલાલ
સાસુ નામે પ્રેમા – પિન્કી દલાલ Next »   

19 પ્રતિભાવો : મનને શાંત રાખવાની કળા (ભાગ-1) – જ્યોતિ થાનકી

 1. Maulik says:

  મન વિશે બીજી સારી પુસ્તક ના નામ …
  માનવી ના મન અને પ્રેરણા નુ ઝરાણુ

 2. ગાંડાભાઈ વલ્લભ says:

  બહુ જ ઉપયોગી લેખ છે. બીજા ભાગની આતુરતાથી રાહ જોઉં છું.
  હાર્દિક આભાર અને ધન્યવાદ.

  –ગાંડાભાઈ

 3. Jyoti says:

  બહુ જ અપનાવવા જેવો લેખ છે.
  બીજા ભાગની પ્રતિક્ષા મા………….

 4. avinash upadhyay says:

  વતન થી દુર રહેતા ગુજરાતી લોકો નિ બાલપણ ની યાદો તાજિ કરતી આ વેબસાઈટ ખરેખર સારી છે.
  જિનલ ઉપાદયાય.
  વડોદરા

 5. ભાવના શુક્લ says:

  સુંદર ચિંતનાત્મક લેખ.

 6. pragnaju says:

  સૌથી વધુ કોઈ વિષય પર મનન ચિંતન થયું હોય તો કદાચ “મન” પર.
  આ લેખ સહજતાથી-સરળતાથી મનને શાંત રાખવાની કળા સમજાવે છે
  માતાજીનું આ દર્શન-“માનસિક વાતાવરણ તો દરેક પ્રકારના વિચારોથી ખીચોખીચ ભરેલું છે; પરંતુ માણસની અંદર જે પ્રકારની વસ્તુઓ હોય એ પ્રકારના વિચારો જ એ વાતાવરણમાંથી એની અંદર ખેંચાઈ આવે છે” વારંવાર મનન કરવા જેવું છે—

 7. urmila says:

  Very good article – where can i get copy of માનવી ના મન અને પ્રેરણા નુ ઝરાણુ
  can anybody advise

 8. j. says:

  ૨ કરોડ રૂપિયા આપ્યે પણ ન મળે એવી વાચનસામગ્રી…

  “આ સંદર્ભમાં શ્રીમાતાજીએ બાળકોને કહ્યું હતું કે, ‘બીજા માણસોનો વિચાર અને પોતાનો વિચાર એવું કંઈ છે જ નહિ. કોઈપણ માણસમાં માત્ર પોતાના વિચારો હોતા જ નથી. એ અનેક વિચારોમાંથી પોતાની અંગત સમાનતા અનુસાર વિચારોને ખેંચી લેતો હોય છે.’…”

  ઇશ્વરના આશીર્વાદ વરસતાં રહે તેવી અભ્યર્થના ..

 9. pragna says:

  જ્યોતિબેન નો મન અને વિચારો વિશે નો આ લેખ ખરેખર મનનિય

 10. મનને શાન્ત રખવાનિ કલા –વાચતા આનન્દ થયો.
  સ્વસ્થતા માતે બહારનુ વાતાવરન અનુકુલ કરવુ પદે.
  તેનો રસ્તો આ લેખ બતાવી દે , જે અનુસરવા જેવુ.

 11. મનને શાન્ત રખવાનિ કલા –વાચતા આનન્દ થયો.
  સ્વસ્થતા માતે બહારનુ વાતાવરન અનુકુલ કરવુ પઙશે.
  તેનો રસ્તો આ લેખ બતાવી દે , જે અનુસરવા જેવુ છે.
  પ્રવિણાબેન પઙયા

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.