- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

બે ઘડી રોકાવ, ચા પીએ જરા ! – પંકજ ત્રિવેદી

[વ્યવસાયે કલાર્કની ફરજ બજાવતા શ્રી પંકજભાઈ (સુરેન્દ્રનગર) સ્વભાવે સાહિત્યકાર છે. તેમની અનેક વાર્તાઓ અને કૉલમોને લોકપ્રિય અખબારોમાં સ્થાન મળ્યું છે. હાલમાં તેઓ ફૂલછાબમાં ‘મર્મવેધ’ નામની કૉલમ લખી રહ્યા છે. રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા બદલ શ્રી પંકજભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : pankajtrivedi@india.com ]

વરસાદી મૌસમની દસ્તક સાથે કવિશ્રી હરદ્વાર ગોસ્વામીની પંક્તિઓ માણો :

પહેલી ઘૂંટે થાક બધોયે છૂ, બીજી ઘૂંટે હળવાશ અને હું
ચાની અંદર ચાહ ઉમેરી જો, ટહુકી ઊઠશે છાપું સવારનું.

ચા જાણે કે આપણું રાષ્ટ્રીય પીણું છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી ચાને જુદા-જુદા સ્વરૂપે સૌ માણે છે. ચા આપણા લોહીમાં ભળી ગઈ હોય એવું નથી લાગતું ? ચા તો ગરીબથી તવંગર લોકોનું માનીતું પીણું છે. ચા વિશે આપણે ત્યાં અનેક વિશેષતાઓ, જોડકણાં કે ઓઠાં પ્રચલિત છે. કાશ્મીરમાં ચાની અસલ પત્તીને બદલે વિશેષ પ્રકારની જડીબુટ્ટીઓના કંદમૂળને ઊકાળવામાં આવે છે. જેમાં મીઠું નાખીને તેમાં લીંબુનો રસ નાખવામાં આવે છે, જેને સોલ્ટ-ટી (ખારી ચા) કહેવાય છે. સૉલ્ટ-ટી સાથે પાપડ જેવી પાતળી ગળી રોટીનો નાસ્તો કરવામાં આવે છે. જેની પાછળ વૈજ્ઞાનિક કારણ એવું છે કે પહાડીઓની ઊંચાઈને કારણે ડી-હાઈડ્રેશન થવાને કારણે તે જરૂરી છે. ત્યાં વપરાતું મીઠું સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડાથી મોકલવામાં આવે છે.

દાર્જીલિંગમાં ચાના છોડની પત્તી ઊકળતી હોય ત્યારે એની અસલ સુગંધ માણવા મળે છે, જે ભાગ્યે જ અહીં માણવા મળે છે. દીવમાં રહેતા વાંઝા કોમના લોકો દરરોજ સાંજે ચા સાથે બે કેળાં (નાના સોનેરી-પીળા રંગના કેળા)નું ભોજન લે છે. એમની ચામાં દૂધ નહીં પણ ફૂદીનો અને લીંબુનું મિશ્રણ હોય છે. દક્ષિન ભારતમાં ઊંચા કદની ત્રાંબાની કીટલીના નાળચામાં લાકડાનું બૂચ લગાડવામાં આવે છે. જ્યારે એ બૂચ કાઢવામાં આવે ત્યારે એમાંથી નીકળતી વરાળની મઘમઘતી સોડમ તન-મનમાં સ્ફૂર્તિ લાવી દે છે. તમાકુ અને કૉફી કરતાં ચામાઅં નિકોટિનનું પ્રમાણ નહિવત્ હોય છે. પિત્ત પ્રકૃતિના માણસો માટે ચા એસિડ થઈ જાય છે. ઉત્તરમાં ચા અને દક્ષિણમાં કૉફી વધુ પ્રિય છે. છેલ્લે થયેલા સંશોધન મુજબ ચા પીવાથી હાર્ટએટેકનું પ્રમાણ ઘટે છે. પરંતુ આવા સંશોધનો વિશે સમયાંતરે અભિપ્રાય બદલાતા રહે છે.

ચા વિશે રામાયણના આધારે એક લોકવાયકા જાણીતી છે. લક્ષ્મણજી મૂર્છીત થયા ત્યારે હનુમાનજી જે સંજીવની લાવેલા, તેનો ઉપયોગ કરી કૂચા ફેંકી દીધેલા. તેથી વનસ્પતિના કૂચાએ ભગવાન શ્રીરામને ફરિયાદ કરી. તેથી ભગવાને આશીર્વાદ આપીને કહ્યું કે કળિયુગમાં પણ તારું મહત્વ રહેશે. કૂચામાંથી કૂ-અક્ષર કાઢીને ‘ચા’ સ્વરૂપે લોકો તને સન્માનપૂર્વક સ્વીકારશે. આપણા સમાજમાં દીકરી મોટી થાય ત્યારે સૌથી પહેલાં એને ચા બનાવતાં શીખવાય છે, પછી રસોઈ ! કોઈને ત્યાં વેવિશાળ પહેલાં દીકરી જોવા જઈએ ત્યારે દીકરી કેવી ચા બનાવે છે તેના પર મોટો આધાર હોય છે. ચા માટે નર-નારી જાતિમાં ઉલ્લેખ થાય છે. જેમ કે ચા પીધી કે ચા પીધો ? આપણે માટે ચા જાણે કે સર્વધર્મ સમભાવની સુગંધ ફેલાવે છે. ટ્રેઈનમાં મુસાફરી કરતાં હોઈએ ત્યારે વહેલી સવારે ‘ચાય… ચાય….’ ની બૂમ એલાર્મની ઘંટીનું કાર્ય કરે છે.
ચા માટે મોંઘા પારદર્શક કાચના ટી-સેટ, સિરામિક, સ્ટીલ કે સિલ્વર-જર્મનની ઘાતુના કપ-રકાબી પણ વપરાય છે. તો પ્લાસ્ટીક, થર્મોકોલની પ્યાલી અને માટીની કુલડીઓનો ઉપયોગ પણ થાય છે. આપણા રેલમંત્રીશ્રી લાલુપ્રસાદ યાદવે તો ભારતીય રેલવેને આદેશ કરેલો કે દરેક સ્ટેશન પર માટીની કુલડી જ વાપરવી. ચા માટે એક જોડકણું બહું જાણીતું છે.

કપટી નર કૉફી પીવે, ચતુર પીવે ચા,
દોઢડાહ્યા દૂધ પીવે, મૂરખ પાડે ના !

તો લોકસાહિત્યમાંથી મળેલી આ પંક્તિઓ આપણને ગર્ભિત રીતે ઘણી મોટી શિખામણ આપી જાય છે;

ચા એ ટાળ્યું શિરામણ, બીડીએ ટાળ્યો હોકો,
ટોપીએ ટાળી પાઘડી, એમાં કોનો કરવો ધોખો ?

અમદાવાદમાં એલ.ડી અને યુનિવર્સિટી સામે બેસીને કૉલેજિયનો કટીંગ ચા નો ઓર્ડર આપે છે ત્યારે ભાગ્યે જ કોઈ અભ્યાસની વાત કરે છે. મિરઝાપુરના નાકે લક્કીની ચા ન પીધી હોય એ અમદાવાદને શું જાણે ? મેં લક્કીની ચા અને મસ્કાબન એક જ વખત દિવસમાં ખાઈને પસાર કર્યાનું યાદ છે. ત્યારે પાંચ રૂપિયા પણ મોટા લાગતા ! બે રૂપિયાથી પાંચ રૂપિયા સુધીની ચા મળે છે. અમદાવાદની પતંગ અને સૂરતની ટેક્ષપ્લાઝા જેવી હૉટલોમાં પચાસથી સિત્તેર રૂપિયામાં એક કપ ચા મળે છે. ડાયાબિટિસના દર્દીઓ પણ ચાની ચૂસ્કી છોડી શકતાં નથી તેથી સુગર-ફ્રી ની શોધ કરી લીધી.

અડધી ચામાં તો લોકો અઘરાં કામ પણ કઢાવી શકે છે. સરકારી ઑફિસો યા સચિવાલયોમાં ચા પીવાના બહાને કર્મચારીને બહાર લઈ જઈને નાનો-મોટો વહિવટ કરી શકાય છે. અમુક હોટલની ચા પીધા પછી તમારે ત્યાં જવું જ પડે, પૂછો કેમ ? અરે ભાઈ, એમાં અફિણના ડોડવાને પણ ઉકાળવામાં આવે છે. થોડો નશો રહે તો મૉજ આવે ને ! સુરેન્દ્રનગરમાં ‘રાજ’ ની ચોકલેટી ચાની મૉજ અનોખી છે. એના માલિક સજુભા બાપુ કાઉન્ટર પર બેઠાં હોય ત્યારે એમને સાંભળવાની બહુ મજા આવે. આંબેડકર ચોકમાં આવેલી આ હોટલની સામે જ રેલવેની દિવાલ છે. સાંજે ત્યાં મજૂરો એકઠાં થાય. દાતણ વેચનાર દેવીપૂજકો હોય, નજીકમાં પેકિંગ મટીરિયલ બનાવતું કારખાનું છે. એ બધા માટે સજુભા બાપુ કાઉન્ટરથી બૂમ પાડીને વેઈટરને હુકમ કરે તેના નમૂના જુઓ : ‘બે ભીંતે’, ‘દોઢ કાગળ’, ‘અડધી દાતણ’ વગેરે.

અમારા મિત્ર ડૉ. રૂપેન દવે સવારના દસ વાગ્યે દર્દીઓ ઉપર ગુસ્સે થાય અને કમ્પાઉન્ડર ધનશ્યામ હંમેશની જેમ ડૉક્ટર ઉપર ગુસ્સે થાય ત્યારે બાજુમાંથી આવેલા કેમિસ્ટ જિજ્ઞેશને એ બંને તરફ ઘૂરકિયા કરતાં જોવાનો લ્હાવો અનેક દર્દીઓને મળ્યો છે. આવું કેમ હશે ? અરે ભાઈ ! દસ વાગ્યે તો એમનો ચા પીવાનો સમય હોય છે, જે બિચારાં સુજ્ઞ દર્દીઓ શું જાણે ?…. આપણા સૌના પ્યારા કવિશ્રી માધવ રામાનુજ તો કહે છે : ‘મારા ઘરમાં સૌ ઈચ્છે કે હું ચા બનાવું. ઘણીવાર તો વહેલો જાગીને હું ચા બનાવી તો લઉં. ચાનું ગળપણ અને સૂંઠ-મરી-મસાલાનો મને બહુ શોખ.’ તો કવિશ્રી બી.કે. રાઠોડની પંક્તિની મોજ માણો :

લે મજાનો લ્હાવ, ચા પીએ જરા,
સાથ બેસી આવ, ચા પીએ જરા.
શું ખબર ક્યારે મળીશું આપણે ?
બે ઘડી રોકાવ, ચા પીએ જારા.

લોકપ્રિય ગાયક બાબુ રાણપુરાએ જ્યારે ‘મિર્ચ મસાલા’ ફિલ્મમાં કામ કર્યું એ વખતે સુરેન્દ્રનગરની ‘પતરાવાળી હૉટલ’માં સ્મિતા પાટીલ, નસિરુદ્દીન શાહ, સુરેશ ઑબેરોય, રાજબબ્બર અને નિર્માતા કેતન મહેતાએ વાદીપરા ચોકમાં ચા પીધી હતી. આપણે ત્યાં નાના શહેરોમાં ચાની હોટલ કે ચાની કીટલી પર ઑર્ડર આપવાની આગવી રીત હોય છે. જેમ કે; ‘એક અડધી ચા, પંખો ચાલુ કરો, છાપું લાવ તો ભાઈ ! ટેપમાં ભજન વગાડને યાર ! બહાર સાયકલ છે એમાં તાળું નથી, ધ્યાન રાખજે. રાજેન્દ્રભાઈ નીકળે તો કહેજો કે કૌશિકભાઈ અને મનોજભાઈ અંદર બેઠાં છે…!’ અડધી ચા માં તો જાણે હોટલના વેઈટરને ખરીદી લીધો ન હોય ? વરસાદી મૌસમની ભીનાશમાં ગરમાગરમ ચાની ચૂસકી અને ચટાકેદાર ભજિયાનો તિખ્ખો તમતમતો સ્વાદ રોમરોમમાં ચેતના ભરી દે છે જાણે ! જાણીતા લેખકશ્રી પ્રિયકાન્ત પરીખ પોતાની નવલકથાના નાયક જેમ સિગારેટનો ઊંડો કશ ખેંચે અને નાયકના મુખે એક સંવાદ અચૂક મૂકે; ‘ચાલો, ચા પીએ !’

માણસ ખુશ થાય તો કહે; ચાલો આઈસ્ક્રીમ ખાઈએ. જેમાં આનંદ વહેંચવાનો ભાવ હોય છે. પરંતુ મન ઉદાસ હોય, કોઈ દુ:ખની વાત હોય, થાક હોય ત્યારે એ ભારણમાંથી બહાર આવવા માણસ મથતો રહે છે. એવા સમયે કોઈ સ્વજન મળે ત્યારે સહજ બોલાઈ જાય; આવો, ચા પીએ. અંતે હિન્દીના સુપ્રસિદ્ધ કવિશ્રી જ્ઞાનપ્રકાશ વિવેકના આ શબ્દોને સમજવા જેવા છે;

શેષ તો સબકુછ હૈ, અમન હૈ; સિર્ફ કર્ફ્યુ કી થોડી ઘૂટન હૈ
આપ ભી કુછ પરેશાન સે હૈ; ચાય પીને કા મેરા ભી મન હૈ.