- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

માનવી થાઉં તોય ઘણું – મૃગેશ શાહ

લિફટનો દરવાજો બંધ કરીને પરેશે ‘4’ નંબરનું બટન દબાવ્યું. થોડી ક્ષણોમાં લિફ્ટ ચોથા માળે આવી ઊભી રહી. 402 નંબરના દરવાજે ‘નયન સેવાલિયા’ નામની નેઈમ પ્લેટ વાંચીને ડોરબેલની સ્વીચ પર તેણે આંગળી મૂકી. અંદરથી દરવાજાનું લૉક ખૂલવાનો અવાજ આવ્યો અને એક હળવા ધક્કા સાથે દરવાજો ખૂલ્યો.
‘કેમ છો ભાભી ?’
‘અરે પરેશભાઈ…. આવો… આવો. ઘણા દિવસે કંઈક આ બાજુ ?’
‘હા. આ તરફ થોડું કામ હતું અને અહીંથી પસાર થતો હતો તો થયું કે લાવ મળવો જાઉં.’
‘ઘણું સારું કર્યું.’
‘નયન ક્યાં છે ?’
‘એ સામેના સ્ટોરમાં થોડું કરિયાણું લેવા ગયા છે, હમણાં આવતાં હશે. તમે બેસો હું ચા મૂકું.’
‘ના… ના.. ભાભી તમે તકલીફ ના લેશો. હું ઘરેથી ચા-નાસ્તો કરીને જ નીકળ્યો છું.’
‘એમાં વળી તકલીફ શાની ? આમ પણ તમે ઘણા દિવસે આવ્યા છો. ચા વગર તો આજે નહીં જવાય’ કહીને નેહા રસોડા તરફ ચાલી ગઈ.

પરેશે ઘરમાં ચોતરફ નજર દોડાવી. સામાન્ય મધ્યમવર્ગીય પરીવારના ઘરને ગૃહિણીએ કુશળતાથી સજાવ્યું હતું. સામેના ખૂણામાં ટ્રોલી પર ટી.વી.ને ઢાંકતો પડદો કલાત્મક ભરતગૂંથણથી ગૂંથાયેલો હતો. તેની પર ઊંચા ઊંચા પર્વતોની હારમાળા પાસે ઊભા રહીને નાનકડા બિટ્ટુ સાથેની નયન અને નેહાની તસ્વીર શોભી રહી હતી. બાજુમાં બિટ્ટુએ સ્કૂલમાંથી બનાવેલ થર્મોકોલનું ઘર અને ક્રિકેટના કેટલાક સાધનો પડ્યા હતા. બીજા એક ખૂણામાં અનાજની કોઠીઓ પર ગાદલાં ગોઠવાયેલા હતા. એક સાંકડો પેસેજ રસોડા તરફ જતો હતો અને બીજી તરફ મોટા કદની બારી પર ખસની ટટ્ટી વાળીને લગાવેલી હતી. પોતે બેઠો હતો એ નાનકડી શેટ્ટી અને સામેની બે ખુરશીઓ વચ્ચે લાકડાની ટિપોઈ પર અખબાર પડ્યું હતું. પરેશે અખબાર હાથમાં લઈને મુખ્ય સમાચારો પર નજર દોડાવી.

‘અરે પરેશ ? ક્યારે આવ્યો ? શું વાત છે આજે આ તરફ ?’ નયને ઘરમાં પગ મૂકતાં ચંપલ એક ખૂણમાં કાઢીને પ્રસન્નતાથી આવકારતાં કહ્યું.
‘યસ…. કેમ છે તું ? ઘણા વખતથી તમને લોકોને મળવાની ઈચ્છા હતી એટલે થયું કે ચાલો આજે આ તરફ નીકળ્યો છું તો મળતો જાઉં.’
‘એ સારું કર્યું. આ જમણાં હાથે ફ્રેક્ચર થયું છે ત્યારથી વાહન લઈને ક્યાંય નીકળાયું નથી.’
‘ફેક્ચર ? શું કરતાં થયું ?’ પરેશે નયનના પાટા બાંધેલ હાથ તરફ નજર કરીને ઉત્સુકતાથી પૂછ્યું.
‘કંઈ નહીં યાર, સ્કૂટર જરા સ્લીપ થઈ ગયું હતું એટલે એક તરફ પડતાં હાથ પર વજન આવી ગયું, એમાં વળી ફેક્ચર થઈ ગયું. ક્રેક વધારે છે એટલે હાથ સામાન્ય થવામાં થોડા દિવસ વધારે જાય એવું છે. દુકાળમાં અધિકમાસ જેવું !’ બોલતાં નયનના મોં પર થોડી અસ્વસ્થતા દેખાતી હતી.
‘ઓહ ! તો ફેક્ટરી કેવી રીતે જાય છે ?’
‘ફેક્ટરી ? એ તો છ મહિનાથી બંધ થઈ ગઈ, બૉસ. તેમની ખોટ એટલી મોટી થતી જતી હતી કે ઉત્પાદન ચાલુ રાખવું શક્ય જ નહોતું, તો પછી કર્મચારીઓના પગાર ક્યાંથી પરવડે ?’
‘અરે બાપ રે. તો પછી આ મોંઘવારીમાં ઘર કેમ ચાલે ?’ પરેશે નયનની વ્યથા જાણીને લાગણીથી પૂછ્યું.

‘હમણાં મને પાસેના એક ખાનગી ‘પ્લે સેન્ટર’ માં જૉબ મળી છે. શરૂઆત છે તેથી પગાર સામાન્ય છે પરંતુ ઘરનું ગાડું ગબડે એટલું થઈ રહે છે.’ નેહાએ ટિપોઈ પર ચાની ટ્રે મૂકતા કહ્યું.
‘હંમ્મ્મ… મોંઘવારી એટલી છે કે બે જણ કમાય તો પણ ઘરનું પૂરું ન થાય. બાય ધ વે, બિટ્ટુ શેમાં આવ્યો ?’
‘એ નવમા ધોરણમાં. એના ભણવાના પણ એટલા જ ખરચા. સામાન્ય શાળામાં મૂક્યો છે તો પણ અડધી કમાણી તો એને ભણાવવામાં જતી રહે.’ નયને પરેશ સામે જોઈ કહ્યું.
‘બાકી અમારો બિટ્ટુ છે હોંશિયાર હોં… કાયમ એક થી દશમાં નંબર લાવે અને બરાબર મહેનત કરે. ભણવા માટે અમારે એને કંઈ કહેવું ન પડે, પોતાની જાતે જ હૉમવર્ક કરવા બેસી જાય. હોમવર્ક બાકી હોય તો રાત્રે મોડે સુધી જાગે પણ પતાવ્યા વગર ના સુએ. હમણાં એની શાળામાં કોમ્પ્યુટરના કોઈ નિષ્ણાત આવ્યા હતા અને તેમણે બધા વિદ્યાર્થીઓનો એક ટેસ્ટ લીધો હતો, જેમાં બિટ્ટુના 50માંથી 42 માર્ક આવ્યા. આપણે તો એટલું ભણેલા નહીં એટલે કોમ્પ્યુટર વગેરેમાં બહુ ખબર ના પડે પણ તે લોકોએ તેને એક સર્ટિફિકેટ પણ આપ્યું છે. ઊભા રહો પરેશભાઈ તમને બતાવું….’ કહીને નેહાએ ઉત્સાહમાં તિજોરીમાંથી બિટ્ટુનું સર્ટિફિકેટ લાવીને પરેશના હાથમાં મૂક્યું.

સરસ કલાત્મક બોર્ડરવાળી ડિઝાઈન સાથે સર્ટિફિકેટ લેમિનેટ કરેલું હતું. વચ્ચે મોટા અક્ષરે તે સંસ્થાનું નામ ‘ત્રિશા કોમ્પ્યુટર સેન્ટર’ લખેલું હતું અને તે પછીના ફકરામાં This is to certify that…… લખીને સરસ મજાના અક્ષરે બિટ્ટુનું નામ અને તેના માર્ક્સ લખેલા હતા. પરેશે આખા સર્ટિફિકેટ પર ઝીણવટપૂર્વક નજર ફેરવી અને નયનના હાથમાં પાછું મૂક્યું.
‘બહુ સરસ કહેવાય. બિટ્ટુ ખરેખર હોંશિયાર છે. તમે એને આગળ ખૂબ ભણાવજો…’
‘હા. એને માટે તો આ બધી મહેનત કરીએ છીએ. હવે આ કૉમ્પ્યુટરવાળી સંસ્થાએ આવા હોંશિયાર વિદ્યાર્થીઓને વિશેષ તાલીમ આપવા માટે એક મહિનાના કોર્સની ખાસ વ્યવસ્થા કરી છે. આવતા અઠવાડિયાથી તે વર્ગો શરૂ થાય છે એટલે બિટ્ટુને અમારે એમાં મૂકવો છે. હમણાં ગઈકાલે એની ફી એ કોચિંગ ક્લાસમાં ભરી આવ્યો….’ બિટ્ટુની ઉજ્જવળ કારકિર્દીની વાત કરતાં નયનની આંખમાં એક વિશેષ ચમક દેખાતી હતી.
‘પણ એની ફી તો ઘણી વધારે હશે ને ?’ પરેશથી સહજરીતે જ પૂછાઈ ગયું.
‘હા પરેશભાઈ, એ તો હોય જ ને…’ નેહાએ પણ નયન જેટલા જ ઉત્સાહથી ગર્વ લેતાં કહ્યું ને ઊમેર્યું, ‘બે હજાર રૂપિયા મહિનાની ફી છે. આમ જોવા જઈએ તો મારી એકલીની આવક પર એ ફી ભરવાનું શક્ય નહોતું અને હજી નયનને પાટો છૂટતાં પંદર-વીસ દિવસ તો નીકળી જશે. એ પછી જ તેઓ કોઈ નવી જોબ શોધી શકે, પણ એના લીધે કંઈ બિટ્ટુનું ભણતર થોડું બગાડાય ? એને તો એના ક્લાસની ફી યોગ્ય સમયે આપવી જ પડે ને ? માટે હમણાંથી મેં પાસેના થોડાક ઘરોમાં નાસ્તા બનાવવા જવાનું શરૂ કર્યું છે. આમ પણ ‘પ્લે-સેન્ટર’ માંથી હું ચાર વાગ્યે તો છૂટી જાઉં. પછી ઘરે બેસીને શું કરું ? એના કરતાં બે-ચાર કામ કરું તો બિટ્ટુનો ભણવાનો એટલો ખર્ચ નીકળી રહે. અમારી પાસેના એપાર્ટમેન્ટમાં એવા ઘણા લોકો રહે છે જેમને નાસ્તા વગેરે બનાવનારની જરૂર હોય. રોજ બે જગ્યાએ જવાનું અને ઑર્ડર મળે એ મુજબ સેવ, પાપડી, સક્કરપારા, પૂરીઓ વગેરે બનાવી આપવાનું. એક બાજુ કામનું કામ અને પૈસાના પૈસા.’

‘હા પરેશ, હમણાં તો નેહાની મહેનતથી જ ઘર ચાલે છે. બાકી આજની મોંઘવારીમાં ઘર ચલાવવું એ કંઈ સહેલી વાત છે ?’ નયન બોલ્યો.
‘સાચી વાત છે નયન’ પરેશે ચાનો કપ ટ્રેમાં પાછો મૂકતાં કહ્યું, ‘તમે પરિસ્થિતિ સમજીને ચાલો છો એ ઘણું છે, પણ ચિંતા ના કરશો. આ દિવસો પણ જતા રહેશે. થોડા સમયમાં નયનને સારું થઈ જશે પછી કશો વાંધો નહિ આવે….’
‘હા એ તો છે.’
પરેશે ઘડિયાળ તરફ નજર કરીને કહ્યું : ‘તો ચાલો હવે મારે નીકળવું પડશે. હજુ બીજા એક-બે કામો પતાવવાના બાકી છે. ફરી કોઈ વાર શાંતિથી મળવા આવીશ.’ કહી પરેશ નયન સાથે હાથ મિલાવી લિફટના દરવાજા પાસે આવીને ઊભો. કંઈક યાદ આવતાં, નયનના ખભે હાથ મૂકીને બોલ્યો : ‘તને સારું થઈ જાય એટલે મારી ઑફિસ પર એકવાર આંટો મારજે. હું કંઈક જોબ માટે ગોઠવવા પ્રયત્ન કરીશ.’
‘ચોક્કસ દોસ્ત. થેંક્સ.’ કહીને નયન અને નેહાએ પરેશને લિફ્ટ નીચે જતા સુધી ‘આવજો’ કર્યું.

રસ્તા પર ચાલતા ચાલતા પરેશના મગજમાં એ જ વિચાર ઘુમી રહ્યા હતા કે મધ્યમવર્ગને પોતાના ઘરખર્ચ કાઢવામાં કેટલી બધી આર્થિક મૂશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એમાં પણ છોકરાઓના અભ્યાસનો ખર્ચ તો નબળી સ્થિતિ ધરાવતા વાલીઓને ક્યારેક અસ્વસ્થ કરી મૂકે છે. આવા સંજોગોમાં સામાન્ય માણસ કરે તો પણ શું કરે ? એને તો પરિસ્થિતિ સામે ઝઝૂમ્યે જ છૂટકો….

બસસ્ટૉપ પર લેખેલા નંબરોમાં 52 નંબરની બસ ક્યા રૂટ પર ક્યાંથી ક્યાં જશે તે ચકાસીને પરેશ બસ-સ્ટૉપ પાસે ઊભો રહ્યો. એટલામાં તેના ખભા પર કોઈકે હાથ મૂકીને જોરથી ખભો હલાવ્યો…
‘અલ્યા પરેશિયા….. તું અહીં ક્યાંથી ?’
અચાનક એક પરિચિત અવાજ સાંભળીને પરેશે પાછળ જોયું તો તેનો કૉલેજનો મિત્ર વિશાલ ઊભો હતો. પરેશના મોં પર આનંદની એક લહેર છવાઈ ગઈ….
‘ઓહોહો…. વિશાલ…. શું વાત છે…. આજે કંઈ તમારા દર્શન થયા ને…..’
‘આપણે તો બધાને દર્શન આપવા તૈયાર જ છીએ પણ તમારા જેવા ભક્તો જ ગાયબ થઈ જાય તો શું કરીએ ?’
‘અરે વાહ તું તો બહુ હોંશિયાર થઈ ગયોને કંઈ ?’ પરેશે હસતાં હસતાં વિશાલને ખભે હાથ મૂકીને કહ્યું. ‘ચાલ સામેના કૉફી શૉપમાં બેસીએ.’ વિશાલે પરેશનો હાથ પકડ્યો.
‘ના… યાર… મારે આ ડોક્યુમેન્ટ્સ મોકલવાના છે અને મોડું થઈ જશે.’
‘પાંચ મિનિટ આમ કે તેમ. આ રૂટ પર તને ઘણી બસો મળશે. કંઈ વધારે મોડું નહીં થાય… ચાલ….’
વિશાલે ભારપૂર્વક કહેતાં પરેશ નાછૂટકે તેની સાથે જોડાયો.

બંને જણ કૉફી પીતાં-પીતાં વાતોએ વળગ્યા.
‘તું શું કરે છે હમણાં ?’ વિશાલે પૂછ્યું.
‘એક શેર બ્રોકરની કંપનીમાં એકાઉન્ટનો વિભાગ સંભાળું છું.’
‘અરે વાહ, તારે તો જલસા છે હોં !’
‘જલસા શેના વળી ? આખો દિવસ ક્યાં જતો રહે છે એની ખબર નથી પડતી. ઘણી વાર ડોક્યુમેન્ટસમાં સહી-સિક્કા કરાવવા જવાનું હોય તો એ કામ પણ મારે સંભાળવું પડે. ઑફિસના અને બહારના બેઉ કામ બૉસ આપણા માથે નાખી દે. બધી જવાબદારી જાણે આપણી ! આજે એવા જ કામે સવારથી નીકળ્યો છું. આ બસ સ્ટેન્ડે આવીને ઊભો એટલામાં તું મળી ગયો…. તારે શું ચાલે છે આજકાલ ?’
‘બસ… આપણે તો જલસા, વિશાલે કૉફીની એક ચૂસ્કી લેતાં આરામથી કહ્યું, ‘જો કે શરૂઆતમાં અનેક ધંધા બદલ્યા. પહેલા એક વર્ષ હૉલસેલ ઈલેક્ટ્રીક ગુડ્ઝ સપ્લાયનું કર્યું, પણ એમાં કંઈ બરકત ના આવી. એ પછી છ એક મહિના ટ્રાવેલિંગ એજન્ટનું કર્યું પણ એમાં તો શું મળે ? તું તો મારો સ્વભાવ જાણે છે દોસ્ત, જે કંઈ કામ કરું એમાં ‘ફાસ્ટ મની’ જોઈએ. એમ ધીમે ધીમે થોડો ઘણો નફો થાય એથી શું વળે ? મારવો તો હાથી મારવો, સસલાને મારીને શું કરવાનું ? આપણે તો એકનંબર કે બેનંબર – જેવો પૈસો આવે એવો ચાલે પણ શરત એટલી કે પૈસા ફટાફટ મળવા જોઈએ. ટ્રાવેલિંગના ધંધામાં સૌથી મોટી તકલીફ એ હતી કે તે અમુક સિઝનમાં જ ચાલે. બાકીના સમયે ઑફિસમાં બેસી ખાલી ગપ્પા હાંકવા પડે. એ આપણને કેમ પરવડે ?
‘બરાબર છે. જો કે નીતિની કમાણી કરતાં થોડી વાર લાગે પણ સાચો સંતોષ એમાં જ મળે એમ મને લાગે છે…. એની…વે…. પણ પછી તેં શું કર્યું ?’
‘એ પછી મેં કૉમ્પ્યુટર સેન્ટર ચાલુ કર્યું.’ વિશાલ બોલ્યો.
‘એ સારું કર્યું. અત્યારે એની બહુ ડિમાન્ડ છે. વિદ્યાર્થીઓ પણ આસાનીથી મળી રહે.’
‘શું ખાખ ડિમાન્ડ છે ? બધા ધંધામાં કોમ્પિટિશન છે. ગલીએ ગલીએ કેટલાય ક્લાસો ફૂટી નીકળ્યા છે. સંઘર્ષ બધા ક્ષેત્રમાં એકસરખો છે. અક્કલના વાપરીએ તો પૈસા ના કમાઈ શકાય.’
‘એમ ? કોમ્પ્યુટરના ક્ષેત્રમાં પણ એવું છે ? પરેશે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, ‘તો પછી તને એટલા વિદ્યાર્થીઓ મળી રહે છે ?’
‘શરૂઆતમાં તો બહુ તકલીફ પડતી. મહિને માંડ પાંચ વિદ્યાર્થીઓ મળતા. એટલામાં તો ઑફિસનું લાઈટબીલ પણ ના નીકળે. પણ પછી મેં એક યુક્તિ વાપરી…’
‘એમ ? શું કર્યું ?’ પરેશે ઉત્સુકતાથી વિશાલ સામે જોયું.
‘યાર, આ વિસ્તારમાં એક સામાન્ય સ્કૂલ છે. એના ટ્રસ્ટીને મારો એક મિત્ર ઓળખતો હતો. તેની સાથે બે-ત્રણ મિટિંગો કરીને 20% માં તોડ પાડ્યો.’ વિશાલે ગર્વથી પોતાની બિઝનેસ ડિલ પરેશને કહી.
‘20% એટલે ? હું સમજ્યો નહીં.’ પરેશ અસમંજસતાથી વિશાલ સામે જોઈ રહ્યો.

‘જો તને સમજાવું.’ કહી વિશાલ બોલ્યો, ‘અમે લોકો અમુક સમયે એ સ્કૂલમાં ફ્રી કોમ્પ્યુટર ટેસ્ટ ગોઠવીએ. એમાં બાળકોને એક પેપર આપવાનું. થોડા સહેલા સવાલો બનાવીને આમ તેમ ગોઠવી દેવાના. મોટા ભાગના બાળકોને એમાં પાસ કરી દેવાના અને સારા માર્કસ આપવાના. એ લોકોને એ ટેસ્ટમાં ભાગ લેવા બદલ એક સરસ મજાનું સર્ટિફિકેટ લેમિનેટ કરાવીને આપવાનું. કલર પ્રિન્ટર ઉપર સર્ટિફિકેટ છાપતાં વાર કેટલી ? છોકરાંઓ ખુશ થઈ જાય અને ઘરે જઈને પોતાના મા-બાપને બતાવે. એ સાથે એમના હાથમાં એક ઑફર મૂકવાની અને એમના માતા-પિતાને લખવાનું કે તમારું બાળક ખૂબ જ હોંશિયાર છે માટે તેને કોમ્પ્યુટરના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે અમારો એક મહિનાનો કોર્સ કરાવો. હવે વિદ્યાર્થીના માતાપિતા તેનું આ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ જોઈને ઉત્સાહીત થયા વગર રહે જ નહિ ને ? સિમ્પલ !! અને અમને નવા નવા વિદ્યાર્થીઓ દર વર્ષે મળ્યા કરે ! દરેક વિદ્યાર્થી પર ટ્રસ્ટીને 20% આપી દેવાનાં. 80% તો આપણને મળે ને ? વળી, વિદ્યાર્થીઓને શીખવાડવાનુંય હોય કેટલું ? એમને તો કોમ્પ્યુટર સામે બેસવાનો જ આનંદ હોય. છે ને જોરદાર આઈડિયા ?’ વિશાલે સ્મિતસાથે પરેશ સામે જોયું.

પરેશ તો જાણે પૂતળું બનીને વિશાલને સાંભળી રહ્યો, મનમાં કંઈક તાળો મેળવતા થોડી અસ્વસ્થતા સાથે તેણે વિશાલને પૂછ્યું : ‘તારા કોચિંગ કલાસનું નામ શું છે ?’
‘ત્રિશા કોમ્પ્યુટર સેન્ટર’ વિશાલ બોલ્યો.
નામ સાંભળતા જ પરેશના શરીરમાંથી જાણે એક લખલખું પસાર થઈ ગયું. એક ક્ષણ માટે એને એમ લાગ્યું કે જાણે આખી ધરતી ધ્રૂજી ઊઠી. તે ફાટી આંખે વિશાલને જોઈ રહ્યો. પણ તે વખતે તેની આંખ સામે વિશાલ નહોતો; તેની આંખ સામે હતો ફ્રેક્ચર થયેલા હાથવાળો નયન, બિટ્ટુની ફી માટે ઘરે-ઘરે જઈને મોડી રાત સુધી નાસ્તા બનાવતી નેહા, અભ્યાસમાં ખંતથી મહેનત કરતો બિટ્ટુ અને એક એવું મધ્યમ વર્ગીય પરિવાર જે સંઘર્ષ સામે પાઈ-એ-પાઈની બચત કરીને ઝઝૂમતું હતું.

‘ચાલ હું જઉં… મને મોડું થાય છે….’ કહી પરેશ કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ કૉફી શૉપની બહાર નીકળી ચાલતો થયો ત્યારે તેના પગ કરતાં તેના વિચારો બમણી ગતિથી ચાલી રહ્યા હતા અને મનમાં પેલી પ્રસિદ્ધ કાવ્યપંક્તિ ગૂંજી રહી હતી કે : ‘હું માનવી માનવ થાઉં તોય ઘણું….’