આત્મપરીક્ષણનો અરીસો – ભૂપત વડોદરિયા

[‘મારી તમારી વાત’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો આ લેખના અંતે આપેલ છે.]

પેરિસમાં સોળસો ને તેરમી સાલમાં પંદરમી સપ્ટેમ્બરના રોજ જન્મેલા લા રોસેફો કોલ્ડે માણસનાં છિદ્રો બરાબર જોયેલાં છે. તેણે જિંદગીનો જે મુકાબલો કર્યો તે જિંદગીમાં તેના હિસ્સે ઘણાબધા કડવા ઘૂંટડા ગળવાના આવ્યા હતા. તે સૈનિક અને રાજકારણી તરીકેની બંને કારકિર્દીઓમાં નિષ્ફળતા તેમજ પીછેહઠ વેઠી ચૂક્યો હતો. ઉપરાઉપરી જે લડાઈઓ થઈ તેમાં તેની કોઠી અને કિલ્લો ભસ્મીભૂત થઈ ગયા હતા. સંગ્રામમાં એક પુત્ર પણ માર્યો ગયો હતો. યુદ્ધમાં જખમને પરિણામે તે લગભગ અંધ બની ગયો હતો. દારુણ ગરીબી અને મિત્રો તેમજ પ્રેયસીઓની બેવફાઈને લીધે તે કડવો ઝેર બની ગયો હોય તો નવાઈ નહીં. જિંદગી એને લલચાવીને દગો દેતી જ રહી એટલે જીવનનું કોઈ મંગલ દર્શન એની પાસે નથી. તેની પાસે અમૃત નથી, કેમ કે તેને અમૃત મળ્યું નથી અને જીવનનું જે ઝેર એને સાંપડ્યું તેને અમૃતમાં પલટાવાની કોઈ નીલકંઠશક્તિ તેની પાસે નથી. પણ તેણે ભરપૂર ઝેર પીધું છે એટલે ઝેરની તેને પરખ છે અને તેની આ પરખમાં કસોટીની જે સચ્ચાઈ છે, તે કોઈને પણ ખપમાં આવે એવી છે તેમ કહેવામાં વાંધો નથી.

બાવન વર્ષની ઉંમરે તેણે સુત્રોની પહેલી માળા જાહેર કરી અને પછી તેમાં નવાં નવાં મોતી તેણે ઉમેર્યાં. પ્રથમ વાર પુસ્તિકા પોતાના નામ વગર પ્રગટ કરી હતી અને ત્રણસો સંપૂર્ણ સૂત્રો સાથેની આવૃત્તિ મૃત્યુ પહેલાં બે વર્ષ પૂર્વે પ્રગટ કરી હતી. તેણે ‘સ્મરણો’ પણ લખ્યાં છે, સુત્રો વાંચનારને કબૂલ કરવું પડે છે કે જટિલ વહેવારોને સાદા-સરળ સૂત્રમાં સમજાવવાની વિશિષ્ટ કાબેલિયત તેનામાં હતી. તેનામાં ઓસ્કાર વાઈલ્ડની કે જ્યોર્જ બર્નાર્ડ શૉની ચટાકેદાર ઉક્તિઓના જેવી કંઈક વિશેષ ખૂબી છે. થોડાક જ શબ્દોમાં તે માનવ સ્વભાવના કોઈ ને કોઈ ઊંડાણને સ્પર્શી શકે છે, પકડી શકે છે. આ ‘મેક્સીમ્સ’ના થોડા નમૂના અહીં આપ્યા છે.

[1] માણસો ભલાઈ અને બૂરાઈ બંનેને ભૂલી જતા હોય છે એટલું જ નહીં પણ જેણે પોતાનું ભલું કર્યું હોય તેને ધિક્કારતા હોય છે. જેણે પોતાનું ખરાબ કર્યું હોય તેને ધિક્કારવાનું બંધ કરી દે છે. ભલાઈની પ્રત્યે કૃતજ્ઞતા દાખવવી અને બૂરાઈને વખોડવી એ પણ તેમને એક જાતનું બંધન લાગે છે અને તેને ભાગ્યે જ તાબે થાય છે.

[2] સુખી લોકોની નમ્રતા તેમની મનની શાંતિને આભારી છે અને મનની શાંતિ તેમના સદભાગ્યે તેમને બક્ષેલી ખુશમિજાજીમાંથી જન્મી હોય છે.

[3] બીજાઓનાં દુર્ભાગ્યો વેઠવાનું બળ આપણા સૌમાં હોય છે.

[4] દુર્ભાગ્ય કરતાં સદભાગ્ય સહન કરવા માટે વધુ સદ્દગુણની જરૂર રહે છે.

[5] સૂર્ય સામે અને મોત સામે કોઈ સીધી નજરે તાકી શકતું નથી.

[6] આપણી આશાઓ પ્રમાણે આપણે વચનો આપીએ છીએ અને આપણી શંકાઓ અનુસાર તેનું પાલન કરીએ છીએ.

[7] માણસ ઘણીવાર માને છે કે પોતે દોરી રહ્યો છે, પણ હકીકતે તે દોરાઈ રહ્યો હોય છે. તેનું મન તેને એક ધ્યેય ભણી દોરે છે, જ્યારે તેનું હૃદય તેને અજ્ઞાતપણે બીજા ધ્યેય ભણી ખેંચી જતું હોય છે.

[8] આપણે જાતે કલ્પના કરીએ એટલા સુખી કે દુ:ખી ક્યારેય હોતા નથી.

[9] બનાવટી સત્યથી જેટલું ખરાબ થાય છે એટલું જ સારું ખરેખર સત્યથી થતું હોતું નથી.

[10] પરિણામ પરથી જો પ્રેમનું મૂલ્યાંકન કરવા જઈએ તો એમ જ લાગે કે પ્રેમ દોસ્તી કરતાં દુશ્મનાવટને વધુ મળતો આવે છે.

[11] સાચા પ્રેમની વાત ભૂત જેવી છે. દરેક તેના વિષે બોલે છે પણ કોઈએ તેને નજરે નિહાળ્યો નથી !

[12] મોટા ભાગના માણસોની બાબતમાં ન્યાય માટેનો પ્રેમ અન્યાય સહન કરવાની ભીતિ કરતાં વિશેષ કંઈ હોતો નથી.

[13] ઘરડા માણસોને સારી સલાહ આપવી ગમે છે અને આ રીતે તેઓ ખરાબ કૃત્ય કરવાની પોતાની અશક્તિ માટેનું આશ્વાસન લેતા હોય છે.

[14] દરેક માણસ પોતે સારા હૃદયનો હોવાનું કહે છે, કોઈ પોતાનું મન સારું હોવાનું કહી શકે તેમ નથી.

[15] દિલ હંમેશાં દિમાગને મૂર્ખ બનાવે છે.

[16] આપણે બીજાઓથી આપણી જાતને એટલી સંતાડતા હોઈએ છીએ કે છેવટે આપણે આપણી જાતને આપણાથી સંતાડતા હોઈએ છીએ.

[17] આપણી પોતની જ ખુશામત આપણે કરીએ નહીં તો આપણે ભાગ્યે જ રાજી રહી શકીએ !

[18] બીજાઓની બાબતમાં ડાહ્યા થવાનું સહેલું હોય છે પણ આપણી પોતાની જ બાબતમાં ડાહ્યા થવાનું મુશ્કેલ હોય છે.

[19] એવા ઘણા માણસો હશે જેમણે પ્રેમ વિષે કંઈ સાંભળ્યું ના હોય તો કદી પ્રેમમાં પણ પડ્યા ના હોત !

[20] પ્રશંસા સાંભળવાનો ઈન્કાર કરવો તેનો અર્થ બે વાર વખાણ સાંભળવાની માગણી કરવી.

[21] કાયરતાના માર્યા જ આપણે આપણી ફરજ બજાવતા હોઈએ છીએ પણ તેનો બધો જશ સદગુણને મળે છે.

[22] આવી પડનારાં દુર્ભાગ્યોની કલ્પનામાં આપણી બુદ્ધિ વાપરવા કરતાં ચાલુ દુર્ભાગ્યને પહોંચી વળવામાં આપણી બુદ્ધિ વાપરવાનું બહેતર છે.

[23] મહાન પુરુષોમાં જ મહાન દોષો સંભવી શકે છે.

[24] કોઈ એક જ દુર્ગુણમાં ડૂબી જવામાંથી આપણે બચી જઈએ છીએ તેનું ખરું કારણ માત્ર એટલું જ હોય છે કે આપણામાં એકથી ઘણા વધુ દુર્ગુણો હોય છે.

[25] આપણે જેમ વધુ ઘરડા થઈએ છીએ તેમ વધુ મૂર્ખા અને એથી વધુ ને વધુ ગાંડા બનીએ છીએ.

[26] દંભ એટલે સદગુણને દુર્ગુણે આપલી સલામી.

[27] મોટા ભાગના માણસો માટે તેમની કૃતજ્ઞતાની લાગણીમાં વધુ લાભો ખાટવાની છાની ઈચ્છાથી વધુ કંઈ હોતું નથી !

[28] જે આપણને કંટાળો આપે છે તેને આપણે માફ કરી શકીએ છીએ. પણ આપણે જેને કંટાળો આપીએ છીએ તેને કદી માફ કરી શકતા નથી.

[29] સંયમને સદગુણ લેખવામાં આવે છે, કેમ કે તેનાથી મોટા માણસોની મહત્વાકાંક્ષાને મર્યાદિત બનાવી શકાય છે અને ભાગ્યમાં કે આવડતમાં જેઓ તદ્દન સામાન્ય છે, તેમને આશ્વાસન આપી શકાય છે.

[30] ખરેખરી માનહાનિ કરતાં પણ હાંસીથી આપણું માન વધુ ઘવાય છે.

[31] આપણી નાની ત્રુટિઓ આપણે એકદમ કબૂલ કરીએ છીએ, અને એમ કરીને આપણે બીજાઓને એવું સમજાવવા માંગતા હોઈએ છીએ કે આપણામાં કોઈ મહાન ત્રુટિઓ નથી.

[32] સારી પશ્ચાદ્ ભૂમિમાં કેટલીક ખામીઓ ખુદ સદગુણ કરતાં વધુ તેજથી ઝળહળી ઊઠે છે !

[33] ભાગ્યની મહેરબાની જેમને મળી નથી હોતી તેમને ભાગ્ય ખરેખર આંધળું લાગે છે.

[34] ભાગ્યની સાથે કામ પાડવાનો તરીકો એક જ છે. તબિયતની બાબતમાં આપણે આ જ તરીકો અજમાવીએ છીએ. તબિયતની જેમ જ ભાગ્ય સારું હોય ત્યારે તેને માણો, ભાગ્ય ખરાબ હોય ત્યારે ધીરજ રાખો અને અંતિમ ઈલાજનો આશરો કદી ના લો !

[35] આપણા ઉત્તમમાં ઉત્તમ કાર્યો પાછળના મૂળ હેતુઓની જગતને જાણ થતી હોત તો આપને તેને માટે શરમાઈ મરતા હોત !

[36] તમામ આવેગો આપણને ભૂલ કરવા પ્રેરે છે પણ તેમાંય પ્રેમનો આવેગ આપણને વધુમાં વધુ હાસ્યાસ્પદ ભૂલો કરવા પ્રેરે છે.

[37] આપણા મિત્રોના જે દુર્ગુણોની સીધી અસર આપણને થતી હોતી નથી, તેને આપણે સહેલાઈથી માફ કરી શકીએ છીએ.

[38] પ્રેમમાં પડેલી સ્ત્રીઓ મોટા અવિવેકને સહેલાઈથી ક્ષમા કરી શકે છે પણ નાની બેવફાઈને માફ કરી શકતી નથી.

[39] જે વસ્તુઓને આપણે માગતા હોઈએ છીએ તે વસ્તુઓને આપણે જો બરાબર સમજતા હોત તો તે વસ્તુઓને અત્યંત તીવ્રતાથી માગતા જ ના હોત !

[40] જે દોષો આપણે સુધારવા ઈચ્છતા નથી તે દોષોને ઉમદા સ્વરૂપ આપી દઈએ છીએ.

[41] મોટી મહત્વની બાબતોમાં અમુક પરિસ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ કરવા કરતાં જે પરિસ્થિતિ પ્રવર્તતી હોય તેનો લાભ લેવાની કોશિશ કરવી જોઈએ.

[42] આપણી જાત વિશેનાં આપણાં પોતાના મૂલ્યાંકનો કરતાં આપણા શત્રુઓના અંદાજો વધુ સાચા હોય છે.

[43] આપણા શ્રેષ્ઠ મિત્રોની કમનસીબીઓમાંથી આપણને કશુંક એવું ચોક્કસ મળી જાય છે, જે આપણને અણગમતું નથી લાગતું !

[44] દુર્ગુણનો પ્રતિસ્પર્ધી સદગુણ નથી હોતો – અશક્તિ હોય છે.

[45] એક જ પક્ષે બધું ખોટું હોય એવું જો બનતું હોત તો કોઈ ઝઘડો લાંબુ ચાલતો ના હોત !

કુલ ત્રણસો જેટલાં સોનેરી સૂત્રોમાંથી અહીં માત્ર પિસ્તાળીસ જ આપ્યાં છે. કોઈ પણ ઉક્તિ વાંચીએ ત્યારે તે ‘હળાહળ જુઠ્ઠાણું’ હોવાનો ચુકાદો આપવા આપણે તલપાપડ બની જઈએ તેવું બને. પ્રથમ વાચને આવો જ પ્રત્યાઘાત ઉદ્દભવશે અને પછી મનમાં થશે કે સો ટકા સાચી વાત ના હોય તો પણ આ દરેક વાક્યમાં કાંઈક સત્ય છે. કોઈક માણસે ત્રાંસી નજરે માણસને નીરખી જોયો લાગે છે – તેની નજર કંઈક વાંકીચૂકી જરૂર છે પણ તે અંદરનો થોડોક ભેદ પકડવાની વેધકતા પણ ધરાવે છે. કોઈ પણ માણસ આ ઉક્તિઓ વાંચીને કંઈક નિરાશા અને કંઈક કડવાશ અનુભવે તેવું બને પણ કોઈ પણ માણસ ધારે તો આ ઉક્તિઓને આત્મનિરીક્ષણના ખિસ્સાકદના અરીસા તરીકે વાપરી શકે તેમ છે. આ સૂત્રો લખનારો કુટિલ રાજનીતિનો શાસ્ત્રી મેકિયાવેલીનો દૂરનો વંશજ તો નહીં હોય ? એવી શંકા અને રોષ પણ જાગે – રાજનીતિની કેટલીક સચ્ચાઈઓ અને હકીકતોને મેકિયાવેલી બેધડક અને નિર્લજ્જપણે જાહેર કરે છે તેમ રોસેફોકોલ્ડ માનવસ્વભાવની ભીતરની વાતો ખુલ્લી કરી દે છે. મેકિયાવેલી કહે છે કે ‘હું માનવસ્વભાવ કેવો હોવો જોઈએ તેની વાત નથી કરી રહ્યો. તે ખરેખર કેવો છે તેની વાત કરું છું.’ રોસેફોકોલ્ડનો દાવો પણ કંઈક આવો જ છે.

[કુલ પાન : 134. (મોટી સાઈઝ) કિંમત : 175. પ્રાપ્તિ સ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 134, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-400 002. દેરાસર પાસે, ગાંધી રોડ. અમદાવાદ-380 001. info@navbharatonline.com]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આધુનિક યુવતી શું ઈચ્છે છે ? – અવંતિકા ગુણવંત
કુન્દનિકાબેન સાથે મુલાકાત – મૃગેશ શાહ Next »   

15 પ્રતિભાવો : આત્મપરીક્ષણનો અરીસો – ભૂપત વડોદરિયા

  1. jawaharlal nanda says:

    આ લેખક નિ વાત આમેય દિલને સ્પર્શિ જાય એવિ હોય ચે

  2. pragnaju says:

    જટિલ વહેવારોને સાદા-સરળ સૂત્રમાં સમજાવવાની વિશિષ્ટ કાબેલિયત,ચટાકેદાર ઉક્તિઓના જેવી કંઈક વિશેષ ખૂબી, થોડાક જ શબ્દોમાં તે માનવ સ્વભાવના કોઈ ને કોઈ ઊંડાણને સ્પર્શી શકે છે, પકડી શકે છે તેવા લા રોસેફો કોલ્ડેનાં સૂત્રો જેમ જેમ િચંતન કરીએ તેમ
    તેમ વધુ સમજાય-આનંદ આવે.
    અિભનંદન-ભૂપત વડોદરિયા

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.