ભણવાનું ગમે એવી પાઠશાળા – વિકાસ ઉપાધ્યાય

[‘ચિત્રલેખા’ માંથી સાભાર.]

પોતાના બાળકને ખાનગી શાળામાં ભણાવવાના વધતા જતા ક્રેઝના લીધે અને સરકારી શાળાઓનાં રેઢિયાળ સંચાલનને કારણે સરકારી શાળાઓનું સ્તર દિવસે દિવસે કથળતું જાય છે. મધ્યમ અને પૈસાદાર વર્ગના લોકો એમનાં બાળકોને તોતિંગ ફી લેતી ખાનગી શાળામાં ભણાવતાં થયા એટલે સરકારી શાળાઓમાં અને એમાંય ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની શાળાઓમાં વિદ્યાર્થીઓનો દુકાળ પડવા માંડ્યો છે. સરકારી શાળામાં ગરીબ ઘરનાં અને પછાત જાતિના લોકોનાં બાળકો ભણતાં હોય એટલે શાળાના શિક્ષકોથી માંડીને આચાર્ય અને અધિકારીઓથી માંડીને મંત્રીમહોદય સુધીના લોકોને ઝાઝી ચિંતા ન હોય. સાથે સાથે બાળકો પણ મનફાવે ત્યારે શાળામાં હાજરી આપે અને ભણવાની ઈચ્છા ન હોય ત્યારે ગુટલી મારે. એકલા ગુજરાતમાં જ નહીં, દેશઆખાની મોટા ભાગની સરકારી શાળાઓની આ સ્થિતિ છે.

picture one

ગુજરાત અને દેશની મોટા ભાગની સરકારી શાળાઓમાં ભલે આવી કફોડી હાલત હોય, પણ વડોદરા જિલ્લાની આઠેક સરકારી શાળાની સ્થિતિ પ્રમાણમાં ઘણી સારી છે. ગ્રામ્ય અને પછાત વિસ્તારોમાં આવેલી હોવા છતાં આ શાળાઓમાં ભણવા આવતાં બાળકોની સંખ્યામાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. એનાં પરિણામ ઉત્તરોત્તર સારાં આવી રહ્યાં છે. અહીં બાળકોને ગુટલી મારવાના બદલે શાળામાં આવવાનું ગમે છે. આ આઠમાંથી મોટા ભાગની શાળા પછાત અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં આવેલી હોવા છતાં શાળામાં ભણતાં બાળકો લાગે એકદમ સાફસૂથરાં અને સ્વચ્છ, કોઈ ન કહે કે ઝૂંપડપટ્ટીનાં ગંદાંગોબરાં બાળક અહીં ભણે છે. બાળકોને સ્વચ્છતાના પાઠ ભણાવવા સહેલા છે, પણ એમને સુઘડ અને સ્વચ્છ રાખવાનું મુશ્કેલ છે. પોલું તો સૌ કોઈ વગાડે, પણ સાંબેલું વગાડે એ ખરું. એ ન્યાયે જિલ્લાની આઠેય સરકારી શાળાના શિક્ષકોએ સાથે મળીને મુશ્કેલ કામને આસાન બનાવી દીધું છે.

મુશ્કેલ કામને આસાન બનાવવા વડોદરા જિલ્લાની ભાથુજીનગર, શિશિવા, ઈન્દિરાનગર, છાયાપુરી, નારાયણનગર, ઓમકારપુરા સહિતની આઠેક શાળાના શિક્ષકોએ એક ફોજ બનાવી છે. બાળકોને પુસ્તકિયા પંડિત બનાવવાના બદલે એમને આદર્શ નાગરિક બનાવવાની એમની નેમ છે. આ ફોજના સેનાપતિ છે રજનીકાંતભાઈ રાઠોડ.


વડોદરા જિલ્લાની જ શિશવા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રજનીભાઈને સરકારે આજુબાજુની આઠેક શાળાના સંકલનકાર તરીકેની જવાબદારી સોંપી એ પછી એમણે અને એમની શાળાના શિક્ષકોએ ગરીબ અને પછાત વર્ગનાં બાળકોના સર્વાંગી વિકાસ માટે એક ખાસ ઝુંબેશ શરૂ કરી. બાળકોને ભણાવવા પૂરતી જ પોતાની કામગીરી સીમિત રાખવાને બદલે એને બાળસેવા સુધી વિસ્તારી છે. બાળસેવાના ભાગ રૂપે શિક્ષકો પોતાનાં બાળકોની જેમ જ શાળાનાં બાળકોના વધેલા નખ અને વાળ કાપી આપે. શિક્ષિકાઓ છોકરીઓનું માથું ઓળી આપે. છોકરા-છોકરીઓનાં કપડાંનાં બટન ટાંકી આપે. બાળક બીમાર પડ્યું હોય તો એને દવાખાને લઈ જાય. બાળકોને ભેગાં કરી શાળામાં જ દરેક તહેવારની અને એમના જન્મદિવસની રંગેચંગે ઉજવણી કરાવે. ટૂંકમાં, અહીં બાળકોને હોંશે હોંશે અને કિલ્લોલ કરતાં ભણવા આવવાનું મન થાય એવો માહોલ શિક્ષકોએ ઊભો કર્યો છે.

તો આવો, આપણે પણ નામે સરકારી, પણ જરા જુદા પ્રકારની કહી શકાય એવી શાળાઓની મુલાકાત લઈને બાળકોને અક્ષરજ્ઞાનની સાથે સુસંસ્કારનું સિંચન કરી રહેલા ગુરુજીઓને મળીએ.

શરૂઆત કરીએ વડોદરાની પડખે આવેલા છાણી વિસ્તારમાં આવેલી ભાથુજીનગર પ્રાથમિક શાળાથી. શાળાની આજુબાજુનો માહોલ જ બાળકો અને એમના પરિવારોની સ્થિતિની ચાડી ખાય. નિરક્ષર અને રોજેરોજ કમાઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા લોકો અહીં રહે છે. કાળી મજૂરી કરનારાઓ રહેતા હોય એટલે દારૂ-જુગાર સહિતનાં દૂષણોનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે. મહદઅંશે વાંસના બાંબુમાંથી જુદી જુદી ચીજવસ્તુઓ બનાવી વેચવાનો અથવા તો મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા બજાણિયા, નાયક, ભીલ, વાંસઘોડા અને પરમાર જ્ઞાતિનાં બાળકો ભાથુજીનગરની શાળામાં ભણવા આવે. પોતે નિરક્ષર હોય એટલે પોતાનાં બાળકો ભણે કે ન ભણે એની એમને ઝાઝી ચિંતા પણ ન હોય. ભાથુજીનગરની સાથે સાથે શિશવા, ઈન્દિરાનગર, છાયાપુરી, નારાયણનગર, ઓમકારપુરા સહિતની આઠેક શાળાના કો-ઑર્ડિનેટર તરીકે સેવા આપતા રજનીભાઈ કહે છે : ‘શરૂઆતના દિવસોમાં તો અમારે ઘેર ઘેર જઈને કેટલાંક બાળકોને શાળાએ લઈ આવવા પડતાં. બાળકો શાળાએ આવે તો પણ મેલાંઘેલાં કપડાંમાં અને દિવસો સુધી નહાયાં ન હોય એવી દશામાં. સમજાવટ પછી બે-ચાર દિવસ માંડ આવે એ પછી બીમારીના સકંજામાં સપડાય. એમને સ્વચ્છતાના ગમે એટલા પાઠ ભણાવો. પણ દરેક વખતે પથ્થર પર પાણી જેવી સ્થિતિ સર્જાય. કરુણા તો એ વાતની હતી કે આ સ્થિતિ કંઈ એકલદોકલ શાળાની નહીં, પણ પછાત અને ગરીબ વિસ્તારોમાં આવેલી જિલ્લાની મોટા ભાગની શાળાઓની હતી.’

picture twoઆમ જોવા જઈએ તો રજનીકાંતભાઈ અને એમના જૂથના શિક્ષકોની કામગીરી શાળાએ આવતાં બાળકોને ભણાવવા પૂરતી જ સીમિત હતી અને એમાંય બાળકો શાળાએ આવે કે ન આવે એની કાળજી લેવાની કામગીરી એમના કાર્યક્ષેત્રમાં આવતી નહોતી, પણ મફતનો પગાર ન લેવાય એવું માનનારા ગુરુજીઓએ બાળકોની બીમારી અને અનિયમિતતાનાં કારણ શોધી કાઢવાના પ્રયાસ કર્યા.

રજનીભાઈ કહે છે : ‘મારા નેતૃત્વ હેઠળની શાળાઓના શિક્ષકો એવા તારણ પર આવ્યા હતા કે સ્વચ્છતા ન હોવાના કારણે મોટા ભાગનાં બાળકો અવારનવાર બીમારીમાં પટકાતાં રહે છે અને એટલે જ એ શાળામાં નિયમિત હાજર રહી શકતાં નથી. બાળકો નિયમિત હાજર રહે એ માટે શરૂઆતમાં શિક્ષકોએ સ્વચ્છતાના પાઠ ભણાવવા માંડ્યા, પણ સ્થિતિમાં કોઈ ફેર ન પડ્યો.’ રજનીકાંતભાઈ કહે છે : ‘બાળકો સ્વચ્છ અને સુઘડ રહે એ માટે મેં શિક્ષકોને ફકત ઉપદેશ આપવાના બદલે એમને સ્વચ્છ રાખવાની કામગીરી શરૂ કરવાની વિનંતી કરી. અલબત્ત, આવી કામગીરીની શરૂઆત મેં મારાથી જ કરી. મારા તાબા હેઠળની શાળાઓમાં ભણતાં બાળકોના નખ વધેલા હોય તો હું કાપી આપું, કપડાં ફાટેલાં હોય તો સાંધી આપું અને તૂટેલાં બટન પણ ટાંકી આપું.’ જોતજોતામાં આ આઠેય શાળાનાં શિક્ષક અને શિક્ષિકાઓ પણ રજનીકાંતભાઈને અનુસરવા માંડ્યાં. શિક્ષકો એમને આવડે એવું કામ કરે અને શિક્ષિકાઓ એમને ફાવે એવી કામગીરી બજાવે.

નખ કાપવાની, કપડાંને સિલાઈ કરી આપવાની કે શર્ટ-પૅન્ટનાં બટન ટાંકી આપવાની કામગીરી પ્રમાણમાં સરળ ગણાય, પણ લાંબાલચક વાળને કાપવાનું કોને આવડે ? રજનીભાઈ કહે છે : ‘વાળ કાપતાં તો મને પણ ફાવતું નહોતું, પણ મેં આ માટે મારા વાળંદ પાસે જઈને તાલીમ લીધી. એ પછી કાતર અને અસ્ત્રા સહિતની ચીજવસ્તુઓ ખરીદીને વાળ કાપવાનો સૌથી પહેલો પ્રયોગ મારા દીકરા પર કર્યો. ધીરે ધીરે હાથ બેસતો ગયો એ પછી મેં મારી શાળાનાં બાળકોના વાળ કાપવાનું શરૂ કર્યું !’ એ પછી તો રજનીકાંતભાઈ આઠેય શાળાની રોજેરોજ મુલાકાત લે અને એમને જે બાળકનાં જુલફાં વધેલાં લાગે એને સામે બેસાડી માંડે કાપવા…. એમને ભાગે રોજેરોજ દસ-બાર બાળકના વાળ કાપવાની જવાબદારી આવે.

picture threeઅલબત્ત, એ પછી તો રજનીકાંતભાઈની વાળ કાપવા સહિતની સ્વચ્છતાઝુંબેશમાં ભાથુજીનગર શાળાના વસંતભાઈ ચૌહાણ, છાણી કુમાર શાળાના નીતિનભાઈ વાઘેલા, શિશવા શાળાના જતીનભાઈ દેસાઈ, પુરુષોત્તમભાઈ માયાવંશી, ઈશ્વરભાઈ માળી અને જયંતીભાઈ પટેલ સહિતના શિક્ષકો પણ જોડાયા. રસપ્રદ વાત તો એ છે કે રાઠોડભાઈ રેગ્યુલર વાળંદ પાસે જઈને આ વિદ્યા શીખ્યા અને બાકીના કેટલાક શિક્ષકોએ રજનીકાંતભાઈ પાસેથી આ હુન્નર શીખી લીધો. એક આડવાત કરીએ તો એકલા રજનીકાંતભાઈએ જ અત્યાર સુધીમાં બે-એક હજાર બાળકોના વાળ કાપી આપ્યા હશે, બીજા શિક્ષકોની સેવાઓ લટકામાં.

ભાથુજીનગર શાળામાં શિક્ષક તરીકે સેવા આપતા વસંતભાઈ કહે છે : ‘પહેલા અને બીજા ધોરણનાં સિત્તેરેક બાળકોને સ્વચ્છ રાખવાની જવાબદારી મેં અને રશ્મિકાબહેને ઉપાડી લીધી. રશ્મિકાબહેન દીકરીઓને સ્વચ્છ રાખે અને હું દીકરીઓને.’
રશ્મિકાબહેન કહે છે : ‘દીકરીઓના વાળ ઓળવાના હોય કે પછી એમના ફ્રોકનાં બટન ટાંકવાની વાત હોય, એ કામ બહેનો જેટલી સહેલાઈથી કરી શકે એટલી સહેલાઈથી ભાઈઓ ન કરી શકે એટલે આ આઠેય શાળાની બહેનોએ આવી કામગીરી ઉપાડી લીધી. ટૂંકમાં, બાળકને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે થાય એટલા તમામ પ્રયાસ કરી છૂટવા એવી ગાંઠ સૌ કોઈએ પોતાના મનમાં વાળી લીધી.’

જોતજોતામાં રજનીકાંતભાઈના સંકલન હેઠળની તમામેતમામ આઠ શાળામાં આ પ્રકારનો પ્રયોગ શરૂ થયો. બાળકોને ઘર કરતાંય સારું વાતાવરણ ખોરાક અને હૂંફ મળતી થઈ એટલે એમની હાજરી પર પણ અસર દેખાવા માંડી. શાળાએ આવ્યા પછી બાળકને જે કરવું હોય એ કરવાની છૂટ. અરે, એકડિયા-બગડિયામાં ભણતું બાળક થાક્યું હોય અને એને આરામ કરવો હોય તો શાળામાં ટાંટિયા લાંબા કરીને સૂઈ જવાની પણ છૂટ. શિક્ષકો આ મામલે કાળો કકળાટ ન કરે. કકળાટની વાત તો દૂર રહી, જો કોઈ બાળકની તબિયત સારી ન હોય તો ગુરુજી એને દવાખાને પણ લઈ જાય.

શિશવા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા બજાવતા જતીનભાઈ દેસાઈ કહે છે : ‘સ્વચ્છતાની સાથે સાથે બાળકોને યોગ અને પ્રાણાયામ તરફ વાળી ભણવા તરફની એમની એકાગ્રતા વધારવાના પ્રયાસ કરવામાં આવ્યા. એ ઉપરાંત, બાળકોમાં અક્ષરજ્ઞાનની સાથે સાથે સ્વચ્છતા, પ્રમાણિકતા, પ્રેમ અને ભાઈચારાના ગુણ વિકસે એ માટે શાળામાં જ દરેક તહેવારની અને બાળકોના જન્મદિવસની રંગેચંગે ઉજવણીઓ શરૂ કરવામાં આવી. શાળાનાં તેજસ્વી અને સક્રિય કહી શકાય એવાં બાળકોને આગળ કરી તમામ બાળકોમાં આ બધા ગુણ વિકસાવવા જુદી જુદી ટુકડી બનાવી.’

જતીનભાઈ કહે છે : ‘બાળકોમાં પ્રમાણિકતાના ગુણ વિકસે એ માટે ‘ખોયા-પાયા’ની પેટી બનાવી. શાળાના ચોગાનમાંથી કે વર્ગખંડમાંથી કોઈ પણ બાળકને પાંચથી માંડીને પચાસ રૂપિયા સુધીની ચીજ મળી હોય તો દોડીને એ પેટીમાં જ નાખી આવે. બીજા દિવસે સૌની હાજરીમાં એ પેટી ખોલી જેની ચીજ હોય એને પાછી આપી દેવામાં આવે.’ જતીનભાઈ કહે છે કે શરૂઆતના દિવસોમાં વિદ્યાર્થીઓની જ ખોવાયેલી ચીજવસ્તુઓ મહદઅંશે પાછી નહોતી મળતી, પણ બાળકોના સર્વાંગી વિકાસ માટેની શરૂ કરેલી ઝૂંબેશ બાદ મહદઅંશે આવી ચીજવસ્તુઓ પરત મળી જાય છે. આને કહેવાય સો ટકા પરિણામ !

(તસ્વીરો : પ્રજ્ઞેશ વ્યાસ.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વન્ડર સાસુની વન્ડર વહુ – અમી ત્રિવેદી
વાચનનો પ્રારંભ – કાકા કાલેલકર Next »   

23 પ્રતિભાવો : ભણવાનું ગમે એવી પાઠશાળા – વિકાસ ઉપાધ્યાય

 1. મૌલિક says:

  રજનીકાંતભાઈ – શબ્દ નથી આપ ના માટે !!

  ધન્યવાદ !! પોતાની કામગીરી મા નહિ હોવા છતાં શિક્ષકો ભેગા થાઈ ને જે કામ કરીયુ છે તે કાબીલે તારીફ છે !!

 2. મૌલિક says:

  રજનીકાંતભાઈ – શબ્દ નથી આપ ના માટે !!

  ધન્યવાદ !! પોતાની કામગીરી મા નહિ હોવા છતાં શિક્ષકો ભેગા થાઈ ને જે કામ કરીયુ છે તે
  કાબીલે તારીફ છે !!

  —-
  આ વિગાત આપનાર વિકાસ ઉપાધ્યાય – One Request – Would you be able to give contact detail of રજનીકાંતભાઈ !!!

 3. zankhana says:

  rajnikant bhai ne khub j abhinandan.
  emna jevu bhagirsth katya jo badha lare to school ni dasha j badlai jai.
  temni samgra teamne abhinandan

 4. BHAUMIK TRIVEDI says:

  wat 2 say !! no words 2 say xcept wonderful job done by mr. ramesh and yes i wish and hope this is jsut the beginning and todays college profs nad school teachers take lesson from this and atleast help students with honour not just if they take their tutions …that’s the seeling of education not sharing the knowledge… hope atleast some teachers do change …thnx again mr. mrugesh and the writer…keep it up ..

 5. Maharshi says:

  khub khub prashansniya kamgiri badal abhinandan! this is what India needs!

 6. કલ્પેશ says:

  રજનીભાઈ, રશ્મિકાબેન અને બધા શિક્ષક/શિક્ષિકાઓ – આપને શત શત વંદન.
  આપના જેવા લોકો હોય તો આ દેશનુ અને આપણા નાગરિકોનુ ભાવિ ઉજળુ જ હોય ને.

  એક નમ્ર વિનંતી – આજે યુવાનીમા મને એમ લાગે છે કે છોકરા/છોકરીના ઉછેરમા ભેદભાવને કારણે ઘણા રોજબરોજના કામ કરતા હું કરી શકતો નથી.

  દા.તઃ શાક/ફળ ખરીદી કરવા (ઋતુ પ્રમાણે), સમારવા, કપડા સાંધવા, ઘરની સાફસફાઇ કરવી, ઘરગથ્થુ દવા, રસોઇ કરવી, ઝાડ/પાનની જાળવણી અને એવા ઘણા નાના કાર્યો જે માત્ર એક છોકરીને જ કરવાનુ કહેવામા આવે છે

  આ પ્રકારનુ શિક્ષણ બાળપણમા મળે અને નિયમિત રીતે કરતા રહેવાથી ચારિત્ર ઘડતરમા એક વધુ ગુણનો ઉમેરો થઈ શકે.

  (આ પ્રકારના કાર્યોની એક સુચિ “અડધી સદીની વાંચનયાત્રા” મા આપેલ છે)
  મૃગેશભાઈ બને તો એ સુચિ મુકશો?

  આ પાઠશાળાનુ સરનામુ/ફૉન વાચકોને જણાવશો.
  પ્રેરણાદાયી !!

 7. Editor says:

  ધન્યવાદ કલ્પેશભાઈ

  હું એ લેખ ‘અરધી સદીની વાચનયાત્રા’માંથી શોધીને મૂકવાની કોશિશ કરીશ. તથા એ જણાવવાનું કે આ લેખ ચિત્રલેખાના 29 ઓક્ટોબર2007 અંકમાંથી લેવામાં આવ્યો છે અને લેખના અંતે feedback2vikas@chitralekha.com નું ઈમેઈલ એડ્રેસ આપેલ છે જેની પર સંપર્ક કરવાથી કદાચ આ સ્કૂલ વિશે વધુ માહિતી મળી શકે.

  નમસ્તે
  તંત્રી.

 8. KRUPA DILIP says:

  There is no word for Rajnikantbhai. our nation need this kind of personality and teachers. very very congratulation Rajnikantbhai. and hope we can teach more from you. I feel this is perfect “સેવા” in truly sense for our society.

 9. Jyoti says:

  માસ્તર શબ્દ ને સાચા અર્થ મા પુરવાર કર્યો….”મા” ના સ્તર નો જે મહાનુભાવ હોય તેને જ “માસ્તર” જેવુ ઉપનામ મલે….

  આજ ના સમયમા જવ્વલે જ સાચા માસ્તર મલે છે. રજનીકાંતભાઈ જેવા……….

  આપને શત શત વંદન અને શુભકામનઓ……..

 10. Maitri Jhaveri says:

  Congratulations to entire team of Rajnikantbhai…
  Very nice inspiring article..
  Thanks..

 11. sunil gupta says:

  Dear editor,
  i appriciate with the site.It will do a great help of gujarati lanuage and gujrati lovers.keep it up.
  -Sunil Gupta.

 12. Rajesh says:

  રજનીભાઈ તથા તેમની સંપૂર્ણ ટીમને ખૂબખૂબ અભિનંદન. In fact, I have been to the places where the schools are situated as per the list above. And to do such a wonderful work in such locations requires a great labour. Its a tedious task and a great patience and much more courage is required in such conditions. If our city sets an example of such a good team work, it should be telecast on all India basis so that other teachers may take some lesson from these teachers, who have been merely money minded and made the education a profession. Well done Rajnibhai and the team members. And also thanks Mrugeshbhai for publishing such a good article on Read Gujarati.

 13. jignesh says:

  now i am in the australia

  i read this article and now really proud of my country and those
  teachers who are doing this type of activity.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.