ધરતી હિન્દુસ્તાનની – નાથાલાલ દવે
[‘પ્રજાસત્તાક દિન’ વિશેષ.]
મૂર્તિ જ્યાં સરજાઈ રહી છે એક નવા ઈન્સાનની,
ચાલો, દોસ્તો ! ખૂંદી વળીએ ધરતી હિન્દુસ્તાનની.
સતલજનાં બંધાયાં પાણી, બાંધ્યા કોશીના વિસ્તાર,
દામોદર ને હીરાકુંડના શા સરજાયા જલભંડાર !
દુર્ગમ સૂકા મારગ ભેદી વહેતી નહેરો અપરંપાર,
ધરતીમાં નવજીવન જાગે, સોહે હરિયાળા અંબાર.
લાખો હાથે બદલે સૂરત આ ઉજ્જડ વેરાનની. – ચાલો.
કોના દિલમાં હજી નિરાશા ? કોણ હજી ફરિયાદ કરે ?
કોણ એવો બુઝદિલ હજી અંધારી રાતો યાદ કરે ?
અંગ્રેજીના આશક બેઠા માધ્યમ કેરા વાદ કરે,
છોડો એને; ચાલો સાથી ! ખુલ્લાં ખેતર સાદ કરે.
દિશેદિશામાં ગાજે નોબત પ્રજા તણા ઉત્થાનની. – ચાલો.
નવીન આશા, નવા ઉમંગો, નવાં તેજ રેલાય છે,
ખંડે ખંડે પંચશીલનો શાંતિમંત્ર લહેરાય છે.
પ્રજા પ્રજાનાં ભવ્ય મિલન ! શી પ્રીતગાંઠ બંધાય છે !
આજ અખિલ સંસાર તણું શું ભાગ્ય અહીં પલટાય છે !
હજાર વરસે આવી અનુપમ ઘડી નવાં નિર્માણની. – ચાલો.
અમર રહો ભારત જેની અરવિંદે કીધી સાધના,
ને અણમોલાં કાવ્યકુસુમથી કરી રવીન્દ્રે અર્ચના,
ગાંધી, જેને પુણ્ય પગલે પાવન આ પૃથ્વી બની,
જીવન કેરા યશ રચી જેની કીધી આરાધના.
જિંદગી સાટે રક્ષા કરીએ ભારતના એ પ્રાણની – ચાલો.
Print This Article
·
Save this article As PDF
આઓ બચ્ચો તુમ્હે દિખાયે.. વાળી ધૂન લાગે છે.