વન્ડર સાસુની વન્ડર વહુ – અમી ત્રિવેદી

shatrupa saasu[‘શતરૂપા સાસુ’ પુસ્તકમાંથી સાભાર.]

સાચું કહું ? બહુ અઘરું છે લખવું ! તે પણ સાસુ વિશે. લખવું ગમે ખરું, પણ હાથમાં પેન લીધી ત્યારે ખરેખરી થઈ. લખવું શું ?

મારાં સાસુ એટલે શ્રીમતી ધૈર્યબાળાબહેન વોરા. જેટલું ભારેખમ નામ તેનાથી વધુ ભારેખમ પ્રતિભા. એસ.એન.ડી.ટી. વીમેન્સ કૉલેજ, માટુંગાનાં પ્રિન્સિપાલ રહી ચૂક્યાં છે. એ.આઈ.ડબલ્યુ.સી.ના વાઈસ ઝોનનાં વાઈસ પ્રેસિડેન્ટ, એક આગળ પડતાં સમાજસેવિકા અને ઘણી બધી સામાજિક સંસ્થામાં માર્ગદર્શક તરીકે સેવા આપે છે, સાંસ્કૃતિક સંસ્થાઓ વક્તવ્ય માટે આમંત્રણ આપે, પોતાના વિચારોની બીજા સાથે આપ-લે કરવા માટે નોતરે, એ તો સ્વાભાવિક જ હોય. એવાં મૃદુભાષી નારી. એમનો અવાજ આજે પણ આ ઉંમરે પણ કોયલ જેવો. એક કુશળ પત્ની, એક મા અને એક સાસુ….

વાવ, ઈટ્સ અમેઝિંગ, શી ઈઝ અમેઝિંગ…
એમાં હું !! તેમની વહુ અમી ત્રિવેદી-વોરા.
હું માનું છું કે હું નસીબદાર છું કે મને મારાં સાસુ, એમ કહેવા માટે, ધૈર્યબાળા વોરા જેવું નામ મળ્યું, પરણીને આવી ત્યારથી આજ સુધી સાસુપણું ક્યારેય પણ જતાવ્યું નથી. મારા માટે શી ઈઝ એ ફ્રેન્ડ, મિત્ર અને સાથે મા પણ…. અલબત્ત, મેં પણ એમનો પરિચય ‘મારાં સાસુ’ તરીકે કરાવ્યો નથી; એ મારાં મમ્મી છે.

દીકરી જ્યારે પરણીને સાસરે જાય ત્યારે એણે નવેસરથી નવા ઘરમાં પોતાના સંબંધો વિકસાવવાના હોય છે અને એમને પ્રેમ, લાગણી અને વિશ્વાસથી સીંચવાના હોય છે જે મેં કર્યું. એક મા, મારી જનેતા છે; જેણે મને જન્મ આપ્યો, મને ઉછેરી, સારામાં સારા સંસ્કાર આપ્યા, ખૂબ સારું શિક્ષણ આપ્યું અને શિક્ષણ સાથે ઈતર ઘણી પ્રવૃત્તિઓમાં કાર્યરત કરી અને મને પોતાને મારા પગ પર ઊભી રહી શકું એટલી સક્ષમ બનાવી, એમનું યોગદાન અને મારા માટેનો પરિશ્રમ અમૂલ્ય છે. બીજી મા, મારી સાસુ છે; જેમણે મને મારા કાર્યમાં ક્યારેય બાધા ઊભી નથી કરી, મને હંમેશાં પ્રોત્સાહન આપ્યું આગળ વધવા માટે, મને માર્ગદર્શન આપ્યું, પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે મારી ઢાલ બનીને ઊભાં રહ્યાં. આજે હું આટલું બધું કરી શકું છું તેના પાયામાં સાસરામાં મળેલો સહકાર અને સહયોગ છે. સાસુ-મા ઘણાં ચોક્કસ. એમને કોઈ કામ મુલતવી રાખવાં ગમે નહીં. સમયનાં પણ એટલાં જ ચોક્કસ. એમની પાસે એક અજબની ઋજુતા છે. આ બધું હું એમનું નિરીક્ષણ કરું છું અને મારા આચરણમાં મૂકવાનો પ્રયાસ કર્યો છે.

મારો સ્વભાવ ગુસ્સાવાળો. મને ગુસ્સો બહુ તરત આવી જાય, એટલા માટે, કારણ કે મારાથી ખોટું સહન જ ન થાય. એટલે ગુસ્સામાં હું રાતીપીળી થઈ જાઉં. મમ્મી ગુસ્સો કરે પણ એમનો ગુસ્સો કરવાની સ્ટાઈલ અને નાપસંદગી દાખવવાની સ્ટાઈલ બહુ અલગ છે. એ કટાક્ષ કરે, મીઠું બોલીને સામા પક્ષવાળાને સંભળાવે જેની ધાર ખરેખર વાગે. એટલું જ નહીં, સામેનાને ચીરીને આરપાર સોંસરવી ઊતરી જાય. ગુસ્સાવાળી વ્યક્તિ ભડભડ બધું બોલી જાય. અને ઘણી વાર બને કે ભાન ન હોય શું બોલે છે એ, જ્યારે શાંતિથી થયેલો ગુસ્સો ચોક્કસપણે વાગે અને અસર પણ કરે. સાચું કહીએ તો ‘ચોંટી જાય’. આ બહુ વિવાદાસ્પદ વાત છે. કારણ, હું એવું માનું છું કે જે મનમાં હોય એ તરત ઠાલવી દઈએ તો બોજ હલકો થઈ જાય અને ચિત્ત શાંત થાય. સમય આવે ત્યારે સંભળાવીશ – આવી વૃત્તિ ધરાવીએ તો આપણને અણગમતી વાતો આપણને અંદર ને અંદર કોતરી ખાય અને આપણે અસ્વસ્થ રહીએ એ જુદું.

અમે બન્ને જણ પોતપોતાના ક્ષેત્રમાં નિપુણ છીએ. અમારી પાસે વિચારવાની શક્તિ છે. એટલે એવું તો ઘણી વાર બને કે મને તેમની ચોક્કસ વાતો સહેજે રુચે નહીં અને એમને મારી. એટલે ગરમાગરમી તો સહેજે થવાની જ. પણ, મને એમાં કશું ખોટું પણ લાગતું નથી, કારણ કે હું માનું છું કે બે જુદી જુદી પ્રતિભા ધરાવતી વ્યક્તિઓ, જુદી વિચારધારા ધરાવતી સ્વતંત્ર સ્ત્રીઓ એક જ છત નીચે રહેતી હોય તો મતમતાંતર તો રહેવાના જ. અને જો ક્યારેક દલીલો થાય તો એ તો હેલ્થી જ કહેવાય. ‘તમે ખોટાં છો’ આવું તમે એકબીજાને ક્યારે કહી શકો ? ત્યારે જ, જ્યારે તમને એકબીજા પ્રત્યે લાગણી અને પ્રેમ હોય. તમને એકબીજાની પડી હોય, તમને જેના પ્રત્યે સદભાવ હોય અને એ વ્યક્તિથી કશુંક ખોટું થઈ રહ્યું હોય તો તમારો જીવ તો બળવાનો જ. અને જો આમાનું કશું જ ના થયું હોય તો તમારો સંબંધ બહુ જ ઔપચારિક અને ઉપરછલ્લો છે.

હું અને મારાં સાસુ-મા એવાં નથી. અમને એકબીજા પ્રત્યે આદરભાવ અને લાગણી છે. એકબીજા માટે અમને એટલો વિશ્વાસ છે કે અણીની ઘડીએ અમે પરસ્પર એકબીજાનો સહારો થઈને ઊભાં જ રહીશું. જોવાની ખૂબી એ પણ ખરી કે અમારાં સંગીત, નૃત્ય, નાટક, કવિતા ક્ષેત્રે રસરૂચિ, શોખ બધું જ સરખું. એટલે એમ કહીએ કે વી આર ઈચ અધર્સ બેસ્ટ કંપની, તો પણ ખોટું નહીં. શોખ ને રુચિ શું ? અમારી સાડીઓની પસંદગી પણ એકસરખી જ…. એટલે એવું આજ સુધી ક્યારેય બન્યું નથી કે મારા માટે મમ્મી કંઈ લાવ્યા હોય તો મને ન ગમે, કે મેં એમના માટે પસંદ કરેલી સાડી એમને ન ગમે ! મમ્મી સાથે કોઈ વાર્તા વિચારણા કરતું હોય તો એ સાંભળવાની ખૂબ મજા પડે. કોઈ પણ વિષય લઈને ચર્ચા કરવાની ખૂબ મજા આવે, કારણ કે એ પોતે બહુશ્રુત. વિશ્લેષણ કરવાની એક અદ્દભુત કળા છે. અને એ વાતને આજના સંદર્ભમાં રજૂ કરવાની કમાલનો મહાવરો છે.

વિશ્લેષણ કરવાનું તેમનું કૌશલ્ય અદ્દભુત. 82 વર્ષે શારીરિક, માનસિક રીતે તેમને આટલાં સક્ષમ જોઈને મને વિચાર આવી જાય છે કે અમારા જનરેશનની સ્ત્રીઓ 82 વર્ષની ઉંમરે પહોંચતાં તો સાવ ખખડી ગઈ હશે. એનું કારણ છે અનિયમિત જીવન જીવવાની સ્ટાઈલ. જોકે, હું મારી જાતને બને એટલી નિયમિત કરવાની કોશિશ કરું છું, પણ આજનું જીવન એટલી ઝડપે દોડે છે કે આપણે વિચારીએ એ બધું જ એ જ રીતે આચરણમાં મૂકવું અશક્ય બને છે.

આ વાતોનો આમ જોવા જાઓ તો કોઈ અંત જ નથી. અમારા વિશે હું એટલું બધું લખી શકું છું કે ક્યાં મારે પૂર્ણવિરામ મૂકવું એ એક પ્રશ્ન બની જાય છે. હવે આખા હાર્દને એક જ લીટીમાં મૂકી દઉં તો ન ચાલે ?

યેસ, મારાં સાસુ એટલે વન્ડર સાસુ અને હું તેમની વન્ડર વહુ.

(અમી ત્રિવેદી, નાટ્યક્ષેત્રે જાણીતું નામ છે. સફળ નાટ્યનિર્માત્રી છે. ઉપરાંત એન. એમ. કૉલેજના પ્રાધ્યાપિકા પણ છે.)

[કુલ પાન : 228. કિંમત : રૂ. 300 પ્રાપ્તિ સ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 134, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-400 002. દેરાસર પાસે, ગાંધી રોડ. અમદાવાદ-380 001. info@navbharatonline.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભડલીવાક્યો – સં. જેઠાલાલ ત્રિવેદી
ભણવાનું ગમે એવી પાઠશાળા – વિકાસ ઉપાધ્યાય Next »   

12 પ્રતિભાવો : વન્ડર સાસુની વન્ડર વહુ – અમી ત્રિવેદી

 1. ઘરે ઘરે વનડર વહુ વનડર સાસુ ઇચ્ચે અને પ્રેમ આપે તો ,સાસુ નુ દિલ પણ મા નુ દિલ તે અનેક ઘણો પ્રેમ આપે,,,આપણા સયુકત કુટૂબ,,, એક બિજા વિના ઘર સ્વરગ ના બનિ સકે મા દિકરિ તરિ કે અને વહુ માના રુપ માજોવે તો જ બઘુ સક્ય …..

 2. Dhaval B. Shah says:

  બહુ મજા ના આવી. આ જ પુસ્તકમાનો પ્રથમ લેખ વધારે રુચિપુર્ણ લાગ્યો. આ લેખમા ઉદાહરણ / પ્રસન્ગો ઓછા લાગ્યા.

 3. Vikas Nayak says:

  અમીબેન ,તમારો લેખ વાંચવાની ખૂબ મજા પડી.તમારા સાસુની એક માનદ છબી ખડી થઇ.વહુ-સાસુ નો એક નવા જ પ્રકાર નો સંબંધ જાણવા મળ્યો.તમારો અભિનય તો જોયો હોઇ તમારા પ્રત્યે માન હતુ જ પણ હવે ધૈર્યબાળાબેન પ્રત્યે પણ માન ઉપજ્યું.તમને બન્નેને મારા બેસ્ટ વિશીષ્..

 4. RAMESH SHAH says:

  This happens only in “BHARAT” INDIA. When Daughter-in-law strongly belives Mother-in-law as “MAA” OR “BAA” then the question of “SASOO ANE VAHOO” does not arise. Where this kind of relation is there it’s called “GHAR EJ MANDIR”. Heartily praying ‘SHREEJI BAWA” to bless this relation.

 5. siddharth desai says:

  i know dhairyabalaben and her husband shree pranlal vora since my childhood as both were studends of my father shree snehrashmi in gokalibai school at vileparle.my father has given discription of dhairyababen and pranlabhai in his autobiography.her both sons late hemant and mayank were coming to my house in ahmedabad.our relations were like family members.amiben is great artist and when she acts in drama,her feelings from heart seem wonderfull.
  and natural.i congrets her to give wonderfull book
  siddharth desai

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.