ખીલતાં ફૂલ – તુલસીભાઈ પટેલ

khilta phool[બાળકોના યોગ્ય ઉછેરને ઉદ્દેશીને લખાયેલા પુસ્તક ‘ખીલતાં ફૂલ’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવેલ છે.]

[1] શૈશવ પર તરાપ

કોકિલાબેન ઓસરીમાં બેસીને ચોખા વીણી રહ્યાં હતાં. એમની અઢી-ત્રણ વરસની બેબી આંગણાની ખુલ્લી જગ્યામાં રમી રહી હતી. એવામાં ઘડિયાળમાં ટન…ટન…ટન…. એમ છ ટકોરા પડ્યા. ચોખા વીણવાના હજી બાકી હતા. તેમ છતાં કોકિલાબેને ચોખાની થાળી નીચે મૂકી દીધી. એ ઊભાં થયાં અને ઓસરીના છેડે આવ્યાં. એમણે જોયું કે સ્વીટી પગ પર ભીની માટી ચડાવીને ઘર….ઘર રમી રહી હતી.

કોકિલાબેને બૂમ પાડી : ‘સ્વીટી…. ઓ સ્વીટી…’ સ્વીટી રમવામાં એવી તલ્લીન હતી કે એણે મમ્મીની બૂમ સાંભળી નહીં. એટલે કોકિલાબેન સ્વીટી પાસે આવ્યાં. સ્વીટીને બાવડેથી પકડીને ઊભી કરી; કહેવા લાગ્યાં, ‘ચાલ, હવે છ વાગી ગયા. જો તારા પપ્પાનો આવવાનો ટાઈમ થઈ ગયો. હાથપગ માટીવાળા કર્યા છે, તે તને કંઈ નહીં કહે, પણ મને વઢશે.’

પરંતુ સ્વીટી પોતાની મેળે ચાલી નહીં; એટલે એનો હાથ પકડીને કોકિલાબેન ખેંચવા લાગ્યાં. અઢી વરસની બેબીની શી તાકાત ? એને હજી રમવું હતું, પરંતુ કોકિલાબેન એનો હાથ ખેંચવા લાગ્યાં. સ્વીટી રડવા લાગી, ‘એં…એં…એં…. મમ્મી મને લમવા દે….એં….એં…એં…’ સ્વીટી રડતી રહી અને કોકિલાબેન એને ઘસડીને અંદર લાવ્યાં. મને કોકિલાબેનનું વર્તન આશ્ચર્યજનક લાગ્યું. સ્વીટી માટીમાં ક્યારનીયે રમતી હતી. છ વાગ્યે એકાએક એવું શું થયું કે એમણે ચોખા વીણવાનું પડતું મૂક્યું ને સ્વીટીને બળપૂર્વક ઘરમાં ઘસડી ગયાં ?
‘બિચારીને રમવા દો ને, શા માટે રડાવો છો ?’ સ્વીટી તરફ સહાનુભૂતિ થવાની મેં કહ્યું.
‘ના, હવે નહીં. એના પપ્પાનો બેન્કમાંથી આવવાનો ટાઈમ થઈ ગયો.’ કોકિલાબેને જવાબ આપ્યો, ને સ્વીટીને ઢસડીને બાથરૂમમાં લઈ ગયાં. એના હાથ-પગ ધોવડાવ્યા. એનું માથું ઓળાવ્યું. ને એને નવાં કપડાં પહેરાવ્યાં. સ્વીટીને અપટુડેટ તૈયાર કરીને સોફા પર બેસાડી. હજી એનું રડવાનું થોડું થોડું ચાલું હતું. કોકિલાબેને હોઠ પર આંગળથી નિશાની કરીને સ્વીટીને ચેતવણી આપી; ‘બસ હવે ચૂપ થઈ જા. જો હવે તારા પપ્પા આવતા હશે.’

કોકિલાબેનના વર્તનની મને નવાઈ લાગતી હતી. મારાથી રહેવાયું નહીં. મેં ફરી પૂછ્યું, ‘તમે સ્વીટીને જબરજસ્તી ખેંચી લાવ્યાં, ને ઝટપટ તૈયાર કરી દીધી. આવું શા માટે ?’
કારણ સમજાવતાં એમણે કહ્યું : ‘સ્વીટીના પપ્પાનો બેન્કમાંથી આવવાનો ટાઈમ થયો. સ્વીટી માટીમાં રમે એ એમને બિલકુલ પસંદ નથી. સ્વીટીના હાથ-પગ માટીવાળા હોય, કપડાં મેલા હોય, વાળ અસ્તવ્યસ્ત હોય તો તે અકળાઈ જાય છે. સ્વીટીને તો કંઈ ન કહે પણ મને ઠપકો આપે છે. કહે કે આપણી સ્વીટી બિલકુલ સ્વચ્છ હોવી જોઈએ. એ માટીમાં રમે તો મેલી થાય. રોગનાં જંતુ લાગે ને માંદી પડે.
‘એમ ? આરોગ્ય વિશે આટલી બધી કાળજી ?’ મારાથી સહજ ઉદ્દગાર નીકળી ગયો.
કોકિલાબેને આગળ સમજાવ્યું : ‘અરે ! એટલી જ વાત નથી. સ્વીટીને ફોલ્લી થાય કે છીંક આવે તો પણ ચિંતા કરવા લાગે. તરત જ દવાખાને લઈ જાય. ડૉક્ટરને કહે કે ભારેમાં ભારે દવા આપો, પણ મારી સ્વીટી જલદી સાજી થવી જોઈએ. એમની હાજરીમાં સ્વીટી આઘીપાછી થઈ શકે નહીં. પથ્થરના પૂતળાની માફક એને ચૂપચાપ બેસી રહેવું પડે. જો ઉછળકૂદ કરવા લાગી તો એમને દુ:ખ થાય. એમને લાગે કે સ્વીટી અવિનયી થવા લાગી છે.’

‘ઓહો ! એમ વાત છે ? પણ તમને આ બધું પસંદ છે ? તમે એમને કશું કહેતા નથી ?’
‘આવડી કુમળી કળી જેવી સ્વીટી પર આટલા બધા બંધન મને જરા યે પસંદ નથી. હું તો ઘણું યે કહું કે એને છૂટથી થોડું હરવાફરવા દો. પણ મારી વાત માને તો ને ? કહે છે કે તને કંઈ ગમ ન પડે. બાળકને નાનપણથી જ સ્વચ્છતા અને વિનયવિવેકના સંસ્કાર આપવા જોઈએ. પોતે વધારે ભણેલા છે. એટલે આપણી વાત શાના માને ?

એટલામાં જ સ્વીટીના પપ્પા મહેશભાઈ આવ્યા. હાથ-મોં ધોઈ બેઠક ખંડમાં આવ્યા. પછી ધીરે રહીને મેં બાળઉછેરનો મુદ્દો ઉપસ્થિત કર્યો. મેં કહ્યું : ‘બાળક પર વધુ પડતાં બંધન સારાં નહીં. એને મુક્ત રીતે વિહરવા દેવું જોઈએ. એનાં કામ એને જાતે કરવા દેવાં જોઈએ. બધું આપણે કરી દઈએ તો બાળક પરાવલંબી બને છે, એનામાં આત્મવિશ્વાસ પેદા થતો નથી. એના આરોગ્યની કાળજી જરૂર રાખીએ, પણ વધુ પડતી ચિંતા ન કરીએ. વધુ પડતી દવાઓ લેવાથી એની રોગ પ્રતિકાર શક્તિ નબળી પડે છે. આગળ જતાં દવાઓનું વ્યસન પડે છે. બાળક પર બંધનો લાદવાથી એનો કુદરતી વિકાસ રુંધાય છે. વિનયવિવેકના નામે આપણે એને યંત્રમાનવ બનાવી દઈએ છીએ, તે બરાબર નથી. બાળકને સહજ રીતે વિકસવા દેવું જોઈએ. એની વિકાસ પ્રક્રિયામાં આપણે હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. કવિવર રવીન્દ્રનાથ ટાગોર પણ કહેતા હતા કે બાળકને માટીમાં રમવું છે, કૂદવું છે, નાચવું છે, એના પર અણગમતાં બંધનો લાદવાનું બંધ કરો, અને એને મુક્તપણે વિહરવા દો.’ આટલું કહીને મેં મહેશભાઈના ચહેરા પરનો પ્રત્યાઘાત વાંચવા પ્રયત્ન કર્યો, ને છેલ્લે ઉમેર્યું : ‘શૈશવનો આનંદ બહુ મૂલ્યવાન ચીજ છે. શૈશવના આનંદ પર તરાપ મારવાનો મા-બાપને કોઈ અધિકાર નથી.’

મહેશભાઈના મનમાં દીવો થયો હોય એવું લાગ્યું. એમણે કહ્યું : ‘તમે તો મારો મોટો વહેમ દૂર કર્યો. હવેથી સ્વીટી પર જોરજુલમ કરીશ નહીં. એને સ્વતંત્ર રીતે ક્રિયાકલાપ કરવા દઈશ. એના પર બંધનો લાદીશ નહીં.’ મહેશભાઈને ત્યાંથી મેં વિદાય લીધી. આખે રસ્તે મારું મન પ્રસન્નતાનો પમરાટ અનુભવી રહ્યું હતું. મંી એક કોમળ પુષ્પને કૃત્રિમ બંધનોથી મુક્ત કર્યું હતું.

[2] રૂપાળો શાપ

‘મુન્ના… ઓ મુન્ના!….’ રસોડામાંથી રમાબેને મુન્નાને બૂમ પાડી, ડ્રોઈંગ રૂમના સોફા પર ઊંધો પડીને મુન્નો ટી.વી. સામે એક નજરે જોઈ રહ્યો હતો. ટી.વી. પરનો ક્રાર્યક્રમ જોવામાં એ એટલો બધો તલ્લીન થઈ ગયો હતો કે રમાબેનની બૂમ એના કાન સુધી પહોંચી નહીં. મુન્ના તરફથી કશો જવાબ આવ્યો નહીં એટલે રમાબેને ફરીથી ઊંચા અવાજે બૂમ પાડી : ‘મુન્ના… મુન્ના… ઓ મુનિયા… શું કરે છે ? સાંભળે છે કે નહીં ?’

મમ્મીનો ઊંચો અવાજ મુન્નાએ સાંભળ્યો ખરો, પણ એણે એના તરફ લક્ષ્ય આપ્યું નહીં. અવાજની દિશામાં એનું મોં ક્ષણવાર ખેંચાયું; પણ એણે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું, ને ટી.વી. ના પરદા પર એની આંખો ચોંટી ગઈ. હવે રમાબેનને કંટાળો આવ્યો. અંતે થાકીને એ રસોડાની બહાર નીકળ્યાં. ડ્રોઈંગ રૂમમાં આવ્યાં. જોયું તો મુન્નો અવળો સૂઈને ટી.વી. સામે એકી નજરે જોઈ રહ્યો હતો.

ટી.વી. પર મારામારીનું દશ્ય ચાલી રહ્યું હતું. દુબળાપાતળા હીરોને દશબાર હટ્ટાકટ્ટા ગુંડાઓએ ચારે બાજુથી આંતર્યો હતો. એક-બે વાર તો ગુંડાઓએ હીરોને પછાડ્યો. ભોંયભેગો કર્યો…. પણ એમ કરતાં હીરોના હોઠના ખૂણામાંથી લોહી નીકળ્યું. હીરોએ હોઠ પર આંગળી ફેરવી. આંગળી પરનું લોહી એણે જોયું. ને એકાએક એને ખુન્નસ ચડ્યું. એનામાં અદ્દભુત શક્તિ આવી ગઈ. દશબાર હથિયારધારી ગુંડાઓને એ એકલે હાથે ધૂળ ચાટતા કરવા લાગ્યો. આ દશ્ય જોઈને મુન્નો પણ તાનમાં આવી ગયો. ‘દે…દે… એક ઓર દે….’ ઉત્સાહમાં આવીને મુન્નો પણ હીરોના જેવી જ એકશન કરવા લાગ્યો. જાણે પોતે જ હીરો હોય એમ ઠૂંસા મારવા લાગ્યો… ઓશીકા ઉપર !

રમાબેન બરાડી ઊઠ્યાં, ‘મુનિયા તને કંઈ ભાન છે કે નહીં ? ક્યારની બૂમો પાડું છું. સાંભળે છે જરા યે ? આવતી કાલે પરીક્ષા છે, પણ હાથમાં ચોપડી પકડતો નથી. ઓશીકા પર ઠૂંસા માર્યા કરે છે, તે ઓશીકું તોડી નાખ્યું.’ ને મુન્નાનો હાથ પકડીને રમાબેન એને ઊભો કરવા ગયાં.
પણ મુન્નાએ ઝાટકો મારીને મમ્મીનો હાથ છોડાવી દીધો. છણકો કરતાં બોલ્યો : ‘ક્યારની બૂમો શા માટે પાડ્યા કરે છે ? કેવી સરસ ફાઈટિંગ જામી હતી ! મારો બધો મૂડ બગાડી નાખ્યો તેં. નથી વાંચવું જા. પીકચર જોવા દે. વચમાં ડબડબ કર્યા વિના તું તારું કામ કર.’ ને ફરી પાછો મુન્નો ધડાધડીનાં દશ્યો જોવામાં તલ્લીન થઈ ગયો. રમાબેન બિચારાં ખસિયાણાં પડી ગયાં. લમણે હાથ દઈને ખૂણામાં બેસી પડ્યાં.

ટી.વી.ની પધરામણી હવે ઘેર ઘેર થઈ છે. ઘરમાં ટી.વી. ન હોય એ આજે હીણપતની બાબત ગણાવા લાગી છે. અલબત્ત ટી.વી. એ વિજ્ઞાનનો એક અદ્દભુત આવિષ્કાર છે, એના લાભ અપરંપાર છે. ટી.વી. એ આખી દુનિયાને આપણા ડ્રોઈંગ રૂમમાં હાજર કરી દીધી છે ! આજે ટી.વી. સૌથી વધુ અસરકારક સમૂહ માધ્યમ છે. ટી.વી. પરથી શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત થાય છે. હેતુલક્ષી રૂપકો ટી.વી. પર બતાવવામાં આવે છે. આપણી સમજ અને સંસ્કાર વધે એવા કાર્યક્રમો અવાર-નવાર ટી.વી. પર રજૂ થતા રહે છે. પ્રવર્તમાન સમસ્યાઓ વિશે બૌદ્ધિક ચર્ચાઓ ટી.વી. પરથી પ્રસારિત થાય છે…. પણ એનો લાભ કેટલા કિશોરો લે છે ?

સીક્કાને બે બાજુ હોય છે. ટી.વી.ની પણ બીજી બાજુ છે. બાળકો, કિશોરો, યુવાનો વધુમાં વધુ કયા કાર્યક્રમો જુએ છે ? છીછરી સીરીયલો અને હલકાં પીક્ચરો જોવા માટે ટી.વી.ના પડદા સામે તેઓ આંખો ફાડીને મોડી રાત સુધી બેસી રહે છે. આજે બાળકોને ટી.વી. કલાકારોનાં અસંખ્ય નામ મોંઢે છે, પણ પાઠ્યપુસ્તકમાં આવતા કવિ કે લેખકનાં બે-ચાર નામ એમને યાદ નથી ! સસ્તાં પ્રેમગીતો એમને આખેઆખાં કંઠસ્થ છે, પણ ઉમાશંકર કે સુંદરમના ગીતોની બે-ચાર લીટી એમને યાદ રહેતી નથી ! હિંસા અને જાતીય ઉત્તેજનાનાં દશ્યો જોઈને કાચી વયનાં બાળકો એનું અનુકરણ કરવા લલચાય છે. કુમળી વયના કિશોરો ન જોવાનું જોતા રહે છે. અભ્યાસ માટેનો કિંમતી સમય હલકટ દશ્યો જોવામાં બરબાર થતો રહે છે. સંસ્કાર-ઘડતરનીવય વખતે જ એમના ઉપર અસંસ્કારનો મારો થતો રહે છે. એમને અભ્યાસમાં રસ પડતો નથી. ચોપડીમાં એમનું ચિત્ત ચોંટતું નથી…. આ સ્થિતિ ક્યાં લઈ જશે આપણને ?

વિચારશીલ વાલીઓ માટે દૂરદર્શનનું દર્શન માથાના દુ:ખાવારૂપ થઈ પડ્યું છે ! કોઈએ સાચું કહ્યું છે કે જો તમે ઈચ્છતા હો કે તમારા બાળકનો અભ્યાસ બગડે નહીં, તો તમે રેડિયો-ટી.વી.ના વાયર ખેંચી કાઢો. ટી.વી.નો ઉપયોગ વિવેકપૂર્વક થાય તો એ જરૂર આશીર્વાદરૂપ છે. બાકી અત્યારે તો એ રૂપાળો શાપ બની ગયેલ છે.

[કુલ પાન : 238. કિંમત રૂ. 135. પ્રકાશક : દર્શિતા પ્રકાશન. એફ-6 પ્રથમ માળે, શ્રદ્ધા કોમ્પલેક્ષ, નગરપાલિકા સામે. મહેસાણા-384001. ફોન : (02762) 258548.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દ્વિદલ – કાકા કાલેલકર
બે ઘડી રોકાવ, ચા પીએ જરા ! – પંકજ ત્રિવેદી Next »   

12 પ્રતિભાવો : ખીલતાં ફૂલ – તુલસીભાઈ પટેલ

  1. ajita shah says:

    તમારી એક પછી એક વાર્તા વાચતી ગઈ અને સમય ક્યા પસાર થઈ ગયો તે ખબર ના પડી. બહુજ સરસ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.