મારે તો ચાંદો જોઈએ – સુધા મૂર્તિ

maare chando joiye[ શ્રીમતી સુધાબેન મૂર્તિના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તકો પૈકી ‘મારે તો ચાંદો જોઈએ’ તે સરસ મજાની બાળવાર્તાઓનું એક સુંદર પુસ્તક છે અને તેનો ભાવાનુવાદ શ્રીમતી સોનલબેન મોદીએ કર્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા બદલ સોનલબેનનો,પ્રકાશકશ્રીનો, સુધાબેનનો તેમજ ‘ઈન્ફોસીસ ફાઉન્ડેશન’નો ખૂબ ખૂબ આભાર. તેમના પ્રત્યેક પુસ્તકની જેમ આ પુસ્તકના વેચાણમાંથી પ્રાપ્ત થતી સંપૂર્ણ આવક સમાજસેવાનાં વિવિધ કાર્યોમાં વાપરવામાં આવનાર છે. પુસ્તકપ્રાપ્તિની વિગત આ લેખના અંતે આપવામાં આવેલ છે.]

[1] ચાંદીનો સિક્કો

ભાર્ગવ અને ભૈરવ નામના બે જોડિયા ભાઈઓ હતા. મોટે ભાગે જોડકાં ભાઈ-બહેન દેખાવે તથા રીતભાતમાં ઘણીબધી રીતે મળતાં આવતાં હોય છે, પરંતુ આ બે ભાઈ એકેય બાબતમાં સરખા ન હતા. ભાર્ગવ ઊંચો અને તગડો હતો, જ્યારે ભૈરવ નીચો અને પાતળો હતો. ભાર્ગવ ખાસ્સો બોલકણો હતો, ભૈરવ સાવ શાંત. ભાર્ગવ અજાણ્યાનેય મદદ કરવા તત્પર રહેતો, જ્યારે ભૈરવ કોઈને ક્યારેય મદદ ન કરતો. બંને ભાઈઓ સતત લડતા-ઝઘડતા રહેતા.

એક વખત બંને ભાઈઓ લાંબી મુસાફરીએ નીકળ્યા. રસ્તો ખૂબ લાંબો હતો તથા વચ્ચે જંગલ આવતું હતું તેથી તેમની માએ તેમને ડબામાં રોટલી-શાક ભરી આપ્યાં. ભાર્ગવના ડબામાં ત્રણ મોટી રોટલી અને ભૈરવના ડબામાં બે રોટલી ભરવામાં આવી હતી. બંને ભાઈઓ સવારે વહેલા જ ઘરેથી નીકળી ગયા. ચાલતાં ચાલતાં પણ તેમની વચ્ચે સતત ઝઘડા ચાલુ જ હતા. બપોર થઈ. ગરમી તો કહે મારું કામ ! બંને ભાઈઓ થાક્યા અને એક વડના ઝાડ નીચે બેસીને નાસ્તાના ડબા ખોલ્યા.

ભાર્ગવના ડબામાં ત્રણ રોટલી અને ભૈરવના ડબામાં બે રોટલી જોઈને બંનેને આશ્ચર્ય થયું. ભૈરવને પોતાની મા પર ખૂબ ગુસ્સો આવ્યો. જો કે મા જાણતી હતી, કે ભાર્ગવ ઊંચો અને હૃષ્ટપુષ્ટ હોવાથી તેને વધારે ખોરાકની જરૂર પડે છે, પણ ભૈરવ એવું સમજતો ન હતો. બંને ભાઈઓ જમવાનું શરૂ જ કરતા હતા ત્યાં એક અજાણ્યો માણસ તેમની નજીક આવ્યો. ‘ભાઈઓ, તમને જમવાના સમયે ખલેલ પહોંચાડવા બદલ હું દિલગીર છું, પરંતુ હું ખૂબ દૂરથી આવું છું. મને લાગે છે કે હું રસ્તો ભૂલી ગયો. મારી પાસે ખાવાનું હતું તે પણ ખૂટી ગયું છે. મારી પાસે રૂપિયા છે, પરંતુ અહીં નજીકમાં ક્યાંય ખાવાનું મળે તેમ નથી. તમારા ડબામાંથી થોડો નાસ્તો મને આપશો ? હું બદલામાં રૂપિયા આપી દઈશ.’

ભૈરવ તો પૈસાનો ભૂખ્યો હતો તેથી તેણે તરત જ ‘હા’ ભણી દીધી. ભાર્ગવ દરેકને મદદરૂપ થવામાં માનતો હતો તેથી તેણે તરત જ પોતાનો ડબો એ અજાણ્યા માણસને ધરી દીધો. ત્રણે જણે સરખે ભાગે ખાધું અને બધાનું પેટ ભરાઈ ગયું. પેલો અજાણ્યો પ્રવાસી આ બે ભાઈઓ પર ખુશ થઈ ગયો. તેણે બે ભાઈઓ વચ્ચે પાંચ ચાંદીના સિક્કા રોકડા આપ્યા અને ચાલતો થયો.

ખરેખર, ભૂખ્યા માણસને ખવડાવવાથી મોટું પુણ્યનું કામ કોઈ નથી. ભાર્ગવે ત્રણ સિક્કા રાખ્યા અને બે સિક્કા ભૈરવને આપ્યા. ભૈરવ તો તરત જ લડવા માંડ્યો, ‘હોય કાંઈ ? આ તો સાવ ખોટી વહેંચણી છે. આપણે બંનેએ તે માણસને ખાવાનું આપ્યું છે, તો આપણે બંનેએ સરખે ભાગે જ આ સિક્કા વહેંચી લેવા જોઈએ. મને બીજો અર્ધો સિક્કો આપી દે !’
ભાર્ગવે સ્મિત સાથે કહ્યું : ‘મારી પાસે ત્રણ રોટલી હતી એટલે મેં ત્રણ સિક્કા રાખ્યા અને તારી પાસે બે હતી એટલે મેં તને બે આપ્યા. જો તને આ વહેંચણી મંજૂર ન હોય તો હું તને અર્ધો સિક્કો આપી દઈશ, પણ હમણાં મારી પાસે છૂટા નથી. આપણે શહેર પહોંચીએ ત્યાં સુધી રાહ જો !’ પણ ભૈરવ જેનું નામ ! તે ખૂબ જિદ્દી અને લાલચુ હતો. તેને પોતાના ભાઈ પર પણ વિશ્વાસ ન હતો.

બે ભાઈઓ જે વડના ઝાડ નીચે બેઠા હતા ત્યાં એક બીજો માણસ બેઠો બેઠો બે ભાઈઓ વચ્ચેની વાતો સાંભળતો હતો. ભાર્ગવે તેની પાસે છૂટા પૈસા માગ્યા. પેલા માણસે કહ્યું, ‘ભાઈ, તને ત્રણ સિક્કા ન મળવા જોઈએ. આ વહેંચણી બરોબર નથી. તને વાંધો ન હોય તો હું સરખી વહેંચણી કરી આપું ?’
ભૈરવ તો એ વાત સાંભળીને ખુશ થઈ ગયો. તેણે તરત જ એ અજાણ્યા માણસને કહ્યું, ‘તો તમે જ ફેંસલો કરો ને !’
પેલા અજાણ્યા માણસે કહ્યું, ‘જુઓ ! બધી થઈને પાંચ રોટલી હતી, બરોબર ? તમે ત્રણ જણે એ સરખે ભાગે વહેંચી, બરોબર ? એટલે પાંચ રોટલીના પંદર ભાગ થયા. પંદર ભાગ ત્રણ જણે વહેંચીને ખાધા. એટલે કે દરેકને પાંચ ટુકડા મળ્યા. ખરું ને ? ભાર્ગવ પાસે નવ ટુકડા હતા, પરંતુ તેણે પાંચ જ ટુકડા ખાધા. તેણે મહેમાનને ચાર ટુકડા આપ્યા; જ્યારે ભૈરવ પાસે છ ટુકડા હતા તેમાંથી તેણે પાંચ ટુકડા ખાધા અને એક જ મહેમાનને આપ્યો. તેથી પાંચ ચાંદીના સિક્કામાંથી ભાર્ગવને ચાર મળવા જોઈએ અને ભૈરવને એક મળવો જોઈએ. બરોબર છે ને ?
ભૈરવ શું બોલે ? તેણે એક સિક્કો પોતાના ભાઈને આપવો પડ્યો.

[સુધા મૂર્તિનો બોધ : અતિશય લોભ કરનારને છેવટે તો નુકશાન જ થાય છે.]

[2] દરિયાનું પાણી ખારું કેમ ?

ઘણાં વર્ષો પહેલાં દરિયાનું પાણી ખારું ન હતું. લોકો પી શકે તેવું મીઠું હતું. દરિયાનું પાણી ખારું શા માટે થયું તેની આ વાત છે.

ધર્મપુર નામના ગામમાં કેશવ અને લીલા રહેતાં હતાં. કેશવનો નાનો ભાઈ શ્રીધર પણ કેશવ સાથે જ રહેતો હતો કેમકે તે અનાથ હતો. લીલાને શ્રીધર દીઠોય ગમતો ન હતો; તેથી તે તેને સતત નાનાં-મોટાં કામ બતાવ્યાં કરતી. શ્રીધર પોતાની ભાભીના આ કચકચિયા સ્વભાવથી કંટાળી ગયો હતો.

એક દિવસ લીલાએ શ્રીધરને જંગલમાંથી લાકડું લઈ આવવાનું કહ્યું. શ્રીધરે ઘણું લાકડું ભેગું કર્યું પરંતુ કુહાડી તે જંગલમાં જ ભૂલી ગયો. એ ઘેર પહોંચ્યો ત્યારે રાત પડી ગઈ હતી. જ્યારે લીલાને ખબર પડી, કે કુહાડી તો પોતાનો દિયર જંગલમાં જ ભૂલીને આવ્યો છે. ત્યારે તે શ્રીધર પર ખૂબ ગુસ્સે થઈ. લીલાએ કહ્યું, ‘તું હમણાં ને હમણાં જંગલમાં પાછો જા અને કુહાડી લઈ આવ. કુહાડી નહીં મળે તો ખાવાનું નહીં મળે.’

રાતના સમયે જંગલમાં પાછા ફરતાં કોઈને પણ બીક લાગે જ. શ્રીધર નાનો હતો. તેને ખૂબ ભૂખ લાગી હતી. છતાંય ભાભીના હુકમથી તે જંગલ તરફ ચાલવા લાગ્યો. અંધારું એટલું બધું હતું કે કુહાડી તો મળી જ નહીં. કુહાડી શોધતો શોધતો તે જંગલમાં ખૂબ ઊંડે પહોંચી ગયો. ત્યાં તેણે એક ગુફા જોઈ. એકાએક વરસાદ પડવા લાગ્યો તેથી શ્રીધર એ ગુફામાં પેસી ગયો. ત્યાં તેણે પોતાની કુહાડી તથા બાળવાનું લાકડું જોયા. તેને ખૂબ નવાઈ લાગી ! મારી કુહાડી અહીં ક્યાંથી ? ગુફામાં ચાલતો ચાલતો તે ઘણો અંદર ગયો તો શું જુએ છે ! થોડા વહેંતિયાઓ સળગતાં લાકડાંની આસપાસ નૃત્ય કરતાં હતાં. એક ઘરડો વહેંતિયો શ્રીધરને જોઈ ગયો. તેણે શ્રીધરને કહ્યું, ‘અમારી સાથે નૃત્ય કરવા આવ. આજે અમારો ઉત્સવ છે.’

શ્રીધર ગભરાઈ ગયો હતો. તેણે જવાબ ન આપ્યો. આગ હોલવાઈ જવાની તૈયારી હતી. તેથી શ્રીધરે તેમાં થોડાં લાકડાં નાંખ્યા. આગ વધારે પ્રજ્વલિત થઈ ગઈ. વહેંતિયાઓ તેની સેવાથી ખુશ થઈ ગયા. વૃદ્ધ વહેંતિયાએ આવીને શ્રીધરને કહ્યું, ‘તું ખૂબ સારો માણસ છે. તેં અમને ઘણી મદદ કરી છે. અમે તને એક ભેટ આપવા માંગીએ છીએ. આ એક જાદુઈ પંખો છે. તું એને હલાવીને જે માંગીશ તે મેળવી શકીશ. જ્યારે તારે એ વસ્તુ ન જોઈતી હોય ત્યારે ‘બસ કરો, બસ કરો’ એમ બોલજે.’ આટલું કહીને શ્રીધરને પંખો આપીને વહેંતિયાઓ જતા રહ્યા.

શ્રીધરને તો આખી વાત જ સ્વપ્ન જેવી લાગી. આવું ખરેખર બની શકે ? પંખો જાદુઈ હોઈ શકે ખરો ? તેને ખૂબ ભૂખ લાગી હતી. પંખો હલાવીને તેણે સારું ખાવાનું માગ્યું. ખરેખર લાડવા, દાળ, ભાત, વાલની થાળી આવી ગઈ ! શ્રીધર ખાઈ શકે તેથી પણ વધારે ખાવાનું આવી ગયું, એટલે શ્રીધરે ‘બસ કરો’ કહ્યું. તરત જ ખાવાનું આવતું બંધ થયું. શ્રીધર ખુશ થઈ ગયો ! હાશ ! હવે ભાઈ-ભાભી પર આધાર નહીં રાખવો પડે ! સૌથી પહેલાં તો તેમના ઘરમાંથી હંમેશ માટે નીકળી જવા ઈચ્છતો હતો. તેણે જાદુઈ પંખાને કહ્યું, ‘પંખા, પંખા મારા માટે દરિયાકિનારે એક નવું ઘર બનાવ.’ નવું ઘર બની ગયું. પછી તેણે પંખાની મદદથી ઘણાં ગરીબોને મદદ કરી અને પાંચમાં પુછાતો થયો.

કેશવ પાસે શ્રીધરની સમૃદ્ધિના સમાચાર પહોંચ્યા. કેશવ અને લીલાએ શ્રીધરને મળવા જવાનું નક્કી કર્યું. શ્રીધરના ઘરની બહાર તો મોટી લાઈન લાગેલી હતી. દરેકને કાંઈક જોઈતું હતું. શ્રીધર લગભગ બધાંની ઈચ્છા પૂરી કરતો હતો. લીલા તો શ્રીધરની પ્રસિદ્ધિ જોઈને ઈર્ષ્યાથી બળી જ ગઈ. શ્રીધરે જ્યારે પોતાનાં ભાઈ-ભાભીને જોયાં ત્યારે જૂના દિવસો ભૂલીને તેણે ખૂબ જ પ્રેમથી તેમને ઘરમાં બોલાવ્યાં. કેશવ અને લીલા થોડા દિવસ શ્રીધરને ઘેર રહ્યાં. બંને ઈર્ષ્યાથી દાઝે બળી રહ્યાં હતાં. લીલાએ કેશવને કહ્યું, ‘તમે શ્રીધરને પૂછો તો ખરા, કે થોડા દિવસમાં આટલા બધા રૂપિયા અને પ્રસિદ્ધિ એણે શી રીતે મેળવી છે ?’

શ્રીધરે પોતાના ભાઈને જાદુઈ પંખાની બધી જ વાત કરી. રાત્રે જ કેશવ અને લીલા શ્રીધરનો એ પંખો ચોરીને પલાયન થઈ ગયાં. લીલાએ વિચાર્યું, હું તો પંખાને કહીશ કે મને રાણી બનાવી દે. ભાગતાં ભાગતાં તે બંને દરિયાકિનારે પહોંચ્યા. એક મોટું વહાણ ઊપડવાની તૈયારીમાં જ હતું. લીલાએ કેશવને કહ્યું, ‘આપણે આ વહાણમાં બેસીને બીજા કોઈ દેશમાં જતાં રહીએ. ત્યાં આપણને કોઈ પકડી શકશે નહીં.’ વહાણ મુસાફરોથી ભરાઈ ગયું હતું. તેઓ સૌથી છેલ્લાં પ્રવાસીઓ હતાં. લીલા અને કેશવ વહાણમાં ચઢ્યાં કે તરત જ કપ્તાને પૂછ્યું, ‘તમારા થેલામાં શું છે ? તમે ક્યાંથી આવો છો ?’

લીલા હાજરજવાબી હતી. તેણે કહ્યું, ‘મારા પતિ મીઠાના વેપારી છે. આ થેલામાં મીઠું છે. અમે અમારા ઘરાકોને મળવા જઈએ છીએ.’ વહાણ ઊપડ્યું. લીલા અને કેશવને શાંતિ થઈ. બીજે દિવસે સવારે વહાણનો રસોઈયો કપ્તાન પાસે આવ્યો. તેણે કહ્યું, ‘હું રસોઈ માટે મીઠું લાવવાનું જ ભૂલી ગયો છું. કાલે આપણું વહાણ બીજે ગામ પહોંચે, ત્યાં સુધી મીઠા વગર જ ચલાવવું પડશે.’ કપ્તાનને લીલા-કેશવ યાદ આવ્યાં. તેમણે કેશવને કહ્યું : ‘તમારા થેલામાંથી થોડું મીઠું આપશો ?રસોઈયો મીઠું લાવવાનું જ ભૂલી ગયો છે.’

લીલા અને કેશવ શું બોલે ? બંને એકમેકની સામે જોવા લાગ્યાં. પછી કેશવ ધીમેથી બોલ્યો : ‘તમે જાઓ. હું ડોલ ભરીને મીઠું લઈને આવું છું.’ તેઓ પોતાની રૂમમાં ગયાં. પંખો કાઢ્યો. હલાવીને મીઠું કાઢવા વિનંતી કરી. જોતજોતામાં મીઠાના થેલે થેલા ચારે દિશામાંથી વહાણમાં પડવા લાગ્યા. લીલા અને કેશવ તો મૂંઝાઈ ગયાં. હવે આ મીઠું પડતું બંધ શી રીતે કરવું ? તેમણે પંખો હલાવ્યો. ‘બંધ કરો’ ‘બંધ કરો’ ‘હવે નથી જોઈતું’ વગેરે જાતજાતના શબ્દો બોલ્યા, પરંતુ પંખો તો પોતાનું કામ કર્યે જ જતો હતો. જ્યાં સુધી ‘બસ કરો’ શબ્દો ન બોલાય ત્યાં સુધી પંખો પોતાનું જાદુ ચાલુ જ રાખવાનો હતો.

ધીમેધીમે વહાણમાં મીઠાના થેલાઓનું વજન વધી ગયું. છેવટે આખું વહાણ લીલા-કેશવ સાથે દરિયામાં ડૂબી ગયું અને એ દિવસથી દરિયાનું પાણી ખારું થઈ ગયું. સાચું જ કહ્યું છે ને, કે લોભે લક્ષણ જાય.

[સુધા મૂર્તિનો બોધ : સમજ્યા વગર કોઈ કામ કરવું નહીં.]

[કુલ પાન : 166. કિંમત રૂ. 90. પ્રાપ્તિ સ્થાન : પુસ્તક પ્રાપ્તિ સ્થાન : આર.આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’ રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ – 380 001. ફોન : +91-79-25506573. sales@rrsheth.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઈન્ટરનેટ કોર્નર: મહેક – વિકાસ નાયક
મનોમંથન – મૃગેશ શાહ Next »   

16 પ્રતિભાવો : મારે તો ચાંદો જોઈએ – સુધા મૂર્તિ

 1. ભાવના શુક્લ says:

  ખુબ સરસ વાર્તાઓ…. રાત્રે બાળકોને કહેવી પડશે.
  સુધાજીની કલમ બાળસુલભ અને સહજ છે. સોનલબહેનના ભાવાનુવાદની કમાલ પણ સુંદર.

 2. dipika says:

  very nice stories..sudha murthi is very good writer, i have read her another book in gujarati “man ni vat” its full of wise n wisdoms.

 3. afzal siddiq says:

  તમારી સેવા અણમોલ છે, બધા શોભે એવા બોલ છે -કરાચી થી અફઝલ

 4. jinal champavat says:

  Really.its very nice.please upload here Sudhaji’s others Stories. so aged and adults can also read it and get benifit of their skill.
  thank you sudhaji.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.