મનોમંથન – મૃગેશ શાહ

એક વિદ્વાન લેખક પાસે એક વ્યક્તિ કંઈક જિજ્ઞાસા લઈને આવ્યો. સામાન્યત: પોતાના લેખન કાર્યમાં વ્યસ્ત રહેતા તે લેખકને જનસંપર્ક પ્રમાણમાં ઓછો રહેતો પરંતુ આ વ્યક્તિએ બે-ત્રણ વખત ફોન કરીને સમય માંગ્યો હોવાથી લેખક તેમને ટાળી ન શક્યા.

થોડી ઔપચારીક વાતચીત બાદ તે વ્યક્તિએ લેખકને એક અણધાર્યો પ્રશ્ન કર્યો.
‘તમને ક્રિકેટ જોવું ગમે ખરું ?’
વાતચીતના વિષયની બહારના પ્રશ્નથી લેખક એકદમ આશ્ચર્યમાં પડી ગયા. ઘડી બે ઘડી તો તેમને શું જવાબ આપવો તે સમજાયું નહીં. જેમ કોઈ નદીના પ્રવાહમાંથી ઘણી મહેનતે કિનારા સુધી પહોંચે તેમ તેમણે વિચારધારાનો પ્રવાહ રોકીને બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો. અંતે તે ભાઈને ટૂંકો જવાબ આપ્યો.
‘ના. મને એવો કોઈ શોખ નથી.’

પોતાના ક્ષેત્રની અનેક પ્રશ્નોત્તરી કરીને તે ભાઈ અડધોએક કલાક પછી ત્યાંથી રવાના થયા પરંતુ લેખકના ચહેરા પર હજી કોઈક અકથ્ય મૂંઝવણના ભાવો સ્પષ્ટ દેખાતા હતા. અત્યાર સુધી આ વાર્તાલાપને શાંત ચિત્તે સાંભળી રહેલા તેમના ધર્મપત્નીએ લેખકની મૂંઝવણ કળી જઈને સીધો પ્રશ્ન કર્યો :
‘કેમ આપ સ્વસ્થ જણાતા નથી ?’
‘તેં પેલા ભાઈ સાથેનો વાર્તાલાપ સાંભળ્યો ?’
‘હા, તેમણે ખાસ સાહિત્યની વાતો કરી. પરંતુ તેમાં મને કશું અજૂગતું ન લાગ્યું.’
‘ના. વાત અજૂગતું લાગવાની નથી પરંતુ એ ભાઈએ જે એક પ્રશ્ન પૂછ્યો તે મારા અંતરને ખટકે છે.’
‘ક્યો પ્રશ્ન ?’
‘એ જ કે તમને ક્રિકેટ જોવું ગમે છે ?’
‘તો ?’
‘તે ભાઈએ પ્રશ્ન કર્યો તેની સામે મને વાંધો નથી, પરંતુ મારા મનમાં ક્ષોભ એ વાતનો થયો કે તેઓ આ પ્રકારનો પ્રશ્ન કરી કેમ શક્યા ? તેમને આ પ્રકારનો પ્રશ્ન કરવાનું મન થયું જ કેમ ? મારામાં જરૂર કોઈ એવું તત્વ હશે જે તેમને વિષયાંતર કરવા મજબૂર કરતું હશે. નહીં તો કદી આમ ન બને.’

વાત સાવ સામાન્ય છે પરંતુ ઘણો વિચાર માગી લે તેવી છે કારણકે શબ્દોનો કોઈ પ્રવાહ અહેતુક નથી હોતો. સામેની વ્યક્તિની પ્રતિભાને જોઈને માણસને ઘણી વાર પોતાના શબ્દો બદલવા પડે છે. ગમે તેટલી તૈયારી કર્યા પછી પણ વક્તવ્ય આપતી વખતે ધાર્યા કરતાં રજૂઆત ભિન્ન સ્વરૂપે આવતી હોય છે. કોઈ ક્ષેત્રના વિશિષ્ટ મહાનુભાવોને મળતી વખતે શબ્દોનો કેટલો બધો ખ્યાલ રાખવો પડતો હોય છે ! સામાન્ય સંજોગોમાં ‘ચા લેશો કે કોફી ?’ એમ સહજ રીતે બોલાતું વાક્ય, આપણી ઘરે કોઈ મહેમાન આવે ત્યારે તે રીતે નથી બોલાતું. તે સમયે આપણે ખૂબ માનપૂર્વક ‘આપને ચા ફાવશે કે કોફી ?’ એમ ઉચ્ચારતા હોઈએ છીએ. અરે ! ઘણી જગ્યાએ તો બોલવું પણ નિરર્થક લાગે છે. એમ લાગે કે કદાચ બોલવાથી એ જગ્યાનું પર્યાવરણ પ્રદુષિત થશે. કોઈ સંતની સમાધિના વિસ્તારમાં દર્શનાર્થે આવતા પ્રવાસીઓનું મૌન આપોઆપ કેળવાઈ જાય છે કારણકે ત્યાંનું વાતાવરણ તેમાં પ્રવેશતા પ્રત્યેક વ્યક્તિને અસર કરે છે. સમાજના વિધવિધ ક્ષેત્રોમાં રહેલા પ્રતિભાસંપન્ન વ્યક્તિઓને મળવાનું થાય ત્યારે આપણે કદી તેમને એમ નથી પૂછતા કે ‘તમારે મારી સાથે ડાન્સ પાર્ટીમાં આવવું છે ?’. આપણે તેમની પાસે કંઈક નવું શીખવાની અપેક્ષાથી જતા હોઈએ છીએ. જેની સાથે જે પ્રકારની વાત કરવાની હોય તે પ્રકારની વાત આપણે સહજરીતે અજાણતા કરતા હોઈએ છીએ. ઉપરથી સાવ સામાન્ય લાગતી આ વાત, એટલી સામાન્ય નથી.

કહેવાય છે કે પૃથ્વીના નભોમંડળમાં વાતાવરણના અનેક સ્તરો છે. સમગ્ર પૃથ્વીને આવરતું ઓઝોનનું પડ, ખૂબ ઊંચે સુધીના વાદળો અને અન્ય વાયુના પડ અને અંતે પૃથ્વીનું પોતાનું ચૂંબકીય ક્ષેત્ર. એ તમામ વસ્તુઓથી પૃથ્વી આરક્ષિત છે. બસ, કંઈક આવી જ વાત માનવીય પ્રતિભાની છે. જેવો વિચાર તેવો માનવી. વ્યક્તિને પ્રતિભાસંપન્ન બનાવીને પ્રગતિના પંથે લઈ જવાનું કાર્ય તો અંતે એક વિચાર દ્વારા જ થતું હોય છે ને. આ વિચારોના પડથી મનુષ્ય સતત ઘેરાયેલો રહે છે અને તેની અસરો દૂર-સુદૂર સુધી ફેલાતી રહે છે. વ્યક્તિના વ્યક્તિત્વને લીધે જ માઈલોના દૂર વિસ્તારમાં રહેતા લોકો પણ ખેંચાઈ આવે છે. તેનું કર્મ તે પ્રકારના વ્યક્તિઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેથી કર્મ પર વિશેષ ભાર મૂકાયો છે. વ્યક્તિને પોતાના કાર્યક્ષેત્ર અનુસાર પોતાનું ગ્રુપ બનતું હોય છે અને એ ગ્રુપના સંગમાં વ્યક્તિ પોતાની પ્રજ્ઞા પ્રમાણેના વિચારો ગ્રહણ કરીને ઘડાતો રહે છે. આ કારણથી જ વ્યક્તિની અગત્યતાઓ (Priorities) સતત બદલાતી રહે છે. આજે તેના માટે કોઈ પરીક્ષા આપવી અગત્યનું કાર્ય હશે તો દશ વર્ષ પછી તેને પોતાનું ઘર લેવું તે કદાચ તેના માટે વધારે અગત્યનું હશે. લોકસંપર્ક પ્રમાણે તેના વિચારો બદલાતા રહે છે. આપણને ભલે આપણું કાર્યક્ષેત્ર સામાન્ય લાગતું હોય પરંતુ મોટેભાગે આપણે દિવસના લગભગ 80% વિચારો આપણા કાર્યક્ષેત્રને અનુરૂપ જ કરતા હોઈએ છીએ.

એક રમતવીર માટે તેના દિવસનો મોટો ભાગ રમતગમતની વાતો, પ્રેક્ટિસ, નવા રેકોર્ડની માહિતી વગેરેમાં વ્યતિત થતો હોય છે. કોર્ટમાં કામ કરનાર કારકૂન પાસે તેના ક્ષેત્રની વાતો, પોલીસ પાસે ગુનેગારોની ચર્ચા, વિદ્યાર્થીને તેના અભ્યાસક્રમની વાતો, ગૃહિણીને ઘરકામની ચિંતા તો કોઈ ફકીરને પોતાની અંતરતમ આનંદની અવસ્થા. આમ, જે ક્ષેત્રમાં વ્યક્તિ હોય તેને તે પ્રકારના વિચારો તેની ઈચ્છા ન હોય છતાં ઘેરી વળે છે. અને આ વિચારોના સતત પ્રવાહને કારણે તેનું એક સુક્ષ્મ શરીર તેની આજુબાજુ જન્મતું હોય છે. આ સુક્ષ્મ શરીર તે પ્રકારના વ્યક્તિઓને તેની આજુબાજુ સતત ખેંચતું રહે છે. આમ સરવાળે તે વ્યક્તિ પોતે જે ક્ષેત્રમાં હોય તેવો જ બની જાય છે.

બસ કે રેલ્વેની મુસાફરી દરમિયાન આપણે ઘણી વાર જોઈએ છીએ કે વ્યક્તિઓ એક બેગ આમથી તેમ મૂકવાની સામાન્ય વાતોમાં ઝઘડી પડે છે. આ પ્રકારની ઘટનાઓમાં કોઈ વિષય કે વાત હોતી નથી પરંતુ વ્યક્તિનો સ્વભાવ તેમાં કારણભૂત બને છે. સ્વભાવ વ્યક્તિના વિચારો અને તેના આસપાસના સંગથી ઘડાતો હોય છે. સ્કૂટર લઈને જતા બે મિલમજૂરો સહેજ ટકરાય તો મારામારી પર આવી જશે અને તેની સરખામણીમાં સભ્ય કુટુંબના બે વ્યક્તિઓ ટકરાશે તો પહેલાં થોડી અકળામણ જરૂર અનુભવશે પરંતુ સમય જતાં ‘જીવન છે એ તો ચાલ્યા કરે.’ કહીને વાતને ટાળી દેશે. સવાલ વ્યક્તિ અંદરથી કેવી રીતે ઘડાયેલો છે તેના પર રહેલો છે. જાગૃત, પ્રતિભાસંપન્ન વ્યક્તિ કે કોઈ વિશિષ્ટ મહાપુરુષ પાસે જવા માત્રથી ક્યારેક આપણા પ્રશ્નોનું નિરાકરણ આવી જાય છે કારણકે તેમનો સંગ અને તેમના વાઈબ્રેશન્સ વ્યક્તિની આંતરપ્રજ્ઞાને જાગૃત કરી દે છે. તેમના વિચારો તેમના સુક્ષ્મ શરીરને તેજોમય બનાવીને દૂર સુધી તેની અસરો છોડતા હોય છે. બુદ્ધ, મહાવીર વિશે એવું કહેવાય છે કે તેઓ જ્યાં રહેતા તેમના અનેક માઈલોના વિસ્તારમાં કોઈ પશુ હિંસક નહોતા બની શકતા. તેમના વિચારો અને માનવીય કરુણાનું તેમનું ચિંતન એક આકાર લઈને સમગ્ર પર્યાવરણને શુદ્ધ બનાવી શકે છે. વ્યક્તિની અંતરચેતનાથી જાગૃત થયેલું આંતરમન જે સંકલ્પ કરે તે ઘટના સૃષ્ટિમાં બની શકે છે. પરંતુ તેની માટે માનવીએ વિચારોને કેળવવા પડે છે અને શેનો સંગ કરો છો તે વિશે જાગૃતિ રાખવી પડે છે. પોતાના વૈચારિક પ્રવાહથી વિરુદ્ધ ઘટના બને ત્યારે પોતાની અંદર સ્વદોષદર્શન વ્યક્તિએ જાતે કરવું પડે છે.

આ બાબતમાં બ્રિટનની રાણીની એક પ્રાચીન કથા છે. તેના લગ્નના બે-ત્રણ વર્ષમાં તેનો પતિ રાજકુમાર શિકાર અર્થે કોઈ ગાઢ જંગલમાં જાય છે અને ત્યાં તેનું મૃત્યુ થાય છે. દુ:ખ અને શોકમાં ડૂબેલી આ રાજકુમારી તેના વિરહમાં બેચેન બની જાય છે. રાત દિવસ આંસુ સારે છે. ઘણા દિવસો બાદ તે સ્વસ્થ થાય છે. રાજકુમારીને સ્વસ્થ થયેલ જોઈને ત્યાંના રાજદરબારમાં એક સમારંભનું આયોજન કરવામાં આવે છે જેમાં આસપાસના રાજાઓને જમવા માટે નિમંત્રણ આપવામાં આવે છે. નક્કી કરેલા દિવસે રાજકુમારી તેની માતા સાથે આવેલા મહેમાનોને આવકારીને બધા સાથે ભોજન માટે બેસે છે. વાતચીત દરમિયાન કોઈ એક દેશના રાજા રાજકુમારીની માતાને કહે છે કે તમે આ રાજકુમારીના પુનર્લગ્ન કેમ નથી કરાવતા ?
વાત સાંભળીને રાજકુમારીની બંને આંખોમાં આંસુ વહે છે. તે ફરીથી શોકાતુર બની જાય છે. આમંત્રિતો બધા રાજકુમારીની સ્થિતિથી ચિંતિત બનીને તેને સાંત્વના આપે છે. અંતે તેની માતા તેને પૂછે છે : ‘કે તેમણે પુનર્લગ્ન કરવાનું કહ્યું તેમાં ખોટું શું છે ? આપણે ત્યાં તો ઘણા લોકો કરતા હોય છે.’
ત્યારે રાજકુંવરી જવાબ આપે છે કે : ‘તેમણે પુનર્લગ્ન કરવાનું કહ્યું તેમાં જરાય ખોટું નથી, પરંતુ મને જોઈને તેમને એવો વિચાર કેમ આવ્યો ? જરૂર મારા પાતિવ્રતધર્મમાં ખામી રહી હશે. મારો હાલ અને મારા મુખપરના ભાવ જોઈને તેમને અનુકંપા બતાવવા માત્ર લગ્નનો જ વિચાર સૂઝ્યો ? વાત તેમના પ્રશ્નની નથી, પરંતુ વાત મારા ચરિત્ર અંગે તેમના વિચારોની છે. કોઈ મારા વિશે આવું વિચારી જ કેમ શકે ?’

એ તો આપણે સૌએ સમાજમાં જોયું છે કે જાગૃત વ્યક્તિ ગમે તે ક્ષેત્રમાં હોય, કોઈ તેને લાંચ આપવાની હિંમત નથી કરતું. અનેક જગ્યાએ લાંચ આપીને પોતાનું કામ કઢાવનારો વ્યક્તિ પણ, એવા કોઈ મૂઠી ઊંચેરા માનવી પાસે જાય છે ત્યારે લાંચ આપવાનો વિચાર સુદ્ધાં કરી શકતો નથી. વ્યક્તિના વિચારો અને તેના વર્તન અંગેની વાતો દૂર-દૂર સુધી ફેલાતી હોય છે. ‘ફલાણા ભાઈ તો એમ કરે જ નહિ’ એમ દ્રઢતાપૂર્વક કોઈ વ્યક્તિ વિશે આપણે કોઈને અભિપ્રાય આપતા સાંભળીએ તો તેને જાગૃત વ્યક્તિનું ચરિત્ર સમજવું. ‘પહેલા તો સારા હતા, હવે બદલાઈ ગયા હોય તો કહેવાય નહિ’ એમ કોઈને આપણા વિશે બોલતા સાંભળીએ તો એ બોલનારની ખામી નથી પરંતુ આપણી ગુણવત્તામાં જ કોઈ કચાશ રહી ગઈ હશે જેનાથી સામેની વ્યક્તિને આપણા વિશે ‘જો-તો’ ના વિચારો ઉદ્દભવે છે – તેમ માનવું.

સાહિત્યના ક્ષેત્રમાં કોઈ વ્યક્તિને મળવા જઈએ તો કેવું સરસ દ્રશ્ય આપણી નજર સમક્ષ ખડું થાય છે ! એક સરસ મજાનું ડેસ્ક હોય છે. કેટલાક પાનાઓને ગોઠવીને સ્ટેપલ કરેલ પેડ બાજુમાં પડ્યું હોય છે. ખૂણામાં નાઈટલેમ્પ કલાત્મક રીતે ગોઠવેલો હોય છે. તૈયાર થયેલા લેખોની નકલો વ્યવસ્થિત રીતે મુકાઈ હોય છે. વ્યક્તિની ચોપાસ વિવિધ વિષયોના પુસ્તકો ફેલાયેલા પડ્યા હોય છે. સામેના કબાટમાં તેમની જે તે કૃતિઓ માટે સન્માન મળ્યું હોય તેના પ્રશસ્તિપત્ર મૂકાયેલા હોય છે. આવા સાહિત્યિક વાતાવરણમાં આવનાર વ્યક્તિ સાથે સર્જક પોતે પોતાના અનુભવો વર્ણવતો ક્યાં ખોવાઈ જાય છે તેની તેને પોતાને પણ ખબર નથી રહેતી. એ બધાની વચ્ચે કોઈ એવો પ્રશ્ન કરે કે ‘તમને ક્રિકેટ જોવું ગમે ?’ તો એ પ્રશ્ન પૂછનારની બાલિશતા નહીં પરંતુ સર્જનના સર્વોચ્ચ શિખરે બિરાજેલા સાહિત્યકારને માટે મનોમંથનનો વિષય બની રહે છે કે આવનાર વ્યક્તિ ભરવરસાદ માં પણ કોરો કેમ રહી ગયો ?

કવિવર દયારામે સાચું જ કહ્યું છે કે :

“તુજ સંગે કોઈ વૈષ્ણવ થાયે, તો તું વૈષ્ણવ સાચો
તારા સંગનો રંગ ન લાગે તાંહાં લગી તું કાચો.”

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મારે તો ચાંદો જોઈએ – સુધા મૂર્તિ
સંગાથ – દેવેન્દ્ર પટેલ Next »   

22 પ્રતિભાવો : મનોમંથન – મૃગેશ શાહ

 1. Maulik says:

  ખુબ જ સરસ…!

  એકદમ અલગ દ્રષ્ટીકોણ – પોતાના વિશે વિચાર કરવા માટે!!

 2. BHAUMIK TRIVEDI says:

  hello! what a thought..

  “તુજ સંગે કોઈ વૈષ્ણવ થાયે, તો તું વૈષ્ણવ સાચો
  તારા સંગનો રંગ ન લાગે તાંહાં લગી તું કાચો.”

  i think it also depends on one’s “introspection ” and how he or she thinks during their actions regarding the place or person.

  but really a nice article and made me think ….thnx mr. mrugesh..keep it up

 3. Neel says:

  Everyone carries a halo emanating from his/her personality and thought process. The zone or circle and strongness of it varies from person to person.
  It is true that you may invite comments based on your personality, but should it not be given a thought that upto what extent you can influence the words coming out of somone (which are again so strongly based on his/her thinking). Could it not be looked the other way that the person was trying a little force on his concious brain to talk for literature and suddenly the word of Cricket slips out from depth of his unconcious mind?
  Based on a personality, someone may get a first feeling which would immediately give shape to some typical words about the person, but it could also be that these shapes can take place only from available shapes (or say- available vocabulary) in the persons mind.

 4. SHARAD M SHETH says:

  LIKED D ARTICLE

 5. ગાંડાભાઈ વલ્લભ says:

  સરસ લેખ.
  વ્યક્તિનો ઓરા કદાચ બધા જ માણસો એક સરખી રીતે જોઈ શકે એમ ન બને. જેમ સૂર્ય તો બધાને માટે પ્રકાશે, પણ જેમણે પોતાના ઘરનાં બારી-બારણાં બંધ કરી દીધાં હોય તેને માટે તે ુઉપલબ્ધ નથી હોતો.
  હાર્દિક અભિનંદન મૃગેશભાઈ.

 6. Maharshi says:

  ખુબ જ સરસ લેખ!

 7. ખુબ જ રસપ્રદ મનોમંથન … અને ખુબ જ સચોટ વિચાર….

 8. thanki bhai says:

  પ્રિય મૃગેશ ભાઈ,

  પહેલે પાને દર્શાવેલા સમાચરમાં કેમ કોઇ સુધારા થતા નથી? મોટા ભાગની માહિતી ખૂબ જ જૂની અને આઉત ઓફ ડેટ થઈ ગઈ છે.

  તમારું કામકાજ ખૂબ જ સારું હોવાથી, સોનાની થાળીમાં લોઢાની મેખની જેમ તે થોડું ખૂંચે છે. મહેરબાની કરીને તેમાં જરૂરી અપડેટિંગ કરતા રહેજો.

  તમારો લેખ પન વિચાર માગી લે છે પણ આ સુચન કર્યા વિના રહી શકાતું નથી તેથી લખ્યું છે,ક્ષમા સાથે –
  થાનકી ભાઇની શુભેચ્છાઓ સ્વીકારશો

 9. j. says:

  આ સામે, લતાજી કે દીલીપ કુમાર કે મહંમદ રફી જેવા મહાનુભવોનો ક્રિકેટપ્રેમ જગજાહેર છે 🙂

  કહેવાય છે કે કોઇ પણ બાબતની અતિશયતા સારી નહીં. તે જ પ્રમાણે, અતિશય અંતરમંથન પણ વણજોઇતા વિચારો જ નોંતરે.
  સમાજની પ્રતિભાસંપન્ન વ્યક્તિઓએ કહેવાતા ‘સામાન્ય’જનને મળતી વખતે સાલસ તથા વિચારભારથી મુક્ત હોવું ઘટે.

  સરસ લેખ બદલ આભાર તથા શુભેચ્છાઓ

  જાનકી

 10. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ …

 11. nayan panchal says:

  ખૂબ જ નાની પરંતુ ઉપયોગી વાત. આવી નાની નાની વાતો વ્યવહારમા ખૂબ જ કામ લાગે છે.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.