ભગવાન અને જીવણલાલ – માવજી મહેશ્વરી

પથારીમાં બેઠા થઈ ગયેલા જીવણલાલ પોતાના ઘરને ચકળવકળ જોઈ રહ્યાં. ગળાનો હૈડિયો ઊંચોનીચો થવા લાગ્યો. છોકરાની વચ્ચે સૂતેલી ઘરવાળી સામે જોઈ ઘડીભર આંખો મીંચી મનોમન બોલ્યા : અરે ! આને સૂતાં જ ન આવડ્યું. કેટલીય વાર સમજાવ્યું કે હવે છોકરા મોટા થઈ ગયા છે. તોય…. તેમણે પત્નીનાં સરી ગયેલાં કપડાં સરખાં કરી નાખ્યાં. જાગી ગયેલ પત્ની કંઈક જુદું જ સમજી મોં બગાડતાં તેણે કહ્યું : સૂવા દ્યોને તમારી ભલાઈ.

જીવણલાલે માથું ધુણાવ્યું. તેમણે પત્નીને હલબલાવી નાખતાં કહ્યું : ‘મને કાંઈ ખપતું નથી. તું ઊઠ મારે એક વાત કે’વી છે.’ જીવણલાલના મોં સામે જોતાં તેમની પત્ની જરા ડરીને બેઠી થઈ ગઈ. વાત કઈ રીતે માંડવી તેની અવઢવમાં ક્ષણેક અટકીને જીવણલાલ બોલી પડ્યા : ‘સાંભળ, આપણા ઘેર ભગવાન પધારવાના છે. હમણાં જ મને કહી ગ્યા.’
‘સપનું જોયું છે ને ?’
‘હા. સપનું. પણ સપનામાં જે કીધું એ બધું મારે કરવાનું છે. ને ભગવાન આપણે ત્યાં મે’માન થવાના છે.’
‘મને તો એમ કે શુંયે વાત હશે.’
જીવણલાલ જરા નારાજી સાથે બોલ્યા : ‘અરે ! તું સમજ. આ ખાલી સપનું નો’તું. હું બધું બરોબર જોતો’તો. ભગવાને કીધું : જીવણલાલ, તમે મારા સાચા ભગત છો. તમે ખોટું કરતા નથી. હરામનું ખાતા નથી. રોજ મંદિરે જાવ છો. હું તમારા પર રાજી થ્યો છું. હું તમારો મે’માન થાઈશ. પણ મેં તો કીધું ભલે ભગવાન પણ હું તો સાવ ગરીબ માણસ છું.’
‘એમ તે કે’વાતું હશે ?’
‘આપણે તો બધું કઈ દેવું પડેને. ને ઈ ભગવાન છે. એને તો આમેય બધી ખબર પડી જ જાતી હશેને.’
‘ક્યા ભગવાન હતા ?’
પત્ની આવો સવાલ કરશે એવી જીવણલાલને ક્યાંથી ખબર ? એ ઘડીભર મૂંઝાઈ ગયા. યાદ કરી જોયું પણ બરોબર યાદ ન આવ્યું. તેમણે માથું ખંજવાળતાં કહ્યું : ‘એ તો યાદ નથી પણ એ ભગવાન હતા ઈ નક્કી.’
‘પણ ભગવાન તો કેટલાય છે. ઈ શંકર હતા, રામ હતા કે કૃષ્ણ હતા કે બીજા કોઈ ? ને તમે એમને ઓળખશો કઈ રીતે ?’

જીવણલાલ હરખથી બોલ્યા : હા, ભગવાને કીધેલું કે જીવણલાલ સવારે તમે નહાઈને નદી બાજુ ચાલ્યા આવજો. રસ્તામાં લાલ કમળનું ફૂલ પડ્યું હશે. એ ઉપાડી લેજો. નદીના કૂવા પર એક બ્રાહ્મણ નાહતો હશે. એ નહાઈ લે એટલે એને ફૂલ આપી દેજો. ફૂલ આપશો એટલે એ બ્રાહ્મણ તમને ભીનું ધોતિયું આપશે. તમે ધોતિયું લઈ ઘેર આવી જજો. એ બ્રાહ્મણ તમારી પાછળ જ ચાલ્યો આવશે. એ બ્રાહ્મણ એટલે હું પોતે હોઈશ.
જીવણલાલની પત્નીના મોં પર રંગીન બત્તીઓ લબકઝબક થવા લાગી. તેણે પૂછી નાંખ્યું : ‘ભગવાને બીજું કાંઈ કીધું ? મતલબ કાંઈ….’
જીવણલાલ સમજી ગયા. ‘હા, તેમણે કીધું કે જીવણલાલ તમે મારી પાસેથી કાંઈ માંગતા નહીં.’
‘એવું કીધું ભગવાને ?’
‘હા, પણ આપણે ક્યાં કાંઈ ખપે છે ? આપણે તો ભગવાનનાં દર્શન થઈ જાય એટલે ભવ સુધરી ગ્યો. માણસો ભગવાન સારું કેવાં કેવાં તપ કરે છે ને આ તો જાતે ભગવાન આપણા ઘેર આવશે. તું વિચાર તો કર. જ્યારે ભગવાન આપણે ત્યાં આવે છે પછી ચિંતા શેની ? ને એવું કાંઈ હોય તો તું બેઠી છોને, સાચવી લેજે.’
‘પણ ભગવાન સાચે આવશે ?’
‘આપણી ભગતી સાચી હશે તો જરૂર આવશે.’

જીવણલાલની પત્નીની ઊંઘ ક્યાંય ભાગી ગઈ. તેને તો જીવણલાલમાં જ ભગવાન દેખાવા લાગ્યા. ભળભાંખળું થવામાં હતું. જાણે એકાએક સતયુગ જીવણલાલના આંગણામાં ઊતરી આવ્યો. જીવણલાલની પત્ની એકદમ આજ્ઞાંકિત બની ગઈ. તેણે જીવણલાલ માટે પાણી મૂક્યું. આંગણું વાળી નાખ્યું. ઘરમાં ઝાપટઝૂપટ કરી નાખી. નહાઈને પવિત્ર જેવા થઈ ગયેલા જીવણલાલે પાંચસાત અગરબત્તીઓ પેટાવી ઘરને સુગંધ સુગંધ કરી નાખ્યું. ગોદડાં પર આળોટતા છોકરાને જીવણલાલની પત્નીએ પ્રેમપૂર્વક ઉઠાડ્યા. સારી પેઠે નવડાવ્યા. છોકરાને સમજાતું નહોતું કે એમની મા આવડી હેતાળવી કેમ થઈ ગઈ.

જીવણલાલને ચાની તલબ લાગી. પણ તેમણે નક્કી કરી લીધું હતું કે એક વાર ભગવાનનાં દર્શન થઈ જાય પછી જ મોંમાં કંઈક મૂકવું અને બીડી તો હવે કદી પીવી જ નહીં. તેમણે બીડી-બાક્સવાળા અને નળિયાં વચ્ચે મૂકી દીધાં. આછું આછું અજવાળું પથરાયું. જીવણલાલ જરા કંપતે ડિલે નદી બાજુ રવાના થયા. તેમને મૂક વિદાય આપતી હોય તેમ એમની પત્નીએ પ્રાર્થના કરી : ‘હે ભગવાન ! તમે જે કીધું છે એ પાળજો. એમણે સાચા મનથી તમારી ભગતી કરી છે.’ માનાં વાક્યો સાંભળી રહેલા મોટા છોકરાએ પૂછ્યું : ‘મા, કોઈ મે’માન આવવાના છે ? બાપા ક્યાં જાતા’તા ?’
‘હા બેટા, બહુ મોટા મે’માન આવવાના છે. આપણા ઘેર ભગવાન પધારવાના છે.’
છોકરો જોરથી હસી પડ્યો. નાનાએ પણ એમાં સૂર પુરાવ્યો. પણ રોજની જેમ ગુસ્સે થયા વગર જીવણલાલની પત્નીએ છોકરાને સપનાવાળી વાત ગદગદ થતાં કહી સંભળાવી. છોકરા ગંભીર થઈ ગયા.
*****

ભગવાન આવી ગયા. જીવણલાલ તો ઊડવા લાગ્યા. હવે કામે જવાનું થોડું હોય ? જીવણલાલ મૂળે મુકાદમ. એમનો કોન્ટ્રાક્ટર રાડો પાડવા લાગ્યો. સાઈટ પર મજૂર કામ કરતા ન હતા. જીવણલાલ એ બધું જ ભૂલી ગયા હતા. એમને મજા પડી ગઈ હતી. જીવણલાલની પત્ની હરખની મારી કાંઈ બોલી શકતી ન હતી. એને તો ભગવાનને કેટલુંય પૂછવું હતું, પણ કાંઈક જીવણલાલે જ તાકીદ કરેલી કે ભગવાનને ઉપરનું કાંઈ પૂછવું નહીં. ભગવાન અંદરના ઓરડામાં ખાટલા પર આડા પડી બધું જોયા કરે, મલક્યા કરે. ક્યારેક આંખો બંધ કરીને બેસી જાય. પણ જીવણલાલ ત્યાંથી ખસે નહીં. મુકાદમનો માણસ રોજ આંટા મારે.

ભગવાને જીવણલાલને કહેલું કે ‘કોઈને કહેવું નહીં કે હું તમારે ત્યાં છું.’ પણ આ તો ભગવાન આવ્યા જેવડી વાત ! છાની રહે ખરી ? આમેય અડખેપડખેવાળાને નવાઈ લાગતી હતી કે જીવણલાલના ઘેર આ તે કેવા મે’માન આવ્યા છે. જે બહાર જ નથી નીકળતા. પણ જીવણલાલના છોકરાઓએ જરી કોઈને કહી દીધું હશે. અને વાત ફેલાઈ. ફેલાઈ તે એવી ફેલાઈ કે જીવણલાલના ઘરનો રસ્તો ઘસાઈને ઊંડો થવા લાગ્યો. આખો દિવસ માણસો માણસો ને માણસો. થોડા દિવસ તો જીવણલાલને મજા આવેલી પણ પછી એ ન ખાઈ શકે, ન પી શકે. ને એમાંય જે આવે તે સીધો ભગવાન પાસે. જીવણલાલને તો કોઈ બોલાવે પણ નહીં. જીવણલાલ જાણે કોઈ ધર્મશાળામાં રહેતા હોય. રાત્રે ભગવાનને એ બધું કે’વાનું મન થાય પણ એ કહે નહીં. ભગવાન તો લોકો સામે જુએ. મલકે, બીજું કશું જ નહીં.

એક દિવસ ફળિયામાં જીપ આવીને ઊભી રહી. ચપોચપ કપડાં પહેરેલી સોટા જેવી એક છોકરીએ જીપમાંથી ઊતરતાંક આંખો આડે આવતા વાળ હટાવીને પૂછ્યું – ‘ક્યા જીવણલાલ યહી રહતે હૈ ?’
કોઈક જીવણલાલને છોકરી સામે લઈ આવ્યું. હાડ ગાળી નાખે એવું હસતાં એ છોકરી બોલી : ‘આપ હી જીવણલાલ હૈ ? ઓહ ! હમ આપસે મિલને આયે હૈ.’ છોકરીના કપડાંમાંથી આવતી મીઠી સુગંધ જીવણલાલને ગમી ગઈ. છોકરીએ એની સાથે આવેલા એક જણ જોડે ભગવાનને સમજાય એવી ભાષામાં કંઈક સંતલસ કરી અને ફરી જીવણલાલ સામે મીઠું હસતાં બોલી : ‘દેખીયે જીવણલાલ, હમ દર્શન ટી.વી. સે આયે હૈં. સુના હૈ આપકે ઘર ભગવાન આયે હૈ ?’
છોકરી સાથે આવેલા કૅમેરામેને કૅમેરા ખભા પર ગોઠવ્યો. જીવણલાલની ગલી, આંગણું, માણસો, ઘર બધું અંકે કરી જીવણલાલ સામે કૅમેરો માંડ્યો. જીવણલાલની જીભ ગડથોલિયું ખાઈ ગઈ. હોઠ સુકાવા લાગ્યા. કૅમેરાની સામે જોઈ રહેતાં તેમણે હડબડાટમાં કહી દીધું – ‘હાં હા, આયે હૈ, માંયલીકોર બૈઠે હૈ, આપ જાતે દેખીયે ન.’
‘જીવણલાલ, હમેં યે બતાઈએ કી યે સબ કૈસે હુઆ ? મતલબ ભગવાન આપકો કૈસે મિલે ?’

જીવણલાલને ઘણું કહેવું હતું પણ તેમને લાગ્યું હિન્દીમાં ઝાઝું ખેંચાશે નહીં. તેમણે મૂંઝાઈને આમતેમ જોયું. કૅમેરા જોઈ જીવણલાલની પાછળ ટોળું વળી ગયું. જીવણલાલને રાહત થઈ ગઈ. એમને ખબર હતી કે એમની પત્ની મજૂરણો સાથે ખાસ્સી હિન્દી બોલી લે છે. તેમણે પેલી છોકરીને કહ્યું : ‘યે મેરી ઘરવાલી કે’શે.’ છોકરીએ માઈક જીવણલાલની પત્ની સામે ધર્યું. જીવણલાલની પત્નીએ એની લખોટી જેવી આંખો ગોળ ગોળ ફેરવી પછી ચમચીક હસતાં એણે બમ્બઈયા હિન્દીમાં જાવા દીધું. છોકરીએ જીવણલાલ સામે માઈક ધરતાં કહ્યું : ‘જીવણલાલ, ક્યા વો ભગવાન હી હૈ ?’
જીવણલાલને આ ગમ્યું નહીં : ‘તો શું ભવાઈ વાલા હૈ ? વો ભગવાન જ હૈ. તુમ ઉનકો પૂછો ને ?’

જીવણલાલ, પેલી છોકરી, કૅમેરામેન અને નાનું ટોળું સીધું ભગવાન સામે. જીવણલાલે ઉત્સાહમાં જરા જોરથી કહ્યું : ‘બધા બાર જાવ. ભગવાનને ગરમી થાય છે.’ થોડાક બહાર ચાલ્યા ગયા. બાકીના ભીંતસરસા થઈ ગયા. કૅમેરાની લાઈટથી ઓરડો ઝળહળી ઊઠ્યો. ભગવાન ખાટલા પર પલાંઠી વાળી આંખો બંધ કરીને બેઠા હતા. કૅમેરામેને ભગવાન પર ફ્લેશ પાડ્યો. ભગવાને ન આંખો ખોલી. ન કાંઈ બોલ્યા. થોડી વાર મૌન છવાઈ ગયું. કૅમેરામેને પત્રકાર છોકરી સામે જોયું. છોકરીએ જીવણલાલ સામે જોયું. જીવણલાલે ભગવાન સામે જોતા કહ્યું : ‘ભગવાન, આ ટી.વી.વાળાને તમારાથી વાત કરવી છે.’
ભગવાને ધીમેથી આંખો ખોલી. છોકરીએ ભગવાન સામે માઈક ધરતાં કહ્યું : ‘યે સબ લોગ આપકો ભગવાન કહ રહે હૈ. ક્યા યે સચ હૈ ?’
જીવણલાલને વળી ન ગમ્યું. ભગવાને ફરી આંખો મીંચી દીધી. એમના હોઠ પર એક સ્મિત રમી રહ્યું હતું. ભગવાનના ચહેરા પર એકધારી લાઈટ પડતી હતી. થોડી વાર રાહ જોયા પછી છોકરીએ ફરી પૂછ્યું : ‘આપ જવાબ દીજીએ ન ! ક્યા આપ વાકઈ ભગવાન હૈ ! અગર આપ ભગવાન હૈ તો હમસે બાત કીજિયે.’

ભગવાને ધીમેથી આંખો ખોલી છોકરી સામે જોયું. એમનું સ્મિત જરા મોટું થયું અને ફરી આંખો મીંચી દીધી. છોકરીએ સવાલ બદલ્યો – ‘આપ બોલતે ક્યોં નહીં ? આપ ભગવાન હૈ તો બોલીએ. ઔર ભગવાન હોને કા પ્રમાણ દીજીએ.’
ભગવાન થોડું હસ્યા. છોકરીની ભાષા જરા વેધક થઈ.
‘લગતા હૈ આપ કોઈ ભગવાન નહીં હૈ. આપ ખુદ કો ભગવાન બતાકર ઈનકી ભાવનાઓં સે ખિલવાડ કર રહે હૈ. અગર આપ ભગવાન હૈ તો સબૂત દીજીએ કૅમેરે કે સામને.’
હમણાં કંઈક થાશેની તાકમાં ઊભેલા જીવણલાલ નિરાશ થયા. ભગવાન થોડું વધુ હસ્યા. કંટાળેલી છોકરીએ કૅમેરામેનને ઈશારો કર્યો. લાઈટ ઑફ થઈ ગઈ. છોકરીએ ભગવાન પર અછડતી નજર નાખી અને તંગ ચહેરે બહાર જવા લાગી. છોકરીને પડખે ચાલતાં ચાલતાં જીવણલાલે કહ્યું – બેન, વો ભગવાન જ હૈ, વો બોલતે નંઈ હૈ પણ વો માણસ નહીં હૈ. માતાજી કી કસમ.
‘વો ક્યા હૈ યે હમને દેખા. ઔર આપ ભી આજ રાત કો નૌ બજે દેખના.’

જીપ ચાલી ગઈ. પાછળ શંકાનાં વાદળો મૂકી ગઈ. ભગવાન આવ્યે ખાસ્સા દિવસો થઈ ગયા હતા. ગામલોકોને ખબર પડી કે આજે જીવણલાલનું ઘર અને ભગવાન બધું ટીવીમાં દેખાશે. બધા રાતના નવ વાગ્યાની વાટ જોતા રહ્યા. એય ભૂલી ગયા કે ગામમાં સ્વયં ભગવાન બેઠા છે. રાત્રે ભગવાનને ખરાબ ન લાગે એ રીતે જીવણલાલ ટીવી જોવા ચાલ્યા ગયા. એમના ઘેર ટીવી નહોતું. નવ વાગ્યા. સમાચાર આવ્યા. ટીવીમાં જીવણલાલનું ઘર, એમની પત્ની, વળગણી પર સુકાતાં કપડાં, ગોબાયેલાં વાસણો સહિત જીવણલાલ દેખાયા. જીવણલાલ મરકમરક થતાં પોતાને ટીવીમાં જોઈ રહ્યા. સમાચાર પૂરા થતા હતા ત્યારે ગામના પાદરમાં ઊભીને પેલી સોટા જેવી છોકરી બોલતી હતી એવું દેખાયું. છોકરી કહેતી હતી – ‘ભગવાન કે નામ પર કોઈ બહુરૂપિયા શાયદ જીવણલાલ કી આસ્થા કો હથિયાર બનાકર પૂરે ગાંવ કો ઠગ રહા હૈ. હમે એક ભી ઐસા આદમી ગાંવ મેં ન મિલા જીસને ભગવાન કા કોઈ ચમત્કાર દેખા હો.’

જીવણલાલને સાત-પાંચ થઈ પડી. પાછા વળતાં પગ ઢીલા થવા લાગ્યા. ઘેર આવ્યા. થાકેલી ઘરવાળી ઓટલા પર આડી પડી હતી. જીવણલાલ સીધા ભગવાન પાસે ઊભા રહ્યા. ભગવાને આંખો ખોલી અને જીવણલાલ સામે જોયું. જીવણલાલના મોં પર કચવાટ હતો. ભગવાને પૂછ્યું : ‘બહુ દુ:ખી દેખાઓ છો જીવણલાલ. શું થયું છે ?’
‘શું થાય ? તમે ભગવાન જેવા ભગવાન બેઠા છો ને લોકો કે’ છે તમે ભગવાન નથી. આજે ટીવી પર આવી ગ્યું. તમે એકાદ નાનકડો ચમત્કાર કરી બતાવ્યો હોત તો એ બાઈ એવું તો ન કે’ત કે તમે બહુરૂપી છો.’
ભગવાન હસ્યા. ‘જીવણલાલ, તમે શું માનો છો ?’
‘હું તો…. તમે સોળ આના ભગવાન છો. પણ તમારેય જરૂર પડે કંઈક કરી બતાવવું પડે કે’ નંઈ ? લોકો મને મૂરખ ગણે છે.’
‘તમે સૂઈ જાવ જીવણલાલ. થાકી ગયા છો.’ કહી ભગવાન હસ્યા.
‘ભલે પણ ભગવાન એક વિનંતી છે. કાલથી મારે કામે જવું પડશે. હવે ઘરમાં ઝાઝું રે’વાય એમ નથી. પછી જરા ખચકાઈને બોલ્યા…. જો ભગવાન, તમે કાંઈ…’
ભગવાન ખડખડાટ હસી પડ્યા. ‘જીવણલાલ, આપણા વચ્ચે જે નક્કી થયું હતું તે યાદ છે ને !’
‘હા, ભગવાન.’
****

જીવણલાલની આંખો વહેલી ઊઘડી ગઈ. તેમણે ખુલ્લા બારણામાંથી અંદર નજર કરી. ભગવાન ખાટલા પર ઘસઘસાટ ઊંઘતા હતા. પત્ની ચૂલા પર ચા ઉકાળી રહી હતી. જીવણલાલે ઝટપટ દાતણ-નહાવાનું પતાવ્યું અને આંગણામાં લીમડા હેઠે ઢાળેલા ખાટલા પર આરામથી બેઠા. એમની પત્ની ચા લઈને આવી. જીવણલાલે ટેસથી ચા પીધી. ચા પી લીધા પછી ઓચિંતુ એને યાદ આવ્યું કે ઘણા સમયથી બીડી પીધી નથી. તેમને બીડીની તીવ્ર તલબ ઊપડી. એમને યાદ આવ્યું કે નળિયાં નીચે બીડી-બાક્સ પડેલા છે. તેમણે બીડી-બાક્સ કાઢ્યા અને ખાટલા પર બેઠાં બેઠાં બે બીડી ફૂંકી નાખ્યાના ટેસ સાથે ઊભા થયા. હાથ ઊંચા કરી આળસ મરડતાં પત્નીને કહ્યું : ‘એય ! ભગવાન ઊઠે તો પાણી ગરમ કરી દેજે. હું જરા મંદિરે જાઉં છું.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મોર્નિંગ વોક મોફૂક – પ્રકાશ લાલા
લો, ઝુકાવ્યું હામ સાથે – અભિલાષ શાહ Next »   

21 પ્રતિભાવો : ભગવાન અને જીવણલાલ – માવજી મહેશ્વરી

 1. Tejas says:

  ખરેખર!! ચમત્કાર ને જ નમસ્કા૨ !!!!

 2. bhavi shah says:

  વાર્તા મા શુ કહેવા માંગે છે એ જ ખબર નથિ પડતી.

 3. ભાવના શુક્લ says:

  અંતર મનને ઝણઝણાવી જતી વાત છે. ઍક વાર જરુર વિચાર આવી જાય કે આપણે બધાજ જીવણલાલ જેવાજ નથી? શ્રદ્ધાના વિષયને મટિરિયાલીટીથી તોલી આપણે આપણી જાતને આમ જ ઈશ્વરતત્ત્વથી અળગી કરી દિધી છે. ઇશ્વરને દલીલનો વિષય બનાવી અંતરઆત્માને ઢંઢૉળતી માવજી મહેશ્વરીની વ્યંગવાર્તા ક્યાય સુધી વિચારતા રાખી શકે છે.

 4. Trupti Trivedi says:

  If you find God within then why you are searching outside? Last line throws light on it.

 5. ગાંડાભાઈ વલ્લભ says:

  મેં તો આ વાર્તામાં હાસ્ય રસ જ માણ્યો. જો કે એ ન સમજાયું કે જીવણલાલને મહારાજનું સ્વપ્ન શી રીતે આવ્યું? કદાચ જીવણલાલ અવારનવાર વહેલી સવારે નદીએ નાહવા જતા હોય અને ભુદેવને સ્નાન કરતાં જોયા હોય અને એ રીતે સ્વપ્ન આવ્યું હોય!
  વાર્તા ગમી.

 6. Manish says:

  હું જરા મંદિરે જાઉં છું.

  અલ્યા બીજા કયા અને કેટલા ભગવાન જોઇયે છે તારે? ટિપીકલ માણસની ફીલ્લમ ઊતરી છે. સ્ટાઈલ જૂની છે પણ અંત નવો છે! અફલાતૂન માવજીભાઈ અને આભાર શાહ સાહેબ!

 7. Maharshi says:

  🙂 khub saras

 8. Priyank Soni says:

  એક્ષેક્ટ્લી ખબર ના પડી.

 9. Suchita says:

  કઇ ખબર ના પડી…..

 10. Tejal says:

  ખબર ના પડી…

 11. Viren Shah says:

  Bhagvan ghar ma aavya chha ta ye Jivanlal Bhagvan na darshan karva mandie gaya. Very good story…Bhagvan no bhakt sathe ek anagat sambandh hoy chhe. DArek vykti bhagvan ne potpotani rite juve chhe. Kok na man ma Bhagvan pita hoy chhe, kok na man ma mitra to kok na man ma e Bhagvaniyo pan hoi shake. Koik bhagvan ne manma Tame kahi ne sambodhe to koik ene Tu kahine bolave. Shraddha ane Satya vachche ketlo farak chhe e mulavani jarur j nathi. E darek no potano hakk chhe ketli shraddha thi bhakti karvi.

  Bhagvan par ni shraddha ane loko ni manyata-o ni sundar varta….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.