વાચનનો પ્રારંભ – કાકા કાલેલકર

smaran yaatra[કાકા કાલેલકર સાહેબના નાનપણનાં કેટલાંક સંસ્મરણો પર આધારિત પુસ્તક ‘સ્મરણયાત્રા’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

નાનપણમાં અમારે વાંચવાલાયક ચોપડીઓ હાથમાં ઝાઝી આવતી નહીં. શાહપુરની નેટિવ જનરલ લાઈબ્રેરીમાં જ્યારે હું પહેલો ગયો અને ત્યાં જોયું કે, મહિને ઓછામાં ઓછા બે આના આપવાથી છાપાં વાંચવા મળે છે એટલું જ નહીં, પણ એ પુસ્તકસંગ્રહમાંથી વાંચવાને ચોપડીઓ પણ મળે છે, ત્યારે મને બહુ આશ્ચર્ય થયું. આવી જાતની વ્યવસ્થા જેને સૂઝી હશે તેની કલ્પક્તા વિશે મારા મનમાં ભારે માન ઊપજ્યું. ચોપડીઓ ખરીદવી ન પડે અને છતાં ઘણી વાંચી શકાય એ સગવડ શું ઓછી છે ? જેને આ યુક્તિ સૂઝી હશે તે માનવજાતિનો કલ્યાણકર્તા છે એમાં શક નથી, એમ તે દિવસે અસ્પષ્ટપણે મને લાગ્યું. ઘરમાં તો શિવાજીનું ચરિત્ર, શિવાજીના ગુરુ દાદાજી કોંડદેવનું ચરિત્ર, રમેશચંદ્રના ‘જીવનપ્રભાત’નો મરાઠી અનુવાદ અને હરિશ્ચંદ્ર નાટક એટલું જ વાંચેલું. ઘણુંખરું તો સમજાયું પણ ન હતું. પુરાણ સાંભળવા જઈએ તેમાં ખૂબ મજા પડતી. લાઈબ્રેરીમાંથી પહેલવહેલી વાંચેલી ચોપડી ‘મોચનગઢ’ – વિશે તો મેં લખ્યું જ છે. આમ, વાંચવાનો શોખ શરૂ થયો હતો, એટલામાં અમે મીરજ ગયા. તે વખતે હું મરાઠી ચોથી ભણતો હોઈશ. મીરજમાં પિતાશ્રીને મીરજવાળા સંસ્થાનના હિસાબ તપાસવાના હતા. એ સંસ્થાનના દફતરમાં કોણ જાણે શા કારણે મરાઠી ચોપડીઓનું એક કબાટ હતું. કેશુને એ પુસ્તકસંગ્રહની ક્યાંકથી ભાળ લાગી હશે. એ ત્યાંથી વાંચવા માટે ચોપડી લઈ આવ્યો. મને પણ ચોપડી લાવવાનું મન થયું. મેં પિતાશ્રીને કહ્યું કે મારે વાંચવા માટે ચોપડી જોઈએ. એમણે એ સંગ્રહ જેના હાથમાં હતો તે કારકુનને કહી દીધું કે આને વાંચવાની ચોપડી આપજો.

પિતાશ્રી અમારા ભણતર તરફ કે ઘડતર તરફ જરાયે ધ્યાન આપતાં નહીં. એમને પોતાને ચોપડીઓ કે છાપાંઓ વાંચવાનો શોખ નહોતો. વાતો હાંકવા એમની પાસે ઝાઝી મંડળી પણ આવતી નહીં. કોઈ આવી જ ચડે અને વાતો કરે તો વિવેક ખાતર સાંભળે ખરા, પણ એમાં પોતે ઝાઝો રસ ન લે. કચેરીનું મુખ્ય કામ, માંદાઓની માવજત, દેવપૂજા, સ્તોત્રપાઠ એવા જ એમના મુખ્ય વિષયો હતા. સાંજે નિયમિત ફરવા જાય, શાક પોતે ખરીદે. રાત્રે સાડા આઠ વાગે કે સૂઈ જવું ને સવારે વહેલા ચાર વાગ્યે ઊઠી ઈશ્વરચિંતન કરવું, એ એમનો હમેશનો અબાધિત કાર્યક્રમ. એમને બીજું કશું સૂઝતું જ નહીં; માંદા પડવાનું પણ સૂઝતું નહીં. અમે શું ભણીએ છીએ, શું વાંચીએ છીએ, કોની સાથે દોસ્તી રાખીએ છીએ, અથવા અમારા મગજમાં શું ચાલે છે, એ જાણવાની તેઓ જરાયે દરકાર રાખતા નહીં. છતાં એમને શું ગમે છે, શું નથી ગમતું, એનો અમને કંઈક ખ્યાલ હતો. એમનું સાદું અને સ્વચ્છ જીવન એની મેળે પોતાની અસર અમારા ઉપર પાડતું. પણ સાહિત્યની બાબતની એમની બેદરકારી અમને ખૂબ નડી.

કારકુને મને પૂછ્યું : ‘તમારે કેવી ચોપડી જોઈએ છે ?’
‘હું શું જાણું ?’ મેં કહ્યું, ‘મજા પડે એવી સરસ ચોપડી તમે જ પસંદ કરી આપો.’ તેણે પાંચ દસ ચોપડીઓ હાથમાં લઈ એમાંથી એક મને કાઢી આપી અને કહ્યું : ‘આ લઈ જાઓ, આમાં બહુ જ મજા પડશે.’ એણે એ બધી ચોપડીઓ વાંચી હતી એમાં તો શક જ નથી. એણે મને જે ચોપડી આપી હતી તેનું નામ હતું ‘કામકંદલા’. એ નાટક હતું કે નવલકથા હતી તે મને બરાબર યાદ નથી. મુગ્ધભાવે હું એ વાંચવા લાગ્યો. મને એમાં ઝાઝો રસ ન પડ્યો. રસ પડે એવી મારી ઉંમરે ન હતી, છતાં હું જોઈ શક્યો કે એ ચોપડી ગંદી છે, અશ્લીલ છે.

ચોપડીની મારા ઉપર અસર થઈ તે કરતાં બીજા એક વિચારની જ વધારે અસર થઈ. હું મનમાં બોલ્યો : ‘ત્યારે કેશુ પણ આવી ગંદી ચોપડીઓ વાંચે છે અને એમાં રસ લે છે ? પેલો કારકુન ઉંમરે મોટો માણસ છે. અમારા જેવા નાના છોકરાઓને આવી ચોપડીઓની એ ભલામણ કેમ કરતો હશે ? ચોરી કરે તો માણસ એકલો જ કરે, બે જણ જ્યારે ચોરી કરે ત્યારે અરસપરસ ચોર છે, એટલી ઓળખાણ તો થઈ જ જાય ને ? કોઈ માણસ સાથે ચોરીમાં સહકાર કરવા જતાં એની આગળ તો બેશરમ થવું જ પડે ને ? કેશુ અને કારકુન એકબીજા વિશે કેવો અભિપ્રાય ધરાવતા હશે ? અને કશા સંકોચ વગર મને એણે આવી ચોપડી આપી એટલે મારે વિશે પણ એ કારકુન શું ધારતો હશે ? અને કેશુ તો મારો મોટો ભાઈ; મને જે હંમેશ ડાહ્યો થવાનો ઉપદેશ કરે છે, હંમેશ જેના આશ્રય તળે જ રહું છું એ કેવી ચોપડીઓ વાંચે છે, એની હવે મને ખબર પડી છે એ તો કેશુ જાણતો જ હશે. આવી ખરાબ ચોપડીઓ આ પહેલાં મારા હાથમાં આવી નથી એ પેલો કારકુન ન જાણતો હોય પણ કેશુ તો જાણે જ છે. એણે મને ચોપડી લેતાં કેમ ન રોક્યો ?’ અમે કેવી જાતની ચોપડીઓ વાંચીએ છીએ એની પિતાશ્રીને ખબર નથી એ તો હું બરાબર જાણતો હતો. અને કોઈએ શીખવ્યા વગર જ મને સૂઝી આવ્યું કે આવી વાતો પિતાશ્રીથી છાની જ રાખવી જોઈએ.

ઉપર લખેલી વિચારપરંપરા તે વખતે આવી ભાષામાં અથવા આટલી સ્પષ્ટતાથી તો હું ન જ લખી શકત. પણ એમાંનો એકએક વિચાર તે વખતનો જ છે એની હું ખાતરી આપવા માગું છું. ‘અમુક કામ કરવું એ ખોટું છે એમ તે વખતે હું જાણતો નહોતો’ એમ કહી જ્યારે કોઈ પોતાનો બચાવ કરે છે ત્યારે એ વાત સહેજે મારે ગળે નથી ઊતરતી. સારું શું અને ખોટું શું એનો કંઈક સ્થૂળ ખ્યાલ કોણ જાણે કઈ રીતે પણ માણસને બહુ જ વહેલો મળે છે.

સદભાગ્યે તે વખતે મારામાં આવી ચોપડીઓનો રસ ઊપજ્યો ન હતો. મ્યુઝિયમ જોવા જવું, કવિતાઓ ગોખવી, રમતો રમવી, ગોંદુ (મારો મિત્ર) જોડે વાતો કરવી અને નવરા હોઈએ ત્યારે મોટા થઈને મંદિર કે મકાન કેવી રીતે બાંધીશું એનો વિચાર કરવો, એ જ મારો મુખ્ય વ્યવસાય હતો. બિલાડીઓ અને કબૂતરો એ તે વખતના મારા જીવનનાં મુખ્ય સાથીઓ હતાં. એક બ્રાહ્મણ વિધવા ડોશી અમારે ત્યાં ભિક્ષા માગવા આવતી. એની પાસે લોકગીતોનો ભંડાર હતો. મારી બાને લોકગીતોનો શોખ ભારે. એને એ શોખ આક્કાએ (મારી બહેને) લગાડ્યો હતો, લોકગીતોનું એનું ભંડોળ જબરું હતું. સીતાનો વિલાપ, દ્રૌપદીની ભીડ, દમયંતીની મૂંઝવણ, રુકિમણીનો વિવાહ, હનુમાનની લંકાલીલા, શ્રીકૃષ્ણે ગોપીઓની કરેલી વિડંબના, એ જ એ ગીતોના મુખ્ય વિષયો હતા. કોઈક કોઈક વાર સ્મશાનવાસી બાવો મહાદેવ અને એની અનન્ય ભક્તિ કરનાર શૈલજા પાર્વતી વિશેનું લોકગીત નીકળતું. મારી બા અને મારી ભાભીઓ બધાં જ લગભગ નિરક્ષર, એટલે શ્રૌત પદ્ધતિથી જ તેઓ કવિતાનો આસ્વાદ લઈ શકે અને ગુરુમુખથી જ ગીતો મોઢે કરી શકે. પેલી ડોશી લગભગ આખો બપોર અમારે ત્યાં ગાળતી. એમાં એને પ્રાપ્તિ પણ ઠીક થતી; બાને તેમ જ ભાભીને કાવ્યોનો રસ મળતો. હું આ રસમાં ભાગીદાર થવા ચૂકતો નહીં. બા જોડે હું પણ કેટલાંયે લોકગીતો અનાયાસે શીખી ગયો હતો. સહેજ ઉંમર વધ્યા પછી મારા મગજમાં એવું ભૂત ભરાયું કે બૈરાંઓનાં ગીતો યાદ રાખવાં એ મરદને છાજે નહીં, એટલે પ્રયત્નપૂર્વક મારો એ રસ મેં મારી નાખ્યો અને એ લોકગીતો હું ભૂલી ગયો !

પણ તે વખતના આવા શુદ્ધ રસ આગળ ‘કામકંદલા’માં હું મશગૂલ ન થઈ શક્યો. એ ચોપડી મેં પૂરી કરી એના પહેલાં જ અમારો મીરજનો વાસ પૂરો થયો અને અમે જત ગયા. મેં એવી એ એક જ ચોપડી વાંચી એની અસર એ વખતે કશી ન થઈ, પણ ઉનાળામાં વાવેલું બીજ જેમ એમ ને એમ પડ્યું રહે છે અને ઘન વર્ષ્યે પાંગરે છે, તેમ ઉંમર વધ્યા પછી એ ચોપડીના વાચને પોતાની અસર બતાવી અને મનમાં મેલા વિચારો આવવા લાગ્યા. પણ ઘરની રહેણીકરણી અને સંસ્કારો શુદ્ધ, પિતાશ્રીની ધર્મનિષ્ઠા જબરી અને મોટાભાઈની નૈતિક ચોકી નિરંતર જાગ્રત, તેથી એ મેલા વિચારોના અંકુરો ત્યાં ને ત્યાં જ દબાઈ ગયા અને તેથી કલ્પનાની વિકૃતિ ઉપરાંત ઝાઝી માઠી અસર થઈ નહીં. વાતાવરણ શુદ્ધ હોય તો ખરાબ વાચનમાંથી પણ માણસ કંઈક બચી શકે છે. ખરાબ વાચન એ ખરાબ તો ખરું જ; એનાથી બાળકોને બચાવવાં જોઈએ. પણ નિર્દોષ અને પ્રેમાળ કૌટુંબિક વાતાવરણ એ જ સૌથી અગત્યનું છે. શુદ્ધ વાત્સલ્યનો આસ્વાદ મળતો હોય ત્યાં જીવન સહેજે સુરક્ષિત રહે.

[કુલ પાન : 256. કિંમત રૂ. 40. પ્રકાશક : જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ, નવજીવન પ્રકાશન મંદિર. અમદાવાદ-380 014.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભણવાનું ગમે એવી પાઠશાળા – વિકાસ ઉપાધ્યાય
લાવણ્ય – ડૉ. પલ્લવી ભટ્ટ Next »   

11 પ્રતિભાવો : વાચનનો પ્રારંભ – કાકા કાલેલકર

 1. કાયમ કાકા કાલેલકર સાહેબનૅ વાંચવા ગમે છે…….તેમનું લખાણ સરળ તથા ઉંડુ હોય છે….

  By the way thank you very much for this nice pos…

 2. ગાંડાભાઈ વલ્લભ says:

  વર્ષો બાદ કાકા કાલેલકર સાહેબ વાંચવા મળ્યા. ઈન્ટરનેટની જ બલિહારી.

  મને પણ વર્ષો પહેલાં કદાચ બાળપણથી એવું લાગતું કે સાચું શું અને ખોટુંું શું એની જાણકારી સહુને કોઈ ને કોઈ રીતે બહુ પહેલાંથી હોય જ છે.

  બહુ જ સરસ લેખ.

 3. ભાવના શુક્લ says:

  એ વાત સહેજે મારે ગળે નથી ઊતરતી. સારું શું અને ખોટું શું એનો કંઈક સ્થૂળ ખ્યાલ કોણ જાણે કઈ રીતે પણ માણસને બહુ જ વહેલો મળે છે.
  …………………………………………….
  કેટલી સત્ય વાત અને કેટલા નિર્મળ ભાવથી કહેવાયેલી….
  હકિકત છે કે ખોટાનુ ભાન માણસને બહુ બહુ વહેલુ થઈ જતુ હોય છે…..છતા સમયના માપની ઢાલ આગળ ધરીને કેટકેટલા દંભને પોષ્યા કરીએ આપણે!!!

 4. Axresh Patel says:

  ઘણા સમય પહેલા વાન્ચેલ આ પુસ્તક્ની યાદ તાજી થઈ ગઈ. સરસ પુસ્તક છે.

 5. Utkantha says:

  સરસ. ખૂબ મજા આવી. કાકાસાહેબની શૈલી એટલે કહેવું પડે. આભાર..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.