દ્વિદલ – કાકા કાલેલકર

standard nineth[ગુજરાત રાજ્ય ધોરણ-9ના પાઠ્યપુસ્તકમાંથી સાભાર. આ લેખ પાઠ્યપુસ્તકમાંથી લેવામાં આવ્યો હોવાથી સહજ રીતે લેખના અંતે સ્વધ્યાય આપવામાં આવ્યો છે, જેના ઉત્તરો (ગાઈડ લીધા વિના) સ્વપ્રયત્ને લખવા જેવા ખરા !! ]

[1] કાદવનું કાવ્ય :

સવારે પૂર્વ તરફ કંઈ ખાસ મજા ન હતી. રંગની બધી શોભા ઉત્તર તરફ જામી હતી. એ દિશામાં માત્ર લાલ રંગે આજે કમાલ કરી દીધી હતી. પણ એ બહુ જ થોડા વખત માટે. પૂર્વ દિશા જ જ્યાં પૂરેપૂરી રંગાઈ ન હતી ત્યાં ઉત્તર દિશા કરી કરીને કેટલાં નખરાં કરવાની હતી ? જોતજોતામાં ત્યાંનાં વાદળાં ધોળાં પૂણી જેવાં થઈ ગયાં. અને દિવસે હંમેશ મુજબ શરૂઆત કરી.
***

આપણે આકાશનું વર્ણન કરીએ છીએ; પૃથ્વીનું વર્ણન કરીએ છીએ; જલાશયનું વર્ણન કરીએ છીએ; કાદવનું કોઈએ વર્ણન કરેલું જોયું છે ? કાદવમાં પગ નાખવાનું કોઈને ગમતું નથી, કાદવથી શરીર ખરડાઈ જાય છે, કપડાં મેલાં થઈ જાય છે. પોતાના શરીર ઉપર કાદવ ઊડે તે કોઈને ગમતું નથી અને તેથી કાદવ માટે મનમાં પણ કોઈને સહાનુભૂતિ નથી હોતી. આ બધું ખરું છે પણ તટસ્થતાથી વિચાર કરતાં કાદવમાં કંઈ ઓછું સૌંદર્ય નથી હોતું. પહેલું તો એ કે અહીંના લાલ કાદવનો રંગ બહુ સુંદર હોય છે. ચોપડીના પૂંઠા ઉપર, ઘરોની દીવાલો અથવા શરીર ઉપરના કીમતી કપડાં માટે આપણે બધા કાદવના આવા રંગ પસંદ કરીએ છીએ. કલાભિજ્ઞ લોકોને ભઠ્ઠીમાં શેકેલા માટીના વાસણનો પણ તે જ રંગ હોય એ બહુ ગમે છે. ફોટો કાઢતાં જો તેમાં કાદવનો ઠીકરો રંગ આવી જાય તો તેને warm tone કહી તજજ્ઞ લોકો ખુશ ખુશ થઈ જાય છે. કાદવનું નામ લઈએ તો માત્ર બધું બગડી જાય.

નદીકાંઠે કાદવ સુકાઈને તેનાં ચોસલાં પડે છે ત્યારે તે કેટલાં સુંદર દેખાય છે ! વધારે તાપથી તે જ ચોસલાં નંદવાય અને વાંકાં વળી જાય ત્યારે સુકાયેલાં કોપરાં જેવાં દેખાય છે. નદીકાંઠે માઈલો સુધી સપાટ અને લીસો કાદવ પથરાયેલો હોય ત્યારે તે દશ્ય ઓછું સુંદર નથી હોતું. આ કાદવનો પૃષ્ઠભાગ કંઈક સુકાતાં તેના ઉપર બગલા, ગીધ અને બીજાં નાનાંમોટા પક્ષીઓ જ્યારે ચાલે છે ત્યારે તે ત્રણ નખ આગળ અને અંગૂઠો પાછળ એવાં તેમનાં પદચિન્હો મધ્ય એશિયાના રસ્તાની જેમ દૂર દૂર સુધી કાદવ ઉપર પડેલાં જોઈ આ રસ્તે આપણે આપણો કાફલો લઈ જઈએ એમ આપણને થાય છે.

આગળ જતાં કાદવ વધારે સુકાઈ જમીન નક્કર થઈ જાય ત્યારે ગાય, બળદ, પાડા, ભેંસો, મેંઢાં, બકરાં ઈત્યાદિનાં પગલાંની તે ઉપર છાપ પડે છે. તેની શોભા વળી જુદી છે. અને આ પછી જ્યારે બે મદમસ્ત પાડા શિંગડાંથી કાદવ ખૂંદીને એકબીજા સાથે લડે છે ત્યારે નદીકાંઠે પડેલાં પગલાં અને શિંગડાનાં ચિન્હોથી જાણે મહિષ્કુળના ભારતીય યુદ્ધનો ઈતિહાસ જ આ કર્દમલેખમાં લખી રાખ્યો છે એવો ભાસ થાય છે.

કાદવ જોવો હોય તો એક ગંગા નદીને કાંઠે કે સિંધુને કાંઠે. અને તેટલાથી તૃપ્તિ ન થાય તો સીધા ખંભાત જવું. ત્યાં મહી નદીના મુખ આગળ નજર પહોંચે ત્યાં સુધી બધે સનાતન કાદવ જ જોવા મળે. આ કાદવમાં હાથી ડૂબી જાય એમ કહેતાં, ન શોભે એવી અલ્પોક્તિ કરવા જેવું છે. પહાડના પહાડ એમાં લુપ્ત થાય એમ કહેવું જોઈએ. આપણું અન્ન કાદવમાંથી જ પેદા થાય છે. એનું જાગ્રત ભાન જો દરેક માણસને હોત તો તે કાદવનો તિરસ્કાર ન કરત. એક નવાઈની વાત તો જુઓ. પંક શબ્દ ઘૃણાસ્પદ લાગે છે અને પંકજ શબ્દ કાને પડતાં જ કવિઓ ડોલવા અને ગાવા માંડે છે. મલ(ળ) તદ્દન મલિન ગણાય પણ કમલ (ળ) શબ્દ સાંભળતાં વેંત પ્રસન્નતા અને આહલાદકત્વ ચિત્ત આગળ ખડાં થાય છે. કવિઓની આવી યુક્તિશૂન્ય વૃત્તિ તેમની આગળ મૂકીએ તો કહેવાના કે, ‘તમે વાસુદેવની પૂજા કરો છો એટલે કંઈ વસુદેવને પૂજતા નથી; હીરાનું ભારે મૂલ આપો છો પણ કોલસાનું કે પથ્થરનું આપતા નથી; અને મોતીને ગળામાં બાંધીને ફરો છો પણ તેની માતુશ્રીને ગળામાં બાંધતા નથી.’ કવિઓ સાથે ચર્ચા ન કરવી એ જ ઉત્તમ.

[2] ચોમાસુ માણીએ !

વરસાદના દિવસ આવી ગયા ! હવે આકાશના દેવો વાદળોની ચાદર ઓઢીને ચાતુર્માસમાં મોટે ભાગે સૂવાનું જ કામ કરશે. જેમ આપણે કોઈ કોઈ વખત રાતે ઊંઘમાંથી જાગીને તારાઓને જોઈએ છીએ, (જો ખુલ્લામાં સૂતા હોઈએ તો) તેમ એ આકાશના દેવો પણ કોઈ કોઈ વખત રાતે પોતાની ચાદર ખસેડીને, આપણે કેમ છીએ તે જોઈ લે છે. પરંતુ કોઈ પણ પંચાંગ અથવા વાયુશાસ્ત્રી કહી નથી શકતા કે આવું દેવદર્શન આ દિવસોમાં કઈ રાત્રિએ અને ક્યારે થઈ શકે છે.

‘દેવોનું કાવ્ય’ ચાર માસ માટે બંધ થઈ ગયું તેથી કુદરતનું કવિત્વ ઓછું જ બંધ થઈ ગયું છે ! વાદળોને જ લઈએ. મેઘવિદ્યા કંઈ થોડા મહત્વની નથી. એમાં જાણવાની વસ્તુઓ પણ બહુ છે અને કલ્પનાવિહાર માટે પૂરતો અવકાશ છે. આ દિવસોમાં સવારસાંજનાં વાદળોનો કેવો આનંદપુંજ હોય છે ! પ્રકૃતિન દરબારનો વૈભવ વ્યક્ત કરવાનું કામ તો એમનું જ છે. ઉષા અને સંધ્યા બંને પોતાના આનંદમાં મસ્ત રહે છે અને રોજ રોજ નવો નવો વિલાસ બતાવે છે. જે ચિત્રકાર છે એમણે આ રંગોની પ્રતિકૃતિ બનાવી સંઘરવી જોઈએ; જે કવિ છે એમણે વાદળોના વિલાસ પર કવિતાઓ લખીને આપણો શબ્દવિલાસ એમનાથી ઓછો નથી એ સિદ્ધ કરવું જોઈએ; અને જેઓ કેવળ સ્વાનંદ-મગ્ન મૂક રસિક છે તેમણે સવાર અને સાંજ આ દેવીઓનું દર્શન કરીને પોતાના હૃદયને આનંદ-ભોજન આપી પરિ-પુષ્ટ કરવું જોઈએ. મેઘોને જોઈને ઈન્દ્રધનુષ્યનો ઉપાસક એકલો મોર જ શા માટે મસ્ત બને ? હરેક મનુષ્યનો અધિકાર છે કે તે વિના મૂલ્યે મળનાર આ દૈવી આનંદ-સુધા સવારસાંજ પ્રાર્થનાની સાથે હજમ કરે.

વરસાદના દિવસ આવી ગયા છે ! જ્યાં વરસાદ પડે છે ત્યાં ત્યાં માબાપોએ પોતાનાં બાળકોને લઈ જઈને જમીન ક્યાં કેટલી ઊંચી છે, પાણી ક્યાંથી કેવી રીતે વહે છે, પહાડ અને ટેકરા પરથી માટી કેવી વહી જાય છે અને પાણી ઉચ્ચનીચનો ભેદ દૂર કરવાને કેવો પ્રયત્ન કરે છે એ બધું એમને બતાવવું જોઈએ. આ ખેલમાં કેવળ બચપણનો જ આનંદ છે એમ નથી. જો છોકરાં બચપણમાં જ પાણીના વહેણનું અધ્યયન કરશે તો હિંદુસ્તાનને માટે અત્યંત આવશ્યક એવી એક રાષ્ટ્રીય વિદ્યાનો એટલે કે ભગીરથવિદ્યા – નદી નહેરોને કાબૂમાં લાવવાની વિદ્યા – નો તેઓ પ્રારંભ કરશે. હિંદુસ્તાન દેશ જેટલો દેવમાતૃક છે તેટલો જ નદીમાતૃક પણ છે. તેથી જ પર્જન્યવિદ્યા (મીટીઓરોલૉજી) અને ભગીરથવિદ્યા (સાયન્સ ઑફ રીવર ટ્રેવનિંગ) બંને આપણી રાષ્ટ્રીય વિદ્યાઓ છે. જ્યારે સાચી અને સંપૂર્ણ રાષ્ટ્રીય વિદ્યાપીઠોની સ્થાપના થશે ત્યારે મોટા મોટા વરુણાચાર્યો અને ભગીરથાચાર્યો આપણા દેશમાં નિર્માણ થશે અને બીજા દેશોના લોકો હિંદુસ્તાનમાં આવીને અહીંથી ભગીરથવિદ્યા અને પર્જન્યવિદ્યા શીખી જશે.

વરસાદના દિવસો આવી ગયા ! વનસ્પતિસૃષ્ટિની અને કીટસૃષ્ટિની સમૃદ્ધિ આ વખતે જ જોવી જોઈએ. વન્સ્પતિવિદ્યા અને કીટવિદ્યા જો વધારવી હોય તો દેશના નવયુવકોમાં બચપણથી જ આ વાતો પ્રત્યે પ્રેમ સદા કરવો જોઈએ. લાલ મખમલ ઓઢેલા ઈન્દ્રગોપથી માંડીને ‘જાદુઈ ટોર્ચ’ સાથે રાખનાર આગિયા સુધીના બધા કીટોનો આકાર, રંગ, એમનો સ્વભાવ, એમનો આહાર, એમનું કાર્ય – આ બધાનું નિરીક્ષણ કરવું જોઈએ. હિન્દુસ્તાનની વન્સ્પતિઓનું તો પૂછવું જ શું ? શારદા અને અન્નપૂર્ણા, શાકંભરી અને જગધાત્રી બધી દેવીઓનું સ્મરણ કરીને વન્સ્પતિવિદ્યાનો આ દિવસોમાં પ્રારંભ કરવો જોઈએ.

[મૂળ ‘જીવનનો આનંદ’ પુસ્તકમાંથી]

સ્વધ્યાય

[1] નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો.

(ક) ‘કાદવમાં કંઈ ઓછું સૌંદર્ય હોતું નથી’ એમ લેખક શા માટે કહે છે ?
(ખ) લેખકે દર્શાવેલા કાદવના લાભ તમારી ભાષામાં લખો.
(ગ) ચોમાસાના પ્રાકૃતિક સૌંદર્ય વિશેના લેખકના વિચારો તમારી ભાષામાં લખો.
(ઘ) વરસાદના દિવસો વીતી ગયા પછી લેખક શું શું કરવાની સલાહ આપે છે ?

[2] નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો.

(ક) કાદવ માટે કોઈને સહાનુભૂતિ નથી એમ લેખક શા માટે કહે છે ?
(ખ) કાદવ જોવા માટે ક્યાં ક્યાં જવાનું લેખક કહે છે ?
(ગ) લેખકના મતે વરસાદના દિવસોમાં માબાપે શું કરવું જોઈએ ?
(ઘ) પર્જન્યવિદ્યા અને ભગીરથવિદ્યા વિશે લેખક ક્યા વિચારો વ્યક્ત કરે છે ?

[3] નીચેનાં વિધાનો માટે કારણો આપો.

(ક) કાદવની શોભા જોવા ખંભાત જવું જોઈએ.
(ખ) ઈન્દ્રધનુષ્યના સૌંદર્યની ઉપાસનાનો અધિકાર માણસનો પણ છે.
(ગ) લેખક કહે છે હિન્દુસ્તાન દેવમાતૃક અને નદીમાતૃક પણ છે.

[4] નીચેના શબ્દોની જોડણી ધ્યાનમાં રાખો

ઈત્યાદિ, યુક્તિશૂન્ય, ઈન્દ્રધનુષ્ય, નિરીક્ષણ, મહિષ્કુળ, પ્રતિકૃતિ, કાબૂ, અલ્પોક્તિ, પર્જન્યવિદ્યા.

[5] આટલું કરો :

(ક) ‘વર્ષાઋતુ’ વિષય પર નિબંધ લખો.
(ખ) લેખકનો અન્ય નિબંધ ‘મધ્યાહ્નનું કાવ્ય’ વાંચો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મહાત્મા અને માણસ – ધીરજલાલ શાહ
ખીલતાં ફૂલ – તુલસીભાઈ પટેલ Next »   

12 પ્રતિભાવો : દ્વિદલ – કાકા કાલેલકર

  1. Margesh says:

    School na divaso patya pachhi ghana varshe kaka kalelkar no lekh vanchava ni maja avi. kudarat na koi pan vishay par temani lakhavani chhanavat adbhut chhe. temano school time ma vanchelo bijo avoj lekh Tadako pan yaad avi gayo.

  2. ગાંડાભાઈ વલ્લભ says:

    કાકાસાહેબના લેખો ગમ્યા. કાદવ અને વર્ષા જેવા વિષયો પર જે સૂક્ષ્મતાથી વર્ણન કાકા સાહેબ કરે છે તે અદ્ભૂત છે. બાળપણમાં જોયેલા કાદવ અને દેશના વરસાદનું સ્મરણ તાજું થયું. આભાર મૃગેશભાઈ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.