મોર્નિંગ વોક મોફૂક – પ્રકાશ લાલા

અમે ઑફિસેથી થોડા મોડા આવ્યા પછી, રાત્રે જમી પરવારી, સવારે બાકી રહી ગયેલાં છાપાં ઉથલાવતાં, પલંગમાં આડા પડ્યા પડ્યા ટીવી ઉપર આવી રહેલી ‘અરરર…. હમેરે જૂનાગઢમેં તો બધા ઐસા જ કરતે હૈ…’ વાળી કેતકી દવેની ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલ જોઈ રહ્યા હતા.

ત્યાં જ શ્રીમતીજીએ એમને અચાનક યાદ આવ્યું હોય એમ કહ્યું : ‘અરરર… મેં તો ભૂલી ગઈ થી…’
‘શું ?’
‘સાંજે લાલાકાકા આવ્યા હતા… તમારા માટે કહી ગયા છે કે કાલે સવારે પાંચ વાગ્યે તૈયાર રહેજો… કાલથી મોર્નિંગ વોક શરૂ કરવાની છે….’
‘અરરર….’ હવે એવું કહેવાનો મારો વારો હતો. અમારાથી રાત્રે ગમે તેટલા વાગ્યા સુધીનો ઉજાગરો થઈ શકે છે. અરે, આખી રાત જાગી શકીએ છીએ, પરંતુ એક વાર ઊંઘી ગયા પછી પરોઢિયે વહેલા ઊઠવાની વાત આવે તો અમારા મોતિયા મરી જાય છે. એથી જ મોર્નિંગ વૉકની વહેલી સવારની શુદ્ધ હવા શ્વાસમાં લેવાના, વહેલા ઊઠવાથી આખો દિવસ પ્રાપ્ત થતી સ્ફૂર્તિ વગેરે ફાયદાની વિગતે માહિતી હોવા છતાં અમારાથી વહેલા ઊઠી ફરવા જવાનું અનુકૂળ આવતું નથી.

પણ લાલાકાકા કહી ગયા છે એટલે કાલે સવારે ઊંઘવા નહીં જ દે એ વિચારે અમારાથી ‘અરરર… અબ ક્યા હોગા !’ એમ જરા મોટેથી બોલાઈ ગયું.
‘શું થયું તમને ?’ શ્રીમતીજીએ ચિંતાથી પૂછ્યું.
‘કંઈ નહીં…. તું તારે સિરિયલ જો….’ અમે ઉત્તર આપ્યો. કેમ કે હવે સવારે વહેલા ઊઠવાની ચિંતામાં અમને તો સિરિયલમાંથી, છાપામાંથી, અરે સંસારમાંથી રસ ઊડી ગયો હતો.

આપણે સીઝનલ બિઝનેસ કરતા વેપારીઓને જાણીએ છીએ. દિવાળીમાં ફટાકડા, ગ્રીટિંગ્સ કાર્ડથી સજાવેલી દુકાનમાં દિવાળી પૂરી થતાં પતંગ અને દોરી – ફીરકીઓ લાગી ગઈ હોય…. ઉત્તરાયણ ઊજવાઈ જાય કે તરત રંગ ને પિચકારીઓ શરૂ થઈ જાય… એમની દુકાન જોઈને જ ક્યો તહેવાર હવે આવી રહ્યો છે તેની ઓટોમેટિક જાણ થઈ જાય….. અમારા રેડઅંકલ પણ એક પ્રકારે આવા સીઝનલ ધંધાદારી જેવા છે… દરેક તહેવાર, દરેક પ્રસંગ ને દરેક ઋતુ માટેના કાર્યક્રમોનું આયોજન એમની પાસે રેડી જ હોય છે…..! નવરાત્રિમાં ગરબા, નવા વર્ષે સોસાયટીનો સમૂહ મિલન સમારંભ, 26 જાન્યુઆરીએ ધ્વજવંદન ને રમતોત્સવ, ઉત્તરાયણ ઉપર ઊંધિયા – જલેબી પાર્ટી, શરદ પૂનમ, જન્માષ્ટમી એમ દરેકેદરેક પ્રસંગ સમયે સોસાયટીના સમૂહ કાર્યક્રમ માટે અંકલ ઉત્સાહી બની પ્રપોઝલ લઈને ઉપસ્થિત થઈ જ જવાના…..

એમ શિયાળો જામ્યો એટલે લાલાકાકાને મોર્નિંગ વોક યાદ આવ્યું…. એનો વાંધો નહીં, પણ એ સાથે અમને ઘસડી જવાનો આગ્રહ રાખે તે ખોટુંને ? પણ આ તો લાલાકાકાનો કાર્યક્રમ હતો. પરોઢિયે પાંચ વાગ્યે પનુભાઈ…. ઊઠો ચાલો ફરવાની હાઈ વોલ્યુમ પીપ….પીપ…. વગાડી જ દેવાના એ નક્કી…

એટલે અમે સિરિયલ જોવાનું પડતું મૂકી, વહેલાં ઊઠી શકાય તે માટે ઊંઘી જવાનું પસંદ કર્યું… પરંતુ અમારા ચહેરાના હાવભાવથી શ્રીમતીજીને લાગ્યું કે મોર્નિંગ વોકમાં જવાનું અમને પસંદ પડ્યું નથી તેથી તેમણે જીવનમાં નિયમિતતા, વહેલા ઊઠવાના ફાયદા, કસરતની જરૂર, વોકિંગ ઈઝ ધ બેસ્ટ એક્સરસાઈઝ વગેરે અંગે અમને લેક્ચર આપવા માંડ્યું.
‘ખબર છે બધી અમને’ સહેજ ચીડથી અમારાથી બોલાઈ ગયું….
‘તો પછી સવારે કાકા જોડે જજો, હોં….’ કહી અડોશ-પડોશ ને આખી સોસાયટીમાંથી કોણ કોણ સવારે વહેલા ઊઠી ચાર-છ કિલોમીટર ચાલવા જાય છે તેની યાદી પણ પૂરક માહિતીમાં આપવા માંડી….
‘બસ હવે…. હું અંકલ સાથે સવારે ચાલવા જઈશ…. કહેતી હોય તો અત્યારે જ નીકળી જાઉં…. પણ તું હવે ભાષણ બંધ કરી મને ઊંઘવા દે, જેથી સવારે હું વહેલો જાગી શકું…..’ અમારાથી ઊંચા અવાજે બોલાઈ ગયું….
‘અરરર…. મેં તો તુમારા સારા માટે બોલતી હું. બાકી હમેરે કો ક્યા પડી હૈ….!’ શ્રીમતીજીએ કેએસબીકેબીટી સિરિયલની કેતકી દવેની સ્ટાઈલમાં કહી મોં ચઢાવી દીધું…. અમે પણ સવારે તૈયાર થવાની કટાકૂટમાંથી બચવા પેન્ટ-શર્ટ સાથે જ લંબાવ્યું.

પરોઢિયે પાંચ વાગ્યે કાકાએ ઝાંપો ખખડાવ્યો ને ‘પનુભાઈ, રેડી ?’ એવી પીપ…પીપ… વગાડી ત્યારે અમે ભરનિદ્રામાં હતા…. પથારી ને રજાઈ છોડી ઊભા થવાની જરાય ઈચ્છા ન હતી, પરંતુ ઊઠીને બહાર જઈશ નહીં ત્યાં સુધી અંકલ ઝાંપો ખખડાવી ખખડાવીને તોડી નાખશે એમ લાગ્યું એટલે અમે ‘એ આવું અંકલ, પાંચ મિનિટ’ એમ બૂમ પાડીને કહ્યું… ફટાફટ સ્વેટર, માથે ટોપી ને પગમાં બૂટ-મોજાં ચઢાવી બારણું ખોલી ઘરની બહાર આવી ગયા.
‘વેરી ગુડ પનુભાઈ, ચાલો….’ લાલાકાકાએ અંધારામાં અમારો ચહેરો જોયો નહીં એટલે વેરી ગુડ કહી દીધું. જો ચહેરો જોઈ શક્યા હોત તો અમારો કંટાળો, નિરુત્સાહ, અંકલ તરફનો ગુસ્સો વાંચી લીધો હોત ને વેરી બેડ વેરી બેડ બોલી ઊઠ્યા હોત….
અંકલની પાછળ પાછળ અમે પણ મહાપરાણે ક્વિક માર્ચ શરૂ કરી.
‘પનુભાઈ, મેં મહેતા અને દરજીનેય કહ્યું હતું કે મોર્નિંગ વૉકમાં આવજો, પણ એ માયકાંગલાઓએ તો સ્પષ્ટ ના જ પાડી દીધી…. શિયાળામાં આવું નહીં કરે તો વહેલા મરશે….’ એમના આયોજનમાં સાથ ન આપ્યો એટલે કાકાએ દરજી-મહેતાને ભાંડ્યા….

અમારા ચાર પગ ને એક અંકલની જીભ સતત ચાર કિલોમીટર ચાલુ રહ્યાં… મોર્નિંગ વોકનો પ્રથમ દિવસ પૂરો થયો. આ ક્રમ બીજા ત્રણેક દિવસ ચાલ્યો. અમને ભારે કંટાળો આવતો હતો…. પણ પાંચમા દિવસે પરોઢિયે અમારી સવારની સફરને એક અકસ્માત નડ્યો. ઘરેથી નીકળી સોસાયટીના નાકે પહોંચ્યા…. ત્યાં ઠંડીથી બચવા ટૂંટિયું વાળીને સૂઈ રહેલું કૂતરું અંધારામાં અંકલને દેખાયું નહીં ને એમનો પગ એની પૂંછડી ઉપર પડતાં જ કૂતરાએ ઊભા થઈ જોરથી વાઉ વાઉ કર્યું કે લાલાકાકા ગભરાઈને અમારો સંગાથ કર્યા વિના દોડ્યા…. એમને દોડતા જોઈ, કૂતરું પણ થોડે સુધી પાછળ દોડ્યું ને પછી પાછું આવીને સૂઈ ગયું… પણ કૂતરાના ડરથી ભાગેલા અંકલે પાછું વાળીનેયે જોયું નહીં કે હવે કૂતરું નથી આવતું… એ ગયા ને અમે રહી ગયા… એમ એ દિવસે મોર્નિંગ વોકની અમારી જોડી ખંડિત થઈ…. અમે ચાલ્યા ને કાકાએ મોર્નિંગ રનિંગ કર્યું…

એ સાંજે લાલાકાકાએ અમે ઑફિસેથી ઘરે આવીએ તે પહેલાં જ શ્રીમતીજીને સંદેશો આપી દીધેલો કે સવારે દોડવાથી પગમાં મોચ આવી હોવાથી કાલથી થોડા દિવસ સવારે ચાલવાનો કાર્યક્રમ મોકૂફ રાખેલ છે. રાત્રે શ્રીમતીજીએ અમને સમાચાર આપ્યા : ‘અરરર…. બોત ખરાબ હો ગયા… લાલાકાકા કા પગ મચકોડાઈ ગયા એટલે હમણાં તુમારા દોનું કા મોર્નિંગ વોક બંધ હૈ…..’
‘અરરર….. યે તો બહોત અચ્છા હુઆ…’ સમાચાર સાંભળીને અમારાથી બોલાઈ ગયું.
‘શું ?’ શ્રીમતીજીએ પૂછ્યું….
‘કંઈ નહીં…’ બોલાઈ નહીં, બફાઈ ગયું છે એમ ખ્યાલ આવતાં અમે છાપામાં માથું ખોસી દીધું….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અભ્યાસનું માધ્યમ – ભવેન કચ્છી
ભગવાન અને જીવણલાલ – માવજી મહેશ્વરી Next »   

7 પ્રતિભાવો : મોર્નિંગ વોક મોફૂક – પ્રકાશ લાલા

  1. Hardik Pandya says:

    અર્ર્ર્ર ક્યા આર્ટીકલ લીખા ચ્હે ઃ)

  2. rutvi says:

    અરરર …
    બહુ જ રમુજી છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.