સફળતાની સીડીનાં 25 વર્ષ – ઈલા શુક્લ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રીમતી ઈલાબહેનનો (મેરીલૅન્ડ, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો shukla11@verizon.net પર સંપર્ક કરી શકો છો.]

આજે 20 મે એટલે કે અમારા લગ્નનો દિવસ છે. ઘણાં કામો સાથે ભૂતકાળમાં ખોવાઈ જવાય છે. આ 20 મે દર વર્ષે આવે છે અને ચાલી જાય છે. એકેક વર્ષ વધતું જાય છે પણ ક્યારેય આટલું મહત્વ નથી લાગ્યું જેટલું આજની 20 મેનાં 25મા વર્ષમાં લાગે છે.

આજ મારા લગ્નજીવનનાં 24 વર્ષ પૂરાં થયાં. આજથી 24 વર્ષ પહેલાં મારા લગ્ન એક અજાણ્યા યુવાન સાથે થયા હતા. લગ્ન પહેલાં તેમનો મને આછોપાતળો પરિચય હતો. અમારી સગાઈ એક વર્ષ સુધી રહેલ. પરંતુ પૂર્વ-પશ્ચિમનું અંતર હોવાથી ખાસ મળવાનું થયેલ નહીં. વળી, આજથી 25 વર્ષ પહેલાં આજના સુધરેલ સમાજ જેવો સમાજ ત્યારે નહોતો. છોકરીઓ જો છોકરાંઓ સાથે ઊભી રહીને વાતો કરે અથવા ફરવા જાય કે પિક્ચર જોવા જાય, તો છાને ખૂણે છોકરીની બેઈજ્જતી થવાનો સંભવ ખરો. વિનાકારણે છોકરી સમાજની ટીકાનો ભોગ બને.

તે સમયે તેઓ મને કલકતાથી જોવા આવેલા. મને પણ તેમના માટે આડકતરી માહિતી મળી હતી કે તેઓ સી.એ.નું ભણેલા છે, ખુબ હોંશિયાર છે, નામી કુટુંબ છે વગેરે વગેરે… પરંતુ તેમના સિવાય મને ખાસ તેમના કોઈ ભાઈ-બહેનની માહિતી નહોતી. અચાનક એક દિવસ ટપાલીનાં હાથે એક ટપાલ મારા હાથમાં આવી. પોસ્ટકાર્ડ હોવાથી ટપાલ ખુલ્લી અને વાંચી શકાય તેમ હતી. મેં અજાણ્યા મને જરા ઈંતેજારીથી ટપાલ વાંચી તો તેમાં કોઈ યુવાનનો ઉલ્લેખ હતો અને તે અમદાવાદમાં તેના મોસાળ મામાને ઘેર આવવાનો હતો. ત્યાંથી રાજકોટ અમારે ઘેર પણ આવશે તેમ ઉલ્લેખ હતો. પત્ર વાંચતાં તો મારા મનમાં થોડી ઉથલપાથલ થવા લાગી, કારણ કે હું માનસિક રીતે લગ્નજીવન માટે તૈયાર જ નહોતી.તેમ છતાં તે સમયમાં પણ મારા માતા-પિતા ઘણા આધુનિક વિચાર ધરાવતા હતા, જેથી તેમની સાથે ખુલ્લા મને વાત કરતાં સંકોચ નહોતો થતો. મેં મારી બાના હાથમાં પત્ર પકડાવીને પૂછ્યું કે ‘આ શું છે ?’ ત્યારે પ્રથમ મારા બા પણ નવાઈ પામ્યા. જ્ઞાતિનાં હિસાબે ઓળખે ખરાં. પરંતુ વધુ પરિચય નહોતો. તેમણે મારા પિતાજી આવે ત્યાં સુધી ધીરજ રાખવા કહ્યું. મારા પિતાજી આવતા ફરી તે પ્રશ્ન ઊભો થયો. પત્ર વાંચતા મારા પિતાજીએ ફોડ પાડ્યો કે તેમના મિત્રનાં દિકરા કલકત્તામાં નોકરી કરે છે અને આ ઉમેદવારની ભલામણ ઉમેદવારનાં પિતાએ કલકતામાં નોકરી કરતાં પેલા મિત્રનાં દિકરાને કરેલ. અને વળતી ટપાલની રાહ જોયા વગર ઉમેદવારનાં પિતાજીએ અમારે ઘેર સીધો પત્ર લખ્યો.

મેં મારા પિતાજીને જણાવ્યું કે હું હાલમાં લગ્નજીવન માટે તૈયાર નથી. પિતાજીએ શાંતિ અને ધૈર્યથી સવાલ કર્યો, ‘લગ્નજીવન માટે તૈયારી નથી ? કે લગ્ન કરવા નથી ?’ પિતાજીનો સવાલ ખૂબ અટપટો છતાં સાણસામાં પકડી લે તેવો હતો. જવાબ આપ્યો કે લગ્ન તો કરવા જ છે, પરંતુ હમણાં નહીં. સમજાવતા પિતાજીએ કહ્યું કે ‘સારા ઘરનો ભણેલો યુવાન છે. જોવામાં કંઈ ખોટું નથી.’ છેવટે નક્કી એમ થયું કે પિતાજી કંઈ કામસર અમદાવાદ જવાના જ હતા. તેથી તેઓએ કહ્યું કે હું તે યુવાનને તેના મામાને ઘેર જોઈ લઈશ અને યોગ્ય લાગશે તો આપણે ઘેર રાજકોટ આવવાનું નિમંત્રણ પાઠવીશ. હું પિતાજીની વાત સાથે સંમત થઈ. તેઓ અમદાવાદ જઈને આવ્યા. પરંતુ કંઈ જ બોલ્યા નહીં, જેથી મને લાગ્યું કે વાત ટળી ગઈ. બીજે દિવસે અમારા ઘરના નિયમ પ્રમાણે સવારે અમે બધા રસોડામાં ચા પીવા માટે ભેગા થયા ત્યારે તેમણે વાતનો ફોડ પાડ્યો કે તેઓ પેલા યુવાનને તેના મામા સાથે અમારે ઘેર આવવાનું આમંત્રણ આપી આવ્યા છે. એક મિનિટ તો મને ન સમજાયું કે શું કરવું ? અગર યુવાન ઘેર આવે અને તે અથવા હું એકબીજાને પસંદ ન પડીએ તો કેવી રીતે જવાબ દેવાય ? વગેરે વગેરે ઘણા પ્રશ્નો મનમાં આવી ગયા.

વણપૂછ્યે પિતાજીએ યુવાનનું વર્ણન કર્યું. ‘ભણેલ-ગણેલ છતાં નમ્ર. ખૂબ જ તરવરાટ અને મુશ્કેલીમાં માથુ કાઢે. હસમુખો ચહેરો અને તે હસતા ચહેરાની બત્રીસીનું પ્રતિબિંબ પડે ચશ્માની ફ્રેમમાં ! ભવિષ્યમાં વિદેશ જવાની સંભાવનાય ખરી. તેની સાથે લગ્ન કરેલ છોકરી કદી દુ:ખી ન થાય.’ પિતાજીનું આવું ટૂંકું ટચ વર્ણન સાંભળી મનેય તે યુવાનને જોવાની કુતુહલતા જાગી એટલે તેમના રાજકોટ આવવા વિશે મેં કંઈ વિરોધ ન ઉઠાવ્યો. જોગાનુજોગ તે જ સમયે મારી મોટીબહેન જે મારા મિત્રની જેમ ખૂબ જ નિકટ છે, તેઓ પ્રથમ વખત નાનીબેબીને લઈને જીયાણુ કરવા આવેલ અને પાછા જવાના હોવાથી પૂ. બનેવી પણ તેમને તેડવા આવ્યા હતા. આમ આખું ઘર ભરેલું હતું.

અંતે રવિવારની સવાર આવી. ઘરમાં બધાના મનમાં ઈંતેજારી ચાલ્યા કરે. ઘરમાં તે વખતે કામવાળી ન હોવાથી બધું જ કામ જાતે કરવું પડતું હતું. અમે ત્રણે બહેનોએ બધા જ કામ ત્વરાથી પતાવી દીધા. મોટીબેનને તો નાનીબેબી હોવાથી અને આમપણ સાસરેથી આવ્યા હોવાથી કંઈ પણ કામ ન કરાવાય. આગળના વખતમાં એવું માનતા કે દીકરી સાસરેથી આવે એટલે માંને ઘેર એને પૂરતો આરામ મળવો જોઈએ.

ખેર, બરાબર 11ના ટકોરે, મધ્યાહૃનનો સૂરજ તપે તે પહેલાં બહારનો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. એક સાથે ઘરનાં બધા જ સભ્યો બેઠકરૂમની બારી ભણી દોડ્યા. મને મનમાં સંકોચ થયો. સાથે મનમાં થયું કે મારે તો જોવાનો જ છે, તો પહેલાં બીજાનાં અભિપ્રાયો શું કામ ન લઈએ ? મારી ‘બા’ તથા મારા ‘પિતાજી’ તેમનું સ્વાગત કરવા બેઠકરૂમ તરફ આગળ વધ્યા. યુવાન સાથે તેમના મામા આવેલા. બધાએ બેઠકરૂમમાં સ્થાન લીધું અને આપણા સમાજમાં જેમ સામાન્યપણે થાય છે તેમ આગળ-પાછળની ઓળખાણ, શું ભણેલા ? ભવિષ્યમાં શું કરવાના ? વગેરે વગેરે સવાલો અને જવાબો.

ત્યાં બેઠક રૂમમાંથી ચા મૂકવા માટે બાનો અવાજ આવ્યો. વળી થોડી વારમાં ચા નથી પીતા તો મસાલાવાળું દૂધ બનાવવાનો અવાજ સંભળાયો. આગળથી નક્કી થયા પ્રમાણે મારે જ બધું બનાવી જાતે લઈ જવાનું હતું જેથી હું પણ આવનાર ઉમેદવારને જોઈ શકું. અમારા ઘરમાં મારા માતા-પિતાને એવી માન્યતા કે ‘તમોને કોઈ જોવા-મળવા આવે તો તમો જેમ ઘરમાં છો એવા જ રહેવાનું, તેમાં કૃત્રિમતા નહીં લાવવાની.’ જેથી હંમેશની જેમ સામાન્ય રીતે ઘરમાં સ્કર્ટ-બ્લાઉઝ પહેરીએ તેમ મેં પહેરેલા. ચા-દૂધ-નાસ્તાની ટ્રે સાથે મેં પ્રવેશ કર્યો.

મારી પ્રથમ નજર મારી બા પર પડી. જેઓના મોં પરથી એવું લાગતું હતું કે તેમને પોતાની પુત્રી માટે ગર્વ છે. મારા પિતાજી નોર્મલ હતા અને યુવાન સાથે વાત કરતાં હતા. યુવાનનાં મામાની નજર મારા પર હતી. મારો સંકોચ દૂર કરવા મેં સીધો જ તેમના મામાને ચાનો કપ પકડાવતા પૂછ્યું : કેમ છો ? મનમાં મલકાતા મામા તુરત જવાબ ન આપી શક્યા અને તે તક ઝડપી લેતાં મારી બાએ મને ત્યાં ખુરશી લઈને બેસવા કહ્યું, પરંતુ સંકોચાવશાત પેલો યુવાન મારી સામે જોવાની ઈચ્છા ધરાવવા છતાં જોઈ શક્તા નહોતા.

ચા-નાસ્તો પતાવ્યા બાદ મને આવનાર યુવાનને ઘર દેખાડવાનો આદેશ મળ્યો. જેની પાછળનો ઉદ્દેશ હતો કે એકબીજાને નજીકથી જોઈને ઓળખી શકાય. ઘર જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થઈ ગયા. તેમણે મારું નામ પૂછ્યું અને મેં તેમનું. ફરી બેઠકખંડમાં આવ્યા. યુવાને બપોરનાં શૉમાં પિક્ચર જોવા જવાની માગણી કરી. મારા પિતાજીએ તુરત જ ટિકિટ લેવા માટે માણસ દોડાવ્યો. યુવાનનાં મામાએ આદેશ કર્યો કે યુવાન સાથે તેની બહેન પણ જશે. યુવાનની બહેનને એકલું ન લાગે એટલે મારા બે નાના ભાઈ-બહેનને મારી સાથે રવાના કર્યા.

આમ અમે પાંચ પરમેશ્વરનાં પ્રતિકસમા પિકચર જોવા ગયા. પિક્ચરમાં હું યુવાનની બાજુમાં જ બેઠી હતી. 22 વર્ષની વયે પ્રથમવાર હું કોઈ અજાણ્યા યુવાનની પાસે બેસી પિક્ચર જોતી હતી. બંનેએ પિક્ચર દરમ્યાન ઘણી વાતો કરી. પિક્ચર પત્યા બાદ છૂટા પડવાનો વારો આવ્યો ત્યારે યુવાનનાં મોં પરથી એવું લાગતું હતું કે તેને દૂર જવું ગમતું ન હતું. મને નાના ભાઈ-બહેન અને યુવાનની બહેન વચ્ચે કંઈક સંકોચ જેવું લાગતું હતું. કંઈ વધુ વાત કર્યા પહેલા અમે ઘેર જવાની રજા માંગી, તો યુવાને કોઈ રેસ્ટોરન્ટમાં થોડી વાર બેસી ઠંડુ પીવા માટે આગ્રહ કર્યો. અમે સર્વે થોડીવાર બેઠા. શેઈક પીધો અને વળી છૂટા પડવાનો સમય આવ્યો તો યુવાને કહ્યું : ‘હું ઘેર મૂકી જાઉં.’ અમે “ના” પાડતા કહ્યું કે ‘બધું જ અમારું જાણીતું છે’ અને મિનિટની એકલતા સાંપડતા ધીમા અવાજે યુવાને મને પૂછ્યું…. ‘ઘરે જઈને શું કહેશો ?’ જે આજે લગ્નને ચોવીસ વર્ષેય મારા કાનમાં ગૂંજે છે. મેં ખૂબ જ નમ્રતાથી કહ્યું કે, ‘જે પણ જવાબ હશે, મારો ભાઈ તમારા ઘેર આવીને કહેશે.’ સામાન્ય રીતે સ્ત્રીની યુવાની શાંત છતાં નટખટ હોય છે. યુવાનની ઈંતેજારી વધી ગઈ. પૂર્વથી પશ્ચિમ કન્યા જોવા આવ્યા બાદ અને આજથી 25 વર્ષ પહેલાં તો રાજકોટથી મુંબઈ પણ પરદેશ કહેવાતું તો આ તો કલકત્તા હતું. ટ્રેઈનમાં ત્રણ દિવસનો રસ્તો. એટલે યુવાનને તો એમ જ થયું કે તે પરદેશથી સામાન્ય ગામડાની છોકરીને જોવા આવ્યો છે પરંતુ અમારે ઘેર આવ્યા બાદ તેનો અભિપ્રાય કદાચ બદલાઈ ગયો હશે.

ત્યાંથી છૂટા પડ્યા બાદ અમે ઘેર આવ્યા. મારા પિતાશ્રીએ મને મારો અભિપ્રાય પૂછ્યો. ક્ષણભર તો મને કશું જ સમજાયું નહીં કે શું કરવું ? પ્રથમ મેં મારા ભાઈ-બહેનોને અભિપ્રાય પૂછ્યો જેનો જવાબ સામાન્ય રીતે સમજી શકાય. બધા જ ભાઈ-બહેનો મારા જવાબ માટે ઊંચા-નીચા થઈ રહ્યા હતા. બધાને છોકરો પસંદ આવ્યો. ફરી એકવાર મેં મારા પિતાશ્રીનો અભિપ્રાય જાણ્યો, તો તેઓએ કહ્યું કે, ‘તારા વિચારો પ્રમાણે તારે ભણેલ યુવાન સાથે તારું જીવન જોડવું છે તો મારા અભિપ્રાય પ્રમાણે આ યુવાન યોગ્ય છે.’ અને પિતાજીના એ એક જ વાક્ય પર વિશ્વાસ કરી મારું જીવન તે જ ક્ષણે મેં તે યુવાનનાં નામે કરી દીધું. જેના ફળ સ્વરૂપ આજ 25 વર્ષનાં લગ્નજીવન સાથે મારો સંસાર હસતા ખીલતા બાગ જેવો છે. અમારા સફળ સંસારનાં પ્રતિકસમા બે ફૂલ પણ અમારા બાગમાં ખીલ્યા છે, જેની સુમધુર સુવાસથી અમારો બાગ મહેંકે છે.

આજે પણ હું એટલું જ માગું છું (જો કે આટલા વર્ષોમાં મને સર્વસ્વ માગ્યા વગર જ મળ્યું છે.) અમારો આ બાગ સદાય મહેંકતો રહે અને દુનિયામાં પણ તેની સુવાસ સદાય ફેલાતી રહે. વાચકમિત્રો અને સમાજને એટલું કહેવાનું કે આ 25 વર્ષ મેં જેટલા સરળતાથી તમારી સામે રજૂ કર્યા જાણે એમ લાગે કે જીવન કેટલું સરળતાથી પસાર થાય છે. પરંતુ જો જીવન સરળતાથી સરી જાય તો જીવનનું, જીવનસાથીનું કે આપણા સંયુક્ત કુટુંબનું કંઈ મહત્વ જ ન રહે. મારા 25 વર્ષમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા. રૂઢીચુસ્ત રિવાજો સાથે તાલ મિલાવી તેમને નવા સમાજ અને આધુનિક સભ્યતા સાથે ઓળખ કરાવી. આ બધી ચીજોનો સામનો કરતાં ઘણી વાર જીવનસંગ્રામ હારી જવાશે તેવી ભીતિ પણ લાગેલી. પરંતુ સંયુક્ત જીવન સુવર્ણરીતે જીવવાની એક જ ચાવી છે, જે આજનાં સમાજમાં ઓછી જોવા મળે છે. નવા અને જૂના જમાના સાથેની સમજુતી (understanding) સૌથી મહત્વનો ભાગ ભજવે છે. જો તમારી પાસે સંયુક્ત પરિવારમાં રહીને understanding હશે તો તમે હસતા હસતા બધી જ મુશ્કેલીઓનો સામનો સરળતાથી કરી શકશો. તમારી સાસુને તમે ‘મા’ નો દરજ્જો આપશો તો ગમે તેવી કઠોર સાસુ પણ તમારી ‘મા’ થશે. ઘરનાં બીજા બધા સભ્યોને તમારી પ્રેમહૂંફની લાગણીથી નવાજશો તો તે તમારાં પોતાનાં ભાઈ-બહેન થઈ તમારા સુખદુ:ખમાં સાથ આપશે.

મિત્રો, આખરે મારે એટલું જ કહેવાનું કે : ‘Life is challenge, accept it’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ધાબાપર – મૃગેશ શાહ
લૂંટાલૂંટ – ‘અભિપ્રેત’ Next »   

15 પ્રતિભાવો : સફળતાની સીડીનાં 25 વર્ષ – ઈલા શુક્લ

 1. ગાંડાભાઈ વલ્લભ says:

  ‘Life is challenge, accept it’ કહેવાને બદલે મને તો નરસિંહ મહેતાની આ ઉક્તિ વધુ ઉચિત લાગે છે.
  ‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે’ Everything is just happening, you are doing nothing.

  એટલે કે જે કંઈ સંભવી રહ્યું છે તેનો સ્વીકાર કરો.

 2. સુંદર વાત …

 3. ભાવના શુક્લ says:

  બહુ સુંદર અને સમજવા જેવી વાત..સાવ સરળ શબ્દોમા!!!!

 4. sudhakar hathi says:

  સામાન્ય રિતે દરેક સ્તિ ના જિવાન મા બનતિ વાત
  સુધાકર

 5. Nilesh Vyas says:

  ૨૫ વર્ષ પહેલાની વાત જાણી… ઘણા ગુજરાતી કુંટુંબોમાં હાલમાં પણ આવા પ્રસંગો થતા હોવાનું જોવામાં આવે છે.

 6. ૨૫ સાલ લગ્ન જિવન ના ઉતાર ચડાવ અને જવનસગ્રામ મા ઝઝુમિ ને આજ નિ જનરેશન ને સયુકત જિવન જિવાનિ ચાવિ આપિ સારુ માગ દશન આપ્યુ ,,સાસુ ને મા નિ જેવો દર જ્જો આપિ એ તો તે પણ મા નુ દિલ ,,આપણુ જિવન સરળ થઇ જશે,,,૨૫ સાલ તો સુ ૫૦ સાલ પણ પ્રેમ થિ જિવન જિવા મા મધુર લાગ શે ,,,,તમારિ જેમ અમારે પણ ૨૭ સાલ પ્રમ થિ સારા ગયા તમારો લેખ માર દિલ ને પણ સ્પ્રર્સિ ગયો

 7. NIRAJ SHAH says:

  ઘનો સુન્દર લેખ્

 8. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સુન્દર્

 9. અતુલ જાની (આગંતુક) says:

  સફળતાની સીડીનાં 25 વર્ષ –

  આખી સીડીમાં પ્રથમ પગથીયાં વીશે જ વાત કરવામાં આવી છે જ્યારે બાકીના પગથીયાં વીશે તો માત્ર અછડતો ઉલ્લેખ કરીને જ વિરમ્યાં છો.

 10. સુંદર સાલસ લેખ. ઇન ફેક્ટ, જીવન સારી રીતે જીવવા માટે સમજૂતિ બહુ જ જરુરી છે.

 11. Payday loan online….

  Payday loan az. Payday loan. Payday loan without a checking account. Honest payday loan. Payday loan months to pay uk. Instant payday loan. Quick cash payday loan utah. Payday loan utah….

 12. Dharti Patel says:

  May all your dream come ture in your entire life….bleesings from friend

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.