- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

અંધકારની નદી – રીના મહેતા

[રીનાબેનના નામથી આપણે સૌ કોઈ પરીચિત છીએ. આ અગાઉ તેમની અનેક કૃતિઓ અહીં પ્રકાશિત કરવામાં આવી છે : જેવી કે ‘સ સગડીનો સ’, ‘એકાંતનું અનુસંધાન’, ‘મારી ગોદડીને હૂંફના ટાંકાં’. તેમના લલિતનિબંધોનું પુસ્તક ‘ખરી પડે છે પીછું’ લોકપ્રિય અને મનનીય છે. તાજેતરમાં તેમના કાવ્યોનું પ્રથમ પુસ્તક ‘અંધકારની નદી’ પ્રકાશિત થયું છે જેનું વિમોચન તા.9મી ફ્રેબુઆરીએ કરવામાં આવનાર છે. આજે માણીએ આ પુસ્તકની કેટલીક સુંદર કૃતિઓ. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા બદલ શ્રીમતી રીનાબેનનો (ભગવતીકુમાર શર્માના સુપુત્રી, સુરત) ખૂબ ખૂબ આભાર. – તંત્રી]

[1] જુઈ

કોઈ કોઈ રાતે
સૂતાં પહેલાં
કે સવારે
અથવા બપોરની
કોઈક નવરી પળમાં
પડખેના વાડામાં
જૂઈના નાનકડા છોડને
ફૂલ ઊગ્યાં છે કે કેમ
તે જોઈ આવું છું.
જો ફૂલ હોય
તો
હું પણ
હોઉં છું
સફેદ, સુગંધિત.

[2] સાંજ

સાંજ
રોજ જ આટલી શાંત અને
સુંદર હોય છે
પણ મને ખબર પડતી નથી.
મારી બારીમાં ડોકાતું
છૂટાંછવાયાં સફેદ વાદળો ભરેલું
ભૂરું આકાશ
સામેના વૃક્ષની ઊંચી ડાળ જોડે
ભેટવા આવે છે મને.
પણ નીચું માથું રાખેલી
મને એની ખબર પડતી નથી.
હું જ્યારે
બેસું
આકાશ સામે
આકાશ જેવી
શાંત, સ્થિર, આનંદિત
ત્યારે જ મને ખબર પડે કે
હું પણ
હોઈ શકું
સાંજ
રોજ સાંજે.

[3] મારા ચહેરા પર તારો ઉજાસ….

લીલીછમ ટેકરીની આંખમાં ઊગીને પછી કૂંપળ થયાનો મને ભાસ
સાંજની હથેળીમાં સૂરજ ડૂબ્યો ને મારા ચહેરા પર તારો ઉજાસ…

રાતીચટાક ભાત મેંદીની શ્વાસ ભરે એમાં તે મોગરાનાં ફૂલ
આકાશે ચન્દ્ર તણી કોરે ગૂંથી છે કેવી જોને આ તારલાની ઝૂલ
લાલચોળ મેંદીને મોગરા શી ચાંદની દેશે મને ચંદન – સુવાસ
સાંજની હથેળીમાં સૂરજ ડૂબ્યો ને મારા ચહેરા પર તારો ઉજાસ….

ભીનોભચાક આજ વાયરાનો વીંઝણો નાંખે મને શીળો પવન,
દરિયાના મોજાં પર પુષ્પો ખર્યાંને થશે ફૂલ ઉપર આપણું શયન.
અણગમતી વાતને ધીમે રહીને તમે આપી દો લાંબો વનવાસ…
સાંજની હથેળીમાં સૂરજ ડૂબ્યોને મારા ચહેરા પર તારો ઉજાસ…

સંભવ છે : આજ ક્યાંક વરસી ન જાય મારી આંખેથી સૂક્કો વરસાદ
દેજો વહાવી તમે મારા વરસાદમાં તમ્મારો ભીતરી અવસાદ
શોધશો નહીં કદીયે ત્યાર પછી મારાં તે લીલાં શમણાંનો આવાસ
લીલીછમ ટેકરીની આંખમાં ઊગીને પછી કૂંપળ થયાનો મને ભાસ
સાંજની હથેળીમાં સૂરજ ડૂબ્યોને મારા ચહેરા પર તારો ઉજાસ…

[4] મૌન

મારી પાસે હવે
ઈશ્વરનું પણ કોઈ નામ નથી.
મારો ધર્મ કે
મારો ઈશ્વર
અમુક છે – એમ હું કહી શકતી નથી.
હકીકતમાં,
જ્યારથી મારી પ્રાર્થનામાં કોઈ શબ્દ
નથી રહ્યા
ત્યારથી
‘ઈશ્વર’ શબ્દ પણ ઓગળી ગયો છે.
ને પ્રાર્થનાને ય હું
પ્રાર્થના નામ આપી શકતી નથી.
કેમકે,
કોઈ પણ શબ્દ એક અર્થવર્તુળ
સીમિત કરે છે.
મારી ભીતર
ધ્યાનના
પૂર્ણ અંધકાર અને પૂર્ણ પ્રકાશમાં
હોય છે કેવળ અસીમ મૌન.
ને
મૌન શબ્દ તો
હું કેવળ આંગળી ચીંધવા વાપરું છું.
બાકી તો
મારી પાસે
‘મૌન’ જેવો પણ કોઈ શબ્દ
રહ્યો નથી.

[કુલ પાન : 128. કિંમત : 110. પ્રાપ્તિ સ્થાન : સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત-395001. ફોન : (0261) 2597882. sahitya_sankool@yahoo.com ]