સરપ્રાઈઝ – કનુ અડાસી

amar samvedan kathao[પ્રસ્તુત લેખ શ્રી જૉસેફ મૅકવાન દ્વારા સંપાદિત ‘અમર સંવેદનકથાઓ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવી છે. પુસ્તકપ્રાપ્તિની વિગત આ લેખના અંતે આપવામાં આવી છે.]

પ્રોફેસર નલિન વ્યાસે લેખ પૂરો કર્યો અને ફરી વાંચવાનું ચાલુ કર્યું. ખાતરી થઈ ગઈ કે કશી ક્ષતિ રહી ગઈ નથી પછી એણે લેખની નીચે મરોડદાર અક્ષરે હસ્તાક્ષર કર્યા. પાનાં વ્યવસ્થિત ગોઠવી સ્ટૅપલ પિન મારી એણે બૂમ પાડી…. ‘કમલા…’ કૈં જ જવાબ ન મળતાં એણે ફરી બૂમ પાડી. ‘…કમલા…!’
એન લાગ્યું કમલા આવતી કાલની પ્રોફેસર્સ કૉન્ફરન્સ માટે પોતાના વક્તવ્યની તૈયારી કરતી હશે. અત્યંત એકાગ્ર હશે તેથી એને બૂમ નહિ સંભળાઈ હોય. નલિને અવાજ સહેજ ઊંચો કર્યો ‘પ્રોફેસર કમલા વ્યાસ…’

બાથરૂમનો દરવાજો ખોલી કમલા બહાર આવી. ગાઉનનાં બટન બંધ કરતાં એણે નલિન સામે જોયું. ‘તેં મને બોલાવી ?’
‘બોલાવવા બૂમો પાડી. મને લાગે છે તેં છેલ્લી જ બૂમ સાંભળી. તે પહેલાંની બૂમો….’
એ વાક્ય પૂરું કરે તે પહેલાં કમલાએ કહ્યું, ‘પહેલી બે બૂમો સંભળાયાનો આભાસ થયેલો પણ શાવરના છંટકાવ હેઠળ એ આભાસ સ્પષ્ટ નહિ થયેલો. પ્રોફેસર કમલા વ્યાસ સાંભળ્યું એટલે ખ્યાલ આવ્યો કે આગળના બે-ચાર ટહુકા નિષ્ફળ ગયા હશે તેથી ડૉક્ટર નલિન વ્યાસે પ્રોફેસર કમલા વ્યાસના નામનો સુદીર્ઘ લહેકો કર્યો.’

લેકચરર પતિ અને પ્રોફેસર પત્ની આ જ લિહાજમાં વાતો કરતાં; જાણે કૉલેજના કોમન-રૂમમાં શિક્ષણના કોઈ વિષયની ચર્ચા થતી હોય. એક પ્યાલો ચા પીવી હોય તો ચા બનાવને એમ કહેવાને બદલે ચાથી મળતી તાજગી વિશે પ્રલંબ પ્રસ્તાવના બંધાતી. જળમાં રહે તે જળચર ને ‘ટી’ (ચા) પર રહે તે ટીચર. લગ્નજીવનની શરૂઆતમાં ગમ્મત ખાતર અપનાવેલી શૈલી એમની વચ્ચે ટેવ બનીને ટકી ગઈ હતી. એમના સહકાર્યકરોમાં પણ લાંબુ પિષ્ટપેષણ કરવાની ટેવ થોડે ઘણે અંશે હતી જ પણ નલિન અને કમલાના પ્રલંબ વાર્તાલાપો અને રસભરી ચર્ચાઓને મુકાબલે એ ટેવ ખાસ નોંધપાત્ર લાગે નહિ તેથી આ દંપતીની ચર્ચા કર્યા કરવાની ટેવને ‘એક્સ્ટ્રા પિરિયડ’નું લેબલ મળ્યું હતું.

આ એકસ્ટ્રા પીરિયડ અત્યારેય ચાલત. શરૂઆત થઈ ચૂકી હતી; તેવામાં ફોનની ઘંટડી રણકી. ભીની હથેળી ખભે પથરાવેલા ટુવાલ પર લૂછી કમલાએ રિસીવર ઊંચક્યું. ફોન એકના એક પુત્રે વોશિંગ્ટનથી કર્યો હતો. કમલાએ વાતો કરી… સાંભળી… પછી ફોન નલિનના હાથમાં આપ્યો. દંપતીને વાતનો વિષય મળ્યો. દીકરો મોન્ટુ… નામ તો હતું અનિકેત પણ લાડનું નામ ત્રીસ વરસ થઈ ગયાં હતાં અને છતાંય બદલાયું ન હતું. એની પત્ની કેતકી પણ એને મોન્ટુ જ કહેતી હતી. મોન્ટુએ વિચાર વહેતો કર્યો હતો.

અમેરિકાને અલવિદા કરી એ ઈન્ડિયા પાછો આવવા…. ફોર ગુડ.. હંમેશને માટે પાછો આવવા પ્લાન કરતો હતો. એણે મમ્મીને કહેલું ‘ડિફિકલ્ટ નથી. હન્ડ્રેડ એન્ટ નાઈન્ટી થાઉઝન્ડ… એક લાખ નેવું હજાર ડૉલરની બચત પાંત્રીસના ભાવે કન્વર્ટ કરે તો પણ ઈન્ડિયામાં એ મોટી રકમ હતી. વન કેન લીવ કમ્ફર્ટેબલી. મમ્મી આપણે બધાં એશ-આરામથી રહી શકીએ. પછી પપ્પાને એણે કહેલું : ‘વેલ ડેડ, આઈ એમ પ્લાનિંગ રિટાયરમેન્ટ.’
ફોન ચાલુ હતો ત્યારે જ નલિને એક લાખ નેવું હજાર ડોલરના આંકડાને પાંત્રીસથી ગુણી લીધા હતા. સાડી છાસઠ લાખ લઈને દીકરો દેશમાં પાછો આવે તો વટ પડી જાય. પૈસાનો પાવર જ કૈંક ઓર છે. અર્થશાસ્ત્રનાં પ્રાથમિક પુસ્તકોમાંનું પેલું વાક્ય એને યાદ આવી ગયું. મની ઈઝ પાવર. મની ઈઝ વોટ મની ડઝ. પૈસા ભલે દીકરાના હોય છતાં છાસઠ લાખ પચાસ હજાર બોલતાં એની છાતી ખાસ્સી ચાર ઈંચ ફૂલી.

‘દીકરો ગાડીમાં ફરે હોં ! છાસઠ લાખની રકમ વજનદાર ગણાય.’ ઈન્ડિયન રોડ પર ફેરવવા મોન્ટુ કઈ ગાડી લે એ વિશે રસપ્રદ અટકળો ચાલી. અંતે પતિ-પત્ની વચ્ચે હરખભેર સંમતિ સધાઈ.
‘કાર તો જોઈશે જ બીજાઓ માટે ભારતમાં એ લકઝરી હશે પણ મોન્ટુ માટે તો જિંદગીની પ્રાથમિક જરૂરિયાત હતી.’
નલિને કહ્યું… ‘આ ઘર પણ નાનું પડે.’
‘એમ તો રાજમહેલ પણ નાનો પડે.’ કમલાએ કહ્યું.
નલિન સમજી ગયો. આ સાદું વાક્ય ન હતું. કમલાની કેતકી તરફની ચીડ છતી થતી હતી. પરણીને આવી તે જ દિવસથી કેતકીનાં વલણ અને વર્તન કમલાને ખૂંચ્યા હતાં. ઘર પરિવારનાં સ્વજનોથી ભરેલું હતું. રસોઈ કરનાર બાઈ રાખેલી હતી. કોઈને કૈં જ કામ કરવું પડવાનું ન હતું. ઉલ્લાસપૂર્વક કેતકીએ બધાંની સાથે હસી-બોલીને વાત કરવી તો જરૂરી હતું ને ! પણ કેતકીએ બેડરૂમનું બારણું બંધ કરી દીધું હતું. પાંચ-સાત મિનિટના ગાળા પછી મોટે ઘાંટે એણે મોન્ટુને બોલાવી લીધેલો. બપોરે જમવાના સમયે મોન્ટુ કે કેતકી દેખાયાં નહિ. કમલાએ બેડરૂમના દરવાજે ટકોરા માર્યા પણ કૈં જ જવાબ નહિ. સહેજ હડસેલો મારતાં બારણું ખૂલી ગયું પણ રૂમમાં કોઈ જ ન હતું. સૌને આશ્ચર્ય થયેલું કે વરઘોડિયું ગયું ક્યાં ? અને તેય કોઈને કશું જ ખબર આપ્યા વિના !

મોન્ટુ પાડોશમાં જવું હોય તોય જણાવીને જ જતો. એ આજે કોઈનેય જણાવ્યા વિના ક્યાં ગયો ? મંદિરે માતાજીનાં દર્શને તો નહિ ગયો હોય ? દર્શન કરવા જવું હોય તો ચૂપચાપ ચાલ્યા જવાની ક્યાં જરૂર હતી ? મહેમાનોની હાજરીમાં કમલા ગમ ખાઈ ગઈ પણ એના મનમાં કેતકીના બેજવાબદારીપણાની ગાંઠ વળી ગઈ. કમલાને કડપ દાખવતી સાસુ બનવું ન હતું. પુત્રવધૂ સાથે સખ્ય સાધવું હતું. દીકરી બનાવીને વરસાવવું હતું પણ કેતકીના વલણની રુક્ષતા આડે આવી. પ્રસંગો સામાન્ય અને નજીવા હતા છતાં એનો ઓથાર ગંભીર હતો. દાખલા તરીકે કેતકી માટે કમલા આઈસ્ક્રીમ લાવેલી. મમ્મા હમણાં નથી ખાવો એમ કરીને એણે એ રાખી મૂકેલો. કેતકીનો કોઈ દોસ્ત મળવા આવ્યો એને એણે પેલો ફ્રિજમાં રાખેલો આઈસ્ક્રીમ ખવડાવી દીધો. આ ઘટનામાં કોઈ વાંધો ઉઠાવવા જેવો મુદ્દો હતો ખરો ? છતાં કમલાને કેતકી પ્રત્યે અણગમો થઈ ગયો. આ છોકરી લાગણીની વાત જ સમજતી નથી. એને લાગવા માંડ્યું પોતાનાં પિયરિયાં આવે તો કેતકી ખીલી ઊઠતી. કૉલેજના દોસ્તો આવ્યા હોય ત્યારે એનો ઉત્સાહ માતો ન હતો. એ સિવાયની પળોમાં કેતકીનું વર્તન ઠંડું રહેતું.

મોન્ટુ પાછો આવે તો સાથે રહે એવું માનવાને ચોક્કસ કારણ ન હતું. દીકરો પોતાનો હતો પણ વહુ ? વહુ ક્યાં મોન્ટુનાં માબાપ સાથે એક રસ થઈ હતી ? અમેરિકાથી એ જ્યારે આવેલી ત્યારે વધુમાં વધુ દિવસો એ પોતાનાં માબાપ સાથે પથરાયેલી રહેતી. એકલી જાય તો જાણે સમજ્યાં પણ સાથે મોન્ટુનેય લઈ જતી. ઘણી વાર તો કમલાને લાગતું કે મોન્ટુ ઈન્ડિયા આવે ત્યારે કેતકીનાં માબાપ સાથે જ રહેવા આવતો હતો. એ આવશે એ સાથેના વિચારોનો તલસાટ તૃપ્તિ સુધી નો’તો પહોંચતો. કમલાને દરેક વખતે એક ખટકો રહી જતો. બે માસ્તરો (દુભાયેલી હોય ત્યારે કમલા પ્રોફેસરને માસ્તરગીરી ગણાવતી)ના પગારમાં મોન્ટુને હાયર સેકન્ડરી પછી અમેરિકા ભણવા મોકલી, પોતે અનેક અગવડો વેઠી દીકરાને ડૉક્ટરેટ સુધી પહોંચાડતો હતો. એ છોકરો પોતાનાં વ્યવહાર-વર્તનનાં ત્રાજવામાં પોતાનાં દૂર દૂરથી સગાઈનાં સાળાઓ, સાઢુઓ અને સાસુ-સસરાને નમતું જોખે છે એવું જણાય ત્યારે નલિન કમલાની જેમ બબડી ન નાખે તોય એને અપમાન તો લાગે જ. વ્યક્ત નહિ કરેલા અને ગણીગણીને ગાંઠે બાંધેલા અનુભવો આક્રોશ બનીને ભભૂકે નહિ તે માટે નલિનને ખૂબ કાળજી રાખવી પડતી.

ગયે વખતે મોન્ટુ અને કેતકી ફક્ત ચાર અઠવાડિયાં માટે ઈન્ડિયા આવેલાં. ત્યારે કૉલેજમાં પરીક્ષાઓ ને સુપરવિઝનની સીઝન ચાલતી હતી. એ જાણ્યા પછી કેતકીએ વિવેક કરેલો, ‘મમ્મી-પપ્પા તમે રજા લઈ લો. આ વખતે અમે ગોવા, મહાબળેશ્વર અને બૅંગલોર જવાનાં છીએ.’ અને ઉમેરેલું, ‘તમારાથી નહિ અવાય તો વી વિલ ફીલ સૉરી ઍબાઉટ ધેટ’ બસ ત્યાર પછી એ વિશે કશી વાત નહિ. એમના પ્રવાસમાં કેતકીનાં માબાપ જોડાયેલાં. પાછાં આવ્યાં ત્યારે એમને અમેરિકા જવાના ફક્ત ચાર દિવસ રહેલા તેમાં પૂરા ત્રણ દિવસ મોન્ટુ એની સાસરીમાં ભરાઈ રહેલો. છેલ્લે દિવસે પેકિંગ કરતી વખતે બેગમાંથી કાજુનાં બે પેકેટ નીકળ્યાં. એ પેકેટ મોન્ટુએ કમલાને આપતાં કહેલું, ‘મમ્મી ! ગોવાથી કાજુ લીધેલા તે બહાર કાઢવાના જ રહી ગયેલા.’ પાંચસો ગ્રામનું પેકેટ બતાવી એણે કહ્યું – ‘આ તમે રાખજો ને બીજું પેકેટ કેતકીના પપ્પાને આપજો.’ કેતકીનાં પપ્પા માટે ફાળવેલું પેકેટ કિલોનું હતું.

નલિનને ખબર પડી ત્યારે એ ગુસ્સે થઈ ગયો. મોન્ટુ બહારથી આવ્યો ત્યારે એણે કમ્પાઉન્ડના દરવાજા પાસે કાજુ વેરાયેલા જોયા. એણે પૂછયું : ‘મમ્મી, આમ કેવી રીતે થયું ?’
નલિને જ જવાબ આપ્યો, ‘મેં ફેંકી દીધું. એક વાત સમજી લે. તું કશુંય લાવ્યો હોય એમાં તારી મા અથવા બાપ માટેનાં પેકેટ, બીજાનાં પેકેટ કરતાં ઓછામાં ઓછાં એક ગ્રામ વધારે વજનનાં હોવા જોઈએ. અરે ! ખિસ્સાના રૂમાલ લીધા હોય તો મારા માટેનો રૂમાલ એક દોરાવાર મોટો હોવો જોઈએ; તારી બુલંદી પાછળ અમારાં સ્વપ્નોનું વાવેતર છે. એ લોકો તો તૈયાર માલ પર ટપકી પડ્યાં છે.’ પણ આ જ વાત કેતકી અને મોન્ટુના ગયા પછી કમલાએ કરી ત્યારે નલિને એને સમજાવવાનો પ્રયત્ન કરેલો : ‘આપણો છોકરો આપણે ત્યાં જન્મ્યો. મોટો થાય ત્યાં સુધીમાં આપણા વર્તનમાંથી એણે કેટલાય વાંધાવિરોધ સુષુપ્ત મનમાં સંઘરી રાખ્યા હોય. જ્યારે એ સાસરીમાં જાય ત્યાં મોન્ટુભાઈ અને મોન્ટુલાલ મોન્ટુલાલ થાય. બધે જ માનમરતબાનો વરસાદ વરસે. સાળાઓ આઈસ્ક્રીમ પાર્લર પર લઈ જાય ને સાઢુઓ પાંઉભાજી ખાવા નોતરે. ધીમે ધીમે એ પલ્લું ભારે થતું જાય. આ એક યુનિવર્સલ ફિનોમિના છે.’

પછી તો બધુંય ભુલાઈ ગયું.
દીકરો અને વહુ અમેરિકામાં છે – વૉશિંગ્ટનમાં એ વાત સ્ટાફ રૂમમાં વટ મારવા પૂરતી ઉપયોગી રહી ગઈ. કોઈ પૂછે – દીકરાના ને વહુના શા સમાચાર છે તો નલિન જ જવાબ આપતો…. ‘પરમ દિવસે ફોન આવેલો. મઝામાં છે.’ એ ફોન કેતકીના બાપ પર આવેલો ને ત્યાંથી સમાચાર મળેલા એવું કહેવાનું એ ટાળતો. સમાચારનો ‘સોર્સ’ ગમે તે હોય. એ મઝામાં છે એટલું બસ.
******

મોન્ટુ ઈન્ડિયા પાછો આવી જવા માગે છે એ સમાચારથી ખુશ થવું કે નાખુશ થવું એ નલિન કે કમલા કોઈ નક્કી ન કરી શક્યાં. આમ ગણો તો સમાચાર સારા જ હતા ને ! પોતાનો દીકરો નજર સામે રહે એ કેટલી ખુશનસીબીની વાત હતી ! વળી આ તો પેલી બાળવાર્તાના પોપટ જેવો દીકરો ! પરદેશમાં કમાણી કરી આવેલો. પાંખ ખંખેરે એટલે ડૉલરમાંથી રૂપાંતર પામેલા રૂપિયાનો વરસાદ. ચકચકાટ મોટરમાંથી ઊતરી સેલ્સ ઈન્ડિયાના ભોંયરામાં જઈ થ્રી-ડૉર ફ્રિજ ગમ્યું… મોકલી આપો. કૂકિંગ રેન્જ ગમી. શી કિંમત છે ? કિંમત નહિ જોવાની. ગમે એટલે કહી દેવાનું ‘મોકલી આપો.’ અને આ ટેબલ-લૅમ્પ ? ઘરમાં ત્રણ ટેબલ-લૅમ્પ છે… એ જૂના થઈ ગયા…. ફેંકી દો અથવા કોઈને આપી દો. હેવ ધી હાઉસ કમ્પ્લીટલી રિનોવેટેડ. જૂની ચીજોને વળગી નહિ રહેવાનું. આપણી સામે એક જ જિંદગી છે. એને માણી લેવાની. વસ્તુ લાવીને એક વાર વાપરીએ એટલે એની કિંમત વસૂલ. ત્યાર પછી વસ્તુઓ આપણી કાળજીને કારણે ટકે એ બધો કન્ઝ્યુમર્સ સરપ્લસ. અમેરિકામાં તો જૂની ચીજો ગાર્બેજમાં જાય કે પછી ગારાજ-સેલમાં મૂકી દેવાય. નો-બડી બોધર્સ ફોર રિપેર ઓર રિસાઈક્લિંગ. ધેટ્સ ધી જોબ ફોર પુઅર નેશન્સ. ધી રિચ ગો ફોર ન્યુ થિંગ્સ વિથ ઈમ્પ્રુવ્ડ ટૅકનોલોજી. નલિનની કલ્પનામાં મોન્ટુના વિચારોના પડઘા પડવા માંડ્યા. મારો બેટ્ટો ! મા-બાપ સિવાય બીજું બધું બદલી નાખવાની વાત કરતો.

કમલાનેય મોન્ટુ સાથે રહેશે એ ખ્યાલ પર રચાયેલી કલ્પનાની ઈમારત દમામદાર લાગતી છતાં મોન્ટુની બૈરી કેતકીનો વિચાર કરતાં એને સહેજ અસુખ થઈ આવતું. દીકરો તો લાગણીશીલ હતો. ડિસિપ્લિન્ડ હતો, પણ એની વહુ જાણે દીકરાને ગળે પટ્ટો બાંધીને પાળેલા કૂતરાને લઈને વિહરતી હોય તેમ વર્તતી. કમલાને આ નહોતું ગમતું. ભૂતકાળમાં બનેલી નાની-મોટી ઘટનાઓની યાદના ઉઝરડા એને અસ્વસ્થ બનાવી મૂકતા. એને ખાતરી થઈ ગઈ હતી કે મોન્ટુને પણ હવે કેતકીના પડ્યા બોલ ઉઠાવી લેવાની આદત પડી ગઈ હતી એટલું જ નહિ, આનંદ પણ આવતો’તો. આનંદ આવે ત્યાં સુધી ઠીક, એમાં એને સાર્થકતા લાગતી હતી.

પરણેલાં સંતાનોનાં પોતાના ‘સ્પાઉસ’ પ્રત્યેનાં વલણોની ચર્ચા જામતી ત્યારે એકેડેમિક આદત પ્રમાણે લાં….બી વાતો થતી ત્યારે નલિન કમલાને પૂછતો, ‘હું તારા કહ્યામાં નથી રહેતો ?’ તો કમલા કહેતી – ‘ધેટસ એ ડિફરન્ટ થિંગ. કેતકી વધારે પડતી પઝેસિવ છે.’ નલિનને કેતકી પઝેસિવ લાગતી એના કરતાં મોન્ટુ વધારે ઝૂકી જતો લાગતો. પતિ કહ્યાગરો હોય એ એની સજ્જનતા ગણાય પણ દીકરો વહુના કહ્યામાં રહે એ બાયલાપણામાં ખપાવી દેવાય. ચર્ચાઓ રોજની થઈ પડી હતી પણ એક દિવસ કમલાએ વિચાર વહેતો મૂક્યો. ટુ બેડરૂમ્સ આર નોટ ઈનફ. પહેલો માળ ચણાવવો જ જોઈએ. કમલાને વિચાર આવ્યો પછી હા-ના નો સવાલ ક્યાં હતો ? રવિવારે સવારે આર્કિટેક્ટ આવ્યો ને ઉપર બે બેડરૂમ બનાવવાના નકશા બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. મોન્ટુ આવે તે પહેલાં બાંધકામ, રંગરોગાન બધું જ પતી જવું જોઈએ.

નલિન અને કમલાએ નક્કી કર્યું. ધિસ ઈઝ એ સિક્રેટ. મોન્ટુને જણાવવાનું નહિ. ઈટ વિલ એ સરપ્રાઈઝ ફોર ધેમ. એ પ્લેઝન્ટ સરપ્રાઈઝ ગિફટ ફોર ધી હોમ-કમિંગ બર્ડ. પણ થોડી વાર પછી એમને સવાલ ઊઠ્યો. વેવાઈ ગામમાં જ હતો. એ જાણે તો એની દીકરી અને જમાઈને જણાવ્યા વિના રહે ? વેવાઈ વગર બોલાવ્યે આવતા નહિ. એમની એ ટેવ કામમાં લેવાની. કન્સ્ટ્રક્શનનું કામકાજ ચાલે એ વખતમાં વેવાઈને નોતરું દેવાનું નહિ. આર્કિટેક્ટ સાથે વાત કર્યે દસ દિવસ થઈ ગયા છતાં એનો પત્તો ન હતો. કોઈ અજાણ્યા ધંધાદારીને પકડ્યો હોત તો જુદી વાત હતી. આ ધવલ પંડિત તો મોન્ટુનો મિત્ર હતો. ખાસ મિત્ર. રાહ જોઈને કંટાળ્યા પછી કમલાએ ધવલને ફોન કર્યો. અરે ભૈ ! શરૂઆતથી જ ઢીલ કરે છે તો પછી ધાર્યું કામ ક્યારે પૂરું થશે ?

કમલાએ નલિનને વાત કરી. આ છોકરો ખરો છે. કહે છે આન્ટી અનિવાર્ય ન હોય તો બીજા બે બેડરૂમ બાંધવાની કૈં જ ઉતાવળ ન કરશો. મોટું ઘર એ દુ:ખનું કારણ બની જતું હોય છે. એને કેમ સમજાતું નથી કે ઉપર બે બેડરૂમ આપણે મોન્ટુ માટે બંધાવવાના છે, કોઈ આલતુ-ફાલતુ મહેમાનો માટે નહિ. ધવલ સમજાવે છે કે મકાનનું એક્સ્ટેન્શન કરાવવાથી મ્યુનિસિપલ ટૅક્સ વધી જશે. વધે વધવાનો હોય તો ! સરકાર એના ભાગનું લઈ જશે. મેઈન્ટેનન્સનો ખર્ચ વધશે, ટૅક્સ વધશે આવી બધી ગણતરી કરાતી હશે પોતાના સંતાનની સુખાકારી સાધવાની હોય એવે વખતે ? ખર્ચના હિસાબ કરીને આવાં નાનાંમોટાં આયોજન કરવા પડે એવી સ્થિતિ ક્યાં હતી ? ખૂટવાનું નથી; ને ખૂટશે તો મોન્ટુ ક્યાં નથી ? ડૉલરનો દલ્લો લઈને આવવાનો છે. એના દરજ્જા પ્રમાણેનું ઘર જોઈએ કે નહિ ?
કમલાની વાત સાંભળીને નલિનને ધવલ પર ગુસ્સો આવ્યો. એનું કામ આપણી યોજના પ્રમાણે પ્લાન બનાવીને સરકારી વિધિઓ પતાવી કામ ચાલુ કરાવવાનું છે. આપણને આવી સલાહ આપવાની શી જરૂર છે ? મોન્ટુનો દોસ્ત છે એટલે આપણે એને દીકરાની જેમ ગણીને માન આપીએ છીએ તો પોતાની મર્યાદામાં રહીને આપણું કામ સગવડભર્યું બનાવવાને બદલે એ આપણો વડીલ બનીને આપણને સલાહ આપવા બેસે છે. નલિનને ગુસ્સો ચઢ્યો અને થોડી વાર પછી ઊતરી ગયો. એને લાગ્યું ધવલને ઘણાં કામ હશે. મોટા મોટાં અને ખાસ્સી જવાબદારીવાળાં કામ હશે. એને એવુંય લાગતું હોય કે મારું કામ ફી લીધા વગર કરી આપવું પડશે.

પછી તો ધવલને ઘેર જુદા જુદા સમયે ફોન જોડ્યા. કશો જ પ્રતિભાવ નહિ. બે મહિના વીતી ગયા ધવલનો મેળાપ જ થતો ન હતો. સદભાગ્યે ધવલની પત્ની એક વાર હાથમાં આવી ગઈ. એણે જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનાથી ધવલનું ઘેર આવવાનું કે જમવાનું કૈં જ ઠેકાણું ન હતું. કન્સ્ટ્રક્શનની સાઈટ પર જ એ સમય ગાળતો હતો. કોઈ ખાસ મિત્રનું અરજન્ટ કામ હાથમાં લીધું હતું. નલિનને તો પૂછવાનુંય ન સૂઝત પણ કમલાએ ધવલ ક્યાં મળી શકે એ જગાઓનું લાંબુ લિસ્ટ બનાવ્યું. જ્યાં જ્યાં ધવલનાં કામ ચાલતાં હતાં તે સાઈટ પર નલિને આંટા માર્યા. છેવટે ધવલ ગાંધીનગર હાઈ-વે પર નવા બંધાતા બંગલાઓની સાઈટ પર મળી ગયો; ત્યારેય એ તો કારણ વગર મકાનનું એક્સ્ટેન્શન ન કરવાની સલાહને જ વળગી રહ્યો.

નલિને એક રીતે ધવલની સલાહ ઠીક લાગી પણ મોન્ટુ અને એની વહુ ઈન્ડિયા આવે ત્યારે એમને રહેવા માટેની સગવડ પૂરી પાડવાની ધૂન સવાર થઈ હતી તેથી એ સલાહને માની આપી, મોન્ટુ આવશે ત્યારે જોયું જશે એવો નિર્ણય લઈ શક્યો નહિ. ધવલને બદલે બીજા કોઈને કામ સોંપવું પડશે એમ વિચારી નલિન છુટ્ટો પડ્યો. ત્યાર પછી કમલા અને નલિને પહેલે માળે બે બેડરૂમ બાંધવાની વાત કરવાનુંય બંધ કર્યું. એ બંનેને મનોમન લાગ્યા કરતું હતું કે ધારણા પ્રમાણે કોઈ જ કામ થતું ન હતું. મોન્ટુની મોટર અને ઐશ્વર્યભરી રહેણીકરણીની કલ્પના કરવાનુંય ઓછું થઈ ગયું. બંનેનાં મન પર કશીક કળી ન શકાય તેવી ગમગીની સવાર થઈ ગઈ. ગમગીનીનો ઓથાર અનુભવાતો હતો. કારણ કળાતું ન હતું. થોડા થોડા દિવસે અમેરિકાથી મોન્ટુના ફોન આવ્યા કરતા. નલિન અને કમલા મોન્ટુ આવે ત્યારે આ નાના ઘરમાં કેવી રીતે રહેશે. એમને અગવડ પડશે એવી ચિંતા કરતાં હતાં.

એક સાંજે ધવલ નલિન અંકલ અને કમલા આન્ટીને મળવા આવ્યો. ધવલની બેદરકારીને કારણે બંગલાના એક્સ્ટેન્શનનું કામ શરૂ ન કરાયું એ વાતે કમલાને ખૂબ મર્યાદાપૂર્વક બળાપો કાઢ્યો. નલિને પ્રેમપૂર્વક દુ:ખ વ્યક્ત કર્યું.
‘તને દીકરાની જેમ ગણ્યો અને તને કામ સોંપ્યું…’
નલિનની વાત વચ્ચેથી જ કાપી ધવલે કહ્યું : ‘કાકા… તમારા દીકરા તરીકે જ વિચારીને વર્ત્યો છું. તમને ખોટો ખર્ચ કરતાં રોકવાની મારી ફરજ મેં બજાવી છે. સવાલ કેવળ ખર્ચનો જ હોત તો મેં રાતદિવસ કામ કરાવીને તમારી યોજના પ્રમાણે પહેલે માળે બે બેડરૂમ બનાવડાવી દીધા હોત ને હજીય કૈં બગડ્યું નથી. કાલે રવિવાર છે. તમે અને આન્ટી બંને ફ્રી હો તો સવારે દસ વાગ્યે મારે તમને બંનેને એક જગાએ લઈ જવા છે. ત્યાર પછી તમે કહેશો તેમ કરીશું.’
‘તું અમને ક્યાંય લઈ જાય તેથી શો ફરક પડે છે ? મોન્ટુ અને કેતકીને માટે થોડીક સગવડ કરી દેવાની વાત ખોરંભે પડી એ ઘટના કેવી રીતે નિવારી શકાય ?’
‘કાકા, આ વાત આપણે કાલે નવેસરથી વિચારીશું. અત્યારે હું ઊઠું છું.’ કહી ધવલે વિદાય લીધી.

બીજે દિવસે ધવલ આવ્યો અને નલિન અને કમલાને ગાંધીનગર હાઈવે પર બંધાતી નવી વસાહત પર લઈ ગયો. બે જોડિયા બંગલાના ગેટ પાસે એણે કાર ઊભી રાખી. ગાડીમાંથી ઊતરતાં નલિને નોંધ્યું કે બંને બંગલાનાં પ્રવેશદ્વાર અલગ હોવા છતાં એની એક દીવાલ સહિયારી હતી. બંને બંગલામાં આસપાસ એક કમ્પાઉન્ડ વૉલ હતી અને પ્રવેશદ્વાર પણ એક જ હતું. ધવલે એ બંનેને એ બંગલાની અંદર ફેરવ્યાં. ડ્રોઈંગરૂમ મોટો હતો ને ત્રણેય બેડરૂમ પણ ખાસ્સા મોટા હતા. બેય બંગલાની સહિયારી દીવાલમાં બંને ડ્રોઈંગરૂમ વચ્ચે એક પ્રવેશદ્વાર હતું. કમલાને લાગ્યું એટલાં મોટાં બે મકાનો બતાવીને ધવલ શું કહેવા માગતો હશે ? એણે મનોમન નક્કી કર્યું. પોતાના હાલના મકાનનું એક્સ્ટેન્શન કરશે તો આ જાતની મોટી બેડરૂમ રખાવશે. બારીઓ લો-લેવલ મુકાવશે જેથી જેથી બેડ પર પવન આવે… પવનથી જ પંખા ફરે, પંખાથી પવન નહિ.

નલિને તો બંને મકાનોની મોકળાશ અને સગવડોને ખૂબ વખાણી… ધવલ આપણે ઉપર બાંધીએ તો ડિઝાઈન પ્રમાણે… ધવલ વચ્ચે બોલી ઊઠ્યો.
‘કાકા, તમારે મકાન બાંધવાની જરૂર જ નથી. તમે જેને માટે મકાન બાંધવાની યોજના કરતા હતા તેનું જ આ મકાન છે.’
‘અને આ બાજુનું કોનું છે ?’ કમલાએ પૂછ્યું.
‘એ છે તમારા વેવાઈનું, કેતકીનાં માબાપનું.’

આ સમાચારથી બંને અવાક બની ગયાં. ધવલ બોલ્યે જતો હતો…. ‘કાકા, આ તમારે માટે સરપ્રાઈઝ હતી. તમારા દીકરાએ મને આ વાતની તમને ખબર જ ન પડે એવી સાવચેતી રાખવા સૂચના આપેલી, પણ એ લોકો માટે તમારી માળ બંધાવવાની રઢને લીધે મેં તમને પેટછૂટી વાત કરી દીધી.’
કમલા તો જાણે કૈં જ સાંભળતી ન હતી. એને કળ વળી ત્યારે એણે નલિનને પૂછ્યું, ‘મોન્ટુની આપણને સરપ્રાઈઝ આપવાની વાત તને ગમી ?’
‘ગમવા ન ગમવાની આપણને તક જ ક્યાં મળી છે ? એ જેટલો આપણો દીકરો છે, એથી વધારે એ કેતકીનો વર છે ને એથીય વધારે આપણા વેવાઈનો જમાઈ છે. વાત ત્યાં જ પતી જાય છે. હવે મામલો આપણા હાથમાં રહ્યો નથી…. આપણે તો હવે બાકીની જિંદગી એ આપ્યા કરે એ સરપ્રાઈઝ સ્વીકાર્યા કરવાની.’

[કુલ પાનાં : 270. કિંમત રૂ. 130. પુસ્તક પ્રાપ્તિ સ્થાન : આર.આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’ રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ – 380 001. ફોન : +91-79-25506573. sales@rrsheth.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મારી બારમાની પરીક્ષા ! – ડૉ. આઈ.કે. વીજળીવાળા
ઈન્ટરનેટ કોર્નર: મહેક – વિકાસ નાયક Next »   

15 પ્રતિભાવો : સરપ્રાઈઝ – કનુ અડાસી

 1. Dhaval B. Shah says:

  હ્રુદયસ્પર્શી વાત.

 2. Trupti Trivedi says:

  Sons have to see that this type of situation should not happen in life. Person should always have affection and respect for mother and father.

 3. Aakash Padhiyar says:

  Very nicely said… વહુઘેલાઓ એ વિચારવા જેવિ બાબત્.

 4. Jinal says:

  કેટલો વહુઘેલો છે આ મોન્ટુ!!!.. મને તો બિચારા મા-બાપ નિ દયા આવે છે !!!!

 5. ભાવના શુક્લ says:

  ‘આપણો છોકરો આપણે ત્યાં જન્મ્યો. મોટો થાય ત્યાં સુધીમાં આપણા વર્તનમાંથી એણે કેટલાય વાંધાવિરોધ સુષુપ્ત મનમાં સંઘરી રાખ્યા હોય.
  ……………………..
  આ એક ખરેખર વિચારવા-સમજવા જેવી બાબત છે. સાથે મોટા થયેલા સંતાનો મા-બાપના અનેક નકારાત્મક પાસાઓને મનના ખુણામા સંઘરીને બેઠા હોય છે અને કોઈ ટુકી બુદ્ધિની સ્ત્રી જ પત્ની તરીકે આવે તો આવા ખુણાને સહેલાઈથી શોધી લઈને પંપાળવાનુ કામ કરી જાણે અને પછી કેતકીવાળી થાય.
  ……………………………..
  સામાજીક સજાગતાની વાત છે. શુ બોલવુ તે મહત્વનુ નથી પણ સામેની વ્યક્તી કઈ ભાષા મા સમજે છે તે વાણીની સમજ કેળવવી ઉપયોગી થઈ પડે.

 6. First of all, congratulations to Shri Kanubhai, the writer of this article.
  You have really put the real story of this age in front of the people. This has started happening in this society now a days. The son whom the parents grow very carefully after spending many many rupees, because of a “VAHU” like “Ketaki” does not listen to his parents while the parents really need his love n care during their old age. But one part of this article is quite attracting, the parents have to concentrate on this point –
  ‘આપણો છોકરો આપણે ત્યાં જન્મ્યો. મોટો થાય ત્યાં સુધીમાં આપણા વર્તનમાંથી એણે કેટલાય વાંધાવિરોધ સુષુપ્ત મનમાં સંઘરી રાખ્યા હોય.’
  Parents need to pay full attention towards such small things which are not very important when they happen, but gradually one day it becomes a very big big issue. It is not necessarily happening everywhere but many families have been affected of this situation………

 7. hetal says:

  સાઇ રામ

  મને એ નથિ સમ્જતુ કે શુ અમે સ્ત્રિઓ અમારા માત્તા પિતાના માટે એક સર્ખુ ઘર – ગાડિ ના લઈ શકિયે.
  મારે પણ ભાઈ છે. પણ શુ હુ મારા મા બાપ ને આરામ સુખ સુવિધા ના આપિ શકુ.
  હા સાસુ અને મા ને સર્ખિ ગણુ તો?
  પ્રશ્ન અઘરો છે?

 8. Vaishali says:

  હેતલ, તમે ચોક્ક્સ તમારા માતા પિતા માટે એક ઘર – ગાડિ લઈ શકો જો તમારા ભાભી એમના માતા પિતાના માટે એક ઘર – ગાડી લે અને તમને એમા કોઇ વાધો ના હોય.

 9. Priya says:

  Hi Hetal,

  Sorry, I can’t type in Gujarati.

  I’m staying in America(NJ) at present. Actually my in laws came here before 2 yrs also. My husband called them again for 2nd time & moved around whole country(Florida, CA) etc. But he didn’t say to my mummy to come. My younger brother has come for his project. So I wish he’ll call my mummy.

  Actually my question is had parents given birth only son & brought up him. Do daughters come from sky to earth directly? Daughters have no right to do something for their parents. I think that’s why still in 21st century, mostly couples wish child as baby-boy.

  I think nobody has answers of these questions.

 10. nayan panchal says:

  અરે ભાઈ, જો બે આટલા મોટા ઘર બાંધ્યા છે તો વધુ બે માણસોને સમાવવામા ક્યા તકલીફ પડે છે? જગ્યા ઘરમાં તો છે પરંતુ મોન્ટુ અને કેતકીના દિલમાં નથી.

  લગ્ન પછી પુરુષે માતા-પિતા અને પત્ની વચ્ચે balancing act કરવાનુ હોય છે. ઘણા ઓછા તેમા સફળ નીવડે છે.

  જો કે આ વાર્તામા કેતકીને તદ્દન negative અને મોન્ટુને બૈરીઘેલો બતાવવામા આવ્યો છે. જો વાર્તાને તેમના point of viewથી પણ કહેવામા આવે તો વધુ મજા આવે. એક જ બાજૂની વાત સાંભળીને ચૂકાદો આપવો બરાબર નથી.

  નયન

 11. Tejas says:

  ખુબ સરસ વાર્તા!!
  આવા મોન્ટુ – કેતકી નું અસ્તિત્વ માત્ર વાર્તાઓ માં જ રહે એવી પ્રભુપ્રાર્થના!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.