સંગાથ – દેવેન્દ્ર પટેલ

ટ્રેન ઊપડવાને હજુ અડધા કલાકની વાર હતી. રાણકપુરની ટિકિટ કઢાવી કુલીને સૂચના આપી : ‘જલદી અગિયારમા પ્લેટફોર્મ પર ઉદેપુર મેલમાં સામાન ચઢાવી દે…. અને મારી જગા રાખજે…. હું સિગારેટ લઈને હમણાં જ આવું છું.’

લાલઝભ્ભો અને લાલ ફેંટો એની જવાનીની લાલીને બરાબર મેચ થતાં હતાં. થોડોક સામાન માથે ચડાવી. થોડોક બગલમાં મારી અને થોડોક હાથમાં લબડાવી એક કલાત્મક પિરામિડની જેમ એ હાલવા માંડ્યો.
‘અરે ભૈયાજી ! સુનો, એક કલકત્તી… પનામા… જરા જલદી…’
ગોળમટોળ ભૈયાજીએ પાનના અખંડ ડૂચાવાળા મોં વડે પિચકારી મારતા કહ્યું : ‘હં સા’બ, બનાતા હૂં લેકિન રાણકપુર પહોંચતે તીન ઘંટે લગ જાયેગે. ક્યા તબ તક એક હી પાનસે ચલેગા… ? રાસ્તે મેં હમારે જૈસા પાન નાહિ મિલેગા.’
હું ચમક્યો ! મારા રાણકપુર જવાની ભૈયાજીને ક્યાંથી ખબર ?
‘લેકિન આપને કૈસે જાના મેં રાણકપુર જા રહા હૂં !’ મેં જરા કડક થઈ પૂછ્યું.
પાન વાળતાં ભૈયાજીએ હસતાં હસતાં જવાબ વાળ્યો : ‘ક્યા સા’બ, પૈસે નિકાલતે આપકી યે ટિકિટ જો ગીર પડી હૈ, રાણકપુર કી હી તો યે હૈ ન !’
મારી ભૂલ માટે પસ્તાવો કરી ફરીથી સ્વસ્થ થયો. પાન અને સિગારેટ લઈ ઘડિયાળ તરફ નજર નાખી. સેકંડ કાંટાની ગતિએ પ્લેટફોર્મ તરફ ચાલવા માંડ્યું.

‘અય સાહબ ! આપકી સીટ યહાં રખ્ખી હૈ….’
કુલીએ તરડાઈ ગયેલા અવાજે બૂમ મારી. સિગારેટની છેલ્લી ફૂંક મારી બૂટના તળિયે બુઝાવી કંપાર્ટમેન્ટમાં પ્રવેશ્યો. ભરચક પેસેન્જરો વચ્ચે બારીથી બીજી સીટમાં કુલીએ ઊભા થઈ અને જગ્યા આપી. એના પૈસા ચૂકવી મેં મારો સામાન ચેક કરવા માંડ્યો. ‘અરે એ બોક્સ ક્યાં ?’ મારાથી ઉતાવળે અવાજે બોલી જવાયું. બધાનું ધ્યાન મારા તરફ ખેંચાયું. મુસાફરો મોટે ભાગે ગ્રામજનો હતા. ચારે તરફ નજર ફેરવતાં બીજી સામેની બોક્સ તરફ અટકી, ત્યાં પડેલા મારા બોક્સ પર કોઈ થાકેલું જોબન બારી સાથે માથું અડકાડી તંદ્રાવસ્થામાં ઝોલાં ખાતું હતું. અસ્તવ્યસ્ત સુક્કા વાળ અને ઘાટીલી છતાં વેરાન રણ જેવી મુખાકૃતિ પર બે નયન લીલી છાંય જેવાં લાગતાં હતાં. ‘નેચરલ બ્યુટી’ અંગે કૉલેજમાં મેં આપેલા પ્રવચન દરમિયાન કલ્પેલું સૌંદર્ય અહીં તો ખીચોખીચ ભરેલું હતું. સાદા ગ્રામીણ વસ્ત્રોમાં એનું દેહલાલિત્ય દરિયાના મોજાંની જેમ ઉછાળા મારતું વારે વારે કિનારે આવી અટકી જતું હતું.

એને ખલેલ કરવાનું માંડી વાળ્યું અને મનોમન પ્રશ્નોના જવાબ મેળવી બેસી ગયો…. ત્યાં જ વ્હીસલ વાગી… અને હળવા આંચકા સાથે ટ્રેને પ્લેટફોર્મ છોડ્યું, પણ એથી પેલી ગ્રામ યુવતી સહેજ ચમકી જાગી ગઈ અને ગાડી ઊપડી છે એવું મનોમન અનુભવી, ઉર પરથી સરી ગયેલા પાલવને સરખો કરી, જરાક ઊંચી થઈ હવામાં ઊડતા અસ્તવ્યસ્ત વાળને હળવેથી હાથ ફેરવી, મોંમાં આવતા રોકી, ઠીક કરી, ફરીથી સ્લીપિંગ પોઝિશનમાં આવી ગઈ. આ બધું હું એકીટસે જોઈ રહ્યો હતો. પણ તેમ કરવું ઠીક ન લાગ્યું. અને મારી નૈતિક રેખાની નિશ્ચિત રેખા ન ઓળંગાય એનો ખ્યાલ કર્યો. તરત જ સૂટકેસમાંથી મસ્તફકીરની બેલા રોયને બંધનમુક્ત કરી અને ‘સાયોનારા’ માં મન પરોવ્યું. જોકે હાલ પૂરતી મને રાજેનગીરીના હાઈકુમાં મજા ન પડી, પણ પેલા બોક્સની ઈર્ષ્યા કરતાં કરતાં રાજનગીરીની અદાથી એ અજાણ સૌન્દર્યનું તલસ્પર્શી અવલોકન કરવા માંડ્યું. એ વ્યસ્ત લાગતી હતી. શારીરિક અને માનસિક બંને રીતે. રાતનો ઉજાગરો સ્પષ્ટ વર્તાતો હતો. વિશાળ પણ બંધ આંખોમાં સાગરની નરી ગંભીરતા ભરી હતી. અલંકારોરહિત એનો દેહ પરિણીત તો હશે જ એમ મેં મારી આગવી શક્તિથી ચોક્કસ અનુમાન કર્યું….

બસ, બસ, વળી મેં લક્ષ્મણરેખા યાદ કરી અને આગળ વિચાર કરવા માંડી વાળ્યું. બીજા મુસાફરોને એનામાં ખાસ રસ નહોતો તોયે સૌ કોઈ થોડાક થોડાક સમયને અંતરે બદભરી દષ્ટિ નાખી લેતા. ટ્રેને સ્પીડ પકડી લીધી હતી. શહેરનાં પરાં પૂરાં થયાં અને હવે હરિયાળી ધરતીના નાનાં મોટાં ખેતરો વચ્ચે થઈ નમતા પહોરે ટ્રેને દોડવું શરૂ કર્યું.

,,,,એકલવાયો હું અને એકલવાયું મારું જીવન. જોકે મને એ પસંદ હતું. કોઈનીય જોડે ખાસ ભળવાનું મને પસંદ નહોતું. સૌને અહમ-આત્મપ્રશંસા કે સ્વાર્થમાં જ રસ છે. તે અહંકાર છે, નર્યો અહંકાર તેવી સૂક્ષ્મ પણ સ્પષ્ટ ફિલસૂફી ધરાવતા મને એકલા રહેવાનું પસંદ હતું. એમ.એ. સુધી તત્વજ્ઞાન લઈ અભ્યાસ કર્યા બાદ પણ મેં રાણકપુરથી દોઢેક માઈલ દૂર આવેલા નાનકડા રાજપુર ગામની હાઈસ્કૂલમાં સેવા આપવામાં આદર્શ માન્યો. જોકે એ એરિયાથી સાવ અજાણ્યો હોવાથી મારી પ્રથમ નોકરીનો પ્રથમ પ્રવાસ હતો.

સમય ક્યાં વીતી ગયો તેનુંય ભાન ન રહ્યું અને ટ્રેન રાણકપુર આવી અટકી. બારી બહાર ડોકિયું કરી જોયું તો થાકેલો સૂરજ લથડિયાં ખાતો હસતો હસતો વિદાય લઈ રહ્યો હતો. સીટ ઉપરથી ઊભા થઈ સામાન સંભાળ્યો અને પેલા બોક્સ તરફ નજર નાખી તો ગ્રામયુવતી પણ ઊભી થઈ રહી હતી. મેં જરા સંકોચથી બોક્સ બારણા પાસે ખસેડ્યું અને કોઈ મજૂરની અપેક્ષાએ બહાર ડોકિયું કર્યું. નાનકડા નિર્જન સ્ટેશને એવી કોઈ સગવડ ન જણાતાં હું જરા અકળાયો. પણ એટલામાં તો મારી અકળામણ કળી ગઈ હોય તેમ તે બોલી : ‘સાહેબ, તમે તમારે થોડોક સામાન લઈ ઊતરી જાવ. હું થોડુંક લઈ લઉં છું. જલદી કરો નહિ તો ગાડી ચાલુ થઈ જશે.’ કદી કોઈના સહકારની અપેક્ષા ન રાખનારો હું આજે જુદા જ રંગમાં હતો. મોં ઉપર થોડુંક સ્મિત લાવી મનોમન જ ‘થેંક્સ’ કહેતો ઊતરી ગયો. મેં વિચાર્યું : ‘ખરેખર ગામડાં જરૂર ગરીબ બન્યાં છે. પણ માનવતાની બાબતમાં તો હજુય સમૃદ્ધ જ છે. મારી એકપક્ષીય માન્યતામાં થોડોક ફેરફાર નોંધાયો. બોક્સને બે બાવડાંઓ વડે ઊંચકીને તે પણ મારી પાછળ જ નીચે ઊતરી ગઈ, જાણે કે બોક્સ પર બેઠાનું ઋણ અદા કર્યું ! અને થોડીક ક્ષણોમાં જ ટ્રેન ઊપડી ગઈ. પ્લેટફોર્મ જેવું તો કશું જ નહોતું પણ રડ્યાંખડ્યાં બે-ચાર મુસાફરો બીડીઓ ફૂંકી રહ્યા હતા. કોણ જાણે કેમ પણ આજે મને આવું એકાન્ત ગમ્યું.

હજુ તો આછો ઉજાસ હતો. સંધ્યા ફૂલી હતી અને રતુંબડા અજવાળે આજુબાજુના ઘાસ, પાન, ઝાડી અને ટેકરા બધાં જ આરામ લેવા માગતા હતાં.
‘કઈ બાજુ સાહેબ – રાજપુર જવું છે ?’ અણધાર્યો પણ પ્રસંગોચિત્ત પ્રશ્ન એણે મને પૂછી નાખ્યો.
‘હા’ મેં ઉત્તર વાળ્યો, ‘પણ આ સામાન કેમ લઈ જવો ? ચુનીકાકાને મેં ગાડું મોકલવા તો જણાવ્યું હતું. કોણ જાણે મારી ટપાલ તેમને મળી કે નહીં ?’
‘રોજ તો કોઈનું ગાડું આ ખેતરમાંથી ઘેર જતું મલતું પણ આજ તો બધાય નવરા પડી ગયા લાગે છે.’ એણે અનુભવયુક્ત વિધાન કર્યું, ‘એમ કરો સાહેબ, આ બિસ્તરો પેટી પેલા ફાટકવાળાની કોટડીમાં મૂકી દો. બાકીનો સામાન આપણે બેય થઈ લઈ જઈશું.’ એનો આ વિચાર ગમી ગયો. એક તો એનો સંગાથ મને ગમતો હતો અને અંધારું થવાને સમયે રામપુરના રસ્તાથી સાવ અજાણ હતો. તરત જ એની વાત સ્વીકારી યોજના અમલમાં મૂકી. થોડો થોડો સામાન વહેંચી લઈ બંનેએ ગાડાવાટે ચાલવા માંડ્યું. થોડોક ક્ષોભ અને સંકોચ સાથે, અજાણ્યા વિસ્તારમાં અજાણી સ્ત્રી સાથે એ વિસ્તારની એક અજાણી વ્યક્તિ તરીકે મેં અજાણી બીક પણ અનુભવી. છતાંયે અત્યારે તો મારા દિમાગ કરતાં દિલ વધુ જાગ્રત હતું. અજાણી લાગણીને ટેકે રાજપુરનો પંથ હું કાપી રહ્યો હતો.

પણ કેવું અદ્દભુત એનું વર્તન. મૂંગા પ્રાણીની જેમ અમે ચાલ્યા જ કર્યું. અંધારું વધતું ગયું અને ચંદ્રિકાનો આજે આઠમો દિવસ હશે તેમ એના સ્વરૂપ પરથી મેં અનુમાન કરી લીધું. વારે વારે ઝબૂક ઝબૂક થતા ચંચળ તારલિયાઓને જાણે ડામતી હોય તેમ તે વધુ ને વધુ ગંભીર થતી જતી હતી. આસપાસનાં લીલાંછમ ખેતરોની ઠંડી હવા બદનને ધ્રુજાવતી હતી અને એની એકધારી ચાલથી પગના છડાઓની ઘૂઘરીઓની પેદા થતાં ગુંજન જોડે ફિલ્મની કોઈક પંક્તિ યાદ કરી તાલ મેળવવાનો મેં નિષ્ફળ પ્રયત્ન કર્યો. એ કાંઈક વાત કરશે એમ મેં ધારેલું પણ એક હરફ સુદ્ધાંય ના કાઢ્યો. એક બાજુ મને આ પ્રકારની મદદ કરવાની વૃત્તિ, મારા જેવા અજાણ પુરુષ સાથે રાત્રે એકલા રહીને પણ અને બીજી બાજુ રાત્રિને પણ વિચાર કરતી મૂકી દે તેવી અદ્દભુત ગંભીરતા…. મને કશું જ સમજાતું ન હતું. હૃદયના બંધ હળવા કરવા અંતે મેં પૂછી જ નાખ્યું : ‘તમે રાજપુરનાં છો ?’
‘ના, રાજપુર તો મારું પિયર થાય. આ ઓતરાદી પા મોહનપુર મારી સાસરી થાય. આજ તો મારા બાપને ત્યાં જાઉં છું.’ એણે ટૂંકમાં ઘણીબધી માહિતી આપી દીધી. વળી પાછી એ ચૂપ થઈ ગઈ અને એના તરફથી કંઈ પુછાય તેવી રાહ જોતાં રાજપુરનો રાહ ઉતાવળે કાપવા માંડ્યો.

થાક લાગ્યો હતો. થોડીક વાર સામાન નીચે મૂકી થાક ખાવાનું મન થયું પણ આ તો જબરી નીકળી. એની એકધારી ચાલમાં જરાય ફેરફાર નહોતો થયો. જ્યારે મને તો હવે અંધારી રાતે અંધારા આવતાં હતાં. પણ ત્યાં તો નાનાં-નાનાં ટમટમિયાં ઝબૂકતાં જણાયાં. ઝાડીનું એક ઝૂંડ પસાર થઈ જતાં રાજપુર સ્પષ્ટ વર્તાવા લાગ્યું.
‘જુઓ, આ નાનું કોતર પૂરું થાય પછી ગામના પાદરમાં જ સરકારી ચોરો આવે છે. ત્યાં સુધી તમને હું મૂકી જાઉં છું. પછી મારે તો ગામને ઉગમણે ઝાંપે જવાનું છે. અને આમેય રાતના સમે તમારા હંગાથે કોઈ મને જુએ તો ખરાબ દેખાય.’ એણે વાસ્તવિક હકીકતનું દર્શન કરાવતાં મને સૂચના કરી.
‘સારું’ મેં ઉત્તર વાળ્યો. કોણ જાણે કેમ પણ મને આગળ વાત કરવાની હિમ્મત ચાલતી ન હતી. જ્યારે બીજી બાજુ આ રસ્તો જલદી જલદી ખૂટી ગયો તે ગમતું ન હતું. એક વાત ચોક્કસ કે એના સાદા છતાં રહસ્યમય વ્યક્તિત્વથી હું જરૂર અંજાયો હતો.

અમે ગામના પાદરમાં પ્રવેશ્યાં. બે-ત્રણ કૂતરાંઓએ અમને જોઈ થોડીક કાગારોળ કરી. વળી પાછાં કોઈ ખૂણામાં લપી ગયાં. પંચાયતની બત્તીઓના અજવાળામાં સફેદ રંગનો ભાસ કરાવતું મકાન દેખાયું. એ ચોરો હશે એમ મેં માની લીધું. જીર્ણ મકાનના તૂટેલાં પગથિયાં પાસે સામાન મૂક્યો. મેં કંઈક બોલવા વિચાર્યું એ પહેલા જ એણે બોલી નાખ્યું : ‘તમે તો સાવ શરમાળ છો સાહેબ, કુંવારા છો ને ? જુઓ. શરૂમાં કંઈ જરૂર હોય તો તમતમારે ગભરાયા વગર મને કે’વડાવજો. આ ગામના પશા પટેલની હું રૂપા છું. નાના છોકરાને મોકલશો તોય ઓળખશે. હો. હું જાઉં છું ત્યારે….!’

નાછૂટકે મેં અનુમતિ આપી. વળી પાછું હોઠે આવેલ ‘થેંક્સ’ ભવિષ્ય માટે હૈયામાં સંઘરી રાખ્યું અને બતીના અજવાળે દેખાય ત્યાં સુધી એની ઘાટીલી પીઠ જોઈ રહ્યો…. ! તેની દેહાકૃતિ રાજપુરના અંધારાને ગળી ગઈ કે અંધારું એને ગળી ગયું તેવો સાહિત્યિક સવાલ ઊભો કરી વિચારવા લાગ્યો. પણ ત્યાં તો ગામના ચોકિયાતે ડાંગ પછાડી મારું ધ્યાન ખેંચ્યું. ચમકીને એની તરફ જોયું ત્યારે જ હું બીજી દુનિયામાં આવ્યો. ચોકિયાતે પૂછ્યું : ‘કોણ ?’
એના પ્રશ્નમાં જિજ્ઞાસા અને સહાનુભૂતિનું સંમિશ્રણ જોતાં મેં આનંદ અનુભવ્યો અને બોલ્યો : ‘ભાઈ, હાઈસ્કૂલના હેડમાસ્તર ચુનીકાકા ક્યાં રહે છે ? મારે એમના ત્યાં જવું છે.’
‘….પણ… સાહેબ…. આટલો બધો સામાન રાતે તમે એકલા લાવ્યા શી રીતે ? આજ તો કોઈનુંય ગાડું રાણકપુર નો’તું ગ્યું ?’ ચોકિયાતે સરળ પણ વેધક પ્રશ્ન કર્યો. હું સહેજ ગૂંચાયો પણ હિંમતભેર સત્યને વળગી રહ્યો :
‘અરે યાર ! આ ગામના પશા પટેલનાં દીકરી રૂપાનો છેક રાણકપુરથી સંગાથ હતો. એમણે થોડોક સામાન લઈ લીધો. નહીં તો મારે આ સામાન સાથે રાણકપુર સ્ટેશને જ પડી રહેવું પડત.’

‘શું… શું… વાત કરો છો સાહેબ…. રૂપા હતી… !!’ એની ફાટી આંખોથી પુછાયેલા આ વિચિત્ર પ્રશ્નથી મને કાંઈ જ સમજણ ન પડી.
‘હા, હા’ મેં કહ્યું : ‘હમણાં જ આ સામાન મૂકી એમના બાપને ઘેર ગયા ને તમે આવ્યા.’
મારી વાત સાંભળી ચોકિયાત ધ્રૂજી ઊઠ્યો ! અને શંકાભરી નજરે મારી સામે ટીકી ટીકીને કશુંક શોધવા માગતો હોય તેમ જોવા લાગ્યો. ધીમેથી મારી નજીક આવ્યો અને ધ્રૂજતા સ્વરે બોલ્યો : ‘સાહેબ…. રૂપા-રૂપા પશાજીની દીકરી એ વાત સાચી પણ ગઈ સાલ આ જ ગાળામાં મોહનપરથી આંય આવતાં રેલગાડી વચ્ચે આવી ગઈ હતી. એને મર્યે તો આખું વરહ વીતી ગયું…. પણ ઘણાંને એ દેખા દે છે… અને આ મેલમાં હરતીફરતી ઘણાંને દેખાય છે. સાહેબ, જીવતેજીવ તો એના જેવી ભલી બાઈ આ આખાયે મલકમાં મેં ભાળી નથી. અત્યારે પણ સીમમાં ગામની વહુ-દીકરીઓને ચારના ભારા વાઢી આપે છે ને ચઢાવે પણ છે. ચાલો, તમને મોટા સાહેબના ઘેર મૂકી આવું…..’ એમ કહી એણે સામાન ઉપાડવા માંડ્યો અને સાંભળતા જ મને કંપારી છૂટી. ટાઢમાં પણ પરસેવો છૂટ્યો. મારી અકથ્ય અકળામણ વધી ગઈ. આ લોક અને પરલોક વચ્ચે મારું માનસ ગૂંચવાઈ ગયું.

ચોકિયાતના પેલા અંતિમ શબ્દો – ‘હજુય ગામની વહુ-દીકરીઓને ચારના ભારા વાઢી આપે છે ને ચઢાવે પણ છે વગેરે યાદ કરતાં મારું શિર સાદ્યંત એને યાદ કરી એનાં ચરણોમાં નમી રહ્યું અને અંતે પેલા બોક્સ તરફ ભાવભીની નજર નાખી હૈયામાં સંઘરી રાખેલા ‘થેંક્સ’ ને હિંમતભેર વાચા આપી મૂંગો મૂંગો હું ચોકિયાતની પાછળ પાછળ ચાલવા લાગ્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મનોમંથન – મૃગેશ શાહ
જગાનાં ભણતરનાં પરાક્રમો – નટવર પંડ્યા Next »   

23 પ્રતિભાવો : સંગાથ – દેવેન્દ્ર પટેલ

 1. વાહ ….. ખૂબ સરસ ..વાંચી મજા આવી…

 2. સરસ વાર્તા, થોડીક મોટી લખજો. મજા આવી ગઈ……….

 3. SHARAD M SHETH says:

  GOOD STOREY
  LIKED

 4. હું તો કોઇ રોમેન્ટીક અંત વિચારતો હતો અને આ તો સસ્પેન્સ થ્રીલર સ્ટોરી નીકળી .. !!!

  🙂 ભારે કરી દેવેન્દ્ર ભાઈ …

 5. ભાવના શુક્લ says:

  ઘણા સમયે ‘જરા હટકે’, વાચીને મજા આવી…

 6. Tarang Hathi says:

  જોરદાર

 7. MONA RATHOD says:

  good story

 8. Hiral Thaker "Vasantiful" says:

  Nice & Different Story.. 🙂

 9. Tejal says:

  really good story

 10. Meghana Shah says:

  Good Story

 11. nayan panchal says:

  વાહ! એકદમ હટકે સ્ટોરી.

  માનો યા ના માનો…

  નયન

 12. Sanjay Patel says:

  Yes, Devendrabhai…. ek navu vakyatitva…emni vat ma.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.