સૂર્ય પશ્ચિમમાં પણ પ્રકાશે છે – શ્રી વિનય કવિ

vaarta vaibhaav[ બ્રિટનમાં વસતા ગુજરાતી લેખકોની કલમે લખાયેલી સુંદર વાર્તાઓના સંપાદિત પુસ્તક ‘બ્રિટિશ ગુજરાતીઓનો ડાયસ્પોરિક વાર્તાવૈભવ’ માંથી સાભાર. આ કૃતિના સર્જક શ્રી વિનયભાઈનો પરિચય આપતાં તે પુસ્તકમાં જણાવાયું છે કે “મૂળ કલોલના વતની વિનયભાઈનો જન્મ (1935) દેવડા ખાતે થયો. અભ્યાસ મુંબઈમાં. પિતા જીવણલાલ બ્રહ્મભટ્ટ કવિ તથા નાટ્યકાર. એમની પ્રેરણાથી સાહિત્યમાં અભિરુચિ પેદા થઈ. કૉલેજકાળ દરમિયાન જ કાવ્યો, વાર્તાઓ સર્જાતાં ગયાં, પ્રસિદ્ધ થતાં ગયાં. 1953માં મોમ્બાસા ગયા ત્યાં ‘કેનિયા ડેઈલી મેઈલ’ માટે વિપુલ લેખન કર્યું. પૂર્વ આફ્રિકાનાં અનેક ખ્યાતનામ અખબારોમાં લેખન ચાલુ રહ્યું. 1969થી ઈંગ્લૅન્ડમાં સ્થાયી થયા. લેસ્ટરમાં નાટ્યમંડળની સ્થાપના કરી. તેમની એકાંકીઓ સ્પર્ધાઓમાં પણ વિજેતા બની. બ્રિટનસ્થિત ભારતીય વસાહતોના પ્રાણપ્રશ્નોને એમના લેખનમાં વાચા સાંપડી છે. ‘પ્રણયપંથે’ નવલકથા, ‘સૂર્ય પશ્ચિમમાં પણ પ્રકાશે છે’ વાર્તાસંગ્રહ, ‘દેહ અને આત્મા’ નાટિકાસંગ્રહ, ‘ઉરધબકાર’ અને ‘દિલ એટલે દર્દ’ કાવ્યસંગ્રહો તેની સાક્ષી પૂરશે.” ]

પરોઢિયેથી શોભનાબહેન કામકાજમાં એવાં ખૂંપી ગયાં હતાં કે પતિ તરફ એમનું ધ્યાન જ ગયું ન હતું. હવે જેવી નવરાશ મળી કે તે બેઠકખંડમાં આવ્યા ને જોયું તો સુરેશચંદ્ર છાપું વાંચવામાં મગ્ન હતા. સ્વામીના પેટનું પાણીય હાલતું નથી. એ જોઈ એમની ભૃકુટિ ચડી ગઈ. છતાં મગજ પર કાબૂ રાખી કહ્યું, ‘દુનિયા આખીમાં શું થઈ રહ્યું છે તે વંચાઈ ગયું હોય તો મારે આ ઘર વિશે એક સવાલ પૂછવો છે.’

વાચનમાં વિક્ષેપ પડ્યો તે સુરેશભાઈને ગમ્યું તો નહીં. છતાં બોલ્યા તો તેઓ આટલું જ, ‘ઘર તો તમારા કાબેલ હાથમાં સોંપી હું નચિંત થઈ ગયો છું.’ કોઈ બીજો દિવસ હોત તો શોભનાદેવી એ જાણવાની કોશિશ કરત કે ઉપરોક્ત વાક્ય ગંભીરતાપૂર્વક બોલાયું છે કે ખાલી મશ્કરીમાં, પણ આજે તો એમણે સીધો જ સવાલ કર્યો : ‘આ મોહનલાલ આવે છે તે તમે બધું વિચારી રાખ્યું છે ને ?’

‘એમાં વિચારવાનું શું છે ? મોહનલાલ એમના સંજય માટે આપણી નયનાને જોવા આવે છે, નયના-સંજયે એકમેકને પસંદ કર્યા છે. મા-બાપોએ તો માત્ર રિવાજ ખાતર આ જોવા-કરવાનું નાટક કરવાનું છે.’ તેમનાં પત્ની કંઈક દુભાયેલાં જણાયાં. ‘મને ખાતરી હતી કે તમારી પાસેથી આવો જ જવાબ મળશે. આ કંઈ ઢીંગલા-ઢીંગલીના ખેલ નથી. આપણી દીકરી જેને સોંપીએ છીએ તે માણસ અને તેનું ફેમિલી બધી રીતે યોગ્ય છે કે કેમ તે ચકાસી જોવાની આપણી ફરજ નથી ?’ અને પતિ શું કહેવા માગે છે તે જાણી ગયાં હોય તેમ તેમણે ઉમેર્યું, ‘મારે નથી સાંભળવું કે હું તો જૂના જમાનાની રહી, મારી પુત્રીનું ભલું જોવાથી હું જુનવાણી નથી ઠરતી.’

સુરેશચંદ્રે હસતાં હસતાં ઉત્તર આપ્યો, ‘તમારે કશી ચિંતા કરવા જેવું નથી. મેં પૂરતી તપાસ કરાવી છે અને જે રિપોર્ટ મળ્યા છે તે પરથી સો ટકા સંતોષ થયો છે કે સંજય આપણો જમાઈ થવા સર્વ રીતે લાયક છે.’ હવે શોભનાદેવી પતિની પાસે આવી બેઠાં. તેમનો હર્ષ છલકાઈ રહો હતો. સ્વગત જ બોલતાં હોય તેમ તેમણે ઉચ્ચાર્યું, ‘હાશ ! ભગવાનને ત્યાં થોડો તો ન્યાય છે. નયના નાતમાં ને કુલીન કુટુંબમાં જાય છે એથી હું તો રાજીના રેડ થઈ ગઈ છું.’
‘નયના જ્ઞાતિબહાર ગઈ હોય તો શું તમે એની પસંદગીની, એના સુખની આડે આવત ?’ સવાલ કર્યા પછી સુરેશચંદ્રને અનુભવ થયો કે ન બોલવામાં નવ ગુણ રહેલા છે. શોભનાબહેનના અવાજમાં અણધારી તીખાશ આવી ગઈ, ‘નયના એવી નથી. એને સારા-નરસાનું ભાન છે. આ તમારા દીકરાએ કર્યું તે ઓછું છે કે મારી દીકરી માટે આવું ભૂંડું વિચારો છો ?’

સુરેશચંદ્ર ગમ ખાઈ ગયા. ગૃહિણીની દલીલ તર્કબદ્ધ ભલે ન હોય પણ એમાં સત્ય હતું ને એ સત્ય કડવું હતું. નાતની ભણેલીગણેલી અને ધનવાન છોડી રસિક માતાના શબ્દોમાં એક ધોળકીને લઈ આવ્યો હતો ! સગાંવહાલાંઓમાં નીચાજોણું થયું તેનું શોભનાબહેનને ઘણું દુ:ખ હતું અને પુત્ર પર જોઈતો દાબ ન રાખવા બદલ તેઓ પતિને કંઈક અંશે જવાબદાર ગણતાં હતાં. રસિકના પગલાથી સુરેશચંદ્રને પણ રંજ તો થયો હતો, પરંતુ તેમણે મન મનાવ્યું હતું કે બ્રિટનમાંના વસવાટથી ફેરફારો આવવાના જ, સ્કૂલ-કૉલેજના મુક્ત વાતાવરણમાં છોકરા-છોકરીઓને એકબીજા પ્રત્યે આકર્ષણ જાગવાનું અને નાતજાતના ભેદ ભૂલી પ્રેમમાં પડવાના, લગ્ન થવાના પ્રસંગો ઊભા થવાના જ. આ બાબત ગમે કે ન ગમે, પણ એ હકીકત છે અને એને સ્વીકાર્યા વિના છૂટકો નથી એમ તેઓ હૈયાધારણ મેળવી શક્યા હતા.

બીજી બાજુ શોભનાબહેનને આ વસ્તુ સમજતાં વાર લાગી હતી અને પરિસ્થિતિનો સંપૂર્ણપણે સ્વીકાર તો તેઓ હજુય કરી શક્યાં ન હતાં. તેમાંય પાડોશીઓનાં સંતાનોને તેમની જ્ઞાતિમાં જ પરણેલાં જોઈને એમનું હૈયું ભરાઈ આવતું ને કોઈ ન જુએ તેમ ખૂણેખાંચરે ભરાઈને રડી પણ લેતાં. રસિક અંગ્રેજ યુવતીને પરણ્યો ને તે પણ રજિસ્ટર્ડ મેરેજ, એટલે તે શોભનાબહેનને વધારે લાગી આવતું હતું. તેમની મુરાદ તો હતી એકના એક દીકરાને ખૂબ ધામધૂમથી, સગાંસ્નેહીઓની વચ્ચે પરણાવવાની. રહીરહીને તેમનું અંતર પ્રશ્ન કરતું હતું કે મારે ત્યાં જ આવું કેમ થયું ? નાતની નહીં તો નહીં, છોકરો કોઈ ગુજરાતીને, અરે ! છેવટે એક હિન્દુ છોકરીને પરણ્યો હોત તોય હૈયાને ટાઢક થાત. આ ઉપરાંત સમસ્યા હતી રોજિંદી બોલચાલની. જુલીને ગુજરાતી ક્યાંથી આવડે ? ને સાસુનું ઈંગ્લિશ ‘ધકેલ પંચા સો’ જેવું, આથી બંને વચ્ચે વાતચીત ઓછી થઈ શકતી. પરિણામે તેમની વચ્ચે આત્મીયતાનો તંતુ, રસિકના લગ્નને ચાર માસ થવા છતાં અને એક જ મકાનમાં રહેવાનું હોવા છતાં હજુ બંધાયો ન હતો. પુત્રવધૂ કોઈ સુનિતા કે કલ્પના હોત તો શોભનાબહેન જે રીતે ગર્વથી બધા સાથે તેનો પરિચય કરાવત તેમ જુલી સાથે થઈ શકતું ન હતું. સ્વયં જુલી સામે એમને સખ્ત અણગમો હતો તેમ ન હતું. માત્ર આ ‘આપણી’ છોકરી નથી એવો વસવસો એમના કાળજામાં ઊંડે ઊંડે ખદબદ્યા કરતો.

તેમાંય આજે તો એમના મન પર વધારે ભાર હતો, નયનાના વિવાહનું નક્કી કરવા ‘સામાવાળા’ આવવાના હતા અને તેથી દરેક વસ્તુ સાંગોપાંગ પાર પડે તેવી શોભનાબહેનની ઉમેદ હતી. છતાં આજનો દિવસ કંઈ સારા શુકને ઊગ્યો ન હતો. સવારના પહોરમાં જ પતિ સાથેના વાર્તાલાપમાં અણચિંતવી કડવાશ આવી ગઈ હતી. અને ત્યાં તો રસિક સીટિંગરૂમમાં પ્રવેશ્યો.
‘મમ્મી, અમે શોપિંગ કરવા જઈએ છીએ. તમારે શું લાવવું છે ?’
ઉદાસીન ભાવે શોભનાબહેન બોલ્યાં : ‘કંઈ નથી જોઈતું.’ છાપામાંથી ડોકિયું કાઢી સુરેશચંદ્રે પૂછ્યું, ‘સંજય આવી લાગે ત્યાં સુધીમાં તમે પાછાં આવી જશો ને ?’
‘સુપર માર્કેટમાંથી જ સઘળી ખરીદી કરવી છે. એટલે વાર નહીં લાગે.’ અને દાદર પાસે જઈ રસિકે હાંક મારી, ‘કમ ઓન જુલી.’ હવે રસિક જેવો રૂમમાં પાછો ફર્યો કે શોભનાબહેને ધડાકો કર્યો.
‘આ તારી મડમને કહેજે કે આજે સાડી પહેરે.’
‘એનું નામ મડમ નથી, જુલી છે તે યાદ અપાવું કે ?’
‘એ જે હોય તે; કોઈ પારકા લોક ઘરે આવે ત્યારે તો માણસના ઢંગનાં કપડાં પહેરવાં જોઈએ ને !’
‘તે એને માણસની રીતે કપડાં પહેરતાં નથી આવડતું ?’ રસિકનો અવાજ કંઈક ઊંચો થયો.

શોભનાબહેનના સ્વરમાંય સહેજ કટુતા આવી ગઈ : ‘ઢીંચણ સુધીના પગ ઉઘાડા હોય તેવું સ્કર્ટ ને બાંય વિનાનું બ્લાઉઝ કુંવારાં હોય ત્યાં લગી શોભે; પરણ્યા પછી તો સુધરવું જોઈએ ને ! ના, ના, બે માણસ મળવા આવ્યા હોય ત્યારે ઘરની વહુ અડધું અંગ ખુલ્લું રાખતી ફરે તેમાં આપણી આબરૂ વધતી નથી.’
‘એ અંગ્રેજ છે, સ્કર્ટ-ફ્રોકથી ટેવાયેલી છે. એને કેમ કહું કે પગથી માથા સુધી સાડીમાં ઢંકાઈ જા ?’
સુરેશચંદ્રને લાગ્યું કે બંનેને ઠંડા પાડવાં જોઈએ, ‘તમે ખોટી માથાઝીક કરો છો. ધીરે ધીરે બધું રાગે આવી જશે.’
‘એને આવ્યે ચાર મહિના માંડ થયા છે ત્યાં તમારી આ જીદ છે તો આગળ ઉપર ન જાણે કેવા વાંધાવચકા કાઢશો ?’ રસિકે બાપના બોલ જાણે સાંભળ્યા જ ન હતા.

શોભનાબહેન બે ડગલાં આગળ આવી ગયાં, ‘આ તો જુઓ, કુળની લાજમર્યાદા લોપાતી હોય તોય મારાથી બે શબ્દ ન બોલાય ?’
‘બે શબ્દ ? દરરોજ તો તમારી કંઈ ને કંઈ ટકટક હોય છે….’
‘શું જોઈને બોલતો હોઈશ ? સારા-સારા કુળની છોડીઓ બતાવી તે મેલીને તું જ્યાંત્યાં લગન કરી આવ્યો છતાં હું ગમ ખાઈને બેઠી છું. આપણે મોઢે તો નહીં, પણ પીઠ પાછળ સમાજ વાતો કરે છે એ તારે ક્યાં સાંભળવા જવું છે ?’
રસિક આથી વધુ ઉશ્કેરાયો, ‘અમારે લીધે તમારે સમાજમાં સાંભળવું પડતું હોય તો અમે બીજે ચાલ્યાં જઈએ.’
‘હવે થઈને મુદ્દાની વાત ! પારકી જણી એ પારકી જણી ! ને તેય પાછી ઈંગ્લિશ !’
‘એ ઈંગ્લિશ છે તે તમને ખૂંચે છે એ હું જાણું છું. અહીં રહીને મનદુ:ખ થાય તેના કરતાં બહેતર છે કે હું અલાયદી વ્યવસ્થા કરી લઉં.’
શોભનાબહેનથી અભાનપણે બોલાઈ જવાયું : ‘તે મેં ઓછાં કોઈને બાંધી રાખ્યાં છે ?’ સુરેશચંદ્ર પત્ની પર નાખુશ થઈ ગયા, ‘શું બોલો છો તમે ? મનમાં કાંઈ નથી અને જીભ….’
‘એ તો હૈયે તે હોઠે ! હું આજે જ ચાલ્યો જઈશ.’ રસિક ગુસ્સાથી બરાડ્યો.

ત્યાં તો જુલી પ્રવેશીને અંગ્રેજીમાં બોલી : ‘હું તૈયાર છું. ચાલો શોપિંગ કરી આવીએ.’
રસિક તો એની ધૂનમાં જ હતો, ‘તું આપણો સામાન એકઠો કરીશ ? આપણે અબઘડી નીકળીએ છીએ.’
‘સામાન ? આપણે શોપિંગ કરવા જઈએ છીએ ને !’ અસમંજસમાં પડી જુલીએ પૂછ્યું.
‘એ પછી થશે. જ્યાં સત્કાર ન હોય તે ઘરમાં હું એક પળ પણ નહીં રોકાઉં.’
‘શું થયું ? અચાનક ઘર છોડવાની વાત….’
અને અધવચ્ચે કાપતાં રસિકે જણાવ્યું, ‘જો હું હોટલનું નક્કી કરવા જાઉં છું, દરમિયાન તું આપણી વસ્તુઓ ભેગી કરી તૈયાર રાખજે.’
‘હું તો કાંઈ સમજતી નથી, મને કહો તો ખરા….’ જુલીએ જોયું તો રસિક બહાર નીકળી ગયો હતો. સાસુ-સસરાને ‘સૉરી’ કહી એ ઉપર પોતાના રૂમમાં ચાલી ગઈ. એટલામાં પાડોશી તુષારભાઈ આવી ચડ્યા. ‘રસિક ઉતાવળમાં હોય એમ લાગ્યું. મેં ‘હેલો’ કહ્યું તેનો જવાબ પણ ના આપ્યો.’

શોભનાબહેનના મોં પર નજર પડતાં જ તેમને ખ્યાલ આવી ગયો કે મામલો ગંભીર છે. એમણે એક અમસ્તો સવાલ કરતાં જ શોભનાબહેને સઘળી બાબત જણાવી અને પૂછ્યું : ‘તમે જ કહો તુષારભાઈ, છોકરાની વહુ આખો દહાડો સ્કર્ટ પહેરીને ફર્યા કરે તે સારું કહેવાય ?’
‘સાડી પહેરે તો શોભે ને આપણને ગમે એ ખરું બહેન, પણ એ રહી અંગ્રેજ. આજ સુધી એણે ફ્રોક-સ્કર્ટ પહેર્યાં હોય….’
સુરેશચંદ્રે કહ્યું : ‘આપણી ત્યાં આવી એ પોતાનું બધું ભૂલી જાય તેવો આગ્રહ રાખ્યે કેમ પાલવે ?’
‘પણ એમ મેં ક્યાં કહ્યું છે ? આ તો નયનાને જોવા એ લોકો આવે છે એટલે મેં કહ્યું કે તારી વહુને સાડી પહેરવા જણાવજે. બહારના માણસોને એટલું તો દેખાવું જોઈએ ને કે ઘરની વહુ કોણ છે ને દીકરી કોણ છે ?’
સુરેશચંદ્ર સમજાવતાં બોલ્યા : ‘તમે શુભ આશયથી કહ્યું પણ પરિણામ શું આવ્યું ? અને આ બધું શા માટે ? એક સાડી ખાતર ? કોઈ સાંભળે તોય હસે.’
‘તમને તો મારો જ વાંક દેખાય છે. એકનો એક દીકરો ઘરમાંથી જતો રહે છે તે મને શું સારું લાગે છે ?’ શોભનાબહેનના અવાજમાં ભીનાશ હતી.
તુષારભાઈએ સાંત્વન આપતાં કહ્યું : ‘આ દેશ જુદો છે, અહીંની રહેણીકરણી અલગ છે. વળી તમારો રસિક ગોરી કન્યાને પરણ્યો એટલે તમારે ઘણી બધી બાંધછોડ કરવી પડશે.’

ગાડી પાટા પર જઈ રહી છે એ જોતાં સુરેશચંદ્રે ઉમેર્યું : ‘આપણા દીકરાએ અંગ્રેજ છોકરી સાથે લગ્ન કર્યું છે એ હકીકત બદલાવાની નથી. આપણે જ સમજીને એડજસ્ટમેન્ટ કરવું રહ્યું.’
‘સુરેશભાઈની વાત સાચી છે. તમારે જમાના પ્રમાણે ચાલવું જોઈએ.’ તુષારભાઈએ ટાપસી પૂરી.
‘હું ય સમય સાથે ચાલવાની કોશિશ કરું છું, ભાઈ. રસિક આ મડમ લાવ્યો તે મેં ચલાવી જ લીધું છે ને !… અરે, શરૂમાં તો એ એમને ‘મિસ્ટર મહેતા’ અને મને ‘મિસ્ટર મહેતા’ કહેતી હતી.’
‘પણ હવે તો એ તમને ‘મમ’ કહે છે ને ?’ સુરેશચંદ્ર મરક્યા.
શોભનાબહેને તુષારભાઈને જ જણાવ્યું : ‘ભાઈ, બળ્યો જીવ છે ને ? મમથી મન નથી ભરાતું. થાય છે કે એ ક્યારે ‘બા’ કહી બોલાવશે ? આપણાવાળી હોય તો આવતાંની સાથે ‘બા, બા’ કરવા લાગે ને આપણે ‘વહુ, ઓ વહુ’ કહેતાં ધરાઈએ નહીં. વારતહેવારમાં ને સમાજના વ્યવહારમાં એ કેવી આપણી પડખે ઊભી રહે ?’

પછી શોભનાબહેને સૂચવ્યું કે રસિકને ઘર નહીં છોડવા સુરેશચંદ્રે સમજાવવો, પણ સમજાવટનું કોઈ સારું ફળ આવે તેમ સુરેશચંદ્રને લાગતું ન હતું; રસિકના જિદ્દી સ્વભાવથી તેઓ પરિચિત હતા. આખરે તુષારભાઈએ રસ્તો કાઢ્યો, ‘જુઓ, જુલી સમજદાર છોકરી છે. વળી એ મને માન આપે છે. જો તમારી રજા હોય તો હું એને મનાવવા પ્રયત્ન કરી જોઉં. જુલી માની ગઈ તો પછી રસિકને સમજાવવાનું સરળ થઈ રહેશે.’ સુરેશચંદ્ર-શોભનાદેવી બંનેને ગળે આ વાત ઊતરી. તુષારભાઈ પાડોશીને નાતે આ ઘરથી, ઘરની વ્યક્તિઓથી અજાણ્યા ન હતા; અને તેમની વ્યાવહારિક સૂઝસમજ તથા અનુભવનો લાભ આ અગાઉ પણ લેવાઈ ચૂક્યો હતો. તુષારભાઈ જુલીને મળવા ગયા, એટલે શોભનાબહેનના જીવમાં જીવ આવ્યો હોય તેમ એ બોલ્યાં : ‘તુષારભાઈ, ટાણાસર આવી ચડ્યા તે સારું થયું. તમને લાગે છે કે એમને સફળતા મળશે ?’
‘આશા રાખીએ કે તે કામયાબ થાય. તમે પણ હવે મોટું મન રાખી સાડીનું તૂત છોડો ને જુલી જેવી છે તેવી ભલી છે એવો સંતોષ માનો.’

શોભનાબહેને નિખાલસપણે કબૂલ્યું : ‘મેં નાહકનો રસિકને ઉશ્કેર્યો; હવે જુલીને પહેરવો હોય તે ડ્રેસ પહેરે. હું તો એટલું ઈચ્છું છું કે તે આપણને છોડી ન જાય.’
સુરેશચંદ્રે પત્નીને શાંતિથી સમજાવ્યું કે આજના દિન પૂરતો પણ રસિક રહી જાય એટલી જ આશા રાખવી. આખરે એક દિવસ તો એ લોકો જુદાં થવાનાં જ છે ને એ દિવસ માટે તેમણે પોતાની જાતને તૈયાર કરવી રહી.

આ બધા પરિવર્તનથી અજાણ રસિક થોડી વારે પાછો ફર્યો ત્યારે એણે ફક્ત આટલું જ કહ્યું : ‘હું હોટલનું નક્કી કરી આવ્યો છું.’ એ જુલીને બોલાવવા સીટિંગ રૂમમાંથી બહાર પડે તે પહેલાં તો તુષારભાઈ નીચે આવ્યા. એમણે પૂછ્યું : ‘ભાઈ રસિક, આ ઘર છોડવાનું તારું પગલું ઉતાવળિયું નથી ?’
રસિકને ખ્યાલ આવી ગયો કે તુષારભાઈ બધી બિના જાણી ચૂક્યા છે. એણે જવાબ આપ્યો, ‘એનું મને દુ:ખ છે, પણ એક અંગ્રેજ છોકરીને સાડી પહેરવાનો હુકમ હું કેવી રીતે કરી શકું ? અને હું કહું તોય એ માનશે ?’ ત્યાં તો ઉત્તરરૂપે જુલી આવીને ઊભી રહી. આશ્ચર્યચકિત થઈ સહુ તેને જોઈ રહ્યાં. હાથમાં બંગડીઓ, કપાળે ચાંદલો અને શ્યામગુલાબી સાડીમાં એ સ્વર્ગની પરી જેવી લાવણ્યમયી લાગતી હતી.
‘નમસ્તે બા’ હાથ જોડી અંગ્રેજી લઢણમાં એણે ઉચ્ચારેલા આ ગુજરાતી શબ્દોએ તો શોભનાબહેનના સઘળા સંતાપ, શંકાકુશંકાને ક્યાંય દૂર કરી દીધાં.

‘બા ? તેં મને બા કહી બોલાવી ? થેંક યુ, જુલી !’ કહેતાં તેઓ વહુને ભેટી પડ્યાં.
મૂછમાં હસતાં સુરેશચંદ્રે રસિકે પૂછ્યું : ‘હજુ તારે ઘર છોડવું છે ?’
રસિક તો પત્નીના નવા સ્વરૂપને દિગ્મૂઢ બની તાકી રહ્યો હતો. જીભના લોચા વાળતાં એણે કહ્યું : ‘મને કલ્પના ન હતી કે તું સાડી પહેરીશ.’

સાસુના નવા ઊભરાયેલા હેતમાં નહાતી જુલી બોલી, ‘મને સાડી પહેરવી ગમે છે. કેવી ભભકાદાર લાગે છે, નહીં ? અને શું તમે એમ ધારી લીધું’તું કે સાડી પહેરવી-ના પહેરવી એવા નજીવા મુદ્દા પર હું આવા વહાલસોયા કુટુંબને ત્યજી દઈશ ?’ રસિક માત્ર આનંદભર્યું સ્મિત વેરી રહ્યો. જશના અધિકારી તુષારભાઈના મુખે આ શબ્દો રમી રહ્યા, ‘વહુ હો તો આવી હો !’

[કુલ પાન : 176 (પાકુ પૂઠું.) કિંમત : 125. પ્રાપ્તિસ્થાન : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ અમદાવાદ-380001 ફોન : 91-79-26564279. ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પુરાણકથાનો ગંગાપ્રવાહ – મકરન્દ દવે
ધાબાપર – મૃગેશ શાહ Next »   

7 પ્રતિભાવો : સૂર્ય પશ્ચિમમાં પણ પ્રકાશે છે – શ્રી વિનય કવિ

 1. ગાંડાભાઈ વલ્લભ says:

  અહીં (ન્યુઝીલેન્ડમાં) તો મોટાભાગનાં ગુજરાતી ઘરોના અનુભવ પ્રમાણે છોકરો કે છોકરી કમાતાં થાય અને પોતાનું ઘર વસાવી મા-બાપથી છૂટાં થઈ જાય છે. લગ્ન પછી તો જવેલ્લે જ છોકરાંઓ મા-બાપ સાથે રહે છે. ઈંગ્લેન્ડમાં પણ આજે કદાચ પરિસ્થિતિ બદલાઈ ગઈ હશે.
  ગયા અઠવાડિયે જ એક ગુજરાતી યુવકની અંગ્રેજી યુવતી સાથેની વેલિંગ્ટનમાં લગ્નવિધિ કરી, ત્યારે યુવતીનાં પરિવારનાં મોટા ભાગનાં ભાઈ-બહેનોએ અને એમના પિતાએ પણ ભારતીય પોષાક ધારણ કર્યો હતો. ભારતીય સંસ્કૃતિ અપનાવવામાં અમુક યુરોપીયનોને બહુ વાંધો હોય એમ લાગતું નથી.
  બહુ સરસ વાર્તા.

 2. કલ્પેશ says:

  “ભારતીય સંસ્કૃતિ અપનાવવામાં અમુક યુરોપીયનોને બહુ વાંધો હોય એમ લાગતું નથી.”

  મને હંમેશ આ વાતની નવાઈ લાગે છે કે યુરોપીયનો/અમેરિકન (પશ્ચિમ્ના લોકોને) નાત-જાતનુ કંઇ લાગતુ નથી અને આપણને તો આપણા સમાજ અને ઓળખાણ વગર તો પાત્રની પસંદગી થાય જ નહી.

  શુ આપણે પુર્વગ્રહ બાંધીને બેઠા છીએ?

 3. આ હકીકત છે…..? શક્ય છે કે પછી મન વાળવાની વાત??

  કદાચ ગુજરાતી છોકરી માટે આવુ માની શકું, પણ…..

  Sorry if anything is wrong anywhere

  કદાચ આપણે આપણા સમાજ અને રહેણી કરણી ને બીજી જગ્યાએ જેટલા એડજસ્ટ થઈને રહેતા હોઈશું એટલા બીજા કોઈ ભાગ્યેજ થતાં હશે…દેખાડો કરવો અને સાચે સમાજની રહેણી કરણી અપનાવવી એ બે અલગ અલગ વાત છે…..

  છતાં પણ આજે NRI or NRG જેવો NRUS ke NRE સાંભળ્યો નથી….એ જ બતાવે છે કે આપણે contemperory culture અપનાવી શકીએ છીએ…..અપવાદ બધે હોય પણ આપણા સમાજ અને ઓળખાણ વગર તો પાત્રની પસંદગી થાય જ નહીએ નિયમ નથી…..

  સરસ લેખ…..

 4. ભાવના શુક્લ says:

  એક બહુ સરસ વાત આની સાથે જ કહી નાખવાનુ મન થયુ. થોડા દિવસ પહેલા મારી બોસની ઈમેઈલ આવી…”હેય્ ભાવના આર યુ ફ્રી નેક્સ્ટ સેટરડે?” મારાતો પગ નીચેથી ધરતી સરકી ગઈ..વળી શુ એ કામ હશે!!! મે કહ્યુ “યસ્સ્. એબ્સોલ્યુટલી!!!! લેટ મી નો ઇઝ ધેર એની અર્જન્ટ ઇસ્યુ ધેટ યુ વોન્ટ મી ટુ ટેક કેર..”(ઓનેસ્ટલી!!! ઓવરટાઈમન ના મનીનો લોભ વળી બીજુ શુ?) મને કહે “ઈટ ઈઝ કાઈન્ડ ઓફ પર્સનલ હેલ્પ ભાવના” મે કહ્યુ “ઓલ રાઈટ..” ત્યારે મને કહ્યુ કે તેની ભત્રીજી (આપણા કોમન શબ્દોમા ધોળી!!!!) એક ઇન્ડીયન સાથે મેરેજ કરી રહી છે અને ગેસ્ટ ઓનર તરીકે તેનો પોતાનો રોલ શુ હોઇ શકે? કેવી ગિફ્ટ આપી શકાય? આપણા હિન્દુ રિવાજ પ્રમાણે શુ વિધિ અને વહેવાર કરવાનો રહે? ભત્રીજીને સાસરે જઈને જોઇન્ટ ફેમેલી મેઇન્ટેઇન કરવુ છે તો તેની પ્રાથમીક ફરજો અને નિયમો ક્યા ક્યા????
  આટલુ સાનંદાશ્ચર્ય!!! પછીતો જાણે વાર્તાજ બની ગઈ….
  મારી કંપનીની ડિરેક્ટર કક્ષાની લેડી…યુવાન ભત્રીજીને લઈને મારા ઘરે આવી… ભારત અને ભારતિયતાની ચર્ચાઓ કરી…હિંદુ લગ્નના આલ્બમ જોયા, બે-ચાર ભારતીય વાનીઓની બેઝિક રેસેપી જાણી અને પછી એડીસનના “રાનીસાહેબા” સ્ટોર માથી સુંદર કલાત્મક સાડી અને તેની જોડે પહેરવા માટેના ઘરેણા વગેરેની ખરીદી કરી. મે અંતમા એક નાનકડો સવાલ કર્યો કે વ્હાય ઇન્ડીયન લોરી? અને તેણે જે જવાબ આપ્યો તેણે મારા ભારતીય હોવા પણા મા કરોડો ચાંદ લગાવી દિધા. મને કહે “યુ નો ભાવના, આઈ નોટીસ એન્ડ સ્ટડીડ મેની કલ્ચર ,સોસાયટીઝ એન્ડ રિલેજીન… બટ ધ વે ઇન્ડીયન હેવિંગ ગ્રેટ પ્રાઉડ ટુ બી ઇન્ડીયન…ધે ઓલ્વેઝ એક્સેપ્ટ એન્ડ રિસ્પેક્ટ ઓલ અધર રિલેજીન એન્ડ પિપલ. ધે રિસ્પેક્ટ એન્ડ ટ્રસ્ટ ધેર એલ્ડર્સ. ધે આર ઇન્ડીયન વુ નોટ ઓન્લી પ્રે ઇન ધ ટેમ્પલ બટ ઓલ્સો ઇન ધ ચર્ચ. ધે રિલી નોટ શો ધ લવ બટ લાઇવ ધ લવ. આઈ એમ ફિલીંગ વેરી સેફ એન્ડ પ્રાઉડ ધેટ માય નીસ ગેટીંગ મેરીડ એન ઇન્ડીયન્!!!!. જે તમને આટલા ઉમળકાથી સ્વિકારી શકતુ હોય તેને અલગ કે પરાયુ કેમ માની શકાય્!!

 5. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ્… ભાવનાબેનની વાતે તો મને અચમ્બામા જ મુકી દીધી.

 6. Atomoxetine. says:

  Atomoxetine….

  Atomoxetine hci. Atomoxetine. Atomoxetine hydrochloride. Atomoxetine and drug abuse liability. Atomoxetine generic….

 7. raju says:

  ચાચુ ચે આવિ વહુ અત્યઅરે ગમે ત્યા ગોતવા જાવ તોય ના મલે

  આ હકિકત ચે ….? શક્ય ચે કે પચિ મન વાલવાનિ વાત ??
  કદચ ગુજરતિ ચોકરિ માતે આવુ માનિ શકુ પન્…….
  Sorry if anything is wrong anywhere

  ખુબ શરશ ચે આ કહાનિ મને બહુ ગમિ……..

  થન્કુ ……

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.