અભ્યાસનું માધ્યમ – ભવેન કચ્છી

[‘ગુજરાત સમાચાર – શતદલ પૂર્તિ’ માંથી સાભાર. રીડગુજરાતીને આ લેખ પ્રકાશિત કરવાની પરવાનગી આપવા માટે શ્રી ભવેનભાઈનો ખૂબ ખૂબ આભાર. ]

ગુજરાતના 7500 થી વધુ ઉમેદવારોએ દેશભરની આઈઆઈએમમાં પ્રવેશ મેળવવા માટે ‘કૉમન એડમિશન ટેસ્ટ – કૅટ’ ની પરીક્ષા થોડા સમય પહેલાં આપી હતી. દર વર્ષે આ આંકમાં 15% વધારો થતો જોઈ શકાય છે. હતાશાજનક બાબત એ છે કે ગુજરાતી ઉમેદવાર ઉત્તિર્ણ થઈને પ્રવેશ મેળવતો હોય તેની ટકાવારી દોઢ જેટલી માંડ હોય છે. પ્રિમેડિકલ ટેસ્ટ, એઆઈ ટ્રીપલ ઈ, આઈઆઈટી, જીસેટ, જીઆરઈ ટોફેલ જેવી પરીક્ષાઓમાં જે પણ ગુજરાતના દસેક ટકા ઉમેદવારો ઉત્તિર્ણ થાય છે તે બધામાંથી મોટા ભાગના સેન્ટ્રલ સ્કૂલના કે નોન ગુજરાતી કુટુંબોના છે જેઓ ગુજરાતમાં સ્થાયી થયા છે.

પ્રત્યેક વર્ષે ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં જાગૃતિ આવવાથી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાનું પ્રમાણ પ્રશંસનીય રીતે વધ્યું છે. ગયા શૈક્ષણિક વર્ષમાં 60 હજારથી વધુ વિદ્યાર્થીઓએ જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી હતી. 2000 ની સાલમાં આ આંક 35,000નો હતો. જો કે ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા હોય તો પણ અગાઉથી જ તેઓ શરણાગતિ સ્વીકારી લે છે કે રાજ્યના બોર્ડના અભ્યાસક્રમ પ્રમાણે તો આપણો નંબર રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંથી લાગે. કેમ કે આપણે રાષ્ટ્રીય સ્તરના અભ્યાસક્રમ પ્રમાણેના વિદ્યાર્થીઓની તુલનામાં અંગ્રેજી અભિવ્યક્તિ અને જે તે વિષયના જ્ઞાનમાં પાછા પડીએ તેવી દહેશત અને આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે.

વિદ્યાર્થી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હોય ત્યારે જ નક્કી થઈ જતું હોય છે કે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરીને મેરીટ પ્રમાણે રાજ્યની કૉલેજોમાં જ ઉચ્ચ અભ્યાસ કરવો હોય તો ગુજરાત બોર્ડના અભ્યાસક્રમની સ્કૂલમાં અભ્યાસ કરવો અને રાજ્યની બહાર સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે મેરિટમાં રહીને આગળ આવવું હોય તો સેન્ટ્રલ સ્કૂલના અભ્યાસક્રમની શાળામાં અભ્યાસ કરવો. આ સામાન્ય સંજોગોમાં જોવા મળતી સ્થિતિ છે બાકી તો ગામડા કે શહેરમાં ગુજરાતી માધ્યમમાંથી આગળ આવેલા વિદ્યાર્થીઓ આ બન્ને પ્રકારના વિદ્યાર્થીઓને પાછા પાડતા જોઈ જ શકાયા છે. એકંદરે એવી માનસિકતા પ્રવર્તે છે કે રાષ્ટ્રીય સ્પર્ધાત્મક પરીક્ષા, ઉચ્ચ અભ્યાસક્રમ અને સંદર્ભ પુસ્તકો, ઈન્ટરનેટની ભાષા અંગ્રેજી જ હોઈ સંતાનને અંગ્રેજી માધ્યમમાં જ મુકવું જોઈએ. અંગ્રેજી માધ્યમના ક્રેઝ કરતા પણ આજે આપણે એક રસપ્રદ નિરિક્ષણ પર ચિંતન કરવાની જરૂરિયાત છે.

ગુજરાતમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા 85 ટકા વિદ્યાર્થીઓ ગુજરાતી કુટુંબના છે. તેમાંથી 60 ટકાથી વધુ કુટુંબો તો ટીપીકલ ગુજરાતી કે સૌરાષ્ટ્રની લઢણ અને શૈલી હજુ પણ તેમના ઘેર વાતચીત વ્યવહારમાં જાળવીને રહે છે. આવા સંતાનોના મમ્મી-પપ્પા પોતે જ અંગ્રેજીમાં વ્યવહાર કરી શકે તેમ નથી. કરી શકે તેમ હોય તો પણ તેમ પસંદ નથી કરતાં. ખરેખર તો તેઓ જે ગુજરાતી ભાષા બોલે છે તે પણ તળપદી અને લુઝ હોય છે. સંતાનો પણ આવા વાતાવરણમાં ઉછેર પામ્યા હોય છે અને તે જ રીતે કમ્યુનિકેશન કરતા જોઈ શકાય છે. તેઓ માત્ર અભ્યાસ જ અંગ્રેજી મિડિયમમાં કરતાં હોય છે. મોટાભાગના વાલીઓ તેમના સામાજિક, આર્થિક કે શૈક્ષણિક બેકગ્રાઉન્ડ વિશે વિચાર્યા વગર જો અંગ્રેજી માધ્યમમાં તેમના સંતાનને મુકીએ તો જ શ્રેષ્ઠ ઉછેર કરીએ છીએ તેમ માને છે. અંગ્રેજી માધ્યમમાં સંતાનોને ભણાવવાનો શ્રીમંતો કે ક્વોલીફાઈડ માતા-પિતાઓનો થોડો ઈજારો છે તેવો એક પ્રકારનો બંડ પણ તેમાં ઉમેરાતો હોય છે. સંતાન અને વાલીઓ તેની અંગ્રેજી માધ્યમની શાળાનું નામ લેતી વખતે પણ એક પ્રકારની ખુમારી વ્યક્ત કરતા હોય છે. આવી માનસિકતાનો ફાયદો ઉઠાવીને ગામડાઓ અને શહેરોમાં અંગ્રેજીમાં ભણાવી શકે તેવો સ્ટાફ નહીં હોવા છતાં દુકાનોની જેમ અંગ્રેજી માધ્યમની જ શાળાઓ ધમધમવા માંડી. એટલું જ નહીં સ્પર્ધાત્મક પરીક્ષાઓના નામે પણ રીતસરનો ધંધો શરૂ થયો છે જેમાં બહારના રાજ્યોના આવા વેપારીઓ ભરપૂર મલાઈ ખાઈ લેતા જોઈ શકાય છે. અગાઉના વર્ષોની તુલનામાં ગુજરાતના વિદ્યાર્થીઓ ખૂબ જ હોનહાર તેમજ રાજ્ય અને દેશની બહાર પણ તેમની પ્રતિભાના જોરે આગવી કેરિયર બનાવતા થયા છે પણ આવા એક જૂથને બાદ કરતા દેશભરમાં નાના ગામોથી માંડી શહેરોમાં અંગ્રેજી માધ્યમ અપનાવાય તો જ વૈશ્વિક કારકિર્દીનું ઘડતર થઈ શકે. તેને પાયાથી સમજ્યા વિના જે રીતે એક આંધળી દોટ જોવા મળે છે તે સમાજ અને શિક્ષણશાસ્ત્રીઓનું ચિંતન માગી લે તેમ છે. કેમ કે, સરવાળે બહોળો વિદ્યાર્થી સમાજ જે તે વિષયને પૂરો આત્મસાત્ કરીને અભિવ્યક્ત કરે તે પ્રકારનું વાતાવરણ કે સમજ જ નથી આપવામાં આવતી.

વાસ્તવિકતા તો એ છે કે શહેરોની કહેવાતી ટોચની અંગ્રેજી માધ્યમની શાળાઓની ઈમારત, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્કેટિંગ પેકેજ આકર્ષક હોય છે પણ સ્ટાફ ખૂબ જ સામાન્ય સ્તરનો હોય છે. જે વિદ્યાર્થીઓમાં પ્રિય હતા તેઓએ નોકરી છોડીને ટ્યુશન, કૉચિંગ ચાલુ કરી દીધા છે. ખરેખર જે તે વિષયનું તલસ્પર્શી સ્થાન, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિ અને તેનો અભ્યાસક્રમ નજરમાં રાખીને વિદ્યાર્થીઓનો રસ જળવાઈને ભણાવે તેવા શિક્ષકો જ નથી. ખાનગી ટ્યુશનમાં પણ મહદઅંશે રાજ્યની બોર્ડની પરીક્ષામાં મહત્તમ કઈ રીતે ટકા આવે તેને નજરમાં રાખીને ગોખણીયું જ્ઞાન આપવામાં આવે છે. જો શહેરોમાં આવી સ્થિતિ હોય તો નાના ગામોમાં થતી અંગ્રેજી માધ્યમની શાળાઓની હાલત સમજી શકાય તેવી છે. વાલીઓની પણ અપેક્ષા અને દષ્ટિની પહોંચ બોર્ડની પરીક્ષામાં વધુ ટકા મેળવવાની જ છે. ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓને ગુજરાતની મેડિકલ, એન્જીનીયરીંગ, ફાર્મસી કૉલેજોમાં જ દિલચશ્પી છે. મેરિટ વગરના વિદ્યાર્થીઓ તો નવમા-દસમા ધોરણમાં ભણતા હોય ત્યારથી જ બડાશ મારતા હોય છે કે ‘મારા પપ્પા મહારાષ્ટ્ર, કર્ણાટક, ચીન, રશિયા સુધી રૂપિયા ખર્ચીને મને ભણાવવાના છે.’ આપણને એમ થાય કે જો આ જ રીતે પ્રવેશ મળતો હોય, મેળવવાનો હોય તો પછી એક વિદ્યાર્થી મેરિટમાં રહેવાની પ્રેરણા કઈ રીતે મેળવી શકે. તેમાં પણ બેંકો, વિદેશની સાવ દુકાનો જેવી શિક્ષણના પાટિયા લગાવીને પ્રવેશ આપતી કૉલેજો અને વિદેશી સરકારો પણ આ આંતરરાષ્ટ્રીય ધંધામાં સામેલ હોઈ વિદ્યાર્થીઓને મુક્ત મને વિઝા આપતી હોય છે. આમાંના મોટાભાગના વિદ્યાર્થીઓ વિદેશમાં માત્ર ડૉલર કે પાઉન્ડ કમાતા મજૂરો બની જાય છે. રેસ્ટોરાંમાં, કૉલ સેન્ટરોમાં 12 થી 15 કલાક કામ કરે છે. તેમની લેભાગુ વિદેશી કૉલેજમાં જતા જ તેઓને કહી દેવામાં આવે છે કે તમે નિયત સમયે સર્ટીફિકેટ લઈ જજો અને ત્યાં સુધી વિઝાના નિયમ પ્રમાણે શાંતિથી જે નોકરી કરવી હોય તે કરો. આ જ વિદ્યાર્થી સર્ટિફીકેટની બે વર્ષની મુદ્દત પૂરી થતાં ફરી બીજી કૉલેજમાં નવો કોર્સ લઈને વધુ સમય ત્યાં રોકાણ અને કમાણી કરવા પ્રેરાશે. જ્યારે તેને વાસ્તવિકતાની ખબર પડશે ત્યારે કારકિર્દીના અમૂલ્ય યુવા વર્ષો પૂરા થઈ જતા હોય છે.

રહી વાત અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરીને છવાઈ જવાની કે ચઢિયાતું સ્થાન મેળવવાની તો તેમાં સદંતર નિરાશા સાંપડે તેવું ચિત્ર જોઈ શકાય છે. કેમકે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતો ગુજરાતી બેકગ્રાઉન્ડનો વિદ્યાર્થી ઘરમાં અને તેના મિત્ર વર્તુળમાં ગુજરાતી જ બોલતો હોય છે. તેને વાતચીતમાં અંગ્રેજીમાં બોલાતા પાયાના વાક્યો કે શબ્દો આવડતા નથી હોતા. તેવું જ તેના મમ્મી-પપ્પાનું હોઈ શકે. વિદ્યાર્થીને તમે તેણે બોલેલું એકાદ વાક્ય પણ અંગ્રેજીમાં બોલવાનું કહેશે તેને મનોમન ભાષાંતર કરવાની મુદ્રામાં આવી જશે. એક ગુજરાતી કુટુંબ માટે તે સહજ છે. તેમાં ખોટું પણ નથી. પણ વિચાર તો આવવો જ જોઈએ કે અંગ્રેજી માધ્યમ છતાં પણ આ હદે લાચારી કેમ ? આવું અંગ્રેજી માધ્યમ કઈ રીતે કારકિર્દી ઘડી શકે ?

હવે રહી જે તે વિષયની સમજ અને અભિવ્યક્તિની વાત. અભ્યાસક્રમના જ કોઈ વિષય કે મુદ્દા અંગે તેને બોલવાનું કહેશો તો તે ગોખેલું બોલી જશે પણ તેમાં તે ખરેખર સમજ્યો નહીં હોય. આ રીતે ઉત્તર આપતી વખતે પણ વાક્યોને જોડવા માટે તો મનોમન ગુજરાતીમાંથી ભાષાંતરની પ્રક્રિયા થતી હશે. પ્રત્યેક ભાષાની જેમ અંગ્રેજીમાં પણ એક જ લાગતી સ્થિતીને સચોટ વ્યક્ત કરવા જુદા જુદા શબ્દો હોય છે. ગુરુત્વાકર્ષણ બળના વિચાર બીજનો ન્યુટનનો પ્રસંગ કે કલામ સાહેબના સંબોધનનો સાર અંગ્રેજી માધ્યમમાં ભણતો ગુજરાતી વિદ્યાર્થી અંગ્રેજી સહજ રીતે પ્રવાહીતામાં તેનો ચોટદાર મર્મ સાથે સમજી પણ ના શકે અને વ્યક્ત પણ ના કરી શકે. આ જ અંગ્રેજી માધ્યમના ગુજરાતી વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસક્રમના વિસ્તૃત લેખીત ઉત્તરમાં કે ઈન્ટરવ્યૂ ચર્ચામાં ‘આજના સંદર્ભમાં ગાંધી વિચારધારા’ કે ભારતનું અર્થતંત્ર-2020 કે પછી ‘નેનોટેકનોલોજીના ભવિષ્ય’ અંગે અંગ્રેજીમાં બોલવાનું આવે તો ફાંફા પડી જતા હોય છે.

વધુ ચિંતાજનક સ્થિતિ તો ત્યારે સર્જાય છે કે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતો ગુજરાતી વિદ્યાર્થી પોતે અંગ્રેજી માધ્યમમાં હોઈ ગુજરાતી અખબારો, સામાયિકો, મેગેઝીનો કે પુસ્તકો વાંચતો નથી. કેટલાક આવા કિસ્સામાં તે ગુજરાતી વાંચવામાં નાનમ અનુભવે છે. તો ઘણીખરી વખત એવું બને છે કે ખરેખર તેને ગુજરાતી ભાષાના લેખનના કે વક્તવ્યના શબ્દોનાં અર્થ જ ખબર નથી હોતી. તો બીજી તરફ તે અંગ્રેજી પણ વાંચતો નથી. સરવાળે તેને સંપૂર્ણપણે ગુમાવવાનું રહે છે. ઉદાહરણ તરીકે ગુજરાતી ભાષામાં સ્પેસ સાયન્સ, સુનિતા વિલિયમ્સ વિશે તેને વાંચવું નથી અને અંગ્રેજીમાં પ્રકાશિત થતું તે વાંચનની આદત કે તેની અંગ્રેજી રજૂઆતને સમજી કે માણી નહીં શકતો હોઈ ખાસ કોઈ રૂચિ નહીં થતાં વાંચતો નથી. સહજ રીતે ઘરમાં અંગ્રેજીમાં બોલાતા બીજગુજરાતી વિદ્યાર્થીઓ હેરીપોટરને માણી શકે છે. અંગ્રેજી માધ્યમના ગુજરાતી વિદ્યાર્થીઓ હેરી પોટર, ટોમ સોયર, ડિકન્સ, ટ્વેનનો તો રોમાંચ નથી જ લઈ શકતા પણ આપણું ગુજરાતી સાહિત્ય પણ તેમનાથી જોજનો દૂર રહે છે.

રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષા ગોખણીયા માર્ક લક્ષી અભ્યાસ આધારીત નથી હોતી. તેમાં જે તે વિષયના જ્ઞાન, સમજ અને વ્યવહાર અભિગમની કસોટી થતી હોય છે. જ્ઞાન, મૌલિક વિચારો, અભિવ્યક્તિની પ્રતિતિ કરાવવાની હોય છે. ગ્રુપ ડિસ્કશન, પ્રેઝન્ટેશન કે તમારા ઉપલી કે નીચલી હરોળના કર્મચારીઓ જોડે વેવલેન્થ બાંધીને તમારી કંપની કે સાહસ માટે કામ નીપટાવવાનું હોય છે. બધુ જ જ્ઞાન હોય અને શાંત રહો તો હજુ પણ આંતર્મુખી ગણાશો, બાકી બાઘામાં ખપી જઈએ. ગુજરાતના વિદ્યાર્થીઓએ અભિવ્યક્તિ, કમ્યુનિકેશન, બોડી લૅંગ્વેજમાં પણ ઘણું શીખવાનું બાકી હોય તેમ લાગે છે.

યાદ રહે કે આ લેખ ગુજરાતી કે અંગ્રેજી માધ્યમની તુલના માટેનો નથી. ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી પણ જો ઉપલબ્ધ સંદર્ભ વાંચન સામગ્રી, અખબારો વાંચવાની આદત અને મૌલિક અભિવ્યક્તિનો ફાયદો નહીં ઉઠાવે તો ઠેરનો ઠેર રહેશે. ખરેખર તો બંને માધ્યમના વિદ્યાર્થીઓ અને વાલીઓએ માતૃભાષા, રાષ્ટ્રભાષા અને અંગ્રેજીના જે તે વિષય અને ટોપિક્સ પરના લેખનવાંચન પર સમાન હથોટી કેળવવાની દષ્ટિની જરૂર છે. તમે ગુજરાતી વિજ્ઞાનપૂર્તિ, ડિસ્કવરી મેગેઝિન અને અંગ્રેજી કોમેન્ટ્રી સાથેની નેશનલ જ્યોગ્રાફી ચેનલ એક જ રસતરબોળ અનુભૂતિ અને લિજ્જત સાથે માણી શકો તે જરૂરી છે. પરીક્ષાલક્ષી નહીં કુતૂહલતા સંતોષતું જ્ઞાન તમારા માટે વૈશ્વિક કારકિર્દીના દ્વાર ખોલી આપશે. વિષયની પકડને અંગ્રેજી ભાષામાં તમે ખરેખર તેને સમજ્યા છો તે રીતે અભિવ્યક્ત કરી શકો તેના પર ભાર મુકાય તે જરૂરી છે. નહીં કે, માત્ર અંગ્રેજીમાં અભ્યાસ કરવો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મનને શાંત રાખવાની કળા (ભાગ-2) – જ્યોતિ થાનકી
મોર્નિંગ વોક મોફૂક – પ્રકાશ લાલા Next »   

19 પ્રતિભાવો : અભ્યાસનું માધ્યમ – ભવેન કચ્છી

 1. ભવેનભાઇએ સમયસર ને મુદ્દાનીવાત કરી છે,આપણી આંખ ઊઘડે તો બહુ સારું.

 2. Bansi Patel says:

  Quite an unusual thought on the education system especially in Gujarat. Well said Fact. Thanks.

 3. ભવેન ભાઇ ની વાત ૧૦૦% સાચી છે, અમૅ જ્યારે શાળા માં હતા ત્યારૅ ગુજરાતી માધ્યમ માં થી english medium માં હીજરત શરુ થઇ હતી….આજૅ તૅનું વરવુ રુપ જૉઇ શકાય છે… ઍવરૅજ વાલી માં દેખાદેખી થી પૉતાના બાળક માટૅ અંગ્રૅજી માધ્યમ પસંદ કરવુ જાણે જરુરીયાત છે…અનૅ તેમને એ વિષયનું જ્ઞાન નહી હૉવાના લીધે સરવાળે તૉ બાળક નૅ જ સહન કરવાનું છે…જ્યાં પાયૉ જ કાચૉ હૉય ત્યાં ઇમારત કૅમ ઉભી થાય??

  ખરેખર સરસ અનૅ વિચાર માંગીલૅતૉ લૅખ…..

  ભવેન ભાઇ નૅ અભીનંદન….

 4. Maharshi says:

  વાહ વાહ! ખુબ સારુ ચિંતન છે. વધુ માહિતિ ગાંધિજી એ તેમના લખેલા પુસ્તકો મા છે. આભાર!

 5. pragnaju says:

  કડવું સત્ય ધરાર કહેવા બદલ ભવેનને ધન્યવાદ.
  તેમાં આ સત્ય અંગે તો સતત ધ્યાન દોર્યા જ કરીએ છીએ.”ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓને ગુજરાતની મેડિકલ, એન્જીનીયરીંગ, ફાર્મસી કૉલેજોમાં જ દિલચશ્પી છે. મેરિટ વગરના વિદ્યાર્થીઓ તો નવમા-દસમા ધોરણમાં ભણતા હોય ત્યારથી જ બડાશ મારતા હોય છે કે ‘મારા પપ્પા મહારાષ્ટ્ર, કર્ણાટક, ચીન, રશિયા સુધી રૂપિયા ખર્ચીને મને ભણાવવાના છે.’ આપણને એમ થાય કે જો આ જ રીતે પ્રવેશ મળતો હોય, મેળવવાનો હોય તો પછી એક વિદ્યાર્થી મેરિટમાં રહેવાની પ્રેરણા કઈ રીતે મેળવી શકે. તેમાં પણ બેંકો, વિદેશની સાવ દુકાનો જેવી શિક્ષણના પાટિયા લગાવીને પ્રવેશ આપતી કૉલેજો અને વિદેશી સરકારો પણ આ આંતરરાષ્ટ્રીય ધંધામાં સામેલ હોઈ વિદ્યાર્થીઓને મુક્ત મને વિઝા આપતી હોય છે. આમાંના મોટાભાગના વિદ્યાર્થીઓ વિદેશમાં માત્ર ડૉલર કે પાઉન્ડ કમાતા મજૂરો બની જાય છે. રેસ્ટોરાંમાં, કૉલ સેન્ટરોમાં 12 થી 15 કલાક કામ કરે છે. તેમની લેભાગુ વિદેશી કૉલેજમાં જતા જ તેઓને કહી દેવામાં આવે છે કે તમે નિયત સમયે સર્ટીફિકેટ લઈ જજો અને ત્યાં સુધી વિઝાના નિયમ પ્રમાણે શાંતિથી જે નોકરી કરવી હોય તે કરો. આ જ વિદ્યાર્થી સર્ટિફીકેટની બે વર્ષની મુદ્દત પૂરી થતાં ફરી બીજી કૉલેજમાં નવો કોર્સ લઈને વધુ સમય ત્યાં રોકાણ અને કમાણી કરવા પ્રેરાશે. જ્યારે તેને વાસ્તવિકતાની ખબર પડશે ત્યારે

 6. ભાવના શુક્લ says:

  દરેક મા-બાપે વિચારવા જેવુ. એક નિયમ તો સત્ય જ છે કે ભણતર જો માતૃભાષામા હોય તો ગહન ઉંડાણ પુર્વક સમજી શકાય છે.

 7. કલ્પેશ says:

  બધાને માટે – આપણે ઘણુ બોલીએ છીએ, લખીએ છીએ આ બાબત પર, પણ આપણે શું કરીએ છીએ? (પોતાના બાળકો માટે)

 8. પાયલ says:

  વર્તમાન પરિસ્થિતિનુ યથાર્થ ચિત્રણ આપતો ખૂબ જ સુંદર લેખ..

  મારો ભુતકાળ નજર સામે આવી ગયો. જ્યારે હુ સ્પર્ધાત્મક પરીક્ષા આપીને MBA માં દાખલ થઇ ત્યારે ઊચ્ચ અભ્યાસમાં રાષ્ટ્રિય સ્તરે ગુજરાતીઓની ટકાવારી બે આંક જેટલી (૧૦%) પણ ન હતી..

  આજૅ પણ કદાચ એ પરિસ્થિતિમાં ઝાઝો ફરક નથી પડયો.. હુ મારી માતૃભાષા ગુજરાતીમાં ભણીને મારી વૈચારિક શક્તિઓને with English કેળવીને આજે સફળ છુ એમાં મારા માતા પિતાનો ફાળો અમૂલ્ય છે..

  વિચારવાનું એ છે કે એવા મા-બાપ આપણા ગુજરાતમાં કેટલા કે જે ગુજરાતી અને English બન્ને વચ્ચે સુમેળ સાધીને પોતાના સંતાનોને યોગ્ય માર્ગદર્શન આપે..

  દરેક વાલી અને વિદ્યાર્થીએ વાંચવા જેવો લેખ….

 9. લેખ વાંચ્યા પછી ખ્યાલ ના આવ્યો કે વાતનો પ્રવાહ કઈ દિશા તરફ છે.

  ગુજરાતી માધ્યમ ખરેખર શ્રેષ્ઠ માધ્યમ છે. પણ વધતી જતી વૈશ્વિકરણની અસર હેઠળ “English Medium” ના પ્રભાવને નકારી ના શકાય.

  I studied in Gujarati Medium but did my college in English Medium. I would say that if you can catch up during transition period you will survive otherwise you will be among the bottom 90% people who are not noticed.

  I am a Chartered Accountant by profession and currently in Sydney, I would say that I dont regret studying in Gujarati medium but at the same time I wont let my Child study in Gujarati Medium because I want him/her to be a Global Person.

  Thank you

  Dhaval Khamar

 10. preeti hitesh tailor says:

  ઘણો જ સમય સર નો લેખ છે. સુંદર છણાવટ !! જ્ઞાન પ્રત્યેની ગંભીરતા કેળવવાને બદલે માધ્યમમાં અટવાયેલા ગુજરાતની શિક્ષણ પ્રણાલી પર સુંદર વિવેચન !!!

 11. અતુલ જાની (આગંતુક) says:

  ભાષાને શું વળગે ભૂર
  રણમાં જીતે તે જ શૂર

  રામકૃષ્ણ પરમહંસને બંગાળી સીવાય એક પણ ભાષા આવડતી નહોતી અને આજે તેમનું જ્ઞાન – રામકૃષ્ણ કથામૃત વિશ્વની ઘણી બધી ભાષાઓમાં પ્રગટ થઈ ચુક્યું છે.

  ગમે તે ભાષામાં ભણો, પરંતુ અભ્યાસમાં ઉંડાણ અને લગન જ સફળતા અપાવે છે. કોઈ અંગ્રેજી જાણવાથી Global Person નથી બની જતું પરંતુ Global Person બનવા માટે વિચારો Global હોવા જોઈએ.

 12. દિલીપ સુરાણી સરવડ says:

  સત્યમેવ જ્યતે…………

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.