ઈન્ટરનેટ કોર્નર: મહેક – વિકાસ નાયક

mahek[ ‘ઈન્ટરનેટ કોર્નર’ શ્રેણીનું આ પુસ્તક ‘જન્મભૂમિ’ દૈનિકમાં દર શનિવારે પ્રગટ થતી ‘મહેક’ પૂર્તિની લોકપ્રિય કટાર ‘ઈન્ટરનેટ કોર્નર’માં આવતા રસપ્રદ લેખમણકા સાથે પરોવીને તૈયાર કરેલી સુંદર માળા જેવું છે. આ લેખોનાં વિષયવસ્તુ સાહિત્યના નવેનવ રસને આવરી લે છે. જીવન પ્રત્યે નવા જ હકારાત્મક દષ્ટિકોણથી જોવાનું અને જીવનના નાના નાના આનંદોને માણવાનું શીખવતા આ લેખો ક્યારેક વાચકને હલાવી જાય છે, ક્યારેક રડાવી જાય છે; ક્યારેક કોઈ મહાનુભાવના વિચારો દર્શાવે છે તો ક્યારેક વાચકની બુદ્ધિ પણ ચકાસી લે છે ! માહિતીના અગાધ સાગર સમાન ‘ઈન્ટરનેટ’ના ખજાનામાંથી મૂળ અંગ્રેજી લેખો મહેનતથી પસંદ કરીને આબાલવૃદ્ધ વાચકવર્ગને સ્પર્શી જાય એવી સરળ, સ્પષ્ટ શૈલીમાં અનુવાદ રૂપે લાખો વાચકો સુધી પહોંચાડવાની સંવેદના છે. તેમના આ પુસ્તકમાં કેટલાક મહાનુભાવોના પ્રેરણાદાયી વક્તવ્યોનો પણ સમાવેશ કરાયેલો છે જે હવે પછી ક્યારેક રીડગુજરાતી પર માણીશું. શ્રી વિકાસભાઈ નવયુવાન અને વ્યવસાયે મુંબઈમાં સોફટવેર એન્જિયર છે. રીડગુજરાતીને આ લેખો માટે પરવાનગી આપવા બદલ શ્રી વિકાસભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે vikas.nayak@gmail.com પર સંપર્ક કરી શકો છો. તેમના પુસ્તકની વધુ વિગતો આ લેખના અંતે આપવામાં આવી છે.]

[1] શેરને માથે સવા શેર… !

એક રાત્રે એમ.બી.એ ના ચાર વિદ્યાર્થી ભેગા મળ્યા અને મસ્તીએ ચડ્યા. બીજા દિવસે તેમની પરીક્ષા હતી, પણ તેમણે જરાય અભ્યાસ ન કર્યો અને તેમની ધિંગામસ્તીમાં આખી રાત પૂરી થઈ ગઈ. સવારે તેમણે એક યોજના બનાવી. તેમણે પોતાનાં કપડાં પર મેલ અને ગ્રીસ લગાડી બને એટલા ગંદા અને વિચિત્ર દેખાવાનો પ્રયત્ન કર્યો.

તેઓ આવા જ વેશમાં હૉસ્ટેલના ડીન અને કૉલેજના પ્રિન્સિપાલ પાસે ગયા અને તેમણે જણાવ્યું કે ગઈ રાત્રે તેઓ સાથે દૂરના એક મિત્રના લગ્નપ્રસંગે ગયા હતા અને પાછા ફરતી વખતે તેમની ગાડી ખરાબ થઈ ગઈ અને ગાડીનું ટાયર ફાટી જતાં તેમણે ધક્કા મારીને ગાડી હોસ્ટેલ સુધી પાછી લાવવી પડી ! આથી તેઓ અત્યારે આવા લઘરવઘર હતા અને પરીક્ષા આપી શકે એમ ન હતા.

હોસ્ટેલના ડીન એક ન્યાયી અને સમજુ વ્યક્તિત્વ હતા. તેથી તેમણે ચારેયને ત્રણ દિવસ પછી પરીક્ષા આપવા જણાવ્યું. તેઓ ચારેય સંમત થઈ ગયા અને મનમાં રાજીના રેડ થઈ ગયા ! ત્રણ દિવસ પછી તેઓ ડીન પાસે આવ્યા. ડીને તેમણે કહ્યું કે તેમના માટે ખાસ પરીક્ષા લેવાશે અને એ પરીક્ષા માટે તેમણે ચારેય જણે અલગઅલગ ખંડમાં બેસીને પ્રશ્નપત્રના ઉત્તર લખવાના રહેશે. તેમણે તો ત્રણ દિવસમાં જરૂરી અભ્યાસ કરી લીધો હતો. આથી તરત તેમ કરવા હા ભણી.


ચારેય જણને એક પ્રશ્નપત્ર આપવામાં આવ્યું જેમાં 100 માર્ક માટે ફક્ત બે જ પ્રશ્નો પૂછ્યા હતા :
પ્રશ્ન 1 : તમારું નામ લખો…. (2 માર્ક)
પ્રશ્ન 2 : કયું ટાયર ફાટ્યું હતું ? (98 માર્ક)

[2] એક ચતુર નાર બડી હોશિયાર

એક આધેડ વયની મહિલા નિયત કરેલી ઝડપ મર્યાદા તોડી વાહન હંકારી રહી હતી. તેને ટ્રાફિક પોલીસે પકડી તેની ગાડી આંતરીને પોલીસ ઑફિસરે તેને થોભવા ઈશારો કર્યો.
સ્ત્રી : શું કોઈ મુશ્કેલી છે ઑફિસર ?
ઑફિસર : મૅડમ, તમે ગાડીની ઝડપમર્યાદા તોડી છે.
સ્ત્રી : ઓહ એમ વાત છે.
ઑફિસર : શું હું તમારું ‘લાઈસેન્સ’ તપાસી શકું છું ?
સ્ત્રી : મેં તમને ચોક્કસ આપ્યું હોત પણ એ મારી પાસે નથી.
ઓફિસર : તમારી પાસે નથી એટલે ?
સ્ત્રી : ચાર વર્ષ પહેલાં દારૂ પીને ગાડી ચલાવવા બદલ મારું ‘લાઈસેન્સ’ જપ્ત કરી લેવામાં આવ્યું હતું.
ઑફિસર : એમ ? શું હું તમારી ગાડીના રજિસ્ટ્રેશન દસ્તાવેજ ચકાસી શકું છું ?
સ્ત્રી : મેં આ ગાડી રજિસ્ટર કરાવી જ નથી.
ઑફિસર : શું ? કેમ નથી કરાવી ?
સ્ત્રી : કારણ મેં આ ગાડી ચોરી કરી હતી.
ઑફિસર : ચોરી કરી હતી ?
સ્ત્રી : હા… અને મેં આ ગાડીના માલિકની હત્યા કરી નાખી હતી. ઑફિસર : તમે શું કરી નાખી હતી ?
સ્ત્રી : હત્યા…. ગાડીની ડીકીમાં હજી તેના શરીરના ટુકડા પ્લાસ્ટિકની થેલીમાં ભરેલા પડ્યા છે, તમારે જોવા હોય તો.

ઑફિસર ધારીને તે સ્ત્રી સામે જુએ છે અને ધીમેથી પોતાની જીપ તરફ જઈ બીજા પોલીસ ઑફિસરને ફોન કરી બોલાવે છે. પાંચ મિનિટમાં પોલીસની બીજી જીપો આવીને સ્ત્રીની ગાડીને ઘેરી લે છે. એક મોટા હોદ્દા પરના ઈન્સ્પેક્ટર સ્ત્રીની કાર તરફ જાય છે અને પોતાની બંદૂક તે સ્ત્રી પર ધરે છે.

ઈન્સ્પેક્ટર : મૅડમ મહેરબાની કરીને તમે ગાડીની બહાર આવશો ?
સ્ત્રી ગાડીની બહાર આવે છે.
સ્ત્રી : શું કોઈ મુશ્કેલી છે સર ?
ઈન્સ્પેક્ટર : મારા એક ઑફિસરનું કહેવું એમ છે, કે તમે આ ગાડી ચોરી કરી છે અને તેના માલિકની હત્યા કરી છે.
સ્ત્રી : શું ? માલિકની હત્યા ?
ઈન્સ્પેક્ટર : હા, તમે તમારી ગાડીની ડીકી ખોલશો, પ્લીઝ ?
સ્ત્રી ગાડીની ડીકી ખોલે છે, પણ તેમાં કંઈ નથી હોતું. ડીકી ખાલી હોય છે.
ઈન્સ્પેક્ટર : શું આ ગાડી તમારી જ છે મેડમ ?
સ્ત્રી : હા… આ રહ્યા ગાડીના રજિસ્ટ્રેશન પેપર્સ.
પેલો ટ્રાફિક ઑફિસર અચંબામાં પડી જાય છે.

ઈન્સ્પેક્ટર : મારા ઑફિસરનું કહેવું એમ પણ છે કે તમારી પાસે ગાડી હંકારવાનું લાયસેન્સ નથી. સ્ત્રી ગાડીમાંથી પોતાનું પર્સ લઈ આવે છે અને લાઈસેન્સ કાઢી ઈન્સ્પેક્ટરના હાથમાં મૂકે છે. ઈન્સ્પેક્ટર લાઈસેન્સ ચકાસે છે અને મૂંઝવણમાં પડી જાય છે.
ઈન્સ્પેક્ટર : તમારો આભાર મૅડમ. કંઈક ભૂલ થતી લાગે છે. મારા ટ્રાફિક ઑફિસરે મને એવી માહિતી આપી કે તમારી પાસે લાઈસેન્સ નથી, આ ગાડી તમે ચોરી કરી છે અને માલિકની તમે હત્યા કરી છે.
સ્ત્રી : તો તો જુઠ્ઠાડાએ ચોક્કસ તમને એમ પણ કહ્યું હશે કે મેં ગાડી હંકારવાની ઝડપમર્યાદા તોડી છે !

વાર્તાનો સાર : શાણી અને ચતુર સ્ત્રીઓ સાથે ક્યારેય પંગો ના લેવો !

[3] પ્રશ્નો ઉકેલવાની સરળ રીત

જાપાનની એક મોટામાં મોટી કોસ્મેટિક કંપનીમાં બનેલી એક ઘટના, જાપાનીસ મૅનેજમેન્ટની એક અવિસ્મરણીય કેસ-સ્ટડી બની ગઈ.

વાત એમ હતી કે આ કંપનીને એક ફરિયાદ મળી કે એક ગ્રાહકે તેમના સાબુનું એક મોટું ખોખું ખરીદ્યું. પણ તે ખાલી હતું. કંપનીની પ્રતિષ્ઠા માટે આ એક મુશ્કેલી ઊભી કરી શકે એવી ઘટના હતી. રાતોરાત કંપનીએ પોતાના માણસોને સમસ્યાનું મૂળ શોધી કાઢવા અને તે ફરી ન થાય તે માટે કંઈક પગલાં લેવા કામે લગાડી દીધા. કંપનીના ઉપરી મૅનેજરોએ શોધી કાઢ્યું કે આ સમસ્યા એસેમ્બલી લાઈનમાં ઉદ્દભવી હતી. મશીન દ્વારા જ સાબુ ખોખામાં ભરાતા હતા. કોઈક કારણસર એકાદ ખોખામાં સાબુ ન ભરાયા ને એ ખાલી ખોખું આગળ ડિલિવરી ડિપાર્ટમેન્ટમાં પહોંચી ગયું હતું.

મૅનેજમેન્ટ એન્જિનિયરોને તરત કોઈ ઉકેલ શોધી કાઢવા જણાવ્યું. એન્જિનિયરની એક ટુકડીએ ઝડપથી જ ખૂબ મહેનત કરી એક મોટું એક્સ-રે મશીન અને અતિ ઊંચી ક્ષમતા ધરાવતા મોનિટર્સ-એસેમ્બલી લાઈનમાં ગોઠવી દીધા, જેને નિયંત્રિત કરવા બે માણસો રોકવા પડ્યા. જે સતત ધ્યાન રાખી શકે કે આ ગોઠવણ બરાબર કામ કરે અને એક પણ ખોખું ખાલી ન રહી જાય.

બેશક, કંપનીએ અતિઝડપથી અને ખૂબ મહેનતથી આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો. આ રીતે, પણ તે માટે તેમણે મસમોટો ખર્ચો ઉપાડવો પડ્યો. પણ જ્યારે બીજી એક નાની કંપનીમાં આ જ સમસ્યા ઉદ્દભવી ત્યારે, તેના એક સામાન્ય કર્મચારીએ એનો એક્સ-રે મશીન વગેરે જેવી જટિલ ગૂંચવણમાં પડ્યા વગર અતિ સરળ અને સુંદર ઉકેલ શોધી કાઢ્યો. તેણે એક મોટા સારી ક્ષમતાવાળા ઈલેક્ટ્રિક પંખાને એસેમ્બલી લાઈન સામે ગોઠવવાનું સૂચન કર્યું.

એસેમ્બલી લાઈનની સામે આ મોટા પંખાને ચાલુ કરવામાં આવતો. સાબુ ભરેલા ખોખા પંખાની સામેથી બરાબર પસાર થઈ જતા પણ જો કોઈ ખાલી ખોખું પંખા સામે આવતું તો તે હવાના જોરથી ઊડીને બાજુ પર ફેંકાઈ જતું. એક જ સમસ્યાના બે કેટલા જુદા પ્રકારના ઉકેલ !

સાર : હંમેશાં કોઈ પણ પ્રશ્નોના બને એટલા સરળ ઉપાય શોધવા પ્રયત્નો કરો.

[ કુલ પાન : 112. કિંમત : 75. પ્રાપ્તિસ્થાન : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ. અમદાવાદ-380001 ફોન : 91-79-26564279. ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સરપ્રાઈઝ – કનુ અડાસી
મારે તો ચાંદો જોઈએ – સુધા મૂર્તિ Next »   

20 પ્રતિભાવો : ઈન્ટરનેટ કોર્નર: મહેક – વિકાસ નાયક

 1. ખુબ જ સરસ…..ટ્રેઇલર જોઇ ને લાગે છે કે આખુ પિક્ચર જોવુ પડશે…..

  બન્ને ઉદાહરણ મને ખુબ જ ગમ્યા…..

  આભિનંદન

 2. apexa says:

  Very Good!!! These both examples are really excellent. We desire more this type of examples on this site.

 3. સરસ વાંચવાની મજા આવી….

 4. ગાંડાભાઈ વલ્લભ says:

  ઘણું જ સરસ. બહુ ગમ્યું. હાર્દિક આભાર આપનો અને લેખકનો પણ.

 5. Hardik Pandya says:

  I have read all these articles in English. It’s all the forward mails we get; translated into Gujarati. Still thanks for the effort 🙂

  keep it up !

 6. urmila says:

  Reading article about japanese company i remember one gujarati kahavat

  bhania pan gania nahi

 7. dipika says:

  hey its really very interesting..

 8. ભાવના શુક્લ says:

  અરે વાહ!!! આતો બુદ્ધિને ધાર કસવાની વાતો…. ત્રણ કિસ્સાતો બહુ ઓછા પડે.

 9. TANMAY SHAH says:

  સારો પ્રયત્ન છે…… It seems things are compiled from different mails etc. but I guess wud interesting to read whole book………

  Regards,

  tanmay

 10. nayan panchal says:

  nice compilation, though this trend has been started by Mr I K Vijliwala. One can read his books “Moticharo” n ” Man no Malo” which are again compilation of such short stories he found on internet. Such books should find a place in your personal library.

 11. Lekho Bahu Sundar Chhe. Shu aa Lekho hu mari website par muki shaku chhu?

 12. Ashvin Chaudhary_9228815093 says:

  બુધ્ધી તો બુધ્ધી જ ક્હેવાય

 13. mehboob maknojia says:

  બહુજ સુન્દર લેખ હતા. આવા રમુજિ લેહખ વધુ ને વધુ વચવ મલે તેવિ અશા સાથે આપનો ખુબ આભાર્.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.