- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

તન અપંગ, મન અડીખમ – કુમારપાળ દેસાઈ

સાંજનો સમય હતો. એક બાર વર્ષના છોકરાએ પોતાના ઘરની બહાર પગ મૂક્યો. પોતાના ભાઈને વાળુ કરવા બોલાવવાનો તે વિચાર કરતો હતો. હજી ઘરની બહાર પગ મૂકે છે, ત્યાં તો એક મોટો ધડાકો થયો. એવો મોટો ધડાકો કે આખાય વિસ્તારની વીજળી ચાલી ગઈ. ન કાંઈ દેખાય, ન કશી સમજ પડે. ચારેકોર કાળું ઘોર અંધારું !

ભયનાં માર્યાં સહુ કોઈ ઘરમાં પેસી ગયાં. કોઈએ બારણાં વાસી દીધાં, તો કોઈ ભગવાનનું નામ લેવા લાગ્યાં. થોડો સમય પસાર થઈ ગયો. થોડી વારે લાઈટ થઈ. શું થયું તે જોવા માટે કેટલાક લોકો બહાર નીકળ્યા. એમણે જે દશ્ય જોયું એ ખૂબ કમકમાટીભર્યું હતું. પોતાના ભાઈને બોલાવવા ઘરની બહાર પગ મૂકનાર બાર વર્ષનો બાળક બેભાન બનીને ધરતી પર પડ્યો હતો, એક ઠેકાણે એના એક હાથનો પંજો પડ્યો હતો, બીજે ઠેકાણે બીજા હાથની પાંચ આંગળીઓ રઝળતી પડી હતી. છોકરાનું આખું મોં દાઝી ગયું હતું.

એની વ્હાલસોયી માના મુખમાંથી દર્દભરી ચીસ નીકળી ગઈ :
“બેટા ચંદુ ! આ તને શું થયું ?”
ધીમે ધીમે લોકો ભેગાં થયાં. એવે વખતે ચંદુની માતા એને સારવાર માટે દવાખાને લઈ ગઈ.
ધીમે ધીમે ચંદુ હોશમાં આવ્યો. એ છોકરાએ જોયું કે એના બંને હાથના પંજા ખલાસ થઈ ગયા હતા. બંને કાંડાનો અડધો ભાગ બૉમ્બના ધડાકાએ હરી લીધો હતો.
આ છોકરાના સંબંધીઓ એની ખબર કાઢવા આવે. કોઈ એના કુટુંબી હોય, તો કોઈ એની નિશાળના ગોઠિયા.
પથારીમાં પડ્યો પડ્યો આ નાનકડો છોકરો તરેહ તરેહની વાતો સાંભળે. કોઈ કહે :
“અરેરે, બિચારો ચંદુ ! એની કેવી ભૂંડી હાલત થઈ ગઈ છે ! હવે એ કશું કરી નહિ શકે. એને બિચારાને કોઈના સહારે જ જીવન ગાળવું પડશે.”
તો બીજી વ્યકિત કહે :
“અરેરે ! આવી દુ:ખદ નિરાધારી કરતાં તો મરી જવું બહેતર.”
કોઈ ત્રીજો એનો દોસ્ત કહે :
“બિચારા ચંદુએ બંને હાથ ગુમાવ્યા. એને ક્રિકેટનો ભારે શોખ હતો. ‘વિજય ક્રિકેટ ટીમ’ નામની એણે જ બનાવેલી ટીમમાં હવે એ બિચારો નહિ રમી શકે. પંજો હોય તો જ બૅટ પકડાય ને !”
ખાટલામાં પડ્યો પડ્યો બાર વર્ષનો ચંદુ આ બધું સાંભળે ખરો, પણ આ સાંભળીને એ લાચાર બનતો નથી, પોતાની નિરાધારી પર આંસુ સારતો નથી. જીવનમાં આવનારી મુશ્કેલીઓથી આ બાળક ડરતો નથી. એના હૈયામાં હિંમત છે, મનમાં મહાત ન થવાની મુરાદ છે. એની તમન્ના તો ભણીગણીને મોટા ઈજનેર થવાની હતી. બાર વર્ષના બાળકના મનમાં આ વાત ઘોળાઈ રહી. એણે નક્કી કર્યું કે હાથ ન હોય તેથી શું ? પણ હૈયું તો છે ને !

પહેલા તો તેને ભારે મુશ્કેલીઓ પડવા લાગી. આપત્તિ આવે તો એને સામે ચાલીને મળતો. આપત્તિને પાર કરવામાં એને અનેરો આનંદ આવતો. પોતાના ઠુંઠા હાથને એવી રીતે કેળવ્યા કે જાણે આંગળાનો અભાવ જ ભૂલાઈ ગયો. ધીરે ધીરે એ જાતે ભોજન કરવા માંડયો, જાતે કપડાં પહેરવા માંડ્યો. હવે એને થયું કે આગળ વધવા માટે તો ભણવું પડશે. બે ઠુંઠા હાથ વચ્ચે પેન ભરાવે, પગથી કાગળને દાબમાં રાખે. ધીરે ધીરે તો એવી આબાદ ઝડપથી લખવા માંડ્યો કે ન પૂછો વાત ! અકસ્માતના બે વર્ષ વીતી ગયા. તે પછી તેણે ભણવાનું બરાબર શરું કર્યું. સાતમા ધોરણમાં દાખલ થયો. નિશાળના પ્રતિનિધિમંડળનો એ મુખ્યમંત્રી બન્યો.

એવામાં એને રમતનો શોખ યાદ આવ્યો. જુદી જુદી રમતોમાં ભાગ લેવા માંડ્યો. એને દોડવાની ઈચ્છા થઈ, પણ તેમાં તો મુઠ્ઠીઓ વાળીને ભાગવું ભારે જરૂરી, પણ પંજા વગર મુઠ્ઠીઓ કેવી રીતે વળે ? એણે તેની પણ તાલીમ લીધી અને એક સમય એવો આવ્યો કે તે ઠુંઠા હાથે પણ દોડવા લાગ્યો. ઉંમર નાની પણ આત્મવિશ્વાસ અનેરો, શરીર પાતળું પણ મનની મજબુતાઈ ઘણી.

ધીરે ધીરે એ દોડવા લાગ્યો. એવામાં 1973ની 9મી માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ પર એક સ્પર્ધા યોજાઈ. અપંગ માનવીઓની એ સ્પર્ધા હતી. એમાં એકસો મીટરની દોડ થઈ. દોડની અંતિમ સ્પર્ધામાં ત્રણ હરિફ હતા. બે હતા મહારાષ્ટ્રના. એકની ઉંમર 25 વર્ષની અને બીજાની ઉંમર અઢાર વર્ષની. ત્રીજા હરીફ હતા ગુજરાતના પંદરવર્ષના આ ચંદુલાલ તારાચંદ ભાટી.

દોડ શરૂ થઈ. ગુજરાતના આ દોડવીરે જોશભેર ઝુકાવ્યું. પોતાનાથી મોટી ઉંમરના હરીફોને હરાવીને પંદર વર્ષનો ચંદુલાલ પ્રથમ આવ્યો. એકસો મીટરની દોડમાં પ્રથમ સુવર્ણચંદ્રક ચંદુલાલ મેળવી ગયો. આ ઉપરાંત લાંબી કૂદમાં કાંસાનો ચંદ્રક પણ તેણે મેળવ્યો. આ બંને ચંદ્રકો જાણીતા ક્રિકેટ ખેલાડી સુનીલ ગવાસ્કરને હાથે એનાયત થયા.

ભણવામાં પણ તે પાછો ન રહ્યો. પરિક્ષામાં પણ તેણે ઠુંઠા હાથે જાતે પેપરો લખ્યા. સાતમા ધોરણમાં પ્રથમ નંબરે પાસ થયો. આમ કરતાં કરતાં તે ચરખો ચલાવતાં, પ્રાયમસ સળગાવતાં, સીવણકામ કરતાં એમ બધું જ શીખી ગયો.

મહેનત કરીને બારમું ધોરણ પસાર કર્યું. કૉલેજ અભ્યાસ કરવાની ઘણી હોંશ પણ ફી લાવવી ક્યાંથી ? વળી ઘરની જરૂરિયાત પણ ઘણી. આને કારણે ઠેરઠેર ઈન્ટરવ્યૂ આપ્યા. ઘણી નિરાશા મળી. છેવટે જિલ્લા પંચાયતમાં નોકરી મળી. એવું કામ કરી બતાવ્યું કે 1984 ની 25મી ફેબ્રુઆરીએ ગુજરાત સરકારે ચંદુલાલને શ્રેષ્ઠ વિકલાંગ કર્મચારીનો ઍવોર્ડ આપ્યો. આ ઉપરાંત તેણે પર્વતારોહણની તાલીમ લીધી, 1981 માં યોજાયેલી વિધ્નદોડમાં, 1987માં દિલ્હીમાં યોજાયેલ લાંબા કૂદકાની સ્પર્ધામાં ચંદ્રકો હાંસિલ કર્યા.

હવે પોતે સ્થિર થયો એટલે એણે સમાજસેવાનું કામ શરૂ કર્યું. ‘ધ સોસાયટી ફૉર ફિઝિકલ હૅન્ડિકૅપ’ સંસ્થાના સહમંત્રીની જવાબદારી ચંદુલાલે સ્વીકારી. પોતાના જીવંત ઉદાહરણોથી એ આપણને સમજાવે છે કે તન અપંગ હોય તેથી શું ? મન અડીખમ હોવું જોઈએ.