ગૂંચ – સુમંત રાવલ

2006ni shresh vaartaao[‘2006ની શ્રેષ્ઠ વાર્તાઓ’ પુસ્તક્માંથી સાભાર. સંપાદન : અઝીઝ ટંકારવી. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

સ્નાન કરીને સુરભિ અગાસીમાં આવી અને માથાના ભીના વાળને ટુવાલ વડે લૂછવા લાગી, પાણી નીતરી ગયું એટલે કાંસકા વડે ઓળવા લાગી. એક એક લટ છૂટી પાડતી ગઈ અને ઓળતી ગઈ. અચાનક તેના હાથમાં એક સફેદ લટ આવી ગઈ અને તે હસી પડી, લો વાળ પણ સફેદ થવા લાગ્યા ! જોતજોતામાં પચાસ વરસ પૂરાં થઈ ગયાં. વનપ્રવેશના દરવાજે ઊભી હતી…. સુધીર તેનાથી દસ વરસ મોટો હતો. લગ્ન પહેલાં તેને ખબર હતી. પણ કોણ જાણે એ ઉંમરે સુધીર તેને એટલો બધો ગમી ગયેલો કે ઉંમરનો તફાવત ગૌણ બની ગયો હતો. જોકે હવે તો એ પણ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયો હતો. સરકારી માહિતી ખાતાની કચેરીમાં અંગ્રેજી અને ગુજરાતીના ભાષાંતરકાર તરીકે કામ કર્યું હતું. તેની આ આવડતને લીધે એક પ્રાઈવેટ કંપનીમાં અંગ્રેજી ભાષામાં કોરસપોન્ડન્સ કરવાનું કામ મળી ગયું. સવારમાં ચાનાસ્તો પતાવીને તે સ્કૂટર પર ઊપડી જતો તે છેક સાંજે ઘેર પાછો ફરતો. ત્યાં સુધીમાં તો સુરભિ આ મોટા વિશાળ બંગલામાં પણ ગૂંગળાઈ જતી હતી

વાળ ઓળાઈ ગયા હતા, અંબોડો વળાઈ ગયો હતો અને તૂટેલા વાળના ટુકડાને આંગળીથી વીંટાળતાં જોયું તો વાળની ગૂંચ વીંટી બની ગઈ હતી. પછી અગાસીના કોર્નર પર મૂકેલી કચરાપેટીમાં આસ્તેથી એ ગૂંચને પધરાવી દીધી, સહેજ ડોકિયું કરી જોઈ લીધું. અહો… કેટલો બધો કચરો ભેગો થયો છે. અહીં તો કામવાળી પણ મળતી નથી, બધું કામ જાતે જ કરવાનું !

અગાસીના પિલર પર નમીને તે દસ એકરમાં પથરાયેલા સંકુલને જોઈ રહી, પંચવટી ફાર્મ હાઉસ ! પ્રત્યેક પ્લોટ પાંચસો વારના અને પ્રત્યેક પ્લોટમાં નેવું વારના બાંધકામ ધરાવતા બંગલાઓ. પણ અફસોસ બધા બંગલા ખાલી હતા. મેંગલોરી નળિયાની ઢળતી છતવાળા, માર્બલનું ફિનિશિંગ અને નેરોલેકથી પૉલિશ કરેલી દીવાલો, અન્ડરગ્રાઉન્ડ વાયરિંગ, કંપાઉન્ડ વૉલ, કલાત્મક ગ્રિલવાળો મેઈન ગેટ અને ગેટની બંને તરફ લેમ્પના ગોળા…. ભભકો જોતાં તો ભલભલા મોહી પડે…. શું હતું અહીં ? ખાલી ખોખા ? સનસન વહેતી હવા, વૃક્ષોની ડાળીનો અવાજ અને પક્ષીઓની ચહચહાટ સિવાય મનુષ્યનું નામોનિશાન નહોતું. ફક્ત ક્યારેક રસ્તા પર લટારો મારતા ચોકીદાર રઘુકાકા દેખાતા હતા, હાથમાં ડંડો… સફેદ મૂછો, સાવ ટૂંકા માથાના સફેદ વાળ, એકલપંડે હતા અને સંકુલના મેઈન ડોર પાસેની ઓરડીમાં પડ્યા પાથર્યા રહેતા હતા.

સુરભિના હૈયામાંથી ફળફળતો નિસાસો સરી પડ્યો. અહીં રહેવાને આવ્યાને છ માસ વીતી ગયા…. રામ-સીતાના પંચવટીના વનવાસ કરતાં પણ આ વનવાસ આકરો હતો, આંખો ખોલો અને નિર્જીવ બંગલા દેખાતા ! ચીનના સંત ફેંગશૂઈનું પૂતળું દેખાતું ! જે ફાર્મહાઉસની મધ્યમાં ચોક વચ્ચે ઊભું કર્યું હતું. તે અગાસીમાં મન બહેલાવવા આવતી પણ આ સૂનકાર જોતાં અકળાઈ ઊઠતી હતી. તેની અંદરનું મન સતત વલોપાત કરતું રહેતું. અઠવાડિયામાં રવિવારે અનોખી ઘટના બનતી. શહેરમાંથી મોટરોનો કાફલો ઊતરી પડતો, દરવાજે ઊભેલો ચોકીદાર સલામ ઠોકી ઠોકીને થાકી જતો, ફાર્મહાઉસના મેમ્બર્સની વણજાર સાંજે આવવા લાગતી, આખું ફાર્મહાઉસ ભરાઈ જતું.

બધા તરેહતરેહના ખેલ શોધી લેતા, કોઈ પત્તાં ટીચતા તો કોઈ જોક કહેતા, કોઈ અંતાક્ષરી રમતાં તો કોઈ મિમિક્રી કરતા, બાળકો હરિયાળીમાં દોડાદોડી કરતાં, દડાની ફેકંફેંક કરતાં. છેવટે થાકી જતાં અને ભૂખ્યાં થતાં. એટલે નાસ્તો કરવા બેસી જતાં. રાતના બાર વાગતા અને ટપોટપ બધા પોતપોતાની મોટરકાર લઈ નીકળી જતા. કાફલો વીખરાઈ જતો, ગેટ બંધ થઈ જતો, એક પછી એક બત્તીઓ બંધ થવા લાગતી અને અંધકાર નામનું વિકરાળ પ્રાણી ફાર્મહાઉસ પર ધસી જતું. ધીમે ધીમે તમરાનું બેસૂરું સંગીત શરૂ થઈ જતું. ઝાડીની ઘટામાં ચીબરી ચીસો પાડતી. અગાસી પર બિલાડીનું મ્યાઉં સંભળાતું, વચ્ચે ચોકીદારની ઉઘરસનું ઠસકું કાને પડતું. પવન શરૂ થઈ જતો, આખી રાત બાજુના કપિલાબહેનના બંગલાની બારી ખખડ્યા કરતી અને સુરભિની ઊંઘ ઊડી જતી….

એક કલાક પસાર થઈ ગયો. એક કલાકથી તે શરીર પર તડકો અને મનમાં વિચારોને ઝીલતી એકલી અગાસીમાં ઊભી હતી….. કેવા નિર્જન વિસ્તારમાં સુધીરે બંગલો લીધો હતો. શહેરથી દસ કિલોમીટર છેટે… તે કહેતો સુરભિ… અત્યારે આપણે એકલા છીએ પણ એક દિવસ શહેરની વચ્ચે હોઈશું, કારણ કે શહેર તો સતત વધતું જ રહેવાનું છે. આ બધા મેમ્બર્સ પણ શહેરના પ્રદૂષણથી કંટાળીને આ ફાર્મહાઉસમાં દોડી આવશે – એક દી એવો ઊગશે ! પણ એ દિવસ ઊગતો નહોતો. ઓળખીતા-પાળખીતાને સુધીર સરનામું આપી આમંત્રણ આપતો ત્યારે પેલો ચિડાઈ જતો. એટલે બધે છેટે મળવા આવવાની હિંમત પણ કોણ કરે ? છતાં જીવનકાકા મળવા આવ્યા હતા, પણ એ પોતે તો આ હાલત જોઈ નિરાશ થઈ ગયા, ઉપરાંત સુધીર અને સુરભિને પણ નિરાશ કરી મૂક્યાં હતાં. સુધીરે હોંશેહોંશે આખું ફાર્મહાઉસ બતાવ્યું. આ ફુવારો, આ ફેંગશૂઈ, આ હેલ્થકલબ, આ સ્વિમિંગ બાથ, આ બાળકોને રમવા ચિલ્ડ્રન પાર્ક. વળી આ વૃક્ષો, ગોરસ આંબલી, અરીઠાનું ઝાડ, આ યુકેલિપ્ટ્સ…
‘બધું છે પણ માણસો નથી.’ કાકાએ ઉદાસ સ્વરે નિસાસો નાખ્યો હતો.
‘પણ ધીમે ધીમે વસ્તી થશે !’
‘કપાળ તારું !’ કાકા ચિડાઈ ગયા, ‘બંગલો ખરીદતાં પહેલાં મને પૂછવું તો હતું ! આ લોકોની પાસે આપણી ચાંચ ન ડૂબે ! આ બધા કરોડપતિ છે અને આપણે રહ્યા મધ્યમવર્ગના ! એ લોકોએ તો કાળાં નાણાં ધોળાં કરવા ફક્ત ઈન્વેસ્ટમેન્ટ કરવા નાણાં રોક્યાં છે !’
‘આખી જિંદગી ફલેટમાં કાઢી એટલે કંટાળી ગયો હતો, પાછલી અવસ્થા અમે પ્રકૃતિના સાંનિધ્યમાં પસાર કરવા માગતાં હતાં !’
‘પણ સાજામાંદા થશો તો શું કરશો ?’
કાકાનાં આ વેણ સાંભળતાં સુધીર ચૂપ થઈ ગયો.
‘સાચું કહું. તમે ચોરની વાદે ચણા ઉપાડ્યા છે. હવે પસ્તાવાનો વારો છે.’ કાકાએ ધોતીનો છેડો ઊંચો લેતાં કહ્યું, ‘મૂરખા, એ લોકોને તો બે નંબરનું નાણું છે ને તારું તો પરસેવાનું નાણું છે. આમ વેડફી દેવાય ?’
‘પણ કાકા, હેલ્થકલબ, સ્વિમિંગ બાથ….’
‘એને શું ધોઈ પીવું છે ? આ બધામાં મોટાભાગના ડૉક્ટરો છે, વકીલો છે, બિલ્ડરો છે, કારખાનાના માલિકો છે. તું શું છે ?’ કાકાએ પ્રશ્ન કર્યો અને પછી પોતે જ ઉત્તર આપી દીધો. ‘નિવૃત્ત સરકારી નોકર… તારું ગજું આ બધા પાસે કેટલું ? એક નોકર જેટલું ?’ એક પછી એક ચાબુકના ફટકા મારી કાકા ગયા, ચાબુકના ફટકાને કારણે વાંસામાં સોળ ઊપસી આવી હતી ! સુરભિ તેની પીઠ પંપાળવા લાગી. ‘બહુ વાગ્યું ?’ તેણે પૂછ્યું.
‘તનેય મશ્કરી સૂઝે છે !’ સુધીરે ક્ષીણ અવાજે કહ્યું, ‘કાકાના ફટકા ઓછા પડ્યા કે તને હજુ એક વધારે ફટકો મારવાનું મન થયું !’

તડકામાં તીખાશ વધી રહી હતી, શરીરની ચામડી દાઝતી હતી છતાં સુરભિ અગાસીમાંથી હટતી નહોતી. ઘડીભર તેને લાગ્યું કે તેની આસપાસ રાખ ઊડી રહી છે. ગોળગોળ ઘૂમરીઓ લઈ રહી છે. તે સ્મશાનમાં ઊભી હતી અને સ્મશાનની રાખ તેની આજુબાજુ ઊડતી હતી. ઓ પ્રભુ ! કેવી કલ્પના ! તે ધ્રૂજી ગઈ. અગાસી પરથી પડતું મૂકીને આત્મહત્યા કરવાની હોય તેમ તે પિલર પરથી નમી ગઈ હતી. ઓહ ! તે એકદમ સીધી થઈ ગઈ. હમણાં હમણાંથી તેને કંઈ ભાન રહેતું નહોતું. તેણે જોયું તો બાજુનો બંગલોય તેની જેમ ઉદાસ હતો, કલરના પોપડા ઊખડી જવાથી તે રક્તપિત્તિયા દરદી જેવો દેખાતો હતો. કંપાઉન્ડમાં પણ ઘાસ ઊગી નીકળ્યું હતું. પવનમાં તે બે ફૂટ ઊંચું ઘાસ ફફડતું ત્યારે વિચિત્ર અવાજ પેદા થતો હતો. બારીના કાચ પણ ફૂટી ગયા હતા અને તેમાં કબૂતરો ઘૂસી જતાં હતાં. એક વાર સુરભિએ ફૂટેલી બારીમાંથી એક કાળી બિલાડીને મોંમાં કબૂતર પકડીને નીકળતાં જોઈ હતી, ત્યારે તેને વૉમિટ થઈ ગઈ હતી ! આ બંગલાની માલિકણ સ્ત્રી હતી, રમીલાબહેન ! તેનાં પતિએ પત્નીના નામે બંગલો ખરીદ્યો હતો.

છ માસથી સુરભિ આ પંચવટીમાં રહેતી હતી. છ માસમાં ફક્ત એક વાર એ લોકોએ દર્શન દીધાં હતાં, પોતાની મારુતિવાન લઈને આવ્યાં હતાં. પતિ-પત્ની અને બે બાળકો. કપિલાબહેનના શરીર પર ચરબી ચડી ગઈ હતી. ગાલ ફૂલી ગયા હતા અને પેટ બહાર નીકળી ગયું હતું. સુરભિ સામે જોતાં જ તેમની આંખો પહોળી થઈ ગઈ. તમે તો મારા કરતાંય જુવાન દેખાવ છો. શરીરને તમે સાચવ્યું લાગે છે. ફક્ત માથાના વાળમાં થોડી સફેદી આવી ગઈ છે.
‘પણ હવે તમે નહીં આવો તો હુંય ડોસી થઈ જઈશ’ સુરભિએ તક ઝડપી લેતાં કહ્યું, ‘તમે રહેવા આવો તો મને કંપની મળે.’
‘હમણાં તો વિચાર નથી.’ કપિલાબહેને ખભા ઉલાળતાં કહ્યું.
‘હું તો કહું છું કે પંચવટીની ખુલ્લી હવામાં તારું વજન ઊતરી જશે, પણ તે માનતી નથી.’
‘તમારા ન રહેવાને કારણે બંગલો કેવો વેરાન થઈ ગયો છે, કંપાઉન્ડમાં ખડ ઊગી નીકળ્યું છે.’ સુરભિએ કહ્યું.
‘એ બધું સાફ થઈ જશે, બંગલાને કલર થઈ જશે, બારીને કાચ નખાઈ જશે, કંપાઉન્ડમાં બાગ થઈ જશે. પછી હું રહેવા આવીશ.’ તેણે પતિ સામે જોતાં લાડથી કહ્યું, ‘હું જરા ઠાઠમાઠથી રહેવા માગું છું.’
‘તું કહે તે કરવા તૈયાર છું’ પતિએ કહ્યું હતું. કલાક રોકાઈને એ લોકો ગયા. એટલે ફરી એકલતા ! પંચવટીના ફાર્મહાઉસમાં તે ભૂતડી જેમ જીવતી હતી, એકલીઅતૂટી. તે ધીમે ધીમે પગથિયાં ઊતરતી નીચે આવી, લુસલુસ જમી લીધું અને પછી પથારીમાં પડી.
*******

અચાનક ખરા બપોરે ડોરબેલનો કર્કશ અવાજ સાંભળી સુરભિ ઊંઘમાંથી ઝબકી ગઈ. આંખો ચોળતાં તેણે આઈહોલમાં જોયું તો સુધીર ! રોજ તો એ સાંજે છૂટતો હતો આજે બપોરે કેમ છૂટી ગયો હશે. નવાઈ પામતાં તેણે બારણું ખોલ્યું. તેને પૂછવાની જરૂર ન પડી. સુધીરે સામેથી જ ખુલાસો કરી દીધો. ‘માલિકના પરિવારમાં કોઈ ગુજરી ગયું એટલે એ બધા લૌકિકે ઊપડી ગયા અને મને રજા આપી દીધી !’
‘શું કરતી હતી ?’ તેણે પૂછ્યું.
‘સૂતી’તી !’ સુરભિએ જવાબ આપ્યો, ‘બીજું શું કરું ! માણસને માણસ વિના ન ચાલે, એ સત્ય અહીં આવ્યા પછી સમજાયું ! ધોળે દિવસે પણ બારીબારણાં બંધ રાખી સતત ફફડતા હૈયે જીવવાનું…. આ બધા ક્યારે રહેવા આવશે ?’
‘ક્યારેય નહીં !’
‘કેમ ?’
‘એ બધાને શહેરમાં સંપૂર્ણ સુવિધાવાળાં મકાનો છે. એ લોકોએ તો ક્યારેક હરવાફરવા આવી શકાય એટલે બંગલા લીધા છે. હવા ખાવા માટે. શહેરની હવા અશુદ્ધ હોય ને એટલે….’
‘એ અશુદ્ધ હવા સારી. અહીં તો શુદ્ધ હવામાં હું ગૂંગળાઈ જાઉં છું. ત્યાં ફલેટ ખોલો એટલે સામે જ પાડોશી. અહીં તો પાડોશી જ નથી, કોણ જાણે આ કપિલાબહેન પણ ક્યારે રહેવા આવશે ?’ બોલતાં બોલતાં સુરભિનો અવાજ તરડાઈ ગયો. સુધીરે તેનું ધ્યાન બીજે દોરવા ટી.વી. ચાલુ કર્યું. દૂરદર્શન ચેનલ શરૂ થઈ ગઈ. કચ્છમાં કોઈ નહેરનું ખાતમુહૂર્ત થઈ રહ્યું હતું એ જોતાં સુરભિનું મોં બગડી ગયું.
‘બસ આ એક જ ચેનલ ! ત્યાં ફલેટમાં તો ડિસ્ક કનેકશન હતું. સો ચેનલ આવતી, ગમે તે એક ચોઈસની ચેનલ જોઈ શકાતી. અહીં તો ડિસ્ક કનેકશન નથી એટલે મને કમને આ દૂરદર્શનના કાર્યક્રમ જોયા કરવાના….’ પછી ટેબલ પર પડેલા ટ્રાન્ઝિસ્ટર તરફ નજર ફેંકતા કહ્યું, ‘આ રેડિયો તો રિપેર કરાવી લાવો. ક્યારેક કંટાળું તો વિવિધભારતી સાંભળી શકું.’
‘હવે તારી વિવિધભારતી બંધ કર તો સારું !’ સુધીરે કંટાળીને સોફા પર પીઠ ટેકવતાં કહ્યું.
‘તમને આ વિવિધભારતી લાગે છે ! હું મારા હૈયાનો ભાર હળવો કરું છું અને તમને વિવિધભારતી લાગે છે ! તમારે તો ઠીક આખો દહાડો બહાર રહેવાનું, ભાઈબંધોને હળવા-મળવાનું, વાતો કરવાની. એટલે હૈયું ખાલી થઈ જાય, પણ મારે તો બોલવું કોની સાથે ? આખો દહાડો આ બંગલામાં પુરાઈ રહું છું. અરીસામાં મારું મોં જોયા કરું છું અને એકલી એકલી બોલ્યા કરું છું. આ હાલતમાં તો મારું ચસકી જશે !’ એટલું બોલતાં તેની આંખો ભરાઈ આવી. સાડીના છેડાથી આંસુ લૂછતાં દીવાલ પર લટકતી લેમિનેશન કરેલી બે ફોટોફ્રેમ સામે જોઈ રહી. બંનેએ પોતપોતાની પત્ની સાથે ફોટા પડાવ્યા હતા. ફોટા પર નજર કરતાં ફરી આંખો ભરાઈ આવી. બંને દીકરાને નોકરી મળતાં મુંબઈ ચાલ્યા ગયા હતા. બંને પોતપોતાની દુનિયામાં ખોવાઈ ગયા હતા. અત્યારે થતું હતું કે એકાદ દીકરી હોત તો કામ લાગત !

બરાબર તે વખતે જ ડોરબેલનો માથું ફાડી નાખતો અવાજ સંભળાયો. બંને ચમકી ગયાં. કોણ હશે ? સુરભિ સ્વસ્થ થઈ ગઈ. સુધીરે ઊભાં થઈ આઈહોલમાંથી જોયું તો ચોકીદારનું માથું દેખાયું. ‘અરે આ તો રઘુકાકા !’ તેણે હસતાં હસતાં બારણું ખોલ્યું. ‘લો આ તમારી ટપાલ !’ બારણા વચ્ચે ઊભા રહેતાં તેણે પરબીડિયું લંબાવ્યું. પરબીડિયા પરના સરનામાના અક્ષરોને સુધીર ઓળખી ગયો. ‘આ તો પરેશની ટપાલ !’ પોતાના દીકરાનું નામ સાંભળીને સુરભિ હરખાઈ ગઈ. તેણે ઝપટ મારી સુધીરના હાથમાંથી પરબીડિયું છીનવી લીધું. કદાચ પરેશ અને તેની પત્ની વેકેશનમાં આવે તો ખાલી ઘર ભર્યું ભર્યું થઈ જાય ! તે આખો પત્ર વાંચી ગઈ, પણ ક્યાંય આવવાની વાત લખી નહોતી. સુરભિ નિરાશ થઈ ગઈ.
‘રાતે અંધારું બહુ લાગે છે.’ સુધીરે રઘુકાકાને કહ્યું.
‘હા, પણ લાઈટનું બિલ બહુ આવે છે અને મેમ્બરો એમનો ભાગે પડતો ફાળો આપતા નથી. એટલે પ્રમુખે રાતના બાર પછી બધી લાઈટ બંધ કરી દેવાનું કહ્યું છે. પૂતળાવાળી એક જ લાઈટ ચાલુ રાખવાની છે…!’ રઘુકાકા ફેંગશૂઈને પૂતળું કહેતા હતા.
‘એટલે અહીં જીવતા માણસોની કંઈ કિંમત નથી, ફક્ત નિર્જીવ પૂતળાઓની કિંમત છે તમારા પ્રમુખને !’ સુરભિએ રોષભર્યા અવાજે કહ્યું, ‘એટલે એના માથે બત્તી ચાલુ રાખવાની !’
‘પણ બહેન, તમારે બીવાની જરૂર નથી. રાતે બાર પછી હું આખી પંચવટીમાં ત્રણ ચક્કર લગાવું છું અને આવતાં-જતાં તમારા બંગલા પર ટોર્ચલાઈટ ફેંકીને જોઈ લઉં છું.’
‘તમારા આધારે તો રહી શકીએ છીએ…..’ સુધીરે રઘુકાકાને પાનો ચડાવતાં કહ્યું. તે ગયા એટલે સુરભિએ કહ્યું : ‘હરીફરીને એક આ રઘુકાકા. એ સિવાય હોંકારો દે એવું કોઈ ખરું ?’ થોડી વારે સુરભિ શાંત પડી એટલે સુધીરે પૂછ્યું, ‘સુરભિ, તને બીક લાગતી હોય તો એકાદ કૂતરું પાળીએ.’
‘ના, કૂતરાની મને એલર્જી છે.’ સુધીર ચૂપ થઈ ગયો.
*****

એક દિવસ ચમત્કાર થઈ ગયો. બાજુવાળાં કપિલાબહેનના બંગલાનું રંગરોગાનનું કામ ચાલુ થઈ ગયું. દીવાલ પર દોરી વડે બાંધેલા માંચડા પર બેસી એ જુવાન છોકરા બ્રશ વડે પોપડા ઉખેડતા હતા. ત્યાં ડીઈઈઈટ કરતી મારુતીવાન આવી પહોંચી. વાન કશ્યપભાઈ ચલાવતા હતા, સાથે કપિલાબહેન નહોતાં. કોઈ અજાણ્યો સૂટેડબૂટેડ યુવાન હતો, એ આર્કિટેક્ટ હતો. કશ્યપભાઈ એ આર્કિટેક્ટને અંદર, બહાર બંગલો બતાવતા હતા અને સૂચનાઓ આપતા હતા. આર્કિટેક્ટ તેની ડાયરીમાં વિગત ટપકાવતો હતો. સુરભિ ખુશ થતી તેને મળવા દોડી ગઈ.
કશ્યપભાઈ સુરભિને જોઈ ગયા એટલે કહ્યું : ‘આવો બહેન ! જુઓ આ રિનોવેશન કરાવું છું.’
‘કેમ ?’
‘આવતા મહિને અમે રહેવા આવીએ છીએ….’
‘હાશ અમારાં નસીબ ઊઘડી ગયાં !’ સુરભિ ખુશ થઈ ગઈ.
‘તેની ખુશાલીમાં તમારે કૈંક તો લેવું પડશે !’ સુરભિએ આગ્રહ કર્યો, સાથે સુધીર પણ જોડાયો.
‘હવે જંગલમાં મંગલ થશે !’ જૂના સોફા પર બેસતાં કશ્યપભાઈએ કહ્યું, ‘હું બંગલાનો ઢાંચો બદલી નાખવાનો છું. થોડાક સુધારાવધારા કરવા છે, આગળ લૉન, હીંચકો, ડોરની બંને બાજુ શેડવાળા લેમ્પ, કારપાર્કિંગ માટે ગરાજ…. !’ તે બોલતા ગયા અને સુરભિ સાંભળતી ગઈ.
‘કેટલો બધો ખર્ચ થશે ?’ તેણે પૂછ્યું.
‘એક લાખ ખર્ચવા એટલે અમારે મન રમત વાત છે.’ તેમણે કૉફી પીતાં કહ્યું. ‘હીરાના કારખાનામાં હમણાં તેજી છે.’ કશ્યપભાઈને ગામડામાં બે હીરાનાં કારખાનાં હતાં. તે ગયા એટલે સુધીરે કહ્યું : ‘તું ખુશ થાય છે ત્યારે તારા ગાલ જુવાન છોકરી જેવા લાલચોળ થઈ જાય છે.’
‘સાચે જ ?’
‘હા…. હું કાલે જ ગોદરેજની હેર ડાઈ લેતો આવીશ. હું જ તારા વાળને રંગી દઈશ. પછી જોજે કપિલાબહેન તારા રૂપ આગળ ઝાંખાં પડી જશે….’
‘કપિલાબહેન સ્થૂળ છે.’
‘પૈસો આવે છે એટલે સ્થૂળતા પણ આવે છે’ સુધીરે કહ્યું.

અઠવાડિયામાં જ રંગરોગાનનું કામ પૂરું થઈ ગયું. બંગલામાં ઘરઘરાટીનો અવાજ સંભળાતો હતો, મિસ્ત્રી ફર્નિચર તૈયાર કરતો હતો. સુરભિ તો અગાસીમાં ઊભી ઊભી જોયા કરતી હતી. બંગલાની કાયાપલટ થઈ રહી હતી. પોતાનો બંગલો તો ઝાંખો પડી ગયો હતો. ત્યાં સવારમાં જ માળી આવી જતો હતો. ફૂલછોડના ઉછેર માટે. કશ્યપભાઈએ પોતાનો અલગ બોર કરાવ્યો હતો. માળી સવારમાં આવી જતો, માટી પૂરતો, ખામણા કરતો, પાઈપ વડે પાણી છાંટતો.

છેવટે વાસ્તુનિર્માણનો દિવસ આવી ગયો. કશ્યપભાઈ ખૂબ મોટા માણસ હતા તેનો ખ્યાલ તે જ દિવસે આવી ગયો. કેટલી બધી મોટરોનો ઢગલો થઈ ગયો. બુફે ડિનર હતું. વાનગીથી આખું ટેબલ છલકાઈ ગયું હતું. કપિલાબહેન તો ખૂબ જ મોંઘી સાડી ધારણ કરીને હવામાં ઊડતાં હોય તેમ ફરી રહ્યાં હતાં. ઈમ્પોર્ટેડ પરફ્યુમ્સથી પંચવટી ફાર્મ મહેકી ઊઠ્યું હતું. કપિલાબહેન સુરભિને બંગલાના એક એક ખંડની વિશિષ્ટતા બતાવતાં હતાં. સુરભિ અંજાઈ ગઈ હતી, આભી બની ગઈ હતી. એક ખંડમાં એક્વેરિયમ પણ હતું. મુખ્ય ખંડમાં છત પર ત્રિપહેલવાળું ઝુમ્મર લટકતું હતું. પ્રત્યેક ખંડમાં વૉલ ટુ વૉલ કાર્પેટ હતી.

થોડા દિવસમાં તેમનું સ્વતંત્ર ડિસ્ક એન્ટેના આવી ગયું. છત પર અવળી છત્રી જેવા આકારની સફેદ રંગની ડિશને સુરભિ જોઈ રહી. ત્યાં કપિલાબહેને બારીમાંથી ટહુકો કરતાં કહ્યું : ‘સુરભિબહેન, રાતે નવ વાગે સ્ટારપ્લ્સની સિરિયલ જોવા જરૂર આવજો.’ તેણે હા પાડી પણ જોવા ન ગઈ. જેમ જેમ દિવસો જતા હતા તેમ તેમ સુરભિનું વર્તન બદલાતું જતું હતું. તે હવે ભાગ્યે જ અગાસીમાં જતી હતી. કપિલાબહેનના બંગલા તરફની બારી હંમેશાં બંધ રાખતી હતી અને કપિલાબહેન બોલાવે તો ગમે તેવું બહાનું બતાવી ઘરમાં ઘૂસી જતી હતી. પોતાનો બંગલો હોવાનો ગર્વ પેન્સિલની અણી જેમ ભાંગી ગયો હતો.
******

એક વાર બપોરે કપિલાબહેન સુરભિ પાસે આવ્યાં. સુરભિ માથમાં તેલ નાંખી કાંસકો ફેરવી રહી હતી. તે વૉશબેસિન સામે ફિટ કરેલા અરીસા સામે ઊભી હતી. ત્યાં અરીસામાં તેણે બીજી સ્ત્રીનું પ્રતિબિંબ જોયું, કપિલાબહેન તેની પાછળ ઊભા રહીને મંદ મંદ મલકી રહ્યાં હતાં.
સુરભિએ ચા બનાવી, કપિલાબહેને ચા પીધી. પછી માથાના કોરા વાળ પર હાથ સરકાવતાં કહ્યું : ‘મારે પણ તેલ નાખવું છે.’
‘લાવો હું નાખી દઉં…. આંબળાનું છે.’ સુરભિએ કહ્યું.
‘મને ફાવશે, પણ હું જાતે જ નાંખી લઈશ !’ એટલું કહી તે અરીસા સામે ઊભાં રહી ગયાં અને કુંભીમાં આંગળાં બોળી તેલ નાખવાનું શરૂ કર્યું, પણ અદોદળા શરીરને કારણે તે થાકી ગયાં. ‘મને ડ્રેસિંગ ટેબલ વગર નહીં ફાવે. તમે પણ ચાલો, ત્યાં ડ્રેસિંગ ટેબલ સામે બેસીને વાળ ઓળીશું.’
‘ફરી ક્યારેક આવીશ…. સુરભિએ કહ્યું. કપિલાબહેન નીકળી ગયાં. સુરભિ અન્યમનસ્કપણે ધીમા પગલે પગથિયાં ચડી અગાસીમાં ઊભી રહી. ધીમેધીમે માથાના વાળમાં કાંસકો ફેરવતી ગઈ. છેવટે વાળ ઓળાઈ ગયા એટલે કાંસકામાં ભરાઈ ગયેલા વાળને ઝનૂનપૂર્વક ખેંચી કાઢ્યાં. આંગળીઓ વડે ગૂંચળું બનાવ્યું. પોતાને કોઈ જોતું નથી તેની ખાતરી કરી લીધા પછી જોરથી કપિલાબહેનના કંપાઉન્ડમાં એ ગૂંચળાનો ઘા કર્યો અને મનોમન બબડી. આ બલા અહીંથી ટળે તો સારું.

[ કુલ પાનાં : 214. કિંમત : રૂ. 130.00 પ્રાપ્તિ સ્થાન : આર.આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’ રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ – 380 001. ફોન : +91-79-25506573. sales@rrsheth.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નૌકાવિહાર – અશ્વિની બાપટ
મારી બારમાની પરીક્ષા ! – ડૉ. આઈ.કે. વીજળીવાળા Next »   

6 પ્રતિભાવો : ગૂંચ – સુમંત રાવલ

 1. Jayesh Patel says:

  આંખ ની સામે ઘરે મારા મમ્મી એક્લા આમ જ ગુંગળાતા હશે તેવુ ચિત્ર રજુ થઈ ગયુ . . બે મિનિટ તો આંખ ભરાઈ આવી . . બહુ સરસ આલેખન કર્યુ છે . . હુ વિદેશ મા, પપ્પા અને ભાઈ આખો દિવસ પોતાના કામ મા વ્યસ્ત . . ત્યારે મારી મમ્મી ને એકલતા કોરી ખાતી હશે ???

 2. એક જ કથામાં ઘણી બધી વાતોને ઘણી માવજત સાથે વણી લીધી છે લેખકે … મોટા શહેરોમાં જરૂરી એવી સુધીરભાઈની દીર્ધદ્રષ્ટી … સામાન્ય માનવીની અસામાન્ય એવી જરૂરીયાત-પાડોશીઓ… અને એ ન હોય ત્યારે અનુભવાતી અકળ વ્યથા … અને સાથે ખુબ જ સામાન્ય એવી ઈર્ષ્યાની ભાવના !!!

  એક અલગ ભાત ચીતરતી સુંદર લધુકથા …

 3. ranjan pandya says:

  સરસ વાર્તા.

 4. Dhaval B. Shah says:

  I didn’t understand the end of the story. Why did Sumati think “આ બલા અહીંથી ટળે તો સારું.”?

 5. Priyank Soni says:

  nice end

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.