- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

વૃદ્ધો : જૂનું તોય સોનું છે – સુધીરભાઈ મહેતા

[‘મોભનો કલરવ’ માંથી સાભાર. વૃદ્ધોની સપ્તરંગી કથાઓ દ્વારા સમાજને પ્રેરણામૃત અર્પતા આ પુસ્તકની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

સમજ્યા વગરનું જીવવું, ભલે જીવો વરસ હજાર,
સમજીને ઘડી એક જીવો, સમજો બેડો પાર !

વાહ ! કેટલી સુંદર વાત આ સુભાષિતમાં કહેલી છે. જીવન પ્રભુ આપે છે. પરંતુ કેવી રીતે જીવવું તે દરેક મનુષ્યના હાથની વાત છે. મનુષ્ય જીવવા ખાતર જીવે તો માનવી જીવનના જીવતરનું મૂલ્ય નથી. આવું જીવન તો પશુ પક્ષી કીટ પતંગા અન્ય જીવજંતુઓ જીવે છે. માટે તો ઉપરના સુભાષિતમાં સ્પષ્ટ કહેવાયું છે કે, સમજ્યા વગરનું જીવવું આ જીવતર કદાચ સિત્તેર એંસી કે સો વરસ ઉપરનું આપણું હોય અને આ જીવન દરમ્યાન આપણે કશું કર્યું ન હોય તો આવું જીવન શા કામનું ? એટલે તો આગળ કહ્યું છે તેમ, સમજીને જીવતર જીવાયું હોય પછી ભલે ખૂબ અલ્પ આયુષ્ય આપણે ભોગવ્યું હોય આવા જીવન અને જીવતર જીવનાર જણની કિંમત અંકાય છે. અને લોકો યાદ કરે છે એનાં સંભારણાં કાયમ તાજાં રહે છે. સમાજમાં એના દાખલા અપાય છે. એટલે તો આ સુવિચાર પણ બોલાય છે કે : ‘જિંદગી તો એવી જીવો મોતને પણ શરમાવું પડે.’ હા, આ વાત પાનખરપંથીને ઘણું કહી જાય છે.

ઘણા કહેતા હોય છે. હવે તો ઘરડા થયા. હવે અમને તો ઘરમાં કોઈ ગણતું નથી. અમારી વાતને પરિવારજનો ‘ચૂપ બેસો’ એમ કહીને બોલતી બંધ કરી દે છે. વાત ઉડાડી પણ દે છે. અત્યારના છોકરાને શિખામણ આપવા જઈએ તો કહે છે ! તમે રહ્યાં બુઢિયા, તમને શું ખબર પડે ? આ જમાનો નવો છે. એમાં તમારી જૂની વાતો ન ચાલે.

હા, બધી વાત સાચી પરંતુ રૂપિયાના સિક્કા કે નોટો વર્ષો પહેલાં છપાઈ હોય છે છતાં વેપારી કે બૅન્કમાં આ નાણું લેવું પડે છે. ગમે તેવી નોટ હોય છતાં એનું મૂલ્ય અંકાય છે. સોનું ગમે તેવું જૂનું હોય પરંતુ ‘જૂનું તોય સોનું’ કહેવાય. એ સોનું આર્થિક સંકડામણમાં હોંકારો દે છે. એમ પરિવારમાં વૃદ્ધ માણસ દાદા કે દાદી સંકટ સમયે તો પરિવારના દરેક સભ્યને ઉપયોગી છે. તેઓના આચાર-વિચાર કદાચ ભલે જૂના હોય કે સાંકડા હોય પરંતુ એ વૃદ્ધો સંકટ સમયની ઘરની બારી છે એ દરેક પરિવારે ન ભૂલવું જોઈએ. વૃદ્ધો નક્કામા નથી, એ કામના છે.

બીજી બાજુ ઘણા વૃદ્ધોના મનમાં હોય છે કે આપણો ધડો થતો નથી, પરિવાર કે સમાજ આપણી ગણના કરતા નથી, મેં ઘર માટે સમાજ માટે મારું જીવન ઘસી નાખ્યું ! પરિવારે મને શું આપ્યું ! પરંતુ આ બદલાની ભાવના રાખવી યોગ્ય નથી. પરિવાર કે સમાજ જરૂર બદલો આપે છે. દરેકના કાર્યની, સેવાની નોંધ તો થતી હોય છે અને કોઈ બદલો ના આપે તો કાંઈ નહીં. પ્રભુના દરબારમાં દરેક વૃદ્ધ કુટુંબ કે સમાજ માટે કેટલું ઘસાયા છે એનો ગ્રાફ – સરવૈયું હોય છે. એના કોમ્પ્યુટરમાં ઝીણામાં ઝીણો હિસાબ હોય છે. આ બાબતની સાક્ષી આપણા ધર્મગ્રંથો પૂરે છે. દ્રૌપદીનું ઉદાહરણ જોઈએ. શ્રીકૃષ્ણ ભગવાનને એક હાથમાં શેરડીની સોય વાગી ત્યારે દ્રૌપદીએ પોતાની નવીનક્કોર સાડી ફાડીને તેનો પાટો શ્રીકૃષ્ણ ભગવાનના હાથમાં બાંધ્યો હતો. ત્યાર પછી એનું ઋણ – બદલો પ્રભુએ જમા રાખીને કૌરવો-પાંડવોની ભરસભામાં દુ:શાસને ક્રૂર બનીને દ્રૌપદીનાં ચીર ખેંચ્યાં-વસ્ત્રહરણ કર્યું ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને દ્રૌપદીનાં નવસો-નવ્વાણું ચીર પૂર્યાં. આ ઋણ પ્રભુને તે દિવસે વાળ્યું હતું.

હા, આપણા માનવજીવનમાં સ્વાર્થભાવના હોય છે. કાર્યકારણના સિદ્ધાંત દેખાય છે. આ બધું આપણા જીવનમાં ખાસ જોવા મળે છે. લોકજીવનમાં પણ ગીતો ગવાય છે.

જીવને શ્વાસ તણી છે સગાઈ, મર્યા પછી ઘડીએ ન રાખે ભાઈ… જીવને..
બાપા કહે છે દીકરો મારો માતા મંગળ ગાય,
બેની કહે છે, બાંધવ મારો ભીડ પડે ત્યારે ભાઈ.
લીંપ્યું ને ગૂંપ્યું આંગણું તારું કાઢવા વેળા થઈ,
અડશો મા તમે અભડાઈ જાશો એમ કરે ચતુરાઈ….
ઘરની નારી ઘડી ના મૂકતી અંતે અળગી રહી,
ભોજા ભગત કહે ‘કંથને વળાવી તરત બીજાને ગઈ.’

ભોજાભગતની આ વાણી અર્થસૂચક છે. દરેક મનુષ્યને આ વાણી હૃદયમાં ઉતારવા જેવી છે. સંસારરૂપી રથમાં આપણે સૌ બેઠા છીએ. વળી આ કળિયુગ છે. આપણા લાગતા પરિવારજનો પણ સમય બદલાય એટલે પરાયા થઈ જાય છે. મારું મારું કરતા હોઈએ તે પરાયું બની જાય છે. એમાં પણ વૃદ્ધાવસ્થા – ઘડપણ બહુ દોહ્યલું છે. એ અવસ્થા અનુભવ. અનુભૂતિનો વિષય છે. જેને વૃદ્ધાવસ્થામાં સંકટ કે દુ:ખના દાવાનળ કુટુંબ કે સમાજમાંથી સળગ્યા હોય તે વૃદ્ધની વેદના સમજવા જેવી હોય છે. એ પોતે બધું હૈયામાં સંઘરીને જીવનસંધ્યાના દિવસો પસાર કરતા હોય છે.

‘હા, તો પાનખરમાં જીવન ઊજળું કેમ કરવું ?’ આ પ્રશ્ન સૌને થાય, ‘અમારો ધડો કોઈ કરતું નથી.’ આ શબ્દ વૃદ્ધ બોલે છે, ઘણા કહે છે, ‘ભાઈ, વેપારીના ત્રાજવામાં ધડાનો પથ્થર રાખેલ હોય છે. તે કાળક્રમે ઘસાઈ જાય છે. તો ધડાનો પથ્થર પણ જો ધડામાં ઘસાઈ જતો હોય તો આપણે તો માનવી છીએ.’ જો કે શાસ્ત્રો તો પોકારી પોકારીને કહે છે કે, જિંદગીનાં પચાસ વર્ષ થાય એટલે ધીમે ધીમે માનવીએ વ્યવહારમાંથી પાછા વળવું. તો પચાસ વર્ષે જીવનરથને સૌ બ્રેક મારવાનું, વૃત્તિઓના ઘોડાઓને લગામ રાખવાનું ચાલુ કરે તો માંડ છેલ્લા સમય પાનખરનું અંતિમ મુકામ આવે ત્યારે સંસારરથ ઊભો રહે. નહીં તો મૃત્યુ આવે ત્યાં સુધી કહ્યા કરીએ, હજુ સ્લેબવાળા મકાન બનાવવાનાં રહી ગયાં છે. દીકરાના દીકરાને પરણાવવો છે. એક ગાડી લીધી અને બીજી લેવી છે. ત્રણ લાખ રૂપિયા ફિક્સમાં પડ્યા છે. બીજા ચાર લાખ રૂપિયા આ વર્ષે બમણા થઈ જશે આવું બધું ગણિત ચાલ્યા કરે. માળા હાથમાં રહી જાય. મનમાં પૈસાની માળા ચાલે. છોકરાની વહુ, દીકરા, દીકરીની માળા ચાલે….

ધર્માચાર્યો, શાસ્ત્રો કહે છે, પાનખર સુખી કરવી હોય તો પચાસ વર્ષ થાય પછી ધીમે ધીમે વ્યવહાર સંકેલવા માંડવો. આપણે વૃદ્ધોએ હવે ઘડપણમાં આત્મનિવેદી બનવું પડશે. એનો અર્થ એ છે કે સમજણપૂર્વક જિંદગીનું સમર્પણ. તમે પચાસ વર્ષ વટાવી ચૂક્યા છો. બસ હવે તમારી ફરજો પૂરી થઈ છે ! હા, તો પચાસ વર્ષ કે સાઠ વર્ષ સુધીમાં કમાઈને તમે જે કાંઈ દ્રવ્ય પૈસા બચાવ્યા હોય એ છોકરાવને સોંપી ન દેવું. વ્યવહાર સોંપી દેવો. કારખાનું, દુકાન, પેઢી સોંપી દેવાં. પણ તમે જે કાંકરે કાંકરે જીવનભર પરસેવો પાડીને ભેગું કર્યું હોય તે મૂકી રાખજો. કારણ કે આગળ કહ્યું તેમ આ કળિયુગ છે. જો બધું આપી દેશો તો ન જાણે ફરજન – આપણી સંતતિ કેવી ફરીને ઊભી રહે શી ખબર !

પરિવારમાં સંતાનો ત્રણ પ્રકારના હોય છે. જુઓ એક પુત્ર, બીજો દીકરો, ત્રીજો છોકરો. એમાં પુત્ર હોય તો વાંધો નહીં. દીકરો હોય તો ખાસ ચિંતા નહીં. પણ છોકરો હશે તો બધી મરણમૂડી તમારી આંચકી લઈને પછી કહેશે, પપ્પા, તમે હવે નજીકના મંદિરે જતા રહોને ! આખો દિવસ ઘરમાં શું આડા આડા આવો છો ? તો પાનખરના લીલા રંગને હરખે કાયમ રાખવા માટે પોતે ટસી ટસીને જીવનભર ભેગું કરેલું ધન એટલે મરણમૂડી સાચવીને મૂકી રાખજો. એમાંથી તમે દાન-પુણ્ય પણ કરી શકશો.

[કુલ પાનાં : 142. (મોટી સાઈઝ) કિંમત : 150 પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 134, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-400 002. દેરાસર પાસે, ગાંધી રોડ. અમદાવાદ-380 001. info@navbharatonline.com ]