- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

લાવણ્ય – ડૉ. પલ્લવી ભટ્ટ

[ ગુજરાતી સાહિત્યમાં ખૂણે ખૂણે કેવા રત્નો પડ્યા છે તેની જાણકારી મેળવીને વાચકો કદાચ આજે મોંમા આંગળા નાખી જાય તો નવાઈ નહીં ! ડો. પલ્લવીબેન સુપ્રસિદ્ધ કવિ ‘કાન્ત’ના પૌત્રી છે અને તેમણે “કવિ કાન્તનું ગદ્ય” વિષય પર પી.એચ.ડી. કરેલ છે. હાલમાં તેઓ ગુજરાત યુનિવર્સીટી સંચાલિત ખંભાત આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજમાં ફરજ બજાવી રહ્યા છે. ભારતીય કંઠ્ય સંગીતમાં ‘અલંકાર’ અને વાદ્યમાં-સિતારવાદનમાં તેઓ ‘વિશારદ’ ની પદવી ધરાવે છે. માત્ર આટલું જ નહિ, તેઓ શ્રેષ્ઠ ફોટોગ્રાફર પણ છે. Kodak અને Milonta દ્વારા હોજાતી ઈન્ટરનેશલ ફોટો હરિફાઈમાં તેઓ પ્રથમ રહ્યાં છે. કવિ અને સાહિત્યકાર તરીકે તેમણે અનેક પુસ્તકોનું જાતે જ પ્રકાશન કર્યું છે અને તેમના પુસ્તકોની વિશેષતા એ છે કે તેમાં તેમની કૃતિઓની સાથે વાચકોને તેમની ફોટોગ્રાફીની પણ ઝલક મળી રહે છે. તેમના ‘કૃષ્ણમયી’ (કાવ્ય) પુસ્તકને કલાગુર્જરીના આઠ એવોર્ડ મળ્યા છે. તેમના ‘ખેલૈયો’ કાવ્યને કુમારચંદ્રક મળ્યો છે. ‘એ અનેક એક હું’ ,‘શું શુષ્ક ? તુચ્છ ? ક્ષણેક વસ્તુ ?’ કાવ્યને અ.ક. ત્રિવેદી સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે. તેમની કૃતિઓને કવિશ્રી સુરેશ દલાલ દ્વારા સંપાદિત ‘બૃહદ ગુજરાતી કાવ્યસમૃદ્ધિ’ માં સ્થાન મળ્યું છે. આ જ રીતે સંગીતમાં તેઓ પંડિત જસરાજના શિષ્યા છે અને સચીન લીમયેના સ્વરમાં સંગીત-નિર્દેશક તરીકે ‘ગોપવંદના’ નામની તેમની ઓડિયો કેસેટ બહાર પડેલ છે. આજે તેમના ‘લાવણ્ય’ પુસ્તકમાંથી આપણે કેટલાક નિબંધો માણીશું. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા બદલ ડૉ. પલ્લવીબેનનો (પેટલાદ, ગુજરાત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 2697 251793. ]

[1]
કૉલેજમાંથી સાંજના ઘેર પાછી ફરતાં કૉલેજથી રિક્ષામાં બસ સ્ટૉપ પર આવી. રિક્ષામાંથી ઊતરી બસમાં બેઠી, તે સમયે હાથમાં રહેલ પુસ્તક ખભે રહેલા થેલામાં મૂકવા જતાં મેં જોયું – મારું ચામડાનું મોટું પાકીટ ન મળે. એક જગ્યાએ બસની અંદર બેસીને ફંફોસ્યું, ન જડ્યું. થેલાની અંદર બીજે ક્યાંય પૈસા મૂકેલા નહીં. ખંભાતથી પેટલાદ કેમ પહોંચવું ? એ મોટો પ્રશ્ન રહ્યો. બસ ચાલુ હતી. વીલા મ્હોંએ મેં કંડક્ટરને કહ્યું : ‘ભાઈ, બસ ઊભી રાખો. મારું પાકીટ મળતું નથી. મારાં સહકાર્યકરને ત્યાં જઈને પૈસા લાવીશ પછી જ મારાથી મુસાફરી થશે.’ કંડકટર સહજતાથી બોલ્યો : ‘બેન, પૈસાની ચિંતા ન કરો એ હું આપીશ.’ મેં કીધું : ‘તમને મારે કેમ પહોંચાડવા ?’ અને એ હસ્યો.

‘અરે બેન ! એની ચિંતા છોડોને…. મારું પાકીટ ચોરાયું હોત તો તમે શું મદદ ન કરત ?’ હું ચૂપ રહી. મને કહે : ‘બેન, પ્રસંગ સરે એ જ મહત્વનું છે. તમે અકબંધ રહો, એ વધારે સારું છે. બસભાડું લેવા જતાં ઘેર મોડા પડશો, ઘરના બીજા કામ અટવાશે. તમને અનેક પ્રશ્નો પૈસા આપનાર પૂછશે. અને જગબત્રીસીની ચર્ચાનું નિમિત્ત બનશો. મારે તમારી પાસેથી પૈસા પાછા લેવાના જ નથી. તમારો નાનો ભાઈ હોય તો ન આપે ? એમ સ્વીકારો. છતાં તમારું મન કોચવાતું હોય તો હું તમારું મન સાચવવા જરૂર લઈશ.’

મને થયું આ કંડકટર તો મને આજે જુએ છે પણ એના અંતરની મિરાંત માણસ તરીકેની કેટલી મોટી છે ? આપણે સહુ તો મોટામશ વ્યાખ્યાનો આપીને સભાખંડ ગજવતા હોઈએ છીએ, ત્યારે આવા સદવર્તન સામે તદ્દન આપણે વામણા છીએ. આની પાસે જીવનની કોઠાસૂઝ કેવી છે ! એ જગતના વ્યવહારને બરોબર સમજે છે. તમે કોઈ પાસે કાંઈ માંગશો એ પહેલાં પ્રશ્નોની ઝડી વરસશે, તેની સોગઠાંબાજી થશે અને ચર્ચાનો વિષય બનશે. જીવનની નગ્નતા, ભગ્નતાનો કોઈ ગજ નથી. એક સહજ સ્વાભાવિક સ્થિતિમાં આ વ્યક્તિ વહે છે, પોતે કરેલા કાર્યનો ડોળ નથી પણ એ ક્ષણે મદદ કરવામાં-આપવામાં તે આનંદ અને કૃતાર્થતા અનુભવે છે. આ બધું મનુષ્ય શું કોઈ ડિગ્રીથી, કેટકેટલા મોટાગ્રંથથી, આચમનીથી કે અખંડ તપથી મેળવે છે ? ના, એના જીવનના પ્રવાહમાં વહેતાં વહેતાં એના અનુભવના કાંપમાંથી નિજત્વનું પ્રસ્ફુટન થાય છે.

[2]
પેટલાદ કૉલેજ પાસે મઢી છે. એમાં મસ્તાના બાબા નામે ફકીર રહેતા હતા. કૉલેજમાં રીસેસ પડે અને અમે બધાં મઢીએ જઈએ, તો બાબા કાંઈ ને કાંઈ વાંચતા હોય. અમારા જવા પાછળનું મૂળ કારણ એ હોય કે મઢી પાછળના ખેતરમાં થયેલાં બોરડીનાં બોર, જામફળીના જામફળ તોડવા. અહીંની જગ્યા ખૂબ વિશાળ હોવાથી થોડું રમવુંયે હોય. ખેતરમાંથી મઢીએ થઈને પાછાં ફરતાં અમારી વાનરસેના ભક્તિનિકેતન આશ્રમમાં રહેતા સ્વામી સચ્ચિદાનંદ પાસે જાય. આ આશ્રમ અત્યારે જેટલો પ્રસિદ્ધ છે એટલો એ વખતે પ્રસિદ્ધ ન હતો. અહીં તે વખતનું પરિસર નાનું હતું. સ્વામી સચ્ચિદાનંદ આચારે-વ્યવહારમાં આધુનિક અને નમનીય હતાં એટલે અમારી દોસ્તી બરોબર જામતી. મસ્તીના બાબા અને સ્વામી સચ્ચિદાનંદ સાથે અંતરનો ગજબનો મેળાપ હતો. એમના આશ્રમમાં થતાં ગદ્ધા લીંબુ અમે તોડીએ, અને સ્વામીજી પાસે ચપ્પુ માંગીએ. ચપ્પુ આપતાં પહેલાં સ્વામીજી એક શરત મૂકતાં. અમારી વાનરસેનાએ વારાફરતી ભગવદ ગીતાના કોઈ પણ અધ્યાયમાંથી ગમતો એક શ્લોક બોલાવાનો. અમારા તોફાની બારક્સનું નેતૃત્વ વત્સલા સંભાળે. મારો પહેલો વારો રાખે. સ્વામીજી આંખ બંધ કરી હાથમાં ચપ્પુ રાખે અને ભગવદ ગીતાનો શ્લોક હું મારી નવી શૈલીથી બોલું ત્યારે સ્વામીજીની આંખ તદ્દન બંધ જ હોય એટલે લાગ ગોતી ધીમેથી બોલું…

‘સર્વધર્મ પરિતજ્ય સચ્ચિદાનંદ શરણમ વ્રજ’ ‘સચ્ચિદાનંદ શરણમ વ્રજ’ માં માત્ર હોઠના ધીમા ધ્વનિ ફફડે, એટલે શ્લોક પૂરો થતાં વત્સલાને સ્વામીજીએ પૂછ્યું : ‘બોલ બેટા, આગળ ગઈ એ દીકરી શું બોલી ?’ એટલે ઠાવકી બની વત્સલા કહે : ‘હું દૂર હતી, એને પૂછીને હમણાં કહું…’

પછી થોડે દૂર જઈને અમારું ‘હો… હો….’ હસવું ચાલે પરંતુ સચ્ચિદાનંદજીનો વત્સલપ્રેમ વરસતો જ રહે. પરીક્ષા સમયે સામેથી પૂછે, કાંઈ મદદ જોઈએ છે ? તે વેળા અમારી વાનરસેના ભાવુક બની જાય અને પજવ્યાનો મનમાં ખેદ થાય, આંખમાં ઝળઝળિયાં આવે ત્યારે સ્વામી વત્સલનેત્રે માથે હાથ મૂકીને કહે : ‘આ ઉંમરે તોફાન-મસ્તી નહીં કરો તો ક્યારે કરશો ? આ ક્ષણ ફરી જગતની કોઈ વ્યક્તિ તમને નહીં આપી શકે.’ કહી… ધીર… મૌન બની અમને જોયા કરે. આ સંપદા અમારી ભીતર ઘણું રોપતી રહી છે.

જ્યારે મસ્તરામ બાબા અમારા તોફાનોમાં મૌન સંમતિ આપે. ક્યારેક અમારે માટે ખેતરમાંથી બોર, આમળાં, ગોરસ આંબલી તોડાવી રાખે. જ્યારે એમની મઢીમાં ઉર્સ ભરાવાનો હોય ત્યારે અમને બધાને કહે : ‘જુઓ બેટા, અહીંયાં શાસ્ત્રીય રાગો ગાતા લખનૌ ઘરાનાના ગાયકો આવશે. એમની બંદિશ શાંતિથી સાંભળજો, ન સમજો તોય એ સૂર તમને ઘણું ઘણું આગળની જિંદગી માટે આપશે. એ અલ્લાહની બંદગી છે, તમને બળ મળશે. તમે તાજા માજા થશો.’ થોડું થોડું કંઈક શીખ્યા હતા એટલે અમે બધાં થોડીકવાર માટે પણ આવીએ. મસ્તાના બાબાના શિષ્યો પણ આવતા. ગાયકોને આદર-સન્માન આપે. એમની પાસે નીવડેલાં ગાયકો આવતા હતાં. મારા ગુરુ પંડિત જસરાજ, કંકણા બેનર્જી, કિશોરી અમોલકર, ક્યારેક પરવીન સુલતાના તો ક્યારેક વડોદરા હોય તો તબલાના નવાઝ ડૉ. ઝાકીર હુસૈન પણ આવે, અને જાણે એક સામવેદનું નાનકડું વૃંદ રચાય. સમયની હળવી બંસીમાં આ ચિર સુર અમારા અંતરના કમાડ ખોલી દે.

એકવાર કંકર્ણા બેનર્જી ઠુમરી ગાતાં હતાં. એમની ખ્યાલ ગાયકીમાં આહિર ભૈરવ ચાલતો હતો. બંદિશમાં સહેજ માત્રા તૂટી… અને મસ્તાના બાબાનાં શિષ્યા કંકણાજીને રોકીને બોલ્યા : ‘કંકણાજી, ક્યા આજકલ આપકા રિયાઝ કમ હો ગયા હૈ ?!…’ કંકણાજી ચૂપ રહ્યાં. આંખો ભીની થઈ અને પેલાં શિષ્યા પાસે આવ્યાં. એમને આવડે એવી હિન્દીમાં બોલ્યાં :
‘બેટી…. સૂર કી બંદગી મેં કોઈભી મહોલ કી અસર ના હોની ચાહીએ… યે બંદિશ તો ખુદા કી બંદગી હૈ… અપને કો સંભાલો… વક્ત તો બેરહમ હૈ, હમે અપની પર હી રહેમ કરના હોગા… અપને પર ખુદ્દાર તુમ તો હો ભલા… અલ્લાહ ખ્યાલ રખે, યહી મેરી દુવા હૈ.’ અને ભરચક મેદની વચ્ચે કંકણા બેનર્જીના હૃદયના બંધ તૂટી ગયાં અને આર્દ્ર સ્વરે બોલ્યા : ‘આપા, અબ ઐસા નહીં હોગા.’ કહીને એમને પાદસ્પર્શ કરી પ્રણામ કર્યા… આપાએ જતનથી ઊભા કરીને છાતી સરસા ચાંપ્યાં ત્યારે મને થયું : શું ગુરુ…. આવા ગુરુ કઈ મહાશાળામાં ગયા હશે ? એ તો અંદરથી જ ઘડાયેલ હોય ને…. મારી સમજણ ગોઠવાતી ગઈ કે ગુરુ એજ એની સાધના નીતરતી હોય કે, એનું આભિજાત્ય ગૌરવાન્વિત હોય. પછી તો એ મસ્તાના બાબાનાં શિષ્ય રાગરાગિણીના અભ્યાસમાં અમારા પણ ગુરુ રહ્યાં.

[3]
બાળપણના એ દિવસો આજે પણ મારી સ્મૃતિની છીપમાં સચવાયેલાં અક્ષત છે. મુંબઈ મારું મોસાળ. મોસાળમાં રહેતાં રહેતાં આનંદના દિવસો પક્ષીની પાંખની જેમ ઊડી ગયા. હજુ સુધી મને સમયની દાબડી હાથ લાગી નથી જેમાં આ સ્મૃતિને દાબડીમાં મૂકી શકું.

મારી સાથે મારો બાળભેરુ અમિય હતો. નામ પ્રમાણે જ એના વ્યક્તિત્વમાં માધુર્ય હતું. સમજ અને ઠાવકાશ ઉંમર કરતાં વધારે હતી. ફિલોસૉફીનું કોઈ પણ પુસ્તક એના હાથમાંથી ન સર્યું હોય એવું બન્યું નથી. હંમેશ નાનકશાની જેમ કહેતો : ‘નેકી કર ઔર ખડ્ડે મેં ડાલ’ (સત કર્મ કરો અને ભૂલી જાવ). અંતરથી ફૂલ જેવો કોમળ, કર્મથી કૌશલ્યપૂર્ણ દક્ષતાપૂર્ણ, દરેક વસ્તુ હાથ પર લે અને પ્રાવીણ્યથી પાર પાડે. છતાં જ્યારે યશ આપવાનો હોય ત્યારે એની આસપાસના વૃંદને આપે. એની સાથેની ક્ષણો એટલી સભર છે કે પાયલોટ હોવાથી, યુવાન વયે સરહદ પરના યુદ્ધમાં લડતાં એણે જીવન સંકેલ્યું. આજ પણ મારા હૃદયમાં જે સ્થાન છે તે હજુ કોઈ ત્યાં આંબી શક્યું નથી. માત્ર મારા સંતભાઈ એની ઘણી લગોલગ છે. કદાચ એ હવેની વ્યવસ્થાના અલખના પથના સહપાન્થેય રૂપ હોય તેમ અનુભવું છું.

બાળપણના એ દિવસોમાં પંડિત જશરાજ પાસે સંગીતનો એકડો ઘૂંટવા જતાં હતાં. અમારી બાળટુકડીમાં સૌથી નાની હું હતી. અંધેરીથી પેડલએડ (પંડિતજીનું ઘર ત્યાં હતું) ટ્રેનમાં જતાં. ટ્રેનમાં તોફાનમસ્તી તો હોય જ.

અમારું વૃંદ પંડિતજીને ઘેર પહોંચે એટલે પંડિતજી એમના ઘરમાં રહેલી કૃષ્ણની સુંદર મૂર્તિ સામે ઊભા રહીને મધુરાષ્ટક ગાય, અને વલ્લભાચાર્યનું મધુરાધિપતે…. ગાય. બન્ને ગીતમાંની કડીમાં આવતાં આવર્તનોથી સૂર પૂરવાના, જેમ કે ‘નમામિ મેઘ સુન્દરમ્, નવીન કેલી લંપટમ્’ અમે બધાં શબ્દની સરવાણી ઝટપટ બોલી જઈએ ત્યારે પંડિતજી એ સ્તોત્રનો ભાવ સમજાવે અને સ્વરોનાં આંદોલનો, સ્વરપેટી અને નાભિ હૃદયમાંથી ઉચ્ચાર કાઢી કેમ કરવાં તે બતાવે.

તે વખતે આવી અટપટી વાતો મારે ગળે ન ઊતરે. મારું ચિત્ત તો તેમના ઘરમાં રહેલાં બીજા વાજિંત્રોમાં, કંઈક અળવીતરાં કરવામાં હોય. માથે હાથ મૂકી પૂરા હેતથી સમજાવતા હોય પણ નાદાનિયત એટલી કે અભ્યાસની ગંભીરતા તોફાનના ઉકેલ ચળમાં ગુલ થઈ જાય. ઘરેથી જ્યારે કોઈવાર મને એકલીને કોઈ મૂકી ગયું હોય ત્યારે પંડિતજી રિયાઝ કરતાં હોય, તાનપૂરામાં કેટલાય રાગો ચાલતા હોય ધનાશ્રી, પૂર્વી, બાગેશ્વરી, ગુર્જર તોડી, મેઘ, આહિર ભૈરવ. તે વેળા ચૂપકીથી મારું ફ્રોક સંકોરીને બેસું. એમને મારા આવવાની જાણ થઈ જાય, પણ એ સૂરના આલાપ-તાનમાં ડૂબેલા હોય. તે વેળા કશું સમજાતું ન હતું પણ અત્યારે એ અનુભૂતિમાં ગોઠવાઈ જોઉં છું ત્યારે લાગે છે કે જાણે આખો નભોમંડળમાંથી લલિતપૂર્ણ રાસ થતાં પહેલાંનું આહ્લાદિનીનું રૂપ વર્ષાનાં ફોરાંની જેમ આસપાસ પડે છે. હૈયું ભીંજાઈ જાય છે.

સમજણ કશી જ ન હતી. એ આલાપ, એ તાન, સાંભળતાં સાંભળતાં આંખો ભીની થતી. અનુનય અને વિરહના શબ્દો અને સૂર આવે ત્યારે સહેજ હૈયે ડૂમો ભરાઈ જતો. મારા રડવાનો અવાજ ધીમો પણ સંભળાય. એટલે પંડિતજી એમનો તાનપૂરો નીચે મૂકી – બોલે, ‘ભનકી, તુમ જરૂર કલાધાત્રિ બનોગી.’ (મામા – ભનકી કહે એટલે પંડિતજી પણ ભનકી જ કહે.) નાનકડા બીજા હાથે રોતી આંખે એમની સામે આશ્ચર્ય કરું. હિંદી ભાષા સમજુ, પણ બોલતાં નહોતી આવડતી એટલે મારી બાળભાષામાં કહું : ‘રોઈ પાડાય એવું આમાં કેમ વાગે ?’

અને મારું માથું હલાવતાં, બરડે હાથ ફેરવતાં ખડખડાટ હસી પડે. મારી આંગળી પકડી ઠાકોરજી પાસે લઈ જાય. ત્યાં પડેલ કેસર-ચંદનનો ટીકો કરે, લાડુની પ્રસાદી આપે. ‘તુમ કોમલહી રહોગી, કૃષ્ણપ્રિયા જો હો.’ અને પછી બીજા હાથે પે’લી લાડુડી તોડવા આંગળા આગળપાછળ કરતી હોઉં અને મન પ્રસાદ આરોગવામાં હોય. આજે જ્યારે યાદ આવે છે ત્યારે એ અક્ષય ખજાનાનું મહત્વ સમજાય છે. પંડિતજીની જેમ મારા સંતભાઈ મંદિરમાં ઠાકોરજી પાસે લઈ જાય, ભાવથી પ્રાર્થના કરે, કપાળે ટીકો કરે ત્યારે પણ થાય કે ક્રમ એ જ છે, થાય છે અને કોઈક અગમની યાત્રી બનાવવા મને સંચારિત કરે છે.

આજે થાય છે કે કલાગુરુ જેવા પિતાની સુવર્ણા ઝવેરી બની શકી નથી જે પંડિતજીનો વારસો સાચવે, પરંતુ ઈચ્છું છું કે ક્યાંક આ અસ્તિત્વ એમના ભાવસંવેદનની વારસદાર બની શકતું હશે.

[કુલ પાન : 99. કિંમત : 100. પ્રકાશક : ડૉ. પલ્લવીબેન ભટ્ટ, અભીપ્સા, 22, ગોકુલ સોસાયટી, સાઈનાથ રોડ. પેટલાદ 388 450. ફોન : +91 2697 251793. ]