સાસુ નામે પ્રેમા – પિન્કી દલાલ

shatrupa saasu[‘સાસુ’ વિષય પર પુસ્તક ? જી હાં, ભલે તમારા માન્યમાં ન આવે પરંતુ મુંબઈ સમાચારના તંત્રી શ્રીમતી પિન્કીબહેન દલાલે સુપ્રસિદ્ધ સાહિત્યકારો વિવિધ ક્ષેત્રના અગ્રણીઓને લઈને ‘શતરૂપા સાસુજી’ નામનું એક સુંદર પુસ્તક ગુજરાતી સાહિત્યના ખોળે મૂક્યું છે જેમાં પ્રત્યેક સર્જકે પોતાના સાસુ વિશે અથવા તેમના જીવનપ્રસંગો વિશે વાતો અને ઘટનાઓ રજૂ કરી છે. વળી આ એક પક્ષીય નથી, એટલે કે પુરુષ વર્ગે પણ તેમાં એટલી જ સરળતા અને નિખાલસતાથી પોતાના સાસુ વિશે લખ્યું છે. આ પુસ્તકની વધુ વિગતો આ લેખના અંતે આપવમાં આવી છે. આ લેખ પર આપનો પ્રતિભાવ હરહંમેશની જેમ જણાવતા રહેશો. – તંત્રી ]

5 જૂન, 1980
વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા મુંબઈની ઉકળાટભરી ઢળતી સાંજ. મારા માટે થોડી વધુ ઉકળાટ અને ઉચાટભરી, કારણ કે ગણતરીના દિવસોમાં દીપક અને હું વેવિશાળથી વિધિવત્ જોડાવાનાં હતાં. વાત આમ તો બધી બરાબર લાગતી હતી, અરેન્જ્ડ્ મૅરેજને છાજે તેવી, પરંતુ મારા મનમાં અજંપો ભારે હતો. ઉંમર ત્યારે માંડ સત્તર વર્ષની. ફર્સ્ટ યર બી.કોમ માં ભણતી હતી અને ત્યારે દીપક ન્યુક્લિયર ફિઝિક્સમાં પોસ્ટ ગેજ્યુએશન કરી થોડાં વર્ષ વિજ્ઞાની તરીકે અજમાયશ કરી લીધા પછી પોતાનો સ્વતંત્ર બિઝનેસ કરતા હતા. મારી મમ્મીની ભાષામાં કહેવું હોય તો આવો સુખી ઘરનો, નાતનો જ ને વળી આટલો ભણેલો વેલસેટલ્ડ મુરતિયો મળે તે મારાં નસીબ જ કહેવાય. અને આ જ વાત હતી મારા અજંપાનું મૂળ કારણ.

મારું જ્ઞાન સુરતની ભૂગોળ પૂરતું અને દીપક એટલે લિવિંગ એન્સાઈક્લોપીડિયા. કોઈકે તો કહ્યું પણ ખરું કે સંસાર બે વર્ષ ચાલે તોય ઠીક, બાકી દીપકને બે મહિનામાં જ સમજાવાનું છે કે આ તો કોઈ ગામડિયણમાં ફસાયો… એ વાત ત્યારે મને જરાય ખોટી પણ લાગી નહોતી. એક ફોર્મલ મિટિંગ પછી બીજે દિવસે દીપકને મેં પાલવા પર ચાલતાં ચાલતાં કહ્યું : જેને જે માનવું હોય તે માને પણ મારે આ સંબંધમાં પડવું નથી. મારાં મમ્મી-પપ્પાને કહેવાની મારી હિંમત નથી એટલે જો તમે જ ના પાડી દો તો મારું કામ થઈ જાય. આ વાત થઈ પેલી ઉકળાટભરી સાંજે. વાત સાંભળીને દીપકને શું લાગ્યું હશે એ તો તેમણે મને ક્યારેય કહ્યું નહોતું પણ મને કહે; ચાલ, તું આ વાત મારી મમ્મીને જ કહેજે. તને ખોટી સલાહ નહીં આપે. બસ ??

પાલવાથી ઘેર આવ્યા ત્યારે જોયું ઘર તો મહેમાનોથી હાઉસફૂલ ! મેં દીપકનાં મમ્મીને કહ્યું મારે જરા વાત કરવી છે. મમ્મી તરત આવ્યાં. મેં ગભરાયા વિના કહી દીધું જે મારા મનમાં હતું. જવાબમાં મમ્મીએ બોલવાને બદલે માત્ર એક સ્મિત ફરકાવ્યું. તે સ્મિત મને ત્યારે કદાચ એટલું મીઠું નહોતું લાગ્યું જેવું આજે મને સાંભરતાં લાગે છે. સ્વરમાં કોઈ આરોહ-અવરોહ વિના મમ્મી કહે : અરે ! પાત્રતા તો કેળવવી પડે. તું ત્યાં ભણે છે, પરણીને અહીંથી આગળ ભણજે. લગ્ન એટલે ભણવાનું બંધ એવું કોણે કહ્યું ? માત્ર આ બે જ વાક્ય. પછી કહે, ચાલ, બહાર, જો ઘરમાં કેટલાં મહેમાનો છે ! બસ, મારી વાતનો, રદિયાનો સમૂળગો છેદ જ ઊડી ગયો. તે વખતે મને લાગતું હતું કે વાત ટાળવા તેમણે આગળ ભણવાની પરવાનગી આપી દીધી હશે. પરંતુ, ખરેખર એવું નહોતું. મારે આગળ ભણવાનું પૂરું કરવું જ તેવો આગ્રહ તેમનો જ રહ્યો હતો.

અને કેમ ન હોય ? પોતાના સમયમાં એટલે કે 55 વર્ષ પૂર્વે બી.એ., બી.એડ. થઈ શિક્ષિકા રહેનાર, ચુસ્ત ગાંધીવાદી વિચારધારામાં માનનાર કુટુંબની કન્યા પોતે સાસુ થાય એટલે સાસુપણું અખત્યાર ન કરે એ વાત અતિશયોક્તિભરી તો લાગે જ ને ! આ સંભારણાં છે પૂરાં 26 વર્ષ પૂર્વેનાં.
હું ક્યારેય એવો દાવો ન કરી શકું કે સાસુ-વહુ વચ્ચે સંબંધ ગોળના ગાડા જેવો જ રહે છે. સાથે સાથે સાસુ-વહુના સંબંધોને લવણ કે મરચાંની તોલે પણ ન તોલાય. શિષ્ટાચારના દંભને પોંખ્યા વિના નિખાલસ સરવૈયું માંડતાં જોઉં છું 1981થી 2006નો સમયગાળો.

બે પીઢી વચ્ચેના અઢી દાયકા. પ્રમિલા દલાલ અને પિન્કી દલાલ. સરખી નામ-રાશિવાળાં સાસુ-વહુ ક્યારેય ઝઘડતાં નથી તેવું જ્યોતિષીઓ ભલે કહે, વાતમાં ઝાઝો માલ નથી. આ અઢી દાયકા બંને પેઢી વચ્ચે તમામ રસ ધરાવતાં પસાર થયાં છે. મમ્મી ગાંધીવાદી કુટુંબમાંથી આવતાં હોવાથી તેમની સ્વચ્છતા, સમયની પાબંદી અને નિયમોની ચુસ્તતા અંદાજી લેવાની…. અને હું ? આપણે તો મૂળ સુરતના. સુરતની વિલાસપ્રિયતા અણુઅણુમાં વ્યાપ્ત. સવારે વહેલા ઉઠાય જ નહીં. મમ્મીનો નિયમ રોજ સવારે રસોડામાં જાતે સફાઈ કરવાનો. સવારે 6.30ના ટકોરે મમ્મી રસોડામાં. ઘરમાં નોકર, ચાકર હોવા છતાં જાતે જ રસોડાનો કચરો કાઢવાનો. એટલું જ નહીં જાળાં ન બાઝે એટલે દરેક કોર્નરમાં ઝાડું ફેરવવાનું. મારો નમ્ર પ્રશ્ન એટલો જ કે કરોળિયા કંઈ રોજ થોડાં જાળાં બાંધે ? બે-ત્રણ દિવસના આંતરે આ વ્યાયામ ન કરી શકાય ? ઝાડું ફેરવતાં ફેરવતાં મમ્મી ઉત્તર આપે : કરોળિયા જાળાં કહીને બાંધશે ? વાત વળી જાળાંથી ન પતે. ઘરનોકર અને મહારાજ હોવા છતાં ચા, દૂધ પણ જાતે જ કરવાનાં. એટલું જ નહીં, દૂધ ગરમ કરીને બધા માટે ગ્લાસ ધોઈને ભરીને ઢાંકીને મૂકવાથી માંડી કૂકર માટે દાળ, ચોખા જાતે જ કાઢી, ધોઈ, પલાળીને મૂકવાનાં. શાક પણ સરસ રીતે ધોવાનું (જાતે જ).
‘માણસને તો શું પડી હોય ?’ એ મમ્મીનો સ્ટાન્ડર્ડ ઉત્તર.
‘હે ભગવાન !’ એ મારો પ્રત્યુત્તર.

ઘીની વાડકી હોય, રસોડામાં વપરાતાં નેપ્કીન હોય કે દાળ, કઠોળની બરણીઓ કે પછી મસાલાનો ડબ્બો… જો જરા ડાઘાડૂઘી કે ચીકાશ રહી ગયા તો થયું…. જમ્યા પછી ઢાંકોઢૂંબો કરતી વખતે ઘીની વાડકી એવી રીતે લૂછવાની કે મોઢું જોવું હોય તો અરીસાનું કામ કરે.
એક વાર મારા ભાગે લોટ બાંધવાનું કામ આવ્યું. કણક બંધાઈ ગઈ એટલે મમ્મી પૂછે : ‘બંધાઈ ગઈ કણક ? મેં કહ્યું…હાસ્તો !
કહે : તે આ કથરોટમાં ચારે બાજુ લોટ ચોંટ્યો છે, તેનું શું ? લોટ આમ બંધાય ? કણક એવી રીતે બંધાવી જોઈએ કે કથરોટમાં લોટ કાઢ્યો હોય તેની નિશાની સુદ્ધાં ન રહે…. તે વખતે મારી રીસ કહો કે ચીડ કે ગુસ્સો એવા ચરમસીમાએ હતાં કે મને લાગેલું કે જો હું સોડાવૉટરની બૉટલ હોત તો સિલિંગે અથડાઈ હોતે. પણ, આ તો હતાં મારાં પ્રાથમિક વર્ષો, શિસ્ત, સ્વચ્છતા, શિષ્ટતાના પાઠ ભણવાના દિવસો. જે કદાચ મારી કિશોરાવસ્થાની અલ્લડતા અને મમ્મી-પપ્પાના લાડને કારણે પિયરમાં ભણવા મળ્યા નહોતા.

અલબત્ત, જો મારા દિવસો અલ્લડતામાં કાઢ્યા હોય એટલે કામમાં રસરૂચિ નહીં એવું બહાનું કાઢવાનું શક્ય જ નહીં, કારણ કે મમ્મીએ તો પોતે પણ સાસરે આવ્યા પૂર્વે રસોડામાં પગ નહોતો મૂક્યો. આજથી સાડા પાંચ દાયકા પૂર્વેની આ વાત કોઈ માની શકે ખરું ? પણ હા, મમ્મીના પપ્પા એટલે કે નાનાજી તો સ્વભાવે અડધા અંગ્રેજ. બાકી પછી રંગાઈ ગયા ગાંધીગીરીથી. અમદાવાદના ઝવેરીવાડનું ઘર છોડીને, ઝવેરાતનો ધીકતો ધંધો છોડીને ગાંધી આશ્રમ સાથે જોડાયા. જેલમાં ગયા. એ પછી છેલ્લે વારો આવ્યો મુંબઈમાં સેટલ થવાનો. સૌ તેમને ‘બાપાજી’ તરીકે સંબોધે. બાપાજી સ્ત્રીશિક્ષણના હિમાયતી જ નહીં, સ્ત્રીસ્વતંત્ર્યના પણ કટ્ટર હિમાયતી એટલે ત્રણ દીકરીઓને નથી જ પરણાવવી એવી કંઈક આઈડિયોલૉજી. ત્રણેય દીકરીને ભણાવવા ઉપરાંત સંગીત અને દેશસેવા માટે કામ કરવા પ્રોત્સાહન પણ ખૂબ આપ્યું. વાસ્તવિકતા તો એ હતી કે જ્યારે બાપાજીએ જાણ્યું કે મમ્મીએ લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે ત્યારે તેમને ભારે દુ:ખ થયેલું, મમ્મી પોતે સાસરે આવ્યાં ત્યારે રોટલી સુદ્ધાં ગોળ વણાય નહીં તે છતાં ભારે ચીવટ ને ખંતથી બધું શીખ્યાં. પૂછો કેમ ? તો કહે પતિ અને સાસરિયાનાં મન જીતવા, બીજું શું ?

પતિ અને સાસરિયાંનાં મન રાખવા માટે ચુસ્ત ખાદીધારી મનુ (મમ્મીના પિયરનું નામ) એ સિલ્કની સાડી પણ અપનાવેલી. તેમની સીધી ને સટ આઈડિયોલૉજી એવી કે પ્રેમ આપો તો પ્રેમ મળ્યા વિના રહે જ નહીં. અને કદાચ એટલે જ સાડી, ઘરેણાંનો વૈભવ હોય કે રસોડાની રાણી તરીકેનો ‘વહીવટ’ મમ્મી બધે જ પહોંચી વળે. એ જ મમ્મી જ્યારે સાસુ બનવાની ઉંમરે પહોંચ્યાં ત્યાં સુધીમાં તો તમામ કામમાં, વ્યવહારમાં માહેર. તેમની જેમ રૂ જેવાં ઢોકળાં દુનિયાનો કોઈ પાકશાસ્ત્રી બનાવી ન શકે. મોહનથાળ હોય કે હાંડવો, કે પછી પુડિંગ. સૌથી મહત્વની વાત જો કંઈ હોય તો તેમની ચીવટ અને નહીં થાકવાની વૃત્તિ. તે વખતે તો જો મમ્મી આડા પડ્યાં હોય તો જરા ટેન્શન થઈ જાય કે ક્યાંક તબિયત તો ઢીલી નથી ને ! એવા ઉદ્યમી જીવ સાથે મારો તાલ બેસતાં થોડો સમય તો લાગે જ ને !

દિવસો વર્ષમાં પરિણમતા હતા. મમ્મી અને હું એકબીજાને સમજી શકતાં હતાં, પણ ક્યારે સામસામે મોરચા મંડાઈ જાય તેની સૂચના કોઈ હવામાન ખાતું આપી શકે તેમ નહોતું. હવે મને સમજાય છે કે તેનું કારણ હતું મારો માલિક એવો મૂડ. અલબત્ત, ત્યારની અને આજની પરિસ્થિતિમાં ઝાઝો ફરક નથી પડ્યો, પણ હવે હંમેશ લોલક જેવા રહેતા મારા મૂડ પર શિસ્ત લાદવાનું પેપરવેઈટ મારું કામ અને જવાબદારી બન્યાં છે. તે વખતે એ વજન મમ્મી મૂકી શક્યાં હોત, પણ તેમણે એ કરવું યોગ્ય ન માન્યું. મમ્મીને કદાચ એક અને એકમાત્ર ફરિયાદ મારા મોડા ઊઠવા માટે હતી એવું મને હંમેશ લાગ્યું છે, અને તે માટે મેં ખરેખર તનમનથી પ્રયાસ કર્યા હતા પણ ખબર નહીં કેમ હું તેમાં સફળ ન જ થઈ (આજે છવ્વીસ વર્ષે પણ નહીં.) એ સિવાય તો સાસુ-સસરા, નણંદ, દિયરથી ભર્યાભાદર્યા કુટુંબ માટે શું સમસ્યા હોઈ શકે ? હા, હવે રહી રહીને એક વસવસો થાય છે કે દાદા, દાદી, ફીઆ (ફઈ), કાકા વચ્ચે મારો શ્રીપાલ ક્યાં મોટો થઈ ગયો મને ખબર જ ન પડી. મેં માતૃત્વ જાણે માણ્યું જ નહીં.

શ્રીપાલ માંડ અઢી-ત્રણ વર્ષનો હતો. રાતનો રાજા, ઊંઘે નહીં, ઊંઘવા દે નહીં. છતાં એને ગુસ્સે થઈ કે ધમકાવીને ઊંઘાડવો નહીં તેવો મનાઈહુકમ તેના દાદાજી દ્વારા પસાર થયેલો. શ્રીપાલને રાત્રે બે વાગ્યે હીંચકે ઝુલાવવાની જવાબદારી દાદાજીએ સ્વેચ્છાએ સ્વીકારેલી. ક્યારેક એ દાદા-દીકરાના નાઈટ શિફ્ટ સેશનમાં મા (મારાં સાસુજી) પણ જોડાય. છતાં, સવારે 6.30ના ટકોરે રસોડામાં હાજર, કારણ કે ઘરના બે માત્ર ચા-રસિક એવા મને અને પપ્પાને મમ્મીના હાથ સિવાય કોઈના હાથની ચામાં મજા ન આવે; અને મજાની વાત એ કે ગાંધીવાદી, આશ્રમવાસી રહી ચૂકેલાં મમ્મીએ જીવનપર્યંત ચા ચાખી સુદ્ધાં નથી. શ્રીપાલને કફ, શરદી થાય તો દાદીમાના વૈદાના તમામ ઉપાયો મમ્મીના હાથવગાં. શરદી માટે અજમાનો શેક કરવાનો હોય કે ઝાડા થયા હોય તો પેટ પર નાગરવેલના પાન મૂકવાનાં હોય, આ બધામાં મારી ભૂમિકા કંઈ લાવવા-લઈ જનારાં બેક સ્ટેજ આર્ટિસ્ટ જેવી.

મમ્મીને આ બધું આવડતું કેમનું હશે ? ફાવતું કેમ હશે ? તેવા પ્રશ્નો થાય તો લાગલો જ જવાબ મળે : કરવું હોય તો બધું આવડે…. કામથી પાછાં પડે તો મમ્મી નહીં.
કદાચ આ વાત તો મમ્મીને પોતાને નહીં ખબર હોય… પણ, મને ખબર છે. થયું એવું હતું કે મારું અને દીપકનું ગોઠવનારા મારાં મમ્મીનાં મામી જે મારા સસરાનાં માસિયાઈ બહેન એટલે કે મારાં સાસુજીનાં નણંદ થાય. એ પુષ્પામામી જ્યારે જ્યારે અમારે ઘરે આવે ત્યારે પોતાનાં પ્રેમિલાભાભીનાં વખાણ કરતાં થાકે નહીં. કહે : અમારાં કમળામાસી નસીબનાં બળિયા તે પ્રમિલા જેવી વહુ મળી. ચાકરી બહુ કરી. કામથી થાકે તે પ્રેમિલાભાભી નહીં. પુષ્પામામીની વાતો સાંભળીને મારી મમ્મી મને ધીરેથી કહે : ‘જો, મામીની વાત પરથી લાગે છે કે તારા થનારાં સાસુ કામગરાં ભારે હશે, તે તુંય હાડકું વાળજે…. કામ કરે તે જ સૌને ગમે, કામ કરવાથી હાથ ઘસાઈ નહીં જાય. મને થાય : માર્યા ઠાર ! કામ કરવાની કોણ ના પાડે છે ! પણ જરા મૂડ તો બનવો જોઈએ ને !

મૂડ એટલે કામ કરવા માટેનું વાતાવરણ. રેડિયો કે ટેપ સાંભળતાં સાંભળતાં રસોઈ કરવાની મજા જ કંઈક અલગ હોય ને ! પણ ના, મમ્મી કહે કે એ ફિલ્મી ગીતો સાંભળીને આપણાં વાઈબ્રેશન કેવાં હોય કેવાં નહીં ! એટલે રસોઈ કરતાં રેડિયો, ટેપ નહીં ચલાવવાનાં. ગાવું હોય તો ગાવ, ભજન, સ્તવન જે ગાવું હોય તે ! લો બોલો ! મમ્મી તો રસોઈ કરતાં જાય અને ગાતાં જાય, આશ્રમ ભજનાવલિનાં બધાં ભજન કંઠસ્થ. વળી, કંઠ ખૂબ સુરીલો. મમ્મીના પિયરમાં વાતાવરણ પણ એવું. માસી સાસુએ સંગીતમાં વિશારદ કર્યું હતું, અને સિતારવાદનમાં તેમનો જોટો ન જડે. સાઠ વર્ષ પૂર્વે પૂરા રૂ. 6,000નું સ્ટ્રેડીવેરિયસ વાયોલિન ખરીદ્યું હતું માસીજીએ. સંગીત તો વારસામાં હતું જ અને બાકી હોય તેમ મમ્મીને નાનપણથી જ મહાનુભાવોના પરિચયમાં આવવાનો યોગ થતો રહેલો. સાબરમતી આશ્રમમાં સાત વર્ષ વિતાવ્યાં પછી પૂ. મોટાના સંપર્કમાં આવ્યાં. મમ્મીની ઉંમર હશે માંડ બાર વર્ષની. માત્ર બાર વર્ષની કિશોરી પ્રમિલાના દોસ્ત પૂ. મોટા. શકુંતલા સ્કૂલમાં જઈ પૂ. મોટા મમ્મી કેવુંક ભણે છે તેની પણ ભાળ રાખે. અરે ! જ્યારે મમ્મી-પપ્પા લગ્નગ્રંથિએ જોડાયાં ત્યારે પૂ. મોટા મારાં વડસાસુ એટલે કે સાસુજીનાં સાસુને પૂછે : બા, પ્રમિલા તમારું ધ્યાન તો રાખે છે ને !! કોઈ ફરિયાદ તો નથી ને ?

એક સમય હતો મમ્મી સાથે આવી બધી વાતો વાગોળવાનો. સ્વાતંત્ર્યસંગ્રામના દિવસો દરમિયાનનો સમયગાળો વાગોળવો એ તો મમ્મી માટે સૌથી મોટી મિરાત. મમ્મી ધારત તો જરૂર સારી કારકિર્દી બનાવી શકત. સમાજસેવા ક્ષેત્રે કે પછી શિક્ષણ ક્ષેત્રે… પણ તેમને જ કદાચ એ મંજૂર નહોતું. એમને પોતાનાં શ્રેષ્ઠતમ વર્ષો આપવાં હતાં તેમનાં સંતાનોને…. આજે હું જ્યારે મારી માતા તરીકેનાં કમિટમેન્ટ વિચારું છું ત્યારે મને લાગે છે કે સફળ કારકિર્દી ભલે રહી હોય, પરંતુ હું માતા અને પત્ની તરીકે જે માર્કસ્ મારી જાતને આપું તે જાહેર કરવા ન જ ચાહું.

અલબત્ત, એ વાત જુદી છે કે વહેલા ઊઠવાની એક વાતને બાદ કરતાં મમ્મીના માપદંડો, આગ્રહો મારા જીવનમાં એટલી હદે વણાઈ ગયા છે કે ક્યારેક મારા સ્વચ્છતાના આગ્રહને કારણે મારા મિત્રો મને ‘ફિનીકી’ લેખે છે. મારા ખૂબ જ નિકટના મિત્રો માને છે કે હવે અચાનક જ મારાં સાસુના તમામ આગ્રહો, દુરાગ્રહો મને ગુણ લાગવા માંડ્યા છે, કારણ કે મેં સાસુ બનવાની લાયકાતના ફોર્મ ઉપર હસ્તાક્ષર કરી દીધા છે પણ, વાત સાવ એવી નથી. સમય સમયનું કામ કરે છે, અને સમય સાથે માણસ બદલાય છે, ઘડાય છે…. જે વાતો ગઈ કાલે મને સમજાતી સુદ્ધાં નહોતી આજે મને તેની પાછળની યથાર્થતા સ્પષ્ટ દેખાય છે.

મને પત્રકાર તરીકેનો એ કાળ યાદ છે જ્યારે કામના કલાકો નિશ્ચિત નહોતા, સમયનાં ઠેકાણાં ન રહેતાં. મમ્મી કહે કે કામ તો આખી દુનિયા કરે છે, કામ જરૂર કરો પણ ખાવાપીવાનું તો ભાન રાખો…. અલબત્ત, મમ્મીની માત્ર ખાવાપીવાની જ નહીં, કુટુંબીજનો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાની વાત પણ મને ક્યારેય સમજાઈ નહોતી. હવે મને લાગે છે કે મમ્મીએ આખી જિંદગી લંગર બનીને મારી હાલકડોલક નૌકાને સ્થિરતા આપી છે, જેનું મૂલ્ય મને બહુ મોડેમોડે સમજાયું, બરાબર પચ્ચીસ વર્ષે જ્યારે દીપકે સાવ અણધારી રીતે હાથ છોડાવી ચાલી જવું મુનાસિબ સમજ્યું ત્યારે. મને કળ વળે તે પહેલાં મારો હાથ પકડીને મમ્મી અને મારાં નણંદ ઊભાં હતાં. દીકરાની અણધારી એક્ઝિટ મા માટે કેટલી હચમચાવી દેનારી હોય છે તેની કલ્પના કોઈ ન કરી શકે ! જોવાની ખૂબી તો એ હતી કે મમ્મીને ભાંગી ન પડે, શ્રીપાલ ડિપ્રેશનમાં ન સરી જાય તેની જોવાની જવાબદારી મારી છે એમ માની હું લોખંડી મહિલાનો રોલ ભજવવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે મમ્મી પોતે મારો અને શ્રીપાલનો વિશ્વાસ ડગી ન જાય એટલે અમારી લાઈફ સપોર્ટ સિસ્ટમ બનવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં.

આજે સૌથી વધુ વસવસો કે દુ:ખ તો માત્ર એ જ વાતનું રહી ગયું છે કે મને ને મમ્મીને જોડતી કડી નામે દીપક જ હવે આ દુનિયામાં નથી. હવે હું તેમની સાથે જોડાઈ રહી છું એક અલગ સંબંધે…. મમ્મી જ્યારે ખૂબ જ વ્યથિત હોય, ગમગીન હોય ત્યારે મારી સામે જોઈને મારો હાથ ચૂમતાં કહે છે : ‘તું જ તો છે મારો દીપક…..’ અને બસ ત્યારથી મને લાગી રહ્યું છે કે હું આ ઘરની પુત્રવધૂ મટી ગઈ છું, દીકરો બની ચૂકી છું.

પતિનાં મા મધર-ઈન-લૉ કહેવાતાં હશે પણ, બદલાતા સંબંધોનાં સમીકરણ તેને મધર ઈન-લવ પણ બનાવી શકે છે. થોડી સમજણ, થોડી સહૃદયતા, થોડી પારદર્શતા, સાસુને પ્રેમાળ માના રૂપમાં પરિવર્તિત કરી શકે છે. સાસુ એટલે પ્રેમાળ મા. સાસુ નામે પ્રેમા.

[કુલ પાન : 228. કિંમત : રૂ. 300 પ્રાપ્તિ સ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 134, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-400 002. દેરાસર પાસે, ગાંધી રોડ. અમદાવાદ-380 001. info@navbharatonline.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મનને શાંત રાખવાની કળા (ભાગ-1) – જ્યોતિ થાનકી
મનને શાંત રાખવાની કળા (ભાગ-2) – જ્યોતિ થાનકી Next »   

23 પ્રતિભાવો : સાસુ નામે પ્રેમા – પિન્કી દલાલ

 1. સરસ……

  સંબંધૉમાં નિખાલસતા અનૅ સચ્ચાઇ હૉવી જરુરી છૅ., મનૅ ખરૅખર આ વાત ની નિખાલસતા ગમી, અહીં લૅખકે પૉતાના નકારાત્મક પાસા પણ સહજતાથી સ્વીકાર્યા છે.ખુબજ સાહજીક લૅખન…
  હું માનું છું કૅ લૅખકની જવાબદારી છે સમાજનૅ અરીસૉ દેખાડવાની, અનૅ જરુર પડૅ દૉરવાની.

  પુસ્તક નૉ વિષય મૉલીક છે.અનૅ આકર્ષક પણ……

  શ્રીમતી પિન્કીબહેન દલાલનૅ શુભૅચ્છાઑ….

 2. gopal h parekh says:

  મધર ઇન લો ને મધર ઇન લવ બનાવવાનું કામ કરવા માટે પિંકીબેનને ૧૦૦/૧૦૦,

 3. ખુબ સુંદર વાત ! સાસુ એટલે પ્રેમાળ મા.. જે સમજણ મોડા મોડા આવે, એ લગ્ન પછી તરત જ હોય તો કેટલો સરસ તાલમેલ રહે ! સહુના જિવવાની અને કામ કરવાની અલગ રીતો અને ધોરણો હોય છે. બસ, એ થોડુ સમજાય જાય તો પછી પ્રશ્નો જ ક્યાં છે ?

 4. કલ્પેશ says:

  “સમય સમયનું કામ કરે છે, અને સમય સાથે માણસ બદલાય છે, ઘડાય છે…. જે વાતો ગઈ કાલે મને સમજાતી સુદ્ધાં નહોતી આજે મને તેની પાછળની યથાર્થતા સ્પષ્ટ દેખાય છે.”

  “મમ્મીએ આખી જિંદગી લંગર બનીને મારી હાલકડોલક નૌકાને સ્થિરતા આપી છે, જેનું મૂલ્ય મને બહુ મોડેમોડે સમજાય”

  આ વાક્ય વાંચીને આપણને જ્યારે આપણા વડિલો કઈ કહેતા હોય ત્યારે આપણે એમને ધ્યાનથી સાંભળીએ અને એમની વાતોને સમજીએ તો એ જોઈશુ કે – આ બધામા એમનો અનુભવ વણાયેલો છે. આપણે ભુલ કરતા હોઇએ તો તેઓ એમને સુધારવા તૈયાર હોય જ છે.

  દુઃખ એક જ વાતનુ હોય છે કે આપણને આ બધુ મોડે કેમ સમજાય છે?

 5. ભાવના શુક્લ says:

  સાસુ નામે સબળ વ્યક્તિત્વને સમજવા સમય જોઈએ….. અને શિષ્ટાચારના દંભને પોંખ્યા વિનાની પિન્કિબહેન જેવી નિખાલસતા… પછી લાગશે કે અરે આતો આપણીજ વાત જાણે!!!!

 6. pragnaju says:

  આપણા સૌની વાત નીખાલસતા,સહૃદયતા,પારદર્શિતાપૂર્વાક સુંદર રજુઆત
  તેમા”પતિનાં મા મધર-ઈન-લૉ કહેવાતાં હશે પણ, બદલાતા સંબંધોનાં સમીકરણ તેને મધર ઈન-લવ પણ બનાવી શકે છે. થોડી સમજણ, થોડી સહૃદયતા, થોડી પારદર્શતા, સાસુને પ્રેમાળ માના રૂપમાં પરિવર્તિત કરી શકે છે. સાસુ એટલે પ્રેમાળ મા. સાસુ નામે પ્રેમા” વાત ખૂબ ગમી

 7. Ashish Dave says:

  Simply fantastic…
  Ashish Dave
  Sunnyvale, California

 8. ranjan pandya says:

  પાણી વહિ ગયા પછી જ ડહાપણ આવે છે. અને ખરેખર ત્યારે ઘણું મોડું થઈ જાય છે.સાસુ મા અને વહુ દિકરી બને તો ઘર સ્વગૅ અને જીવન નંદનવન બની જાય.

 9. Vinod Dabhi says:

  હુ ખુબ જ પ્ભાવેીત થયો ચ્ઉ.જાને વરતા વાન્ચતો હોઉ તેવુ લગ્યુ.સાસુ-વહુ બને એ પ્રયત્ન કર્વો જોઈએ.

 10. Paraag R. Soni says:

  સરસ મજા ની વાત છે. દીપક ભાઈ નો જન્મ સાર્થક થયો.

 11. parul says:

  પતિનાં મા મધર-ઈન-લૉ કહેવાતાં હશે પણ, બદલાતા સંબંધોનાં સમીકરણ તેને મધર ઈન-લવ પણ બનાવી શકે છે. થોડી સમજણ, થોડી સહૃદયતા, થોડી પારદર્શતા, સાસુને પ્રેમાળ માના રૂપમાં પરિવર્તિત કરી શકે છે. સાસુ એટલે મા. સાસુ નામે પ્રેમા.
  દરેક નવોઢા બદલાતા સંબંધોનાં સમીકરણ ને સમજે અને પોતાના મા સમજણ કેળવે તો સાસુ અને વહુ ના સબંધ પ્રેમાળ જ રહે.

 12. Jinal says:

  ખરેખર ખુબ જ સુન્દર !!!!
  એ વાત સાચિ જ છે કે લગ્ન પછિ તરત જો આ સબન્ધ સચવઇ જાય તો જાને “ગન્ગા નાહ્યા”
  But sometimes daughter in law does not want to accept the new things. She always thinks that whatever she has seen her piyar is true. But time by time they both understand each other and the matter resolves. You cannot clap by only one hand..So sasu jetla sara ane samaju atlu jaldi vahu pan samaji shake che. After all mother in law is older and its her responsibilty to make the daughter in law understand.!!!

 13. urmila says:

  Really impressive article – Is it possible to have more articles on the topic

 14. JITENDRA TANNA says:

  ખુબ સરસ. દરેક ઘર માટે લાગુ પડતો લેખ.

 15. Dr.Aroon.V.Patel. says:

  Dear Pinkiben Dalal,
  Your article is really heart touching in the modern context. You have wonderfully depicted how the journey of relationship between you and your mother-in-law resulted into a supreme bond of love!
  Congrast.s.
  aroon

 16. Pinkiben,
  Many many congratulations to you for putting such a great article on this site. Its really heart touching and a wonderful message you have given to the readers of this readgujarati.com. Of course thanks to Dear Mrugesh Shah too. You have really proved how nice an Indian lady can be proven best at all fronts of life. “PREMAAL – MAA” – “PREMA” what a good noun you have given to a mother-in-law. If both the SASUs and VAHUs leave their egos apart, a house can really be BEAUTIFUL SWEET HOME. Hats of to you.

 17. parag jethwa says:

  this Article is sooooooooooooo good! for All mother-in-law & Daughter-in-law
  read it carefully then her family like ‘Temple’

 18. Pooja Shah says:

  ખુબ જ સુન્દર.જીવન ના ઘનિશ્ઠ અને અનિવાર્ય સંબંધઈ ની આજ સાદગી જીવન ને રસમય બનાવે છે.મારી જીવન ની વાર્તા પણ આજ પાટ પર છે,ઍની મને ખુશી છે.મારા Mohter-in-love સાથેના સંબંધ પણ બંન્ને રંગો મા છે

 19. Hardik Panchal says:

  બહુ મસ્ત લેખ છે……..સમ્બન્ધો સચ્ચાઈ અને પવિત્રતા રખવા માટે જે પિન્કિ બહેને જે પ્રયત્નો કર્યા તે વખાનવા લાયક છે. બહુ જ મસ્ત લેખ છે.

  અન ઊમર અને અનુભવ સાથે જે અપના પોતાના મા જે જવાબદારી આવે છે તેનુ સરસ ચિત્ર પિન્કિ બહેને રજુ કર્યુ છે.

  એક જ વાત વાક્ય કહેવનુ સુજે છે આ લેખ વાચ્યા પછી……..સરસ ………….સરસ ……સરસ ……………………..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.