- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

મારી બારમાની પરીક્ષા ! – ડૉ. આઈ.કે. વીજળીવાળા

[પ્રસ્તુત લેખ શ્રી આઈ.કે. વીજળીવાળાના નવા પુસ્તક ‘સમયને સથવારે’ માંથી લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને તે માટે પરવાનગી આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિ માટેની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

ભાવનગર શહેરના રેલ્વે સ્ટેશનને અડકીને આવેલી સાર્વજનિક ધર્મશાળાના વિશાળ અને કંઈક જૂના લાગતા મકાન સામે મેં નજર કરી. શહેરનો કંઈક અંશે પછાત કહી શકાય તેવો એ વિસ્તાર હતો. બાજુમાં જ ભાવનગર ટર્મિનસ હોવાથી કોલસાથી ચાલતા વરાળ એન્જિનની તીણી સિસોટીઓ વારંવાર સંભળાતી હતી. ધર્મશાળાના મકાનની પાછળ જ રેલવેના પાટા હોવાથી શન્ટિંગ કરતા એન્જિનના કાળા ડિબાંગ ધુમાડા વાતાવરણને ધૂંધળું બનાવી દેતા હતા. છેલ્લું સ્ટેશન હોવાથી ટ્રેનમાં મુસાફરી કરતા ખુદાબક્ષ ગાંડાઓ ભાવનગર ઊતરી જતા. એવો જ એક ગાંડા જેવો માણસ એ સાર્વજનિક ધર્મશાળાની બહાર બેઠો હતો. એ એની ધૂનમાં મસ્તીથી ગાતો હતો કે ‘રામબાણ વાગ્યા હોય તે જાણે !’

મેં ધર્મશાળાના બિલ્ડિંગ તરફ ફરી એક વખત નજર કરી. પછી મારા બાપુજી જોડે અંદર પ્રવેશ કર્યો. મને ફાળવવામાં આવેલા વિશાળ રૂમના ખાટલા પાસે મારી પતરાની જૂની પેટી મૂકી. પછી મારા બાપુજીએ મારી સામે જોયું. ‘ભાઈ ! તને અહીં ફાવશે ને ?’ બાપુજીએ મને સવાલ કર્યો.
‘હા !’ મેં ટૂંકમાં જવાબ આપી એ વિશાળ ઓરડામાં આજુબાજુ નજર કરી. એની વિશાળતા જોઈ મને નવાઈ લાગતી હતી. રાજાશાહી વખતના બનેલા લાકડાન ચાર મોટા અને વિશાળ પલંગ એ ઓરડામાં પડેલા હોવા છતાં એ ઓરડો સાવ ખાલી ખાલી લાગતો હતો. સ્ટીમ ઈન્જિનના ધુમાડામાંથી પથરાતી તીણી કોલસીના કારણે ફર્શ પર પાતળી કાળી ચાદર પથરાઈ ગઈ હતી. એના પર ચાલવાથી ફર્શ પર પગલાં પડતાં. વારંવાર વાળવા છતાં પરિણામ એનું એ જ રહેતું એવું ત્યાં રહેતા એક ભાઈનું કહેવું હતું.
‘ફાવશેને બેટા ?’ મારા બાપુજીએ ફરીથી પૂછયું.
‘હા ફાવશે. મારા બીજા બે ભાઈબંધ પણ અહીં જ રહેવાના છે. એ લોકો થોડીવારમાં જ આવી જશે, એટલે તમે બિલકુલ ચિંતા ન કરતા.’ મેં કહ્યું.
‘જો, પરીક્ષા ખૂબ ધ્યાનથી આપજે. તને તો જોકે કંઈ કહેવાનું ન હોય, પણ….’ ગમે તે હોય, પરંતુ બાપુજીએ આગળ બોલવાનું ટાળ્યું. મારી બાર સાયન્સની બોર્ડની પરીક્ષા હતી, એટલે બાપુજીની ચિંતા પણ સ્વાભાવિક હતી.

દસમા તેમજ બારમા ધોરણના બોર્ડની પરીક્ષા આપવા માટે એ વખતે અમારે અમારા ગામ જીંથરીથી 34 કિલોમીટર દૂર ભાવનગર શહેરમાં આવવું પડતું. ભાવનગર કેન્દ્રમાં મારો સીટ નંબર હલુરિયા ચોક નામે ઓળખાતા ચોકમાં આવેલ માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલમાં આવ્યો હતો. ભાવનગર શહેર ખાતે અમારા કોઈ સગાંઓ ન મળે, એટલે ઓછામાં ઓછા ખર્ચે રહી શકાય તેવી ગણતરી સાથે રેલવે સ્ટેશન પાસે આવેલી સાર્વજનિક ધર્મશાળામાં છ રાત રહેવાનું નક્કી કરેલું. ધર્મશાળાથી માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલનું અંતર લગભગ દોઢથી બે કિલોમિટર જેટલું થાય. પરંતુ સત્તર વરસની એ ઉંમરે એટલું અંતર તો ફટ દઈને વીસ મિનિટમાં કપાઈ જાય એટલે મને એ અંતરનો જરાય વાંધો નહોતો.

‘લે આ પાંત્રીસ રૂપિયા, જમવાનું એમાંથી કરજે અને આ બીજા ચાર રૂપિયા રાખજે. એ વાપરતો નહીં. વળતી વખતે બસભાડામાં કામ લાગશે.’ બાપુજી બોલ્યા. એ બોલતી વખતે એમના અવાજમાં આવી ગયેલી ભીનાશ મારાથી અજાણી નહોતી, કારણ કે જેટલા દિવસ મારે ધર્મશાળામાં કાઢવાના હતા તેટલા દિવસ માટે આટલા પૈસા સાવ અપૂરતા હતા. અછતમાં ઊછરેલા અમને બધાને ન ઉચ્ચારાયેલાં વાક્યો પણ સમજાઈ જતાં. બાપુજીએ આટલા જ પૈસા આપ્યા એનો અર્થ એટલો જ કે એમના પાછા જવાના ટિકિટભાડાને બાદ કરતા એનાથી વધારે એક પણ પૈસો એમની પાસે હવે નથી. કંઈ પણ બોલ્યા વિના ચૂપચાપ મેં એ પૈસા લઈ લીધા. સાંજે અમે જમીને ઘરેથી નીકળેલા એટલે એ રાત્રે જમવાની ચિંતા નહોતી.

ફરી એક વખત મારી આંખમાં આંખ પરોવી, ‘ફાવશે તો ખરું ને ?’ એ સવાલ નજરથી જ પૂછીને બાપુજી પાછા ફર્યા. મને આનાથી વધારે સગવડતા આપવા માટેની એમની નિ:સહાયતા સ્પષ્ટપણે એમની નજરમાંથી ટપકતી હતી. જોકે એનાથી વધારે સગવડતા પામવાની મારી પણ કોઈ ઈચ્છા ન હોવાથી મને એ અગવડતાઓનું જરાય દુ:ખ નહોતું. બાપુજીએ મને આવજો કહ્યું, આશીર્વાદ આપ્યા અને પછી એ ગયા.

સાર્વજનિક ધર્મશાળાના એ વિશાળ ઓરડામાં હું સાવ એકલો મારી ચોપડી ખોલી વાંચવા બેઠો. એ ચોપડી સેંકડો વખત મારા હાથમાંથી ફરી ગઈ હતી, એટલે મારે ફક્ત નજર જ નાંખવાની હતી. ફાનસના અજવાળે વાંચેલી એ ચોપડી આજે વીજળીના પીળા પ્રકાશમાં વાંચવાનો એક નવો જ અનુભવ થઈ રહ્યો હતો. અમારી આર્થિક પરિસ્થિતિ એટલી નબળી હતી કે ગાઈડ, અપેક્ષિત કે અન્ય મેગેઝિન વગેરે ખરીદવાનો સવાલ જ ઊઠતો નહોતો. ફક્ત પાઠ્યપુસ્તકો વાંચીને જ મેં બારમાની પરીક્ષા આપી હતી. મારી ફીના પૈસા ઊભા કરવા હું દસમા અને નવમા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવતો. બાકી કૉચિંગ કલાસમાં જવાનું મને તો સપનું પણ ક્યારેય આવવું શક્ય નહોતું. એટલે પરીક્ષાલક્ષી અન્ય કોઈ સાહિત્ય પણ મને ક્યારેય જોવા નહોતું મળ્યું. અનેક વાર વાંચેલી ચોપડીને ફરી એક વખત મમળાવવાનું મેં શરૂ કર્યું.

લગભગ સાડાસાત વાગ્યાની આસપાસ મારી જોડે ભણતા અન્ય બેથી ત્રણ વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા. આર્થિક પરિસ્થિતિ સારી હોવા છતાં રેલવે સ્ટેશન બાજુમાં હોવાથી એમણે ધર્મશાળામાં રહેવાનું પસંદ કરેલું. એ લોકોના આવવાથી રૂમનું વાતાવરણ ઘણું જ હળવું બની ગયું. અમે બધાએ થોડી વાર ગપ્પાં માર્યાં. પછી ખાટલાઓની ગોઠવણ થોડીક બદલવાનું નક્કી થયું. અસ્સલ સાગના બનેલા એ ભારેખમ રજવાડી પલંગને ફેરવતાં અચાનક એક પલંગ મારા પગ પર પડ્યો. મારી રાડ ફાટી ગઈ. જમણા પગનો અંગૂઠો અને અડધો પંજો સોજીને દડો થઈ ગયાં. અંગૂઠાનો નખ લોહી મરી જવાથી જાંબલી રંગનો થઈ ગયો. સહન ન થઈ શકે એટલો દુ:ખાવો થવા માંડ્યો. રડવું આવતું હતું પરંતુ રડવાની એ ઉંમર ન હોવાથી દબાવી રાખવું પડતું હતું. ભીનો પાટો બાંધવા સિવાય અન્ય કોઈ સારવાર મળવાની શક્યતાઓ જ નહોતી. બીજે દિવસે સવારે પ્રથમ પેપર હોવાને કારણે મારા જોડીદારો વહેલા સૂઈ ગયા. ફક્ત હું એકલો એ સબાકા મારતા પગને પકડીને ક્યાં સુધી જાગ્યો એ મારી પાસે ઘડિયાળ ન હોવાથી મને યાદ નથી.

સવારે સાત વાગ્યાની આસપાસ બધા હજુ સૂતા હતા ત્યારે હું જાગી ગયો. ઊઠ્યો ત્યારે ઉજાગરાને કારણે માથું ભારે હતું. અને પગ ખૂબ દુ:ખતો હતો. ઝડપથી તૈયાર થઈ મારે વહેલા નીકળવાનું હતું કારણકે મારે ચાલીને જવાનું હતું. મારા મિત્રોને એમાંથી એકના પિતાજી મૂકી જવાના હતા. તૈયાર થઈ, પેન-કંપાસ તેમજ બોર્ડની રિસિપ્ટ લઈ હું ચપ્પલમાં પગ નાખવા ગયો. પરંતુ પગ એટલો સોજી ગયો હતો કે ચપ્પલ તો પહેરી શકાય તેમ હતું જ નહીં. હવે ? ચાલવું કઈ રીતે ? જો રિક્ષાભાડામાં પૈસા નાખી દઉં તો એકાદ ટંકનું જમવાનું જતું કરવું પડે. પરીક્ષાના સમયમાં સાવ ભૂખ્યા પેટે ચલાવવું પણ પોસાય તેમ નહોતું. એ બે-ચાર ક્ષણ મારી આંખમાં નિ:સહાયતાનાં આંસુ આવી ગયાં, પરંતુ રડવું પાલવે તેમ નહોતું. આમેય આવડા વિશાળ અને સાવ અજાણ્યા શહેરમાં મારું રડવું સાંભળવાનું પણ કોણ હતું ? મારા મિત્રો તો હજુ સૂતા હતા.

મન મક્કમ કરી, ચપ્પલના મોટા પટ્ટામાં હળવેથી પગ નાખી સાવ ધીમે ધીમે મેં પરીક્ષા કેન્દ્ર તરફ પ્રયાણ કર્યું. એક પગ ઘસડતાં ઘસડતાં ધીમે ધીમે લગભગ સવા કલાકે હું પીરછલ્લા શેરી તરીકે ઓળખાતી ગલીમાં આવેલ અશોકા રેસ્ટોરંટ પાસે પહોંચ્યો. મદ્રાસી વાનગીઓ પીરસતા અશોકા રેસ્ટોરંટમાં એ સમયે એક રૂપિયામાં મસાલા ઢોસાની ડિશ મળતી. ઉપરાંત એક્સ્ટ્રા સંભાર ફ્રી મળતો. મારો સવારનો નાસ્તો ગણો કે બપોરનું ભોજન, એ ઢોસાની ડિશ જ હતી. કારણ કે એકાદ રૂપિયાથી વધારે સવારે ખર્ચ થઈ જાય તે મારા બજેટને મંજૂર નહોતું ! ઢોસો ખાઈને ધીમે ધીમે ચાલતા બીજી અડધી કલાકે હું પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચ્યો. ધર્મશાળાથી પરીક્ષાકેન્દ્ર સુધીના બે કિલોમિટર કાપતાં, નાસ્તાનો સમય બાદ કરતા મને લગભગ બે કલાક થયા હતા. દુ:ખતા પગનો દુ:ખાવો કંઈ કેટલાય ગણો વધી ગયો હતો. મારા દોસ્તો તેમજ અન્ય વિદ્યાર્થીઓને રિક્ષામાં, કારમાં કે સ્કૂટર પર આવતાં જોઈ બે ક્ષણ માટે મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. પરંતુ એ ફક્ત બે જ ક્ષણ માટે ! એનાથી વધારે નહીં ! એ બધા વેવલાવેડામાં પરીક્ષા પરથી ધ્યાન જરાય વિચલિત કરવાનું મને પોસાય તેમ જ નહોતું. મેં એ દિવસના પેપર અંગે વિચારવાનું શરૂ કરી દીધું.

પ્રથમ પેપર શરૂ થયું. મને તાવ જેવું લાગતું હતું. માથું પણ ભારે હતું. પગનો સોજો વધી ગયો હતો એટલે જો પગને લટકતો રાખું તો સણકા વધી જતા હતા. પાટલી પર પગ રાખવાની નિરીક્ષક ના પાડતા હતા. પગને ઘડીક લાંબો-ટૂંકો કરતાં મેં પેપર પૂરું કર્યું. એ દિવસે બપોર પછી બીજું પેપર હતું. પ્રથમ અને બીજા પેપરની વચ્ચે એક કલાકનો રિસેસ મળતો. બધા વિદ્યાર્થીઓનાં મમ્મી-પપ્પા કે સગાંવહાલાં નાસ્તો, શરબત, ચા-પાણી વગેરે લઈને આવ્યાં હતાં. હું સાવ એકલો માજીરાજ હાઈસ્કૂલના ઓટલે બેઠો હતો. ભૂખ પણ ખૂબ લાગી હતી. સવારનો ખાધેલ ઢોસો તો ક્યારનો પચી ગયો હતો. ભૂખ લાગી હોય અને આપણી પાસે જ્યારે ખાવાનું ન હોય ત્યારે આપણી આંખ ચારે તરફથી કોઈ ખાઈ રહ્યું હોય તેવાં કે ખાવાનાં દશ્યો જ ઝડપતી રહે છે. આંખની એ કમજોરીથી બચવા માટે મેં પાણી પીવા જવાનું નક્કી કર્યું. માંડ ઊભો થઈ, ધીમે ધીમે ચાલતો હું માજીરાજ હાઈસ્કૂલના દરવાજાની ડાબી તરફ આવેલ પાણીની ટાંકી તરફ ગયો.

એ દિવસ હતો પમી એપ્રિલ, 1978નો. ચૈત્ર મહિનાનો બપોર હતો. ધોમધખતા તડકા અને જોરમાં વાતી લૂના પ્રતાપે નળમાંથી પણ ફળફળતું ગરમ પાણી આવ્યું. હથેળીમાં ગરમ પાણી ઝીલી થોડી વાર ઠરવા દીધું. પછી બે ઘૂંટડા પીધું. બાકીની તરસ છિપાવવા પેપર દરમિયાન કોઈ માણસ પાણી પીવડાવે એની રાહ જોવાની હતી. મન ઉદ્વેગને લીધે થોડું ભારે થઈ ગયું. રિસેસનો એ એક કલાક મને ખૂબ લાંબો લાવેલો.

સાંજનું બીજું પેપર પૂરું થતાં જ ધીમે ધીમે મેં ધર્મશાળા તરફ પ્રયાણ કર્યું. પગનો દુ:ખાવો મારી સહનશક્તિની બધી જ હદ વટાવી ગયો હતો. ધર્મશાળા સુધી પહોંચી નહીં શકાય તેવું લાગતું હતું. પરંતુ પહોંચ્યા વિના પણ છૂટકો તો નહોતો જ ! મન મક્કમ કરીને ઢસડાતાં ઢસડાતાં ચાલતો રહ્યો. ધર્મશાળા સુધીના રસ્તે કેટલી વખત પોરો ખાધો હશે એ આજે તો યાદ પણ નથી રહ્યું. પાંચ વાગ્યે છૂટેલો હું લગભગ સાત વાગ્યે રેલવે સ્ટેશનની બાજુમાં આવેલી લોજ સુધી પહોંચ્યો. આખા દિવસનો ભૂખ્યો હતો. પેટ એનાથી શક્ય તેટલી તીવ્રતાથી ફરિયાદ કરી રહ્યું હતું. લૉજમાં જઈને ડિશ (ભાણા) નો ભાવ વાંચ્યો; અર્ધાભાણાના પાંચ રૂપિયા અને આખા ભાણાના દસ રૂપિયા હતા. આખા ભાણામાં બધું અમર્યાદિત મળે. જયારે અર્ધાભાણામાં નાની નાની પાંચ રોટલી, મર્યાદિત દાળ-શાક અને નાનકડી વાટકી ભરીને ભાત જ મળે. મારી પાસે કુલ ચોંત્રીસ રૂપિયા જ હતા. આજની પછી પાંચ સાંજ બીજી કાઢવાની હતી. મનમાં હિસાબ કરીને અર્ધુ ભાણું જ મંગાવ્યું. સત્તર વરસની એ ઉંમરે આખા દિવસની ભૂખ પછી લોજની એ ફૂલકા જેવી પાંચ રોટલી પેટમાં પડ્યા ભેગી જ જાણે કે આખા ઉનાળાની ગરમ ધરતી પરથી પ્રથમ વરસાદના થોડાક છાંટા વરાળ બનીને ઊડી જાય તેમ ક્યાંય ઊડી ગઈ. દરેક ટંકે બાના હાથના બાજરાના મોટા બે રોટલા સમાવી જતા પેટે અર્ધા ભાણા સામે ખૂબ વિરોધ નોંધાવ્યો, પણ બે ગ્લાસ એક્સ્ટ્રા પાણીથી વધુ એને કંઈ આપી શકાય તેમ નહોતું. જમીને ધર્મશાળા પહોંચ્યો ત્યારે રાત્રિના આઠ વાગ્યા હતા.

આવી જ રીતે મેં બાકીનાં પેપર આપ્યાં. છેલ્લા દિવસે સવારે ચાલતો ચાલતો જ્યારે અશોકા રેસ્ટોરંટ પાસે પહોંચ્યો ત્યારે યાદ આવ્યું કે નાસ્તાના પૈસા તો હતા નહીં. પાંચ રૂપિયા પહેલા પાંચ દિવસના ઢોસા પેટે વપરાઈ ગયા હતા. ખિસ્સામાં હવે ઘરે પાછા જવાના બસના ટિકિટભાડાના પૈસા જ વધ્યા હતા. નાસ્તો કરવાનું એ દિવસે પોસાય તેમજ નહોતું. એટલે અશોકામાંથી આવતી ઢોંસાની સુગંધ મારા નાકમાં ન પેસી જાય તેની તકેદારી રાખતો હું ઝડપભેર ત્યાંથી પસાર થઈ ગયો. એ પેપર મેં તદ્દન ભૂખ્યા પેટે આપ્યું. આજે દુનિયા સામે ખુલ્લી કરેલી આ વાતની ગંધ મારા કોઈ ભાઈબંધને પણ મેં નહોતી આવવા દીધી.

એ દિવસે બપોરે છૂટ્યા પછી ધર્મશાળાથી સામાન લઈને ઘરે જવાનું હતું. નસીબજોગે આટલી તકલીફો છતાં મન જરાય વિચલિત નહોતું થયું. કારણ કે તકલીફો તો અમને ગળથૂથીમાં જ મળેલી એટલે એની કોઈ નવાઈ નહોતી. પેપર ખૂબ જ સારાં ગયાં હતાં. સારા માર્ક આવશે એવી ખાતરી થઈ ગઈ હતી. મનમાં એનો આનંદ હતો પણ ભૂખ ખૂબ લાગી હતી. બપોરે બે વાગ્યે ચાલતો ચાલતો પરીક્ષાકેન્દ્રથી ધર્મશાળા પહોંચ્યો. પગનો દુ:ખાવો હવે નહીંવત્ બની ગયો હતો એટલે એની પીડા હવે જરાય નહોતી. ધર્મશાળા પહોંચી મેં મારો સામાન પતરાની પેટીમાં ભર્યો. એ પેટી ઉપાડી બીજા બે કિલોમિટર જેટલું ચાલીને બસ સ્ટેન્ડ સુધી પહોંચવાનું હતું, પરંતુ હવે ચાલવામાં કોઈ જ તકલીફ નહોતી. ફક્ત ભૂખને લીધે થોડીક નબળાઈ લાગતી હતી અને સ્હેજ ચક્કર આવતાં હતાં. આમ જોઈએ તો છેલ્લા સાત દિવસની થોડી થોડી ભૂખનો હવે સરવાળો પણ થયો હતો. મેં ફરી એક વાર પેટભરીને પાણી પીધું. પેટી ઉપાડીને ધર્મશાળામાંથી બહાર આવ્યો. ઓટલા પર બેઠેલો પેલો ગાંડા જેવો માણસ આજે પણ એની ધૂનમાં મસ્તીથે ગાતો હતો કે ‘રામબાણ વાગ્યા હોય તે જાણે !’

હું બે ક્ષણ હાથમાં પેટી પકડીને ઊભો રહી ગયો. એ ગાંડા જેવા દેખાતા માણસનું ધ્યાન મારા તરફ હતું. હું તેની સામે જોઈ થોડું હસ્યો. પછી બસ સ્ટેન્ડ તરફ ચાલવાનું શરૂ કરતાં સ્વગત જ બબડ્યો, ‘સાવ સાચી વાત છે ભાઈ ! રામબાણ તો વાગ્યા હોય એ જ જાણે !’
****

(બારમાના વિજ્ઞાનની બોર્ડની એ પરીક્ષામાં હું ભાવનગર કેન્દ્રમાં ચોથા નંબરે, સમગ્ર ગુજરાત બોર્ડમાં એકસઠમા નંબરે અને જીવવિજ્ઞાન (બાયોલોજી)ના વિષયમાં બોર્ડમાં બીજા નંબરે પાસ થયેલો.)

[કુલ પાનાં : 86. કિંમત રૂ. : 60.00 પુસ્તક પ્રાપ્તિ સ્થાન : આર.આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’ રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ – 380 001. ફોન : +91-79-25506573. sales@rrsheth.com ]