નૌકાવિહાર – અશ્વિની બાપટ

દસમા ધોરણથી મારી અને એની મૈત્રી શરૂ થઈ હતી. ત્યારે કેટલાક આશાસ્પદ વિદ્યાર્થીઓનો એક અલગ વર્ગ કર્યો હતો તેમાં હું એને પહેલી વાર મળી. ચપોચપ તેલવાળું માથું, કચકચાવીને બાંધેલા બે ચોટલા, તગતગતું કપાળ. મારી જેમ જ એ પણ સામાન્ય દેખાવની. એ ચશ્માં પહેરતી, ઓછું બોલતી. હું વાતોડિયણ. છ માસિકના પરિણામ પછી અમારો સ્પેશિયલ વર્ગ બનાવ્યો ત્યારે મેં જ એની સાથે વાત શરૂ કરી હતી.
‘તું ‘એ’ ડિવિઝનમાંથી છે ને ?’
‘હા.’
‘છ માસિકમાં કેટલા ટકા આવ્યા ?’
‘સિત્તેર’
‘તો બોર્ડમાં તો એંસી, નહીં ?’
‘જોઈએ.’
‘હા, એમ કંઈ ધાર્યું ન ઊતરે. મારી મમ્મી કહે છે કે સ્ટીફન્સમાં જવું હોય તો ઓછામાં ઓછા પંચાસી ટકા જોઈએ.’
‘તું સ્ટીફન્સમાં જવાની ?’ એની આંખ પહોળી થઈ ગઈ. ખરેખર તો મારે એને એમ કહેવું હતું કે મને છ માસિકમાં એંસી મળ્યા. પણ એણે મને કંઈ પૂછ્યું જ નહીં તેથી હું મારી વાત આ રીતે વધારતી હતી. ત્યાં જ એણે કહ્યું : ‘હા – તને તો આરામથી મળી શકે. છ માસિકમાં એંસી એટલે બોર્ડમાં નેવું તો આવે જ.’
મને આશ્ચર્ય થયું. એને મારા વિશે ખબર હતી. એ તો મારું નામ પણ જાણતી હતી અને મને એનું નામ પણ ખબર નહતું.
‘પ્રેરણા સંઘવી.’

ત્યારથી પ્રેરણા મારી બહેનપણી. અમે બે સાથે ને સાથે જ રહેવા માંડ્યા. એની સાથે બહેનપણાં થયા પછી હું બીજાઓ સાથે વધુ વાત કરતી નહીં. રિસેસ પછી અમારા ગણિતના સરને આવતાં હંમેશાં વાર થાય ત્યારે વર્ગમાં ધિંગામસ્તી ચાલુ હોય. ડબ્બા પડવાના, છોકરીઓની હાહા-હીહીના ઘોંઘાટ વચ્ચે અમે બે ત્રીજી બેન્ચ પર એકમેકની આંખમાં આંખ પરોવી ધીમે અવાજે વાતો કરતાં બેસીએ. પ્રેરણા વિજ્ઞાનની અવનવી વાતો કરે. એના ઘરે વિજ્ઞાનનું એક ખાસ માસિક આવતું, તેમાંથી કંઈક વાંચ્યું હોય તેના વિશે કહે. હું રસથી સાંભળી રહેતી. ક્યારેક મોટા થઈને શું બનવું તે પણ અમારો વિષય હોય. અમને બન્નેને સાયન્સ લેવું હતું. પ્રેરણાને મેડિકલમાં રસ હતો, મને શિક્ષક બનવું હતું. આર્ટસના વિષય પણ મને ગમતા અને ગણિત તો મને ખૂબ જ ગમે. કોઈક વાર પ્રેરણા કહેતી, ‘મને નાટકમાં કામ કરવાનું ગમે.’ તો હું કહેતી, મારે બિઝનેસ કરવો છે. અમારી કારકિર્દીના પ્રશ્ન સામે જવાબોનું મુક્તાંગણ હતું અને અમારી કલ્પનાઓને કશું જ નડતું નહીં. હું જે કંઈ કહું તેને એની માન્યતા હોય અને એ જે કંઈ કહે તેમાં મારી. અમારી વાતોમાં આ ઉપરાંત અત્યંત ખાનગી વાતો પણ હોય. દા.ત. મારા કઝિન ભાઈએ એક વાર મને ચુંબન કર્યું હતું એ મેં પ્રેરણાને કહી દીધું હતું. અમે બેઉ કોઈ ખાસ ખાસ છોકરાઓ સાથે ફલર્ટ પણ કરતાં. અને એના પરથી મનમાં જે ઊથલપાથલ થાય એ વિશે પણ એકબીજાને કહેતાં.

દસમાની પ્રિલિમ્સ પછી અમારી સ્કૂલની પિકનિક ગોઠવાઈ. ત્યાં એક સરોવર હતું. બધા નૌકાવિહાર માટે જવાના હતા પણ પ્રેરણાને પાણીનો ખૂબ ડર. એને જવું ન હતું તેથી હું પણ ન ગઈ. બધા ગયા પછી અમે આસપાસ ફરતાં ફરતાં બહુ બધી વાતો કરી. પ્રેમ, લગ્ન તે વિશે. મેં જે વિચારો કહ્યા તેનાથી પ્રેરણા સહમત ન હતી. હું લગ્નમાં માનતી ન હતી. શારીરિક સંબંધ માટે લગ્નની મહોર હોવી જ જોઈએ એવું નથી એમ માનતી હતી. આવી વાતો તો ક્યાંથી ખૂટે ? જીવનની શરૂઆતમાં આ બધા વિષયો માટે અમે કાચાં હતાં અને અમારા વિચારો આકાર લઈ રહ્યા હતા. બધા પાછા આવ્યા ત્યારે અમે તેમની સાથે રમવામાં પણ સામેલ ન થયાં એટલે એક જણે કહ્યું : ‘આ લોકોનો નૌકાવિહાર તો હજી અહીં ચાલુ છે.’

એ પછી અમે એકમેક સાથે વાતોમાં ગૂંથાયાં હોઈએ તેને ‘નૌકાવિહાર’ કહેવાનું. એ પછી મેં સ્ટીફન્સમાં એડમિશન લીધું અને એણે કોઠારી કોમર્સ કૉલેજમાં. નવા મિત્રો મારી જેમ જ એને પણ મળ્યા. અમારી મુલાકાત માટે ‘નૌકાવિહાર’ શબ્દનું ચલણ જારી રાખ્યું. અત્યંત અંગત વાતો કરવાની સમીપતા પણ એવી જ. ફિલોસોફી, સાહિત્ય, જીવશાસ્ત્ર, કોમર્સ, બોયફ્રેન્ડઝ્, શિક્ષકો, પોલિટિક્સ, પ્રેમ…. બે વખત મારું બ્રેકઅપ થઈ ગયું હતું અને તે પછી અજય સાથે મારું ખાસ્સું જામતું. અજયને જીવનસાથી બનાવવાનાં સપનાં જોતી હતી. પ્રેરણા સાથે તેની ઓળખાણ પણ કરાવી. હું અને અજય ખૂબ સાથે રહેતાં, ફિલ્મો જોતાં, દૂર દૂર ફરવા પણ જતાં. પણ દોઢેક વરસમાં અજય અચાનક બદલાઈ ગયો. મને ટાળવા માંડ્યો. પ્રેરણા પાસે હું ઘણી વાર રડતી. પ્રેરણા કોઈ પરિપક્વ કાઉન્સિલરની જેમ મને હૈયાધારણ આપતી. મને કહેતી, ‘આમાં તારો તો કોઈ વાંક નથીને ? બસ તો, કોઈ આપણી સાથે આવું કશુંક કરી જાય તેમાં આપણેય શું કરી શકીએ ? નકામી પીડાય છે – ભૂલી જા એને.’

ગ્રેજ્યુએટ થયા પછી હું જિનેટિક્સમાં આગળ વધી. એમ.એસ.સી અને પી.એચ.ડી પ્રેરણા તરત જ પરણી ગઈ. એરેન્જડ મેરેજ. મેં રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં માર્ગદર્શકની નોકરી લીધી. આ દરમિયાન મારો-પ્રેરણાનો સંપર્ક નહિંવત્ થઈ ગયો હતો. એ પછી એક સાંજે ઘરે પાછી ફરી રહી હતી ત્યારે અચાનક માર્કેટમાં ભટકાઈ ગઈ. શેરડીનો રસ પીવા ગયા ત્યાં સુધીમાં એણે ગુડ ન્યુઝ આપી દીધા. કેટલી સુંદર દેખાતી હતી એ. સિલ્કની સાડી, હાથમાં કાચની ચૂડીઓ અને કપાળમાં મોટો લાલ ચાંદલો. એની બડબડ ચાલુ હતી ત્યાં અચાનક થોભીને કહે, ‘તું કેમ કંઈ બોલતી નથી ?’
‘તને સાંભળી રહી છું.’
‘તેં શું વિચાર કર્યો છે હવે ?’
‘મારે પરણવું નથી.’
‘અજયના શું ખબર ?’ પ્રેરણાએ અચકાતાં પૂછ્યું.
‘કંઈ જ નહીં. મારી સાથે એને કોઈ નિસબત જ નથી.’
એ પછી પ્રેરણા ઉદાસ થઈ ગઈ. મેં વાતને બીજી તરફ વાળવા કહ્યું ‘આપણો “નૌકાવિહાર” યાદ છે ?’
એ હસી. મેં કહ્યું, ‘નૌકાવિહારના મને અનેક અર્થ મળે છે. એક તો નૌકાવિહાર એટલે આજુબાજુના ઘોંઘાટ અને અનેક ઘટનાઓથી પર થઈને એકબીજા સાથે વાતો કરવી. નૌકાની બહાર અગાધ જળવિસ્તાર જેવા અન્ય લોકોની પરવા ન કરતાં મિત્ર સાથે સંવાદ કરવો, મિત્ર પાસે અંતર ખોલી વાતો કરવી.’
‘તને તારી આ મિત્ર પર ખૂબ જ વિશ્વાસ છે ?’
‘હા….’ એ પછી એણે એ વાત આગળ ન વધારી, ત્યારે થોડી ઝંખવાયેલી લાગી. ઘરે જતાં જતાં હું અમારા વિદ્યાર્થીકાળ દરમિયાન કેવી ફિલોસોફી, પ્રેમ કે સાહિત્યની વાતો કરતાં એ યાદ કરતી રહી.

ફરી એક વાર પ્રેરણા મળી ત્યારે એને પૂરા દિવસ હતા. મને કહે, ‘નોકરી કરવી છે.’ મેં પણ એને પ્રોત્સાહન આપ્યું. પછી એના દીકરાને રમાડવા ગઈ હતી ત્યારે એને લાયક નોકરી માટેની અનેક જાહેરાતો લઈ ગઈ હતી. થોડા મહિનાઓ પછી એને નોકરી મળી ગઈ હતી એ પણ જાણ્યું. આ પછીનાં આઠેક વર્ષ અમે ખાસ મળ્યાં નહીં. જ્યારે મળીએ ત્યારે મને લગ્ન કરવાનું તો કહેતી જ. મને લગ્નની કોઈ ઈચ્છા જ ન હતી. પ્રેમની નિષ્ફળતાનું કારણ ન હતું પણ લગ્ન કે પ્રેમ સિવાય અનેક બીજી બાબતો મને અગત્યની લાગતી તેથી. જિનેટિક્સમાં મને વિશેષ રસ હતો. મારા રિસર્ચ પેપર્સ આંતરરાષ્ટ્રીય જર્નલોમાં છપાવા માંડ્યાં હતાં.

એક દિવસ મારી ઈન્સ્ટિટ્યૂટમાં પટાવાળો એક ચિઠ્ઠી લઈને આવ્યો. ‘પ્રેરણા શાહ’ અરે ! અચાનક ? ફોન કર્યા વિના ?
પ્રેરણા મારી સામેની ખુરશી પર બેઠી. મારાં પેપર્સ મેં બાજુએ કરી પેપરવેટ મૂકી દીધું. ટેબલ પર હાથ ટેકવી પ્રેરણા સામે જોયું. પ્રેરણાની નજર ટેબલની સપાટી પર હતી. ઢળેલાં પોપચાં પાછળ અશ્રુ ભરાઈ રહ્યાં હતાં. કદાચ પ્રેરણા પોતાની સાથે પોતાનું ઘર/ઑફિસ લઈને આવી હતી. મને મળવા નહીં પણ મારી પાસે આવી હતી. બહુ વાર સુધી અમે બે ચૂપ હતાં. થોડી વારમાં ચા આવી. મેં કહ્યું : ‘પ્રેરણા.’
પ્રેરણાએ ઊંચે જોયું. એનાં આંસુ પાંપણ ભીની કરીને પિવાઈ ગયાં હતાં. મેં ચાનો કપ એની તરફ સરકાવ્યો.
‘ચા ઠંડી પડી જશે.’
ચાનો કપ પકડી ફરી મારી સામે જોવાને બદલે ચાના કપ તરફ જોતી રહી. ફરી આંસુ આવી રહ્યાં હતાં.
‘આજે ઑફિસ નથી ગઈ ?’
‘મેં નોકરી છોડી દીધી છે.’
‘એમ ?’
‘હા – એકાદ વરસ થઈ ગયું.’
‘કેમ ?’
‘મને કંટાળો આવતો હતો.’
‘મૌલિક કઈ સ્કૂલમાં છે ?’
‘મેં એને બેંગ્લોરની એક સ્કૂલમાં રાખ્યો છે. ગયા વર્ષથી.’
‘હિતેશ કેમ છે ?’
‘મજામાં. બધું જ સારું છે.’ હું વિમાસણમાં પડી ગઈ. બધું જ બરાબર ચાલે છે તો આ આંસુ ? કોઈ સમસ્યા લઈને આવી ન હતી તો આમ અચાનક-
‘બસ તને મળવા આવી.’
‘સારું – તો મળ. ડૉ. પ્રાચી મહેતા. હમણાં મેનિક-ડિપ્રેસિવ સાયકોસિસની જેનેટિક ઈટિયોલૉજી પર સંશોધન કરી રહ્યાં છે.’
‘તને તો ફુરસદ મળતી જ નથી.’
પ્રેરણાની આવી ફરિયાદ આ પહેલાં તો ક્યારેય ન હતી. અત્યારે એની મન:સ્થિતિ સામાન્ય ન હતી. ઘરમાં જરૂર કંઈક થયું હશે.
‘કંઈ ખાવા માટે મંગાવું ?’ મેં વાત બદલવા કહ્યું.
‘ના. મને હમણાંથી ભૂખ નથી લાગતી.’
‘કેમ ?’
‘કંઈ જ કરવાનું મન થતું નથી. હિતેશ સવારથી નીકળી જાય અને આખો દિવસ હું એકલી.’
‘તને ગમતું કોઈ કામ શોધી કાઢ.’
‘કશું ગમવા જેવું કંઈ છે ? કંઈ પણ કરવાનો વિચાર આવે ને પછી લાગે કે બધું જ અર્થહીન છે.’
‘કેમ એવું લાગે છે ?’
‘મને કશું જ ગમતું નથી. ઘરમાંથી બહાર નીકળું તો લગભગ બધે જ બધા અકારણ જીવનની યાતનાઓ ભોગવતા દેખાય છે. ઠાલો સંઘર્ષ કરનારા લોકો.’
‘તને જે સંઘર્ષ લાગે છે તે તેમના જીવનનો અર્થ હોઈ શકે.’
‘ગરીબી, રોગ…. મને તો એનો કોઈ અર્થ દેખાતો નથી.’
‘પણ એ યથાર્થ છે. જે છે તે સ્વીકારવાનું છે.’
‘પણ શા માટે ? શેને માટે છે આ જીવન ?’
‘જીવન છે અને તે સુંદર છે.’
‘મને…. પ્રાચી, મને કોઈક પ્રકારની ઉદાસી લાગતી હોય છે. ઘણી વાર મને થાય છે કે મારી આસપાસના લોકોને હું દુ:ખી કરું છું. હું ગાડીમાં ફરું છું કારણ કે હજારો લોકોનું મારા દ્વારા શોષણ થયું છે.’

પ્રેરણાની વાતોથી હું વિચારમાં પડી ગઈ. સાવ અચાનક એ વિષાદ અનુભવી રહી હતી. અપરાધભાવના એને અકારણ ઘેરી વળી હતી.
‘એ પછી પ્રેરણા મને લગભગ રોજ ફોન કરતી. એના પ્રશ્નો જીવનના અર્થને સંદર્ભે હતા. એ પછી પાંચ-છ દિવસ એનો ફોન ન આવ્યો. મેં ફોન કર્યો. એણે કહ્યું, ‘મને બહુ ઊંઘ આવે છે – સાંજે વાત કરીએ.’ સાંજે ફોન કર્યો તો કહે હમણાંથી રાતે બિલકુલ ઊંઘ નથી આવતી એટલે બપોરે ત્રણ-ચાર કલાક સૂઈ જાઉં છું. એ જ સાંજ હું એને મળવા ગઈ. ટી.વી. બંધ હતું અને એ ખાલી બેઠી હતી. મેં પૂછ્યું : ‘રસોઈ ?’
‘બાઈ આવશે સાડાઆઠે.’
‘કશું વાંચતી નથી ?’
‘શું વાંચવાનું ? બધું એનું એ જ.’
‘તું થોડા દિવસ હિતેશ સાથે કશેક ફરી આવ.’
‘હિતેશ પણ કહે છે પણ…. મને કશે ગોઠતું નથી. હિતેશ પણ મારું બહુ ધ્યાન રાખે છે પણ હું…. તમારા બધાના પ્રેમને લાયક નથી.’
‘એમાં વળી લાયકાતની શી જરૂર હોય ? પોતાના માણસોને પ્રેમ કરવો, તેમની કાળજી રાખવી એમાં….’
‘પણ હું ? હું કોઈને માટે કંઈ જ કરી શકતી નથી.’
‘એવી કોઈ શરત પણ નથી. અને તને એવું કેમ લાગે છે કે તું કંઈ કરી શકતી નથી ? કોઈએ કોઈના માટે શું કરવાનું હોય વળી ?’

મેં એક વાતની નોંધ લીધી કે પ્રેરણા પોતે જ કશુંક બોલ્યા કરતી હતી અને હું કહેતી હોઉં તે વાતમાં તેનું ધ્યાન ન હતું. મેં એનાં મમ્મીને વાત કરવાનું નક્કી કર્યું. પ્રેરણાની મમ્મીએ મને આંચકો આપ્યો. પ્રેરણાની આ સ્થિતિ છેલ્લાં બે વર્ષથી હતી. સાઈકિયાટ્રિસ્ટને પણ બતાવ્યું હતું. છેલ્લા ચાર મહિનાથી જ એની દવા બંધ કરી હતી. કારણ કે એની સ્થિતિમાં થોડો સુધારો હતો. પ્રેરણાને ડિપ્રેશન હતું.

ખૂબ અસહાય લાગ્યું. એના ડિપ્રેશન માટે હું કંઈ જ કરી શકું તેમ ન હતી. એની એકલતા એને પીડતી હતી અને એના એકાંતમાં કોઈને જ પ્રવેશ ન હતો. નોકરી છોડવાનું કારણ પણ આ જ હતું. નોકરી કરતી હતી ત્યાં તો કશુંક થયું નહીં હોય ? મને માનસશાસ્ત્રનો અભ્યાસ નથી – ફક્ત મારા વિષય પૂરતું, મારા વિષયના સંદર્ભે માનસશાસ્ત્રનું થોડું જ્ઞાન છે. હું તો ફક્ત અનુવાંશિક લક્ષણો વિશે જાણું. અમારી ઈન્સ્ટિટ્યૂટની લાઈબ્રેરીમાંથી ચિકિત્સાલક્ષી મનોવિજ્ઞાનનાં કેટલાંક પુસ્તકો ઘેર લઈ આવી. વાંચતાં વાંચતાં વચ્ચે જ હું ખિન્ન થઈ જતી – સ્કૂલની પ્રેરણા, નવી પરણેલી પ્રેરણા અને પછી પોતે કંઈક કરવું જ છે એમ કહી જરૂર ન હોવા છતાં નોકરી લેનારી પ્રેરણા… પ્રેરણા અમને બધાને છોડીને પોતાના એકાંતમાં, વિષાદમાં જઈ રહી છે – એને કેમ કરીને રોકું ? અને રોકી શકાય ખરું ? મારો, હિતેશનો કે એનાં મમ્મી-પપ્પાનો કે કોઈને માટે શક્ય હોય તો પણ કોઈકના જીવન પર, કોઈકના જીવનના અર્થ વિશેની મથામણ પર કેટલો અધિકાર ? એની દષ્ટિએ બધું અર્થહીન હોય તે ખોટું છે એમ કેમ માની લેવાય ? પણ અમને પ્રેરણા અમારી વચ્ચે જોઈએ છે, અમારા પ્રેમને એ પામી શકે તેવું જોઈએ છે તેથી અમે એને રોકવાનાં જ.

હું પ્રેરણાને હવે રોજ ફોન કરતી. શક્ય થાય ત્યારે ત્યારે મળતી. એક સાંજે અમે દરિયાકિનારે ગયાં. પ્રેરણા હંમેશની જેમ પોતાનામાં જ ખોવાયેલી હતી. એની એ જ વાતો કરતી હતી.
‘પ્રેરણા તને “નૌકાવિહાર” યાદ છે ?’
‘હં….’
‘હવે કેમ એવું નથી ?’
‘કેવું ?’
‘આપણે વાત કરતી વખતે એકમેકમાં કેટલાં ગૂંથાયેલા રહેતાં. આપણી વાતો કેવી વિકસતી, વિચારો આકાર લેતા.’
‘અત્યારે એવું નથી ?’
‘ના. તું મારી સાથે નથી.’
‘સાથે રહેવું જ જોઈએ ?’
‘કેમ નહીં ?’ બોલી તો નાખ્યું કેમ નહીં, પણ એની વાત સાચી હતી. એવો આગ્રહ શા માટે ? પણ હું એને પ્રતિદિન ગુમાવતી રહી હતી એ વિશે વધુ સંવેદનશીલ બની ગઈ હતી. ડી.એન.એ, ન્યુરો ટ્રાન્સમીટર્સ ડોપામાઈન વગેરે અથવા પેઢીઓના કોન્કોર્ડન્સ રેટ્સથી પર થઈને એના વિષાદના પાશમાં રહેલા માનસથી હું વિક્ષિપ્ત રહેતી. આમ કેમ ? એ પ્રશ્નનો કોઈ ઉત્તર જ ન હતો. પ્રેરણાને તો હવે એવા પ્રશ્નોના ઉત્તર પણ જોઈતા ન હતા, પણ હું હજી ઉત્તરની સંભાવનાઓમાં આથડતી હતી. એને એના દીકરાનું મમત્વ સુદ્ધાં રોકી શકતું ન હતું. અસહ્ય વેદના હતી આ.

પ્રેરણાની સ્થિતિ વધુ ને વધુ ખરાબ થતી ગઈ. એને અસાયલમમાં દાખલ કરવામાં આવી હતી. હું એને મળવા જતી અને એની આંખમાં આંખ મેળવવાનો પ્રયત્ન કરતી પણ એ અન્યમનસ્ક થઈ કશુંક ઉચ્ચાર્યા કરતી. એ પછી એક દિવસ એનો એક પત્ર આવ્યો. મને નવાઈ લાગી. હજી ગઈ કાલે જ તો એને મળી હતી.
‘પ્રાચી, તું મને કદી ક્ષમા નહીં કરી શકે એવો દ્રોહ મેં તારી સાથે કર્યો છે. તેં લગ્ન ન કર્યાં એ મને સતત ખટકતું હતું…’
અરે ! પણ મેં લગ્ન ન કર્યાં તેમાં પોતાની જાતને કેમ દોષી ગણતી હતી ? હું ખુશ હતી અને વ્યસ્ત પણ હતી.
‘તારું – અજયનું તૂટી ગયું એનું કારણ હું હતી. તું અજય સાથે રહેતી, એની જ વાતો કર્યા કરતી અને હું એકલી પડી જતી. મેં અજયને તારા વિશે ખોટી વાતો કહી. કહ્યું કે તું કોઈ બીજા છોકરા સાથે ફરતી હોય છે.’

પ્રેરણા ! કેટલી જૂની વાત છે. પહેલાં પણ તેં મને કહ્યું હોત તો તારો ભાર હળવો થઈ જાત. તારો દોષ હું જોતી જ નથી. આવા સંબંધો ન ટકે એમાં કોઈ કારણની જરૂર હોતી જ નથી. ડિપ્રેશન થવા આટલું જ કારણ પૂરતું નથી એ ખબર છે, પણ એને પજવી રહેલી એક ગાંઠ તો ઉકેલી શકાશે. હું તરત જ અસાયલમ પહોંચી. લાંબા લાંબા પૅસેજમાંથી ઝડપભેર એની રૂમમાં ગઈ. ઉદાસીનતા, વિષાદના વિધાન જેવી પ્રેરણા ચત્તીપાટ, પથારી પર પડી હતી. હું અંદર ગઈ. એણે માંડ માંડ આંખો ખોલી. મારી હાજરીની નોંધ તો લીધી ! પછી છત તરફ તાકી રહી. નિ:શબ્દ.
‘પ્રેરણા ! ગાંડી, કઈ વાત સંઘરીને બેઠી છો ? કેટલી જૂની અને ક્ષુલ્લક વાત.’
પ્રેરણાએ પડખું ફરીને, મારો હાથ પકડીને પાસે બેસવાનું જાણે કહ્યું. હું બેઠી. મારો હાથ છોડ્યો નહીં. અને પછી નાનું બાળક રડે એમ મોટેથી રડવા માંડી. હું પણ રડવા માંડી. હૉસ્પિટલની એ રૂમમાં અમને ફરી અમારી અંગતતાની નૌકા સાંપડી હતી. પ્રેરણા એનું મન મોકળું કરી રહી હતી. એ સાજી, સ્વસ્થ થાય કે ન થાય પણ હું એ ઘડીએ એના અનુભવને બરાબર પામી રહી હતી. ફરી અમારો નૌકાવિહાર શરૂ થયો હતો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાચકોની કલમે – સંકલિત
ગૂંચ – સુમંત રાવલ Next »   

9 પ્રતિભાવો : નૌકાવિહાર – અશ્વિની બાપટ

 1. દોસ્તી ભલે ગમે તેટલી ગાઢ હોય પણ પોતે કરેલી નાની અમથી ભૂલની નિખાલસ કબૂલાત પણ ક્યારેક આટલી મુશ્કેલ થઈ પડતી હોય છે … !!!
  પણ જો મિત્ર સમજુ હોય તો એ ભૂલનું દુઃખ આખી જીંદગી વેંઢારવા કરતા નિખાલસતાથી વાત કરી લઈએ તો સુખરૂપ સમાધાન પણ શક્ય છે ..

 2. ranjan pandya says:

  મિત્રતા સાધી જીવન મારૂં નૌશાદ કાં કીધું ઘડી ભર મિત્રતા સાધવી તો કાં સાધી’તી?—-

 3. ભાવના શુક્લ says:

  યે જીવન હે…ઇસ જીવનકા યહી હે રંગરૂપ…
  પ્રેરણાનુ ડીપ્રેશન વ્યાજબી હતુ બહુ…પ્રાચીને તો નવી દિશાઓ સાથે અનુકુલન સાધીને જીવતા આવડી ગયુ પણ પ્રેરણા!!!! કેમ કબુલે કે મિત્રદ્રોહ જીવનની જીવંતતાને ગળી ગયો…
  સુમંતજીને અભિનંદન…

 4. parul says:

  આ જમાના મા સાચા અને નિખાલસ મિત્ર મળવા ખૂબજ અઘરુ છે
  પ્રેરણા મિત્રદ્રોહ સહી ન શકી પ્રાચી જીવન જીવી ગઈ સરસ.

 5. Meera says:

  જીવન મા એક વસ્તુ જરુર આવડ્વી જોઇએ …. જુની વતો ભુલી આગળ વધો.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.