ધાબાપર – મૃગેશ શાહ

અંગ્રેજીમાં તેને ‘ટેરેસ’ કહેવાય તેની મને બહુ પાછળથી ખબર પડી. શુદ્ધ ગુજરાતીમાં તેને ‘અગાશી’ કહેતા, તો વળી પાડોશના કેટલાક બાળમિત્રો દેશીભાષામાં ‘ગચ્ચી’ કહેતા, પરંતુ મને ‘ધાબુ’ શબ્દ સરળ લાગતો. ધાબે જવાની વાત મારા માટે કોઈ વિરાટ વસ્તુનો સ્પર્શ મેળવવા જેવી અદ્દભુત ઘટના હતી. ઉપર ચઢતાની સાથે જ દ્રષ્ટિ વિશાળ આકાશ તરફ ઉન્નત થઈ જતી. શિયાળાની કડકડતી ઠંડીમાં રચાતી વાદળોની છટા હોય, ઉનાળાના ઘોમધખતા તાપમાં ખુલ્લા આકાશની અનંતતા કે પછી ચોમાસામાં ઘટાટોપ કાળા ડિબાંગ વાદળોની ઘેરી ઘટા હોય – તમામનું અવલોકન કરવા માટે ધાબુ મારી મદદે આવતું.

પ્રત્યેક બાળકની જેમ ધાબાનો પરિચય મને ખાસ ‘ઉત્તરાયણ’ના તહેવારને લીધે. અમારી ઉત્તરાયણ 14મી જાન્યુઆરીના એક મહિના પહેલા શરૂ થઈ જતી, તે છેક જાન્યુઆરી માસના અંત સુધી ચાલતી. શાળાએથી આવતાં ચિત્ત તો આકાશમાં જ રમતું. ઘરે આવીને દફતર એકબાજુએ નાખીને, મમરાની વાટકી ભરીને ગગન તરફ ગતિ સહજ થઈ જતી. ધાબે ચઢીએ ત્યારે જાણે કોઈ વિશાળ દરિયામાં મોટું જહાજ લઈને નીકળ્યા હોઈએ એવી અનુભૂતિ થતી. ખાસ કરીને ઉત્તરાયણના અવસરે એકથી બીજા ધાબાઓ કુદવાની ખૂબ મજા આવતી. બાળપણમાં વિસ્મયની આંખે પતંગોથી છવાયેલું આકાશ, અગાશીના ખૂણે વાગતું કેસેટ પ્લેયર, તડકાથી બચવા એક ખૂણે શેતરંજી ઢાંકીને ઊભી કરેલી નાની મઢૂલી અને તેમાં મુકેલા તલના લાડુનો ડબ્બો, પતંગોનો ઢગલો, દોરાઓના ગુચ્છાઓનું એ દ્રશ્ય મનમાં કોઈક અજાણ્યા પ્રદેશની સફરે આવ્યા હોઈએ તેવો ભાવ જન્માવતું. સમી સાંજે ચરખાનો દોરો પૂરો કરવાના ઉદ્દેશથી ચગાવાયેલી સફેદ પતંગ આકાશના અંધકારમાં વિલીન થઈ જતી અને તોય તેને અદશ્યરીતે ચગાવતા રહેવાનો આનંદ જાણે કોઈ યોગીને મોટી ઉપલબ્ધિ મળી હોય તેવો હતો. મોડી રાત સુધી આતશબાજી અને ફાનસની હારમાળાઓ જોઈને મન કદી ધરાતું નહીં પરંતુ ‘ઉત્તરાયણ હવે પૂરી થઈ…. સાહેબ નીચે ઊતરો…’ એવી મમ્મીની બૂમ પડતી એટલે મને-કમને ધાબા પરથી નીચે ઊતરવું પડતું.

ધાબાનો ઉપયોગ કંઈ ઉત્તરાયણ પુરતો સીમિત ન હતો. રોજિંદા દિવસોમાં પાડોશીના બાળમિત્રો ભેગા મળીને ધાબે ક્રિકેટ રમતાં. બે ધાબાઓ વચ્ચેની પાળી પર ઈંટના ટૂકડાથી ‘સ્ટમ્પ’ દોરવામાં આવતા. ‘બોલ નીચે જાય તો આઉટ અને બાજુના ધાબામાં જાય તો ચાર-રન….’ એવા કંઈ કેટલાય નિયમો આપમેળે નક્કી થઈ જતાં. ઉનાળાના વેકેશનમાં સોસાયટીના બધા બાળકો ભેગા થઈને ‘આઈસ-પાઈસ’ રમતાં. ડબલું દૂર ફેંકીને સંતાવવા માટે અમારી પાસે સર્વશ્રેષ્ઠ જગ્યા ‘અગાશી’ હતી. પાડોશીના દાદરથી અગાશી પર ચઢીને ટાંકી પાછળ એવી રીતે સંતાઈ જતા કે કોઈને ખબરેય ન પડે ! ધાબા પર ક્યારેક લાઈનો દોરીને ‘પગથિયાં’ ની રમત પણ રમી લેતાં.

ધાબુ મારા માટે વિસ્મયજનક જગ્યા હતી. ચાર દિવાલોમાં કેદ બાળપણને માણવા માટેનું જાણે કે મુક્ત આકાશ હતું. તેથી હું ધાબે જવાની કોઈ તક જતી ન કરતો. બાળપણમાં વેકેશનમાં મોડા ઊઠીને મોઢામાં બ્રશ નાંખીને પગ સીધાં ધાબા તરફ ઉપડતાં. કોઈક વાર પાણીની મોટર ચલાવીને પપ્પા કહે કે ‘જો તો ઉપર ટાંકી કેટલી ભરાઈ છે એ જોઈ આવ તો જરા…’ ત્યારે જાણે ભાવતા ભોજન મળ્યા હોય તેમ દોડતો દોડતો હું અગાશી પર પહોંચી જતો. ટાંકીમાં ધોધની જેમ પડતા પાણીને….પરપોટાને હાથ અડાડીને જોવાની મજા પડતી. એમાંથી ખોબો ભરીને પાણી અગાશીના પથ્થર પર છાંટીને રંગોળી જેવી ભાત પાડવાની રમત ચાલ્યા જ કરતી. પરંતુ એટલામાં મમ્મીનો અવાજ સંભળાતો કે ‘જો પેલો ઉપર પાણીની રમત કરે છે….’ ત્યારે મનમાં થતું કે મમ્મીને બધું કેમની ખબર પડી જતી હશે ?

બહારગામ જઈને આવ્યા પછી વધારે કપડાં ધોવા કાઢ્યા હોય અથવા તો દિવાળીના દિવસોમાં સફાઈના ભાગરૂપે પડદાં, મોટી ચાદરો અને ભારે ગાલીચાઓ સૂકાવવાના હોય ત્યારે મમ્મીની પાછળ-પાછળ કપડાં સૂકવવાની ક્લિપોનો ડબ્બો લઈને હું અગાશીમાં પહોંચી જતો. ચોમાસાના મધ્યભાગના ભાદરવા માસમાં જ્યારે ઓતરાચીતરાની ગરમી પડતી ત્યારે જૂનાં ગાદલાં અને ઓશીકા તપાવવાનું અભિયાન સર્વત્ર ચાલતું. નાનકડા હાથોમાં ગોદડીઓ, ઓશિકા અને ચાદરો ગળે વળગાડીને બંધ આંખે દાદરના પગથિયા ગણતાં આભને આંબી જવાતું. શ્રાદ્ધના દિવસોમાં પપ્પા જ્યારે ‘કાગવાસ… કાગવાસ…’ બોલીને કાગડાઓને બોલાવતા ત્યારે આશ્ચર્યથી આકાશતરફ મીંટ માંડીને હું જોઈ રહેતો. ભારે પવન કે વાંદરાઓની ધમાલને કારણે જ્યારે ટી.વીનું એન્ટિના ફરી જતું ત્યારે તેને યોગ્ય દિશા આપવાનું કામ મારા ભાગે આવતું પણ એ તો મારા માટે ‘જોઈતું હતું અને વૈદે કહ્યા’ જેવું હતું.

ધાબાના સંદર્ભમાં મને સૌથી વધુ ગમતી ઘટના હતી ઉનાળામાં ચક્રી અને પાપડી બનાવવાનું. તેનું મુખ્ય કારણ એ હતું કે રોજબરોજના દિવસોમાં મમ્મી નાહ્યા વગર નાસ્તો ન આપતી, પરંતુ જ્યારે ચક્રી કે પાપડી બનાવવાની હોય ત્યારે બ્રશ કરીને તરત જ એ તીખો-તીખો લોટ ખાવા મળતો. એ અદ્દભુત લાગતું. આગલે દિવસે મમ્મી ‘પાપડી કરવાની છે’ એમ જાહેર કરે એટલે લોટના સપનાં જોતાં હું વહેલો સૂઈ જતો. બીજે દિવસે સવારે છ વાગ્યાથી ઘરમાં પાપડીના લોટની સુગંધ ફરી વળતી અને જેમતેમ બ્રશ કરીને હું સીધો ધાબે પહોંચી જતો. મમ્મી ક્યાંક તો પાપડી વણતી હોય અથવા સંચાથી ચક્રી પાડતી હોય. પપ્પા નીચે ગેસ પરથી ગરમ ગરમ લોટ ભરી આપે એ લઈને મારે ધાબે દોડી જવાનું. સંચામાંથી આ ગોળ ચક્રી કેમ નીકળતી હશે ? એ હું વિસ્મયપૂર્વક જોઈ રહેતો. એ પછી લોટ ભરવા માટે સંચાના આંટા ખૂલતા, એની જાળી તેલમાં બોળાતી…. નવો લોટ ભરવામાં આવતો અને સંચો પાછો મારા માટે રહસ્યપૂર્ણ થઈ જતો. ‘મમ્મી… એક વાર…. મમ્મી એક વાર પાડવા દેને…. આવું શું કરે છે ?…..’ એમ જીદ કરતો ત્યારે છેલ્લે મમ્મી થોડો લોટ નાંખીને સંચો મારા હાથમાં પકડાવીને ગોળ ફેરવવાનું કહેતી. જો કે હું આખો ગોળ ફરી જતો પણ તોય ચક્રીને બદલે કોઈ બીજો આકાર બનતો એટલે બહુ અકળામણ થતી. છેવટે પાપડીના લોટમાં થોડું તેલ નાખીને મમ્મી વાટકી ભરી આપે એટલે હું એક ખૂણે બેસીને ખાયા કરતો.

એ દિવસોમાં એ.સી કે કુલરની કોઈ વ્યવસ્થા નહોતી. ઉનાળાના દિવસોમાં ધાબુ તપેલા તવાની જેમ ધીકી ઊઠતું એટલે સાંજે પાણીથી ધોઈએ તો જ સૂઈ શકાય તેવી હાલત હતી. ઑફિસેથી પપ્પા આવે એટલે હું તેમની જોડે બાલટી લઈને સીધો પગથિયાં ચઢવા માંડતો. ટાંકીમાંથી એક-એક ડોલ રેડીને ધાબુ ધોવાની ક્રિયા જાણે સ્વર્ગીય આનંદ આપતી. ગરમ ગરમ પથ્થરો પર પાણી રેડાતા એ હુંફાળું બની જતું ને તેમાં પગબોળીને છબછબિયાં કરવાનો અનોખો આનંદ આવતો. ખૂણે ખૂણો બરાબર ધોવાઈ જાય ત્યાં સુધી આ ક્રિયા ચાલતી, તેથી જાણે કે મને સ્વિમિંગપૂલમાં નાહ્યા જેટલો આનંદ મળતો. એક કલાકે અમે નીચે આવતાં અને આવીને સાત વાગ્યાના મુખ્ય સમાચારો દૂરદર્શન પર જોઈ લેતાં. એ દિવસોમાં બાફ અને ગરમીને લીધે ઘરમાં અસહ્ય ઉકળાટ થતો તેથી અમારું જમવાનું અને રાત્રિ શયન ધાબા પર જ રહેતું. ઘડિયાળમાં આઠના ટકોરા પડે એટલે ગરમ ગરમ બટાકાપૌંઆ, થાળીઓ, ચમચીઓ, પાણીનો જગ વગેરે લઈને અમે અગાશી પર પહોંચી જતાં. અડોશપડોશમાંથી પણ બધા આ રીતે જુદી જુદી વાનગીઓ બનાવીને ‘અગાશી-પાર્ટી’ કરતાં.

ચાંદનીના અજવાળે અમારું ‘મૂન-લાઈટ-ડિનર’ અલકમલકની વાતો કરતાં પૂરું થતું. એ પછી પત્તાંની ઢગલા બાજી કે સાપસીડીની રમતો ચાલતી. આખો દિવસ ઘરમાં જે ધમાલ કરી હોય એની પપ્પાને ફરિયાદો થતી. મેં લખેલી વાર્તાઓ અને ટૂચકાઓની નોટ પપ્પાને બતાવતો. વળી, એ દિવસોમાં મને મહેંદી મૂકવાનો જબરો શોખ હતો. મહેંદીનું પેકેટ, દૂધની થેલી અને ટાંકણી વગેરે લાવીને, દૂધની થેલી કાપીને તેમાંથી અણીવાળો કૉન તૈયાર કરતો. તેમાં મહેંદીભરીને પછી જાતે જ જમણા હાથવડે ડાબા હાથ પર મૂકતો ત્યારે મમ્મી હસીને કહેતી કે ‘મોટો થઈને લોકોના હાથની મેંદી જ મૂક્યા કરજે….’ એમ રમતમાં ને રમતમાં મોડી રાત થતી એટલે પપ્પા ગાદલા પાથરતાં. એમાં પહેલો કૂદકો મારીને આળોટવાની મજા જ કંઈ ઓર હતી. જેવા પથારીમાં પડીએ એટલે આંખ સામે વિરાટ આકાશ અને તેમાં ઝૂબકતાં તારલાઓ દેખાતા જેની પપ્પાને અનેક પ્રશ્નો પૂછતાંય જિજ્ઞાસા સંતોષાતી નહીં. ‘આ તારલા શું છે ? ક્યાં છે ? પપ્પા, એની ઉપર શું છે ? ત્યાં કોણ રહે છે ? આકાશની ઉપર શું હોય ? આકાશ ક્યાં પૂરું થાય ?’ જેવા પ્રશ્નોનો કદી અંત ન આવતો. પપ્પા ધ્રૂવનો તારો અને બીજા તારાઓ ઓળખાવતા અને પછી ધ્રૂવની વાર્તા કહેતા. જુદા જુદા નક્ષત્રોના આકાર ઓળખાવતા અને તેની સાથે જોડાયેલી ભાતભાતની પુરાણ કથાઓ ચાલતી. રમી રમીને થાકેલી આંખોમાં ઊંઘ ભરાતી એટલે કંઈક બબડતાં આકાશની એ તારલાઓ મઢી વિરાટ ચાદર ઓઢીને ધાબા પર મીઠા પવનનો આનંદ લેતાં મન શૂન્યમાં વિલીન થઈ જતું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સૂર્ય પશ્ચિમમાં પણ પ્રકાશે છે – શ્રી વિનય કવિ
સફળતાની સીડીનાં 25 વર્ષ – ઈલા શુક્લ Next »   

30 પ્રતિભાવો : ધાબાપર – મૃગેશ શાહ

 1. કલ્પેશ says:

  વાહ મૃગેશભાઇ, બાળપણની મુલાકાત કરાવવા બદલ આભાર.

  “ગચ્ચી” – મરાઠી ભાષાનો શબ્દ છે. બરોડામા “ગાયકવાડ” રાજ્ય હતુ એટલે મરાઠી ભાષાના શબ્દો ગુજરાતીમા વણાઈ ગયા છે.

  હિન્દી પર ઉર્દુનો પ્રભાવ આપણને બોલકી ભાષામા જોવા મળે છે.
  અને ઉર્દુ ભાષા પર ફારસી, અરેબિક અને સંસ્કૃતનો પ્રભાવ

  ઉર્દુ ભાષા ના શબ્દો પણ વીણેલા ફુલો જેવા છે (ગુફ્તેગુ, તશરીફ, અદબ, ઇમાન, હરામ, હલાલ, તબસ્સુમ, કેફિયત, સલામ, મુલાયઝા…..)

  સાચુ કહુ તો આજે આપણે જે ભાષા બોલીએ છીએ તેમા કેટલી બીજી સ્થાનિક અને બાહ્ય ભાષાનો પ્રભાવ જોવા મળે છે (અલબત, સારો પ્રભાવ)

  શુદ્ધ હિન્દી કદાચ સરકારી સંસ્થા મા જ જોવા મળે (હસ્તાંતરણ = transfer, સંગણક = computer, નિવેશ = investment , શત પ્રતિશત = 100 percent)

  આપણે જે બોલીએ છીએ એ કઈ ભાષાનો શબ્દ છે એ આપણે નથી જાણતા. ભાષાઓ પણ એક સરસ વિષય છે. 🙂

 2. કલ્પેશ says:

  અને હા મહેંદી આવી હેના (અથવા હિના – જેમ કહો તેમ) પરથી.
  હેના આવી અરબસ્તાન થી.

 3. ગાંડાભાઈ વલ્લભ says:

  મૃગેશભાઈ, તમારા બાળપણનાં સ્મરણો રસપૂર્વક માણ્યાં. આભાર.
  પતંગ ચગાવવાની ખોટ તો બહુ ભારે લાગે છે અહીં. એટલું જ નહિ, જ્યાં મેં બાળપણ વીતાવ્યું હતું ત્યાં ભાદરવા-આસો માસથી પતંગ ચગાવવાનું શરૂ થતું. મકર સંક્રાંતિ નહિ પણ દશેરાનો દિવસ પતંગ માટે ખાસ ગણાતો. અને તે સમયનું હવામાન પણ બહુુ જ ખુશનુમા રહેતું. ખેતરોમાં જુવાર, કપાસ વગેરે ઊગ્યાં હોય, જે કેટલીક વાર નાનાં હોવાથી ખૂબ રળિયામણા લાગતાં.

 4. મસ્ત વાતો એકદમ … મજા આવી…

  અગાશી સાથે મારો પણ કંઈક આવો જ સંબંધ રહ્યો છે… અત્યાર સુધીમાં હું કુલ ૭ ઘરોમાં રહ્યો છું .. દરેકની અગાશીએ મને-કમને મને સહન કરવો પડ્યો છે… 🙂 પછી એ તમે લખેલા કારણો હોય કે થોડા એક્સ્ટ્રા…જેમકે, પરીક્ષાના દિવસોમાં વાંચવા જવા માટે, ચંદી પડવાના દિવસે ઘારી-ચવાણું ખાવા જવા માટે, સાંજે સુર્યાસ્ત જોવા જવા, બધા મિત્રો બીજા કામમાં વ્યસ્ત હોય અને ઘરે મમ્મી-પપ્પા પણ કશે ગયા હોય અને ટીવી-કમ્પ્યુટરથી કંટાળીએ ત્યારે બસ વગર કોઇ કારણે અગાશી પર જવાનુ…નડીયાદ-બારડોલી ના ઘરોમાં બધા રુમ-મેટ્સ ગયા હોય ઘરે અને હું એકલો હોઉં ત્યારે .. અને નડીયાદમાં તો શિયાળો શરુ થાય તે દિવસો માં રાતે અગાશી પર તાપણું કરીને બેસતા…કોઇ વાર કોલેજથી હું વહેલો આવું અને કોઇ ન હોય તો બસ એમજ સમય પસાર કરવા પહોંચી જવાનું… અને ઘણીવાર તો કોઇ કારણ વગર જ બસ એકાદ કલાક એકાંતમાં ગાળી આવવાની સૌથી સરસ જગ્યા…

  તમારી આ વાતોએ ઘણી બધી યાદોને તાજી કરી દીધી …

 5. Swati says:

  During Holi, Terrace used to be really useful with the privacy and availability of water. We would fill up our balloons with Water and throw at people passsing. They would be angry with us but they won’t bother to come all the way up to sixth floor to catch us.

 6. ભાવના શુક્લ says:

  ધાબુ એ ઘર કરતા એક ડગલુ વધુ વહાલો આત્મીય ખુણો છે. આ વ્હાલપ માટેના બધાજ કારણો મૃગેશભાઈ તથા કૃણાલભાઈએ વર્ણવ્યા તેવાજ છે. લગ્ન પહેલા ધાબાને સમજવા માટે એક અલગ સમજ હતી અને લગ્ન પછી ધાબાને પોતીકુ બનાવતા અનેક કારણો ઉમેરાયા. ધૂળેટી, પતંગ,પાપડીનો લોટ, કપડાની બાલદિઓ, વાંદરાની ધમાલ, અને ઉનાળાની શિતળ રાત્રીઓની સાથે કોમી રમખાણો વખતે ધાબા પર ગાળેલી અજંપાભરી રાત્રીઓ વડોદરા વાસીઓ કેમ ભુલે!!! અહી યુ.એસ.એ. મા ભારતની ‘મીસ’ થતી યાદીમા ધાબુ કદાચ બહુ આગળના સ્થાને છે.

 7. ભાવનાબેન એ તો એક ખુબ જ ભયાવહ યાદ તાજી કરી દીધી… રમખાણો વખતે હું મારા ગ્રેજ્યુએશન સમયે નડિયાદમાં જ હતો… એ વખતે પણ અગાશીનો ઉપયોગ થયેલો …

  અને સ્વાતિબેનએ જે ચીજ કહી એ તો અમે પણ કરેલી ઘણી જ … અમારા એપાર્ટમેન્ટની ૭મા માળની અગાશી પરથી નીચે જતી કાર-ટેમ્પો-ટ્રક પર પાણી ભરેલા ફુગ્ગાઓ ફેંકતા …

  અને આ વાંદરાની ધમાલ પરથી બીજી વાત યાદ આવી.. વલસાડના અમારા અપાર્ટમેન્ટની અગાશી પર સમડીઓ ખુબ જ આવતી.. અને અમે ત્યારે ૮-૯ વર્ષના નાના બાળકો સાંજના સમયે સ્કુલથી આવીને ખુબ જ ધ્યાન રાખીને ડરી ડરીને જતા અગાશી પર જતા…

  તે ઉપરાંત મમ્મી-પપ્પા અને મારી – અમારા ત્રણે જણાની કોઇ ગંભીર ચર્ચાઓ અગાશી પર જ મોટેભાગે થતી .. 🙂

  નવસારીમાં ૭મા માળની અગાશી પરથી બાજુના ઘર વાળા એક ટકલુ કાકાના માથા પર નાની કાંકરીઓ ફેંકવાની પછી એઓ છેક નીચેથી ઉપર જુએ તો પણ ચહેરો તો ઓળખાય નહિ, ફક્ત કપડાનો કલર પારખે.. એટલે ઘરમાં જઈ ટીશર્ટ બદલી ફરી ઉપર આવી જવાનું અને એ કાકા ગુસ્સે થઈ ઉપર આવે ત્યારે કહેવાનું કે હું તો હમણાં જ આવ્યો … અને પેલો છોકરો તો ભાગી ગયો… 😀 આ મસ્તી કરવાની બૌ મજા આવતી … 😀

 8. Anamik says:

  પપ્પા કે મમ્મી ની વઢ ખાધા પછી બધા થી છુપાઈ ને રડવા માટે ધાબા નો એકાન્ત ખુણો વ્હાલા મીત્ર ની ગરજ સારતો. આજે અહિ વિદેશ મા એ મીત્ર ની ખોટ પડે છે.

 9. Rushil says:

  Very nice explaination. i remembered all my days of childhood. It was the most wonderful time when i was used to sleep on terrace in summer night. I had been through most of the things explained here.Thank you very much Mrugeshbhai for reminding those days, which seems very usual, but has lots of nice memories of our childhood. Hope u’ll come up with more of these type of memories.

 10. parul says:

  મારુ ઘર તો ધાબા વાળુ ન હતુ પરન્તુ બાજુ ના ધાબા ઉપર ધમાલ કરવાની મજા પડતી ગરબા ની પ્રેકટીસ તો ધાબે જ થાય ને , મિત્રો સાથે સોલ્જરી કરી ને ઉજાણી તો ધાબે જ થતી બાળપણ ની યાદ અપાવી દીધી તમે. મમ્મી ખિજાય અટલે ઉપર છુપાઈ ને રડવા નુ અને ફરી ખિજાવા નુ નહી ની શરતે નીચે આવવાનુ. હવે ઘર ધાબા વાળુ બની ગયુ ત્યારે ફુરસદ ના સમયે ધાબા પર સ્વ સાથે વાત કરવાની મજા આવે છે.

 11. Harikrishna says:

  Mrugeshbhai,
  Very good article. Brings back my childhood memories of Agashi. Your mention of ઑતરાચિતરાનિ ગરમિ phrase was used by my mother and for a very long time I could not understand its true meaning.
  Harikrishna (London)

 12. અગાશી મારા માટે ખુબજ મહત્વની જગ્યા હતી..અમે જામનગર માં સાધના કોલોનીના Housing Borard ના ફ્લેટમાં રહેતા…ધો. ૧૦, ૧૧ અને ૧૨ મા હું ઘર કરતા ધાબા પર વધારે સમય રહેતો..સવારના ૭ વાગ્યે નિશાળે જવાનુ અને ૧૨ વાગે પાછા આવી, જમી તરતજ ચોપડીઓ લઈને ધાબા પર ચડી જવાનું…

  અગાશીના ખૂણે છાયે બેઠા બેઠા ચોપડીઓ વાંચવાની અને કંટળો આવે તો બાજુની અગાશીમાં આંટા મારવાના, નીચે આવતા જતા માણસોને જોવાના, પંખીઓને જોવાના અને હા, દરરોજ આવતા Indian Airlines અને Reliance ના aeroplane ને જોવાનું.

  ઋતુ પ્રમાણે પતંગ ઊડાડવાના, પાપડ બનાવાના અને કંઈ ના હોય ત્યારે સાદો કાગળ લઈ સૂર્યાસ્ત અને કુદરતી દ્રુશ્યો દોરવાના..

 13. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ્.

  નાના હ્તા ત્યારે અગાશી વાચવાનુ સ્થળ હતુ. લેખ વાચી લાગ્યુ જાણે બાણપણ ફરિ ધાબા પર ચાલ્યુ ગ્યુ…. !

 14. dhara says:

  dear mrugeshbhai,

  reading ur article just now, feeling jealous as staying in mumbai doesnot have that private terrace facility. i love to have terrace flat and that is a dream of mine.i have also played alot in our common terrace during my childhood but……….u r lucky that u have ur own dhaabu and ur parents did allow u to njoy and utise it to the fullest.
  njoyed ur childhood masti.
  dhara

 15. sujata says:

  બ ચ પ ન કે દિન ભિ ક્યા દિન ેથ્…….બ હુ જ મ્ જા આવિ….

 16. અતુલ જાની (આગંતુક) says:

  પાંચ ભુતોમાંથી બનેલા આપણને સ્વાભાવિક રીતે જ પ્રકૃતિનો ખોળો ખુંદવામાં અનેરો આનંદ આવે છે. ઘરની ચાર દિવાલોની સંકુચિતતાઓને છોડીને માનવ અને સર્વે પ્રાણીઓ વિશાળ મેદાનોમાં વિહરવા માંગે છે, ખુલ્લા આકાશમાં ઊડવા માંડે છે, અગાધ જળપ્રવાહનો તાગ મેળવવા ઈચ્છે છે, સુસવાટા મારતા પવનોની પાછળ કઈ તાકાત રહેલી છે તેને પિછાણવા માગે છે અને જેને કોઈ રીતે સમજી નથી શકાતુ તેવા આકાશમાંથી અવાજ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે સમજવા માંગે છે.

  તેની આ જિજ્ઞાસા અને પ્રકૃતિ-પ્રેમને કારણે તે સહજ રીતે ધાબા તરફ આકર્ષાય છે. કારણ કે ધાબુ માનવને તરત જ પ્રકૃતિનો મેળાપ કરાવી આપે છે.

 17. ધાબુ, અગાશી, ગચ્ચી – બધા જ મનભાવતા શબ્દો. રીયલી મૃગેશભાઈ, ઉપર દરેક વાચકોના પ્રતિભાવો વાચીને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે દરેક વ્યક્તિના જીવનમાં ધાબાનું કેટલુ મહત્વ રહ્યુ છે. બાળપણનાં સ્મરણો તાજા થઈ આવ્યા.

 18. Medha Patel says:

  Mrugeshbhai,
  I had similar thougths and seems like you took it. I really miss those days and i wish i can grow my kids in india so that they can enjoy this environment.
  Thanks for reminding old days.

 19. chetna says:

  મ્રુગેશ ભઇ ખરેખર આગશિ નિ એ મઝા કઐક જુદિજ હતિ..અને એત્લુજ કહિ શકુ કે મુમબઈ મા મારિ ઍ પ્રિય વસ્તુ છિનવાઈ ગઈ…. !

 20. nayan panchal says:

  વાહ, મજા આવી ગઈ.

  મેં પણ ધાબા પર મમ્મી-પપ્પા સાથે ઘઉંના લોટની સેવ પાડી છે, પાપડ-પાપડી સૂકવ્યા છે, ચંદી પડવાની રાત્રે ઘારી અને શરદ પૂનમની રાત્રે દૂધ પૌંઆ ખાધા છે, મિત્રો સાથે આઈસક્રીમ પાર્ટી અને ડાન્સ પાર્ટી માણી છે. અરે ધાબા પર ટીવી લઈને મેચો પણ જોય છે. અને ઉનાળાની રાત્રે સૂઈને બીજા દિવસે સવારે વાંદરાના હાથની થપ્પડ પણ ખાધી છે.

  કેટકેટલી યાદો તાજી થઈ ગઈ.

  નયન

 21. khushboo says:

  US મા ધાબુ miss થાય છે.

 22. સરસ લેખ.

  મારા ધાબા પર ચડીને પતંગ ચગાવવાના દિવસો આવી ગયા!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.