કરોળિયો અને વિશાખા – શ્રદ્ધા ત્રિવેદી

[‘બંધ ઓરડાની ભીતરમાં’ પુસ્તકમાંથી સાભાર.]

રાતના લગભગ બાર વાગ્યા હશે. વિશાખા રસોડામાં પાણી પી, પોતાની રૂમમાં પાછી જતી હતી. ત્યાં નાના ભાઈ મેહુલની રૂમમાંથી ભાભીના મોઢે પોતાનું નામ સાંભળી તે થંભી ગઈ. એક ક્ષણ તે બારણા પાસે ઊભી રહી. ભાભી બોલતી હતી : ‘ગમે તેમ તોય આ તમારા વિશુબહેનની જવાબદારી આપણે માથે તો ખરી જ ને ! આપણે સ્વતંત્ર તો નહીં જ ને ! ને તેમાંય આ કમાઈને બે પૈસા ઘરમાં આપે એટલે તમને સારું લાગે. પણ તેથી જોહુકમી કર્યા વગર નહીં જ રહેવાનાં ! વેઠ તો મારે જ કરવાની ને !’

વિશાખાના ડગ ત્યાં જ ખોડાઈ ગયા. પોતે ક્યાં ? પોતાનું કોણ ? ભલેને આ ઘર સજાવવા તેણે ગમે તે કર્યું હોય. ઘર કોનું ?…. પ્રશ્નોની પરંપરા તેની આસપાસ ઘુમરાઈ રહી. થોડી વારે તે કશો જ અવાજ ન થાય તેની સાવચેતી રાખી પોતાના ઓરડામાં ગઈ. ખાટલામાં પડી. પાછી બેઠી થઈ. ઓરડામાં આંટા મારવા લાગી. તેનું હૃદય ભરાઈ આવ્યું હતું. તેને પોતાના ગાલ પર સટોસટ ધોલો મારવાનું મન થયું. તેને ભીંતે માથું અફાળવાનું મન થયું. તેને છત પર ગોળ ગોળ ફરતા પંખા પર લટકી જવાનું મન થયું. ધડાધડ બારણા ખોલી, સરિયામ રસ્તે પૂરવેગે દોડી તળાવમાં કૂદી પડવાનું મન થયું… પણ તે જડાઈ જ રહી. ખુરશી પકડી ઊભી જ રહી.

તે આમ જ વર્ગમાં ઊભી રહે છે, સો સો વિદ્યાર્થીઓ તેનું વ્યાખ્યાન શાંતિથી સાંભળે છે. તે વિદ્યાર્થીઓમાં પ્રિય છે. કૉલેજમાં તેનું આગવું માનભર્યું સ્થાન છે… ને ઘરમાં ?…. તેને મા યાદ આવી. પિતા યાદ આવ્યા. સુધીરભાઈ અને વીણાબહેનનું તે પ્રથમ સંતાન. તેના પછી દક્ષા અને સૌથી નાનો મેહુલ. બાળપણ સંતોષથી પસાર થયું. વીણાબહેન સાત ધોરણ સુધી જ ભણેલાં. તેથી વિશાખા ખૂબ ભણે તેવી તેમની ઝંખના. ને તેમાંય વિશાખા પહેલા ધોરણથી જ પહેલે નંબરે પાસ થતી. સુધીરભાઈનેય વિશાખા ખૂબ ભણે તે ગમે. પણ પાછું થાય : ‘એને યોગ્ય મુરતિયો મળશે ?’ તેથી બહુ બહુ તો તે મેટ્રિક ભલે થાય એવો તેમનો મત.

પણ જે વખતે વિશાખા મેટ્રિક થઈ તે જ વખતે સુધીરભાઈની બહેન વિધવા થઈ અને તે પણ વિશાખા જેવી જ હોંશિયાર હતી પરંતુ બાપુએ એને નાનપણમાં જ ગામડે પરણાવી દીધેલી. ભણી હોત તો સારું કમાઈ શકત. પણ હવે ? બહેનની સ્થિતિ જોઈ સુધીરભાઈએ વિશાખાને કૉલેજ કરાવવી એમ નક્કી કર્યું. વિશાખા કૉલેજમાં ગઈ. ગૌરવર્ણ, સુંદર ચહેરો, હલકદાર મીઠો અવાજ ! કૉલેજની ટેલેન્ટમાં તેની વાહ વાહ થઈ ગઈ ! તો ભણવામાંય આગળ. પ્રથમ વર્ષમાં પ્રથમ વર્ગમાં પાસ થઈ. સુધીરભાઈને એમકે તે બી.એ. થઈ જાય એટલે પરણાવીશું.

વિશાખાની માસીની દીકરીનાં લગ્ન હતાં. આખું ઘર ત્યાં ગયેલું. વીણાબહેને વિશાખાને દૂર લઈ જઈ એક છોકરો બતાવ્યો. ‘વિશુ ! જો પેલો વાદળી શર્ટવાળો છોકરો ! આપણી નાતના પેલા ઘનશ્યામભાઈ નહીં, તેમનો એકનો એક દીકરો સુનીત છે. ઘેર મોટર છે. તું જોઈ લે, પછી વાત ચલાવીએ.’ વિશાખાએ તેની સામું જોયું.
‘ઠીક છે. પણ મા, મારે ખૂબ ભણવું છે. હમણાં આવું કશું ચક્કર ના ચલાવતી.’
‘ઠીક.’ વીણાબહેને તે વખતે વાત મૂકી દીધી. સાંજે કહ્યું : ‘પણ જો સાંભળ ! આજે વાત કરીએ તો છ-બાર મહિને ઠેકાણું પડે ! આપણે એમના જેટલાં ધનવાન નથી. આ તો તું રૂપાળી છે. ભણેલી છે. કદાચ હા પાડે તો ગુમાવવા જેવું નથી.’
‘પણ મા, એ કરે છે શું ? કેટલું ભણેલો છે ? એ બધું તો મને કહે.’
‘ભણેલો કેટલું છે તે તો મને ખબર નથી. પણ તેમની પેપરમિલ છે.’
‘ઊં….હું…. મારે મારા વિષયવાળો ભણેલો છોકરો જ જોઈએ. મને સમજી શકે તેવો. આ તો યંત્ર સાથે કામ કરે. મનેય યંત્ર જેવી જ માને. ના મા. તું આ વાત અહીં જ પડતી મૂકજે. હા, દક્ષા માટે તું વિચારજે. તેય રૂપાળી છે.’

વીણાબહેને કમને વાત મૂકી દીધી. કામે વળગ્યાં.
ઘણા દિવસથી ઘર સાફ નહોતું કર્યું. તેથી ઝાપટિયું લઈ તે મંડી પડ્યાં. તેમણે સાફસૂફી શરૂ કરી એટલે વિશાખાય મદદે આવી. વિશાખાનો ઓરડો છેલ્લો હતો. વીણાબહેને વિશાખાની ચોપડીઓ ગોઠવી. બારી પાસે કરોળિયાનું મોટું જાળું છે. વીણાબહેન બબડતાં હતાં : ‘વિશુ ! આટલું મોટું આ જાળું તને દેખાતું નથી ? કપડાંમાં તો આટલી બધી ચીવટ રાખે છે. જરાય ડાઘ રહે કે બૂમાબૂમ ! ને આટલું મોટું જાળું ! તે નથી દેખાતું ?’
વિશાખા હસી લેતી : ‘તું છે ને ! પછી શું ? કર સાફ !’ ને તે ચોપડી લઈ બેસી જતી.
તે રાત્રે તેમણે સુધીરભાઈને કહ્યું : ‘સાંભળો ! વિશાખા હોંશિયાર છે. એના જેવો જ એના વિષયમાં ભણેલો હોય એવો જ ખોળજો. છોકરી ભણે છે તે તો ગમે છે, પણ એનું ઠેકાણું નહીં પડે તો આપણી ઊંઘ હરામ થઈ જશે. વિશુ અંગારા જેવી છે.’
‘હવે અત્યારે એની વાત ક્યાં માંડે છે ? હજી ગ્રેજ્યુએટ થતાં એને બે વરસની વાર છે. ત્યાં સુધીમાં ખોળી કાઢીશું.’ સુધીરભાઈએ કહ્યું.
વીણાબહેન ધીમે રહી બોલ્યાં : ‘બે વરસ જતાં વાર નહીં લાગે.’ સુધીરભાઈએ કદાચ સાંભળ્યું નહીં.

બે વરસ તો પૂરાંય થયાં. વિશાખા આખી યુનિવર્સિટીમાં પ્રથમ આવી. વીણાબહેન અને સુધીરભાઈના આનંદનો પાર ના રહ્યો. વિશાખા ગોલ્ડ મેડલ સાથે ઉત્તીર્ણ થઈ ત્યારે તેનો પગ ધરતી પર રહેતો નહોતો. આખા કુટુંબમાં તે પહેલી છોકરી હતી જે આટલું ભણી હતી, તેણે આગળ ભણવાની વાત કરી. તેનાં સારા પરિણામના નશામાં વાત સ્વીકારાઈ ગઈ. પિતાએ હવે મુરતિયા જોવા માંડ્યા. પણ…. કોઈ તેને યોગ્ય લાગ્યું નહીં. વીણાબહેનની બહેન એક-બે ઠેકાણાં માટે વાત લાવી. વિશાખા તે વખતે હાજર હતી.
‘ઊંહું… મમ્મી, એવા લલ્લુપંજુની વાત જ ના કર મારી પાસે. હું એને ઓળખું છું.’ બસ, આટલું કહી અંદર ગઈ. મા-માસી જોઈ જ રહ્યાં.
‘વીણા, તારી આ કુંવરી બહુ ભણી તેનું આ પરિણામ ! મારી કુસુમ જો ! તારી વિશાખા જેટલી જ છે. આજે એક દીકરાની મા પણ બની ગઈ. પોતાનું ઘર લઈ બેઠી છે. તારી વિશાખા માટે ક્યો નવો કુંવર આવવાનો છે ?’ માસી હજી માંડ બોલી રહ્યાં ત્યાં તો અંદરથી વિશાખા આવી.
‘માસી, મારે કુસુમ જેવી જિંદગી નથી જીવવી. મારે કંઈક કરી બતાવવું છે. પરણ્યાં, એક-બે બાળકો થયાં, સવાર-સાંજ રસોડું કર્યું – બસ, જિંદગી પૂરી. માસી, પ્લીઝ, હવે મારી ચિંતા ના કરશો. હા, મા, તું દક્ષા માટે ખોળવું હોય તો ખોળ ને પરણાવ.’
‘બેટા, તું મોટી છે. તું બાકી રહે ને તારાથી નાના પરણી જાય એ કેમ ચાલે ? પછી તો એવું પણ થાય કે તું રહી જ જાય.’

વિશાખા ખડખડાટ હસી પડી.
‘તોય શું ? નોકરી કરીશ. મારા પગ પર ઊભી રહીશ. ફોઈ જેવું નહીં થાય. તું તારે દક્ષાને નિરાંતે પરણાવ. હા, ને મમ્મી, આજે હું મોડી આવીશ. હું લાઈબ્રેરીમાં જવાનું છે. ને મમ્મી, તને ટાઈમ મળે તો મારો ઓરડો….’ કહી હસતી હસતી તે ગઈ !
વીણાબહેન ચિંતિત નજરે છોકરી સામું જોઈ જ રહ્યાં.
‘વીણા ! કહેવું પડે તારી દીકરીને !’ વિશાખા માસી બોલ્યાં.
‘હા, ભાઈ ! જેવી છે તેવી ! મારી તો છે જ ને ! ચાલ, એના ઓરડામાં. તું બેસજે. હું જરાતરા ઠીક કરી લઉં.’ – બંને જણાં વિશાખાના ઓરડામાં ગયા.
‘અરે ! આ વિશાખાનો રૂમ તો જો ! વીણા ! પેલી બારી પાસે તો જો ! કેટલું મોટું જાળું છે ! વિશાખાય ખરી છે. આવું એને ગમે છે કેમનું ?’
‘હુંય એને ઘણી વાર કહું છું. પણ…. એનું તો એવું ને એવું જ. હું છું ત્યાં સુધી સાફ કરીશ. પછી…. એ જાણે ને એનું કામ ! હુંય શું કરવાની હતી ?’ વીણાબહેન બોલ્યાં ને ઓરડો ઠીકઠાક કર્યો.

વિશાખા એમ.એ.નું કરવા લાગી. પાસ થઈ ને પછી અધ્યાપક થઈ. નાની દક્ષા પરણી ઘનશ્યામભાઈના સુનીતને. બે બાળકોની માતા બની. પોતાનું સરસ મજાનું ઘર લીધું. વિશાખાને એ દિવસ યાદ આવ્યો. દક્ષાના નવા બંગલાનું વાસ્તું હતું. કેવી બનીઠનીને પૂજા કરવા બેઠી હતી. ખુશખુશાલ હતી. મેહુલને નીના પ્રથમ વાર ત્યાં મળેલાં. નીના દેખાવમાં સામાન્ય જ હતી… પણ મહુલને ગમી ગઈ. બેઉ ફરવા માંડ્યા. નીના હજી તો ભણતી હતી. તેથી લગ્નની ઉતાવળ નહોતી.

વીણાબહેન ઘણીવાર વિશાખાને કહેતાં : ‘બેટા, કોઈ નજરમાં નથી આવતો ? પરનાતેય ચાલશે, હોં ! તું જે કહીશ તેની અમારી હા જ ગણજે.’
‘ના મા, હજી તો કોઈ નજરમાં નથી આવ્યો. આવશે ત્યારે પરણી જઈશ. તું ચિંતા ના કર.’ હસતાં હસતાં તે કહેતી. વીણાબહેન ચિંતામાં ઘણી વાર રાતોની રાતો જાગતાં : ‘હું નહીં હોઉં ત્યારે વિશુનું કોણ ? નીનાનો શો ભરોસો ? આજે સારી લાગે છે, કાલ કોણે દીઠી ?’

વિશાખાની બહેનપણીઓ પણ ધીમે ધીમે પરણવા લાગી. એક એક પરણે ને તે ઠેકડી ઉડાવે. તે તો પોતાની મસ્તીમાં જ રહેતી. એ બહેનપણીઓ પણ ક્યારેક મળી જતી. બધાં કેવાં તેની તરફ ઈર્ષ્યાની નજરે જોતાં હતાં !

તે જે ખુરશી પકડીને આ બધા વિચારો કરતી ઊભી હતી તેની સામું જ ડ્રેસિંગ ટેબલ હતું. તેણે અરીસામાં જોયું. સ્મિતાએ થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું : ‘વિશુ ! કહેવું પડે, હોં ! ફિગર તેં સારી જાળવી છે !’ આ સાંભળી પોતે કેવી પોરસાઈ હતી ! તેણે અરીસામાં પોતાની સામું જોયું….
અનેક નાની-મોટી ટેકરીઓ દેખાઈ. દરેક ટેકરી પર નાનાં નાનાં ઘર હતાં. કોઈમાં મીના અગાસીમાં બાંધેલા તાર પર લૂગડાં સૂકવતી હતી. તો કોઈમાં પલ્લવી ઘોડિયામાં સૂતેલા બાળકને હીંચકો નાંખતી હતી. કોઈ રસોડામાં હતી….. કોઈ માંદી સાસુની સેવામાં…. પણ…. દરેકની સાથે તેમનો સાથીદાર હતો. દરેકના ચહેરા પર થાક છતાં આનંદ હતો… જ્યારે દૂર…. એક ઊંચી ટેકરી હતી. તેના પર પોતે ઊભી હતી. અપ-ટુ-ડેટ. પેલી મીના ને પલ્લવી જાણે પોતાના તરફ આંગળી ચીંધી કહી રહ્યાં હતાં : ‘કેવી ભવ્ય લાગે છે વિશાખા ! કેવી મગરૂબીથી આખી દુનિયા પર સત્તા જમાવતી હોય તેમ ઊભી છે ! ને આપણે ?!’

બીજી બાજુ વિશાખાએ જોયું તો કેટલાક હાથ તેના તરફ લંબાયેલા હતા… તેણે ચહેરા-નામ યાદ કર્યાં. એક સુનીલ હતો. એમ.આર. હતો. પોતાનો કેવી રીતે તેની સાથે મેળ ખાય ?…. બીજો હતો તપન, નામ રૂડું, પણ દેખાવ ?….. તે ના પાડતી રહી. હાથ પાછા ખસવા લાગ્યા. પોતે ટેકરી પર ઊંચે ચઢતી રહી… શિખરે પહોંચી..

ક્યારેક સ્મિતા પૂછતી : ‘ક્યારે પરણીશ ? હવે તો માથે પાળિયાંય આવવા માંડ્યાં.’
‘મારા જેવું કોઈ હોય તો હમણાં પરણું. પણ…. છે ક્યાં ?’ તે કહેતી. તેની આસપાસનાં તેની તરફ માનથી જોતાં : ‘વિશાખા કેવી હોંશિયાર છે ! કેવી સુખી છે !’
તેની નજર અરીસાની પાસેની બારી પર પડી. કરોળિયાનું જાળું મોટું થઈ ગયું હતું. તેણે પાછું અરીસામાં જોયું. ‘શું પોતે ખરેખર હોંશિયાર છે ? ખરેખર સુખી છે ?’ તેણે બહેનપણીઓના ઘર તરફ નજર કરી. કોઈએ ભણતર જવા દીધું હતું. કોઈએ વયમાં બાંધછોડ કરી હતી. કોઈએ રૂપ ના જોયું, કોઈએ ધન. છતાં બધાં આજે ઘર-વર-બાળકોવાળાં થઈ ગયાં. ને પોતે ? પોતે બાંધછોડ ના કરી. શું તે સારું કર્યું ?

તે પાછી પથારીમાં પડી.
મેહુલનાં લગ્ન થઈ ગયાં. એ પછી બા-બાપુ જાત્રાએ ગયાં… બસ… ગયાં તે ગયાં. એવો અકસ્માત નડ્યો કે તે ક્યારેય પાછાં ન આવ્યાં.

ઘર હવે નીના સંભાળતી હતી. તેને હતું : દર મહિને પોતે ભાભીને સાડી લાવી આપશે. ભાભી ખુશ રહેશે. ઘરમાં અડધો ખર્ચો ઉપાડશે. ભાઈ ખુશ રહેશે. તે એમ જ માનતી હતી : બધાં તેને અંતરથી ચાહે છે…. પણ…. ના…. તેમ નહોતું. તેને આજે સમજાયું : કોઈ તેનું નથી. હક્કપૂર્વક કોઈને તે પોતાનું કહી શકે તેમ નથી. કે નથી પોતે કોઈની. પાડોશમાં નવા રહેવા આવેલા શર્માના દીકરા પ્રશાંત સાથે પોતાને ગોઠવવા પ્રયત્ન કરેલો. પ્રશાંત માત્ર બી.કોમ હતો, કલાર્ક હતો, પણ….. તેનો લંબાવેલો હાથ તાળી પાડ્યા વગર જ પાછો પડેલો. બધાં માટે તે દૂરની જ હતી, ઊંચી હતી, મહાન હતી…..

પડ્યે પડ્યે તેની આંખ ભરાઈ આવી. ત્યાં ખૂણામાં તેની નજર પડી. આંસુના પડળ વચ્ચે પણ તેણે જોયું. કરોળિયો પોતનામાંથી તાર કાઢી જાળું રચતો હતો. તે એકલો હતો. જાળમાં હતો. તેને કરોળિયો પીસી નાંખવાનું મન થયું. પણ તે કશું ન કરી શકી. કરોળિયો જાળું કર્યે જ જતો હતો… કર્યે જ જતો હતો…

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જગાનાં ભણતરનાં પરાક્રમો – નટવર પંડ્યા
ભાષાની ધા – રમેશ પારેખ Next »   

9 પ્રતિભાવો : કરોળિયો અને વિશાખા – શ્રદ્ધા ત્રિવેદી

  1. ગાંડાભાઈ વલ્લભ says:

    સરસ વાર્તા. એક પુરુષની બાબતમાં ખરેખર બનેલું તે હું જાણું છું.

  2. ભાવના શુક્લ says:

    કડવુ પણ ખરેખર સત્ય!!! અને કદાચ એટલે જ કડવુ. દરેક વિશાખાઓને લાલ બત્તી સમાન. માન્યુ કે ઘર-વર-છોકરા વાળા થઈ જવુ એટલે પત્યુ તેમ નથી. પણ મુળથી આપણો અંતરાત્મા સંયુક્ત સમાજવ્યવસ્થામા જ એક સ્વસ્થ સિક્યોર અનુભુતિ કરી શકે છે. બાકી નાની ઉમરે નાનુ અને મોટી ઉમરે મોટુ કમ્પ્રોમાઈઝ કરવુ પડે તે તો ખરે જ સમજવા જેવુ છે. હુફ વગરના એકાકી જીવનની કલ્પના નરી જંગલીયત ભરેલી બની રહે. તમારી સામે આખો ખોલી જોનારો, સમજનારો સમાજ ના હોય તો ગમે તેટલી સિદ્ધિના પોટલા ગળે વળગાડી સંતોષની ભ્રમણામા થોડો સમય જીવાય પણ અંતમા તો વ્યર્થ જ લાગે અને એજ સમાજવ્યવસ્થાને સકારાત્મક અને સહાયરુપ વલણ ના કેળવો તો એકલતાના જંગલમા ખોવાઈ જાઓ તેનો દોષ ભણતર અને કેળવણીને ના જ લાગે.

  3. Hiral Thaker "Vasantiful" says:

    Realy true. If you compromise once you get something but still can not get satisfation. And satisfation is more important than anything else.

  4. આપણા વડવા અઓ ખુબ જ હોસિયાર હતા એટલે જ આવ સમાજ વ્યવસ્થા બનવેલિ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.